નહિતર આટલી સાલત નહિ માળાને એકલતા,
પરંતુ ક્યાં કદી પીછુંય મૂકી જાય છે પંખી ?
જગદીશ વ્યાસ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for October, 2009

સપ્તપદી – રમણીક અગ્રાવત

M7
.                    (ચિત્ર સૌજન્ય: નૈનેશ જોશી)

*

સામાજિક કારણોસર આવતા અઠવાડિયે અમેરિકાની ટૂંકી મુલાકાતે જઈ રહ્યો હોવાથી આવનાર પખવાડિયામાં આપના પ્રતિભાવોનો પ્રત્યુત્તર કદાચ ન આપી શકાય એ માટે ક્ષમા પ્રાર્થું છું.

-વિવેક

*

જળ લઈ હથેળીમાં
ખળખળતાં નિત્ય વહેવાનું
જળસાક્ષીએ લીલું પ્રણ લઈએ.

આ અગ્નિ છે મધ્યસ્થ
કરશું ને ઠારશું બનતું
અગ્નિસાક્ષીએ સંતપ્ત પ્રણ લઈએ.

ધરજે હળવે હળવે પગ
ધરતીખોળે સાથોસાથ ડગ માંડવાનું
અડગ પ્રણ લઈએ.

ફરફરતી લટ તારી મને બાંધે
નહીં થવા દઈએ સખ્ય વાયવીય કદીય
વાયુસાક્ષીએ અફર પ્રણ લઈએ.

હોય બધે પણ દેખાય નહીં ક્યાંય
અવકાશસમ પ્રણયમત્ત રહીશું
…પ્રણ લઈએ.

ફૂલગજરા, વેણીમાં મરકતી સેવંતી
ગુલાબ માળા, વરસતી પાંખડીઓ :
સૌરભસાક્ષીએ
નિર્મળતા જીરવવાનું પ્રણ લઈએ.

સ્વજન, સ્નેહીઓ, ગુરુજનો
તમારી સાક્ષીએ સોંપાઈએ પરસ્પરને
ઊજવશું ઐક્ય
પ્રણપૂર્વક પ્રણયપથ લઈએ.

– રમણીક અગ્રાવત

લયસ્તરો પર આવતીકાલથી એક નવી જ ‘ફ્લેવર’ના કાવ્યોનો રસથાળ એક વિશેષ પ્રસંગ નિમિત્તે પીરસાનાર છે એની પૂર્વતૈયારીરૂપે રમણીક અગ્રાવતની આ કવિતા…

‘અવસર આવ્યા આંગણે’  – આ કાવ્ય સંગ્રહમાંથી લોકગીતના ઢાળે ચાલતું આ લગ્નગીત સાભાર લીધું છે.  કવિએ એમના પુત્ર-પુત્રવધૂના લગ્ન નિમિત્તે લગ્નના ભાતીગળ પાસાંઓને આવરી લેતાં લોકબોલીમાં લખેલા લગ્નગીતોનો આ વિશિષ્ટ સંપુટ છે જેમાં કંકોતરી, નોતરું, વડી-પાપડ, પ્રભાતિયું, સાંજી, વધામણી, ગણેશસ્થાપન, માણેકસ્થંભ, મામેરું, અંઘોળ, ઉકરડી, વરઘોડો, અણવર, પોંખણું, કન્યાવિદાય જેવા તમામ પાસાંઓ પરની ગીતરચનાઓ સમાવિષ્ટ છે. દરેક પ્રસંગને અનુરૂપ રેખાચિત્રો અને દરેક પ્રસંગની લાક્ષણિક્તાઓનો ટૂંકો આલેખ પણ અહીં સામેલ છે. ટૂંકમાં, ગુજરાતના ગામડાંઓમાંથી પણ હવે ભૂંસાતા જતી લગ્નપરંપરાનો આ એક ઐતિહાસિક દસ્તાવેજ છે જે દરેક ગુજરાતીના ઘરમાં હોવો ઘટે…

Comments (8)

અલબેલો અંધાર – વેણીભાઈ પુરોહિત

એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો.

એ રાત હતી ખામોશ, અને માટીનું અત્તર લાવી’તી,
મેડીમાં દીપક જલતો’તો એ દીપક નહિ પણ પ્યાર હતો.

જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો.

ખૂટે તે કેમ વિખૂટો રસ્તો, એકલદોકલ રાહીનો ?
નાદાન તમન્ના હસતી’તી ને તડપનનો તહેવાર હતો.

જ્યાં કોઈ વસી જ શકે નહિ, પણ જ્યાં અવરનવર સંગ્રામ થતા,
બે સરહદની વચ્ચેનો ટુકડો એવો આ અવતાર હતો.

આ દિલ પોતાને ડંખી ડંખી હાય રે ચટકા ભરતું’તું,
એ ચુંબનથી ચંદરવો આખો કેવો બુટ્ટાદાર હતો !

માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઈ હતી,
કુદરતની અદા, કુદરતનીઅદબ, કુદરતનો કારોબાર હતો.

ઊર્મિનું કબૂતર બેઠું’તું નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવન સ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.

ભરતીને ઓટ કિનારે ભમતાં, પણ હું તો મઝધાર હતો,
મન ભીનું ભીનું જલતું’તું, એ આતશનો આધાર હતો.

– વેણીભાઈ પુરોહિત

વેણીભાઈની એક ઊર્મિશીલ રચના. બે સરહદની વચ્ચેનો ટુકડો અને ઊર્મિનું કબૂતરવાળા બે શેર નાનપણથી મારી જીભે ચડી ગયેલા એ કારણોસર આ ગઝલ તરફ એક ખાસ કહી શકાય એવો પક્ષપાત હું અનુભવું છું…

Comments (3)

જિંદગી કોને કહો છો ? – મકરન્દ દવે

જિંદગી કોને કહો છો, જો નહિ
આંખમાં લાલી ભરી સ્વપ્નો તણી ?
ને સ્વપ્નને સાચાં કરી ઊતારવા
ઝંખતી ના આરઝૂ હૈયા તણી ?

જિંદગી શી ચીજ છે, જો એ નહિ
કૂચ સાધે ધ્યેયની રેખા ભણી ?
ફુરસદ નહિ યે બે ઘડી ખોટી થવા
મોજ મીઠી માનવા આંસુ તણી ?

જિંદગી શું છે કહોને, જો નહિ
તાઝગી જાણે કદી એ તેજની ?
વિશ્વને અંધાર જો એ ના બને
અંત સુધી સળગતી અગ્નિકણી ?

-મકરન્દ દવે

ગઝલની ચાલમાં ચાલતું જિંદગીને વિધાયકભાવે સ્વીકારવા અને સદા અગ્રેસર થવા આહ્વાન આપતું ઊર્મિકાવ્ય…

Comments (5)

ગઝલ -રાહી ઓધારિયા

હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો-
બસ એમ એમ મારો જમાનો થતો ગયો.

એનો થતો ગયો અને આનો થતો ગયો,
કોને ખબર હું કેમ બધાનો થતો ગયો !

આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,
તારો થયા પછી હું ઘણાનો થતો ગયો.

વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
મોટા થવાની સાથ હું નાનો થતો ગયો.

કેવી અસર થઈ છે મને તારા સંગની-
જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો !

-રાહી ઓધારિયા

માણસ જ્યારે પ્રેમમાં દુ:ખી હોય ત્યારે એને લાગે છે કે એનું દુનિયામાં કોઈ જ નથી. પરંતુ પ્રેમનાં પરમાનંદમાં ડૂબેલા માણસને આખી દુનિયા જ પોતીકી લાગે છે… જેને પ્રેમ અને પ્રેમીનાં સંગનો જબરદસ્ત નશો ચડ્યો હોય, એને જો આખી દુનિયા ઉલટીપુલટી ન લાગે તો જ નવાઈ !  🙂

Comments (12)

(કોરો કાગળ) -મેઘબિન્દુ

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ !

સુખની ઘટના લખું તમોને ત્યાં દુ:ખ કલમને રોકે,
દુ:ખની ઘટના લખવા જાઉં ત્યાં હૈયું હાથને રોકે;
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ,
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ.

અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યા,
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યાં;
તોય તમારી ઈચ્છા મુજથી દોડે આગળ આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ !

-મેઘબિન્દુ

મુંબઈમાં- મુલુંડમાં રહેતાં કવિ ‘મેઘબિન્દુ’નું આખું નામ મેઘજી ખટાઉ ડોડેયા (જ.તા. – ૧૯૪૧).  વાંચ્યું છે કે એમની કવિતાનું મૂળ એમની અંગત સંવેદનામાં છે. જ્યારે પ્રિયજનને કાગળ લખવા બેસીએ ત્યારે ઘણીયે વાર લખવાનું ઘણું બધું હોય, પણ તોયે જયાં કાગળ લખવાની શરૂઆત કરીએ ત્યાં તો શું લખવું, શું ના લખવું- ની વિમાસણમાં ડૂબી જવાય છે… અને એ વિમાસણમાં ને વિમાસણમાં જેમાં આખું હૈયું ઠાલવવાનું હોય છે એ કાગળ સાવ અધૂરો જ રહે છે… ઝળઝળિયાંથી આગળ તો જઈ જ નથી શકતું…!  આ સુંદર ગીતનો દિવ્ય ભાસ્કરની હયાતીનાં અક્ષર કોલમમાં આવેલો આસ્વાદ સુ.દ.નાં શબ્દોમાં અહીં વાંચો.

કવિશ્રીનાં કાવ્યસંગ્રહો : સંબંધ તો આકાશ, દરિયો, વિસ્મય

Comments (17)

ગઝલ -કૈલાસ પંડિત

ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,
ફરીથી મનાવું ?  ખરાં છો તમે.

હજી આવી બેઠાં ને ઊભાં થયાં ?
અમારાથી આવું ? ખરાં છો તમે.

ન પૂછો કશુંયે, ન બોલો કશું !
અમસ્તા મૂંઝાવું ? ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ,
નવી ક્યાંથી લાવું ? ખરાં છો તમે.

-કૈલાસ પંડિત

આપણનેય સાવ હળવા કરી દેતી સાવ હળવી ગઝલ… જો કે અંતમાં કવિ હળવાશથી ને હળવેકથી ઘણી ગંભીર વાત કરી જાય છે !

Comments (14)

ચાર નયનો – ‘શાદ’ જામનગરી

કેમ વિહ્વળ છું પ્રતીક્ષા પણ નથી,
આમ જો પૂછો તો કંઈ કારણ નથી.

પારદર્શક કાચ જાણે કાયદો,
અવતરણ મધ્યેય કંઈ વિવરણ નથી.

ખૂબ ટીપાયો ઘડાયો ઘાટ પણ,
તાપ, એરણ કે હથોડા, ઘણ નથી.

સાત સાગર પણ ઊલેચાઈ ગયા,
ને હથેળી મધ્યબિંદુ પણ નથી.

ઘર મહીં આવ્યાં અને ચાલ્યાં ગયાં,
ને છતાં પગલાંનાં કંઈ લક્ષણ નથી.

ભાવભીનું છે અહીં સ્વાગત ઘણું,
બારણે બાંધ્યાં કોઈ તોરણ નથી.

આપને જોયા વિના મસ્તક નમે,
મન મનાવું એટલી સમજણ નથી.

ચાર નયનો કંઈક ક્ષણ-બે-ક્ષણ મળ્યાં,
પ્રેમ માટે ‘શાદ’ કંઈ ભાષણ નથી.

-‘શાદ’ જામનગરી

એક એવી ગઝલ જેને જેટલી વધુવાર ઘૂંટીએ, એ વધુ ને વધુ ગમતી જાય અને અર્થોના નાનાવિધ આકાશ ઉઘડતાં જાય…

Comments (7)

…આપો – ‘સાકિન’ કેશવાણી

રહી પડદામાં દર્શનની ઝલક થોડીઘણી આપો,
ન આપો ચંદ્ર મારા હાથમાં, પણ ચાંદની આપો.

પ્રતીક્ષાને બહાને જિંદગી જીવાઈ તો જાશે,
તમારા આગમનની કંઈ ખબર ખોટીખરી આપો.

સિતારી ના ધરો મુજ હાથને બંધનમાં રાખીને,
જો મારા હોઠ સીવો તો ન મુજને બંસરી આપો.

વધુ બે શ્વાસ લેવાનું પ્રલોભન પ્રાણને આપું,
મને એવી મિલન-આશા તણી સંજીવની આપો.

હું કોઈની અદાવત ફેરવી નાખું મહોબ્બતમાં,
તમે ‘સાકિન’ને એવો પ્રેમનો પારસમણી આપો.

– ‘સાકિન’ કેશવાણી (મહમ્મદ હુસેન હબીબભાઈ કેશવાણી)
(૧૨-૦૩-૧૯૨૯ થી ૩૧-૦૩-૧૯૭૧)
ગઝલ સંગ્રહ: ‘આરોહણ’, ‘ચાંદનીના નીર’

આ ગઝલ વિશે વાત કરતી વખતે કવિ હરીન્દ્ર દવે કહે છે, ‘ વિષ્ણુ અને નારદ વચ્ચે સંવાદ થાય અને નારદ જો વિષ્ણુને પૂછે કે પ્રભુ! આ મૃટ્યુલોકના માનવીઓ તમારી પાસે ઘણું ઘણું માંગતા હોય છે પણ એમાં સૌથી સરસ માગણી કરતાં કોને આવડે છે? તો ભગવાને ઉત્તર આપ્યો હોત, દેવર્ષિ, માગણી કરતા તો બે જ માણસોને આવડે છે – કવિને અને પ્રેમીને. કવિ અને પ્રેમીજન જે માગણી કરે છે એ હંમેશા અદભુત હોય છે – કારણ કે તેઓ ભાગ્યે જ પોતાના માટે કંઈક માંગે છે. એમાં ‘હું’ કે ‘મને’ આવે ત્યારે પણ એ શબ્દો તમામ વાંચનારા માટે અને પ્રેમ કરનારાઓ માટે સાચા હોય છે.

યુવાન વયે અચાનક નિધન પામનાર આ કવિની આ ગઝલમાં કવિ અને પ્રેમી બંનેની માગણી એક જ બિંદુ પર આવીને કેન્દ્રિત થઈ છે. લગાતાર દર્શન નહીં, એક ઝલક આપો… આખો ચંદ્ર નહીં, માત્ર ચાંદની આપો… આખા વિશ્વના નફરતના લોઢાને કંચન બનાવી શકે એવો પારસમણી આપો…

Comments (8)

ગોપીસંદેશ – અનુ. ડૉ. હરિવલ્લભ ભાયાણી

ઓ મથુરાપથિક !
જઈને કૃષ્ણ દ્વારે
તારસૂરે
આટલું ઉદ્ગારજે ગોપીવચન :
‘કાલિંદીનાં જળ
કાળી વિષજ્વાળે
ફરી સળગી ઊઠ્યાં…’

-અનુ. ડૉ. હરિવલ્લભ ભાયાણી

ગોપીની વેદનાની ચીસ સમું લઘુકાવ્ય… ગોપી અને કૃષ્ણનો પ્રેમ એટલા માટે ચિરંજીવ થયો કે બેમાંથી કોઈએ મમત્વ ન દાખવ્યું. ગોપીને અણસાર આવી ગયો હતો કે આ તો વિશ્વનો તારણહાર છે એને પાલવડે ન બંધાય. ગોપીએ કૃષ્ણને કોઈ પણ શરત વિના મુક્ત કર્યા અને એટલે કૃષ્ણ જન્મજન્માંતર સુધી એનો બની ગયો… પણ ત્યાગ કંઈ વિરહની ઔષધિ પણ તો નથી ને ! વિયોગ પીડે નહીં તો પ્રેમ કેવો? ગોપી એની સહજ સરળ ભાષામાં મથુરા જતા યાત્રીને કૃષ્ણને માત્ર એટલું જ કહેવા કહે છે કે કાલિંદીના જળ વિરહની વિષજ્વાળાઓથી ફરી સળગી ઊઠયાં છે. કવિતા આ વાત કહેવાની પદ્ધતિમાં છે. વાત તારસૂરે કહેવાની છે જેથી કૃષ્ણને વાતનો મૂળ તંતુ પકડાય. કવિતા જળના સળગવાની વાતમાં છે… કાલીનાગને તો નાથી લીધો, ક્હાન… હવે વિરહના સર્પને શીદ નાથશો?!

Comments (3)

ઝૂમાં – નિરંજન ભગત

(સિંહને જોઈને)

એ છલંગ,
એ જ ન્હોર
નેત્રમાંય એ જ તેજ, એ જ તોર
એ ઝનૂન
એ જ તીક્ષ્ણ દંત છે ચહંત એ જ ખૂન,
પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમ રોમ,
રે, પરંતુ ચોગમે નથી વિશાળ વન્યભોમ.
પિંજરે પૂરી તને જણાવશું
સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું,
અને બધાય માનવી અમે થશું
તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ.

– નિરંજન ભગત

એક નાની અમથી ઘટના. ઝૂમાં પાંજરે પૂરાયેલો સિંહ. આ ઘટનામાંથી આપણામાંથી કોણ પસાર નહીં થયું હોય? પણ કવિ એ જે સામાન્યને અસામાન્ય કરી દે. કવિતા એ જે જીવનમાંથી જન્મે પણ જીવનને જીવવા જેવું બનાવે. માણસ સિંહને પાંજરે પૂરી સભ્યતા ભણાવે છે કે પછી પાંજરે પૂરેલા સિંહને જોઈ જોઈને ખુદ જનાવર થતો જાય છે? કવિતામાં કવિએ ગુલબંકી છંદનો એટલો બખૂબી પ્રયોગ કર્યો છે કે સિંહની ગતિ, એનું જોમ અને એનો જોરાવર જુસ્સો મોટેથી કાવ્યપઠન કરતાં હોઈએ તો સહજ અનુભવાય. ગાલગાલગાલગાલની ચાલમાં ચાલતો આ છંદ કવિતાને કેવો ઉપકૃત નીવડ્યો છે !

Comments (8)

મુક્તક -રઈશ મનીઆર

ચેતજે જીતમાં ય હાર ન હો,
સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો;
એવો કોઈ મુગટ બન્યો જ નથી,
જેનો માથે જરા ય ભાર ન હો.

-રઈશ મનીઆર

નવલા વર્ષે ગાંઠે બાંધી રાખવા જેવી વધુ એક મજાની ચેતવણી… 🙂 રઈશભાઈ તરફથી.

Comments (13)

આપી દે ! -જિતુ પુરોહિત

અવસર ભીની ક્ષણ આપી દે,
ખોબો નહિ તો કણ આપી દે.

લીલેરા બે ઘૂંટ ભરી લઉ,
પછી ભલે તું રણ આપી દે.

કબીરને આપ્યું’તુ એવું,
એકાદું વળગણ આપી દે.

જીવતર થાય સફળ જેનાથી,
સમજણ તું બે-ત્રણ આપી દે.

ભલે હોય એ પળ બે પળનું,
સોનેરી સગપણ આપી દે.

-જિતુ પુરોહિત

અહીં આખી ગઝલમાં કવિની સીધેસીધી માંગવાની રીત (ખાસ કરીને મત્લાનો શેર) શ્રી સુન્દરમ્ ની પ્રભુ પાસે માંગવાની પેલી અનોખી રીતવાળા એક ખૂબ જ મજાનાં ગીતની ખાસ યાદ અપાવે છે…. એક કણ રે આપો, આખો મણ નહિ માંગુ; એક કણ રે આપો, ભંડાર મારાં એ રહ્યાં

Comments (7)

(ક્યાં સહેલું છે?) -રાજેશ મહેતા ‘રાજ’

યાદ કરું ને સામે મળવું, ક્યાં સહેલું છે?
એકબીજામાં એમ ઓગળવું, ક્યાં સહેલું છે?

ભરચોમાસે બારી પાસે બેસી રહીને,
ચાર ભીંતોની વચ્ચે બળવું, ક્યાં સહેલું છે?

વરસો પહેલાં ગણગણતી એ ગીત, હવે તો-
તારા હોઠેથી સાંભળવું, ક્યાં સહેલું છે?

તેં દીધેલાં પત્રો મારી પાસે છે, પણ;
રોજે રોજ એ વાંચન કરવું, ક્યાં સહેલું છે?

કોઈ નદીની જેમ તું, અહીંથી ચાલી ગઈ છે,
કાંઠે બેસીને ટળવળવું, ક્યાં સહેલું છે?

આંખોમાં રંગ આવશે, તારી મહેંદી જેવો,
નસીબ સહુનું, સૌને ફળવું, ક્યાં સહેલું છે?

તારા ઘરના ફળિયે, લીલા તોરણ જોઈને,
અધ્ધવચ્ચેથી આગળ વધવું, ક્યાં સહેલું છે?

-રાજેશ મહેતા ‘રાજ’

કેવી મજાની અને સાચુકલી વાત!… સાવ સહજ ભાસતું આવું બધું ખરેખર ક્યાં સહેલું હોય છે!

લયસ્તરો પરથી સૌ વાચકમિત્રોને અમારા નૂતન વર્ષાભિનંદન…!

Comments (17)

એક ગાય – પ્રિયકાન્ત મણિયાર

ક્યાંકથી
ભૂલી પડી આવે હવા બસ : તૃણ નથી
ચોમેરમાંયે : તપ્ત કણ છે રેતના : તડકો પડ્યો :
ત્યાં કાય તો કેવળ રહી કૃશ હાડકાંનો માળખો
ને એ છતાં એ શ્વાસ લેતી (જેની તો અચરજ થતી)
-હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી !

-પ્રિયકાન્ત મણિયાર

આપણા આજના સમાજ અને પ્રવર્તમાન સંસ્કૃતિ-સભ્યતાનો નગ્ન ચિતાર કવિએ ગાયના પ્રતીક વડે કેવો ટૂંકાણમાં આપી દીધો છે ! ચોમેર ખાવા માટે લગીરે ઘાસ નથી. છે તો માત્ર ક્યાંકથી ભૂલી પડી આવતી હવા. નીચે તપેલી દઝાડતી રેતી અને માથે તડકો. એક પગ કબરમાં પડેલો છે એવી આ ગાયનું શરીર તો હાડકાંનો એવો માળો બની ગયું છે કે એ શ્વાસ શીદ લે છે એનું પણ આશ્ચર્ય થાય.

હવે આ આખી વાતને આપણા સમાજ અને સંસ્કૃતિને સામે રાખીને ફરી વાંચીએ તો…

પ્રસ્તુત કવિતા નખશીખ છંદમાં લખાયેલી છે. અહીં ‘ગાલગાગા’ના અનિયમિત પણ ચુસ્ત આવર્તનો વપરાયા છે. માત્ર આખરી પંક્તિની આગળના વાક્યાંતે કવિએ એક ગુરુનો લોપ કર્યો છે. અચરજ થયા પછી ઘડીક અટકી જવાની વૃત્તિનો નિર્દેશ તો નહીં હોય એમાં?!

Comments (2)

(દીપોત્સવીના દીવે દીવે) – ચંદ્રકાન્ત શેઠ

દીપોત્સવીના દીવે દીવે દેવ, આંગણે આવો,
અંધકારનાં બંધન કાપી પ્રભાત મંગલ લાવો. –

ઘર-શેરી ને ગામ સર્વમાં રહો શુદ્ધિ-સમૃદ્ધિ;
રહો અમારા તન-મનમાંયે સુખ-શાંતિ-સંશુદ્ધિ;
નવા ચંદ્રથી, નવા સૂર્યથી અંતરલોક દીપાવો !-

જીર્ણશીર્ણ સૌ નષ્ટ થાય ને ઝમે તાજગી-તેજ;
હાથે-બાથે હળતાં-મળતાં હૈયે ઊછળે હેજ;
નવા રંગથી, નવા રાગથી માનસપર્વ મનાવો !-

આજ નજરમાં નવલી આશા, પગલે નૌતમ પંથ;
નવાં નવાં શૃંગો સર કરવા, આતમ ખોલો પંખ;
નવા દેશના, નવી દિશાના પવન સુગંધિત વાઓ.

– ચંદ્રકાન્ત શેઠ

લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને દિવાળીની પ્રકાશિત મંગળ કામના અને નવા વર્ષની રંગરંગીન શુભેચ્છાઓ…

Comments (11)

ત્રયી – દુર્ગાચરણ પરિડા (અનુ. ભોળાભાઈ પટેલ)

દુર્દમ નદીના વમળમાં
કૂદી પડે છે એક ફૂલ
એક તેજસ્વી ફૂલ
તે ફૂલ સાહસનું.

ઉન્મત્ત વાવાઝોડાના ઓઠ
ચૂમે છે
એક પાંદડું
એક લીલું પાંદડું
તે પાંદડું વિશ્વાસનું.

અંધકારની વેલ પર
ખીલે છે એક કળી
તે કળી પ્રકાશની.

-દુર્ગાચરણ પરિડા
અનુ. : ભોળાભાઈ પટેલ

જીવનના સંઘર્ષનો સામનો એમની સામે થઈને નહીં, પણ સાથે રહીને વધુ સારી રીતે કરી શકાય એ વાત અહીં કવિ કેવી ખૂબસુરતીથી કરે છે ! નદીના વમળથી ડરી જનારની સંખ્યા વધુ છે, એમાં ઝંપલાવી દેનારની જૂજ. અહીં કવિ ફૂલને વમળમાં ઝંપલાવતું કલ્પે છે. વમળ જેવી પ્રચંડ આપત્તિની સન્મુખ પુષ્પની કોમળતાને કવિ ગોઠવે છે. પણ કદાચ એવું બને કે ભલભલી તોતિંગ વસ્તુને ઓહિયા કરી જતું વમળ ફૂલને કિનારે પણ ઉતારી દે. વળી આ ફૂલ સાહસનું ફૂલ છે. ઉન્મત્ત વાવાઝોડું તોતિંગકાય વૃક્ષોને પણ જમીનદોસ્ત કરી દે છે પણ વાવાઝોડાંની સામે નહીં, સાથે ઊડનાર પાંદડાને એ શી હાનિ કરી શકે ? જુઓ, અહીં પાંદડું વિશ્વાસનું છે અને વળી લીલું છે, તાજગીભર્યું. વિશ્વાસ કદી પીળો ન પડી શકે. એમ જ અંધકારની વેલ પર જે ઉગવાની હિંમત કરે એ કળી તો પ્રકાશની જ હોય ને !

વમળ, વાવાઝોડું અને અંધકાર આપણાં જીવનનાં સનાતન સત્ય છે, ફૂલ, પર્ણ અને કળીની જેમ જ. સત્યનો સંપૂર્ણ સ્વીકાર જ હોઈ શકે, આંશિક નહીં. આપત્તિને સ્વીકારીએ, સમજીએ અને એની હારોહાર જીવતાં શીખીએ તો જ સાચું જીવાશે…

Comments (10)

ચહું – માસુહિતો (અનુ. મકરન્દ દવે)

પરમ દિવસે મેં તને જોયો,
અને કાલે, અને આજે,
અને એમ જ, જરા જો !
આવતી કાલે તને જોવા ચહું.

– માસુહિતો (આઠમી સદી) (જાપાન)
(અનુ. મકરન્દ દવે)

પ્રેમની વાર્તા આદિથી અનાદિ અને અનંત સુધી વિસ્તરે છે. પ્રેમના વાક્યમાં કદી પૂર્ણવિરામ સંભવી શકે નહીં. મેં તને પરમ દિવસે જોયો, કાલે પણ અને આજે પણ… પણ તોય આ દિલને સંતોષ થઈ શકે ખરો? ના… આ દિલ તો ફરી ફરીને એમ જ ચાહવાનું કે આવતીકાલે પણ તારે એ જ રીતે મળવું પડશે…

Comments (6)

મુક્તક – સંજુ વાળા

અચળ ઊંડાણ છે આ હાથમાં
અગોચર ખાણ છે આ હાથમાં
સલામત એ જ મૂઠ્ઠી બંધ હો
ગજબ ખેંચાણ છે આ હાથમાં

– સંજુ વાળા

Comments (5)

પતંગ-ગીત – ભગવતીકુમાર શર્મા

પવનપાતળો કાગળ લઈને નભમાં ઊડે અગાશીજી;
વાંસ-સળીનો કિત્તો લઈને લખતી ગઝલ ઉદાસીજી!

પવન સૂસવે ઘડીક સામટો, ઘડીક ખાતો ખત્તાજી;
શ્વાસ હાવરા-પુલશા થઈને સાચવતા કલકત્તાજી !
ઠાગાઠૈયા, ઠુમકા, ઝૂમખાં હુંકારે અવિનાશીજી…

કાગળ પર રેશમના દોરે કન્યા બાંધે કન્નાજી;
પવન ટપાલી થઈ પહોંચાડે કાગળ એ જ તમન્નાજી!
કંઈ ગગનમાં તરે માછલી, એકલ મીન પિયાસીજી…

વિના અમાસે સૂર્ય ઘેરતા રાહુ બની પતંગાજી;
ધોળે દા’ડે નભમાં આલે અંધકારના દંગાજી!
આ જ ધરાનું પાણીપત ને આ જ ગગનનું પ્લાસીજી!

– ભગવતીકુમાર શર્મા

પતંગના નામે કવિ પોતાની કલ્પનાને છૂટ્ટી દોર આપીને તદ્દન નવી જાતનું ગીત બનાવે છે. ધરતી પરની આંકાક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ આકાશમાં પડે છે.

Comments (10)

દર્પણ – સિલ્વિયા પ્લાથ

હું રૂપેરી છું અને સ્વાયત્ત છું
મારી પાસે કોઈ પૂર્વખ્યાલો નથી
હું જે કાંઈ જોઉં છું
તેને તરત જ
જેમ છે તેમ જ ગળી જાઉં છું.
પ્રેમ અને અણગમાના ધુમ્મસ વિના.
હું ક્રૂર નથી
કેવળ સત્યભાષી છું.
નાનકડા ઈશ્વરની ચાર ખૂણાવાળી આંખ છું.

મોટાભાગનો  સમય તો
હું સામેની દીવાલનું ધ્યાન ધરું છું.
એ ગુલાબી છાંટવાળી છે.
મેં એના તરફ એટલું બધું જોયા કર્યું છે
કે મને લાગે છે કે
એ મારા હ્રદયનો ભાગ છે.
પણ એ થરથરે છે.
ચહેરાઓ અને અંધકાર
અમને અવારનવાર એકમેકથી અળગા કરે છે.

હવે હું છું સરોવર
એક સ્ત્રી મારા તરફ ઢળે છે
ફંફોળે છે મારા તળિયાને
પોતે ખરેખર શું છે તે પામવા
પછી તે વળે છે જુઠ્ઠાઓ તરફ –
મીણબત્તીઓ અથવા ચાંદા તરફ.
હું એની પીઠ જોઉં છું.
અને વફાદારીથી પ્રતિબિંબિત કરું છું.
મને તે સોગાદ આપે છે
આંસુઓની અને વિરોધમાં ઉગામેલા હાથની.
એને માટે મારું મહત્વ છે
એ આવે છે અને જાય છે
દરરોજ સવારે.

એનો ચહેરો અંધકારનું સ્થાન લે છે.
મારામાં જ એણે ડૂબાડી દીધી છે
જુવાન છોકરીને અને મારામાંથી વૃધ્ધ સ્ત્રી
રોજબરોજ એની તરફ જાય છે
ભયાનક માછલીની જેમ.

– સિલ્વિયા પ્લાથ
( અનુ. સુરેશ દલાલ )

સાચું અને સાચા સિવાય બીજું કશુ ન બોલવાની સજા શું હોય એ અરીસાને પૂછી જુઓ. વહી જતા સમય, જુવાની અને સૌંદયની ગવાહી આપવાનું કામ અરીસાના ભાગે જ આવે છે.

Comments (8)

એકાંતનો સિક્કો – ચિનુ મોદી

સાવ ખાલીખમ સમયનો સામનો ક્યાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને
બે ય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ, પણ
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

પાંદડાં ઝાકળ વિખેરે, ડાળ પણ નિર્મમ થતી,
કોઈને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને
શેષ વધતો ટુકડો આકાશનો ક્યાંથી ગમે ?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

ખાલીપણા અને એકલતાના બોજની વ્યથાનો બોજ ઊઠાવીને ચાલતી આ ગઝલ વાંચતા અંદર કશું તડાક્ તૂટતું અનુભવાય છે. ઓળંગી ન શકાય એવા એકાંતની વાત કવિએ કેવી ઋજુતાથી કરી છે! આ એક એવી એકલતા છે જ્યાં ડાબે-જમણે ગમે ત્યાં વળો, એકાંત ને એકલતા સિવાય બીજું કંઈ જ નથી.

Comments (8)

બોલીએ નૈં – મુકુન્દરાય પારાશર્ય

બેન, બંધાતી છીપલી ખોલીએ નૈં
બેન, ઉરની સુવાસને તોળીએ નૈં
બેન, જીવવાના અવસરને ટાણે એ પ્રીતડી બોલીએ નૈં

બેન, આછરતાં નીરને ડોળીએ નૈં
બેન, પોતાની છાંયમાં મોહીએ નૈં
બેન, અંતર-વસનારને સેવ્યા વિણ એકલાં સૂઈએ નૈં

બેન, કાચી કળિયુંને કદી તોડીએ નૈં
બેન, સરજાતી સુરભિને વેરીએ નૈં
બેન, ઋતુવરના સ્પર્શની વેલાં થઈ ફૂલડું ખીલીએ નૈં

બેન, મધુવનની વાતડી છેડીએ નૈં
બેન, પામ્યા સંકેતને બોલીએ નૈં
બેન, માધવનું હેત મળ્યું કેવું, એ કોઈને કહીએ નૈં

બેન, હું પદ રાખી એને પેખીએ નૈં
બેન, વિરહે દાઝીને એને ભેટીએ નૈં
બેન, ફૂલડાંનો હાર થયા પ્હેલાં શ્રીકંઠમાં પડીએ નૈં

-મુકુન્દરાય પારાશર્ય

બધી વાત કંઈ ખોલી-ખુલીને કહેવાની હોતી નથી. બાંધી મુઠ્ઠી લાખની જાણતા હોવા છતાં મનુષ્યની પ્રકૃતિ જ કંઈક એવી છે કે એને માંડીને વાત કહેવાની તાલાવેલી લાગતી રહે છે. એક ઠંડી ખુશનુમા હવાના સાંનિધ્યમાં સુંદર સૂર્યાસ્ત માણતાં હોઈએ ત્યારે શબ્દોનો વિનિમય વૃથા અને ક્યારેક સૌંદર્યપાનમાં વ્યવધાનરૂપ પણ હોય છે.. છતાં આપણને બોલ્યા વિના ચાલતું નથી કે શું સરસ સૂર્યાસ્ત છે!

બે સાહેલીની વાતચીતના રૂપમાં કવિ અહીં એ જ બોધ આપે છે. છીપલી બંધાતી હોય ત્યારે ખોલી કાઢીએ તો? સ્વાતિ નક્ષત્રમાંથી વરસેલું જળ પણ નકામું જાય અને મોતી બને જ નહીં. કળી પણ ઋતુવરનો સ્પર્થ થાય એ પહેલાં જ એ કાચી હોય ત્યારે તોડી નાંખીએ તો પછી પુષ્પ અને પમરાટ ક્યાંથી નસીબ થવાના? ઈશ્વરને પામવા હોય તો હું પદ છોડીને પહેલાં પુષ્પમાળા બનવું પડે… વ્યક્તિત્વના પુષ્પોની સુગ્રથિત માળા ન બનીએ તો પ્રભુકંઠ શી રીતે નસીબ થાય?

Comments (7)

ગઝલ – હિમાંશુ ભટ્ટ

સાંજ ટાણે રોજના શાના વિચારો હોય છે ?
જેમના ઉત્તર ના હો, તે શું સવાલો હોય છે ?

હો ખુદાનો કે બીજાનો, તો હજુ સમજાય, પણ
ડર તને તારો જ ભારોભાર શાનો હોય છે ?

શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.

રક્ત પર અંકિત થશે ડાઘા દલાલીના સતત,
પિંડ હો તારું ને જો છાંયો પરાયો હોય છે.

એક આ તર્પણ – હો ગંગાતટ અને ખોબામાં જળ,
એક તર્પણ આ ય જ્યાં દીકરો સવાયો હોય છે.

– હિમાંશુ ભટ્ટ

અમેરિકાના હિમાંશુ ભટ્ટની એક ગઝલ… ભૂલોને નજર અંદાજ કરવાવાળૉ શેર મને તો ખૂબ ગમી ગયો. સાચી વાત છે, આપણે સામાની ભૂલને એટલી મેગ્નિફાય કરીએ છીએ કે એની પછીતે રહેલો સારો માણસ કદી નજરે ચડતો જ નથી… સંબંધોની, ખાસ કરીને દામ્પત્યની શિથિલતાનું મુખ્ય કારણ આ જ છે ને? અને છેલ્લો શેર તો ખાસ વિચાર માંગી લે એવો થયો છે…

કવિ શ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

Comments (22)

ગઝલ – રાકેશ બી. હાંસલિયા

શું મહેકે છે બધે લોબાન જેવું ?
ઊર્મિઓનું થાતું હો સન્માન જેવું.

સ્થિર છે ચહેરાની એક્કેએક રેખા,
ભીતરે નક્કી હશે તોફાન જેવું.

…ને પ્રપંચોની પછી શરૂઆત થાશે,
બાળકોમાં જ્યારે આવે ભાન જેવું.

જાત આખી ઓગળી રહી છે કશામાં,
આ હૃદયનું હો કશું સંધાન જેવું.

કૈંક પાથરણાં મળ્યા રેશમ સરીખા,
ક્યાં કદી ચાહ્યું હતું કંતાન જેવું !

એક પ્રાચીન વૃક્ષનું ઊભું છે ઠૂંઠું,
કેટલીયે મોસમોના બયાન જેવું.

કેમ બારીને કરું હું બંધ ‘રાકેશ’,
આ હવાનું થાય ના અપમાન જેવું.

– રાકેશ બી. હાંસલિયા

રાજકોટના કવિની એક પાણીદાર ગઝલ… ચહેરા પરની વધુ પડતી  સ્થિતપ્રજ્ઞતા ભીતરના તોફાનની એંધાણી નથી આપતી હોતી? આ શેર વાંચીએ ત્યારે આ કડી યાદ આવે:  तुम इतना जो मुस्कुरा रहे हो, क्या गम है जिसको छिपा रहे हो? .. એક બીજો પણ શેર યાદ આવે છે: ચાહ માણસની મહત્તમ જ્યારે થાય, શાંત મધદરિયા સમો દેખાય છે. ગઝલના છેલ્લા બે શેર પણ મજાના થયા છે. અને હવાના અપમાનવાળી વાત તો  દુબારા દુબારા કહેવા મજબૂર કરી દે એટલી સરસ થઈ છે…

Comments (17)

વ્યંગ-મુક્તકો – નાઝ માંગરોલી

મારા ઘડપણના સહારા, મારા ઓ ભાવિ સપૂત
કાં અધીરો થાય છે, તુજને તો કાંઈ અગવડ નથી
ચાર મહિના ઓર રહી જા, તારી માના પેટમાં
આ મહિનાના બજેટમાં, ખર્ચની સગવડ નથી

*

હવે ડોશીઓ ફેશનેબલ બની છે
લગાવી લાલી, કરે છે ઠઠારો
લગાવો ભલે રંગ મોટરને જૂની
તોય લોકો તો કહેવાના એને ખટારો

*

દેશની વધતી જતી વસતીથી સહુ ગભરાય છે
બર્થના કન્ટ્રોલની વાતો બધે ચર્ચાય છે
આ નવા યુગની કરામત જોઈ લેજો દોસ્તો
વાંઝિયાઓ મૂછ પર તાવ દેતા જાય છે

*

દૂરથી જ્યારે જતું કોઈ યુગલ જોઉં છું
થાય છે શંકા, બરાબર મુજને દેખાતું નથી
વાળની સરખી લટો ને ચાલ પણ સરખી રહી
કોણ નર છે કોણ નારી, એ જ સમજાતું નથી

– નાઝ માંગરોલી

વ્યંગનો એ ખરો કે જેનો ડંખ લાગે એ પહેલા ચહેરા પર સ્મિત આવી જાય અને અર્થ પૂરો સમજાય તો સ્મિત તરત ઊડી જાય. અહીં હસવાની ગેરેંટી નથી, પણ વિચારતા કરી મૂકે એની ગેરેંટી જરૂર છે.

Comments (5)

આજથી ફરીથી – રઘુવીર સહાય (અનુ.સુરેશ દલાલ)

આજ ફરીથી જીવન શરૂ થયું !
આજ મેં નાનકડી સરળ કવિતા વાંચી !
આજ મેં સૂરજને ડૂબતો જોયા કર્યો, – ક્યાંય લગી !
આજ મે શીતલ જલથી સ્નાન કર્યું – હાશ કરીને.
આજ એક નાનકડી છોરી આવી
.               ને ઝડપથી ચઢી ગઈ મારે ખભે.
આજ મેં આદિથી અંત લગી પૂરું કર્યું એક ગીત.
આજ જીવન ફરીથી શરૂ થયું !

– રધુવીર સહાય
(અનુ.સુરેશ દલાલ)

આપણા અસ્તિત્વને ખરેખર શણગારવા માટે જે સામાન જરૂરી છે એ તો તદ્દન સાદો, સરળ અને સર્વ-સુલભ છે. એને શોધવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી.

Comments (10)

રણ તો છે સૌનું સહિયારું – વિસ્મય લુહાર

અરધું તારું, અરધું મારું
આંખોમાં છે જે અંધારું

ભડભડ અગ્નિ બુઝાવું પણ
ભીની જ્વાળા શેં હું ઠારું ?

બાગ તમારો પોતાનો પણ
રણ તો છે સૌનું સહિયારું.

એક ગલીમાં ભરબપોરે
સૂરજ વરસાવે અંધારું !

શ્હેર થવાની સડકે દોડ્યું.
ધૂળ ધફોયું ગામ અમારું.

– વિસ્મય લુહાર

નવી જ કલ્પનસૃષ્ટિ લઈને આવેલી આ ગઝલ ધીરે ધીરે ખૂલે છે. માણસ સુખને personalize કરી શકે પણ દુ:ખ તો બધાનું universal જ રહેવાનું. આ વાતને કવિએ બહુ નજાકતથી કરી છે. સૂરજ તો ભલે ગમે તેટલો તપે, અમુક ગલીઓમાં તો કાયમ અંધારું જ રહેવાનું.

Comments (14)

વિસ્મયની મહોલાત – પ્રફુલ્લ પંડ્યા

મનની સાથે વાત કરી મેં,
પસાર આખી રાત કરી મેં.

એક નજાકત કોતરકામે-
દિલમાં દિલની ભાત કરી મેં.

શું કામ એકલવાયા ઝૂરવું,
શમણાંની બિછાત કરી મેં.

સમય બડો બલવાન નીકળ્યો,
નહીં તો નિજ પર ઘાત કરી મેં.

મોતના મરમી દૂર પ્રદેશે,
છેવટ મુલાકાત કરી મેં.

અચરજ ગુંબજ ચણવા બેઠું,
વિસ્મયની મહોલાત કરી મેં.

મેં જ વગાડ્યાં મારા ડંકા
મંદિર જેવી જાત કરી મેં.

– પ્રફુલ્લ પંડ્યા

એકલતા કોને નથી પીડતી ? અને એકલતાથી બચવું કોને નથી ગમતું? એવો કયો કવિ હશે જેણે એકલતાનાં ગીત નહીં ગાયાં હોય? પણ આ ગઝલના એકલતાવાળા શેરની ઊંચાઈ અને ઊંડાણ તો જુઓ ! શા માટે કોઈએ એકલવાયા ઝૂરવું જોઈએ ? સપનાંનો સધિયારો ન લેવો જોઈએ? પણ શું સપનાંનો સધિયારો એકલતા મિટાવે છે? કે પછી વધુ બળવત્તર કરે છે… ખેર, આ જ છે આ શેરની ખરી મજા… જે ક્ષણે કવિને એકલતા દૂર કરવાનો કીમિયો મળી ગયો છે એમ આપણને લાગે એ જ ઘડીએ આ એકલતા કદી દૂર નહીં થાય, બસ વધતી જ રહેશેનો કાંટાળો અહેસાસ પણ થાય છે…

Comments (11)

શૂન્ય ગોરંભાય છે – હર્ષ બ્રહ્મભટ્ટ

એક હોડી આંખમાં દેખાય છે,
હાથ મારા, લો હલેસાં થાય છે.

એક વાદળ દેખીને આકાશમાં,
કૈંક ટહુકા ભીતરે ઘેરાય છે.

આંખમાં કાજળ હવે ટકતું નથી,
હૈયું જાણે આંખથી રેલાય છે.

બારીમાંથી આમ બસ જોયા કરું,
ટેકરી પર ઘાસ વધતું જાય છે.

આભ તો ખૂલી ગયું વર્ષા પછી,
ભીતરે આ શૂન્ય ગોરંભાય છે.

-હર્ષ બ્રહ્મભટ્ટ

બારી એટલે આપણા ભીતરને બહાર સાથે પ્રત્યાયન કરવા માટેની ખુલ્લી સગવડ. પણ કૈક ઉગાડવું હોય તો નિષ્ક્રિયતા ત્યજીને ભીતરેથી નિસરીને બહાર જવું જ રહ્યું અન્યથા જે ટેકરી પર છમ્મલીલા વૃક્ષો ઊગી શકે છે, ત્યાં ઘાસ સિવાય બીજું કશું નજરે નહીં ચડે.

Comments (8)

ગાંધી-વિશેષ:૩: ગાંધીજયંતી – ઉમાશંકર જોશી

માર્ગમાં કંટક પડ્યા
સૌને નડ્યા
બાજુ મૂક્યા ઊંચકી
તે દી નકી
જન્મ ગાંધી બાપુનો.
– તિથિ ન જોશો ટીપણે
ગાંધીજયંતિ તે દિને

-ઉમાશંકર જોશી

ફૉરેન્સિક મેડિસીન માં લેટિન ભાષાનો એક રુઢિપ્રયોગ વપરાય છે, જે આ કવિતા માટે વાપરવાનું મન થાય છે:  Res ipsa loquitar – It speaks for itself.

અને હા, પહેલી નજરે અછાંદસ ભાસતું આ કાવ્ય પણ “ગાલગાગા”ના નિયમિત આવર્તન મઢ્યું છંદબદ્ધ કાવ્ય છે યાને કે મુક્તપદ્ય.

Comments (12)

ગાંધી-વિશેષ:૨: તમે ગાંધીજીને જોયા હતા ? – પ્રિયકાન્ત મણિયાર

એકદમ જયાં સાવ નાના ભાઈએ પૂછ્યું,
‘તમે ગાંધીજીને જોયા હતા?’
ત્યાં હું અચિંતો ને સહજ બોલી ગયો કે ‘હા’,
અને એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજને
અને બબડી ગયો-
‘ત્યારે અમે તો હીંચતા’તા ઘોડિયામાં
પેન-પાટી લૈ હજુ તો એકડાને ઘૂંટતા’તા રે અમે !’
હું હવે કોને કહું કે ‘ના તમે,
એ તો અમે ?’

-પ્રિયકાન્ત મણિયાર

પહેલી નજરે અછાંદસ લાગતું આ કાવ્ય ‘ગાલગાગા’ના નિયત આવર્તન ધરાવતું છંદોબદ્ધ મુક્તપદ્ય છે. આ નાનકડી કવિતામાં જે ધારદાર કટાક્ષ પિયકાન્ત મણિયારે કર્યો છે એ આજે પણ એટલો જ પ્રાસંગિક છે. ગાંધીજીને સાચા અર્થમાં કોણે જોયા છે?

Comments (9)

ગાંધી-વિશેષ:૧: ગાંધી જયંતી – નાથાલાલ દવે

તાત તુજ જ્યોત નિર્મલ જગે ઝળહળે,
મનુજના દિલદિલે દીપ તારો જલે,
જીવનની વેલ નવપલ્લવે પાંગરે,
સર્વ માંગલ્ય તુજ સાધનાના બળે.
તેં પીધાં ગરલ, આપ્યાં જગતને અમી,
સત્ય વિજયી થયું, પાપ-આંધી શમી,
વિસ્તરી આત્મની શાંત નિર્મલ પ્રભા.
માનવી-હૃદયની તપ્ત જે મરુભૂમિ
ભીંજવી તેં કીધી આર્દ્ર કરુણાજલે.
તાત તારે પદે નમ્ર હો વંદના,
સ્વપ્ન તારાં, બને એ જ અમ સાધના,
સકલ પુરુષાર્થ અમ તે નિરંતર બનો
તુજ આદેશની મૂક આરાધના.

-નાથાલાલ દવે

આજે ગાંધીજયંતીના વિશેષ અવસરે ત્રણ કાવ્યોનું એક નાનકડું બીલીપત્ર…

શંકરની પેઠે જાતે ઝેર પીને પણ જગતને પ્રેમ,અહિંસા અને સત્યનું અમૃતપાન કરાવનાર આવો વીરલો જવલ્લે જ પાકે છે. છેલ્લા સો-સવાસો વર્ષનો ભારતનો ઇતિહાસ એના પ્રતાપે દસ મહાભારત લખવા પડે એવો ભવ્ય થયો છે…  ઝુલણા છંદના ‘ગાલગા’ના આવર્તનોના કારણે આ સૉનેટ સ-રસ રીતે લયબદ્ધ પણ થયું છે.

Comments (9)

ગીત – હરીશ મીનાશ્રુ

નીતરતે ડિલે હું તો ઊભી નાવણિયામાં
આઘેથી કોઈ બૂચકારે હો જી

ફૂલફુડી જાત મારી ઓગળતી ફૂલ સમ
જળને દડૂલ મને મારે હો જી

પાતળિયો પાધરો પેઠો, સહેલી જાણે
પણઘટ પધાર્યું પાણિયારે હો જી

સોના ઇંઢોણી રૂપા બેડલું રે બાઈ, મને
મોતીએ મઢી છે મણિયારે હો જી

રુંગું ચડે તો મને રોળે રવેશીમાં
ચાંદો ચૂંટીને અંધારે હો જી

ધમચી કરીને મને ઢોળે લીલોતરીમાં
ખાંડે છે મુશળધારે હો જી.

માટીના ઢેફામાં ધબકતું જોબનિયું
વંઠેલીને તે કોણ વારે હો જી

એમ કરી પાનબાઈ બોલે, ખલૂડીબાઈ
ડોકું ધુણાવી હોંકારે હો જી

– હરીશ મીનાશ્રુ

તળપદી ભાષામાં હળવી હલકથી ચાલતું આ લવચિક ગીત પહેલી પંક્તિની સાથે જ આખું દૃશ્ય આંખ સમક્ષ ખડું કરી દે છે. નાવણિયામાં નહાતી નવોઢાને એના મનનો માણીગર આઘેથી માત્ર બૂચકારે એવામાં તો એ ફૂલ પેઠે ઓગળવા માંડે છે જાણે. પાતળા બાંધાનો પિયુ પધારે છે તો એમ લાગે છે કે પણઘટ આખું સામે ચાલીને પાણિયારે ન આવ્યું હોય ! અને પછીની કડીઓમાં પંડમાં ન સમાય એવો થનગનાટ અને કામકેલિ કાવ્યસૌંદર્યને અણી કાઢી આપે છે. કાવ્યાંતે આવતા પાનબાઈ અને ખલૂડીબાઈના સંબોધન ગંગા સતીના ભક્તિપદનો લહેકો આપી ભાવકને સુખદ અહેસાસ કરાવે છે… અંતે તો પ્રેમ એ જ ખરો ધર્મ છે, ખરું ને?!

Comments (7)