ઇન્કાર એના હોઠ ઉપર ધ્રુજતો હતો,
અમને અમારી વાતનો ઉત્તર મળી ગયો.
મનહરલાલ ચોક્સી

શબ્દોત્સવ – ૨:અછાંદસ: ઘર – ઉદયન ઠકકર

મને તો ગમી ગયું છે આ ઘર
ધરતીને છેવાડે આવેલું.
રાતે નળિયાં નીતરતાં હોય, તારાઓની છાલકે
હાક મારીએ ને સામો સાદ દે, દેવતાઓ
પગ આડોઅવળો પડે તો ગબડી જવાય, અંતરિક્ષમાં
સરનામું હોય:
સ્વર્ગની પાસે.

હા, દુનિયાન નિયમો અહીં લાગુ તો પડે
પણ થોડા થોડા.
રાતે હોવાપણું, આગિયાની જેમ ‘હા-ના’, ‘હા-ના’, કર્યા કરે.

ઝાંપો હડસેલતીક નીકળે કેડી
જેની પર લખ્યું હોય
‘કશેક તરફ’
બારીએ ટમટમે આકાશગંગા
જેની પર લખ્યું હોય
‘કશેય નહિ તરફ’

ઘરમાં રહેતા હોઈએ
તું અને હું.
કહે, કઈ તરફ જઈશું ?

– ઉદયન ઠકકર

મકાન એક ભૌતિક ચીજ છે, જ્યારે ઘર  તો એક અનુભૂતિ છે. ગમતું ઘર સ્વર્ગથી કંઈ કમ નથી હોતું. આવા ઘરમાં પ્રિયજનનો સંગાથ હોય તો માણસ ‘કશેય નહિ તરફ‘ જ જાય ને !

Leave a Comment