(સાંજ) – માલા કાપડિયા
આ સાંજને
કેવી માયા છે મારી ઉદાસી સાથે!
તે પણ ચુપચાપ છે
મારા ક્ષુબ્ધ શ્વાસની માફક.
રોજ સવારે,
સૂર્ય નહિ,
એક ઇચ્છા ઊગે છે.
પાછલી રાતનાં શમણાં
ગુલમહોર થઈ ઊગે છે આંખોમાં
બારણાંને ટેરવે એક પ્રશ્ન
‘એ આવશે?’
રોજ સાંજે,
સૂર્ય નહિ,
એક ઇચ્છા ઢળે છે.
અને સાંજ
મારી ઉદાસીનો મલાજો પાળે છે!
– માલા કાપડિયા
નાની અમથી રચના. પણ એક જ નાની અમથી પ્રતીક્ષા અને નિષ્ફળતાની લાગણીને કવયિત્રીએ જે રીતે વર્તુળાકારે આંકી છે એની મજા છે. કવિતાની પહેલી બે અને આખરી બે પંક્તિઓ એકમેકનો પડઘો પાડે છે એ ઉપરાંત કવિતામાં રોજ સવારે સૂર્યના ઊગવા અને સાંજે સૂર્યના અથમવાની ઘટનાને એકસરખા શબ્દોમાં ઢાળીને કવયિત્રી નિરાશાના ભાવને જે રીતે દ્વિગુણિત કરે છે એ કારણે કવિતા સીધી હૃદયને સ્પર્શી જાય છે…