એક લીલી લાગણીને પામવા,
એક માણસ કેટલો ઘરડો પડે.
હરદ્વાર ગોસ્વામી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અછાંદસ

અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગીતાંજલી – 67 -રવીન્દ્રનાથ ઠાકુર

તું છે આકાશ મારું અને તું જ મારો માળો.

હે સુંદર, માળામાં
તારો પ્રેમ, મારા આત્માને વીંટાળતો નાદમાં, રંગમાં, સુગંધમાં.

દક્ષિણ હસ્તે, સુવર્ણપાત્રે, સૌંદર્યમાલા ધરી,
પધરામણી ત્યાં પ્રભાતની, દેતી ધરતીને વધામણી.

ત્યાં સંધ્યા પથરાતી મેદનીવિહીન મેદાને,
સાથે લાવતી શીતલ, શાંત સમીર, ભરી એના સુવર્ણકળશે.

પણ જ્યાં આત્મા મુક્ત વિચરતો, તે અનંત આકાશે
દશ દિશા ચમકતી નિષ્કલંક, નિરભ્ર, શુભ્ર, તેજપુંજે.
ન દિવસ, ત્યાં ન રાત, ન રંગ ત્યાં ન આકાર,
અને શબ્દનો સદંતર અભાવ.

-રવીન્દ્રનાથ ઠાકુર
અનુવાદ – શૈલેશ પારેખ

ગીતાંજલીના ગુજરાતીમાં નવ અનુવાદ થયા છે. એમાં સૌથી છેલ્લો શ્રી શૈલેશ પારેખે કરેલો અનુવાદ છે. મૂળ અંગ્રેજી (જે પોતે પણ બંગાળી પરથી અનવાદ છે) પરથી કરેલો આ સરળ અને સહજ અનુવાદ તરત મનમાં વસી ગયો. રવીન્દ્રનાથની આ સનાતન કવિતાઓ આમ પણ કાળ અને ભાષાના બંધનોથી ક્યાંય પર છે. એમાં સંઘરાયેલા અર્થ અને વિસ્મય ધીરે ધીરે ખૂલે છે અને તમારા પોતાના મનની સ્થિતિ પ્રમાણે બદલાય પણ છે.
(નિરભ્ર=વાદળાં વિનાનું)

Comments (1)

આખરની કમાઈ – કુસુમાગ્રજ (અનુ.જયા મહેતા)

મધરાત વિત્યા પછી
શહેરનાં પાંચ પૂતળાં
એક ચોરા પર બેઠાં
અને આંસુ સારવા લાગ્યાં.

જ્યોતિબા બોલ્યા,
છેવટે હું થયો
ફક્ત માળીનો.
શિવાજીરાવ બોલ્યા,
હું ફક્ત મરાઠાનો.
આંબેડકર બોલ્યા,
હું ફક્ત બૌદ્ધોનો.
ટિળક ઉદગાર્યા,
હું ફક્ત ચિત્પાવન બ્રાહ્મણોનો.
ગાંધીએ ગળાનો ડૂમો સંભાળી લીધો
અને તે બોલ્યા,
તોયે તમે નસીબદાર
એક એક જાતજમાત તો
તમારી પાછળ છે.
મારી પાછળ તો
ફક્ત સરકારી કચેરીની દીવાલો !

-કુસુમાગ્રજ
(અનુ. – જયા મહેતા)

આ કાવ્ય વાંચીને દિલમાંથી ચીસ નીકળી જાય છે. હકીકત એ છે કે સિંહણના દૂધ માટે સોનાનું પાત્ર જોઈએ. એજ રીતે ગાંધીજીને અનુસરવા માટે નક્કર આદર્શોવાળી પ્રજા જોઈએ. આપણું એ ગજુ નથી. કોઈ બીજા પર આક્ષેપ નથી, પહેલી આંગળી પોતાની તરફ જ છે. જગતને સુધારવાની ગાંધીજીએ બતાવેલી રીત પોતાની જાતને સુધારવાની હતી. આ રીતથી વધારે સચોટ અને વધારે કઠીન રીત બીજી કોઈ નથી. આ બધા વિચારો એકાદ પળ માટે રહે છે અને પછી પાછા આપણે જેવા હતા એવાને એવા જ ! એટલે જ તો કહ્યું છે,

કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.
(મરીઝ)

Comments (3)

સંબંધોનું ઉપનિષદ….. -પ્રણવ ત્રિવેદી

આ દુનિયા જાણે સંબંધોનો દરિયો.

સંબંધો તો પાણીના પરપોટાની જેમ
પ્રગટે અને ફૂટે…

સંબંધો તો ફૂલ થઈને ફોરે..
સંબંધો તો શૂળ થઈને કોરે..

ક્યાંક સંબંધો પર્વત જેવા અવિચળ,
ક્યાંક સંબંધો ઝરણા જેવા ચંચળ…

સંબંધો તો શમણું થઈને સરે…
સંબંધો તો તરણું થઈને તરે…

સંબંધો તો સુર્યમુખીનુ ફૂલ…
સંબંધો તો અગનશિખાનુ શૂળ

ક્યાંક સંબંધો કર્ણના કવચકુંડળનો ભાર,
ક્યાંક સંબંધો યુધિષ્ઠિરના અર્ધસત્યનો ભાર..

સંબંધો તો વૈશાખી બપોરનું આકાશ,
સંબંધો તો ચાતક કંઠની પ્યાસ !

સંબંધો નાના હોય કે પછી હોય મોટા,
સંબંધો તો અભિમન્યુના સાત કોઠાં !

-પ્રણવ ત્રિવેદી

રાજકોટની સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં ડેપ્યુટી મનેજર તરીકે સેવા બજાવતા શ્રી પ્રણવ ત્રિવેદી (18/11/1965) ઘણી સારી કવિતા કરે છે. સાહિત્ય એમનો પ્રથમ પ્રેમ છે અને પરિવાર બીજો ! ઈશ્વરદત્ત સુકોમળ સ્વરના માલિક અને મુશાયરાના સારા સંચાલક. રાજકોટના રેડિયો પર અવારનવાર એમના સ્વરનો કોકિલ ટહૂકતો રહે છે… આપ એમની અન્ય કવિતાઓ એમના પોતાના બ્લોગ પર માણી શકો છો.

Comments (1)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૨ : અછાંદસ કાવ્ય

ફૂલનો વિશ્વાસ

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે સૂર્ય સાંખી લેશે મારું ઊગવું
શીશ હું ઉંચકીશ તો આકાશ
બેઅદબી કે ગુનો નહીં ગણે….

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે હું ઝૂલું તો ઝૂલવા દેશે પવન-
ડારા નહીં દ્યે,
બોજ મારી મ્હેકનો તો
સ્હેજ પણ એને નહીં લાગે.

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે પછી હું થાકું ને ટપ દઈને ખરું
તો ધૂળ
એની વ્હાલસોયી ગોદમાં
ક્યારે ય ખરવાની મનાઈ નહીં કરે….

– રમેશ પારેખ

શબ્દસપ્તકની બીજી કડીમાં આજે અછાંદસ કૃતિ આસ્વાદીએ. કવિતાનો એવો કોઈ પ્રકાર નથી જ્યાં ર.પા.એ પગ મૂક્યો હોય અને શબ્દોએ એનો ચરણાભિષેક ન કર્યો હોય. એક ગઝલમાં જાણે આ વાતથી વાકેફ હોય એમ એમણે કહ્યું છે:
‘ઉઠાવું પેન ત્યાં થાતાં પતંગિયાનાં શુકન,
ફૂલોનું નામ લખ્યું – ત્યાં જ અનુકૂળ પવન.’

Comments (7)

કવિનું શબ – મનમોહન નાતુ

શબ આ કવિનું
           બાળશો નહીં રે,
જિંદગીભર એ
           બળતો જ હતો

ફૂલો પણ એ પર
           ચડાવશો નહીં રે,
જિંદગીભર એ
           ખીલતો જ હતો.

– મનમોહન નાતુ
(મૂળ મરાઠી, અનુ.જયા મહેતા)

Comments

એક સંદેશો – રાજેન્દ્રસિંહ રાયજાદા

ભાઈ!
મારું એક કામ કરીશ?
મારે એક સંદેશો પહોંચાડવો છે.

બુદ્ધ મળે તો કહેજે
કે
રાઈ માટે ધેર ધેર ભટકતી ગૌતમીને
આજે વહેલી સવારે
મળી આવ્યું છે
એક નવજાત બાળક
ગામને ઉકરડેથી!

– રાજેન્દ્રસિંહ રાયજાદા

ભગવાન બુદ્ધ મૃત્યુની અનિવાર્યતા સમજાવવા ગૌતમીને જે ઘરમાં કોઈ મૃત્યુ ન થયું હોય એવા ઘરમાંથી રાઈ લઈ આવવા મોકલે છે, એવી કથાની ભૂમિકા પર રચાયેલું કાવ્ય એકી સાથે કેટલાય મર્મસ્થળોને અડકી લે છે. તમે કાંઈ પ્રતિભાવ આપી શકો એ પહેલા જ આ કાવ્ય તમને ગાઢ વિચાર કરવા પર મજબૂર કરી દે છે.

Comments (1)

અવદશા – વિપિન પરીખ

વાવાઝોડું તો પસાર થઈ જશે
સમય પડખું પણ બદલશે
શનિ દશા, રાહુ અન્તર દશા જશે ને
ગુરુ ધીમાં ધીમાં પગલાં પણ મૂકશે પ્રાંગણમાં
વાદળો તો ખસશે આકાશમાંથી
પણ સૂરજના ઊગવામાં હું
શ્રદ્ધા ખોઈ બેસીશ તો?
શાણા માણસો કહે છે:
બધું ઠીક થઈ જશે થોડા સમયમાં,
પણ ત્યાં સુધીમાં
હું હસવાનું ભૂલી જઈશ તો?

-વિપિન પરીખ

Comments (4)

કોઈ વચન પાળતું નથી – સુનીલ ગંગોપાધ્યાય

કોઈ વચન પાળતું નથી. તેત્રીસ વર્ષ વીતી ચૂક્યાં
કોઈ વચન પાળતું નથી.
નાનપણમાં એક વૈષ્ણવ બ્રાહ્મણીએ એનું એક સ્વાગતગીત
એકાએક થંભાવીને કહ્યું હતું,
સુદ બારસને દિવસે બાકીનો અંતરો સંભળાવી જઈશ.
ત્યાર બાદ કેટલીયે ચન્દ્રહીન અમાસ ચાલી ગઈ
પણ એ વૈષ્ણવ બ્રાહ્મણી પાછી ન આવી.
પચીસ વરસથી રાહ જોઉં છું.

મામાના ઘરના નાવિક નાદેરઅલીએ કહ્યું હતું,
દાદાઠાકુર, મોટો થા,
તને હું ત્રણ પ્રહરનું જળાશય જોવા લઈ જઈશ.
ત્યાં કમળના માથા પર સાપ અને ભમરો રમે છે.
નાદેરઅલી, હું હવે કેટલો મોટો થઈશ ?
મારું માથું આ ઘરનું છાપરું ફાડી આકાશને
સ્પર્શ કરશે પછી શું તું મને
ત્રણ પ્રહરનું જળાશય બતાવીશ ?

એકાદ મોંઘી ચોકલેટ કદી ખરીદી શક્યો નથી.
લોલીપોપ દેખાડી દેખાડીને ચૂસતાં હતાં
આર્મીના છોકરાઓ.
ભિખારીની જેમ ચૌધરીના ગેટ પાસે ઊભા રહીને જોયો છે અંદરનો રાસોત્સવ.
અવિરત રંગની છોળો વચ્ચે સુવર્ણ-કંકણ પહેરેલી
ગોરી ગોરી યુવતીઓ
કેટકેટલા આનંદથી હસતી હતી.
મારી તરફ તેઓએ વળીને જોયું ય નથી.
બાપુજી મારા ખભાને સ્પર્શતાં બોલ્યા હતા, જોજે,
એક દિવસ આપણે પણ…
બાપુજી હવે અંધ છે, અમે કંઈ કરતાં કંઈ જોઈ શક્યા નથી.
એ મોંઘી ચોકલેટ. એ લોલીપોપ, એ રાસોત્સવ મને કોઈ પાછા લાવી આપવાના નથી.

છાતી પાસે સુગંધી રુમાલ રાખીને વરુણાએ
કહ્યું હતું,
જે દિવસે મને ખરેખર ચાહીશ
તે દિવસે મારી છાતીમાંથી પણ આવી અત્તરની સુવાસ આવશે.
પ્રેમને માટે મેં જીવને મુઠ્ઠીમાં બાંધ્યો
તોફાની-વકરેલા સાંઢની આંખે લાલ કપડું બાંધ્યું.
આખી દુનિયા ખૂંદી વળી લઈ આવ્યો 108 નીલકમળ
તોપણ વચન પાળ્યું નથી વરુણાએ, હવે
એની છાતીમાં ફક્ત માંસની ગંધ
હવે એ કોઈક અજાણી સ્ત્રી !
કોઈ વચન પાળતું નથી, તેત્રીસ વર્ષ વીતી ચૂક્યાં,
કોઈ વચન પાળતું નથી.

– સુનીલ ગંગોપાધ્યાય
(અનુવાદ – નલિની માડગાંવકર)

સુનીલ ગંગોપાધ્યાયની કવિતાઓમાં જાણે વાર્તા ડોકીયું કરતી હોય એવું લાગે. આવા કાવ્યને માટે કથાકાવ્ય ઉચિત નામ છે. જીવનમાં સપનાની પાછળ દોડવાની અને એમાં પછડાટ ખાવાની વાતને એમણે સરસ રીતે રજૂ કરી છે. આ પહેલા રજૂ કરેલું એમનું જ કથાકાવ્ય ચાની દુકાનમાં પણ જોશો.

Comments

ચાંદની (મોનો-ઈમેજ) -મધુ કોઠારી

(1)
ચાંદની
મારા પર ફેલાઈ
ને હું
બની ગયો બગલો.
હવે પકડ્યા કરું છું
વિચારોની માછલી
આખી રાત

(2)
દમયંતીએ કહ્યું:
‘ઓઢવા માટે વસ્ત્ર
નથી’
નળે તરત જવાબ વાળ્યો:
‘આ ચાંદની ઓઢી લે!’

(3)
ચંદ્ર નામનો
સફેદ કરોળિયો
વણે છે ચળકતી જાળ
તેને કહે છે ચાંદની!

(4)
આ ચાંદની નથી
ફેલાઈ ગયેલી
મારી અસીમ વિરહવેદના છે…

-મધુ કોઠારી

ચાંદની કેન્દ્રીત રુપકડાં શબ્દ-ચિત્રો. જાણે વિચારોની નાની નાની ચૂસકીઓ ભરતા હોઈએ એવી લાગણી જન્માવે છે.

Comments (5)

‘સૂર્યને શિક્ષા કરો’ – લાભશંકર ઠાકર

મૂક
વાતાયન મહીં ઊભી હતી
શ્યામા.
ગાલના અતિ સૂક્ષ્મ છિદ્રોથી પ્રવેશી
લોહીની ઉષ્મા મહીં સૂતેલ આકુલતા નરી
સૂર્ય સંકોરી ગયો.
માધુર્ય જન્માવી ગયો.
ઉન્નત સ્તનોને અંગૂલિનો સ્પર્શ જેવો
એવી સ્મૃતિ શી લોહીમાં થરકી ગઈ!

o

ઉદરમાં
આષાઢનું ઘેઘૂર આખું આભ લૈ
પીંજરામાં ક્લાન્ત ને આકુલ
શ્યામા જો ઉં છું, નતશિર.
‘કોણ છે આ કૃત્યનો કર્તા?’
મૂક શ્યામાના થથરતા હોઠ બે ના ખૂલતા.
આંખમાં માધુર્યનાં શબ ઝૂલતાં.
હું કવિ
તીવ્ર કંઠે ચીસ પાડીને કહું છું:
‘સૂર્યને શિક્ષા કરો.’
કંઠની નાડી બધીએ તંગ ખેંચીને કહું છું:
‘સૂર્યને શિક્ષા કરો.’

– લાભશંકર ઠાકર

Comments (5)

કવિતા – પન્ના નાયક

નાની હતી ત્યારે
હું ડરતી
કે
મારી સાથે રમતો સમય
થાકીને
સૂઇ તો નહીં જાય ને !
આજે
હું ડરું છું
કે
મારી પડખે સૂતેલો સમય
જાગીને
ભાગી તો નહીં જાય ને !

પન્ના નાયક (28-12-1933) નો જન્મ મુંબઈ, વતન સુરત અને લાંબો વસવાટ અમેરિકામાં. સશક્ત કવયિત્રી. વિષાદથી ટપકતાં કાવ્યો, માભોમનો ઝૂરાપો અને માતૃત્વની સ્ત્રીસહજ ઝંખના એમની ભાવવાહી કવિતાઓના ઘરેણાં. કાવ્યસંગ્રહ: ‘વિદેશિની’, વાર્તાસંગ્રહ: ‘ફ્લેમિન્ગો’.

Comments (2)

પ્ર ક ભુ વિ – ઉમાશંકર જોશી

તું રૂપ ઘડે,
તું પ્રભુ.
હું તેના નામ કંઈ કંઈ પાડું,
હું કવિ.
તું રૂપ ઘડે ઘડે ને ભાંગે,
મારાં નામ … રમે રમે ને શમે.

અંતે રહે એક નિરાકાર,
રહે એક અ-શબ્દ નામ:
તું…
હું…
પ્રભુ…કવિ…
પ્ર ક ભુ વિ…

– ઉમાશંકર જોશી

Comments

ભીંત / કાગળ – કમલ વોરા

બે ઊભી લીટી દોરી
બે આડી
વચ્ચોવચ એક ખુલ્લું બારણું દોર્યું
ખુલ્લા બારણામાંથી બહાર જઈ શકાય
ખુલ્લા બારણામાંથી અંદર આવી શકાય
હું બહાર જવા દોડ્યો
તું અંદર આવવા
સફેદ ભીંત સાથે
હું આ તરફથી અથડાયો
તું પેલી તરફ થી

-કમલ વોરા

કવિકર્મની મર્યાદાને સચોટ રીતે વર્ણવતું નાનકડું કાવ્ય. ભાવક અને કવિ બંને કોશિશ તો કરે પણ બંન્નેનુ અર્થમિલન હંમેશ શક્ય થતું નથી. જીવનના રંગો એટલા અનોખા છે કે સમર્થ સર્જકની ભાષા પણ ટાંચી જ પડવાની. આ અકળામણને આંબવાની રમત એ જ સર્જનનો આનંદ છે.

Comments (2)

ઘર – નિરંજન ભગત

ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવે પડે,
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર-ટોપીનોય-માથેથી ઊતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?

-નિરંજન ભગત

આ કવિતા અમારે ભણવામા આવતી. કવિને મતે ખરું ઘર ક્યું છે? – એવા પ્રશ્ન પરીક્ષામાં આવતા ! આજે ઘણા વર્ષે અચાનક આ કાવ્ય હાથમાં આવ્યું છે ત્યારે -જીવનના વીસ વધુ વર્ષના અજવાળામાં આ કાવ્ય વાચું છું- તો સમજાય છે કે ભગતસાહેબે કેટલી મોટી વાત કરી છે. ઘર હોવું અને ‘ઘર’ હોવું એ વાતમાં ફરક છે. અને જ્યાં મન મળે એ બધી જગાએ ખરે તો ઘર જ છે. બંને વાતને કવિએ બખૂબી અહીં સમાવી લીધી છે.

Comments

ચાની દુકાનમાં – સુનીલ ગંગોપાધ્યાય

લંડનમાં છે છેલ્લી બેંચનો ડરપોક પરિમલ,
રથિન હવે સાહિત્યક્ષેત્રે એક પરમહંસ.
સાંભળ્યું છે કે દીપુએ તો કાગળનું મોટું કારખાનું ખોલ્યું છે
અને પાંચ ચાના બગીચામાં દસ આની ભાગ છે
એ ઉપરાંત સમય મળે ત્યારે થાય છે દેશસેવક;
અઢી ડઝન વાંદા છૂટ્ટા મૂકી ક્લાસ વેરવિખેર કરી
નાખ્યો તો ગાંડિયા અમલે
તે આજે થયો છે મઝાનો અધ્યાપક.
કેવો ગોરો ગોરો હતો સત્યશરણ
એળે શું કામ પોતાનું ગળું કાપ્યું ચકચકિત છરાથી-
હજીયે એ દ્રશ્ય આવતાં જ કમકમાં આવે છે
દૂર જતો રહેશે એ ખબર હતી, તો પણ આટલો બધો દૂર!
ગલીની ચાની દુકાનમાં હવે બીજું કોઈ નથી
એક વખત અહીંયા અમે બધાં સ્વપ્નોમાં જાગ્યા હતા
એક છોકરીના પ્રેમમાં ડૂબ્યા હતા એકસાથે મળી પાંચેય જણા
આજ તો એ છોકરીનું નામ સુધ્ધાં યાદ નથી.

-સુનીલ ગંગોપાધ્યાય
(અનુ. નલિની માડગાંવકર)

આ કથાકાવ્ય મારું અતિપ્રિય કાવ્ય છે. ઈશ્વરે દોસ્તોની બાબતમાં મને હંમેશા માલામાલ રાખ્યો છે. મને મળ્યા એવા દોસ્તો તો કિસ્મતના ધની માણસને જ મળે. આજે માતૃભૂમિની સાથેસાથે દોસ્તો પણ છૂટી ગયા એ ઘા આ કાવ્યથી તાજો થઈ જાય છે. આ કાવ્ય વાંચતી વખતે કે દીલ ચાહતા હૈ જોતી વખતે એટલે જ આંખનો એક સૂનો ખૂણો ભીનો થઈ જાય છે. આ કાવ્ય અર્પણ છે નિર્બંધ આનંદમાં પસાર થયેલા એ દિવસોની ચિરયુવા યાદોને.

Comments (3)

કવિતા – અમૃતા પ્રીતમ

એક દર્દ હતું-
જે સિગારેટની જેમ
મેં ચૂપચાપ પીધું છે
ફક્ત કેટલાંક ગીત છે-
જે સિગારેટ પરથી મેં
રાખની જેમ ખંખેર્યાં છે !

અમૃતા પ્રીતમ

Comments (3)

…એટલે – વિપિન પરીખ

આકાશ એટલે
નિયત સમયે રોજ હાજર થવાની
ચાંદા અને સૂરજની ઓફીસ.

આકાશ એટલે
જોડણીકોશમાં આપેલા પર્યાય
(ન) ખાલી, શૂન્ય સ્થાન, આભ, ગગન, નભ, વ્યોમ.

-વિપિન પારેખ

શબ્દોના સાચા ( કે સાચા લગાડવા ગમે એવા !) અર્થ શોધવાનું અગત્યનું કામ આ દોડતી ભાગતી જીંદગીમાં આપણે ભૂલી જઈએ છીએ. અને, એટલે જ કાદાચ જીંદગીથી અકારણ થાકી જઈએ છીએ. આપણે આપણી અંદરના બાળકને જીવતો રાખીએ તો એ આપણને (ખરા અર્થમા) જીવતા રાખશે. કલ્પનાની નિ:શુલ્ક પાંખો કેમ આપણે કોરે મૂકી રાખીએ છીએ ?

Comments (2)

હું ચાહું છું – સુન્દરમ

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

– સુન્દરમ

એક આંગળીના વેઢે ગણી શકાય એનાથીયે ઓછી પંક્તિઓમાં પ્રેમ અને સુંદરતાના મર્મને અડકી લેવો એ કવિની સિધ્ધી છે. સરખાવો એમની જ અમર રચના – તને મેં ઝંખી છે.

Comments (1)

પગફેરો – એષા દાદાવાળા

દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?
અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…
પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…
ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!

-એષા દાદાવાળા

એષા દાદાવાળાની રચના ડેથ સર્ટિફિકેટ થોડા વખત પર રજુ કરેલી. એજ સૂરમાં લખાયેલી આ બીજી રચના.

Comments (13)

એક પ્રશ્નપત્ર – ઉદયન ઠક્કર

1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.

2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો,કેમ, ખરું ને…
‘હા’ કે ‘ના’માં જવાબ આપો.

3. (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ !)
કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.

4. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો, ત્યાં તમને જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું : રસ-આસ્વાદ કરાવો.

5. શ્વાસોચ્છવાસો કોના માટે? કારણ પૂરાં પાડો.

6. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.
(સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું)

7. ‘તમને હું ચાહું છું, ચાહીશ.’ કોણે,કયારે,કોને,આવી પંક્તિ(નથી)કહી?

8. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહિતર કેન્સલ વ્હોટ ઈઝ નોટ એપ્લીકેબલ.

– ઉદયન ઠક્કર

Comments (9)

ડેથ સર્ટિફિકેટ…! – એષા દાદાવાળા

પ્રિય દિકરા,
યાદ છે તને?
તું નાની હતી અને આપણે પાના રમતા,
તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો,
ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ,
તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફિકેટ,
તું મારા હાથમાં મુકી દેતી,
અને ત્યારે મને તારા બાપ હોવાનો ગર્વ થતો.
મને થતું હું દુનિયાનો સૌથી સુખી બાપ છું.
આપણને કોઈ દુ:ખ હોય કોઈ તકલીફ હોય,
તો એક બાપની હેસિયતથી તારે મને તો કહેવું જોઈતું હતું…
આમ અચાનક,
તારા બાપને આટલી ખરાબ હદે
હરાવીને જીતાતું હશે…મારા દીકરા…?
તારાં બધાં શિલ્ડ અને સર્ટિફિકેટસ
મેં હજી સાચવી રાખ્યાં છે,
પણ એનો અર્થ એ તો નથી ને,
કે તારું ડેથ સર્ટિફિકેટ
પણ મારે જ સાચવવાનું…?!!

-એષા દાદાવાળા

એ.દા.સૂરતની રહેવાસી છે. એની કવિતાઓ ‘કવિતા’ સહિત ઘણા મેગેઝીનોમાં પ્રગટ થઈ છે.

Comments (9)

ગુજરાતથી દૂર ભૂરી કવિતા જીવતો કવિ -ચંદ્રકાંત શાહ

ચંદ્રકાંત શાહ જાણવા જેવો માણસ છે. આજે ચંદ્રકાંત શાહ અને એમની કવિતા પર સરસ મઝાનો લેખ વાંચવા મળી ગયો. એટલે એમના વિષે જ વાત કરીએ.

Poetry International Webના ભારત વિભાગમાં ચંદ્રકાંત શાહ અને એમની કવિતા વિષે નાનો પણ સુંદર લેખ મૂક્યો છે. આ લેખ અને સાથેનો આ ઈંટરવ્યૂ વાંચવાથી ચં.શા.ના વ્યક્તિત્વની સારી એવી પિછાણ થાય છે.

એક બાજૂ કવિ અને બીજી બાજુ એ તખ્તાના માણસ. ‘અને થોડા સપનાં’ અને ‘બ્લૂ જીન્સ’ બે એમના કાવ્ય સંગ્રહો. એ પોતે બોસ્ટનમાં રહે છે. ‘રિઅરવ્યૂ મિરર’ એમનું સૌથી જાણીતું (અને મારું માનીતું) કાવ્ય. ‘બ્લૂ જીન્સ’ વિષે એ પોતે કહે છે, it is the first pop album of Gujarati poetry ! ‘બ્લૂ જીન્સ’ ના રુપકની મદદથી જીવનના અનેકવિધ પાસાને આ કાવ્યસંગ્રહમાં અડી લીધા છે. ‘બ્લૂ જીન્સ’ આખેઆખો કાવ્યસંગ્રહ તમે વેબ પર માણી શકો છો.

આગળ ઉપર જેની વાત કરી એ ઈંટરવ્યૂ ખાસ વાંચવા જેવો છે. પોતાની કવિતા વિષે એ કહે છે:

My poetry emerges from long drives, speeding tickets, golf lessons, river rafting, gambling on football in Las Vegas and standing endlessly on the sidewalks of Manhattan. I write while driving. The faster I drive, the better I write. Most of the Blue Jeans collection was written at the steering wheel of my Honda Accord.

આવી ખુમારી કેટલા ગુજરાતી કવિઓમાં જોવા મળશે ? એમની જ કેટલીક પંક્તિઓ અહીં માણો.

આ કાગળમાં રીપ્લાય પોષ્ટ કવરને બદલે તું પાછી આવે એવું કાંઈ બીડું?
તું પણ મોકલ,હું ત્યાં આવું એવો જાસો,
એવી ચિઠ્ઠી, એવું કોઈ પરબીડું

મને મળી છે એવી ભાષા, ચાલ હું બેસું અંજળ લખવા
હવે તો તું આવે તો હું બંધ કરું તને કાગળ લખવા

Comments (6)

એક આશીર્વાદ – દુષ્યંતકુમાર

જા તારા સપના મોટા થાય.
લાગણીઓના ખોળામાંથી ઉતરીને
જલ્દી જમીન પર ચાલતાં શીખે.
ચાંદ-તારા જેવી અપ્રાપ્ય ઊંચાઈઓને માટે
રીસાતા જીદ કરતા શીખે.
હસે
મલકાય
ગાય.
દરેક દીવાનું તેજ જોઈને લલચાય,
પોતાની આંગળી દઝાડે.
પોતાના પગ પર ઊભા રહે.
જા તારા સપના મોટા થાય.

-દુષ્યંતકુમાર

હિન્દીના મોટા ગજાના કવિ દુષ્યંતકુમારની આ કવિતા મારી અતિપ્રિય કવિતાઓમાંથી એક છે. એ વાચકને આશીર્વાદ આપવાને બદલે સીધા સપનાઓને આશીર્વાદ આપે છે ! સપનાના મોટા થવાની ઘટના આખી જીંદગી ચાલ્યા જ કરે છે. અને ખરેખર જોઈએ તો જીંદગી સપનાના સરવાળાથી વધારે છે પણ શું ?

મૂળ કવિતા एक आशीर्वाद ‘કાવ્યાલય’ પર ઉપલબ્ધ છે.

Comments

કબૂલાત -‘આદિલ’ મન્સૂરી

હા કબૂલ્યું ગુપ્તચર છું હું,
નામ બદલી
મૌનના કાળાં રહસ્યો પામવા
ભટકું અહીં
હું છગ્નવેશે.
છંદના ખંડેરમાં બેસું કદી
બાવો બની,
લયની સૌ ભઠિયારગલીઓમાં
સદા ભૂખ્યાનો કરતો ડોળ
રખડું.
હાઈકુના સત્તરે અક્ષર મહીં
સંકેત કરતો,
ફૂંક મારે દઉં ગઝલના કાનમાં.
એકેક ચપટા શબ્દના પોલાણને,
અંદર જઈ જોઉં તપાસું,
સહેજ પણ શંકા જો આવે કોઈને તો
અર્થના નકશાઓ ચાવી જાઉં.
હા કબૂલ્યું ગુપ્તચર છું હું.

-‘આદિલ’ મન્સૂરી

Comments (2)

કાફલો – સદાશિવ વ્યાસ

તમે જેને
કાફલો કહો છો
એ તો ખરેખર –
ભૂલા પડેલા
માણસોનું ટોળું છે.

-સદાશિવ વ્યાસ

Comments

કાગળ -સુરેશ દલાલ

મારે કવિતા  લખવી નથી.
મારે તો લખવો છે કાગળ 
-સરનામા         વિનાનો,
મારા    નામ    વિનાનો !
તું  યાદ  આવે  છે  એટલે
હું  કાગળ  લખતો   નથી.
હું  કશુંક  ભૂલવા  માંગુ છું
એટલે   કાગળ  લખું   છું.

-સુરેશ દલાલ

Comments (1)

ઋણાનુબંધ -અખિલ શાહ

પળોની લડાઈમાં મરતા જતા નગરનો સાક્ષી છું.
આ માટી મારો શ્વાસ છે,
અહીં મારો જીવ ગભરાશે.

ઘૂંટાયેલા અવિશ્વાસથી જન્મેલી શૂન્યતાનો સાક્ષી છું.
તારા હાથે મને ઘડ્યો છે,
તારા હાથે હું તૂટી જઈશ.

સૂનકાર સાગરમાં રખડતા તોફાનોનો સાક્ષી છું.
મોજાઓનું તાંડવ મારો મદ છે,
એ મારા સૌથી ચિર સાથી બનશે.

ટેરવે ઉગેલી વેલના ગુલાબી ફૂલનો સાક્ષી છું.
સ્પર્શ મારી લત છે,
એ મારી તરસ બનશે.

-અખિલ શાહ

Comments (2)

રોજ -આર.એસ.દૂધરેજિયા

હું રોજ તારા પ્રેમપત્રો
સળગાવવા માટે
બાકસ ખોલું છું,
પણ
દરેક વખતે તેમાંથી
પતંગિયું નીકળે છે
અને હું
પત્રો સળગાવવાનું માંડી વાળું છું.

-આર.એસ.દૂધરેજિયા

Comments

રાજઘાટ પર – હસમુખ પાઠક

આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી –

– હસમુખ પાઠક

Comments

એક ક્ષણ -માધવ રામાનુજ

એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો –
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં…

– માધવ રામાનુજ

Comments (2)

સગપણ કયાં છે ? – પ્રબોધ જોશી

અમે મોર હોઈએ તો –
અમારાં ખરેલાં આંસુ વીણજો

વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું –
તમે વરસજો.

આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો.

-પ્રબોધ જોશી

Comments

ઓપરેશન પહેલાંની રાત -વિપિન પરીખ

રીટા મને કહે , ‘થોડીક વાર સૂઈ જતા હો તો?
ખોટી ખોટી ચિંતા ન કરો.
ઈશ્વર ઉપર ભરોસો રાખો. રામનામ લો.
બધાં સારાં વાના થશે.’

હું હસતાં જવાબ આપું છું,
‘હું ક્યાં ચિંતા કરું છું?
તું ચિંતા કરે છે.
તું કેમ સૂતી નથી?
મને તો શ્રધ્ધા છે
જે પરમ સત્તા આપણને આંગળી પકડી
અહીં સુધી લાવી છે
તે આપણો હાથ છોડી નહીં દે.’

એકમેકને ઠપકો આપતી
અમારી વાતો સાંભળીને
સૂરજ ખૂબ વહેલો ઊઠી ગયો.
લાલ આંખ કરીને કહે,
‘તમે બંને અંધશ્રદ્ધાળુ છો ને
બીજાને સૂવા પણ નથી દેતા.’

હું એને ઠંડો પાડતાં કહું છું,
‘તું માણસ હોત તો તને ખબર પડત !’

-વિપિન પરીખ
(કોફી હાઉસ)

Comments (2)

કાલે- -સુરેશ હ. જોશી

કદાચ હું કાલે નહિ હોઉં.

કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે.

કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વફ્ળ
હજી મારી ડાળી પરથી ખેરવવું બાકી છે.

કાલે જો સાગર છલકે તો કહેજો કે
મારા હ્રદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરનાં ચૂરેચૂરા કરવા બાકી છે.

કાલે જો ચંદ્ર ઉગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તડફડે છે.

કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રગટવી બાકી છે.

કદાચ હું કાલે નહિ હોઉં.

-સુરેશ હ. જોશી

Comments (4)

અલ્લાહ !

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
કે તારી જગા એ જીભ પર
હવે એનું નામ આવ્યું છે…

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
કે લોકો કહે છે
મારી તકદીરના ઘરેથી
મારો પયગામ આવ્યો છે…

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
આ નસીબ ધરતીનું
કે એના સૌંદર્યની લીલા તમામને
ખુદાની એક સલામ આવી છે…

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
આ દિવસ મુબારક છે
કે મારી જાત પર
હવે ઈશ્કનો આરોપ આવ્યો છે…

અલ્લાહ ! આ કોણ આવ્યું છે
નજર પણ ચકિત છે
કે આજે મારા રસ્તામાં
આ કેવો મુકામ આવ્યો છે.

-અમૃતા પ્રીતમ

Comments

ના રસ્તા કે ના ઝરણાં

રસ્તાઓ અચાનક મળી ગયા
બે ઘડી વાતે વળગ્યા ને
છૂટા પડી ગયા.

ઝરણાં અચાનક મળી ગયાં
એકબીજાને ભેટ્યાં ને
ભળી ગયાં.

અમે અચાનક મળી ગયાં
-અમે, ના રસ્તા કે ના ઝરણાં
એટલે-
ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં !

-જયન્ત પાઠક.

Comments (1)

પક્ષી ગાતું નથી -પુ.શિ.રેગે

પક્ષી ગાતું નથી
પોતાની સીમાઓની કક્ષાનો ઉદ્ ઘોષ કરે છે.

સિંહ ત્રાડ પાડતો નથી
પોતાની હકૂમત કયાં ક્યાં છે તેનો આદેશ કરે છે.

હાથી વૃક્ષો સાથે અંગ ઘસતો નથી
પોતાના પ્રદેશની સીમા નક્કી કરે છે.

હું કવિતા કરતો નથી
મારા-તારા મનને પામું છું.

-પુ.શિ.રેગે
(અનુવાદ: સુરેશ દલાલ)

Comments

સમુદ્ર -સિતાંશુ યશશ્ચંદ્ર

દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાનો સમુદ્ર મેં જોયો છે.

મેં વડનાવલના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં ન પાડી શકાય.
ભીંજાવું અને દાઝવું એક જ છે.

સાગરના તળિયેથી જયારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
હું મરજીવો નથી
હું કવિ છું.
જે છે તે કેવળ મારી આંખોમાં.

-સિતાંશુ યશશ્ચંદ્ર

Comments (3)

શોધ (કવિતાનો અંશ) -ઉમાશંકર જોશી

પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ.
પુષ્પો, પ્રુથ્વીની ભીતરની સ્વર્ગીલી ગર્વીલી ઉત્કંઠા;
તેજના ટાપુઓ, સંસ્થાનો માનવીઅરમાનનાં;
પુષ્પો, મારી કવિતાના તાજ-બ-તાજ શબ્દો.

ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો
માતાના ચહેરામાં ટમકે,
મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે
જોયું છે ?

કવિતા, આત્માની માતૃભાષા;
મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો;
સ્વપ્નની ચિર છવિ. ક્યાં છે કવિતા ?
જોઉં છું હું, દુર્ગમ છે, દુર્લભ છે
પૃથ્વીના સૌ પદાર્થોમાં એ પદાર્થ.
કયારેક તો શબ્દમાં જ સરસ્વતી લુપ્ત થતી.
ક્યારેક હોલવાયેલા હૈયાની વાસ અકળાવી રહે,
કયારેક વળી અર્ધદગ્ધ ખયાલોનો ધૂંવા ગૂગળાવી રહે.
ખરે જ છે દુર્વાપ કવિતાપદાર્થ.

ઘરની સામેનો પેલો છોડ વધી વૃક્ષ થયો.
ટીકીને જોયા કર્યો છે મેં વારંવાર એને.
એને જાંબુ આવ્યાં, ને મને આંસુ;
વધ્યો ને ફળ્યો એ, હું વધ્યો ફાંસુ.
ખાઉં છં, પીઉં છું, ખેલું છું, કૂદું છું.
બહોળો આ ધરતી માતાનો ખોળો આ ખૂંદું છું.
ક્યાં છે કવિતા ?

-ઉમાશંકર જોશી.

Comments