કોઈ પરખંદો જ ‘ઘાયલ’ પેખશે,
વેદજૂની વેદનાની વાણ છું.
અમૃત ‘ઘાયલ’

જીવન રેખ- ઇન્દ્ર શાહ

વિસ્તૃત તટ પરે
એક રેખા
બે બિંદુ મધ્યે પડી
અચેતન, સુપ્ત     

મુગ્ધ હું એના વળાંક પર
શોધી રહું
ચોતરફ
અણદીઠ હસ્ત!

– ઇન્દ્ર શાહ
શ્રી. ઇન્દ્ર શાહ સાથે મારો પરિચય સાવ નવો છે. પણ એમની કવિતાઓમાં મને મારા અંતરનો અવાજ સંભળાય છે.ઉત્ક્રાન્તિના જે તબક્કે માનવ નામના પ્રાણીને પ્રજ્ઞા લાધી, ત્યારથી આ પ્રશ્ન તેને મુંઝવી રહ્યો છે, કે આ જીવે છે તે શું છે? મરણ બાદ જે જતું રહે છે તે શું છે? અને આ પ્રશ્નમાંથી જ માણસે ઇશ્વર નામના કોઇ અસ્તિત્વ કે અનસ્તિત્વની કલ્પના કરી.

ઇન્દ્ર ભાઇ પણ આ જ શોધે છે. જન્મ અને મૃત્યુના બે બિંદુ વચ્ચે જિંદગીની જડ રેખા લાંબી થઇને, સુતી પડી છે. આ રેખા પર મુગ્ધ થયા છતાં કવિને સંતોષ નથી. એમને તો ન દેખાતા, પણ ખરેખર ચેતનાથી સભર હાથની શોધ છે, જેની પાર્શ્વ ભૂમિમાં આ રેખા અંકાયેલી છે. આપણે દરરોજ આપણો હાથ જોઇએ છીએ, પણ તેને જોવાની આ દ્રષ્ટિમાં કેટલું ઉંડાણ ધરબાઇને પડ્યું છે? અછાંદસ હોવા છતાં સુપ્ત અને હસ્ત નો અંત્યાનુપ્રાસ આ રચનાને એક લય અને મધુરતા આપી જાય છે.

1 Comment »

  1. Indra Shah said,

    July 31, 2006 @ 10:41 AM

    How do I post a poem on this site?
    Thanks

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment