અમારી સફર ને તમારો તરાપો;
જવું પાર સામે, તમે સાથ આપો!
દિવ્યા મોદી

આઇસક્રીમનો શહેનશાહ – વૉલેસ સ્ટિવન્સ (અનુ. વિવેક મનહર ટેલર)

બોલાવો મસમોટી સિગારના વાળનાર,
એ હટ્ટાકટ્ટાને, અને કહો એને કે વલોવે
રસોડાના વાસણોમાં કામાતુર દહીંઓને.
છોકરડીઓને આળસમાં રાચવા દો એ વસ્ત્રોમાં
જે પહેરવા તેઓ ટેવાયેલી છે, અને છોકરાઓને
લાવવા દો ગયા મહિનાના અખબારોમાં ફૂલો.
હોવાને હોવા દો લાગવુંની પરાકાષ્ઠા.
એકમાત્ર શહેનશાહ છે આઇસક્રીમનો શહેનશાહ.

કાઢો, કાચના ત્રણ ડટ્ટાઓ વગરના
કબાટના ખાનાંમાંથી, પેલી ચાદર
જેના પર એણે કદી પંખીઓનું ભરતકામ કર્યું હતું.
અને એવી રીતે પાથરો કે એનો ચહેરો ઢંકાય.
જો એના કઠણ પગ બહાર રહી જાય, તો એ બતાવવા માટે
જ કે એ કેટલી ઠંડી છે, અને મૂંગી પણ.
દીવાને એના કિરણ ગોઠવવા દો.
એકમાત્ર શહેનશાહ છે આઇસક્રીમનો શહેનશાહ.

– વૉલેસ સ્ટિવન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

આ કવિતાને સેંકડો વિવેચકોએ વીસમી સદીની સૌથી વધુ ગૂંચવાડાજનક કવિતા કહી છે અને એ સાથે જ સેંકડો વિવેચકોએ આને ઉત્તમોત્તમ કૃતિ કહીને માથે પણ ચડાવી છે. આ કવિતામાં ઘણી વસ્તુઓ સામાન્ય સમજ અને રોજિંદા અર્થઘટનની વ્યાખ્યાઓની બહારની છે. શબ્દો, વિશેષણ, વાક્યરચનાઓ- આ બધું જ વધારાનું ધ્યાન માંગી લે છે. કવિતા ઘરના બે કમરામાં વહેંચાયેલી છે. બંને અંતરા પણ બે કમરાની જેમ જ અલગ પડે છે. પહેલો અંતરો આપણને રસોડામાં તો બીજો અંતરો શયનકક્ષમાં લઈ જાય છે. રસોડામાં વ્યસ્તતા જ વ્યસ્તતા નજરે ચડે છે તો શયનકક્ષમાં મૃત્યુનો સન્નાટો.

વૉલેસની આ Carpe Diem કવિતા આજમાં જીવી લેવાની જ વાત કરે છે. મૃત્યુ જ એકમાત્ર શહેનશાહ છે. કબરના કીડાઓ જ આપણને ખાનાર છે એ અફર હકીકત છે. આસપાસનું જીવન તો મૃત્યુ પછી પણ અટકવાનું નથી. શા માટે મોતના શોકનો દંભ કરવો? મૃત્યુને ઊજવવું કેમ નહીં? શા માટે પીગળી જાય એ પહેલાં આઇસક્રીમ માણી ન લેવું? શા માટે શોક પ્રદર્શિત કરતાં કપડાં પહેરવાં? શા માટે ફૂલોને સજાવી-ધજાવીને લાવવા? ગયા મહિનાના અખબારનો સંદર્ભ, ફૂલોનું અલ્પાયુ અને આઇસક્રીમ જીવનની નશ્વરતા તરફ અંગૂલિનિર્દેશ કરે છે. બે અંતરા અને બે ઓરડામાં વહેંચાયેલી કવિતા વ્યસ્ત જીવનનું ચિત્ર અને એકલવાયા મૃત્યુના ચિંતન તરફ આપણને લઈ જાય છે. એક શોકપ્રસંગ અને લોકપ્રસંગને એ આપણા અંતિમ ગંતવ્યમાં પલટાવે છે. આઇસક્રીમ જે આપણને શરૂમાં એક ઇક્ઝોટિક ડિઝર્ટ તરીકે લોભાવે છે એ આખરે ભાગ્ય આપણને અંતે ક્યાં લઈ જનાર છે એના પ્રતીકમાં પલોટાય છે અને આપણા મોઢામાં ભય પમાડે એવો ઠંડો સ્વાદ છોડી જાય છે…

The Emperor of Ice-Cream

Call the roller of big cigars,
The muscular one, and bid him whip
In kitchen cups concupiscent curds.
Let the wenches dawdle in such dress
As they are used to wear, and let the boys
Bring flowers in last month’s newspapers.
Let be be finale of seem.
The only emperor is the emperor of ice-cream.
Take from the dresser of deal.
Lacking the three glass knobs, that sheet
On which she embroidered fantails once
And spread it so as to cover her face.
If her horny feet protrude, they come
To show how cold she is, and dumb.
Let the lamp affix its beam.
The only emperor is the emperor of ice-cream.

– Wallace Stevens

Leave a Comment