કોઈ વચન પાળતું નથી – સુનીલ ગંગોપાધ્યાય
કોઈ વચન પાળતું નથી. તેત્રીસ વર્ષ વીતી ચૂક્યાં
કોઈ વચન પાળતું નથી.
નાનપણમાં એક વૈષ્ણવ બ્રાહ્મણીએ એનું એક સ્વાગતગીત
એકાએક થંભાવીને કહ્યું હતું,
સુદ બારસને દિવસે બાકીનો અંતરો સંભળાવી જઈશ.
ત્યાર બાદ કેટલીયે ચન્દ્રહીન અમાસ ચાલી ગઈ
પણ એ વૈષ્ણવ બ્રાહ્મણી પાછી ન આવી.
પચીસ વરસથી રાહ જોઉં છું.
મામાના ઘરના નાવિક નાદેરઅલીએ કહ્યું હતું,
દાદાઠાકુર, મોટો થા,
તને હું ત્રણ પ્રહરનું જળાશય જોવા લઈ જઈશ.
ત્યાં કમળના માથા પર સાપ અને ભમરો રમે છે.
નાદેરઅલી, હું હવે કેટલો મોટો થઈશ ?
મારું માથું આ ઘરનું છાપરું ફાડી આકાશને
સ્પર્શ કરશે પછી શું તું મને
ત્રણ પ્રહરનું જળાશય બતાવીશ ?
એકાદ મોંઘી ચોકલેટ કદી ખરીદી શક્યો નથી.
લોલીપોપ દેખાડી દેખાડીને ચૂસતાં હતાં
આર્મીના છોકરાઓ.
ભિખારીની જેમ ચૌધરીના ગેટ પાસે ઊભા રહીને જોયો છે અંદરનો રાસોત્સવ.
અવિરત રંગની છોળો વચ્ચે સુવર્ણ-કંકણ પહેરેલી
ગોરી ગોરી યુવતીઓ
કેટકેટલા આનંદથી હસતી હતી.
મારી તરફ તેઓએ વળીને જોયું ય નથી.
બાપુજી મારા ખભાને સ્પર્શતાં બોલ્યા હતા, જોજે,
એક દિવસ આપણે પણ…
બાપુજી હવે અંધ છે, અમે કંઈ કરતાં કંઈ જોઈ શક્યા નથી.
એ મોંઘી ચોકલેટ. એ લોલીપોપ, એ રાસોત્સવ મને કોઈ પાછા લાવી આપવાના નથી.
છાતી પાસે સુગંધી રુમાલ રાખીને વરુણાએ
કહ્યું હતું,
જે દિવસે મને ખરેખર ચાહીશ
તે દિવસે મારી છાતીમાંથી પણ આવી અત્તરની સુવાસ આવશે.
પ્રેમને માટે મેં જીવને મુઠ્ઠીમાં બાંધ્યો
તોફાની-વકરેલા સાંઢની આંખે લાલ કપડું બાંધ્યું.
આખી દુનિયા ખૂંદી વળી લઈ આવ્યો 108 નીલકમળ
તોપણ વચન પાળ્યું નથી વરુણાએ, હવે
એની છાતીમાં ફક્ત માંસની ગંધ
હવે એ કોઈક અજાણી સ્ત્રી !
કોઈ વચન પાળતું નથી, તેત્રીસ વર્ષ વીતી ચૂક્યાં,
કોઈ વચન પાળતું નથી.
– સુનીલ ગંગોપાધ્યાય
(અનુવાદ – નલિની માડગાંવકર)
સુનીલ ગંગોપાધ્યાયની કવિતાઓમાં જાણે વાર્તા ડોકીયું કરતી હોય એવું લાગે. આવા કાવ્યને માટે કથાકાવ્ય ઉચિત નામ છે. જીવનમાં સપનાની પાછળ દોડવાની અને એમાં પછડાટ ખાવાની વાતને એમણે સરસ રીતે રજૂ કરી છે. આ પહેલા રજૂ કરેલું એમનું જ કથાકાવ્ય ચાની દુકાનમાં પણ જોશો.