ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇએ.
– રાજેન્દ્ર શુકલ

(મુફલિસની રેવડી) – હરીશ મીનાશ્રુ

એક મુફલિસની રેવડી જાણે
છે કયામતની આ ઘડી જાણે.

તરસને ઘૂંટણે પડી જાણે,
એ જ પી જાણે લડખડી જાણે.

રિન્દની આ રસમ ઈબાદતની,
તેજ સાથે તડાફડી જાણે.

મૂક પરથમ પહેલાં મસ્તક તું,
એ રીતે કે ન પાઘડી જાણે.

આભ ફાડે છે ખુદ રફુગર થૈ,
ચાલ ચાલે છે બેવડી જાણે.

કોણ આવ્યું કે ઘરની ભીંતો પણ
આમ કરતી પડાપડી જાણે.

તોછડી છે એની રહેમતની અદા,
આપણી કૈં નથી પડી જાણે.

એને મઝધાર શું કિનારો શું ?
પાણી વચ્ચે જે તરફડી જાણે.

એના આવ્યાના સહેજ ભણકારે,
આ ગલી પડશે સાંકડી જાણે.

આ ગઝલ એમની ઇશારત પર,
વાત પરખાવે રોકડી જાણે.

–હરીશ મીનાશ્રુ

અદા અનોખી છે, વાતો નોખી છે. મજબૂત ગઝલ….

2 Comments »

  1. pragnajuvyas said,

    February 23, 2022 @ 9:17 PM

    ઉફરા તરી આવતા વિષયો, અરુઢ ભાષા, અસામાન્ય બાની અને અભિવ્યક્તિની મૌલિકતાના કારણે કવિશ્રી હરીશ મીનાશ્રુની રચનાઓ બિલકુલ નોખી તરી આવે છે .
    એક મુફલિસની રેવડી જાણે
    છે કયામતની આ ઘડી જાણે.
    અદભુત મત્લા
    વેધક કટાક્ષ કરતી હળવી લાગતી આ ગઝલ
    આ ગઝલ એમની ઇશારત પર,
    વાત પરખાવે રોકડી જાણે.
    સંવેદનશીલતા, પારદર્શકતા, નિર્ણાયકતા , પ્રગતિશીલતાની તાજગી, ચેતના યુક્ત અંતે આપણા હૃદયને ભારઝલ્લું કરી જાય છે
    ડો તીર્થેશનો સ રસ આસ્વાદ

  2. હરીશ દાસાણી.મુંબઈ said,

    February 26, 2022 @ 1:02 PM

    હરીશ મીનાશ્રુની કવિતાઓ એટલે લાડુ અને સાથે મસ્ત મસ્ત ભાખરવડી જાણે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment