ઊંડી વાવમાં તડકો પેસવા જાય – મકરંદ દવે
ઊંડી વાવમાં તડકો પેસવા જાય
તો તડકો કેટલો ઊંડે પેસે ?
પાંચ,પચીસ કે ત્રીસ પગથિયે
બહુ બહુ ચાલીસ પગથિયે
બહુ થયું માનીને તડકો
બસ કહીને બેસે;
કેટલો ઊંડે પેસે ?
તડકો માપે એટલી ઊંડી વાવ,
તડકો આપે એ જ ખરો સિરપાવ,
સાવ સાચા આ જગમાં તડકા રાવ;
તડકાને પણ તડકે મેલી કોઈ
અંદરની આંખમાં આંજી તેજ
આગળ વધે સ્હેજ;
ઘોર અંધારી વાવનું એને નોતરું આવે,
નોતરા સાથે કોઈ તેડાગર સાથ પુરાવે
લો,આમ ભાળે તો ગોખમાં બેઠી
મૂરતિ હસે,
જ્યાં જુએ ત્યાં વાવમાં જળના
દેવતા વસે,
વાવ તો લાગે જીવતી જાણે
નસે નસે.
પાછો વળ્યો એ જ તો પાગલ સાવ,
વાવને કહે, વાવ નહીં દરિયાવ,
તડકો પૂછે : ફૂટપટી તું લાવ !
તડકાના આ રાજમાં વાવની
વારતા માંડી !
હાય રે સુરતા , હાય રે ગાંડી !
આછી પાંખી,
આ પુરાતન વાવની ઝાંખી,
એની એકલી આંખ પુરાવે સાખી.
-મકરંદ દવે
કહેવા માટે એક નક્કર વાત છે, સુંદર કાવ્યાત્મક અભિવ્યક્તિ છે – ઇન્દ્રિયો વડે અનુભવી શકાતું જ્ઞાન એટલે તડકો અને વાવ એટલે બ્રહ્મજ્ઞાન – ઠોસ અનુભૂતિ જયારે કાવ્ય ના સ્વરૂપે બહાર આવે ત્યારે આવું સહજ કાવ્ય સર્જાતું હોય છે. આવી કવિતા ભાવક વ્યક્તિને કાવ્યપ્રેમી બનાવી દેતી હોય છે. નોંધપાત્ર પંક્તિ એ છે કે જેને ઘોર અંધારી વાવ નું નોતરું આવે તે બડભાગી જ બ્રહ્મજ્ઞાન પામવાના રસ્તે આગળ સુદ્ધાં વધી શકે – તે સિવાય નહિ. વળી ‘તેડાગર’-ગુરુ ની ભૂમિકા સ્પષ્ટ કરી છે. ત્યાંથી પાછો ફરનાર ‘પાગલ’ કહેવાયો – સ્વાભાવિક જ છે, તેના દ્રષ્ટિકોણ ધરમૂળ બદલાઈ જ ગયા હોયને ! આવા ‘પાગલો’ એ જ તો દુનિયા બદલી છે…