ચાની દુકાનમાં – સુનીલ ગંગોપાધ્યાય
લંડનમાં છે છેલ્લી બેંચનો ડરપોક પરિમલ,
રથિન હવે સાહિત્યક્ષેત્રે એક પરમહંસ.
સાંભળ્યું છે કે દીપુએ તો કાગળનું મોટું કારખાનું ખોલ્યું છે
અને પાંચ ચાના બગીચામાં દસ આની ભાગ છે
એ ઉપરાંત સમય મળે ત્યારે થાય છે દેશસેવક;
અઢી ડઝન વાંદા છૂટ્ટા મૂકી ક્લાસ વેરવિખેર કરી
નાખ્યો તો ગાંડિયા અમલે
તે આજે થયો છે મઝાનો અધ્યાપક.
કેવો ગોરો ગોરો હતો સત્યશરણ
એળે શું કામ પોતાનું ગળું કાપ્યું ચકચકિત છરાથી-
હજીયે એ દ્રશ્ય આવતાં જ કમકમાં આવે છે
દૂર જતો રહેશે એ ખબર હતી, તો પણ આટલો બધો દૂર!
ગલીની ચાની દુકાનમાં હવે બીજું કોઈ નથી
એક વખત અહીંયા અમે બધાં સ્વપ્નોમાં જાગ્યા હતા
એક છોકરીના પ્રેમમાં ડૂબ્યા હતા એકસાથે મળી પાંચેય જણા
આજ તો એ છોકરીનું નામ સુધ્ધાં યાદ નથી.
-સુનીલ ગંગોપાધ્યાય
(અનુ. નલિની માડગાંવકર)
આ કથાકાવ્ય મારું અતિપ્રિય કાવ્ય છે. ઈશ્વરે દોસ્તોની બાબતમાં મને હંમેશા માલામાલ રાખ્યો છે. મને મળ્યા એવા દોસ્તો તો કિસ્મતના ધની માણસને જ મળે. આજે માતૃભૂમિની સાથેસાથે દોસ્તો પણ છૂટી ગયા એ ઘા આ કાવ્યથી તાજો થઈ જાય છે. આ કાવ્ય વાંચતી વખતે કે દીલ ચાહતા હૈ જોતી વખતે એટલે જ આંખનો એક સૂનો ખૂણો ભીનો થઈ જાય છે. આ કાવ્ય અર્પણ છે નિર્બંધ આનંદમાં પસાર થયેલા એ દિવસોની ચિરયુવા યાદોને.
Anonymous said,
February 28, 2006 @ 11:21 AM
A poem that that touches my heart.
વિવેક said,
March 1, 2006 @ 12:33 AM
દોસ્તો કદી છૂટી જતાં નથી, છૂટી જાય છે માત્ર સાથે હોવાનો અહેસાસ. ભલેને લાખ સમંદર વહી નીકળ્યાં હોય આપણા બધાંની વચ્ચે, ન સ્થળ કે ન કાળ- કશું ઊગી શકવાનું નથી દિવાલ બનીને! આંખનો એક ખૂણો અગર ધરતીની પેલા છેડે ભીનો થાય છે તો અહીં પણ હૃદય એક ધબકાર ચૂકતું રહે છે…
કાવ્ય સરસ છે, કાવ્ય પ્રસ્તુત કરનારનો ભાવ એથીય વધુ!
Anonymous said,
March 7, 2006 @ 6:05 AM
dear dhaval,
indeed a very good poem,
what you said is true,
we miss you always when we get togather……..
kalpan