જઈને વતનમાં એટલું જોયું અમે 'મરીઝ',
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2010

ઊંડી વાવમાં તડકો પેસવા જાય – મકરંદ દવે

ઊંડી વાવમાં તડકો પેસવા જાય
          તો તડકો કેટલો ઊંડે પેસે ?
   પાંચ,પચીસ કે ત્રીસ પગથિયે
           બહુ બહુ ચાલીસ પગથિયે
               બહુ થયું માનીને તડકો
                           બસ કહીને બેસે;
                          કેટલો ઊંડે પેસે ?

તડકો    માપે   એટલી  ઊંડી   વાવ,
તડકો આપે  એ જ  ખરો સિરપાવ,
સાવ સાચા આ જગમાં તડકા રાવ;

તડકાને પણ તડકે મેલી કોઈ
અંદરની આંખમાં આંજી તેજ
                  આગળ વધે સ્હેજ;
ઘોર અંધારી વાવનું એને નોતરું આવે,
નોતરા સાથે કોઈ તેડાગર સાથ પુરાવે
            લો,આમ ભાળે તો ગોખમાં બેઠી
                                              મૂરતિ હસે,
જ્યાં જુએ ત્યાં વાવમાં જળના
                              દેવતા વસે,
વાવ તો લાગે જીવતી જાણે
                             નસે નસે.

પાછો વળ્યો એ જ તો પાગલ સાવ,
વાવને કહે, વાવ નહીં દરિયાવ,
તડકો પૂછે : ફૂટપટી તું લાવ !

તડકાના આ રાજમાં વાવની
                       વારતા માંડી !
હાય રે સુરતા , હાય રે ગાંડી !
                             આછી પાંખી,
આ પુરાતન વાવની ઝાંખી,
એની એકલી આંખ પુરાવે સાખી.

-મકરંદ દવે

કહેવા માટે એક નક્કર વાત છે, સુંદર કાવ્યાત્મક અભિવ્યક્તિ છે – ઇન્દ્રિયો વડે અનુભવી શકાતું જ્ઞાન એટલે તડકો અને વાવ એટલે બ્રહ્મજ્ઞાન – ઠોસ અનુભૂતિ જયારે કાવ્ય ના સ્વરૂપે બહાર આવે ત્યારે આવું સહજ કાવ્ય સર્જાતું હોય છે. આવી કવિતા ભાવક વ્યક્તિને કાવ્યપ્રેમી બનાવી દેતી હોય છે. નોંધપાત્ર પંક્તિ એ છે કે જેને ઘોર અંધારી વાવ નું નોતરું આવે તે બડભાગી જ બ્રહ્મજ્ઞાન પામવાના રસ્તે આગળ સુદ્ધાં વધી શકે – તે સિવાય નહિ. વળી ‘તેડાગર’-ગુરુ ની ભૂમિકા સ્પષ્ટ કરી છે. ત્યાંથી પાછો ફરનાર ‘પાગલ’ કહેવાયો – સ્વાભાવિક જ છે, તેના દ્રષ્ટિકોણ ધરમૂળ બદલાઈ જ ગયા હોયને !  આવા ‘પાગલો’ એ જ તો દુનિયા બદલી છે…

Comments (10)

ગઝલ – અશરફ ડબાવાલા

અર્જુને તો માત્ર એના લક્ષ્યની પૂજા કરી,
આપણે વીંધાયેલા એ મત્સ્યની પૂજા કરી.

બેઉ છેડા પર પતનની શક્યતા ભારે હતી;
એટલે સમજી વિચારી મધ્યની પૂજા કરી.

હું સમર્પિત થઈ ગયો નખશિખ શમણાંઓ ઉપર,
એણે તો સન્મુખ કે બસ શક્યની પૂજા કરી.

ટેવવશ તેં તો ‘તથાસ્તુ’ કહી મને ટાળ્યો હશે,
મેં તથાસ્તુમાં રહેલા તથ્યની પૂજા કરી.

છે અનુયાયી ગઝલના પંથનો ‘અશરફ’ ખરો,
એણે જીવનભર હૃદયના સત્યની પૂજા કરી.

– અશરફ ડબાવાલા

આમ તો આખી ગઝલ ધ્યાનાર્હ થઈ છે પણ મને ફક્ત મત્લાના શેર વિશે વાત કરવાનું મન થાય છે… આપણી ‘સામાન્ય’ નજરમાં રહેલી ખામીને કવિએ સરળતાથી વર્ણવી દીધી છે. આપણી સૌથી મોટી નબળાઈ મૂળભૂત લક્ષ્ય ચૂકી જઈને રસ્તામાં અટવાઈ પડવાની છે… સદીઓનો ઇતિહાસ તપાસો… આ જ નજરે ચડશે… આપણે ઈશ્વરને ભૂલી જઈ એના સાચા ભક્તોની ભક્તિ કરવા જ મચી પડીએ છીએ. સાધ્ય કરતાં સાધક મોટો બની બેસે છે… ગૉડ ભૂલાઈ જાય છે અને ઈશુ ખ્રિસ્ત કેન્દ્રમાં આવી જાય છે… ઈશ્વર ને અલ્લાહનું સ્થાન સાધુ-સંતો, કબીર કે મોહંમદ લઈ લે છે…

…અને છતાં આપણે કશું શીખતાં જ નથી…

Comments (13)

ગઝલ – અનિલ ચાવડા

એકધારા દોડવાની તું મૂકી દે ટેક, પ્લીઝ !
રાખ તારી સ્પીડ પર થોડીઘણી તું બ્રેક, પ્લીઝ !

રોક, મારામાં પડેલી આ તિરાડો રોક, દોસ્ત !
ભીતરેથી રોજ થાતો જાઉં છું હું ક્રૅક, પ્લીઝ !

પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે,
બે જ શબ્દો- એકનું છે નામ સૉરી, એક પ્લીઝ.

કેટલા વરસે ગયું આંખોનું વાંઝિયાપણું,
ખાવ મારા આંસુઓના બર્થ-ડેની કેક, પ્લીઝ !

જિંદગીભર જે શ્વસ્યો’તો એ કરું છું હું પરત,
હે પ્રભુ ! સ્વીકાર મારા શ્વાસનો આ ચેક, પ્લીઝ !

-અનિલ ચાવડા

દરેક યુગમાં દરેક સંસ્કૃતિમાં કવિતાએ (વ્યાપક અર્થમાં જોઈએ તો તમામ કળાઓએ) સાંપ્રત સમયનું પ્રતિબિંબ ઝીલેલું જોવા મળે છે. કોઈ પણ કળા અને એના કાળનું મૂલ્યાંકન કરીએ એટલે જે તે દેશની જે તે સમયની સભ્યતા વિશે બખૂબી જાણી શકાય…

અનિલ ચાવડાની આ ગઝલ વિશે બીજું કંઈ લખવાની જરૂર ખરી ?

Comments (34)

ફાગણ ફટાયો આયો -બાલમુકુંદ દવે

ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે

પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો
શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો
ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.

કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કો પાસેવાળા પડી રહ્યા, આઘાને રંગે રોળ્યા
કોઈનો ભીંજે કંચવો, કોઈના સાડી-શેલા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!

-બાલમુકુંદ દવે

એમ તો હોળીને હજી થોડા દિવસોની વાર છે પણ ફાગણ તો આવી જ ગયો છે ને… તો બાલમુકુન્દ દવેના આ ખૂબ જ મજાનાં ફાગણિયા ગીતને માણવા માટે હોળીનાં દિવસ સુધી શા માટે રાહ જોવી ?  🙂

Comments (6)

હ્રદયની વાત – ખલીલ ધનતેજવી

રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !

– ખલીલ ધનતેજવી

Comments (13)

હસ્તક્ષેપ – ચંદ્રકાંત ટોપીવાળા

જૂનું તો થયું
દેવળ જૂનું; એમાં
તારું શું ગયું ?

દિલમાં દીવો
કરો રે દીવો કરો;
રાડો ન પાડ.

બ્રહ્મ લટકાં
કરે બ્રહ્મ પાસે; તું
ચાડી ન કર.

આ તન રંગ
પતંગ સરીખો; તો
ઊડ, રાજી થા.

તરણાં ઓથે
ડુંગર કો ન દેખે;
સાલ્લાં આંધળાં.

વ્રજ વહાલું રે
વૈકુંઠ નહિ આવું;
મેં ક્યાં બોલાવ્યો ?

ઊભા રહો તો
કહું એક વાત; હું
નવરો નથી.

પ્રેમની પીડા
તે કોને કહીએ ? ભૈ
કોઈને નહીં.

મને લાગી રે
કટારી પ્રેમની; હા
કાટ ખાધેલી.

જાગીને જોઉં
જગત દીસે નહિ;
પાછો સૂઈ જા.

-ચંદ્રકાંત ટોપીવાળા
(‘પરબ’ ફેબ્રુઆરી 2010માંથી)

આપણા બહુશ્રુત ભક્તિપદોની હાઈકુના સ્વરૂપે હળવી ઠેકડી કરવાનો આ પ્રયોગ મને તો બહુ જ ગમી ગયો. કવિતામાં બધુ ગંભીર જ હોવું જોઈએ એવો તો કોઈ નિયમ  નથી, છતાંય કેટલાય કવિઓ કારણ વગર ગંભીર રહેવાની કોશિશ કર્યા કરે છે. કવિએ આ પ્રયોગથી એ બધા ‘ચહેરા-ભારે’ (માથા-ભારે જેવું ચહેરા-ભારે)  કવિઓને ‘ટોપી’ પહેરાવવાની કોશિશ કરી છે એવું લાગે છે 🙂

Comments (27)

ધીમે ધીમે વાગ – શેખાદમ આબુવાલા

બંસી ધીમે ધીમે વાગ
મારે અંતર ભરવા રાગ
                                   બંસી….

રાગ સુણી મુજ અંતર નાચે
સૂરતણી રમઝટમાં રાચે
કેવાં મુજ ધનભાગ
                                  બંસી….

સ્મૃતિ વેરણછેરણ જાગી
રડી ઊઠ્યું મુજ હૈયું અભાગી
ઉજ્જડ મુજ ઉરબાગ
                                 બંસી….

પૂનમની એ રસભર રજની
બંસી હું ને સ્નેહલ સજની
ક્યાં એ જીવનરાગ

બંસી ધીમે ધીમે વાગ
મારે અંતર લાગી આગ

– શેખાદમ આબુવાલા

પ્રથમ પંક્તિમાં ‘રાગ’ છે અને અંતિમમાં ‘આગ’ છે અને વચ્ચે આ મધુરું કાવ્ય છે… વાત harmony ની છે, વાત ઋજુ યાદોની છે…

Comments (8)

જનની – દામોદર બોટાદકર

મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે … જનનીનીo

અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે … જનનીનીo

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીનીo

દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીનીo

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીનીo

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીનીo

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતાં ખૂટે ન એની લ્હાણ રે … જનનીનીo

ધરતીમાતાયે હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીનીo

ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીનીo

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીનીo

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહીં આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.

– દામોદર ખુ. બોટાદકર

જનનીની સ્તુતિ કઈ ભાષામાં કયા કવિએ નથી કરી? પણ તોય લોકપ્રિયતાની ચરમસીમાઓ અડી ચૂકેલું બોટાદકરનું આ ગીત એક અલગ જ ‘ફ્લેવર’ સર્જે છે…

મધથી મીઠું તે વળી શું હોય ? અને તરસી ધરતી માટે મેઘથી અદકેરું ગળ્યું શું હોય ? પણ જગતની સઘળી મીઠાશથીય મીઠી તો મા જ હોય ને ! ગંગાના નીરમાં વધ-ઘટ થઈ શકે, વાદળના વરસવાની મોસમ હોઈ શકે, ચંદ્રની ચાંદની કળાનુસાર ક્ષીણ થઈ શકે પણ માનો પ્રેમ તો અનર્ગળ અનવરત એકધારો વહેતો જ રહેવાનો… મા તો પ્રભુના પ્રેમની પ્રસાદી છે સાક્ષાત્ ! એની જોડ ક્યાંથી જડી શકે ?

Comments (19)

ગઝલ – સ્મિતા પારેખ

જિંદગી કેવી અધૂરી હોય છે !
ક્યાં પિછાણી એને પૂરી હોય છે ?

એક હો તો મૂલ્ય છે આ શૂન્યનું,
પ્રેમ જીવનમાં જરૂરી હોય છે.

કોણ જાણે કેવી મજબૂરી રહી ?
હોય પાસે તોય દૂરી હોય છે.

વાતવાતે આમ હસતી હોઉં છું ,
વેદના ભીતર ઢબૂરી હોય છે.

રોજ આવે રક્તવર્ણી સાંજ આ ,
એક ઇચ્છા રોજ ઝૂરી હોય છે.

– સ્મિતા પારેખ

એક સરળ સહજ ગઝલ… અધૂરી ઇચ્છાના ઝૂરાપા સાથે સંધ્યાના રાતા થવાની વાત કવિએ કેવી સુંદર રીતે વણી લીધી છે!

Comments (35)

મુક્તક -સૈફ પાલનપુરી

માર્ગદર્શક બને એ સર્વ સહારા લઈ લે !
ઈશ ! તેજસ્વી બધા તારા – સિતારા લઈ લે !
તારી શક્તિનો હું એ રીતે અનુવાદ કરીશ,
મંઝિલો આવશે સામે, તું ઉતારા લઈ લે !

-સૈફ પાલનપુરી

Comments (11)

Page 1 of 3123