સેંકડો અડચણ વટાવી પહોંચ્યો છું તારા સુધી,
જાત પણ વચ્ચે નડી તો જાત ઓળંગી ગયો.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અછાંદસ

અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ભાષા – સૌમ્ય જોશી

(ભાષા નામની આ મારી સંગીની મારી સાથે ત્રણ રીતે વર્તે)

(૧)

ક્યારેક,
હું ધીમા તાપે સીઝવા ચડ્યો હોઉં ત્યારે
મેળેથી લાવેલા ઝાંઝરની રૂમઝૂમ વધારતી એ ઉરકવા માંડે બધાં બાકીના કામ.
બ્હારનાં દરવાજા સામે પડતી અંદરની બારી ખોલીને આંકડો ભરાવીને એ કાયમી કરી આપે હવાની અવરજવર.
અંદરની મજૂસ યાદ કરીને એમાંથી કાંસાનાં પવાલાં કાઢે, બાપ-દાદા વખતનાં
ને પછી એમાં ભરી આપે આજ સવારના કૂવાનું પાણી
સંજવારીમાં કઢી આપે ઘણું બધું
કાંકરા ચાળવા ને ચા ગાળવા બેસે
નવેસરથી લીંપી આપે ફરસ
પતરાળી કાઢીને બાજુમાં હાથપંખો મૂકે
ને પછી તુલસીક્યારે પરકમ્મા કરતી રાહ જુએ મારી
હું તૈયાર થાઉં ત્યારે તૈયાર હોય બધ્ધુંય
પછી પાટલો ગોઠવાય
ને ચામડી પર છૂંદેલું મારું નામ મને ચોખ્ખું દેખાય એવા એના હાથે
એ મને પીરસી દે મારી પતરાળીમાં
હું મને ભાવી જઉં એ રીતે

(૨)

તો ક્યારેક,
તોફાની પવને ગાંડા કરેલા ચૂલા પર હું ભડભડ શેકાતો હોઉં ત્યારે
પાલવનો છેડો પદરમાં ખોસીને એ ધબાધબ પગલે ઝડપથી ઉરકવા માંડે બધાં બાકીનાં કામ
છરી –ચપ્પવાળાને રોકી તણખા કરાઈને ધાર કઢાઈ લે.
સજડબમ્બ દસ્તાથી પીસી કાઢે લાલ મરચાં,
આંખ બાળે એવી ડુંગળી ફાડે હાથથી,
ને ઓસરી સૂંઘતા કૂતરાની આંખ ટાંકીને ભગાડવા ઉગામેલા પથરા ઓથે રાહ જુએ મારી
હું તૈયાર થઉં એટલે મને ચૂલેથી ઉતારી લે,
બ્હારી ખોલે ને એમાંથી બહાર નિકાળે મારી વરાળ,
હું સ્હેજ ઠંડો પડું ને ગામ સ્હેજ બફાઈ જાય એ રીતે

(૩)

તો ક્યારેક વળી
બે સસલાં ખાધેલાં અજગરની આળસે એ પડી હોય બાજુમાં ગૂંચળું થઈને.
ઊઠવાનું નામ ના લે,
હું બઉ ઢંઢોળું તો બગાસું ખાઈને બોલે,
‘તારી બંધ મિલ માટે સાઈરન નઈ વગાડું ભઈ,
અત્યારે તું નથી સીઝતો કે નથી શેકાતો
કશું સળગ્યુંય નથી ક્યાંય,
પેટ્યાની હાલત કે પેટાવાની ધગશ વગરનાં તારાં અમથાં નખરાં પાછળ વૈતરાં નઈ કરું હું,
સૂવા દે,
અત્યારે કામ નઈ આવું,
આ મારી સાડીમાં ભરાવેલા વજનદાર ઝૂડામાં ભરાવેલી સહસ્ત્ર ચાવીઓમાં ખાલી ઘરના તાળા માટે એકેય નથી,
એકેય નઈ.

– સૌમ્ય જોશી

Comments (4)

એક ઘરડી સ્ત્રી – અરુણ કોલાટકર (અનુ. વિવેક મનહર ટેલર)

એક ઘરડી સ્ત્રી પકડી
લે છે તમારી બાંય
અને સાથે ચાલવા માંડે છે.

એને એક પચાસ પૈસાનો સિક્કો જોઈએ છે.
એ કહે છે એ તમને લઈ જશે
અશ્વનાળ મંદિર પર.

તમે એ ક્યારનું જોઈ ચૂક્યા છો.
તે લંગડાતી સાથે જ આવે છે
અને તમારા ખમીસ પરની એની પકડ ચુસ્ત કરે છે.

એ તમને નહીં જવા દે.
તમને ખબર છે આ ઘરડી સ્ત્રીઓ કેવી હોય છે.
તેઓ તમને ઝોડની જેમ વળગી રહે છે.

તમે પાછા ફરો છો અને એનો સામનો કરો છો
કાયમી નિવેડો લાવવાની દૃઢતા સાથે.
તમારે આ નૌટંકી ખતમ કરવી છે.

જ્યારે તમે એને કહેતી સાંભળો છો,
‘બીજું તો શું કરી શકવાની એક ઘરડી સ્ત્રી
આવી મનહૂસ ટેકરીઓ પર?’

તમે સીધું આકાશ તરફ જુઓ છો.
સાફ એ ગોળીઓના કાણાંઓમાંથી
જે તેણી પાસે છે આંખોના બદલે,

અને જેમ તમે જોતાં રહો છો
એ તડ જે એની આંખોની આસપાસ શરૂ થાય છે
એની ત્વચાની બહાર ફેલાઈ જાય છે.

અને ટેકરીઓ તરડાય છે.
અને મંદિરો તરડાય છે.
અને આકાશ ભાંગી પડે છે

વિશાળ કાચના ખણકાર સાથે
એ અતૂટ બેવડ વૃદ્ધાની આસપાસ
જે એકલી ઊભી છે.

અને તમને ઘટીને રહી જાવ છો
નાનું નિર્માલ્ય પરચૂરણ થઈને
એના હાથમાંનું.

– અરુણ કોલાટકર
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ભીખ અને ભિખારી –વિશ્વભરના જનમાનસ માટે વણઉકેલ્યો કોયડો. આ સમસ્યાનો કોઈ ઉકેલ ખરો? ભીખ આપીને આપણે ભિખારીની સમસ્યા દૂર કરીએ છીએ કે વધારીએ છીએ? અને ભીખ ન આપીને આપણે આ સમસ્યાને નેસ્તનાબૂદ કરવામાં સહાયભૂત થઈએ છીએ? રસ્તે ભટકાઈ ગયેલા ભિખારીને બે પૈસા આપીને કોઈ એનું દળદળ ફિટવી શકનાર નથી પણ તોય ભિખારીને બે પૈસા આપીને લાખ રૂપિયાનું ‘પુણ્ય’ કમાવા માંગનાર અમીર ભિખારીઓનો તોટો નથી.

ભિખારણ જ્યારે ભીખ માંગે છે ત્યારે નાયકને પોતે આ ટેકરીઓ જેવો ઊંચો લાગ્યો હતો. પણ જ્યારે ‘વાસ્તવ’ સાથે પનારો પડે છે ત્યારે નાયકને તરત જ સમજાય છે કે એ હકીકતમાં કેટલો ‘વામણો’ છે! નાયકના વિશ્વમાં પ્રલય સર્જાય છે પણ વૃદ્ધા અડીખમ ઊભી રહે છે. સૃષ્ટિ ધ્રુજી ઊઠે છે, તમે ધ્રુજી ઊઠો છો પણ એ ધ્રુજતી નથી. પહાડીઓના પથ્થરોની વચ્ચે જીવતો આ ઉદાસીન દુઃખી ગરીબ એકલ આત્મા હકીકતમાં તો સમયના માર્ગ પર જીવનનિર્વાહ અને અસ્તિત્વના સામર્થ્યની પરાકાષ્ઠાનું પ્રતીક છે… ભિખારી હોવા છતાં એની સમક્ષ આપણું મૂલ્ય ઘટીને કોડી બરાબર અનુભવાય છે…

*

An Old Woman
An old woman grabs
hold of your sleeve
and tags along.

She wants a fifty paise coin.
She says she will take you
to the horseshoe shrine.

You’ve seen it already.
She hobbles along anyway
and tightens her grip on your shirt.

She won’t let you go.
You know how these old women are.
They stick to you like a burr.

You turn around and face her
with an air of finality.
You want to end the farce.

When you hear her say,
‘What else can an old woman do
on hills as wretched as these?’

You look right at the sky.
Clean through the bullet holes
she has for her eyes,

And as you look on
the cracks that begin around her eyes
spread beyond her skin.

And the hills crack.
And the temples crack.
And the sky falls

with a plateglass clatter
around the shatterproof crone
who stands alone.

And you are reduced
To so much small change
In her hand.

– Arun Kolatkar

Comments (4)

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો – એન્ટૉનિયો મકાડો (અનુ. વિવેક મનહર ટેલર)

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એક ફુવારો ફૂટ્યો છે
મારા હૃદયમાં.
મેં કહ્યું: કઈ ખાનગી નીકમાં થઈને,
હે પાણી, તું મારા સુધી આવ્યું છે,
નવજીવનનું ઝરણું લઈને જે મેં ક્યારેય પીધું નથી?

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એક મધપૂડો છે મારા હૃદયમાં;
અને સોનેરી મધમાખીઓ
એમાં બનાવી રહી છે,
જૂની કડવાશ વાપરીને,
સફેદ મીણ અને મીઠું મધ.

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એક બળતો સૂર્ય પ્રકાશતો હતો
મારા હૃદયમાં.
એ બળતો હતો કેમકે એ ફેલાવતો હતો
ગરમી રાતા ચૂલાની જેમ,
અને એ સૂર્ય હતો કેમકે એ પ્રકાશતો હતો
અને મને રડાવ્યો પણ.

ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો મેં સપનું જોયું – ધન્ય માયા!-
કે એ ઈશ્વર હતા
મારા હૃદયમાં.

– એન્ટૉનિયો મકાડો
(અનુ. વિવેક મનહર ટેલર)

*

મૂળ આ કવિતા સ્પેનિશ ભાષામાં છે, જેનો રૉબર્ટ બ્લાયે કરેલો અનુવાદ સૌથી વધુ લોકપ્રિય થયો છે પણ અર્માન્ડ એફ. બેકરનો અનુવાદ મૂળ કવિતાની વધુ નજીક છે. ¡bendita ilusiónનો અનુવાદ બ્લાય marvelous error (અદભુત ભૂલ) કરે છે જ્યારે સાચો અનુવાદ Blessed illusion (ધન્ય માયા) થાય છે. સ્પેનિશ ‘ઇલ્યુઝન’ આ કાવ્યના સંદર્ભમાં ‘આભાસ’ કે ‘ભ્રાંતિ’ કરતાં સંસ્કૃત ‘માયા’ સાથે વધુ સુસંગત છે. આભાસનો સંબંધ પાર્થિવતા સાથે વધુ છે, માયાનો ઇંદ્રિયોના ખેલ, છેતરામણી સાથે વધુ છે. માયા આપણી સામાન્ય સમજથી એટલી પરે છે કે આપણે ધન્ય! ધન્ય! પોકારી ઊઠીએ છીએ. આગળ Fontana શબ્દ આવે છે જેનો સંબંધ સ્પેનિશ fontanería યાને પ્લમ્બિંગ અને fontanero યાને પ્લમ્બર સાથે વધુ છે એટલે ફૉન્ટાનાનો અનુવાદ ફુવારો થાય પણ બ્લાય એનો અનુવાદ ‘Spring- ઝરણું’ કરે છે. કવિતામાં આગળ જતાં પાણીની ‘નીક’નો ઉલ્લેખ છે જે પ્લમ્બિંગ સાથે વધુ તાલમેલ ધરાવે છે, ઝરણાં સાથે નહીં. અનુવાદ જોકે અનુસર્જન છે એટલે મૂળ કવિતાથી અલગ પડે એમાં કંઈ ખોટું નથી પણ મૂળ ભાવ બદલાઈ જાય એ તો ઇચ્છનીય નથી જ. ઇન્ટરનેટ પર આ કવિતાના ૪-૫ અંગ્રેજી અનુવાદો ઉપલબ્ધ છે, બધામાં કંઈને કંઈ વિસંગતિ જોવા મળે છે એટલે એ તમામ અનુવાદો અને ‘ગૂગલ ટ્રાન્સલેટ’ની મદદ લઈ નવો જ અંગ્રેજી અનુવાદ કરી એનો ગુજરાતી તરજૂમો અહીં રજૂ કર્યો છે.

ચારેય અંતરામાં નાયકના હૃદયની ભીતરની જ વાત છે. ચારેય સપનાં હૃદય સાથે સંકળાયેલાં છે. જાગૃતિમાં પ્રતીતિ થાય છે કે સપનામાં જે કંઈ હૃદયમાં હતું એ ઈશ્વર જ હતો. નિષ્ફળતા અને પુરુષાર્થ –બંને જિંદગીના અનિવાર્ય પાસાં છે. ગઈકાલ અને આવતીકાલ વચ્ચેના આ માર્ગ પર સપનાં, પરિશ્રમ અને શ્રદ્ધાના સથવારે આપણે મોક્ષ તરફ ગતિ કરવાની છે. તમે જ તમારા પોતાના સ્ત્રોત છો. તમારા જ હૃદયમાં જીવનજળ છે, તમારા જ ફુવારામાંથી પીઓ, તમારી જ ભૂલોમાંથી શીખો, તમારા જ શાશ્વત પ્રકાશથી જીવન અજવાળો, ઈશ્વર પણ તમારી ભીતર જ છે. એને ઓળખો. મળો, કહો, अहं ब्रह्मास्मि। ‘તું તારા દિલનો દીવો થા ને…’

*
Last night when I was sleeping

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that a fountain flowed
inside my heart.
I said: by which hidden ditch,
Oh water, you come to me,
with spring of new life
that I have never drunk?

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that I had a beehive
inside my heart;
and the golden bees
were manufacturing in it,
using old bitterness,
white wax and sweet honey.

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that a burning sun shone
inside my heart.
It was burning because it radiated
heat like a red hearth,
and it was sun because it illuminated
and also made me cry.

Last night when I was sleeping
I dreamt – blessed illusion!-
that it was God I had
inside my heart.

– Antonio Machado
(Trans: Vivek Manhar Tailor)

Comments

(લહેર પડી ગઈ, યાર!) – ચંદ્રકાંત બક્ષી

મારું મન
વિપરીત સ્થિતિમાં પણ
શાંત રહી શકતું હોય

હું ખડખડાટ
હસી શકતો હોઉં
અને
ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં

મને ભૂખ
અને થાક
અને પ્યાસ
લાગી શકતાં હોય

મહારોગ
કે
દેવું ન હોય

મારું પોતાનું એક ઘર હોય
અને
એની નીચે મારાં સ્વજનો સાથે હું મારી દાલ ~ રોટી
ખાઈ શકતો હોઉં

વ્હીસ્કીનો એક પેગ લઈને
શનિવારની સાંજે
મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસીને
પ્રધાનમંત્રી દેવ ગૌડાને ગાળો બોલી શકતો હોઉં

તો

થૅંક યૂ, ગૉડ !
મારી યોગ્યતા કરતાં તે મને ઘણું વધારે આપી દીધું છે!

અને
જીવનના છેલ્લા દિવસ
સુધી બસ આટલું રહી શકે તો..

મરતી વખતે હું કહીશ..
લહેર પડી ગઈ, યાર !

– ચંદ્રકાંત બક્ષી

ચંદ્રકાંત બક્ષી સિંહ જેવો માણસ હતો.  જીવનના રસને પીવામાં એમણે કોઈ કચાશ છોડી નહોતી. આવા માણસને કોઇ પૂછે કે સંપૂર્ણ જીવન એટલે શું? – તો આવો જવાબ મળે.

મોટી મોટી વાતો કરવાથી મોટી જીંદગી બનતી નથી. બધી નાની નાની વાતો બહુ જતનથી ભેગી કરવાથી જ એક મોટી જીંદગી બને છે.

(ચોખવટ: આ લખાણ બક્ષીસાહેબનું છે. પણ એમણે એ કવિતા તરીકે નહોતું લખ્યું. ‘બક્ષીનામા’ના એક લેખમાં આ વાત લખેલી. મને એમાં 100 ટકા કવિતા દેખાઇ એટલે એને કવિતા તરીકે રજૂ કરી છે. વાચકો આટલી ગુસ્તાખી ચલાવી લેશે એવી આશા રાખું છું. મારું માનવું છે કે જો બક્ષીબાબુને મેં આવું કર્યું છે એવી ખબર પડે તો એ ચોક્કસ એક ગાળ આપે અને પછી કહે, “જા તું ય કરી લે લહેર !” )

Comments (8)

જંગલીને – એલ્ઝ લાસ્કર-શુલર (જર્મન) (અનુ. વિવેક મનહર ટેલર)

હું તારો ચહેરો ઢાંકી દઉં છું
રાત્રે મારા શરીર અને આત્માથી.

હું દેવદાર અને બદામના વૃક્ષો રોપું છું
તારા શરીરના મેદાન પર.

થાક્યા વિના હું તારા વક્ષસ્થળને ફંફોસું છું
ફેરોના સુવર્ણ ખજાનાઓ માટે.

પણ તારા હોઠ ભારી છે,
મારા ચમત્કારો તેમને છોડાવી શકતા નથી.

શા માટે તું તારાં હિમાચ્છાદિત આકાશો ઊઠાવી નથી લેતો
મારા આત્મા પરથી-

તારા હીરક સ્વપ્નો
મારી રગોને કાપી રહ્યાં છે.

હું જોસેફ છું. હું મીઠો પટ્ટો પહેરું છું
મારી ભભકદાર ત્વચા ફરતો.

તું ખુશ થાય છે
મારા દરિયાઈ શંખના ગભરુ અવાજથી

પણ તારું હૃદય હવે
સમુદ્રોને ભીતર આવવા દેતું નથી.
ઓહ તું!

– એલ્ઝ લાસ્કર-શુલર (જર્મન)
(અંગ્રેજી અનુ.: જોહેનિસ બૈલહાર્ઝ)
(અનુ. વિવેક મનહર ટેલર)

*

જર્મન કવયિત્રી એલ્ઝ લાસ્કર-શુલર (૧૧-૦૨-૧૮૬૯થી ૨૨-૦૧-૧૯૪૫) અભિવ્યક્તિવાદ (એક્સ્પ્રેશનિઝમ)ના રાણી ગણાય છે. લોકો એમને ‘ઇઝરાઈલની શ્યામ હંસિણી’ અને ‘આધુનિક જર્મનીની સર્વશ્રેષ્ઠ ગીતકાર’ પણ કહે છે. કવયિત્રી. લેખિકા. ચિત્રકાર. એમના લેખન કે ચિત્રણ –બંને નિહાયત મૌલિક હતા એટલે કોઈની સાથે એમની સરખામણી જ શક્ય નથી.

પ્રસ્તુત રચના કોઈપણ ભોગે પ્રેમીને સંપૂર્ણ પામવા માટેની તડપ અને સરવાળે સાંપડતી નિષ્ફળતાનું ગાન છે. પ્રેયસી પોતાનું સર્વસ્વ સોંપી દે છે. એની ઉપર પોતાની જાત ન્યોછાવર કરી દે છે. પોતાની આશાઓ રોપે છે. પોતાની શક્યતાઓ ફંફોસે છે. પણ પ્રેમીજનના બીડાઈ ગયેલા હોઠ ખોલાવી શકતી નથી, એના ઠંડા પ્રતિભાવો અટકાવી શકતી નથી અને એના હૃદયની ભીતર જઈ શકતી નથી.

*

To the Barbarian

I cover your face
With my body and soul at night.

I plant cedars and almond trees
On the steppe of your body.

Tirelessly I search your chest
For Pharaoh’s golden treasures.

But your lips are heavy,
My miracles cannot redeem them.

Why won’t you lift your snowy skies
From my soul –

Your diamond dreams
Are cutting my veins.

I am Joseph wearing a sweet belt
Around my gaudy skin.

You are delighted by my sea shell’s
Frightened sound.

But your heart no longer
Lets the sea come in.

– Else Lasker-Schuler
(Eng. Trans.: Johannes Beilharz)

Comments (2)

() – કપિલા મહેતા

મારી આંખોમાંથી
બહાર ધસી આવતા આંસુઓ
ત્યાં જ અટકો.
પાછા આંખની બખોલમાં લપાઈ જાઓ.

તમે ક્યાં અષાઢનાં મેઘબિંદુ છો?
અહીં કોઈ ચાતક તમને આવકારશે નહીં

તમે ક્યાં સ્વાતિ નક્ષત્રનું જળબિન્દુ છો?
અહીં કોઈ છીપલા મોતી બનાવશે નહીં

તમે ક્યાં હળધરની આંખનો વિસામો છો?
કોઈ રોપાઓને તમારી જરૂર નથી

એટલે જ કહું છુ:
મારી આંખનાં આંસુઓ,
પાછા આંખની બખોલમાં લપાઈ જાઓ.

– કપિલા મહેતા

સ્ત્રીઓ જે રીતે જીવનની વાસ્તવિક્તાને એકદમ સહજભાવે વ્યક્ત કરી શકતી હોય છે એ રીતે પુરુષો ભાગ્યે જ કરી શકતા હશે. પ્રસ્તુત રચના નિરાશાની પરાકાષ્ઠાનું એવું જ સહજગાન છે…

Comments (4)

પાણીની કૂંચી – ઑક્તાવિયો પાઝ (અનુ.: વિવેક મનહર ટેલર)

ઋષિકેશ પછી
ગંગા હજીય લીલી છે.
કાચની ક્ષિતિજ
ટેકરીઓમાં તૂટી જાય છે.
અમે સ્ફટિક ઉપર ચાલીએ છીએ.
ઉપર અને નીચે
શાંતિની મહાન ખાડીઓ.
ભૂરા અવકાશમાં
સફેદ પથ્થરોમાં, કાળા વાદળોમાં.
તેં કહ્યું’તું:
.           ये देश स्त्रोतों से भरपूर है।
એ રાત્રે મેં મારા હાથ તારા સ્તનોમાં ધોઈ લીધા હતા.

-ઑક્તાવિયો પાઝ
(અનુ.: વિવેક મનહર ટેલર)

પાણી આજે (અને હંમેશાથી) આધ્યાત્મિકતાની ચાવી રહ્યું છે. જેમ આપણે હિંદુઓ ગંગાને પવિત્ર ગણીએ છીએ અને એને મોક્ષનો દરવાજો ગણીએ છીએ, એમ મોટાભાગના ધર્મોએ વિશ્વ આખામાં જળાશયો સાથે આધ્યાત્મિક અર્થચ્છાયાઓ સાંકળી છે.

આખી રચના સ્પેનિશ ભાષામાં છે પણ કવિએ સહેતુક એક પંક્તિ -‘ Le pays est plein de sources ’-ને ફ્રેન્ચ ભાષામાં લખીને અલગ તારવી છે. આ પંક્તિનો મતલબ છે, આ દેશ સ્ત્રોતોથી, ઝરણાંઓથી ભરપૂર છે. આ વાક્ય આખી કવિતાને, બે ધ્રુવોને એકબિંદુએ લઈ આવે છે, એ અર્થમાં આ કવિતા આખા પૂર્વાર્ધ અને એક પંક્તિના ઉત્તરાર્ધ વચ્ચેનો મિજાગરો છે. અને એટલે જ કવિએ અલગ ભાષા વાપરીને સચેત કવિકર્મની સાહેદી આપી છે.

કવિ કહે છે કે એ રાત્રે એમણે પોતાના હાથ તેણીના સ્તનોમાં ધોઈ નાખ્યા હતા. વાત તો સંભોગની જ છે પણ કવિ આ સંભોગને ગંગાની પવિત્રતા અને મેક્સિકોની ખાડીની મહાનતાની કક્ષાએ લઈ જાય છે. માનવ શરીરને કવિ એના શુદ્ધ સ્વરૂપમાં જુએ છે. પ્રેયસીના સ્તનમર્દનને ગંગાસ્નાન દરમિયાન પોતાની તમામ મલિનતાઓને ધોવા સાથે સરખાવીને પાઝ એક જ પંક્તિમાં સાવ સાદી લાગતી કવિતાને એવરેસ્ટની ઊંચાઈએ લઈ જાય છે.

The Key of Water

After Rishikesh
the Ganges is still green.
The glass horizon
breaks among the peaks.
We walk upon crystals.
Above and below
great gulfs of calm.
In the blue spaces
white rocks, black clouds.
You said:
.           Le pays est plein de sources.
That night I washed my hands in your breasts.

– Octavio Paz
(Trans.: Elizabeth Bishop)

Comments (2)

એકાદ વાર – પન્ના નાયક

આપણે
જિંદગી આખી
દીવાનખાનાની
વાતો કર્યા કરી…!
થાય છે –
એકાદવાર
એકાદ રાત તો
બેડરૂમની…

– પન્ના નાયક

સાવ નાની અમથી બે જ લીટીની, સૉરી, દોઢ જ લીટીની કવિતા પણ આપણી સંવેદનાની આરપાર છરી હુલાવી જાય એવી. સ્ત્રીની કલમ છે. સ્ત્રીના જાતિગત સંસ્કાર એને સંબંધને મારા-તારાની પૌરુષી નજરે મૂલવવાને બદલે ‘આપણે’થી જ જોતાં શીખવે છે એટલે કવિતાની શરૂઆત ‘આપણે’થી થાય છે. જીવન આખું દીવાનખાનાની-દુનિયાની વાતોમાં જ વેડફાઈ ગયું. દીવાનખાનું પ્રતિક છે જાહેર વાતોનું જ્યારે બેડરૂમ અંગત વાતોનું પ્રતિક છે. કામસૂત્ર-ખજૂરાહોનો આ દેશ હોવા છતાં આપણે બેડરૂમમાં જઈએ છીએ ત્યારે ખિસ્સામાં ડ્રોઇંગરૂમ લઈ જવાનું ચૂકતા નથી પણ આપણા ડ્રોઇંગરૂમમાં બેડરૂમ ભૂલેચૂકે પણ આવી શકતો નથી. ‘આખી જિંદગી’ની અડોઅડ ‘એકાદ રાત’ મૂકીને કવયિત્રી કટાક્ષ બેવડાવે છે.

પહેલું વાક્ય આશ્ચર્યચિહ્ન સાથે સમાપ્ત થાય છે. આખી જિંદગી દુન્યવી બાબતોમાં સહિયારી વેડફી દીધી હોવાની પ્રતીતિના પેટથી જન્મેલું આશ્ચર્ય છે આ. પણ એ વાક્યમાં પુરુષનું પ્રાધાન્ય છે એટલે એ વાક્યને પૂરા થવાનુઉં સુખ તો સાંપડ્યુ છે જ્યારે બીજું વાક્ય સ્ત્રીની લાગણીનું – ન જેવી માંગણીનું વાક્ય છે એટલે એ સહજ રીતે કાવ્યાંતે અધૂરું છૂટી ગયું છે…

Comments (8)

પ્યાદું – કોન્સ્ટન્ટિન કવાફી (અનુ.: વિવેક મનહર ટેલર)

જેમ કે હું ઘણીવાર શતરંજ ખેલનાર લોકોને જોઉં છું
મારી આંખ એક પ્યાદાને અનુસરે છે
જે થોડો થોડો કરીને એનો માર્ગ શોધે છે
અને સફળ થાય છે સમયસર આખરી પંક્તિ સુધી પહોંચવામાં.
એ એવી ઉત્કંઠાથી કિનારી સુધી ધસી જાય છે
કે તમને લાગે છે કે અહીં નક્કી શરૂ થશે
એની ખુશીઓ અને એના પુરસ્કારો.
એને રસ્તામાં ઘણી મુશ્કેલીઓ મળે છે.
કૂચ કરનારાઓએ એના તરફ તીરછા ભાલા ઊછાળ્યા;
કિલ્લેબંધીઓએ એમના વિસ્તીર્ણ પડખાં લઈ એના પર
હુમલો કર્યો; પોતાના બે ચોકઠાંઓમાં
ઝડપી ઘોડેસ્વારોએ કુશળતાપૂર્વક
એને આગળ વધતું અટકાવવા પ્રયાસ કર્યો
અને આમ અને તેમ એકાદ જોખમી ખૂણામાં
દુશ્મનોની છાવણીમાંથી મોકલાયેલું
એક પ્યાદું એના રસ્તામાં ઉભરી આવે છે.

પણ એ બધા જ ખતરાઓ પાર કરી લે છે
અને એ સફળ થાય છે સમયસર આખરી પંક્તિ સુધી પહોંચવામાં.

કેવો વિજયી થઈને એ ત્યાં સમયસર પહોંચી જાય છે,
એ દુર્જય આખરી પંક્તિ સુધી;
કેવો આતુરતાપૂર્વક એ પોતાના જ મૃત્યુ પાસે પહોંચે છે!

કેમકે અહીં પ્યાદું નાશ પામશે
અને એની બધી તકલીફો બસ, આના માટે જ હતી.
એ આવ્યું હતું શતરંજના નર્કાગારમાં પડીને
કબરમાંથી પુનર્જીવિત કરવા માટે
એ રાણીને, જે આપણને બચાવી લેશે.

– કોન્સ્ટન્ટિન કવાફી
(અંગ્રેજી અનુ: રે ડાલ્વેન)
(ગુજરાતી અનુ.: વિવેક મનહર ટેલર)

શતરંજના નિયમ મુજબ પ્યાદું જ્યારે સામી તરફની આખરી પંક્તિ સુધી પહોંચવામાં સફળ થઈ જાય છે ત્યારે એની ટીમના કોઈપણ સેનાની – રાણી, ઊંટ, ઘોડો કે હાથી પુનર્જીવન પામે છે. આ સેનાનીઓને પુનર્જીવિત કરવા માટે પ્યાદું શહીદ થઈ જાય છે. પહેલી નજરે જે એનો વિજય દેખાય છે, એ હકીકતે તો એનું મૃત્યુ છે. અને મૃત્યુ સુધી પહોંચવાનું, આખરી પંક્તિ સુધી પહોંચવાનું, સમયસર પહોંચવાનું અને એનીય પાછી તાલાવેલી-આતુરતાપૂર્વક! એના મગજમાં એ ઠસાવી દેવામાં આવ્યું છે કે એ પોતે ભલે નરક ભેગો થઈ જાય પણ એની કુરબાની એળે જવાની નથી. એની શહીદીના પરિપાકરૂપે રાણી નવજીવન પામશે અને એ સૌનો ઉદ્ધાર કરશે. જિંદગીની શતરંજના સેનાનીઓ હંમેશા પ્યાદાંઓના ભોગે જ આગળ વધતાં જોવા મળશે. સૈનિકને હંમેશા ખુવાર થવા માટેની તાલિમ અપાય છે અને સેનાપતિને વ્યૂહરચનાની.

The Pawn

As I often watch people playing chess
my eye follows one Pawn
that little by little finds his way
and manages to reach the last line in time.
He goes to the edge with such eagerness
that you reckon here surely will start
his enjoyments and his rewards.
He finds many hardships on the way.
Marchers hurl slanted lances at him;
the fortresses strike at him with their wide
flanks; within two of their squares
speedy horsemen artfully
seek to stop him from advancing
and here and there in a cornering menace
a pawn emerges on his path
sent from the enemy camp.

But he is saved from all perils
and he manages to reach the last line in time.

How triumphantly he gets there in time,
to the formidable last line;
how eagerly he approaches his own death !

For here the Pawn will perish
and all his pains were only for this.
He came to fall in the Hades of chess
to resurrect from the grave
the queen who will save us.

– C. P. Cavafy
(Translation by Rae Dalven)

Comments (8)

કવિતા પોતાને ઘરે ગઈ – વિજય નામ્બિસન (અનુ – ઉદયન ઠક્કર)

વિખ્યાત કવયિત્રી
એલિઝાબેથ ઉમાન્ચેરી
નાકા પરની દુકાને ગયાં
પાઉં ખરીદવા
દુકાનદારે પૂછ્યું,’માફ કરજો,
પણ તમે વિખ્યાત કવયિત્રી
એલિઝાબેથ ઉમાન્ચેરી તો નહિ?’

પછી એલિઝાબેથ ઉમાન્ચેરી પોતાને ઘરે ગયાં

એલિઝાબેથ ઉમાન્ચેરી
મેજ સામે બેઠાં
કવિતા લખવા
કવિતાએ પૂછ્યું,’માફ કરજો,
પણ તમે વિખ્યાત કવયિત્રી
એલિઝાબેથ ઉમાન્ચેરી તો નહિ?’
એલિઝાબેથ ઉમાન્ચેરી
બોલ્યાં, ‘હા’

પછી કવિતા પોતાને ઘરે ગઈ.

-વિજય નામ્બિસન
(અંગ્રેજીમાંથી અનુવાદ,ઉદયન ઠક્કર )

કાવ્યનો આસ્વાદ કવિ ઉદયન ઠક્કરના જ શબ્દોમાં :-

 

ફૂટબોલની રમતમાં સ્ટ્રાઈકર દડાને એક દિશામાં મોકલવાનો અભિનય કરીને બીજી દિશામાં મોકલે, અને અસાવધ પળે ગોલ ઝીંકી દે.સરળ લાગતી આ રચનામાં પણ એક શબ્દફેર વડે કવિતા સિદ્ધ કરાઈ છે.

કવિતાના પહેલા ખંડમાં,શેરીનો દુકાનદાર પૂછે છે,’વિખ્યાત કવયિત્રી એલિઝાબેથ તે તમે જ?’ પોતાની શેરીમાં ઓળખાવાથી કંઈ ‘વિખ્યાત’ ન થવાય. તમે અને હું વિખ્યાત કવિઓ નથી,તોય પોતાની શેરીમાં તો જાણીતા છીએ.વળી દુકાનદારને રસ હોય ઘરાકને ખુશ કરવામાં. પાઉં લેવા આવેલી એલિઝાબેથને દુકાનદાર મસ્કો ચોપડે છે.વખાણ કોને ન ગમે? શિયાળની પ્રશંસા સાંભળીને પેલા કાગડાના મોંમાંથી પૂરી છૂટી ગઈ હતી. લિફ્ટમાં દાખલ થતાંવેંત અરીસામાં ચહેરો ન જુએ એવાને મેં તો હજી જોયો નથી.દુકાનદાર સાથેની વાતચીતથી એલિઝાબેથ પોતાને ‘ક્વીન એલિઝાબેથ’ માનતી થઈ જાય છે.

બીજો ખંડ આમ તો પહેલા જેવો જ છે.એલિઝાબેથ મેજ સામે બેઠી છે, કવિતા લખવા,ત્યાં નાનકડો ચમત્કાર થાય છે. કવિતા ખુદ બોલી પડે છે,’વિખ્યાત કવયિત્રી એલિઝાબેથ તે તમે જ?’ પેલીના માથા પર હજી ‘વિખ્યાત’નું ભૂત સવાર છે, કહે છે,’હા,હા,હું જ!’ હવે બીજો ચમત્કાર થાય છે- કવિતા મોં ફેરવીને જતી રહે છે.

દરેક કવિતા એક નવો પડકાર છે,દરેક વેળા શૂન્યમાંથી સર્જન કરવું પડે છે.મોટા કવિને ગ્રેસના માર્ક મળતા નથી. જેના માથામાં રાઈ ભરાઈ જાય,જે નવું વાંચવાનું મૂકી દે,પ્રયોગો કરવાનું મૂકી દે,તેનો સાથ કવિતા મૂકી દે છે.દયારામનું પદ છે,’વૈષ્ણવ નથી થયો તું રે, શીદને ગુમાનમાં ઘૂમે?’ લાભશંકર ઠાકરે શબ્દફેરે કહ્યું,’કવિવર નથી થયો તું રે, શીદને ગુમાનમાં ઘૂમે?’

જે કવિતા માટે ખરું છે તે સર્વ ક્ષેત્રો માટે ખરું છે.કુરુક્ષેત્રના યુદ્ધ પછી અર્જુનને કાબાઓએ લૂંટી લીધો હતો. સિલ્વેસ્ટર સ્ટેલોને ચિત્રપટ બનાવ્યું હતું,’રોકી.’ બોક્સિંગ ચેમ્પિયન બન્યા પછી મોજમજામાં પડી ગયેલો રોકી, એક નવાસવાના હાથે કુટાઈ જાય છે.

આ નાનકડી કવિતામાં (શીર્ષક સાથે) ૫૭ શબ્દો છે,જેમાંથી ૨૦ શબ્દો છે,’વિખ્યાત કવયિત્રી એલિઝાબેથ ઉમાન્ચેરી.’ જ્યારે કવયિત્રી પોતે આટલી બધી જગા રોકે,ત્યારે કવિતા તો બહાર જ જતી રહેને!

-ઉદયન ઠક્કર

Comments (8)

ગેરહાજરી – અબુ અલ બક્ર તુર્તુશી (અનુ.: વિવેક મનહર ટેલર)

દરરોજ રાતે હું ફંફોસ્યા કરું છું
આકાશને મારી આંખ વડે,
એ તારો શોધવાને
જેના પર તારીય આંખ મંડાયેલી છે.

પૃથ્વીના ચારે ખૂણાઓથી આવેલા
મુસાફરોની હું પૂછપરછ કરતો રહું છું
કાશ ! એમાંથી એકાદના શ્વાસમાં
તારી સુગંધ મળી આવે.

ફૂંકાતા પવનની બરાબર સામે જ
હું મોઢું રાખીને ઊભો રહું છું
રખે કોઈ ઝોકુ
તારા સમાચાર લઈ આવે

હું ગલી-ગલી ભટ્ક્યા કરું છું
મંઝિલ વિના, હેતુ વિના.
કે કાશ! કોઈ ગીતના બોલમાં
તારું નામ જડી આવે.

છાનામાના હું ચકાસ્યા કરું છું
એ દરેક ચહેરો જે હું જોઉં છું
તારા સૌંદર્યની આછીપાતળી ઝલક મેળવવાની
આકાશકુસુમવત્ આશામાં.

– અબુ અલ બક્ર તુર્તુશી
(અંગ્રેજી પરથી અનુવાદ : વિવેક મનહર ટેલર)

*
પ્રેમ અને પ્રતીક્ષા પ્રકાશ અને પડછાયાની જેમ તાણાવાણાથી વણાયેલા છે. જ્યાં પ્રેમ હોવાનો ત્યાં પ્રતીક્ષા પણ હોવાની જ. પ્રેમમાં મિલનમાં જેટલી મજા છે એટલી જ મજા વિરહની પણ છે. મિલનની મીઠાઈ એકધારી ખાઈ ખાઈને ઓચાઈ ન જવાય એ માટે જ કદાચ પ્રેમની થાળીમાં વિયોગનું ફરસાણ, ઇંતેજારના અથાણાં અને યાદની ચટણી પણ પીરસવામાં આવ્યા હશે.

અલ્લાહ કહો તો અલ્લાહ અને માશૂકા કહો તો માશૂકા – હવે સાથે નથી. બંદો કે માશૂક હવે એકલો છે. એટલે દરરોજ રાતે એ શૂન્યમનસ્ક આકાશમાં તાકી રહે છે. આ તરફ જો નાયક અથાક ઉજાગરા કરીને આકાશે મીટ માંડીને બેઠો છે તો પેલા ખૂણે નાયિકા પણ એમ જ એકટકે જોતી બેઠી હશે. નાયકને એ તારો જડવાની આશા છે, જેના ઉપર જ નાયિકાનું ધ્યાન પણ કેન્દ્રિત હોવાનું. એક અલગ જ પ્રકારના તારામૈત્રક માટેની આ કેવી ઘેલછા! આ ઘેલછા જો કે ન હોય તો એક રાત કાપવી પણ કપરી થઈ પડે. ફૂંકાતા પવનને નાયક પોતાના ચહેરા પર ઝીલી લે છે, એ આશામાં કે નિર્જીવ પવનનું કોઈ એક ઝોકું કદાચ એના સમાચાર લઈને આવ્યું હોય.

સ્મરણ એ પ્રેમની રગોમાં વહેતું રુધિર છે. પ્રેમમાં સાથે હોવામાં જે મજા છે એથીય અદકેરી મજા સાથને સ્મરવામાં છે. વિયોગની કપરી કમરતોડ પળોએ યાદોની ભીંત જ પ્રેમને અઢેલવા માટે કામ લાગે છે.

*
Absence

Every night I scan
the heavens with my eyes
seeking the star
that you are contemplating.

I question travelers
from the four corners of the earth
hoping to meet one
who has breathed your fragrance.

When the wind blows
I make sure it blows in my face:
the breeze might bring me
news of you.

I wander over roads
without aim, without purpose.
Perhaps a song
will sound your name.

Secretly I study
every face I see
hoping against hope
to glimpse a trace of your beauty.

-Abu Bakr al-Turtushi
(Translation into Spanish by Emilio García Gómez)
(Translatiion from Spanish to English by Cola Franzen)

Comments (6)

ઢીંચણ પર માખી – રાવજી પટેલ

ઢીંચણ પર માખી બેઠીને
મને રડવું આવ્યુંઃ
હે… તું કેટલા બધાં વર્ષો પછી પાછી આવી?
મારા ઢીંચણ કૂવાના ટોડલા જેવા સૂકાભઠ.
એની પર કોઈનોય સ્પર્શ થતો ન’તો.
ચરામાં દર્ભ ઊગતો, સુકઈ જતો,
તૃણ તૃણ થઈ ઊડી જતો.
ઝાડ પર બાચકો પોપટો બેસતા અને ખરી જતા
પણ મારા ઢીંચણ તો સાવા ઊંડી વાવ જેવા ખાલી ખાલી.

આજે ઢીંચણ પર દિવાળી બેઠી છે !
મને થાય છેઃ
ચોકની માટીમાં રગડપગડ આળોટું.
પણ
હે… તું કેટલા બધાં વર્ષો પછી પાછી આવી ?
આજે કામ બામ નથી કરવું,
માખી ઊડી જશે તે પછી હું
મારા ઢીંચણને ચબ્બકચબ્બક ધાવીશ.
બગીચામાંથી સૂર્યમૂખીનું ફૂલ ચૂંટીને
એના પર મૂકીશ.

આ પૃથ્વી પરની
એક માખીને પણ
મારો ઢીંચણ મીઠો લાગે
પછી મને કેમ રડવું ન આવે?

– રાવજી પટેલ

એક તદ્દન સહજ-સામાન્ય ઘટનામાંથી કાવ્ય અને તે પણ આવું અદભૂત કરુણરસનું કાવ્ય માત્ર અને માત્ર રાવજી જ સર્જી શકે… હળવા ઉપાડ સાથે આરંભાતું કાવ્ય આગળ વધે છે તેમ ઘેરા વિષાદનો રંગ પકડે છે અને એક સાચા ‘જૉકર’ ની જેમ હસતા-હસાવતા રડાવી દે છે…..

Comments (3)

વાદળો – અતુલ દવે

એની પણ જરૂર
વ્યથા વારતા હશે,
વાદળો કેમ આમ
આંસુ સારતા હશે !!!

– અતુલ દવે

આમ અછાંદસ પણ આમ છંદની ખાસ્સું લગોલગ અને લગભગ ગઝલના શેર જેવું જ નાનકડું કાવ્ય અતુલ દવે લઈ આવ્યા છે. વરસાદને કવિઓ હંમેશા નિતનવા આયામથી જોતા-પોંખતા આવ્યા છે. અહીં કવિની દૃષ્ટિથી વરસાદનું એક નવું મજાનું પરિમાણ રજૂ થયું છે…

Comments (7)

રાખ – રધુવીર ચૌધરી

તમે વિરોધ કરો છો, ત્યારે,
હું સાથે બલ્કે નજીક હોઉં છું.
સાચું બોલતા હો એ રીતે
ચતુરાઈથી વખાણો છો ત્યારે
સામે બલ્કે દૂર હોઉં છું.

જો કે સામે કે સાથે હોવાથી
કશો ફેર પડતો નથી
પ્રશ્ન તો હોવાનો છે
સામે કે સાથે
ડાબે કે જમણે
ક્યાં કોઈ કાયમી હોય છે ?
જતાં ડાબે એ વળતાં જમણે.

કોઈક વાર અથવા ઘણીવાર
આ ડાબા-જમણાના વિવાદમાં
વસ્તુ વિસારે પડાય છે,
પડછાયા પડદા બને છે.

અંધારી અશ્વની આંખને
દિશા આપે, પગને ગતિ
પણ પડછાયા વીંટળાય…

હું તમને સંબોધીને
વાત મારી કરું છું,
સંકોરું છું વિચારોના તણખા.

રાખમાં વાળું છું
વેદનાની ક્ષણો.
વેદિમાં સંસ્કાર પામેલી ક્ષણો,
રાખની
ધૂણાની રાખ
ચિતાભસ્મ આરતી પછી
શિવની ભભૂત
બળે સ્મશાનની ધૂળમાં, ઊગે ધાસ,
ચરે ગામો સ્ત્રોતસ્વિની.
રાખનું પણ છેવટે સત્ય નથી.
તમે નથી,
હું નથી,
પછી જે છે તે છે.

– રધુવીર ચૌધરી

ધારદાર કાવ્ય ! એકદમ સહજ શરૂઆત પછી તરત તત્વના મૂળરૂપના ચિંતનને કવિ પકડે છે, તેય વળી વાણીની ક્લિષ્ટતા વગર. ડાબું-જમણું ઇત્યાદિ દ્વંદ્વ છલનામાત્ર છે એ સ્થાપિત કરી ભાષાના સીમિત સામર્થ્ય તરફ ઈશારો કરી પંચમહાભૂત અને તેથી પણ પરેની શૂન્યતા તરફ કાવ્ય ગતિ કરે છે….ઘણુંબધું સ્પષ્ટ બોલ્યા વગર માત્ર રૂપકોથી જ ઈંગિત કરી દીધું છે. કવિને ભાવકના સામર્થ્ય પર પૂરો વિશ્વાસ છે….

Comments (10)

ત્યારે – પંકજ વખારિયા

ભલે ત્યારે,
ઘડાવ હવે આભૂષણો
પરંતુ
ઘણી બૂમ પાડેલી તને
અને છેલ્લે નિ:શબ્દ ચિત્કાર પણ.
જેની લાશ ધીમે ધીમે સડીને
હવે સુવર્ણની થઈ રહી છે,
એ નદીએ
મારી ભીતરથી બહાર ફૂદીને
આપઘાત કરેલો
ત્યારે તું ક્યાં હતી ?

– પંકજ વખારિયા

સાવ નાનું અમથું બે જ વાક્યનું આ અછાંદસ બે ‘ત્યારે’ની વચ્ચે બુલેટ ટ્રેનની ઝડપથી વર્તમાન અને ભૂતકાળની મુસાફરી કરાવે છે. નાયિકા નાયકને ત્યજીને ચાલી નીકળે છે ત્યારે વિખૂટા પડવાની આ ક્ષણે નાયક એને રોકવા માટે ઘણી બૂમ-આજીજી કરે છે, પણ નાયિકા રોકાતી નથી… જેને શબ્દોની અસર નથી એના પર નિઃશબ્દ ચિત્કાર તો શું કામ કરવાના? પ્રણયવિચ્છેદની તીવ્રતા સર્જન સ્વરૂપે બહાર આવે છે… ભીતરની લાગણીની નદી કાગળ પર કવિતારૂપે ઉતરી આવે છે એને કવિ નદીની આત્મહત્યા ગણાવે છે… લાગણીનો ખરો પ્રાણ તો એ હૈયામાં હોય એ જ છે. સ્વથી સર્વ સુધી આવેલી લાગણી તો લાગણીની લાશ જ કહેવાય ને! કવિની ખ્યાતિ વધી રહી છે. લાગણીની લાશ આમ તો સડી રહી છે પણ ધીમે ધીમે એ સોનાની થઈ રહી છે અને હવે નાયિકાને આ પ્રસિદ્ધિ લલચાવી રહી છે. એ નાયકની જિંદગીમાં પરત ફરવાની ફિરાકમાં છે… પણ નાયક હવે મનથી દૂર ચાલ્યો ગયો છે, ભલે ને નાયિકા હવે નાયકની પ્રસિદ્ધિની વહેતી ગંગામાં હાથ ધોવા માંગતી કેમ ન હોય !

Comments (5)

(નાનકડું ચિનાર) – અજ્ઞાત (ઇજિપ્ત) (અનુ. વિવેક મનહર ટેલર)

નાનકડું ચિનાર, જે તેણીએ રોપ્યું હતું
બોલવાની તૈયારીમાં છે – પાંદડાઓનો મર્મરાટ
મધથીય મીઠો.

એના પ્યારા લીલા અંગો પર
છે કાચાં ફળ અને પાકાં ફળ લાલ જાણે કે લાલ માણેક,
અને પાંદડાઓ જાણે કે લીલા માણેક.

દૂર પેલે કાંઠે એનો પ્રેમ મારી પ્રતીક્ષામાં છે.
નદી વહી રહી છે અમારી વચ્ચે,
મગરો રેતીની પથારી ઉપર.

તોય હું નદીમાં ઝંપલાવું છું,
મારું હૃદય પ્રવાહોને કાપતું, સ્થિર
જાણે કે હું ચાલતો ન હોઉં.

ઓ મારા પ્યાર, એ પ્યાર જ છે
જે મને તાકાત અને હિંમત આપે છે,
પ્યાર જે નદીમાં રસ્તો કાપે છે.

– અજ્ઞાત (ઇજિપ્ત)
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)
*
૧૦૦-૨૦૦ નહીં, ૧૦૦૦-૨૦૦૦ નહીં, ૩૫૦૦-૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્ત દેશના કોઈક ખૂણામાં કોઈક કવિ આ અમર પ્રેમ કાવ્ય લખી ગયો. ન ફેસબુક, ન વૉટ્સ-એપ, ન ફોન-ટેલિવિઝન, ન ઇન્ટર્નેટ-ટપાલ – કમ્યુનિકેશનના કોઈપણ સાધન વિના અને શૂન્ય ગ્લૉબલાઇઝેશનના જમાનામાં બીજા કોઈ પણ સાહિત્યની જાણકારીના અભાવમાં લખાયેલી આ કવિતાની મૌલિકતા અને રચનામાં રહેલ કાવ્યતત્ત્વ કવિને સલામ કરવા માટે મજબૂર કરી દે એવું છે… આખી રચનામાં એક પણ શબ્દ વધારાનો નહીં. એક્પણ શબ્દ તમે કાઢી નહીં શકો… પ્રેમની તાકાતની આ અદભુત સ્તુતિ રૂંવાડા ખડા કરી દે છે…

*
(The Little sycamore)

The Little sycamore she planted
prepares to speak – the sound of rustling leaves
sweeter than honey.

On its lovely green limbs
is new fruit and ripe fruit red as blood jasper,
and leaves of green jasper.

Her love awaits me on the distant shore.
The river flows between us,
crocodiles on the sandbars.

Yet I plunge into the river,
my heart slicing currents,
steady as if I were walking.

O my love, it is love
That gives me strength and courage,
Love that fords the river.

– Unknown Egyptian
(Eng. Translation: Sam Hamill)

Comments

It is too clear – Joshu

It is too clear
and
so it is hard to see.
A dunce once searched for a fire with a
lighted lantern.
Had he known what fire was,
He could have cooked his rice
much sooner.

– Joshu

Translation – Paul Reps and Nyogen Senzaki

એ વધુ પડતું સુસ્પષ્ટ છે
અને
તેથી જ દ્રષ્ટિગોચર થવું અઘરું છે.
એક મૂઢ એકવાર અગ્નિ શોધવા નીકળ્યો’તો-
હાથમાં જલતું ફાનસ લઈને.
અગ્નિ શું છે તે એ જાણતો હોત
તો ક્યારનો એણે પોતાનો ભાત
રાંધી લીધો હોત.

– જોશુ

કેટલી ચોખ્ખી વાત છે !! માણસે ‘ભગવાન’ પરિક્લ્પનાના એટલા બધા ભાતભાતના પ્રતિકો રચી કાઢ્યા છે, એટલી બધી થીઅરી બનાવી કાઢી છે કે વહેતા નિર્ઝરના ખળખળાટમાં વ્યક્ત થતો ઈશ્વર એને અનુભવતો જ નથી….

Comments (1)

વ્યર્થ – ચૈરિલ અનવર (ઇન્ડોનેશિયન) (અનુ. વિવેક મનહર ટેલર)

છેલ્લે જ્યારે તું આવી હતી તું ફૂલો લાવી હતી,
લાલ ગુલાબ, શ્વેત ચમેલી,
રક્ત અને પવિત્રતા,
અને મારી સામે પાથરી દીધા હતાં
એક ચકિત નજર સાથે: તારા માટે.

આપણે બંને દિક્મૂઢ થઈ ગયાં હતાં અને એકમેકને પૂછ્યું હતું: આ શું છે?
પ્રેમ? બેમાંથી કોઈ સમજી શક્યું નહોતું.

એ દિવસે આપણે બંને સાથે હતાં.
આપણે સ્પર્શ કર્યો નહોતો.

પણ ઓ મારું દિલ જે જરાય મચક આપતું નથી!
તૂટી જા, છિનાળ, તારી એકલતાથી ચૂરેચૂરા થઈને!

– ચૈરિલ અનવર
(અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ: વિવેક મનહર ટેલર)

‘ઇગો’ વિશે ક્યાંક વાંચ્યું હતું કે ‘ઇ’ ને ‘ગો’ નથી કહી શકાતું એટલે જ જીવનમાં સમસ્યા છે. ઇન્ડોનેશિયાના સૌથી વધુ પ્રખ્યાત કવિ જે માત્ર સત્તાવીસ વર્ષની જિંદગીમાં ૭૧ કવિતાઓ લખીને જ અમર થઈ ગયા એ ચૈરિલ અનવર આ જ વાત અહીં કરે છે. પ્રિયતમા છેલ્લે જ્યારે આવી હતી ત્યારે ફૂલો લઈને આવી હતી. લાલ અને સફેદ. બંનેનો સંદર્ભ પણ કવિ જ સ્પષ્ટ કરી અપે છે: રક્ત અને પવિત્રતા. હિંસા અને શાંતિ એકસાથે ઓફર કરવામાં આવે ત્યારે કેવી વિમાસણ અનુભવાય! આવું જ કંઈક બંને પ્રેમીઓ અનુભવે છે અને સ્પર્શ પણ કર્યા વિના છૂટાં પડે છે. સ્પર્શ અહીં માત્ર સેક્સ જ ઇંગિત નથી કરતો, બે પ્રેમી વચ્ચેનું અદ્વૈત પણ દર્શાવે છે. બંને સાથે હતાં પણ એક નહોતાં થઈ શક્યાં, કારણ કે નાયકનું દિલ પુરુષસહજ ઇગોથી આઝાદ થઈ શકતું નથી. નાયક પોતાના દિલને કોસે છે અને એકલતાથી તૂટીને ચૂરેચૂરા થઈ જવાનો શાપ પણ આપે છે.. પ્રેમમાં અંતે તો વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે, સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને…

*

IN VAIN

The last time you came
You brought bright flowers,
Red roses, white jasmine,
Blood and holiness,
And spread them in front of me
With a decisive look : for you.

We were stunned
And asked each other: what’s this?
Love? Neither of us understood.

The day we were together.
We did not touch.

But my heart will not give itself to you,
And does not care
That you are ripped by desolation.

– Chairil Anwar

Comments (5)

હું – ચૈરિલ અનવર (ઇન્ડોનેશિયા) (અનુ. વિવેક મનહર ટેલર)

જ્યારે મારો સમય આવશે
મારે કોઈનેય રડતાં સાંભળવા નથી
તને પણ નહીં

રડવું બિલકુલ જરૂરી નથી!

આ છું હું, એક જંગલી જાનવર
પોતાના ઝુંડમાંથી હાંકી કઢાયેલો

ગોળીઓ મારી ચામડી છેદી નાંખશે
પણ હું વધતો જ રહીશ

આગળ મારા ઘા અને મારા દર્દને ઊંચકીને હુમલો કરતો,
હુમલો કરતો,
જ્યાં સુધી યાતના ગાયબ ન થઈ જાય

અને હું તસુભાર પણ પરવા નથી કરવાનો

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

– ચૈરિલ અનવર
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ચૈરિલ અનવર. ઇન્ડોનેશિયાનો યુવા કવિ. ભરવસંતે ખરી ગયેલું ફૂલ. એના હોઠ વચ્ચેની સિગારેટ સળગીને રાખ થાય એ ઝડપે સત્તાવીસથીય અલ્પાયુમાં માત્ર ૭૧ જેટલી કવિતાઓ અને ગણતરીબંધ લેખો, મુઠ્ઠીભર અનુવાદો કરીને આ માણસ ઇન્ડોનેશિયાનો આજદિનપર્યંતનો સૌથી નોંધનીય કવિ બની ગયો. ફાકામસ્તીમાં જીવતો, સૂકલકડી, ફિક્કો અને લઘરવઘર નફિકરો નવયુવાન દુકાનમાંથી પુસ્તકો પણ ચોરતો. ૧૫ વર્ષની ઊંમરે એને ખબર હતી કે એનો જન્મ કળાકાર થવા માટે થયો છે. ૧૮ વર્ષની ઊંમરે શાળા છોડી દીધી. હૉસ્પિટલમાં જ મૃત્યુ થયું પણ મૃત્યુનું કારણ અનિર્ણિત. ભાષામાં એની શોધખોળ-પ્રયોગોએ ઇન્ડોનેશિયાની પરંપરાગત ‘શૃંગારિક’ ભાષા અને બીબાંઢાળ કાવ્યપ્રણાલિઓના લીરેલીરા ઊડાવી દીધા. એનો નિર્વાણદિન આજેપણ ઇન્ડોનેશિયામાં ‘સાહિત્ય દિન’ તરીકે ઉજવાય છે.

આખી રચના ‘હું’ની ફરતે વીંટળાયેલી છે. સૈનિક તરીકે યુદ્ધમાં જવાનો કે મૃત્યુના ખોળામાં સૂઈ જવાનો કે કોઈપણ સમય જ્યારે આવશે ત્યારે કવિ નથી ઇચ્છતા કે કોઈપણ રૂદન કરે, શોક મનાવે. કેમ? કેમકે નાયક એના દળમાંથી હાંકી કાઢવામાં આવેલ જંગલી જાનવર છે. ભલે ન્યાતબહાર મૂકાયો હોય પણ એની ભીતરનો સૈનિક મર્યો નથી ત્યાં સુધી એ આગળ ધપશે જ ધપશે. બધી યાતનાઓ તન-મનને વીંધી-વીંધીને હથિયાર ફેંકી દે, જ્યાં જઈને દુઃખ-દર્દની સરહદ જ ખતમ થઈ જાય એ સ્થળે પહોંચી ન જવાય ત્યાં સુધી નાયક અવિરત ધપતા રહેવાની નેમ ધરાવે છે. मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं | અને કવિને કોઈ વાતની પડી પણ નથી. મૃત્યુને રડ્યા વિના, રડવા દીધા વિના, ખુશી ખુશી ગળે લગાડવાનું આહ્વાન આપતી આ રચના હકીકતમાં તો આઝાદી અને જીવન માટેનું બુલંદ આક્રંદ છે. એટલે જ અંતને ગળે લગાડતી આ કવિતાના અંતમાં કવિ તારસ્વરે એલાન કરે છે: ‘હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

*
I

When my time comes
I want to hear no one’s cries
Nor yours either

Away with all who cry!

Here I am, a wild beast
Driven out of the herd

Bullets may pierce my skin
But I’ll keep on

Carrying forward my wounds and my pain Attacking,
Attacking,
Until suffering disappears

And I won’t care any more

I wish to live another thousand years.

– Chairil Anwar
(Eng. Trans: Burton Raffel)

Comments (3)

આખરી દેવતાઓ – ગાલવે કિન્નલ (અનુ. વિવેક મનહર ટેલર)

એ એક પથ્થર પર નિર્વસ્ત્ર બેઠી છે
પાણીમાં કેટલેક અંદર. એ કિનારા પર ઊભો છે,
નિર્વસ્ત્ર જ, બ્લુબેરીઝ ચૂંટતો.
પેલી બોલાવે છે. આ ફરે છે. પેલી ખોલે છે
એના પગ પોતાનું મહાન સૌંદર્ય આને બતાવતા,
અને સ્મિત વેરે છે, હોઠોની એક કમાન
જાણે સાથે બાંધી ન રાખતી હોય
ધરતીના છેડાઓને.
તેણીના પ્રતિબિંબને ટુકડાઓમાં
છબછબાવતો, એ તેની સામે
આવીને ઊભો રહે છે,
ઘૂંટી સમાણા લીલ-પાંદડાઓ
અને તળિયાના કીચડને ફેંદતો – આત્મીયતા
દૃશ્યમાન જગતની. એ મૂકે છે
ધુમ્મસના ખમીસવાળી એક
બેરી તેણીના મોઢામાં.
પેલી ગળી જાય છે. એ બીજી એક મૂકે છે.
પેલી ગળી જાય છે. તળાવ ઉપર
બે અબાબિલ ચકરાવા લે છે, મસ્તી કરે છે, દિશા બદલે છે
અને જ્યારે એક ચીલઝડપે ઝપટી લે છે
એક જીવડું, એ બંને ગોળગોળ ફરે છે
અને આનંદિત થાય છે. એ ઉત્તેજિત અને કડક થયો છે
દૈવત્વથી નહીં પણ પુરુષત્વથી-
ને મુખમૈથુનથી તો વધારે.
પુરુષ ઘૂંટણિયે નમે છે, ખોલે છે
ગાઢ, ઊભું સ્મિત
સ્વર્ગ અને પાતાળને જોડતું
અને ચાટે છે એના સુંવાળતમ માંસને વધુ સુંવાળપથી.
પથ્થરની ઉપર એ બંને જોડાય છે.
ક્યાંક એક દેડકો બોલે છે, કાગડો કરાંજે છે.
એમના શરીર પરના વાળ
ચોંકી ઊઠે છે. તેઓ આક્રંદે છે
આખરી દેવતાઓની જુબાનમાં,
જેઓએ જવાની ના કહીને,
મૃત્યુ પસંદ કર્યું હતું, અને રોમાંચિત થઈ ઊઠ્યા હતા
આનંદમાં અને વિખેરાઈ ગયા હતા ટુકડાઓમાં,
મૂકી ગયા હતા એમનું આક્રંદ
મનુષ્યના મુખમાં. હવે તળાવમાં
બે ચહેરા તરી રહ્યા છે, ઉપર જોતા એક માતૃતુલ્ય દેવદારને જેની ડાળીઓ
બધી જ દિશાઓમાં ખુલે છે
બધું જ સમજાવી દેતી.

– ગાલવે કિન્નલ
(અનુ. વિવેક મનહર ટેલર)

વસ્ત્રો એ સંસ્કૃતિના નામે મનુષ્યે ઊભી કરેલી સૌથી મોટી દીવાલ છે. વસ્ત્રો નહોતાં ત્યારે મનુષ્યને એકમેકમાં ઓગળી જવાનું હાથવગું હતું. આજે તો સેક્સ સાધ્ય બનવાને બદલે સાધન બની ગયું છે. ‘આખરી દેવતાઓ’ નિર્વસનતાનું, પારદર્શિતાનું ગાન છે. ગ્રીક પુરાણકથાઓ અનુસાર કેટલાક દેવતાઓ અમરત્વ અને સ્વર્ગલોકના સ્થાને નાશવંત શરીર અને પૃથ્વીલોક સ્વીકાર્યાં હતાં અને મનુષ્ય સંવેદનાસભર જીવનના આનંદ-આક્રંદ સાથે એમણે મૃત્યુ આવકાર્યું હતું. સમ્-ભોગની ક્ષણે મનુષ્ય દેવતાઓની સમકક્ષ હોય છે.

કાવ્યનાયિકા ઘૂંટીસમાણા પાણીમાં કેટલેક અંદર એક પથરા પર નિર્વસ્ત્ર બેઠી છે. અને આ નિર્વસ્ત્ર સૌંદર્યથી નિર્લેપ કાવ્યનાયક પણ નિર્વસ્ત્ર કિનારા પર ઊગેલી બ્લુબેરીઝ ચૂંટી રહ્યો છે. પોતાના પગ પહોળા કરીને નાયિકા યોનિપ્રદેશનું સૌંદર્ય છતું કરે છે અને વેલકમ સ્માઇલ વેરે છે. આવકારનું સ્મિત હંમેશા સૃષ્ટિના બંને અંતિમોને સાંકળી લે એવું પહોળું જ હોવાનું. નાયક ઘૂંટણિયે નમે છે. નાયિકાને માન આપે છે અને પછી સ્વર્ગ-પાતાળ વચ્ચે સેતુ સર્જતા, અસ્તિત્વના ઊભા સ્મિત સમા યોનિમાર્ગને મંદિરના દ્વાર પેઠે ખોલે છે. બંનેના દૈવી મિલનમાં પ્રકૃતિ પણ સંમિલિત થાય છે. સંભોગ પછીની સમાધિસ્થ અવસ્થામાં બંનેના ચહેરાઓ પર ઝળુંબી રહ્યું છે બધી જ દિશાઓમાં ડાળી ફેલાવતું માતુલ્ય દેવદારનું વૃક્ષ. પ્રેમ જ મનુષ્યના અસ્તિત્વનો ચરમ આવિર્ભાવ છે એમ બધું જ સમજાવી દેતી આંતર્દૃષ્ટિ ચરમસ્થિતિએ જ ખુલે-ખીલે છે.

Comments (5)

એ લગભગ ઈશ્વર છે, તારી સાથેનો પુરુષ – સેફો (અનુ.: વિવેક મનહર ટેલર)

એ લગભગ ઈશ્વર છે, તારી સાથેનો પુરુષ,
તારી વાતોથી, તારા હાસ્યથી વશીભૂત.
જોઈને જ મારું હૃદય વધુ ઝડપે ધબકે છે
કેમ કે, ઓછું જોઈને, હું વધુ કલ્પું છું.
તું મારા ગાલોમાં આગ લગાડે છે.
અવાજ અટકી ગયો છે. મારા કાન વાગી રહ્યા છે.
બીજા બધાથી અનભિજ્ઞ, હું પસીને રેબઝેબ થાઉં છું અને તોતડાઉં છું.
હું કાંપી રહી છું, ઘાસની જેમ,
મૃત્યુથી એક ઈંચ દૂર.

હું એટલી ગરીબ છું, મારે કંઈ જ ગુમાવવાનું નથી, મારે જુગાર રમી જ લેવો જોઈએ…

– સેફો (ગ્રીક)
(અંગ્રેજી અનુવાદ: સેમ હમિલ)
અનુ.: વિવેક મનહર ટેલર

*

ગઈકાલે આ કવિતાનો કાવ્યસ્વરૂપને વફાદાર અનુવાદ જોયો… આજે ગ્રીક ભાષામાંથી અંગ્રેજી ભાષાંતર કરતા ખ્યાતનામ અનુવાદક સેમ હમિલનો અનુવાદ પણ જોઈએ.

કવયિત્રી અથવા કાવ્યનાયિકાની સ્ત્રીસહજ ઈર્ષ્યાનું આ કાવ્ય છે. કવિતામાંથી પસાર થતાં સમજી શકાય છે કે આ દૃશ્ય કોઈક પાર્ટીનું હોઈ શકે. નાયિકા જે સ્ત્રીના સમલૈંગિક પ્રેમમાં બદ્ધ છે એ કોઈક બીજા પુરુષના આશ્લેષમાં પ્રેમના ગીત ગાઈ રહી છે. નોંધવા જેવી વાત એ છે કે કવિતાની શરૂઆત નાયિકા ન તો પોતાનાથી કરે છે કે ન તો પોતાની દિલોજાન પ્રેયસીથી. કવિતાની શરૂઆત થાય છે પેલા અજાણ્યા પુરુષથી. પોતાના પ્રેમને છિનવી શકવાની ક્ષમતાયુક્ત એ પુરુષ નાયિકાને ભગવાનની સમકક્ષ લાગે છે, કેમકે બીજું તો કોણ આવું દુર્ગમ કાર્ય સફળતાપૂર્વક કરી શકે? પુરુષ નાયિકાની પ્રેયસીને અડોઅડ બેઠો છે. ખૂબ નજીકથી એ એને હસતાં-બોલતાં સાંભળી રહ્યો છે અને એ બેનું તારામૈત્રક જોઈને નાયિકા ઈર્ષ્યાથી બળી મરે છે. નાયિકાનું હૃદય ઝડપથી ધડકી રહ્યું છે. જીભ ભાંગી ગઈ હોય એમ કશુંય બોલવું અશક્ય બની રહે છે. તનબદનમાં આગ ફરી વળે છે. આંખ આગળ ઝાંખપ ફરી વળે છે. કાનમાં તમરાં બોલી રહ્યાં છે. શરીર આખું પસીને રેબઝેબ ઠંડુગાર પડી જાય છે. શરીર કાંપવા માંડે છે અને સૂકા ઘાસ કરતાં પણ ફિક્કું પડી જાય છે. અબઘડી મોત આવી જાય તો સારુંની લાચારી ઘેરી વળે છે. કવયિત્રીનું ધ્યાન હકીકતમાં પ્રેયસી કે ભગવાન-જેવા પુરુષ તરફ છે જ નહીં, માત્ર અને માત્ર પોતાની તરફ છે. કાળજીપૂર્વક સભાનતા સાથે જે પ્રેમ એને બેસુધ બનાવી દે છે, એના કારણે સર્જાતી સંવેદનાની આંધીને સ્ટેપ-બાય-સ્ટેપ એ રજૂ કરે છે. મૃતપ્રાય અવસ્થાની લાચારી ઘેરી વળે છે. કવિતાના પાંચમા અંતરાની એક જ પંક્તિ સંશોધકોને હાથ લાગી છે. આ અધૂરી પંક્તિમાં કંઈક એવું સમજી શકાય છે કે હાથથી સરી જતી પ્રેયસીને પામવા માટે સાહસ તો કરવું જ જોઈએ કેમકે આમેય પ્રેયસી કોઈ બીજું છિનવી ગયું જ હોય એવી ગરીબ-નિર્માલ્ય અવસ્થામાં આથી વધુ તો શું ગુમાવવાની બીક હોઈ શકે?

 

He Is Almost A God, A Man Beside You

He is almost a god, a man beside you,
enthralled by your talk, by your laughter.
Watching makes my heart beat fast
because, seeing little, I imagine much.
You put a fire in my cheeks.
Speech won’t come. My ears ring.
Blind to all others, I sweat and I stammer.
I am a trembling thing, like grass,
an inch from dying.

So poor I’ve nothing to lose, I must gamble…

– Sappho (Greek)
(Eng Translation: Sam Hamill)

Comments

મને લાગે છે… – સેફો (ગ્રીક) (અનુ.: વિવેક મનહર ટેલર)

પેલો પુરુષ મને ભગવાન બરાબર લાગે છે,
જે તારી સામે બેઠો છે
અને તને નજીકથી સાંભળી રહ્યો છે
મીઠું બોલતી

અને મજાનું હસતી, જે ખરેખર
મારા હૃદયને છાતીમાં ફડફડાવે છે;
કેમ કે જ્યારે હું ક્ષણાર્ધ માટે પણ તારી તરફ જોઉં છું
મારા માટે કંઈ પણ બોલવું શક્ય રહેતું નથી

જાણે કે મારી જીભ ભાંગી કેમ ન ગઈ હોય
અને તરત જ એક ઝીણી આગ મારી ચામડી પર ફરી વળે છે.
મારી આંખો આગળ ઝાંખપ ફરી વળે છે,
અને મારા કાન વાગવા માંડે છે.

એક ઠંડો પસીનો ફરી વળે છે, લખલખુ
મને ઝડપી લે છે, હું ફિક્કી પડી જાઉં છું
ઘાસ કરતાં, અને હું, લાગે છે કે, લગભગ
મૃત્યુ પામું છું.

પરંતુ બધામાં સાહસ કરવું જ જોઈએ, કેમ કે (અને ગરીબ…)

-સેફો (ગ્રીક)
અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર

*

લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાં ગ્રીસના લેસ્બૉસ ટાપુ પર થઈ ગયેલી સેફો નામની કવયિત્રી સેફો તેના લઘુકાવ્યો, શોકાંતિકાઓ અને પ્રણયપ્રચૂર ગીતકાવ્યો; સ્ત્રીગત સંવેદનોનું તાદૃશ આલેખન; ભાષાની સફાઈ, વિચારની સરળતા અને ઉત્તમ શબ્દચિત્રો વડે અમર થઈ ગઈ. એની રચનાઓ, એના સમકાલીનો અને અનુજોની રચનાઓમાંથી એનું એક ચિત્ર વિદ્યાર્થીનીઓ સાથેના એના સમલૈંગિક સંબંધોનું ઊભું થાય છે અને એ એ હદ સુધી કે આજે સેફો એ લેસ્બિનિઝમનું પ્રતીક ગણાય છે.

સેફોની પ્રસ્તુત રચના ૩૧મો ટુકડો ગણાય છે, જેના સોથી વધુ તો માત્ર અંગ્રેજી અનુવાદ થયા છે, બીજી ભાષાઓના તો અલગ! મોટા ભાગના અનુવાદકોએ છેલ્લી મુખ્ય રચનાથી છૂટી લખાયેલી અને અધૂરી ગણાતી પંક્તિને અવગણી છે. વિકીપિડિયા પર મૂળ ગ્રીક કવિતાના સ્વરૂપને (છંદને નહીં) વફાદાર રહીને કરાયેલા અંગ્રેજી અનુવાદને અહીં આધારભૂત ગણ્યો છે. સેફોના ગીત અને શૈલી એટલા બધા પ્રભાવક છે કે જે છંદોલયમાં એ રચના કરતી હતી એનું નામ Sapphic stanza પડ્યું, જેમાં ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણ પંક્તિમાં અગિયાર-અગિયાર (hendecasyllable)અને ચોથી, ટૂંકી પંક્તિમાં પાંચ (adonic) શબ્દાંશ (syllable) આવે છે. સેફોની ભાષા પણ લેસ્બૉસ ટાપુની સ્થાનિક ઇઓલિક બોલી હતી. આપણે ત્યાં મરાઠી ભાષામાંથી ઊતરી આવેલું અંજનીગીત મૂળે આના પરથી ઊતરી આવ્યું હોય તો નવાઈ નહીં. અંજનીગીતમાં પણ ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણમાં સોળ-સોળ માત્રા અને ચોથી પંક્તિ ટૂંકી-દસ માત્રાની હોય છે.

*

It seems to me…

That man seems to me to be equal to the gods
who is sitting opposite you
and hears you nearby
speaking sweetly

and laughing delightfully, which indeed
makes my heart flutter in my breast;
for when I look at you even for a short time,
it is no longer possible for me to speak

but it is as if my tongue is broken
and immediately a subtle fire has run over my skin,
I cannot see anything with my eyes,
and my ears are buzzing

a cold sweat comes over me, trembling
seizes me all over, I am paler
than grass, and I seem nearly
to have died.

but everything must be dared/endured, since (?even a poor man) …

– Sappho (Greek)

Comments (4)

પાંડોબા અને મેઘધનુષ્ય – ઉદયન ઠક્કર

દૃશ્ય :

મુંબઈના ત્રીજા ભોઈવાડામાં ‘હરિનિવાસ’ મકાનની અગાસી. ખૂણાની મોરી પાસે એક આધેડ વયસ્ક વ્યક્તિ ધડાધડ વાસણો સાફ કરે છે. વરસાદનાં ફોરાં પડવાં શરૂ થયાં છે.

નેપથ્યે :

પાંડુ કાંબળે લબ્ધ-પ્રતિષ્ઠિત, ખાતરીવાળો રામો છે
જેના હાથમાં મોટાં મોટાં કુટુંબનો પાયજામો છે
કપડાં-વાસણનું પ્રતિમાસે ત્રીસ નગદનું ભથ્થું છે
પાંડોબાનું કાર્યક્ષેત્ર, ભોઈવાડામાં, એકહથ્થુ છે
(પાનસભર) મોઢાને એ ક્યાં સમ ખાવા પણ ખોલે છે?
પાંડોબા વર્ષોથી ચુપ છે, વાસણ-કપડાં બોલે છે…

આકાશમાં સાત રંગો કોળી રહ્યા છે. તાજા જ ખીલેલા મેઘધનુષ્યની નજર ‘હરિનિવાસ’ પર પડે છે. કોણ જાણે કેમ, મેઘધનુષ્યને પાંડોબા પર વ્હાલ ઊપજે છે.

મેઘધનુષ્ય :

ઉહ્ ઉહ્ (પાંડોબાનું ધ્યાન આકર્ષવા ખાંસી ખાય છે.)

પાંડોબા :

ઘસર ઘસર (વાસણો ઉજ્જવળ કરે છે.)

મેઘધનુષ્ય :

સદા કાર્યરત આંખો વચ્ચે ચપટીક વિસ્મય આંજીને
રે પાંડોબા, અહીં પણ જોજો, એલ્યુમિનિયમ માંજીને

કેટકેટલાં વર્ષો પહેલાં, યાદ છે? આપણે મળ્યાં હતાં?
આછા તડકામાં, જ્યારે ખેતરના શ્વાસો ભળ્યા હતા
કપોલ પર જલશીકરના અનવરત પ્રહારો થતા હતા
તારા હાથોમાં, બીજા પણ કોક હાથ ખળખળ્યા હતા!

બે પારેવાં જેવાં, મેં વર્ષામાં તમને દીઠેલાં
મૌન થયેલાં, મૂંઝાયેલાં, એકમેકને અડકેલાં…

તને સાત રંગોની ઇર્ષા થઈ કે નહીં, એ ખબર નથી
ઓષ્ઠ વગરનાં મારા આયુષ, મને તે ક્ષણે ખટકેલાં!

પાંડોબા :

વાસણ બાજુએ કરે છે, હાથ પરની રાખ ખંખેરે છે, મેઘધનુષ્ય તરફ જુએ છે.

મેઘધનુષ્ય :

ખેતર જેને ટૂંકાં પડતાં—આજે ચાર દીવાલોમાં
યથાશક્તિ રોમાન્સ કરે છે, ભોઈવાડાની ચાલોમાં.
શું છે ભોઈવાડાથી મોટું? ચણિયા કરતાં રંગીન પણ?
ના સમજ્યો તેથી વેડફાયો, પાંડોબા નામે એક જણ
ભલે જીવીએ સ્હેજ, તોય જીવીએ ઝળહળમાં, પાંડોબા
વાસણ મૂકી ક્વચિત્ નીકળી પડો સકળમાં, પાંડોબા

પાંડોબા ઊભા થાય છે. હાથ લંબાવીને મેઘધનુષ્યને પકડે છે.
આકાશથી ઉતારે છે.
‘501 બાર’ સાબુથી એને ધુએ છે, નીચોવે છે,
પછી ધોળાધબ્બ થયેલા મેઘધનુષ્યને,
ક્લીપ લગાડીને આકાશે ટાંગી દે છે.

આ જોઈને ‘હરિનિવાસ’ના બીજા માળે રાખેલો
એક પોપટ પિંજરામાંથી બોલે છે કે,
‘પગાર તીસ રૂપયડી હોય,
ત્યારે ભલભલાં મેઘધનુષ્યો પણ ધોળાંધબ્બ થઈ જતાં હોય છે,
સીતારામ.’

– ઉદયન ઠક્કર

એક નવતર પણ બળકટ પ્રયોગ….વાતમાં વજન છે !

Comments (6)

મૂળિયા – મનીષા જોશી

મૂળ ખુલ્લાં દેખાય તેવું વૃક્ષ
મને હંમેશ ડરામણું લાગે છે.
પર્વતની ધાર પર ઉભેલા
એ વૃક્ષના મૂળિયાને કોઈ આધાર નથી
ભેખડ તો ગમે ત્યારે તૂટી પડે

નીચેની ઊંડી ખાઈમાં ફંગોળાઈ રહેલા
એ વૃક્ષને જોઈને લાગે છે,
ધરતી જ છે સાવ છેતરામણી
ગમે ત્યારે છેહ દઈ દે.
વૃક્ષમાં બાંધેલા માળામાં સૂતેલાં
સેવાયા વગરના ઈંડા
ક્યાં પડ્યાં ?
ન વૃક્ષ , ન ઈંડા
કાંઈ અવાજ નહી, કાંઈ નહી
હમણાં અહીં હતાં, હવે નથી
ભરી ભરી સૃષ્ટિમાંથી કંઈ આમ ઓછું થઇ જાય
અને આસપાસ કોઈ ફરક સુદ્ધાં નહી?
નીચે ખાઈમાં કંઈ દેખાતું નથી, છતાં લાગે છે કે,
ઈંડા હજી શોધી રહ્યાં છે, ગરમી ,
ખાઈમાં પડેલી બંધિયાર હવામાંથી.
વૃક્ષ હજુ ઝાવાં નાખી રહ્યું છે,
પર્વતની અવાસ્તવિક માટી પકડી લેવા માટે
નિરાધાર વૃક્ષ
નોંધારાં ઈંડા.
ખાઈમાં ઘૂમરાતા , પવનમાં
નિ:શબ્દ વલોપાત છે.
પર્વતો સ્થિર , મૂંગામંતર
સાંભળી રહ્યા છે.
અકળાવી નાખે તેવી હોય છે ,
આ પર્વતોની શાંતિ.
મારે હવે જોવા છે,
આખા ને આખા પર્વતોને તૂટી પડતા
ખાઈનું રુદન
મોં ફાટ બહાર આવે તે મારે સાંભળવું છે.

– મનીષા જોશી

કવયિત્રીની લાક્ષણિક કવિતા છે આ !! ‘ પાકિઝા ‘ પિક્ચરમાં એક ડાયલોગ છે – ‘ યહ કોહરે કી ઝમીં ઉપર ધુંએ સે બની હુઈ દુનિયા હૈ જો કિસી કો પનાહ નહીં દે સકતી ‘ …..જે જમીનમાં વૃક્ષના મૂળિયાં છે તે જમીન-ભેખડ એટલે જગતની value system – પ્રત્યેક વ્યક્તિનું થઈ જતું/કરવામાં આવતું conditioning. પાયા જ નિર્બળ-નમાલા છે….ખાઈ એટલે રાગ-દ્વેષ ઇત્યાદિથી રચાતું અજ્ઞાનરૂપી કળણ… માનવી પ્રયત્ન કરે….તરફડે, પણ બહાર ન નીકળી શકે. જ્યાં સુધી ભૂમિ જ દગો આપતી રહેશે ત્યાં સુધી…………

Comments (5)

શું શું સાથે લઈ જઈશ હું? – ઉમાશંકર જોશી

શું શું સાથે લઈ જઈશ હું?

કહું ?

લઈ જઈશ હું સાથે
ખુલ્લા ખાલી હાથે
પૃથ્વી પરની રિદ્ધિ હૃદયભર-

વસન્તની મ્હેકી ઉઠેલી ઉજ્જ્વલ મુખશોભા જે નવતર,
મેઘલ સાંજે વૃક્ષડાળીઓ મહીં ઝિલાયો તડકો,
વિમળ ઊમટ્યો જીવનભર કો અઢળક હૃદય-ઉમળકો,
માનવજાતિ તણા પગમાં તરવરતી ક્રાન્તિ
અને મસ્તકે હિમાદ્રિશ્વેત ઝબકતી શાન્તિ,
પશુની ધીરજ, વિહંગનાં કલનૃત્ય, શિલાનું મૌન ચિરંતન,
વિરહ-ધડકતું મિલન, સદા-મિલને રત સંતન
તણી શાન્ત શીળી સ્મિતશોભા,
અંધકારના હૃદયનિચોડ સમી મૃદુ કંપિત સૌમ્ય તારકિત આભા,
પ્રિય હૃદયોનો ચાહ
અને પડઘો પડતો જે ‘આહ!’
મિત્રગોઠડી મસ્ત, અજાણ્યા માનવબંઘુ
તણું કદી એકાદ લૂછેલું અશ્રુબિન્દુ,
નિદ્રાની લ્હેરખડી નાની-કહો એક નાનકડો
સ્વપ્ન-દાબડો,
(સ્વપ્ન થજો ના સફળ બધાં અહીંયા જ)
– અહો એ વસુધાનો રસરિદ્ધિભર્યો બસ સ્વપ્ન-સાજ!-

વઘુ લોભ મને ના
બાળકનાં કંઈ અનંત આશ-ચમકતાં નેનાં
લઈ જઈશ હું સાથે
ખુલ્લા બે ખાલી હાથે
ખુલ્લા બે ‘ખાલી’ હાથે ?

– ઉમાશંકર જોશી

જવાનો સમય આવી ગયો છે. સવાલ છેઃ સાથે શું લઈ જવું? સિકંદર ખાલી હાથે ગયેલો. પોતાની સંપત્તિમાંથી કશું સાથે નહોતો લઈ જઈ શકેલો. કવિ પણ ખાલી હાથે જ જવાનું મુકરર કરે છે. પણ શહેનશાહ અને કવિમાં એક ફરક છે – કવિ ખાલી હાથ સાથે પણ પોતિકી બધી ય સંપત્તિ સાથે લઇ જવા સમર્થ છે. કારણ કે કવિની સંપત્તિ જ અલગ જાતની છે. કવિની સંપત્તિનું મોહક વર્ણન વાંચીને તમને પણ એક વાર મરવા તૈયાર થઈ જાવાનું મન ન થઈ જાય તો પૈસા પાછા !

(તસ્વીર સૌજન્યઃ વેલરી એવરેટ)

Comments (7)

ભીંત ઉપર – રાધિકા પટેલ

મને ભીંત જરા પણ પસંદ નથી;
કારણ કે મને આકાશ ગમે છે..!!
હું કઈ કીડી નથી કે ચાલ્યા કરું – હારબંધ.
હું ગરોળી પણ નથી કે રાહ જોયા કરું.
હું ફેંકી દઉં મારા કપાળનો સૂરજ આ ભીંત પર તો-
ક્ષણમાં રાખ
બધુંય.
મારે ભીંત પર ટકોરા પાડવાની જરૂર નથી;
હું મારા અવાજથી ખેરવી શકું છું-
ફક્ત પોપડી જ નહિ-રંગ, રેતી, ઈંટ અને સિમેન્ટ સુધ્ધાં..!!
હું મારા નખથી ખોતરી શકું છું – એમાં બારી અને દરવાજો.
પાણી બતાવું એને તો તરવા લાગે-એ.
કે પછી કેશ વડે ઝાટકી નાખું-આખું ચોમાસું એના પર…!!
હું એક દરિયો ચીતરી શકું છું એના પર – નજર ફેરવીને.
મારી આંગળીના ટેરવેથી હું ઉગાડી શકું છું, બગીચો-ભીંત પર.
મને ફૂંક મારી એમાંથી પંખી ઉડાડતા આવડે છે..!!
જો હું એના પર હથેળી ફેરવું…
પ્રેમથી….
તો, છૂટી જાય એનું-
ભીંતપણું..!
સારું છે કે મેં હજુ સુધી એને ચૂમી નથી-
નહીંતર….!!
હું બીજું ઘણુંય કરી શકું છું.
મારામાં હજુય મોજુદ છે-
મારુ પીપળાપણું…!!

– રાધિકા પટેલ

કલ્પનોની તાજગી અને નાવીન્યસભર રજૂઆત એ નવા સર્જકો તરફથી મળતું મોટામાં મોટું સુખ છે. ફેસબુક જેવા સોશ્યલ મિડિયા પરથી સારા સર્જકો સતત મળતા રહે છે. રાધિકા પટેલનું નામ કદાચ આવી યાદીમાં ઊમેરી શકાય.

ભીંત સ્થિરતાનું, વિભાજનનું, જડતાનું પ્રતીક છે એટલે જ કાવ્યનાયિકાને ભીંત જરા પણ પસંદ નથી. ‘જરા પણ’ વચ્ચે ઊમેરીને નાપસંદગીને જે રીતે દૃઢતાપૂર્વક કવયિત્રી પ્રગટ કરે છે એની પણ મજા છે. આકાશ એને પસંદ છે કેમકે આકાશ ગતિશીલતા, ખુલ્લાપણા અને સજીવતાનું પ્રતીક છે. આકાશમાં અવકાશ છે. આરપાર જઈ-જોઈ શકાય છે. ભીંત પર કતારબંધ કે રાહબંધ જીવન વ્યતિત કરતાં કીડી-ગરોળી હોવાનો પણ નાયિકાને સાફ ઈન્કાર છે. હનુમાનને પોતાની તાકાત યાદ કરાવવા માટે જાંબુવાનની જરૂર હતી પણ નાયિકા જાત વિશે સ્પષ્ટ છે. ગુસ્સાથી, અવાજથી, નખથી, વાળ ઝાટકતાં ઊડતાં પાણીથી નાયિકા ભીંતને હતી-ન હતી કરી દેવા સક્ષમ છે. ભીંત પર બગીચો ઊગાડી, પંખી વસાવી એ નિર્જીવમાં પણ પ્રાણ પૂરી શકે છે. અને સુપેરે માહિતગાર છે પોતાના પ્રેમની તાકાતથી પણ કે પ્રેમભર્યા એક સ્પર્શ માત્રથી ભીંતનું ભીંતત્ત્વ જ ખતમ થઈ જશે અને કશું જ કારગત ન નીવડે તો પીપળાની જેમ પોતાને ભીંત ફાડીને ઊગી નીકળતાય આવડે છે…

સરવાળે કોઈપણ પરિસ્થિતિમાં હાર ન માનવાનો, ગુસ્સાથી લઈને પ્રેમ સુધી અને અવાજથી લઈને સ્પર્શ સુધી, ચુંબનથી માંડીને મૂળિયાં નાંખીને ચીરી નાખવા સુધી – યેનકેન પ્રકારે ભીંત જેવા જડ સંબંધોમાં પણ પ્રાણ પૂરી શકવાનો સ્ત્રીગત જુસ્સો અને આત્મવિશ્વાસ આ કવિતાનો સાચો પ્રાણ છે… ભીંત તો માત્ર પ્રતીક છે.

Comments (11)

યાદી – અશ્વિની ધોંગડે

ચોખા પાંચ કિલો
ઘઉં દસ કિલો
ખાંડ દસ કિલો
ગોળ બે કિલો

દિવસે દિવસે ભાવ ભડકે બળે છે
યાદીમાં થોડી કાપકૂપ કરવી પડશે.

મગની દાળ ત્રણ કિલો
તુવેર દાળ બે કિલો

વીજળીનું બિલ ભરવાનું છે
એલ.આઇ.સી.નો ચેક લખવાનો છે.

સાબુના લાટા બે
જીરુ સો ગ્રામ
રાઇ એક કિલો

કેટલા વર્ષો સુધી કર્યા કરવાની
એની એ જ યાદી

કંટાળો એક કિલો
ત્રાસ બે કિલો

– અશ્વિની ધોંગડે

એક ગૃહિણી ખરીદીની યાદી લખતી જાય છે. અને સાથે મન વિચાર કરતું જાય છે. વર્ષોનો ક્રમ છે. રોજનું રુટિન છે. વર્ષોથી એકસરખી યાદી છે. હવે છેલ્લે છેલ્લે માત્ર બે ચીજ ઉમેરાયેલી છેઃ કંટાળો અને ત્રાસ.

જીવનની ક્રૂર ઘરેડનું કડવુંવખ ચિત્ર.

Comments (6)

અજાણ્યો નાગરિક -ડબ્લ્યુ. એચ. ઑડેન (અનુ.: વિવેક મનહર ટેલર)

(જે.એસ./07એમ378
આ આરસનું સ્થાપત્ય
રાજ્યસરકાર વડે ઊભું કરાયું છે)

એના વિશે અંકશાસ્ત્રના ખાતા દ્વારા તપાસમાં જણાયું છે કે
એની સામે કોઈ અધિકૃત ફરિયાદ નહોતી,
અને એના વર્તન વિશેના બધા જ અહેવાલો સહમત છે એ વાતે
કે, એક જૂનવાણી શબ્દના આધુનિક સંદર્ભમાં,
એ એક સંત હતો,
કેમકે એણે જે બધું કર્યું, એણે સમાજની સેવા જ કરી.
એ નિવૃત્ત થયો ત્યાં સુધીમાં, એક યુદ્ધને બાદ કરતાં,
એ ફેક્ટરીમાં કામ કરતો હતો અને કદી છૂટો કરવામાં આવ્યો નહોતો,
પણ સંતોષ્યા હતા, ફજ મોટર્સ ઇન્ક.ના માલિકોને.
એ એની દૃષ્ટિએ બદમાશ કે વિચિત્ર નહોતો,
કેમ કે એના યુનિયને રિપોર્ટ કર્યો છે કે એણે બધું કર્જ ચૂકવી દીધું હતું,
(એના યુનિયન વિશેનો અમારો રિપોર્ટ કહે છે કે એ યોગ્ય હતું)
અને અમારા સામાજિક મનોવિજ્ઞાન કાર્યકર્તાઓ શોધ્યું હતું કે
એ એના સાથીઓમાં પ્રિય હતો અને એને શરાબ ગમતો હતો.
અખબારોને ખાતરી છે કે એ રોજ અખબાર ખરીદતો હતો
અને જાહેરખબરો વિષયક એના પ્રતિભાવો દરેક રીતે સામાન્ય હતા.
એના નામ પર લેવાયેલી પોલિસી સાબિત કરે છે કે એણે પૂર્ણપણે વીમો ઉતરાવ્યો હતો,
અને એનું આરોગ્ય-પત્રક સૂચવે છે કે એ એકવાર હૉસ્પિટલમાં દાખલ થયો હતો પણ સારો થઈને છોડી ગયો હતો.
બંને સંશોધન તથા ઉચ્ચ-સ્તરીય જીવન નિર્માતાઓ જાહેર કરે છે કે
એ હપ્તા પદ્ધતિના ફાયદાઓથી સંપૂર્ણપણે વાકેફ હતો
અને આધુનિક માનવીને આવશ્યક તમામ ચીજો એની પાસે હતી,
મોબાઇલ, રેડિયો, કાર અને રેફ્રિજરેટર.
અમારા જાહેર મંતવ્યના સંશોધકો એ વાતે સંતુષ્ટ છે
કે એ સમસામયિક ઘટનાઓ અંગે યોગ્ય અભિપ્રાયો ધરાવતો હતો;
જ્યારે શાંતિ હોય, એ શાંતિના પક્ષમાં રહેતો; યુદ્ધ થાય ત્યારે એ માટે જતો.
એ પરિણીત હતો અને વસ્તીમાં પાંચ બાળકોનો એણે ઉમેરો કર્યો હતો,
જે વિશે અમારા સુપ્રજનનશાસ્ત્રી કહે છે કે એની પેઢીના મા-બાપ માટે યોગ્ય આંકડો હતો.
અને અમારા શિક્ષકો કહે છે કે એ કદી એમના શિક્ષણ અંગે દખલ કરતો નહોતો.
શું એ આઝાદ હતો? શું એ ખુશ હતો? પ્રશ્ન જ અસંગત છે:
જો કંઈક ખોટું હોત, તો અમે ચોક્કસ એ વિશે સાંભળ્યું જ હોત.

-ડબ્લ્યુ. એચ. ઑડેન
(અનુ.: વિવેક મનહર ટેલર)

સત્તાધીશો-રાજકારણીઓની નજરે સામાન્ય નાગરિકની હકીકતમાં શી કિંમત છે એ બતાવતું, છરીની જેમ સીધું જ કલેજાની આરપાર નીકળી જતું કાવ્ય…

Comments (5)

ઈર્શાદગઢ : ૦૩ : અછાંદસ : મારું મૃત્યુ – ચિનુ મોદી

OLYMPUS DIGITAL CAMERA

મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નહીં હોય,
મિત્રો.

અનેક રસ્તાઓ
તમારે એકમાર્ગી બનાવવા પડશે.
અનેક શહેરી વિસ્તારોને
સાઇલન્સ ઝોન ડિક્લેર કરવા પડશે.
વિચારોથી ધમધમતા
અનેક મસ્તિષ્કોમાં
તમારે કરફ્યુ નાખવો પડશે.
મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નહીં હોય,
મિત્રો.

પહેલાં તો તમારે
મારું નવું ડેસ્ટિનેશન શોધી કાઢવું પડશે,
મારું નવું સરનામું
તાર-ટપાલ અને આંગળિયા સર્વિસવાળાને
લખાવી દેવું પડશે.
મારા ફોન-ફેક્સ નંબર જાણવા પડશે.
ઇ-મેઇલ એડ્રેસ મેળવવું પડશે.
મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નથી
મિત્રો.

તમારે નવાં રેલવે સ્ટેશન,
એરપોર્ટ્સ
પૉર્ટ્સ
અને એક્સપ્રેસ હાઇવેઝની
ફેસિલિટિઝ ઊભી કરવી પડશે.
મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નથી
મિત્રો.

મારા નિશ્ચેતન પડેલા દેહને
બાળવા,
દાટવા
કે પાણીમાં પધરાવવાના
વિચાર ન કરશો.
થોડી વારે એ હવાનો હિસ્સો થશે.
મર્યા પછી જીવની માફક જ
દેહ છૂ થઈ જવાનો કિસ્સો
મશહૂર કિસ્સો બનશે.
મારું મૃત્યુ નાનીસૂની ઘટના નથી
મિત્રો.

– ચિનુ મોદી

૨૦૦૯ની સાલમાં ચિનુ મોદી આ અછાંદસ લખી ગયા એ જાણે છેલ્લી ગુડબાય કહેવા માટે જ ન લખ્યું હોય! દેહદાન કરવાનો વિચાર શું એ વખતથી એમના મનમાં ચાલતો હશે? કવિનું મૃત્યુ આમેય નાનીસૂની ઘટના નથી હોતી. કવિ કોઈપણ દેશ-કાળમાં સંસ્કૃતિના સાચા પ્રહરી હોય છે. સિકંદર યુદ્ધમાં પોતાના સૈનિકોને ખાસ આદેશ આપે છે કે આખા નગરને બાળી નાખજો, બધું લૂંટી લેજો પણ કવિઓને કોઈ પણ પ્રકારનું નુકશાન ન કરશો કેમ કે કવિ જ સમાજનો ખરો આત્મા છે.

Comments (1)

પ્રતિક્ષા – પ્રીતિ સેનગુપ્તા

ચોકમાં ચણ નાખીને બેસી રહું છું
મારા બોલાવ્યાથી જ
પંખી આવી નથી જતું.
એ આવે છે એની જ મરજીથી

ફૂલો મધુના ભારથી લચી પડે તો શું?
મન થશે ત્યારે જ
ફરફરતુ
પતંગિયુ આવશે.

રસ્તામાં ખાબોચિયામાં
છબછબિયા કરવાનું મન નથી થતું હવે.
ભેજની શેવાળથી છવાયેલા કાચ પર
નામ લખી દેવાનું તોફાન નથી સૂઝતું હવે

અવરજવર તો રહી
ને ધૂળિયાં પગલાંયે ઘણા પડ્યા
પણ કોઇનાયે પદક્ષેપથી
શલ્યાનો ઉધ્ધાર નથી થયો હજી.

જાણ છું
જે પંખી ના આવે તેને માટે
ચણ નાખીને બેસી રહેવું,
જે પતંગિયુ ભમ્યા કરે તેના માટે
ફૂલોએ સાજ સજવા
જેનો સ્પર્શ થવાનો નથી
એ સુવર્ણમણિની આશામાં તપોમગ્ન રહેવું
તે તો છે
અપાત્રને કરેલું પ્રેમનું દાન…

– પ્રીતિ સેનગુપ્તા

મુદ્દાની વાત કરે છે કવયિત્રી ! માણસ જે કંઈ પણ કરે છે તે સ્વ-હેતુથી કરે છે.

Comments (6)

એક કાવ્ય – બાબુ સુથાર

હું કવિતા નથી લખતો.
હું તો મારી ઇન્દ્રિયો પર લાગેલા લૂણને માત્ર સાફ કરતો હોઉં છું.
હું મારી ભાષાના કેટલાક શબ્દોનું
આયુષ્ય વધારવાનું કામ કરતો હોઉં છું.
મને સામાજીક વાસ્તવિક્તા શું છે
એની ખબર નથી.
મને રૂપાન્તર નામની બલાની પણ ખબર નથી.
મને ‘પદાવલી’, ‘કલ્પન’ જેવા શબ્દો
‘ખમીસ’ અને ‘ચડ્ડી’ કરતાં ઉપયોગી નથી લાગતા.
હું છંદમાં કવિતા નથી કરતો.
પણ હું છંદશાસ્ત્ર જાણું છું.
એ શાસ્ત્રના જ્ઞાનના આધારે
હું એટલું કહી શકું કે
છંદને ધૂપેલની જેમ માથામાં નાખી શકાય નહીં.
એનો કાંસકાની જેમ માથું ઓળવા માટે પણ ઉપયોગ કરી શકાય નહીં.
સાચું પૂછો તો મને છંદ કરતાં ઊલિયું વધારે મહત્વનું લાગે છે.
કેમ કે એનાથી હું આખી રાત દરમિયાન
મારી જીભ પર ભેગો થયેલો કચરો
દૂર કરી શકતો હોઉં છું.

– બાબુ સુથાર

પાંડિત્યપૂર્ણ અલંકૃત ભાષાના બદલે ઘણીવાર કવિતા “મૈં જિસે ઓઢતા બિછાતા હૂં”ના ન્યાયે ઘરેલુ બોલચાલની ભાષામાં વધુ અસરદાર અનુભવાય છે. કવિતામાં નકાર પણ ઘણીવાર બળવત્તર હકારની ભાષા બની રહે છે. અહીં કવિ ઘરેલુ ભાષા અને નકાર -બંને હાથમાં લઈને ચાલે છે. રચનાનું શીર્ષક ‘એક કાવ્ય’ છે પણ રચના શરૂ થાય છે, ‘હું કવિતા નથી લખતો’ના નકારથી. કવિતાના કર્તવ્યથી કવિ પરિચિત છે. કવિતા ઇન્દ્રિયોની સફાઈ કરે છે. એરિસ્ટોટલની પરિભાષામાં કવિતા catharsisનું- અર્થાત્ લાગણીઓના વિરેચન અને શુદ્ધિકરણનું કામ કરે છે, ભાષાને જીવાડવાનું કામ કરે છે અને સામાજીક નિસ્બત પણ રાખે છે. કવિ શરૂમાં કહે છે કે હું કવિતા નથી લખતો પણ પછી કહે છે કે હું છંદમાં કવિતા નથી કરતો. ના ના કરતે પ્યાર તુમ્હીં સે કર બૈઠે! કવિતાના અગત્યના અંગો જેવા કે રૂપાન્તર, પદાવલી, કલ્પન વગેરેનો માત્ર નામોલ્લેખ કરીને છોડી દીધા પછીની અડધોઅડધ કવિતા છંદશાસ્ત્ર વિશે છે. કવિ ભલે છંદમાં કવિતા નથી કરતા પણ ‘એક કાવ્ય’માં અડધાથી વધુ ભાગ છંદને ચરણે સોંપીને હકીકતમાં છંદનો જ મહિમા કરાયો છે. છંદશાસ્ત્રના અભ્યાસુ હોવા છતાં કવિ છંદમાં કવિતા નથી કરતા એ બાબત છંદ શીખ્યા વિના જ અછાંદસનો મહિમા કરનારાઓ માટે સ્પૉટલાઇટ જેવી છે. કવિતાની સાથોસાથ રોજિંદી જિંદગીને સતત જક્સ્ટાપૉઝ કરીને, કવિતાને સતત ઉતારી પાડવાનો કીમિયો કરીને પણ સરવાળે તો કવિને ‘એક કાવ્ય’ જ સિદ્ધ કરવું છે…

Comments (8)

સ્ટેપ્લર – અનિલ ચાવડા

ચમકતું સ્ટીલ જેવું
લાલ પટ્ટીવાળું
લાગણીદાર પીનો પોતાની ભીતર સમાવી રાખતું
ને
વિખરાયેલા સંબંધોના કાગળોને સ્ટેપલ કરતું
એક સ્ટેપ્લર હતું મારી પાસે
નકામા ને ખોટી રીતે સ્ટેપલ થઈ ગયેલા સંબંધોને
ઉખાડવા માટેનો અણીદાર ભાગ પણ હતો તેમાં
હમણાથી એ ભાગ થોડો વધારે પડતો વળી ગયો છે
કંઈ પણ ખોટી રીતે સ્ટેપલ થઈ જાય તો ઉખાડી નથી શકાતું
પીન પણ બરોબર નથી લાગતી કાગળોમાં
સંબંધો વિખેરાઈ જાય છે
ફાટી પણ જાય છે
ક્યારેક હાથમાં વાગી જાય તો લોહીઝાણ થઈ જાય છે આંગળી
બહુ મથ્યો તેને રિપેર કરવા
પણ ન થયું તે ન જ થયું
છેવટે દુકાને ગયો, રિપેર કરાવવા
દુકાનદાર કહે,
‘સ્ટેપ્લર તે કંઈ રિપેર કરાવવાનું હોય? બદલી નાખવાનું હોય!’
પણ એ સ્ટેપ્લર મારી છાતીમાં છે
અને હું એને બદલી નથી શકતો.

– અનિલ ચાવડા

ધારદાર……

Comments (11)

છે ? – કરસનદાસ માણેક

છે પ્રજા
.         સત્તાય છે
.         પણ ક્યાં
.         પ્રજાસત્તાક છે ?

– કરસનદાસ માણેક

સોંસરવો ઉતરી જાય પણ પરાણે સહન કરવો જ પડે એવો પાયાનો પ્રશ્ન. દેશને પ્રજાસત્તાક જાહેર થયાને ૬૮ વર્ષ થયાં… બીજા ૬૮ વીતશે એ પછી પણ આ પ્રશ્ન બદલાય એવું હાલ તો જણાતું નથી…

Comments (3)

The Shadow –Walter de la Mare – અનુ. – દેવિકા ધ્રુવ

સૂરજના છેલ્લાં કિરણો ઢળે,
ને જગત આખું યે
રાતના દરિયામાં ડૂબે;
ત્યારે ઉપર ઊંચે એક મોટો,
ગોળ ચંદ્ર તરે છે.
એના ઉછીના લીધેલા તેજથી,
પથરા,ઘાસ, તરણું,
ઝીણામાં ઝીણું તણખલું
નજરમાં આવે તે સઘળું,
ચમકાવી ધૂએ છે.
ધીરા પગલે હું,
શ્વેત,ચોક્ખી દિવાલ પાસે જાઉં છું.
જ્યાં મારો એક અંગત સંગ
રાહ જોતો ઉભો હોય છે.
એક અનુચર….
શાંત, અક્કડ અને ઉત્તેજક.
હું જે કાંઈ કરું,
બધું જ તે કરે છે!
બિલ્લીથી વધુ ચૂપકીદીથી
મને અનુસરે છે.
મારી ચાલ, અંગભંગ,
આકાર, દેખાવ…
હું વળું કે ફરું,
ભાખોડિયા ભરું કે શિકારીની જેમ ઘૂમું.
બધું જ એ ચાલાકીથી કરે.
ચંદ્રના અજવાળે અને ઘુવડના સંગીત સાથે!
શીશ્શ…હું ધીરો ઈશારો કરું.
આવ, આવ..કોઈ જવાબ ન મળે..
એ અંધ અને મૂંગો છે.
હા, અંધ અને મૂંગો… પડછાયો…
ને જ્યારે હું જઈશ ત્યારે,
આ દિવાલ ખાલી,શૂન્ય,
સફેદ બરફ જેવી રહી જશે!!!!

– દેવિકા ધ્રુવ [ ભાવાનુવાદ ]

* * *

When the last of gloaming’s gone,
When the world is drowned in Night,
Then swims up the great round Moon,
Washing with her borrowed light
Twig, stone, grass-blade — pin-point bright —
Every tiniest thing in sight.
Then, on tiptoe,
Off go I
To a white-washed
Wall near by,
Where, for secret
Company
My small shadow
Waits for me.
Still and stark,
Or stirring — so ,
All I’m doing
He’ll do too.
Quieter than
A cat he mocks
My walks, my gestures,
Clothes and looks.
I twist and turn,
I creep, I prowl,
Likewise does he,
The crafty soul,
The Moon for lamp,
And for music, owl.
” Sst! ” I whisper,
” Shadow, come!”
No answer:
He is blind and dumb.
Blind and dumb,
And when I go,
The wall will stand empty,
White as snow.

– Walter de la Mare

પડછાયાના અસ્તિત્વ માટે આવશ્યક છે પ્રકાશ અને એક સપાટી. પ્રકાશ એટલે સત્ય. સપાટી એટલે દુન્યવી-વ્યવહારુ જીવન. અહીં પ્લેટો વડે વર્ણવાયેલી allegory of cave યાદ આવે છે. વ્યક્તિ જયારે પડછાયાને પડછાયા તરીકે પારખી જશે ત્યારે તેનું દર્શન સ્પષ્ટ થશે.

Comments (3)

તો કહેજો… – દલપત પઢિયાર

એક દિવસ
સોસાયટીના સૌએ ભેગા થઈ
વીજળીના તારને નડતો લીમડો
કાપી નાખ્યો.
તે રાતે
વગડાનાં બધાં ઝાડ
મારી પથારીમાં આવ્યાં હતાં!
મારું એકે મૂળ રાતું થયેલું ન જોતાં
એ બિચારાં પાછાં વળી ગયાં…
હું ઘણી વાર
ઊંઘમાંથી ઝબકી જાઉં છું,
બારણામાં ઝાડનાં પગલાં સંભળાય છે.
મારામાં, મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ !
હું ફરી પાછો
ફણગી જઈશ એવી બીક લાગે છે !
આજે
બીજું ઝાડ કપાયું છે આ વાસમાં
રાત્રે
કોઈ બારણું ખખડાવે
તો કહેજો :
એ અહીં સૂતો જ નથી !

-દલપત પઢિયાર

સિમેન્ટના જંગલની વચ્ચે કેદ મનુષ્યની થીજતી જતી સંવેદનશીલતાની લોહીલુહાણ કરી નાંખે એવી ધારદાર કવિતા. આપણી ભૌતિક સુખસગવડની આડે પ્રકૃતિનું કોઈપણ તત્ત્વ આવે, એને રહેંસી નાંખતા આપણે ઘડીભર પણ વિચારતા નથી. મહોલ્લાના લોકો પાસેથી તો અપેક્ષા ન જ રાખી શકાય પણ પ્રકૃતિ કાવ્યનાયક પાસે સમ-વેદનની આશા રાખે છે. કપાઈ ગયેલું ઝાડ રાતે નાયકના સ્વપ્નમાં આવે છે પણ નાયકે કપાયેલા ઝાડને બચાવવા કોઈ યથાર્થ યત્ન-પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કર્યો જ નથી. ભલે ઝાડ છેદાઈ ગયું પણ નાયકના મૂળમાં કશું કપાયું નથી એટલે એના મૂળિયા લાલ થયા નથી. કવિ એ કુદરતની આખરી આશા છે. આખરી આશા પણ ઠગારી નીવડી છે એટલે કુદરત મૂંગા મોઢે પારોઠના પગલાં ભરે છે. ક્યાંક પોતાનામાં સંવેદનશીલતાના ફણગા ફૂતી આવે એની વળી નાયકને બીક પણ છે એટલે બીજું ઝાડ કપાય છે ત્યારે એ સ્વપ્નમાં પણ એનો સામનો કરવા પણ તૈયાર નથી….

Comments (6)

ओस की बुंदो पर – नेहल

पीली पत्तीओं के रास्तो से हो कर पहुंचे हैं;
उन मौसमो के मकाम पर,
जहां अब तक एक डाल हरी भरी सी है!
फूलों और काँटों से परे,
तितलीओं और भवरों से अलग,
मौसम के बदलते मिज़ाज ठहर गए है वहां!
ढूँढते नहीं वे अब
बहारो के निशान।
डरते नहीं
पतझड़ की तेज हवाओं के
थपेडो से।
हरी भरी डाली झुकी है जिस
निली सी नदी पर
जहां अब पानीओंमें अक्स
बनते-बिगडते नहीं।
समय का फूल;
अब न सूरज की गर्मी से झुलसता है,
न बारिषों में बहता है!
स्फटिक सा रंगहीन फूल
समाये हुए है सारे रंग
अपने अंदर।
सुकून के पाखी
जीते है उसी की
ओस की बुंदो पर।

– नेहल

મનુષ્ય જીવન નું અંતિમ લક્ષ્ય મોક્ષ કે મુક્તિ કે નિર્વાણ કહો એ શબ્દોમાં વ્યક્ત થઈ શકે નહીં. ‘નેતિ નેતિ ‘ દ્વારા એ શું નથી એ જ વર્ણવી શકાય. એ જ રીતે ઉપરોક્ત ઝેન કવિતા દ્વારા ‘સત્ ચિત્ આનંદ ‘ ની સ્થિતિએ પહોંચેલ મન કેવું હોય એ વ્યક્ત કરવાનો પ્રયાસ થયો છે. ‘પીળી પત્તીઓ’ નો સંદર્ભ પાનખર , બધી ૠતુઓ માણ્યા પછીની ૠતુ….હરમાન હેસ ના ‘સિધ્ધાર્થ ‘ની જેમ જીવન ની બધી અનુભૂતિઓ થી પસાર થઈ ને જ મુકત અવસ્થા સમજાય. ‘હરી ભરી ડાળી’ શિશુ સહજ વિસ્મય અને તાજગીભરી નજર થી દુનિયાને, જીવન ને જોવાના સંદર્ભ માટે વપરાયું છે.

મનની મૌસમ એ મુકામ પર આવીને સ્થિર થઈ છે જ્યાં સુખ દુ:ખ ના ફૂલ કાંટા સમાન છે. બાહ્ય આકર્ષણ, ચળકાટ પર ભમતા પતંગિયા અને ભ્રમરવૃત્તિ થી મન આગળ વધી ગયું છે.મન ને હવે વસંત ની પાછળ ભાગતું નથી અને પાનખર ના તોફાનોથી ડરતું નથી, નકારતું નથી. શિશુ સહજ વિસ્મયથી જીવનને નિહાળવા મનનું જળ દર્પણ સ્થિર જોઈએ અથવા એમ કહી શકાય કે જે તે વસ્તુ પરિસ્થિતિઓનું પ્રતિબિંબ વિકૃત કર્યા વગર પાડી શકે.

સમય નિત્ય છે, સ્ફટિક ની જેમ નિર્મળ છે- neutral છે….એમાં બધા રંગો સમાયેલ હોવા છતાં તે તટસ્થ છે. જે વ્યક્તિએ સમયને, કાળને સમજ્યો છે એને જીવનની વિપરીત પરિસ્થિતિઓનો તાપ અસર કરતો નથી. નથી એ વહી જતો સમયના ઝંઝાવાતી વહેણમાં. પાખી..પંખી..મુકત મનનું પ્રતિક છે સુકૂન…શાંતિ….મુક્ત મન જ અનુભવી શકે અને એને પોષતું તત્ત્વ છે સમયનું ઝાકળ…ક્ષણ…જો ક્ષણમાં જીવતા આવડી જાય તો સુકૂન…શાંતિ…મુક્તિ…દુષ્પ્રાપ્ય નથી.

રચના તેમજ રસાસ્વાદ :- ડૉ. નેહલ વૈદ્ય

આ જ કવયિત્રી દ્વારા ચલાવતો સ્વ-રચિત તેમજ અન્ય ગમતી રચનાઓ નો બ્લોગ – www.inmymindinmyheart.com માણવો આપણે ગમશે…

Comments (9)

સાપ્તાહિક કોલમ ~ એક નવી શરૂઆત…

એક નવી શરૂઆત… “ગુજરાત ગાર્ડિયન” દૈનિકમાં દર મંગળવારની પૂર્તિમાં મારી કોલમનો પ્રારંભ… “ગ્લોબલ કવિતા” – અન્ય ભાષાની કવિતાઓનો ગુજરાતી અનુવાદ તથા ટૂંકો આસ્વાદ….

01

જેનીએ ચૂમી લીધો મને

જેનીએ ચૂમી લીધો મને જ્યારે અમે મળ્યા-
જે ખુરશીમાં એ બેઠી હતી એમાંથી ઊછળીને;
કાળ ! ચોર ! તને આદત છે બધી મીઠી વસ્તુઓ
તારી યાદીમાં સમાવી લેવાની, આ પણ નોંધ !
કહેજે કે હું થાકી ગયો છું, કહેજે કે હું દુઃખી છું,
કહેજે કે આરોગ્ય અને સંપત્તિ -બંને મને ચૂકી ગયાં છે,
કહેજે કે હું ઘરડો થઈ રહ્યો છું, પણ ઉમેરજે,
કે જેનીએ ચૂમી લીધો મને.

– જેમ્સ લે હન્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતાના શબ્દો અને સામાન્ય વાતચીતના શબ્દોમાં તાત્વિક રીતે કંઈ જ ફરક નથી. તો પછી એવું શું હશે જે વાતચીતના શબ્દોને કવિતાની કક્ષાએ લઈ જતું હશે ? જેમ્સ લે હન્ટની આ કવિતા પર નજર નાંખીએ.

પહેલી નજરે જોઈએ તો માણસ પ્રેમમાં પડે ત્યારે સાવ સરળ બાબત પણ કેવી ઉત્તેજના, કેવો ગર્વ જન્માવે છે એનું સર્વાંગસંપૂર્ણ ઉદાહરણ ! એક ચુંબન. સાવ સામાન્ય ઘટના. વિદેશમાં તો બિલકુલ સાહજિક બાબત. પણ ચુંબન કરવાની સામાન્ય પ્રણાલિને ખુરશીમાંથી ઊછળીને ચુંબન કરવામાં આવે છે એમાં જે ‘ઉછળવા’ની ક્રિયા કવિ ઉમેરે છે એ આખી વાતને અસામાન્ય બનાવી દે છે. આગળ જોઈએ તો કવિ સમય સાથે ગુફ્તેગૂ માંડતા નજરે ચડે છે. સમય પર આરોપ છે કે એ બધી મીઠી વાતો પોતાની યાદીમાં સમાવી લેતો હોય છે. ભલભલી યાદોને ચોરી લેતો સમય ઊછળીને કરવામાં આવેલા ચુંબનની આ અનૂઠી ક્ષણ ચૂકી ન જાય એ માટેની કવિની ટકોર વાતને કાવ્યની કક્ષાએ લઈ જાય છે. વાતચીતના શબ્દો કઈ રીતે કાવ્યનું સ્તર આંબી શકે છે એ સમજવા માટે આ કવિતાના શબ્દો અને એની રચના –બંને મદદરૂપ થઈ શકે છે.

લાંબા અંતરાલ પછી કાવ્યનાયક નાયિકા સાથે મુખામુખ થાય છે ત્યારે આનંદના ઉમળકામાં નાયિકા ઊછળીને એને એક ચુંબન ચોડે છે. ઘટના બસ આટલી જ છે. આ ચુંબન, આ સ્નેહાવિર્ભાવ આલિંગન કે પથારી સુધી પણ લંબાતો નથી. પણ ચુંબન પાછળનો જે ઉમળકો છે, જે આવેશ છે એ સ્પર્શી જાય છે. કેમકે કાવ્યનાયક ઊંમરના છેલ્લા પડાવ પર આવી ઊભો છે. સ્વાભાવિક છે કે કાવ્યનાયિકા પણ જરાવસ્થામાં જ છે. નાયક સ્વીકારે છે કે એ થાકી ગયો છે, હારી ગયો છે, દુઃખી પણ ઘણો છે અને તન-મન-ધન, ત્રિવિધ રીતે જીવનમાં નિષ્ફળ ગયો છે. આરોગ્ય કથળ્યું છે. ખિસ્સામાં નિર્ધનતા ભરેલી છે, મનમાં હતાશા. જીવન હારી જતું હોય છે, માણસ હારી જતો હોય છે પણ પ્રેમ ? પ્રેમ કદી હારતો નથી. પ્રેમ જ ખરું પ્રેરકબળ છે જે જીવનની સાંકડી ગલીમાંથી સોંસરા કાઢી આપે છે આપણને.

એક અવસ્થા સુધી માણસ પોતાની સ્થિતિ સામે સતત લડતો રહે છે પણ પછી એક સમયે એ પરિસ્થિતિને સ્વીકારી લેવાની સમ્યક્ અવસ્થા પર આવી ઊભે છે. ગાલિબ યાદ આવી જાય: ‘रंज़ से खूंगर हुआ इंसान तो मिट जाता है रंज़, मुश्किलें मुझ पर पडी इतनी कि आसान हो गई । (માણસ જ્યારે દુખનો આદિ થઈ જાય છે, ત્યારે દુઃખ મટી ગયેલું અનુભવાય છે. મુસીબતોનો બોજ જ્યારે સહનશક્તિની તમામ હદો પાર કરી જાય છે ત્યારે એ મુસીબતો પછી મુસીબત જણાતી નથી.) નાયક પોતાના હારેલ-થાકેલ ઘડપણને સ્વીકારીને નાયિકાની સન્મુખ આવી ઊભે છે કેમકે બધું જ હારી દીધા પછી પણ સ્નેહ પરની શ્રદ્ધા હજી ગત થઈ નથી. સુન્દરમે લખ્યું હતું, ‘જગતની સર્વ કડીમાં સ્નેહની સર્વથી વડી.’ નાયિકાનું ચુંબન સ્નેહની આ સર્વથી વડી કડીની પ્રતીતિ કરાવે છે.

નાયક સમયને જે ઉપાલંભ આપે છે આગળ કહ્યું એમ આ કાવ્યનો પ્રાણ છે. સમય ભલભલા ઘાનું સિદ્ધ ઔષધ છે. સારું-નરસું બધું જ સમય પોતાના પાલવમાં ભેદભાવ વિના સમાવી લે છે. પણ કવિ એને જે ચીમકી આપે છે એની મજા છે. કવિ સમયને કહે છે કે તું તારી ડાયરીમાં બધું જ નોંધી લેજે. મારી બરબાદી, મારો વિનાશ, મારી રોગિષ્ઠાવસ્થા, મારું ઘડપણ – બધું જ પણ હું જ્યારે જેનીને મળ્યો ત્યારે જેનીએ આ ઉંમરે પણ ખુરશીમાંથી ઊછળીને મને જે ચુંબન કર્યું એ નોંધવાનું ભૂલીશ નહીં કેમકે આ ચુંબન, આ સ્નેહ, નાયકની તમામ મોરચે થયેલી હાર પછી પણ નાયકનો સ્નેહપૂર્વક સ્વીકાર એ નાયકની જિંદગીની સાચી ઉપલબ્ધિ છે. આ જીત, આ પ્રાપ્તિ, આ દોલત સંસારની સમસ્ત સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન છે. સ્નેહ જ જીવનનો સાચો અર્થ છે.

રચનાની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજીમાં જવલ્લે વપરાતા ટ્રોકેઇક મીટર (સ્વરભારવાળો શબ્દાંશ પછી સ્વરભારહીન શબ્દાંશ)નો અહીં પ્રયોગ થયો છે. સામાન્યરીતે અંગ્રેજી કવિતામાં આયેંબિક પેન્ટામીટરનો પ્રયોગ વધુ થાય છે જેમાં લઘુ-ગુરુ એમ સ્વરભારની યોજના જોવા મળે છે પણ અહીં સ્વરભારનો પ્રયોગ આનાથી ઊલટી રીતે –ગુરુ-લઘુ, ગુરુ-લઘુ – થાય છે. જેના કારણે કાવ્યપઠનની પદ્ધતિ પણ બદલાય છે જે અલગ પ્રકારની ફ્લેવર સર્જે છે. મૂળ અંગ્રેજી કવિતામાં અબઅબ-કડકડની પ્રાસરચના પણ પરંપરાથી જરા ઉફરી ચાલે છે. આ કવિતા વિશ્વ સાહિત્યમાં એટલી બધી પ્રસિદ્ધ થઈ છે કે ઢગલાબંધ લોકોએ આની પ્રતિ-કવિતાઓ પણ રચી છે.

એવી વાયકા છે કે ફ્લુની લાંબી બિમારીમાંથી ઊઠીને હન્ટ જ્યારે થોમસ કાર્લાઇલને મળવા જાય છે ત્યારે એની પત્ની જેન વેલ્શ કાર્લાઇલ ખુરશીમાંથી ઉછળીને એને ચૂમે છે. બે દિવસ પછી હન્ટનો નોકર આ કવિતા જેનને આપી જાય છે.
*

Jenny kiss’d me when we met,
Jumping from the chair she sat in;
Time, you thief, who love to get
Sweets into your list, put that in!
Say I’m weary, say I’m sad,
Say that health and wealth have miss’d me,
Say I’m growing old, but add,
Jenny kiss’d me.

– James Henry – Leigh Hunt

Comments (11)

ફ્રાન્સિસ્કા – એઝરા પાઉન્ડ (અનુ. વિવેક મનહર ટેલર)

રાત્રિના અંધકારમાંથી તું બહાર આવી
અને તારા હાથમાં ફૂલો હતાં,
હવે તું લોકોના ગૂંચવાડામાંથી બહાર આવશે,
તારા વિશેના અવાજોના કોલાહલમાંથી.

હું જેણે નિહાળી છે તને આદિમ ચીજો વચ્ચે
ગુસ્સે હતો જ્યારે એ લોકો તારું નામ બોલતા હતા
સામાન્ય જગ્યાઓ પર.
કાશ ! ઠંડાગાર મોજાં મારા માથા પર ફરી વળે,
અને આ દુનિયા મરેલાં પાંદડાની જેમ સૂકાઈ જાય,
અથવા ડૅન્ડિલિઅનની દાંડી પરથી ઊડતા બીજની જેમ ઊડી જાય,
જેથી હું તને ફરીથી મેળવી શકું,
એકલી.

– એઝરા પાઉન્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
એક પ્રિયતમા જેની સાથે એકાંતમાં સાવ અંગત ક્ષણો વિતાવી છે એ આજે હવે જીવનમાં નથી રહી. એની જાહેર જિંદગી પર પ્રશ્નો ઊઠી રહ્યા છે, આંગળી ચિંધાઈ રહી છે જે કવિને પસંદ નથી. રાત્રિનો અંધકાર એ બદનામીનો અંધકાર છે. લોકોને જ્યારે ચોરે ને ચૌટે પોતાની પ્રેયસીનું નામ બોલતાં કવિ સાંભળે છે ત્યારે ઈર્ષ્યા અને ગુસ્સો બંને જન્મે છે. મન થાય છે કે કાશ મગજ શાંત થઈ જાય એવી કોઈ ઘટના બને અથવા દુનિયા આખીનો નાશ થઈ જાય જેથી તારી અને મારી વચ્ચે કોઈ બચે જ નહીં અને પોતે પ્રેયસીને પુનઃ મેળવી શકે. છેલ્લી પંક્તિમાં જે ‘એકલી’ શબ્દ એકલો વપરાયો છે એ પ્રેમની પઝેસિવનેસ ઈંગિત કરે છે, જેની પ્રબળતા આપણને “તારા રૂપની પૂનમનો પાગલ એકલો” તરત યાદ કરાવી દે છે…

ફ્રાન્સિસ્કા શીર્ષક કવિએ કેમ વાપર્યું હશે એ એક કોયડો છે. એઝરા પાઉન્ડ ‘ઇમેજીઝમ’ના રસ્તે વળ્યા એ પૂર્વેનું આ કાવ્ય શું તેરમી સદીમાં થઈ ગયેલ ગીડોની પુત્રી ફ્રાન્સિસ્કા, જે પોતાના દિયરના પ્રેમમાં પડી હતી અને પતિના હાથે જેની દિયસ સાથે હત્યા થઈ હતી, જે મહાકવિ દાન્તેની ‘ડિવાઇન કોમેડી’માં પણ એક નાયિકા છે, એને સ્મરીને લખાયું હશે? કોઈ પ્રકાશ પાડી શકશે?

*
Francesca – Ezra Pound

You came in out of the night
And there were flowers in your hands,
Now you will come out of a confusion of people,
Out of a turmoil of speech about you.

I who have seen you amid the primal things
Was angry when they spoke your name
In ordinary places.
I would that the cool waves might flow over my mind,
And that the world should dry as a dead leaf,
Or as a dandelion seed-pod and be swept away,
So that I might find you again,
Alone.

Comments (3)

જળપરી અને દારૂડિયાઓની દંતકથા – પાબ્લો નેરુદા (અનુ. ઉદયન ઠક્કર)

પુરુષો બેઠા હતા
ત્યારે એ અંદર આવી, સાવ નિર્વસ્ત્ર
તેઓ ઢીંચતા હતા: તેમણે થૂંકવા માંડ્યું
એ નદીમાંથી તાજી જ નીકળી હતી, અબુધ-અણજાણ
એ માર્ગ ભૂલેલી જળપરી હતી
અપમાનો વહી ચાલ્યાં એની ચળકતી માંસપેશીઓ પરથી
બિભત્સ રસમાં ડૂબતાં ગયાં એનાં સોનેરી સ્તન
અશ્રુથી અજાણી હોઈ એણે અશ્રુ ન સાર્યાં
વસ્ત્રોથી અજાણી હોઈ એણે વસ્ત્રો નહોતાં પહેર્યાં
તેમણે ખરડી એને, બળેલા બૂચ અને બીડીનાં ઠૂંઠિયાંથી
તેઓ હસીહસીને લોટપોટ થઈ ગયા, પીઠાની ફરસ પર
એ બોલી નહિ કારણ કે એની પાસે વાચા નહોતી
એની આંખોનો રંગ, આઘેઆઘેના પ્રેમ જેવો
એના હસ્તની જોડ, શ્વેત પોખરાજમાંથી ઘડેલી
એના હોઠ ફરક્યા હળવે હળવે, પરવાળાના પ્રકાશમાં
એકાએક નીકળી ગઈ એ બારણાની બહાર
નદીમાં ઊતરતાંવેંત થઈ ગઈ નિર્મળ
વર્ષામાં ચળકતા સ્ફટિક સમી
અને પાછું જોયા વિના એણે તરવા માંડ્યું
તરવા માંડ્યું શૂન્ય તરફ, તરવા માંડ્યું મૃત્યુ તરફ

– પાબ્લો નેરુદા
(અંગ્રેજી પરથી અનુ. ઉદયન ઠક્કર)

કવિશ્રી ઉદયન ઠક્કરના જ શબ્દોમાં આસ્વાદ પણ માણીએ:

પીઠામાં પુરુષો બેઠા હતા ત્યારે એક જળપરી અંદર આવી, ‘સાવ નિર્વસ્ત્ર’- સત્ય ઢાંકપિછોડો ન કરે, એ તો ફરે ઉઘાડેછોગ. ‘તેઓ ઢીંચતા હતા’- ધ વર્લ્ડ ઇઝ નોટ ઇન ઇટ્સ સેન્સિસ, વિશ્વ વિવેકબુદ્ધિ ખોઈ બેઠું છે. ‘તેમણે થૂંકવા માંડ્યું’- મહામાનવ બનવું કપરું છે, પણ મહામાનવને ગાળ આપવી સહેલી છે. દારૂડિયો ઊલટી ન કરે તો બીજું કરેય શું? ‘નદીમાંથી તાજી જ નીકળી હતી’- નદીના તાજા જળ સાથે થૂંકનો વિરોધ ઊડીને આંખે વળગે તેવો છે. ‘માર્ગ ભૂલેલી’- ક્યાં જળપરી અને ક્યાં પીઠું? જળનો જીવ સ્થળ પર આવી ચડ્યો! માર્ગથી ચ્યુત કોણ થયું? જળપરી કે દારૂડિયાઓ? ‘અપમાનો’ ‘બિભત્સ રસ’- જળપરીનો દોષ એટલો જ કે એ સુંદર હતી.’વહી ચાલ્યાં’ ‘ડૂબતાં ગયાં’- પરી જળમાંથી આવી હોવાથી કવિ વહેવું-ડૂબવું ક્રિયાપદો પ્રયોજે છે. દારૂડિયાઓ સ્તન સુધી તો પહોંચ્યા પણ મન સુધી નહિ. ‘માંસપેશીઓના ચળકાટ’થી વધુ તેમને કશું ન દેખાયું કારણ કે તેમને આંખો હતી પણ દ્રષ્ટિ નહોતી.

‘તેમણે ખરડી એને’- પરીના સ્તર સુધી ન પહોંચાયું માટે તેમણે પરીને પોતાના સ્તરે પછાડી. સેડિઝમ- પરપીડનના આનંદથી શરાબીઓ ઝૂમી ઊઠ્યા. જળપરીએ પ્રતિકાર ન કર્યો, મૌન રહી. જળપરી લૌકિક નહિ પણ અલૌકિક હતી એ દર્શાવવા કવિ રહસ્યમય રીતે વર્ણન કરે છે. જળને તળિયે ખીલતા પરવાળાના પ્રકાશમાં એના હોઠ ફરક્યા, હળવે, હળવે.

‘એકાએક નીકળી ગઈ એ’- નીતર્યા નિર્મળ જીવને જગત ઝાઝું ન જાળવી શકે. જોન ઓફ આર્ક ઓગણીસમા વર્ષે ગઈ, ઈસુ ગયા ત્રીસ કે પાંત્રીસે. જળપરી શેનું પ્રતીક છે? નિર્દોષતાનું? પ્રકૃતિનું? સંસ્કૃ તિનું?

-ઉદયન ઠક્કર

Fable of the Mermaid and the Drunks

All those men were there inside,
when she came in completely naked.
They had been drinking: they began to spit.
Newly come from the river, she knew nothing.
She was a mermaid who had lost her way.
The insults flowed down her gleaming flesh.
Obscenities drowned her golden breasts.
Not knowing tears, she didn’t cry tears.
Not knowing clothes, she didn’t have clothes.
They blackened her with burnt corks and cigarette butts,
and rolled around laughing on the tavern floor.
She did not speak because she couldn’t speak.
Her eyes were the color of distant love,
her twin arms were made of white topaz.
Her lips moved, silently, in a coral light,
and suddenly she left by that door.
Entering the river she was cleaned,
shining like a white rock in the rain,
and without looking back she swam again
swam toward emptiness, swam toward death.

– Pablo Neruda

Comments (6)

મન – ચિનુ મોદી

માદરબખત મન, જો તારે હોત તન
અંગે અંગે કાપત તને, ઘાએ ઘાએ
મીઠું ભરત; અરે, ઉગાડત ગૂમડાં
અને પાકવા દઈ પરુ કરત, દદડતા
પરુ પર માખીઓનાં કટક ઉતારત
અને…
પણ, તું તો ઈશ્વર જેવું અદેહી છે,
છટકતો પવન છે. ચાલેલા ચરણનું
ચિહ્ન હોત તો શોધી કાઢત પગેરું
ને તોડી નાખત તારા પગ…
માંસમજ્જાની આ થપ્પીઓની ઓથે
તું ભરાઈ તો બેઠું છે, પણ, ક્ષણોનું
જ્યારે પૂરું થશે રણ, ત્યારે પરી જેવી
પાંખ તને ન ફૂટે, એવો આપીશ શાપ…

– ચિનુ મોદી

કવિતાની શરૂઆત જ ચોંકાવી દે એવી છે. મનને કવિ જે રીતે ગાળ આપીને સંબોધે છે એના પરથી જ ખ્યાલ આવી જાય છે કે આજે મનનું આવી બનવાનું. મન સાથે કવિને શું વાંધો પડ્યો છે, કેમ પડ્યો છે એ તો કવિતામાં અધ્યાહાર જ રહે છે પણ કેટલો વાંધો પડ્યો છે એ તો શબ્દે-શબ્દે ને પંક્તિએ પંક્તિએ ડોકાય છે.

કવિનું ચાલે અને જો મનને શરીર હોત તો કવિ એના પર પોતાની ખીજ શી રીતે કાઢત એનું અદભુત વર્ણન કર્યા પછી અચાનક ‘અને…’ કહીને અટકી જાય છે. ઈશ્વરની સાથે સરખાવીને મનની અદૃશ્યતા અને સર્વોપરિતા – એમ બંનેનો સ્વીકાર કર્યા પછી પણ કવિ હજી મનના ટાંટિયા તોડી નાંખવાની જ ફિરાકમાં છે. અંતે ક્ષણોનું રણ પૂરું થવાની વાત જીવનના અંતને નિર્દિષ્ટ કરે છે. કવિ મનને કદી મનફાવે ત્યાં ને તેમ ઊડી ન શકાય એવો શાપ અંતકાળે આપવાનું નિર્ધારે છે એમાં ગુસ્સો, ખીજ, ચીડ અને અંતે મનનું કંઈ જ બગાડી ન શકવાની નપુંસકતા છતી થાય છે. થાકેલો, હારેલો માણસ શાપ આપવા સિવાય બીજું કરી પણ શું શકે ?

Comments (8)

આજની રાત હું ઉદાસ છું – હરીન્દ્ર દવે

રાત્રિને કહો કે આજે
એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢે,
રસ્તાને કહો કે ધીમે ધીમે ઊઘડતા
ફૂલની પાંખડી માફક એ સામો આવે,
વૃક્ષોને કહો કે એના પર્ણોમાં
એ કોઇ અજબની રાગિણી વગાડે.
હવાને કહો કે આજની રાત એ ધીમેથી લહેરાય –

આજની રાત હું ઉદાસ છું
અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે

બ્રહમાંડમાં બજી રહેલું અલૌકિક સંગીત
મારા કાને ન અથડાય એવું કરો,
મારે તરણાંએ પહેરેલાં ઝાકળનાં
નેપૂર સાંભળવા છે;
મધદરિયે મોજાંને પહેરાવેલા વલય
મારે ઉતારી લેવા છે;
વાદળથી ધરતી સુધી લંબાતા વરસાદના તારને
બે હાથ લંબાવી માપી લેવા છે;

આજની રાત હું ઉદાસ છું
અને મારી ખોવાયેલી પ્રસન્નતા
મારે સર્વત્ર વહેંચાયેલી જોવી છે

મિલના ઊંચા ભૂંગળાને કોઇ ચંદનની
અગરબત્તીમાં પલટાવી દો,
સિમેંટ-કોંક્રિટનાં મકાનોને કોઇ સરુવનમાં
ફેરવી દો;
આંખની કીકીઓને કોઇ ચંદ્ર પર ચિટકાડી દો;
માણસોનાં ટોળાંને કોઇ સાગરની લહેરોમાં
લહેરાવી દો;

આજની રાત હું ઉદાસ છું અને
મારે ખડખડાટ હસી લેવું છે.

– હરીન્દ્ર દવે

કવિ ઉદાસ છે, પણ એણે સૌને પુલકિત કરવા છે,ખડખડાટ હસવું છે….વિરોધાભાસથી વેદના વધુ ઘેરી બને છે. અતિશોયક્તિ અલંકાર કવિના ઉન્માદને ઉત્કૃષ્ટ રીતે રજૂ કરે છે.

Comments (2)

જેલીફિશ – મરિઆન મૂર (અનુ.: વિવેક મનહર ટેલર)

jelly-fish
(કાતિલ સૌંદર્ય….      …જેલીફિશ, શેડ એક્વેરિયમ, શિકાગો, 2011)

*

દૃશ્ય, અદૃશ્ય,
વધઘટ થતું કામણ,
એક સોનેરી પીળા રંગનો નીલમણિ
એનો નિવાસ; તમારો હાથ
નજીક પહોંચે છે, અને
એ ખુલે છે અને
એ બીડાય છે;
તમે ધાર્યું હતું
એને પકડવાનું,
અને એ સંકોચાઈ જાય છે;
તમે પડતો મૂકો છો
તમારો ઈરાદો –
એ ખુલે છે, અને એ
બીડાય છે અને તમે
એને પકડવા જાવ છો-
એની ફરતે વીંટળાયેલી
ભૂરાશ
ડહોળી થઈ જાય છે, અને
એ દૂર સરી જાય છે
તમારાથી.

– મરિઆન મૂર
(અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતાને ડુંગળી સાથે સરખાવી શકાય… એક પડ ઉખેડો ને બીજું નીકળે… બીજું ઉખેડો ને ત્રીજું… અને બધા પડ ઉખેડી નાંખો તો હાથમાં જે શૂન્ય આવે એ જ કદાચ કવિતાની સાચી ઉપલબ્ધિ… પડ પછી પડ ઉખેડવાની પ્રક્રિયા જ કદાચ કવિતાનું સાર્થક્ય છે…

જેમ જેલીફિશ દૂધની કોથળીની જેમ સતત આકાર બદલતી રહે છે એમ આ કવિતા પણ વધતા-ઘટતા કદના અનિયમિત વાક્યો, પ્રાસવિહીન, તાલવિહીન, છંદવિહીન છે. એમ કહી શકાય કે કવયિત્રીએ અહીં કવિતાના આકારની મદદથી જેલીફિશની મૂળભૂત પ્રકૃતિને ચિત્રાંકિત કરી છે. તમારા ઈરાદા પણ અહીં જેલીફિશ અને એ રીતે કાવ્યાકાર જેવા જ છે. તમે જેલીફિશને પકડવા આગળ વધો છો, પાછા વળો છો, વળી આગળ વધો છો…

તમે પકડવા જાવ અને એ સંકોચાય છે, તમે પાછા વળો છો અને એ ખુલે છે. તમે વળી પકડવા જાવ છો અને એ પાણીને ડહોળીને તમારી પહોંચની બહાર સરી જાય છે. જેલીફિશનું પ્રતીક લઈને કવયિત્રી હકીકતમાં કવિતા અને એ રીતે તમામ પ્રકારની કળાની જ વાત કરે છે. તમે સાયાસ એને સમજવાની કોશિશ કરશો, એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવાની કે નિષ્કર્ષ પામવાની ચેષ્ટા જેમ જેમ કરશો, તેમ તેમ કવિતા અને કળાનું હાર્દ તમારી પહોંચની બહાર સરતું જશે. કળા હકીકતે તો માત્ર અનુભૂતિની વસ્તુ છે…

હવે જેલીફિશને ભૂલી જાવ, કવિતાને પણ ભૂલી જાવ અને સ્ત્રીનો સંદર્ભ મૂકી જુઓ… એ પણ આવી જ અકળ ને !!!

*

A Jellyfish

Visible, invisible,
A fluctuating charm,
An amber-colored amethyst
Inhabits it; your arm
Approaches, and
It opens and
It closes;
You have meant
To catch it,
And it shrivels;
You abandon
Your intent—
It opens, and it
Closes and you
Reach for it—
The blue
Surrounding it
Grows cloudy, and
It floats away
From you.

– Marianne Moore

 

Comments (3)

Suchness – Lao-tzu [ trans.- Dr D T Suzuki ]

The Tao is something vague and undefinable;
How undefinable ! How vague !
Yet in it there is a form.
How vague ! How undefinable !
Yet in it there is a thing.
How obscure ! How deep !
Yet in it there is a substance.
The substance is genuine
And in it sincerity.
From of old until now
Its name never departs,
Whereby it inspects all things.
How do I know all things in their suchness ?
It is because of this.

– Lao-tzu [ trans.- Dr D T Suzuki ]

આ કાવ્યનું ભાષાંતર કરવા જતાં એની ઓરિજિનાલિટી મરી જશે તેથી ભાષાંતર કરવાને બદલે [ અત્યંત અચકાટ સાથે ] તેનો ભાવાનુવાદ થોડીક કૉમેન્ટ્સ સાથે રજૂ કરું છું…..અચકાટનું કારણ એ કે હું ચોક્કસ નથી કે જે હું સમજ્યો છું તે સાચું છે અને વળી એને શબ્દોમાં મૂકવાનું પણ મારુ ગજું નથી. માત્ર એક પ્રયત્ન કરું છું –

વેસ્ટર્ન ફિલૉસોફી અને ઈસ્ટર્ન ફિલૉસોફીમાં મૂળભૂત તફાવત intellect નો છે. વૅસ્ટર્નમાં intellect સિવાય કંઈ જ નથી અને ઈસ્ટર્નમાં direct experience – immediacy of realization મહત્વનું છે. સરળ શબ્દોમાં ઈસ્ટર્ન ફિલૉસોફી intuition – અંત:સ્ફૂરણાકેન્દ્રી છે જયારે વૅસ્ટર્ન conceptualization-analysis-intellectual dissection ઉપર અવલંબિત છે.

તાઓ નું અત્યંત અશુદ્ધ ભાષાંતર Way / Path / Flow છે. તેનું શુદ્ધ ભાષાંતર શક્ય નથી. જીવનમાર્ગ કહી શકાય. તાઓ કહે છે કે જયારે તમારી અનુભૂતિને તમે શબ્દોમાં વર્ણિત કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે તે છટકી જાય છે અને ઠાલાં શબ્દો રહી જાય છે. આપણે જયારે અદભૂત સૌંદર્ય અથવા અકલ્પનીય પ્રચંડ ભયની સન્મુખ થઈએ છીએ ત્યારે જે સંપૂર્ણ શબ્દહીન,વિચારહીન,તર્કહીન અવસ્થા અનુભવીએ છીએ તે સાચી અનુભૂતિ. જેવું આપણે તેનું વિશ્લેષણ કરવાનું શરુ કરીએ એટલે વિચારો – ‘મન’ – પ્રવેશે અને ‘મન’ સાથે તેના સંખ્યાહીન પૂર્વગ્રહો અને ધારણાઓ પ્રવેશે અને તે સાથે જ સત્ય નાસી છૂટે છે. આ વાતને કાવ્યાત્મક રીતે કાવ્યના પ્રથમ ચરણમાં [ પ્રથમ 9 લીટીમાં ] કહી છે. નિર્મળ શાંત સરોવરમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે છે ત્યારે ન તો ચંદ્રને ખબર છે કે તે પ્રતિબિંબિત થઇ રહ્યો છે કે ન તો સરોવરને ખબર છે કે પોતે કોઈને પ્રતિબિંબિત કરી રહ્યું છે. બંને માત્ર પોતપોતાના સ્વધર્મને અનુસરી રહ્યા છે અને તે પણ ‘સ્વધર્મ’ જેવા- કર્તુત્ત્વ ના- કોઈ ખ્યાલ વગર ! આ તાઓ છે. તાઓ ભલે અસ્પષ્ટ અને શબ્દ વડે અવર્ણનીય હોય, તે અનુભવી શકાય છે, ચોક્કસ અનુભવી શકાય છે, માત્ર શરત એટલી છે કે સરોવરના કિનારે સાક્ષીભાવે બેસવાનું છે અને ‘મન’ ને દેશનિકાલ કરવાનું છે.

કાવ્યના બીજા ચરણમાં [અંતિમ 5 લીટીમાં ] વિચારબીજ થોડું ગહન બને છે. સરળ ભાષામાં તેને રજૂ કરવું મારી તાકાત બહારનું કામ છે, પરંતુ વાત અત્યંત મહત્વની છે. અહીં ભાષાની [ communication ની ] મર્યાદાની વાત છે. Name એટલે મૂળ તત્વ. શુદ્ધ તત્વ. ઉદાહરણ તરીકે પ્રેમ. એવું મૂળ તત્વ કે જેનું નામ લેતા જ એક સમગ્ર વૈશ્વિક ભાવ – [ પ્લેટો ની ભાષામાં Ideal Form ] અભિપ્રેત થાય છે. એ મૂળ તત્વ અને તેનું નામ પડતા જ આપણી અંદર અનુભવાતી અનૂભૂતિ અવિભાજ્ય છે. આમ મૂળ તત્વો અનાદિકાળથી જડબેસલાક અને નિત્યસત્ય છે. જયારે આપણે, આપણી ભાષા [ કોઈપણ સ્વરૂપમાં – in any form of communication ] તે તત્વને વર્ણવવામાં અસમર્થ થઈ જાય છે ત્યારે મૂંઝવણો અને ગેરસમજોનો પર નથી રહેતો. આથી જ હું પ્રત્યેક વસ્તુ ને તેની ‘suchness’ [ તથતા – અર્થાત મૂળભૂત સ્વરૂપમાં ] માં કઈ રીતે જાણી શકું ? – ત્યારે કે જયારે પ્રચલિત ભાષામાંથી કોઈપણ મૂળ તત્વના સાચા નામને ઓળખીને તે દ્વારા તે મૂળતત્વની અનુભૂતિ કરી શકું ત્યારે. આ માટે ‘નેતિ નેતિ ‘ નો માર્ગ શ્રેષ્ઠ છે જેમાં વ્યક્તિ ભાષાના[expressions ના ] આવરણો દૂર કરતી કરતી અંતે મૂળ તત્વ સુધી પહોંચી શકે છે જ્યાં ‘શૂન્યતા’ છે….. Emptiness છે….. અર્થાત કોઈપણ ‘મન’ નો કલબલાટ નથી, વ્યાખ્યાઓ નથી,પૂર્વધારણાઓ નથી, માત્ર મૂળ તત્વ છે કે જે અસ્તિત્વથી ભિન્ન નથી. Direct experience છે.

હું મારી મર્યાદા માટે ખેદસહિત સભાન છું, ખૂબ જ અસ્પષ્ટ રીતે હું રજૂઆત કરી શક્યો છું. સૌના સૂચનોની રાહ જોઇશ……

Comments (3)

ન્યાય-દંડ – રવીન્દ્રનાથ ઠાકુર [ અનુ – નગીનદાસ પારેખ ]

તારો ન્યાયનો દંડ પ્રત્યેકના હાથમાં
તેં પોતે અર્પણ કરેલો છે.
પ્રત્યેકની ઉપર હે રાજાધિરાજ !,
તેં શાસનભાર નાખેલો છે.
એ તારા મોટા સન્માનને, એ તારા કઠણ કાર્યને,
તને નમસ્કાર કરીને વિનયપૂર્વક શિરોધાર્ય કરું;
તારા કાર્યમાં કદી કોઈથી ન ડરું.

હે રુદ્ર ! ક્ષમા જ્યાં ક્ષીણ દુર્બળતા ગણાય
ત્યાં હું તારા આદેશથી નિષ્ઠુર થઈ શકું.
તારા ઇશારાથી મારી જીભ પર સત્યવાકય
તીક્ષ્ણ ખડ્ગની પેઠે ઝળહળી ઊઠે.
તારા ન્યાયાસન ઉપર પોતાનું સ્થાન લઈને તારું માન રાખું.

અન્યાય જે કરે છે,
અને અન્યાય જે સહે છે,
તેને તારી ઘૃણા ઘાસની પેઠે બાળી નાખે છે.

– રવીન્દ્રનાથ ઠાકુર [ અનુ – નગીનદાસ પારેખ ]

ગુરુદેવ જાણે કે વાચકની પરીક્ષા લે છે ! સત અને અસતની લડાઈ માનવજાત જેટલી જૂની છે. ઘણીવાર અન્યાયનો ભોગ બનનાર વ્યક્તિ અથવા વ્યક્તિ-સમૂહ હિંમતભેર અન્યાયનો સામનો કરવાને બદલે એ કામ પ્રારબ્ધ ઉપર છોડી દે છે – ‘ આતતાયીને સજા ઉપરવાળો કરશે ‘ – એમ મન મનાવે છે. કાવ્યના પ્રથમ અર્ધમાં કવિ એ માનસિકતા સામે લાલબત્તી ધરે છે.

ક્ષમા કોણ આપી શકે ? – જયારે સત્યમાર્ગી એવી શક્તિશાળી પરિસ્થિતિમાં હોય કે જ્યાંથી એકીઝાટકે તે આતતાયીનો વધ કરી શકે તેમ હોય, ત્યારે જો એ આતતાયીને ક્ષમા આપવાનો નિર્ણય કરે તો તે સાચી ક્ષમા. બાકી ગૅસચૅમ્બરના ઊંબરે ઊભેલો લાચાર યહૂદી કહે કે -‘ હું હિટલરને ક્ષમા આપું છું ‘ – તો તે આત્મવંચનાથી વિશેષ કંઈ જ નથી. આથી જ સન્માર્ગીઓનું અનિવાર્ય કર્તવ્ય છે કે સંગઠિત થઈને આતતાયીનો વધ કરવો.

અંતિમ ચરણમાં સંદેશ તો સ્પષ્ટ છે કિન્તુ ઈશ્વરને ઘૃણાના કર્તા તરીકે આલેખ્યો છે. ઈશ્વરની પરિક્લ્પનામાં તેને સ્નેહ-ઘૃણાથી પર કલ્પવામાં આવે છે. આ ગુત્થી હું સુલઝાવી શકતો નથી.

Comments

થ્રી ઓડેસ્ટ વર્ડસ – વિસ્વાવા શિમ્બોર્સ્કા

હું જ્યારે ‘ભવિષ્ય’ શબ્દ બોલું છું,
ત્યારે એ જ ક્ષણે બોલાયા બાદ
એ ભૂતકાળ થઇ જાય છે.

હું જ્યારે ‘મૌન’ શબ્દ બોલું છું,
એ જ વખતે એ તૂટી જાય છે.

હું જ્યારે ‘નથિંગ’ શબ્દ બોલું છું,
ત્યારે હું કશુંક એવું બનાવી બેસું છું,
જે અનસ્તિત્વની પકડની બહાર છે.

– વિસ્વાવા શિમ્બોર્સ્કા [ પૉલૅન્ડની નૉબેલ વિજેતા કવયિત્રી ]

Three Oddest Words

When I pronounce the word Future,
the first syllable already belongs to the past.

When I pronounce the word Silence,
I destroy it.

When I pronounce the word Nothing,
I make something no nonbeing can hold.

– Wislawa Szymborska

 

 

જ્યાં શબ્દની\વિચારની સરહદ પૂરી થાય છે ત્યાંથી સત્યની શરૂઆત થાય છે.

Comments (4)

સજા – રીના (અનુ. વિવેક મનહર ટેલર)


તે
કંઈ પણ
થઈ શકતું હતું…
અવળા વહેણ પર
સંભાવનાઓનો પુલ
હવાના ખભા પર
કદાચ બનાવી પણ લઉં….!!!!!

પણ…
પણ હવે જવા દો ને…
કેટલાક અહેસાસોને
શબ્દોની સજા ન દેવી જોઈએ !!!!!

– રીના
(અનુ. વિવેક મનહર ટેલર)

કેટલીક કવિતાઓ ઠે..ઠ ભીતરથી નાભિ વલોવાઈને આવતી હોય છે. આ એમાંની એક છે. કોઈ જાતનો લવારો નહીં, એક પણ વધારાનો શબ્દ નહીં.

એકાક્ષરી શબ્દોથી શરૂ થઈ કાવ્ય કદમાં અને ભાવમાં -બંને રીતે સપ્રમાણ વિસ્તરે છે. જીવનમાં ઘણા દોરાહા એવા આવે છે જેના પર પસાર થયા બાદ જ અહેસાસ થાય છે કે આ કે તે – કંઈ પણ શક્ય હતું. પણ road not taken તરફ – અવળા વહેણમાં ઉપરવાસ જવું કંઈ દર વખતે શક્ય નથી હોતું, પછી મનમાં ભલેને કંઈના કંઈ હવાઈ કિલ્લાઓ આપણે કેમ બાંધી ન લઈએ.

કવિતા આ એક જ બંધમાં પૂરી થઈ શકી હોત. પણ બીજો બંધ કવિતાને નવતર ઊંચાઈ બક્ષે છે. પણ કહીને અટક્યા પછી કવયિત્રી આગળ તો વધે છે પણ એટલું કહેવા જ કે કેટલાક અહેસાસ આઝાદ જ સારા… એ અહેસાસોને શબ્દોમાં કેદ કરવામાં અહેસાસ પોતે કદાચ મરી પરવારે છે…

*

ये
वो
कुछ भी….
हो सकता था…!!
उल्टे बहाव पे
इम्काँ का पूल
हवा के खँभों पर
अगर बना भी लूँ…..!!!!!

पर…
पर अब जाने भी दो…..
कुछ एहसासात को
लफ़्ज़ों की सज़ा नहीं देते !!!!!

रीना

Comments (11)

મારી કબર પાસે – મેરી એલિઝાબેથ ફ્રે (અનુ. વિવેક મનહર ટેલર)

મારી કબર પાસે ઊભા રહીને ડૂસકાં ન ભરીશ
હું ત્યાં નથી. હું ઊંઘી નથી ગઈ.
હું પવનો છું હજાર જે સુસવાય છે.
હું હીરાકણીઓ છું બરફ પર ચળકતી.
હું પક્વ દાણા પરનો સૂર્યપ્રકાશ છું.
હું પાનખરનો સૌમ્ય વરસાદ છું.
તમે જ્યારે જાગશો સવારની ચુપકીદીમાં,
શાંત પક્ષીઓના ઝુંડને વર્તુળાકાર ઉડાનમાં
ઉંચકનાર પરોઢપક્ષી છું હું.
હું રાતે ચમકનાર મૃદુ તારાઓ છું.
મારી કબર પાસે ઊભા રહીને રડીશ નહીં
હું ત્યાં નથી. હું મરી નથી.

– મેરી એલિઝાબેથ ફ્રે (૧૯૦૫-૨૦૦૪)
(અનુ. વિવેક મનહર ટેલર)

ખ્રિસ્તી અંતિમવિધિઓમાં કદાચ સહુથી વધારે વાર વાંચવામાં આવેલી આ કવિતાના સર્જક વિશે પણ એકમત નથી. એક પારિવારિક મિત્રને એની માતાના અવસાન પર દિલાસો આપવા માટે મેરી એલિઝાબેથ ફ્રેએ 1932માં આ કવિતા લખી હોવાનું માનવામાં આવે છે. આ કવિતાના એકાધિક સ્વરૂપો પણ ઉપલબ્ધ છે. કવયિત્રીની રચનાઓમાંથી આ એક જ કવિતા બચવા પામી છે. કદાચ કવયિત્રીએ લખેલી આ એકમાત્ર જ કવિતા પણ હોઈ શકે.

*

Do Not Stand At My Grave And Weep

Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.

– Mary Elizabeth Frye

(Poem courtesy: Poonam Ganatra)

Comments (9)

(-) – લાભશંકર ઠાકર

ગાંધી બાપુને હું મારી ઊંઘમાં લઈ જાઉં છું દોરીને પેન્સિલથી.
એમના પગ દોરું ત્યાં તો ચાલવા માંડે.
‘બાપુ ઊભા રહો. હજી મને પૂરા દોરવા તો દો.’
બાપુ કહે : ‘ચાલતા ચાલતા દોર.’
બોલો ચાલતા ચાલતા કંઈ દોરી શકાય ? એ તો
અટકતા જ નથી મારી ઊંઘમાં.
હું પેન્સિલની અણી અડાડું ત્યાં તો આગળ ને આગળ.
અટકે તો પૂરેપૂરા દોરું ને !

– લાભશંકર ઠાકર

અંગ્રેજી કે અન્ય ભાષાઓની કવિતાઓના અનુવાદ તો આપણે અવારનવાર લયસ્તરો પર માણતા જ રહીએ છીએ. આજે જરા ઊલટું કામ કરીએ. આજે આપણી ભાષાની કવિતાનો અંગ્રેજી અનુવાદ માણીએ.

લા.ઠા.ની કવિતાઓ સહજમાં સમજાઈ જાય તો જ આશ્ચર્ય. સરળ લાગતી આ કવિતામાં ગાંધીબાપુની ગતિશીલતાનું જે ચિત્રણ કવિએ ઉપસાવ્યું છે એ કાબિલે-દાદ છે.

In my sleep I take Gandhi Bapu along, drawing him with a pencil.
The moment I draw his feet, they start walking.
‘Bapu, stop. Let me finish drawing you.’
Bapu says, ‘Draw as you walk.’
Tell me, is it possible for anyone to draw while walking ?
But he simply refuses to stop
Walking in my sleep.
The moment I touch him with the pencil point, he surges ahead.
How will I finish drawing him if he doesn’t stop ?

– Labhshankar Thakar
(English Translation : unknown) (source: Sameepe 36)

Comments (7)

પથ્થરો તળે – સિતાંશુ યશશ્ચન્દ્ર

શું હશે પથ્થરો તળે ? હીરા, શું હશે
પથ્થરો તળે ? પાણી. પાણી ? – હશે પથ્થરો તળે.
ક્યાં ? હશે પથ્થરો તળે.
હશે ?
શું હશે પથ્થરો તળે ? લાવા, હીરા હશે પથ્થરો તળે પાણી.
સિન્દૂરિયા લેપ કર્યા અને રેડ્યું તેલ. ના ? ઝરિયાના
પહેરાવ્યા અને ઘીનાં કમળ. તો ? ગર્ભાગારમાં સ્થાપ્યું
રૂઢિચુસ્ત લિંગ અને સતત ઠંડા પાણીની ધાર.
હવે ? શું થશે ? હશે હવે પથ્થરો તળે. હશે કે ? હશે હવે.
પથ્થરો ફંગોળ્યા છે ન સમજાતા આકાશમાં. તો ?
ક્યાંક ચાર પગ અને તીર. ક્યાંક સાત માણસો
અને સ્ત્રી. ક્યાંક પારધિ. ક્યાંક એકમેકને
તાકતાં પણ હરફ ના બોલતા ચન્દ્રનું અને
તારાનું હરણ. પોતપોતાના રાહુ અને પારધિના
ખ્યાલમાં ખોવાયેલાં.
ક્યાંક આ ક્યારેય સ્થિર ન રહી શકતા તોતિંગમાં ધ્રુવ.
જાઓ જાઓ.
ના સમજાતા આકાશમાં ના સમજાતા પથ્થરો
ફંગોળ્યા અણસમજુએ
ના સમજાતા પથ્થરોને નામ આપ્યાં ને પથ્થરો
પણ તેજ ને પથ્થરો પર જીવન ને પથ્થરો પર પાણી.
ખળખળખળ – શું હશે પથ્થરો તળે ? પથ્થરોમાં
શું હશે ? શું હશે પથ્થરો ?

– સિતાંશુ યશશ્ચન્દ્ર

કવિતાની શરૂઆતમાં પથ્થરોનો ઢગલો આપણી આંખ સામે આવે છે. આ પથ્થરોની નીચે શું હશે ? કંઈક હશે? હશે… પ્રશ્નાર્થચિહ્ન, અલ્પવિરામ અને પૂર્ણવિરામની મદદથી એક જ વાતને અલગ અલગ રંગોમાં આપણી સામે રજૂ કરે છે. પથ્થર પછી ઈશ્વરનું સ્વરૂપ ધારણ કરે છે અને આખરે વિશાળ બ્રહ્માંડનું. સપ્તર્ષિ, રોહિણી, મૃગશીર્ષ, પારધિ, ધ્રુવ – એમ અલગ અલગ તારામંડળના ટેકે કવિ ન સમજાતા આકાશની ન સમજાતી સૃષ્ટિમાં આપણને લઈ જઈને પાછાં પ્રશ્નોના પથ્થરો મારીને સાવ છુટ્ટા મૂકી દે છે.

પથ્થર, ઈશ્વર, આકાશ, તારામંડળ- આ બધાને ઉપરતળે કરીને નીચે ‘શું હશે?’નું કુતૂહલ, ‘હશે?’ ની અનિશ્ચિતતા અને ‘હશે હવે’ની નફિકરાઈ પ્રદર્શિત કરીને અંતે તો કવિ અસ્તિત્ત્વનો વણઉકલ્યો પ્રશ્ન જ તાગવા મથી રહ્યા હોય એમ લાગે છે.

Comments (5)

કબૂલાત – કુસુમાગ્રજ (અનુ.: સુરેશ દલાલ)

હું છું
શબ્દલંપટ –
શબ્દની વારાંગના
ઝરૂખામાં ઊભી રહીને
ઇશારા કરે છે મને,
કોઈ પણ દાહક રસાયણમાં
પીગળી જય છે મારો બધોયે પ્રતિકાર
અને હું જાઉં છું
તે બહિષ્કૃત દરવાજા તોડીને
સીધો અંદર
અર્થનો હિસાબ કર્યા વિના.

– કુસુમાગ્રજ
(અનુ.: સુરેશ દલાલ)

વારાંગનાને ત્યાં જનાર વિષયલંપટ વ્યક્તિ પણ સમાજના બંધનો અને તિરસ્કારથી અભિગત હોય છે. એટલે બહિષ્કૃત દરવાજાની પેલે પાર જતાં પહેલાં એ એકવાર વિચર તો કરવાનો જ. પણ બારીમાંથી વેશ્યા દ્વારા કરાતો ઇશારો સંકોચના રહ્યાસહ્યા દરવાજા તોડાવી નાંખે છે. સહજસામાજિક આ ચિત્રની સમાંતરે જ કવિ કવિની માનસિક્તાનું રેખાંકન કરે છે. શબ્દ કવિને હંમેશા લલચાવે છે. કવિતાનું આમંત્રણ ભલભલા વિશ્વામિત્રનું તપોભંગ કરી દે છે. શબ્દ એના નવતર આકાર સાથે કવિની સામે આવી ઊભે છે ત્યારે કોઈ બંધન, મર્યાદા કવિને રોકી શકતી નથી. આ એ સંવનન છે જ્યાં અર્થનો હિસાબ જ શક્ય નથી. “અર્થ”ના બંને અર્થ અહીં ધ્યાનમાં લેવાના છે – ‘નાણું’ અને ‘મતલબ’. કેમકે કવિતામાં પણ અર્થ કરતાં અનુભૂતિનું જ મહત્ત્વ છે.

Comments (9)