આપણે રહેવાનું કેવળ આપણામાં
આપણે મળવાનું કેવળ ધારણામાં.

હૂંફ શાને શોધે છે તું તાપણામાં?
એટલી ઉષ્મા નથી શું આપણામાં?
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2010

ગઝલ – હર્ષદ ત્રિવેદી

યુગો પછીથી આપને મળવાનું મન થયું,
ચાલ્યા ગયેલા વ્હાણને વળવાનું મન થયું !

એવું તે ક્યાં હતું કે તમને ભૂલી ગયો ?
માણસની પૂરી જાતમાં ભળવાનું મન થયું !

પાણી હતાં તે મન થયું, બનીએ ચલો બરફ,
બરફાવતારમાં જ પીગળવાનું મન થયું !

વ્હેલી સવારે તો ભલેને રંગ પાથર્યા,
કિન્તુ ઢળી જો સાંજ તો ઢળવાનું મન થયું !

કુર્નિશ ન આવડી, અક્કડ ઊભા રહ્યા,
તમને જરાક જોઈને લળવાનું મન થયું !

હર્ષદ હજીયે રોજનો ઉકળાટ છે જ છે,
વરસાદમાં અમથાં જ નીકળવાનું મન થયું !

-હર્ષદ ત્રિવેદી

મનની વાત હોય એટલે અસ્થિરતાની વાત હોવાની. ‘મન થયું’ રદીફ વાપરી હોય એ ગઝલના દરેક શેરમાં મનની ચંચળતા અને વિચારોનું અસ્થિર વલણ નજરે ન ચડે તો કદાચ ગઝલ વિફળ નીવડે. પણ સદભાગ્યે અહીં કવિ મનને બખૂબી ઉપસાવી શક્યા છે. દરેકેદરેક શેર સમાનભાવે આસ્વાદ્ય થયો છે…

Comments (12)

મુક્તક – ઇજન ધોરાજવી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.

– ઇજન ધોરાજવી

Comments (7)

દુ:ખની સ્વીકૃતિનું ગીત – ભાનુપ્રસાદ પંડ્યા

સુખ તો સોહામણું છાયલ, ઓ વાલમા !
દુ:ખ તો ત્રોફેલ ડિલે છૂંદણું,
ઓલ્યું તો વાયરાની ઝાપટમાં ઊડે
આ રૂંવાડે કોર્યુ ભાઈબંધણું !

લિસ્સેરું અડકીને અળગું જે થાય
એની સરતા સમીર જેવી માયા,
અણિયાળું થઈને જે ઊતરતું અંગ અંગ
એના તો પ્રાણ સુધી પાયા !
સોનારે નહીં કોઈ મણિયારે નૈં,
આ તો જનમારે ઘડિયેલું ઝૂમણું.

નાગણના દીધેલા લીલાછમ ડંખ જેવું
જિંદગીની કાયા પર શોભતું,
ભવભવની વાટેથી વળગેલા રજકણની
એંધાણી થઈને એ ઓપતું !
આળખેલી પિયળ શું પળનું મે’માન નથી,
હરદમ ઝિલમિલ થતું ઈંધણું !

– ભાનુપ્રસાદ પંડ્યા

સુખની સ્વીકૃતિનું ગીત તો કેમ હોઈ શકે, સુખ તો આપણને સહજ સ્વીકાર્ય છે.  અહીં ગ્રામનાયિકા સુખ અને દુ:ખની લાક્ષણિકતા પોતાની આગવી લઢણમાં દર્શાવે છે.  એને મન તો સુખ એક સોહામણા  ‘છાયલ’ જેવું છે, જે એના અંગે સ્પર્શે તો છે પરંતુ એ વાયરા જેવું ચંચળ અને લીસ્સું હોઈ ઊડીને અને અડીને અળગું પણ થઈ જાય છે.  જ્યારે દુ:ખ તો એને મન અંગે ત્રોફાવેલ એક છૂંદણા જેવું છે, જે માત્ર અંગને અડતું નથી પરંતુ અંગનો એક અવિભાજ્ય ભાગ બની ગયેલ છે – રૂંવાડે કોરાઈ ગયેલ છે – બિલકુલ કોઈ વ્હાલા સ્વજનની જેમ.  વળી વાયરો તો ક્ષણજીવી છે. જ્યારે સૌંદર્યના શણગારની જેમ છૂંદણાં ત્રોફાવતી ગ્રામનાયિકાને મન છૂંદણાનો મહિમા અનેક ઘણો મોટો છે, જેને એ ‘ભાઈબંધણું’ કહીને જીવનમાં એની અગત્યતા અને દૃઢતા બતાવે છે.  નાયિકાને દુ:ખની સહેજે ફરિયાદ નથી, એને તો એ સહજ સ્વીકાર્ય છે.  કારણ કે એ કહે છે કે એનું ‘છૂંદણું’ કોઈ સોનારે કે મણિયારે એને નથી ઘડી આપ્યું, બલ્કે ખુદ એના જનમારાએ જ એને ઘડ્યું છે –  જે ઉક્તિ કદાચ એક ગ્રામિણનારીનાં જીવનમાં વણાઈ ગયેલા ‘સહજ દુ:ખ’ને વધુ ઉજાગર કરે છે.

પરમ દિવસે જ ધવલે મૂકેલું વિપિન પારેખનું સુખ-દુ:ખ વિશેનું એક અછાંદસ – સુખ-દુ:ખ – ન માણ્યું હોય તો જરૂરથી માણવું ગમશે.

Comments (12)

– લાભશંકર ઠાકર

અંધકારમાં અકથ્ય એકાંતમાં
નીરવ સમયમાં તરફડતું એક પક્ષી છું,
તેવા કથનમાં તો માત્ર અને માત્ર
વાગ્મિક અલંકાર રચાયો.
તે રચનામાં હું નથી તેની મને જાણ છે
પણ હું શું અને ક્યાં છું તેની અને
શા માટે છું તેનીય મને જાણ નથી !
મારા કોઈ ભાષિક કથનમાં
એક વાર પણ મેં મને જોયો નથી,
પ્રચંડ જુઠ્ઠાણાં મારાં છે
પણ રે તેમાંય  હું નથી.

-લાભશંકર ઠાકર

વો પૂછતે હૈ હમસે કે ગાલિબ કૌન હૈ ? એ સવાલના જવાબમાં તો ગાલિબે પણ ટોપીમાં હાથ નાખવો પડેલો 🙂

પોતાની જાત વિશે ખરી ખબર તો કોઈને હોવી શક્ય જ નથી. પણ પોતાની જાત વિશે જે કાંઈ ખબર છે એને ખરેખર પોતાના લખાણમાં પ્રગટ થવા દેવાનું કેટલાનું ગજું છે ? જે કાંઈ લખાયું એ આત્મવંચના જ હતી અને છે (અને રહેશે?), એ સત્ય કહેવાવાળા કેટલા ?

Comments (9)

સુખ-દુ:ખ -વિપિન પરીખ

સુખ,
ચાલીના નળમાંથી માંડમાંડ ટપકતું  પાણી ટીપે ટીપે.
દુ:ખ,
ચર્ચગેટના સ્ટેશન પર
ઊતરતાં ટ્રેનમાંથી એક પછી એક
માણસોના મોજાં…
દરિયો…

– વિપિન પરીખ

ચંદ શબ્દોના લસરકાથી તીણું શબ્દચિત્ર દોરવાની વિપિન પરીખની આવડત અદભૂત છે. મુંબઈના માણસના સુખ-દુ:ખનો હિસાબ એની જ ભાષામાં કવિએ કરી આપ્યો છે.

Comments (10)

ગઝલ – આદિલ મન્સૂરી

ધરતી ઓગાળવા મથે છે મને
અગ્નિ સૌ બાળવા મથે છે મને

સામા પૂરે હું ઝંપલાવું તો
વાયુઓ ખાળવા મથે છે મને

ચાકડો આમ શું ફરે ખાલી
કે કોઈ ઢાળવા મથે છે મને

આ સઘન અંધકારની વચ્ચે
કોઈ અજવાળવા મથે છે મને

હું ક્ષણેક્ષણ સતત વિખેરાઉં
ને યુગો ચાળવા મથે છે મને

બૂમ હું તારા નામની પાડું
મૌન ત્યાં વાળવા મથે છે મને

આ કબરની અનંત નિદ્રામાં
સ્વપ્ન પંપાળવા મથે છે મને

– આદિલ મન્સૂરી

પંચમહાભૂતમાં જયારે એક અદૃષ્ટ તત્ત્વ ભળે છે ત્યારે જીવન -ચેતના- સર્જાય છે. આ ચેતના પંચમહાભૂતની કેદને અતિક્રમીને પરમચેતનામાં લીન થવા ઝંખે છે અને પંચમહાભૂત તેને જકડી રાખે છે. પરંતુ પરમચેતના મને ચાહે છે,મારા પ્રત્યે અનુરાગી છે તે ચોક્કસ….તેથી જ જુદા જુદા રૂપે મને તે પોતાના અસ્તિત્વનો આછો અણસાર આપતી રહે છે.

Comments (10)

કબાટમાંનાં પુસ્તકો – શંકર વૈદ્ય (અનુ. અરુણા જાડેજા)

પુસ્તકો સપનામાં આવે અને પૂછે,
‘તેં અમને ઓળખ્યાં કે?’
વાત કરતાં કરતાં પુસ્તકો ઓગળે
અને અથાગ પાણી થઈને છલકાતાં પૂછે,
‘તું ક્યારેય અમારામાં નાહ્યો છે કે ? તર્યો છે કે ?’
પુસ્તકો પછી ઘેઘૂર વૃક્ષ થઈ જાય
અને પૂછે,
‘અમારાં ફળો ક્યારેય ખાધાં છે કે ?
છાયામાં ક્યારેય પોરો ખાધો છે કે ?’
પુસ્તકો ફરફરતો પવન થઈ જાય
અને પૂછે,
‘શ્વાસ સાથે ક્યારેય અમને હૈયામાં ભર્યાં છે કે ?’
પુસ્તકો આવું કશુંક પૂછતાં રહે
એક પછી એક
દરેક પ્રશ્નનો મારી પાસે જવાબ નથી હોતો
બેસી રહું ચૂપચાપ બસ એમની સામે જોતો.
ક્યારેક પુસ્તકો કાચના કબાટમાં જઈને બેસે
અને કહે,
એટલે સરવાળે તો અમારી જિંદગી ફોગટ જ ને
પુસ્તકો મૂંગાંમંતર થઈ જાય
ઝૂર્યે જાય
જાતને ઊધઈને હવાલે કરે એ –
આખરે આત્મહત્યા કરે
ઘરમાં ને ઘરમાં જ
બંધ કબાટના કારાગૃહમાં !

– શંકર વૈદ્ય (મરાઠી)
અનુ. અરુણા જાડેજા

ગઈકાલે પુસ્તકદિન ગયો. આ કવિતા તાજી જ વાંચી હોવાનો ભાસ હતો પણ બે-ત્રણ કલાકોની શોધ-ખોળ પછી પણ એ ન જડી તે ન જ જડી. પિન્કીની ‘વેબમહેફિલ‘ પર અચાનક અરુણા જાડેજાની પુસ્તકો વિશેની જ એક રચના વાંચી અને મનમાં ઝબકારો થયો. કબાટમાં હાથ નાંખ્યો અને ક્ષણાર્ધમાં કવિતા હાથમાં… આભાર, પિન્કી!

આજની આ કવિતા ધ્યાનથી વાંચીએ અને એકાદ પુસ્તકને કબાટના કારાગૃહમાંથી આઝાદ કરવાનો સંકલ્પ કરીએ તોય ઘણું…

Comments (14)

ગઝલ – ડૉ. જગદીપ નાણાવટી

એટલું પણ યાદ આવ્યા ના કરો
કે રગે રગ શૂળ થઈને પાંગરો

એક તો ભીનાશ, ને તારી હવા
આંખમાં વાવી દીધો ઉજાગરો

સાત પેઢી દૂરના પાયા અમે
ઓળખે ક્યાંથી બિચારો કાંગરો

એટલું પૂછ્યું કે બીજો ક્યાં મળે
એટલામાં એ ખુદા, કાં થરથરો ?

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો

– ડૉ. જગદીપ નાણાવટી

વેદનાથી વલૂરાયેલી ગઝલ. બધા જ શેર ઘેરા રંગના પણ માણવા ગમે એવા થયા છે. વિરસાસન્ન આંખોમાં તરવર્યા કરતી ભીનાશને પ્રિયતમાની યાદનો પ્રાણવાયુ મળે તો ઉજાગરાનો છોડ જ ઊગી આવે ને?  પણ મને પાયા અને કાંગરા વચ્ચેનો સંબંધ અને દૂરતાવાળો શેર અને છેલ્લા શ્વાસની વાતનું નાવીન્ય વધુ સ્પર્શી ગયું…

Comments (11)

ગઝલ – હનિફ રાજા

પળ, પ્રહર ને દિન દરિયો, રાત દરિયો થૈ ગઈ,
જળતણું વળગણ થયું ને જાત દરિયો થૈ ગઈ.

કેટલી ગુમ થૈ જતી રણમાં જ નદીઓ આમ તો,
કેમ મારાં આંસુઓની વાત દરિયો થૈ ગઈ ?!

જાન દેવી પણ અમારી માત્ર નાદારી ઠરી;
એમની ચપટીભરી ખેરાત દરિયો થૈ ગઈ.

મુગ્ધભાવે સાવ કાચી ઉમ્મરે એક છોકરી;
માત્ર બોલી, ‘હુંય દરિયો થાત’, દરિયો થૈ ગઈ.

એ નદી, કે જે પહાડો વીંધતી વહેતી હતી;
કેટલા નાજુક હશે હાલાત, દરિયો થૈ ગઈ.

વેદનાની વાત જ્યારે હોઠ પર આવી ગઈ;
આંખ જેવી આંખ પણ સાક્ષાત્ દરિયો થૈ ગઈ.

એક સહરા-શી હતી મારી ગઝલ તો પણ ‘હનિફ’;
જ્યાં મળી એ કંઠની સોગાત દરિયો થૈ ગઈ.

– હનિફ રાજા

દરિયામાં દરિયો થઈ જઈએ ત્યારે નખશિખ તરબતર થઈ જવાય એવી જ રીતે આ ગઝલ સરાબોળ ભીંજવે છે. રદિયો થૈ ગઈ જેવી રદીફને કવિએ કેટલી બખૂબી નિભાવી છે! નદી અને દરિયાના મિલન વિશે કેટલા બધા કવિઓએ કેટલા બધા આયામથી વિચાર્યું હશે!

Comments (17)

ગઝલ – રાકેશ હાંસલિયા

આ ખભે શાથી જમેલો રાખીએ ?
સાવ ખાલી ‘હું’નો થેલો રાખીએ.

શી ખબર અંધાર ક્યારે ખાબકે ?
એક દીપક પેટવેલો રાખીએ.

સંત હોવાનો ન રહે મિથ્યા ભરમ
હાથને બસ સ્હેજ મેલો રાખીએ.

શક્ય છે ક્યારેક ઉત્તર પણ મળે,
પત્ર એને પાઠવેલો રાખીએ.

જીવવા એકાદ કારણ જોઈએ,
જીવને ક્યાંક ગૂંચવેલો રાખીએ.

– રાકેશ હાંસલિયા

રાજકોટના કવિ રાકેશની વધુ એક ગઝલ. ગઝલના મોટાભાગના શેરોમાં કહેવાયેલી વાત કદાચ નવી ન લાગે પણ જે તાજગીથી આખી વાત અહીં કહેવામાં આવી છે એની જ ખરી મજા છે. થોડા અરુઢ કાફિયા અને સાફ અને સરળ બયાનીના કારણે શેર વધુ ઉઠાવ પામે છે. પત્રવાળો શેર વાંચીએ ત્યારે મિર્ઝા ગાલિબ જરૂર યાદ આવે: क़ासिद के आते आते ख़त इक और लिख रखूँ , मैं जानता हूँ जो वो लिखेंगे जवाब में |

Comments (12)

ક્ષણ બની – કિસન સોસા

બે ઘડી તું ઘર બની, ઉંબર બની, આંગણ બની;
કંકણે રણકી ઊઠી, સિંદૂરે સોહાગણ બની.

સ્વપ્ન જેવું યાદ તારું ઘૂંઘટે ઢાંક્યું વદન;
કેડીએથી તું વહી ચાલી ઝીણી રણઝણ બની.

રેતમાં જળના ચરણ કેટલું ચાલી શકે ?
આખરે થાકી નદી રણમાં ઠરી ગૈ રણ બની.

જે કદી સ્વપ્નેભર્યા વિસ્તૃત સમય જેવી હતી,
એ સમેટાતી સમેટાતી હવે એક ક્ષણ બની.

– કિસન સોસા

પહેલા શેરમાં કુમકુમવરણા સૌભાગ્ય-સૌદર્યનું જે સંક્ષિપ્ત પણ મદમદ વર્ણન છે – કહો, બીજે ક્યાંય જોયું છે ? એક જ શેર આજનો આખો દિવસ સોનેરી કરી દેવા પૂરતો છે ! બીજા શેરમાં ચાલનું શ્રાવ્ય વર્ણન અને છેલ્લામાં વિસ્તૃત સ્વપ્ન સંકેલાઈને છેવટે યાદની એક ક્ષણ બની રહેવાની વાત પણ અસરદાર રીતે આવી છે.

Comments (8)

વારિસશાહને – અમૃતા પ્રીતમ

આજે વારિસશાહને કહું છું –
કે તમારી કબરમાંથી બોલો !
અને પ્રેમની કિતાબનું
કોઈ નવું પાનું ખોલો !

પંજાબની એક દીકરી રડી હતી
તેં એની લાંબી કહાણી લખી,
આજે લાખો દીકરીઓ રડે છે
વારિસશાહ ! તને એ કહે છે:

એ દીનદુખિયાંના દોસ્ત,
પંજાબની હાલત જુઓ
મેદાનો લાશોથી ખડકાયેલાં છે.
ચિનાબ લોહીથી ભરાઈ ગઈ છે.

કોઈએ પાંચેય નદીઓમાં
ઝેર ભેળવી દીધું છે
અને આ જ પાણી
ધરતીને સીંચવા માંડ્યું છે

આ ફળદ્રુપ ધરતીમાંથી
ઝેર ફૂટી નીકળ્યું છે
જુઓ, લાલાશ ક્યાં સુધી આવી પહોંચી !
અને આફત ક્યાં સુધી આવી પહોંચી.

પછી ઝેરી હવા
જંગલવનમાં વહેવા લાગી
તેણે દરેક વાંસની વાંસળીને
જાણે એક નાગ બનાવી દીધી

આ નાગોએ લોકોના હોઠે ડંખ દીધા
પછી એ ડંખ વધતા ગયા
અને જોતજોતામાં પંજાબનાં
બધાં અંગ ભૂરાં પડી ગયા

દરેક ગળામાંથી ગીત તૂટી ગયું,
દરેક ચરખામાંથી તાર તૂટી ગયો,
સખીઓ એકબીજાથે વિખૂટી પડી ગઈ,
મહેફિલ ઉજ્જડ થઈ ગઈ

નાવિકોએ બધી નાવ
શય્યાની સાથે જ વહાવી દીધી
પીપળાએ બધા ઝૂલા
ડાંખળીઓની સાથે જ તોડી નાખ્યા

જેમાં પ્રેમના ગીતો ગુંજતાં’તાં
એ વાંસળી કોણ જાણે ક્યાં ખોવાઈ ગઈ
અને રાંઝાના બધા ભાઈ
વાંસળી વગાડવાનું ભૂલી ગયા

ધરતી પર લોહી વરસ્યું,
કબરોમાંથી લોહી ટપકવા માંડ્યું
અને પ્રેમની શાહજાદીઓ
દરગાહમાં રડવા લાગી

આજે જાણે બધા કૈદો બની ગયા,
સૌંદર્ય અને પ્રેમના ચોર.
હું ક્યાંથી શોધી લાવું
બીજો એક વારિસશાહ ?

વારિસશાહ ! હું તમને કહું છું
તમારી કબરમાંથી ઊઠો
અને પ્રેમની કિતાબનું
કોઈ નવું પાનું ખોલો !

– અમૃતા પ્રીતમ
(મૂળ પંજાબીમાંથી અનુ. જયા મહેતા)

આ કવિતા મૂળ પંજાબીમાં અમૃતા પ્રીતમના પોતાના અવાજમાં સાંભળો

[audio:http://dhavalshah.com/audio/varisshah.mp3]

અમૃતા પ્રીતમનું આ સૌથી લોકપ્રિય કાવ્ય કયું એવો સવાલ કરો તો સો ટકા એક જ જવાબ મળે – ‘વારિસશાહને’. ભારતના ભાગલાની લોહીયાળ પ્રસવપીડાને સૌથી વધારે સહન કરવાનું પંજાબના ભાગે જ આવેલું. એ યાતનામાંથી જન્મેલી આ કવિતા આજે ય રુંવાટા ઊભા કરી દે છે.

વારિસશાહ અઢારમી સદીમાં થઈ ગયેલા પંજાબી ભાષાના સૂફી-કવિ હતા. હીર-રાંઝાની લોકવાયકા પંજાબમાં લાંબા સમયથી ચાલી આવતી હતી પણ એ એટલી બધી પ્રખ્યાત નહોતી. જ્વારિસશાહે હીર-રાંઝાની કથાને એક અનુપમ ગીતમાં ઢાળી ત્યારથી એ કથા બહુ પ્રસિદ્ધ થઈ ગઈ. વારિસશાહની કલમે હીરની કથાને કાયમ માટે અમર કરી દીધી.

ભાગલા પછીના સમયમાં પંજાબ ભડકે બળતું હતું, માણસે માણસાઈ ગુમાવી દીધી હતી અને લોહીના વહેવાની કોઈ નવાઈ નહોતી રહી. એ સ્થિતિમાં કવિને પંજાબના દુ:ખને યોગ્ય વાચા આપી શકે એવો એક જ માણસ યાદ આવે છે – વારિસ શાહ. એ કહે છે, “વારિસ શાહ, તું કબરમાંથી ઊભો થા. તે પંજાબની એક દીકરી, હીરના, દુ:ખને ગાયું હતું. આજે તો લાખો દીકરીઓ રડી રહી છે. હવે આના પર કોઈ ગીત લખ જેથી આ યાતનાને લોકો હંમેશ માટે યાદ રાખે.”

અમૃતા પ્રીતમના પોતાના અવાજમાં આ કવિતા સાંભળો તો શબ્દોની ઊંડી ઉદાસી ઘેરી વળ્યા વિના રહેતી નથી. અને પાંચ નદીઓના આ પવિત્ર પ્રદેશ માટે અનાયાસ જ દિલમાંથી એક ચીસ નીકળી જાય છે.

Comments (10)

જીરવી નથી શકતા – હિતેન આનંદપરા

બીજાને શું જીરવશું ? જાતને જીરવી નથી શકતા,
ભીતર સર્જાતા ચક્રાવાતને જીરવી નથી શકતા.

અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ,
પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા.

તરસ કોઠે પડી હો જેમને એવા ઘણા લોકો
ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા.

સદા નક્કર હકીકત ને ગણતરીઓમાં જીવ્યા જે
જીવનના અંતમાં આભાસને જીરવી નથી શકતા.

ઘણું તરસ્યા હતા સાંનિધ્ય જેનું પામવા માટે
ખબર નહીં કેમ એના સાથને જીરવી નથી શકતા.

તમે આકાશ પણ ઝંખો ને બાંધો છત દીવાલો પર ?
હકીકતમાં તમે અજવાસને જીરવી નથી શકતા.

નવા સર્જકને ત્રાંસી આંખથી જુએ જૂના સર્જક
ઘણાં વૃક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા.

– હિતેન આનંદપરા

મનુષ્યનો સ્વભાવ જ એવો છે – સીધા અઢી અક્ષર બોલવાને બદલે અઢી પગલા આડા માંડવામાં જ એને ચેન પડે છે. મનુષ્યસ્વભાવની ઊણપોને ગઝલમાં કવિએ બરાબર ઝીલી લીધી છે. આ બધાને લાગુ પડે એવી ગઝલ છે. બધાને બંધબેસતી પાઘડી પહેરી લેવાની પૂરેપૂરી છૂટ છે !

Comments (14)

ગઝલ – દિનેશ કાનાણી

દઉં પુરાવા કોઈ ભીની યાદના
મોકલું ફોટા તને વરસાદના

ગીત ગાયા મેં ઉદાસીના અને
ચિત્ર દોર્યાં એકલા ઉન્માદના

છે હથેળી મખમલી સૌની ભલે
છે બધાના આંગળા પોલાદના

પત્ર, ફૂલો, મોસમી આબોહવા
છે ઘણાંયે કારણો સંવાદના

સેંકડો લાગી ગયા છે દાવ પર
ભાગ્ય ખૂલે છે અહીં એકાદના !

-દિનેશ કાનાણી

રાજકોટના દિનેશ કાનાણીની ગઝલોમાં તાજપ વર્તાય છે.  આમ તો આખી ગઝલ મજાની થઈ છે પણ છેલ્લા બે શેર ખૂબ ગમી ગયા…

Comments (23)

(મુશ્કેલ છે) – હરીશ ઠક્કર

હર વખત જીતી જવાની આ શરત મુશ્કેલ છે,
શ્વાસ સાથે હાથતાળીની રમત મુશ્કેલ છે.

માહ્યલા ! તું છોડી દે એવી મમત મુશ્કેલ છે,
રાખવો રાજી તને આખો વખત મુશ્કેલ છે.

ત્યાં સુધી તો થોભ કે થોડી ઘણી તો કળ વળે,
માફ કરવો છે તને પણ એ તરત મુશ્કેલ છે.

કોઈ સામે આવીને લલકારે તો પહોંચી વળું,
આજીવન દુર્ભાગ્ય સાથેની લડત મુશ્કેલ છે.

– હરીશ ઠક્કર

ગઝલ સરલ ભાષામાં લખવી, એ વાંચન કે શ્રવણ – બંને સ્વરૂપે શીઘ્રપ્રત્યાયનક્ષમ હોય, શેરિયત જળવાઈ રહે, શેર બંધ છીપ જેવો રહે અને આખો અર્થ કાફિયા પર જ ઉઘડે, રદીફ બધા જ શેરમાં બરાબર નિભાવી શકાઈ હોય, છંદ એકદમ સાફ હોય – આવી બધી જ મુશ્કેલ શરતોને એક જ ગઝલમાં નિભાવવાની કામગીરી દોરડા પર ચાલવા બરાબર છે પણ સુરતના હરીશ ઠક્કર આ કળામાં પારંગત છે. વ્યવસાયે આયુર્વેદાચાર્ય પણ સ્વભાવે નખશિખ કવિ. કોલેજમાં આયુર્વેદની સાથોસાથ શેરો-શાયરી પણ શીખવાડે. ચરકસંહિતા શુશ્રુતસંહિતા જેવા ત્રણેક ડઝન નાના-મોટા સંસ્કૃત પુસ્તકોનો સરળ ગુજરાતી અનુવાદ પણ એમણે કર્યો છે…

આ ગઝલના બધા જ શેર આફરીન પોકારવા મજબૂર ન કરે તો જ નવાઈ!

Comments (19)

સ્વપ્ન – રમેશ પારેખ

સ્વપ્ન ચુંબનથી ય નાનું જોઈએ
ને શરત છે કે મજાનું જોઈએ

ઘર મળ્યું તો ઝંખના સાથે મળી –
ઘરને ઘર કહેવાનું બહાનું જોઈએ

સર્વ ઇતિહાસોનો આ ઇતિહાસ છે :
સૌને સૌનું ખાસ પાનું જોઈએ

જીવ જ્યાં જ્યાં મહાલી આવે એકલો
આંખને ત્યાં ત્યાં જવાનું જોઈએ

એમ સગ્ગા હાથને મરતો દીઠો
જેમ મરવું પારકાનું જોઈએ

ચીંધ આખું વિશ્વ તું એને, રમેશ
જેને સરનામું ર.પા.નું જોઈએ

-રમેશ પારેખ

જે માણસ આખી દુનિયાના સરનામે મળે છે એ માણસની આ ગઝલને કોઈ પૂર્વભૂમિકાની જરૂર ખરી ?

Comments (12)

આપણે – મનસુખ લશ્કરી

આપણે કાંઈ થોડા ફૂલ છીએ !
કે પતંગિયું
ઊડીને આવતુંક માથે બેસી જાય
ને મન્ન ભરીને ડોલાવી જાય !

આપણે કાંઈ થોડા વૃક્ષ છીએ
કે ખિસકોલી
ખરી પડેલાં પાંદની વાત કરવા
છાતી ઉપરથી
ચઢ-ઊતર કરતી થઈ જાય !

આપણે
કદાચ આકાશ છીએ
કે જેમાં કો’ક સમડી
ચકરાવે ચકરાવે
નિ:શબ્દતાપૂર્વક પાંખથી
ઘૂંટતી જ જાય
ઘૂંટતી જ જાય
ને એને સ્પર્શ માની લેવા પડે !

– મનસુખ લશ્કરી

કવિ કહે છે કે આપણે ફૂલ જેવા નથી જે આજીવન અન્યને સુંગધ આપવા ખાતર જાતને પણ મિટાવી દઈએ. આપણે વૃક્ષ જેવા પણ નથી જે માત્ર અને માત્ર બીજાના સુખને ખાતર જ જીવે છે.  આપણે માત્ર આકાશ જેવા છીએ. મતલબ કે આપણને કાંઈ સ્પર્શી જ શકતું નથી એવા… આકાશ જેવા આભાસી.

Comments (6)

મુક્તકો – રઈશ મનીઆર

થોડું ઝળહળ બની આવશે;
શેષ કાજળ બની આવશે.
તું ખીલે જો પ્રથમ ફૂલવત્
શબ્દ ઝાકળ બની આવશે.

*

આમ ક્ષણક્ષણથી લડીને ક્યાં જશે ?
ને પછી તું સમસમીને ક્યાં જશે ?
એક ખૂણો હાંફવાનો રાખજે…
આમ બધ્ધે આથડીને ક્યાં જશે ?

*

અચાનક લગાતાર … બસ ઓગળે છે.
સઘન રાતનું આ તમસ ઓગળે છે.
કરે કો’ ટકોરો સ્મરણના બરફ પર
ને વચ્ચે રહેલા વરસ ઓગળે છે.

– રઈશ મનીઆર

Comments (8)

નાટક વચોવચ – હરેશ લાલ

સદા પથ્થરોના જ અશ્વો પલાણ્યા;
રહ્યા એટલે માર્ગ સઘળા અજાણ્યા.

રહી સાવ નિર્લેપ નાટક વચોવચ;
મળ્યાં પાત્ર જે કાંઈ, ભજવી બતાવ્યાં !

તમે સ્થાન લીધું ખરે શ્વાસ જેવું;
અનાયાસ આવ્યા, અનાયાસ ચાલ્યાં !

તણખલા સમા થઈ જવાની તકોમાં;
અમે પ્હાડ જેવા થઈને મહાલ્યા !

– હરેશ લાલ

જ્યારે ભાર ઓછો કરી – તણખલા જેવા – થઈ જવાની તક હોય ત્યારે પણ આપણે કારણ વગરનો  બધો ભાર ઊભો કરીને – પહાડ જેવા થઈને – જીવે રાખીએ છીએ.

Comments (7)

અર્પણ-કાવ્ય – બર્ટ્રાંડ રસેલ

To edith

(બર્ટ્રાંડ રસેલની આત્મકથાનું શ્રીમતી એડિથને અર્પણ કરતું કાવ્ય એમના જ હસ્તાક્ષરમાં)

*

લાંબા વરસો દરમ્યાન
હું ઢુંઢતો’તો શાંતિ.
મને મળી પરમ મુદ્રા,મળી યાતના.
મળ્યું પાગલપણું,
મને મળી એકલતા.
મને મળ્યું એકાકી દર્દ
હૃદયને કોરી ખાતું.
પરંતુ શાંતિ તો ન જ લાધી.

હવે,બુઝુર્ગ,મારા અંતની નજીક
હું તારો પરિચય પામ્યો,
અને તારા પરિચય દ્વારા
મને અંતે લાધ્યા પરમ મુદ્રા અને શાંતિ.
વિશ્રાંતિ એટલે શું તે હું જાણું છું
આટઆટલા એકાકી વરસો પછી
જાણું છું જીવન શું હશે-પ્રેમ શું હશે તેય તે.
હવે નિદ્રા પામું
તો કૃતાર્થ એવો-હું નિદ્રા પામીશ.

– બર્ટ્રાંડ રસેલ

(અસ્તિત્વવાદ અને rationalism ના ભીષ્મપિતામહ સમાન આ લેખક-ચિંતક-ગણિતજ્ઞ-વિશ્વશાંતિ ના પુરસ્કર્તા-ફિલસૂફ-નિરીશ્વરવાદી ઇત્યાદિ શબ્દોને શોભાવનારે ભાગ્યે જ કવિતા લખી છે.)

જીવનનો અર્થ શોધનારની યાત્રા કેવી હોઈ શકે તે હૂબહૂ ચિત્રણ અહી આલેખાયું છે. કોઈ અજાણ્યો માણસ ડુંગળી છોલવા બેસે તો પડળ ઉપર પડળ ઉખેડતો જાય,આંખેથી પાણી વહાવતો જાય અને ડુંગળીના છોડા પૂરા ક્યારે થશે અને અંદરના ગર્ભ સુધી ક્યારે પહોંચાશે તેની વિસ્મયસહ રાહ જોતો જાય….. આખી ડુંગળી પૂરી થતા જે સત્ય સમજાય તે જ કદાચ જીવનના ઉત્તરાર્ધમાં કવિ અનુભવે છે. અંતિમ બે પંક્તિઓ સૌથી સુંદર ભાવ પ્રકટાવે છે-હવે હું કૃતાર્થ થઇ મૃત્યુને આલિંગીશ.

(મુદ્રા= સંતોષ, શાંતિ.)

Comments (7)

બે કાવ્યો – ડબલ્યુ એચ. ઑડેન (અનુ. હરીન્દ્ર દવે)

આજે બે કવિતાઓએ
પ્રગટ થવા યાચના કરી : મારે બંનેને ના પાડવી પડી.
દિલગીર છું પ્રિય, હવે નહીં !
દિલગીર છું વહાલી, હજી નહીં !

– ડબલ્યુ એચ. ઑડેન
(અનુ. હરીન્દ્ર દવે)

કવિતા લખવાની કળા હસ્તગત થાય એટલે બહુધા કવિઓ કવિતાની પાછળ પડી જાય છે. કેટલાક કવિ તો એવા પણ છે જે દિવસમાં ઓછામાં ઓછી એક કવિતા ન લખી નાંખે તો રાત્રે ઊંઘ ન આવે. પણ કવિતા શું માત્ર સ્વરૂપ, છંદ અને શબ્દોની ઠાલી રમત જ છે? ઑડેનની આ ચાર લીટીની કવિતા વાંચી એ દિવસથી મારી ઊંઘ ઊડી ગઈ છે… આ જિંદગીમાં આ ચાર લીટી લોહીમાં ઉતારી શકું તોય ઘણું…

એકની જગ્યાએ બબ્બે કવિતાઓ કવિ પાસે આવે છે અને પાછું પ્રગટ થવા યાચના કરે છે. પણ કવિ જેનું નામ, બંનેને ના પાડે છે. કવિ જાણે છે કે ‘ખરી’ કવિતા કોને કહેવાય અને ‘ખરો’ કવિ એટલે શું. કવિતા અપ્રિય હોવાનો તો પ્રશ્ન જ નથી એટલે કવિ બંનેને પ્રિય અને વહાલી કહીને દિલગીરી પણ વ્યક્ત કરે છે. પણ સમર્થ કવિ જે રસ્તે ચાલી ચૂક્યો છે એનું પુનરાવર્તન કરતો નથી એટલે એ કહે છે, હવે નહીં… હવે એ પ્રકારની કવિતા નહીં. હવે કંઈક અલગ… કંઈક નવું… પણ અતિસમર્થ કવિ જે નવી કેડી કંડારવા માંગે છે એની પૂરી સમજ પૂરી ધીરજથી કાંક્ષે છે. એને મહાકાવ્યની પ્રતીક્ષા છે પણ એ સમજે છે કે સિંહણનું દૂધ પેખવા કનકપાત્ર જોઈએ એટલે એ ક્ષમતા હસ્તગત થાય એ પહેલાં આવી ચડેલી કવિતાને એ પ્રેમપૂર્વક કહી શકે છે, હજી નહીં… હજી વાર છે !

*

(જોગાનુજોગ આજે ‘લયસ્તરો પર આ ૧૮૦૦મી પૉસ્ટ છે !)

Comments (23)

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

શું કહું કે કેટલા સુંદર હતા !
સાવ સાચા હોઠ પર ઉત્તર હતા !

મેં અહમ્ હળવેકથી છોડ્યો અને,
થઈ ગયા આષાઢ, જે ચૈતર હતાં !

હાથ ના પકડે હકીકત તોય શું ?
સ્વપ્ન જન્મ્યા ત્યારથી પગભર હતાં !

આજના સંદર્ભમાં તાજા છતાં –
દર્દના કારણ ઘણાં પડતર હતાં !

ના જવાયું સાવ નજદીક એમની;
એ ઉપર થોડાં, ઘણાં ભીતર હતાં !

– લક્ષ્મી ડોબરિયા

રાજકોટના કવયિત્રીની સરળ બાનીમાં સંતર્પક ગઝલ…  સંબંધમાંથી અહમનો સૂર્ય હટી જાય તો ચૈત્રના તાપની જગ્યાએ અષાઢની ભીનપ અનુભવાય.  દુઃખ-દર્દના કારણોના મૂળ તો સદીઓથી એના એ જ હોય છે પણ તોય કોઈ દર્દ કદી વાસી લાગતું નથી… ખરું ને?

Comments (17)

પ્રકાશનો રવ – રતિલાલ જોગી

સાજનો પણ એ ક્યાં છે સાજનો રવ,
છે તો સૌના હૃદયના તારનો રવ.

સાંભળી ચહેકી ઊઠ્યાં પંખીડાં –
ફૂલની શબનમી કુમાશનો રવ.

શું કહું કેટલો એ ગાજે છે –
તારી ચુપચાપ પગની ચાપનો રવ.

જુઓ, બ્રહ્માંડ એક કાન થયું,
સાંભળો સાંભળો પ્રકાશનો રવ.

શબ્દ ભૂલી જશો તો સંભળાશે –
લાગણીનો અને વિચારનો રવ.

– રતિલાલ જોગી

શબ્દને ભૂલી જઈએ તો જ લાગણી અને વિચારના અવાજને સાંભળી શકાય…. કેવી સાચુકલી વાત !

Comments (6)

ગાંધીજી – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

આપણે જેના માટે
માત્ર બે જ મિનિટનું
મૌન પાળીએ છીએ
એ ગાંધી
આપણા સૌના માટે
પાળી રહ્યો છે
કાયમનું મૌન !

ગાંધીજીની પ્રતિમાને
ગુલાબનાં તાજાં ફૂલોનો હાર
આરોપવામાં આવી રહ્યો હતો,
ત્યારે –
ગાંધીજી તો
શીતળ વાયુનું રૂપ ધરીને
એ વેદનાગ્રસ્ત ડાળીઓને
પંપાળી રહ્યા હતા,
જે ડાળીઓ પરથી
પેલા ફૂલહાર માટે તાજાં ગુલાબો
ચૂંટી લેવાયાં હતાં !

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

એક ‘ગાંધી-ભાવના’નું અદભૂત શબ્દચિત્ર… ગાંધીજી પર આ કવિશ્રીનું અન્ય એક લઘુકાવ્ય અહીં માણી શકો છો.

Comments (17)

નદી – જગદીશ જોષી

સ્મૃતિઓ અને સ્વપ્નો વચ્ચે
એક નદી.

નદીમાં માછલીનાં પ્રતિબિંબ ઊડે છે,
સૂરજ કાદવમાં ફસડાઈ-તરડાઈ રહ્યો છે.
નદી પાસેના વૃક્ષ પર
પંખીના ઓછાયા માળો બાંધે છે;
માળાને સેવે છે શિકારીની આંખ.

નદી શિયાળામાં થીજી જાય છે
અને ઉનાળામાં સુકાઈ જાય છે :
સદીઓથી જાણે કે
વરસાદ પડ્યો નથી, અને
ઈન્દ્રધનુઓ જળમાં ખીલ્યાં નથી.

સ્મૃતિઓ અને સ્વપ્નોની વચ્ચે
એક નદી…

– જગદીશ જોષી

સૂકી નદી કવિનું અતૃપ્ત જીવન છે. સ્મૃતિઓ અને સ્વપ્નોની વચ્ચે ફસડાઈ પડેલી હકીકતને કવિએ કવિતામાં ઝીલી લીધી છે.

એક વાત વિચારવા જેવી છે – નદીમાં જરાય પાણી ન હોય તો પણ એને નદી જ કહેવાય છે.  નદી સૂકી હોય તો પણ એ પાણીની શક્યતાથી તો સભર જ હોય છે !

Comments (11)

મૂક્યું – રમેશ પારેખ

તેણે મારા નામ સામે નામ પોતાનું મૂક્યું
વ્હાણની સામે મૂક્યો દરિયો ને ડૂબવાનું મૂક્યું.

સ્વપ્ન મારાં તોડીને ફેંકી દીધાં મેં ધૂળમાં
મારી ભોળી આંખને માટે મેં જડવાનું મૂક્યું.

સનસનાટી એ જ ઘટના ચિત્રમાં સર્જાઈ ગઈ
તેણે પીંછીથી કશું મારામાં બનવાનું મૂક્યું.

તેણે દ્રશ્યોની અણી પર મૂક્યું તીણું ખૂંચવું
મેં નજર જ્યાં જ્યાં કરી, તેણે ત્યાં છળવાનું મૂક્યું.

તેણે મારા માર્ગમાં પથ્થર નથી મૂક્યા, રમેશ
આ મને શિલ્પી ગણી મૂર્તિઓ ઘડવાનું મૂક્યું.

ચોકની વચ્ચે પડ્યું’તું ડૂસકું બિનવારસી
આળ મારા પર સહુએ મારું હોવાનું મૂક્યું.

– રમેશ પારેખ

કાર્ય-કારણના સિધ્ધાંતોને હળવેકથી મરોડીને કવિ ‘હોવા’ અને’ થવા’ વચ્ચેના આભાસને છતો કરે છે.  છેલ્લો શેર – જેને હું ‘બિનવારસી ડૂસકા’ના શેર તરીકે ઓળખું છું 🙂  –  મારો ખાસ પ્રિય શેર છે.

Comments (20)

જીવો ને જીવવા દ્યો ! – કરસનદાસ માણેક

નાની શી હોડલીની લલિત ગતિ રૂંધે લંગરો જંગી જેમ;
ખેંચાયે જેમ ભારી દીપકવજનથી પૃથ્વી પ્રત્યે પતંગો;
ઓચિંતા ને અકાળે અચિર જીવી ખરી જેમ કાળે શમાય
ચિંતાની ઝેરી ફૂંકે સ્વપ્નરુચિર આદર્શ કેરા તરંગો;
વૃત્તિ ગંભીર અંતર્મુખ,હરિણસમા ઉરના તરવરાટો
દાબી,પીડી,રીબાવી,રણભૂમિ કરી દે આત્મ લીલાંગનાનો;
નાની શી બંસરીમાં હઠ કરી કવિ કોઈ મહાકાવ્ય ઠાંસી
બંસીની,કાવ્યની ને નિજ જીવનનીયે વ્યર્થ વ્હોરે ખુવારી !

તેવી ભાસે મને કદીક જીવન સાર્થક્યની સર્વ વાતો:
ડાહી ડાહી સલાહો મથી મથી ગ્રહવા વિશ્વના સૌ પદાર્થો !
ધર્મોની ધાંધલો ને અરથ અવરથા,કીચ્ચડો કામના યે,
પોલી લાગે મને તો-મર સહુ સ્તવતા-મોક્ષની નામના યે !

શાના ઉદ્દેશ,શાની ફરજ ? સરજી સૌ આપદા અર્થહીણી;
જીવો અને જીવવા દ્યો મરણ લગણ આ જિંદગી ચાર દિ’ની !

– કરસનદાસ માણેક

ઘણીવાર સ્પષ્ટ દેખાતું હોય છે કે આદર્શોની વાતો વાસ્તવિકતાથી કેટલી અળગી હોય છે ! અસ્તિત્વવાદ ઘણીવાર મન ઉપર આધિપત્ય જમાવી દેવામાં સફળ થતો લાગે છે ! મોક્ષ જેવું ખરેખર કંઈ છે ખરું કે પછી તે પણ એક વધુ મૃગજળ જ છે ?

Comments (6)

રાધા – પુ. શિ. રેગે (અનુ. સુરેશ દલાલ)

આ નીલ વ્યોમ તે હરિવર
ને આ એક તારલી રાધા –
બાવરી,
યુગયુગની મન-વળગાડ.

આ વિસ્તાર ધરાનો ગોવિંદ
ને આ ડાંગરનું ખેતર રાધા –
સ્વચ્છંદ
એ યુગયુગ પ્રિયંવદા.

નિશ્ચલ વહેતું જલ આ કૃષ્ણ,
તટ પર વન ઝૂકે તે રાધા –
વિપ્રશ્ન
યુગયુગની ચિર-તંદ્રા.

– પુ.શિ. રેગે (મરાઠી)
અનુ. સુરેશ દલાલ

રાધાકૃષ્ણના અદ્વૈતભાવનું કાવ્ય. સિંધુ સમ કૃષ્ણમાં બિંદુ સમ રાધાનું વિલીનીકરણ પણ કૃષ્ણ એવો સિંધુ છે જે રાધાના બિંદુ વિના અપૂર્ણ રહે છે… એ આખું ગગન છે પણ એક તારલી વિના એની આભા શી? એ વિશાળ ધરતી છે પણ ડાંગરના ખેતર વિના એની ઉપયોગિતા શી ? એ વહેતું જળ છે પણ એના નિશ્ચલ જળમાં તટ પરનું વન ન ઝુકે તો એની શોભા શી ? રાધા બાવરી છે, એના પ્રેમનો પોતીકો જ છંદ છે અને એની પાસે કોઈ પ્રશ્નો પણ નથી. રાધા શરણાગતિ છે. યુગયુગોથી કૃષ્ણના વળગાડ લઈને જીવે છે… ચિરકાળ એની પ્રિયંવદા છે અને ન જાગૃતિ, ન નિંદ્રા એવી ચિરતંદ્રા છે… આ કવિતા વાંચીએ તો પ્રિયકાન્ત મણિયારનું આ નભ ઝૂક્યું તે કાનજી જરૂર યાદ આવે…

Comments (11)

રાતે- – જયન્ત પાઠક

રાતે ધરતી પર
ઢળી પડેલા આકાશને
પ્રભાતે
પંખીઓની પાંખોએ
ઊંચકી લીધું, અધ્ધર !

– જયન્ત પાઠક

કવિતા કોને કહે છે ? થોડા ચબરાકીભર્યા શબ્દોની કોઈક નિયમાનુસાર ગોઠવણી ? પતંજલિએ કહ્યું હતું, एक: शब्दः सम्यगधीतः सम्यक प्रयुक्तः स्वर्गेलोके कामधुग्भवति | એરિસ્ટોટલે કહ્યું હતું, The object of poetry, as of all the fine arts, is to produce an emotional delight, a pure and elevated pleasure.  આ લઘુકાવ્ય આ બંને શરતો પર ખરું ઉતરતું જણાય છે. ઓછામાં ઓછા શબ્દપ્રયોગથી કવિએ અહીં આખું શબ્દચિત્ર તાદૃશ કરી આપ્યું છે… દિવસના અજવાળામાં આકાશ ધરતીથી ઉપર અને અલગ નજરે ચડે છે પણ અંધારું ઉપર-નીચે, દૂર-નજીક બધાંયને એક જ રંગે રંગી નાંખે છે. અંધારામાં બધું ઓગળી જાય છે એટલે આકાશ પણ જાણે ધરતીનો જ એક હિસ્સો બની ગયું છે… પ્રભાતે પંખીઓ સહુથી પહેલાં ઊઠીને અજવાળાંની સાથોસાથ જાણે આકાશને અધ્ધર ઊંચકી ન લેતાં હોય !

Comments (20)

નદીઓ સુકાઈ છે – ‘શલ્ય’ મશહદી

કે’વાનું જેટલું હો તે સઘળું કહી શકો !
ફરિયાદની જ પ્રેમમાં કેવળ મનાઈ છે !

લાગે છે એમ કોઈની સ્વપ્નસ્થ આંખડી,
જાણે કમળની પાંખડી હમણાં બિડાઈ છે.

નયનોએ નીર સિંચ્યાં છે ઉપવનની આશમાં,
જીવનના રણમાં કેટલી નદીઓ સુકાઈ છે !

તરછોડે છે કાં ધૈર્યને જીવન વિચાર કર !
એના ઉપર તો આખી ઇમારત ચણાઈ છે.

જોઈ શકે છે દિલ મહીં બ્રહ્માંડની કલા,
દ્રષ્ટિમાં ‘શલ્ય’ની એ કરામત સમાઈ છે.

– ‘શલ્ય’ મશહદી

પ્રેમમાં જો સાચે જ ફરિયાદની મનાઈ હોય તો તો પ્રણય સાવ ‘બોરીંગ’ ના થઈ જાય…?  ( જો કે અહીં મીઠી ફરિયાદ નહીં પણ કડવી ને તીખી ફરિયાદ કરવાની મનાઈ ફરમાવાઈ છે. ) 🙂   ધૈર્ય ઉપર જીવનની ઇમારત ચણાવાની વાત ખૂબ જ સુંદર રીતે કહેવાઈ છે.

Comments (13)