જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
મરીઝ

નદીની છાતી પર – યોસેફ મેકવાન

અને નદીની છાતી પર સૂરજનો હાથ
અને એ હાથમાંથી ફૂટે નગર.
અને એ નગરમાં ઊગે રેતીનું ઝાડ
અને એ રેતીના ઝાડમાં માછલીઓનો માળો
અને એ માછલીઓના માળામાં પરપોટાનાં ઇંડાં
અને એ પરપોટાનાં ઇંડાં ફૂટે ફટાક
અને એ … ય ફટાક્ સટાક્ કિનારા ચાલે બેય…
અને એ કિનારાના પગની પાની પલળે
અને એ પાનીમાંથી પવન ઝરે
અને એ પવનની લબાક્ લબાક્ લબકારા લેતી જીભ
અને એ લબકાર જીભથી પાણી છોલાય કુણાં કુણાં
અને એ કુણાં કુણાં પાણી પર નજર તરે
અને એ નજર તરે તરે ને હોડી થઇ જાય …
અને એ હોડી જાય … સૂનકાર ચિરાય …
અને ત્યાં અંધકાર ઊઘડે ઊઘડે ને બિડાય..
અને એ સમય પીગળતો ….. ગળતો … ળતો જાય
અને એમ નદીની છાતી પર એક નદી ઊગતી જાય …

યોસેફ મેકવાન

દુનિયાની બધી સંસ્કૃતિઓ નદી કિનારે અને નગરોમાં વિકસી છે. સંસ્કૃતિ, માનવ જીવન અને ઉત્ક્રાંતિ આ બધાને વણી લેતી આ રચના બહુ જ વિશિષ્ટ રચના છે. સાવ નવા નક્કોર પ્રતિકો આ વાતને લીટીએ લીટીએ દોહરાવતા જાય છે.

4 Comments »

  1. વિવેક said,

    January 18, 2007 @ 7:29 AM

    આ કવિતામાં કંઈ ઘડ પડી નહીં… નવા નક્કોર પ્રતિકોની વાત તો ખરી પણ વિશિષ્ટ શું છે એ સમજાયું નહીં… થોડો પ્રકાશ પાડશો, સુરેશભાઈ ?

  2. સુરેશ જાની said,

    January 18, 2007 @ 11:56 AM

    સૂર્ય અને નદી . ખેતી – સંસ્કૃતિ – રેતીનાં ઝાડ – ઘર, મકાનો
    માછલીઓનો માળો – મત્સ્ય ગલાગલ કરતા માણસો
    પરપોટાનાં ઇંડાં – વ્યર્થ ઇચ્છાઓ
    ચાલતા કિનારા – સમય ( નદી સ્થીર ! )
    ઝરતો પવન – કાળના સૂસવાટા
    છોલાતું પાણી – નષ્ટ થતાઁ જીવનો ; નજર – વીઝન, દર્શન એ બને તારતી હોડી
    ભલે પાણી (જીવન) કપાય પણ હોડી તો ચાલતી રહે,પ્રજ્ઞા/ જ્ઞાન/ દર્શન આગળ વધતાં રહે.માટે અજ્ઞાનનો સૂનકાર ચિરાય, અંધકાર ઉઘડે ને પાછો વ્યાપે. સંસ્કૃતિઓનો વિનાશ અને નવ સર્જન.
    આમ સમય પણ પીગળે અને નવી નવી સંસ્કૃતિઓ પ્રગટતી જાય.
    ઇતિહાસ મારો એક બહુ જ પ્રિય વિષય છે આથી આવું અદ્ ભૂત વિહંગાવલોકન કરાવતી આ પહેલીજ રચના મેં વાંચી અને ગમી.
    .

  3. Vishal Monpara said,

    January 19, 2007 @ 4:13 PM

    આ ગઝલ વાંચીને મને મારી આ કૃતિ યાદ આવી ગઇ http://poem.vishalon.net/Poem/28.aspx

  4. સુરેશ said,

    January 19, 2007 @ 10:03 PM

    આભાર, વિશાલ! આવા તરોતાજા, સાવ નવા વિષયો ગુજરાતી કવિતામાં આવતા રહેશે, તો જ ગુજરાતી કવિતાની સમૃધ્ધતા વધતી જશે અને કવિતાનું વાંચન બીબાઢાળ થતું અટકશે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment