(કૃપા) – ઉષા
તારી કૃપા વરસી
તેને બંને હાથોથી ઝીલી હું ધન્ય બની
તારી કૃપા વરસતી જ રહી
એને ઝીલવા મારા બાહુ અધૂરા પડવા લાગ્યા.
તેં મને બે સૂક્ષ્મ બાહુ આપ્યા
ચતુર્ભુજ બનીને હું તારી કૃપા ઝીલતી રહી.
તારી કૃપા અખંડિત વરસતી જ રહી,
. વરસતી જ રહી!
ક્યારેક તો એટલી અનહદ વરસતી
કે પાત્ર પણ ટાંચું પડતું
ગજું નહોતું એ કૃપાને સમાવવાનું.
પરંતુ,
અચાનક માર્ગ જડી આવ્યો
ચતુર્ભુજાથી ઝીલાતી કૃપાને
મેં સહસ્ત્રભુજાથી વહેંચવા માંડી.
હવે પાત્ર ક્યારેય ટાંચું નહીં પડે.
તું વરસતો જ રહેજે!
– ઉષા
ગીતાંજલિના પહેલા જ પુષ્પમાં કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોર કહે છે: Thy infinite gifts come to me only on these very small hands of mine. Ages pass, and still thou pourest, and still there is room to fill. (તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.)
આ કવિતા ટાગોરની કવિતા જ્યાં પૂરી થાય છે, ત્યાંથી આગળ વધે છે. કવયિત્રી કહે છે કે ઈશ્વરની કૃપા ઝીલવા માટે બે હાથ નાના પડવા માંડ્યા તો એમણે ચાર હાથે ઝીલવી શરૂ કરી પણ ઈશ્વરકૃપા ઝીલવી ત્યાં સુધી શક્ય ન બની જ્યાં સુધી બે હાથે લીધેલી વસ્તુ હજાર હાથે વહેંચવી શરૂ ન કરી… આ જ સાચો ઉપાય છે. એ જે મહેરબાની વરસાવે છે એમાં સમસ્તિને ભાગીદાર બનાવીશું તો જ એની મહેરબાની એકધારી અને વધુને વધુ વરસતી રહેશે…