તું આવે જો સાથે
એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે…
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for August, 2008

આપણા કાવ્ય-સામયિક – ૦૪ :શહીદે ગઝલ

Shahide-ghazal_Cover page

“શહીદે ગઝલ” એટલે વડોદરાથી પ્રગટ થતું શકીલ કાદરીનું ગઝલની સાચી વિભાવનાને વરેલું ત્રૈમાસિક. શરૂઆતના માત્ર બીજા વર્ષમાં જ પગ મૂકતું આ ત્રૈમાસિક એક જ વર્ષમાં ગઝલ ચાહકો અને ગઝલકારોમાં સમાન લોકચાહના પ્રાપ્ત કરી શક્યું છે એ એની ગુણવત્તાનું ખરું પ્રમાણપત્ર છે. નોંધપાત્ર જાણીતા-અણજાણીતા ગઝલકારોની ઢગલાબંધ ગઝલોના મઘમઘતા રસથાળ ઉપરાંત અહીં ઘણું એવું છે જે આ સામયિક તમારા ઘરે આવતું ન હોય તો તમને અધૂરપની લાગણી જન્માવી શકે છે. ગઝલ અને ગઝલના બાહ્ય-આંતર્સ્વરૂપ, છંદશાસ્ત્રની તબક્કાવાર છણાવટ દરેક અંકે કોઈને કોઈ રૂપે થતી હોવાથી ભાવકની ગઝલ વિશેની વૈજ્ઞાનિક સમજ અંગેની શોધ અહીં અંત પામતી લાગે. ગઝલના ક્ષેત્રમાં થતા વિવાદો વળી સંપાદકનો પ્રિય વિષય છે અને સ્વસ્થ ચર્ચા જ જ્ઞાનમાર્ગની શ્રેષ્ઠ કેડી હોઈ શકે, ખરું ને? ગઝલ ઉપરાંત અહીં નઝમ, ઉર્દૂ ગઝલ, ગઝલ વિવેચન-આસ્વાદ,  ગઝલને લગતા પુસ્તકોની સમીક્ષા જેવા ચમકદાર મોતીઓ પણ છે… ટૂંકમાં, સાચી ગઝલના ચાહકની ગઝલયાત્રા શહીદે ગઝલ વિના અધૂરી જ રહેવાની…
*

“શહીદે ગઝલ” – ત્રૈમાસિક
સંપાદક: શ્રી શકીલ કાદરી

લવાજમ : વાર્ષિક – દેશમાં રૂ. 200/-, પરદેશ: રૂ. 600/-, શુભેચ્છક લવાજમ: રૂ. 2000/-
લવાજમ ‘એમ.એ.કાદરી’ના નામે રોકડેથી, ડિમાંડ ડ્રાફ્ટ અથવા મની ઑર્ડરથી જ મોકલવું. (’લયસ્તરો.કોમ’ના સૌજન્યથી લખવાનું ન ભૂલાય!!!)

સરનામું: મોહંમદ શકીલ એ કાદરી (Mohammed Shakeel A. Kadri), ડી-114, મધુરમ સોસાયટી, તાંદલજા રોડ, વડોદરા- 390012.

Comments (2)

ગઝલ – શેખાદમ આબુવાલા

દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના,
ઊંઘી શકાય ના અને જાગી શકાય ના.

એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,
ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના.

આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.

એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.

-શેખાદમ આબુવાલા

ચાર શેરની આદમની આગવી શૈલીની મનહર ગઝલ… કવિ સ્વર્ગ માંગે છે પણ પાપ કરવાની છૂટ હોય એવું. અને પાપ કર્યા પછી ભાગી ન શકાય એ માંગવાની ફિતરત પણ એ ધરાવે છે. કરેલાનું ફળ વેઠવાની તૈયારી સાથે કરવા ન મળે તો જીવવું વ્યર્થ લાગે એવા કેટલાક ‘પાપ’ સ્વર્ગમાં પણ છોડવા તૈયાર ન હોય એવો કોઈ માણસ તમને રસ્તે મળે તો એના ઑટોગ્રાફ માંગી લેજો- એ શેખાદમ જ હોવાનો!

Comments (11)

ગઝલ – નયન દેસાઈ

Mahesh Davadkar - painting2

(…              …ચિત્રાંકન : મહેશ દાવડકર, સુરત…           …)

હોવાનો બોજ આ રીતે  ઊંચકી શકાય છે
સમજી શક્યા નથી અને સમજી શકાય છે

શમણાંઓ એનાં એ જ છે પાંપણની ધાર પર
ચાદર પથારી પરની તો બદલી શકાય છે

ચાદર બદલવા જાવ તો શમણાં ઉડી જશે
શમણાં વગર તો ક્યાં કદી ઊંઘી શકાય છે ?

આ એજ છે નદી કે જે વહેતી હતી કદી
આ ચિત્ર સાથે નોંધમાં વાંચી શકાય છે.

-નયન દેસાઈ

હોવાપણાંનો બોજ જીવનના આરંભથી મનુષ્યને સતાવતો આવ્યો છે. અસ્તિત્વને સમજી શકવાની મથામણ અને વ્યથા જીવનના દરેક સ્તરે નાનાવિધ આયામથી સતત પ્રકટ થતી રહી છે. આ પ્રશ્ન વિશે મહદ્ અંશે એટલું જ સમજી શકાય છે કે એ સમજી શકાતો નથી…

સમયની સાથે કેટલાક સંબંધો સૂકાઈ જાય છે અને રહી જાય છે જીવનના ચિત્ર પર ક્યારેક એના હોવાપણાં વિશેની નોંધ માત્ર…

Comments (9)

ગઝલ – વિનોદ ગાંધી

આમ તો નાચીજ છે આખું જગત,
લોભવે એ ચીજ છે આખું જગત.

ચૌદ આની હોય છે ઢંકાયલું,
આભમાંની બીજ છે આખું જગત.

છોડવું ગમતું નથી હર કોઈને,
આ કયું તાવીજ છે આખું જગત ?

નામ લેતાં એક જણ ગિન્નાય છે,
એક જણની ખીજ છે આખું જગત.

ચોતરફ કાદવ રહે છે હરઘડી,
એટલે સરસિજ છે આખું જગત !

-વિનોદ ગાંધી

(સરસિજ=કમળ)

Comments (11)

શાયર છું – ‘ઘાયલ’

જેવો તેવોય એક શાયર છું,
દોસ્ત, હું જ્યાં છું, ત્યાં બરાબર છું.

શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું,
યાને હું નિત્ય છું, નિરંતર છું.

હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું,
જે કશું છું, હું દોસ્ત, અંદર છું.

સત્ય છું, શિવ છું, હું સુંદર છું,
પરથી પર યાને હું પરાત્પર છું.

હું હતો, છું, હજીય હોવાનો;
હું સનાતન છું, હું સદંતર છું.

બે ધડક પૂછ કોઈ પ્રશ્ન મને;
કોઈ પણ પ્રશ્નનો હું ઉત્તર છું.

હું છું સંદેશ ગેબનો સંદેશ;
પત્ર વાહક નથી, પયંબર છું.

ઉન્મત્ત આનંદનો છું હું સાગર;
દત્ત અવધૂત છું, દિગમ્બર છું.

ધૂર્જટીથી નથી કમ ‘ઘાયલ’,
રિન્દાના-સ્વાંગમાં હું શંકર છું.

– ‘ઘાયલ’

ખૂમારીનું બીજુ નામ એટલે ‘ઘાયલ’ … એ જ શાયર થી શંકર બધુ ય હોવાનો દાવો કરી શકે !

Comments (6)

દશા અને દિશા – વેણીભાઈ પુરોહિત

દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ,
નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ.

દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રુજનારાઓ !
કહી દો   એમને  કે,  હે દશાના  પૂજનારાઓ !

દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકને  ખૂંદનારાને  સડક  ઝાલી નથી શકતી.

– વેણીભાઈ પુરોહિત

પ્રારબ્ધને ઠોકર મારી પુરુષાર્થ પર આધાર રાખી જીવો. પવનથી ધ્રુજતા તણખલાની જેમ નહીં, ખુમારીથી ઉડતા બાજની માફક જીવો !

Comments (4)

જળકમળ છાંડી… – નરસિંહ મહેતા

જળકમળ છાંડી જાને, બાળા! સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે.

કહે રે બાળક! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવિયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો?

‘નથી નાગણ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;
મથુરાનગરીમાં જુગટું રમતાં નાગનું શીશ હું હારિયો.’

‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અળખામણો?’

‘મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નહાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.

‘લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો.’

‘શું કરું, નાગણ! હાર તારો? શું કરું તારો દોરિયો,
શાને કાજે, નાગણ! તારે ઘરમાં કરવી ચોરિયો?’

ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો:
‘ઊઠો રે બળવંત, કોઈ બારણે બાળક આવિયો.’

બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણા ફૂંફવે જેમ ગગન ગાજે હાથિયો.

નાગણ સહુ વિલાપ કરે છે: નાગને બહુ દુ:ખ આપશે,
મથુરાનગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે.

બેઉ કર જોડી વીનવે: ‘સ્વામી! મૂકો અમારા કંથને;
અમો અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.’

થાળ ભરી શગ મોતીએ શ્રીકૃષ્ણને રે વધાવિયો;
નરસૈંયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવિયો.

– નરસિંહ મહેતા

લયસ્તરોના વાચકવૃંદને જન્માષ્ટમી મુબારક…!

Comments (10)

એક ચોમાસું – કરસનદાસ લુહાર

એક ચોમાસું કે, તું તું-થી સભર;
એક ચોમાસું કે, હું મારા વગર.

એક ચોમાસું કે, ઉનાળાઉં હું;
એક ચોમાસું કે, તું છે તરબતર !
એક ચોમાસું કે, તું બસ પર્ણ-પર્ણ;
એક ચોમાસું કે, હું છું પાનખર.
એક ચોમાસું કે, તું અલકાપુરી,
એક ચોમાસે હું રામાદ્રિ ઉપર !

– કરસનદાસ લુહાર

કાલે એક ચોમાસું ગીત વાંચ્યું, આજે એક ચોમાસું ગઝલ… ટૂંકી બહરની અને ઓછા શેરની આ ગઝલમાં કવિ મનભરીને વરસ્યા છે. બે અંતિમ છેડાની સરખામણીઓમાં વિરહની વેદનાને ધાર મળે છે અને એ ધારને ઓર તીક્ષ્ણ બનાવે છે ચોમાસાંની મૂલભૂત મિલનની ઋતુમાં થતી વાત. અંતિમ શેરમાં અલકાપુરી અને રામાદ્રિની વાતમાં કવિ કાલિદાસના મેઘદૂતને પણ અછડતું સ્પર્શી લે છે…

Comments (4)

નભ વચ્ચે આ કયો ખલાસી… – ઉષા ઉપાધ્યાય

નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

જાળ ગૂંથીને ઊભો થતાંમાં
ખેસ જરા ખંખેરે,
પલક વારમાં ગોરંભાતાં
નભને ઘન વન ઘેરે,
ફર-ફર ફર-ફર ફોરાં વરસે
જાણે કતરણ ખેરે,
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

ત્રમઝૂટ વરસે નભથી જ્યારે
જાળ ધીવરની ભાસે,
ફંગોળી ફેલાવી નાખી
મહામત્સ્ય કો ફાંસે,
અરે ! પલકમાં મત્સ્ય ધરાનું
આભે ખેંચી જાશે !
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

-ઉષા ઉપાધ્યાય

એકધારા વરસતા વરસાદની જેમ અનવરુદ્ધ લય સાથે છમ્…છમ્… નાચતું આ ગીત ગાયા વિના વાંચવું અશક્ય છે. જળની જાળનો પ્રયોગ જેટલો અપૂર્વ છે એટલું જ મનહર છે માછીમારની પરિભાષામાં રચાયેલું આ ગીત… એને એમ જ વરસવા દઈએ? છત્રી-રેઈનકોટ ફેંકીને આવ્યા છો ને?!

(કતરણ=કાપડ, કાગળ, પતરું ઇત્યાદિ કાપતાં પડતો કચરો; ધીવર=ધીમર, માછી)

Comments (5)

ભૂલ – ઓકતે રિફાત

રોટલી મારા ખોળામાં
અને તારાઓ દૂરદૂર
હું તારાઓને તાકતો-તાકતો રોટલી ખાઉં છું
ક્યારેક વિચારોમાં એટલો ખોવાયેલો –
ભૂલથી હું તારા ખાઉં છું
રોટલીને બદલે.

– ઓકતે રિફાત
(તુર્કીમાંથી અનુવાદ : ઉત્પલ ભાયાણી)

હકીકતને ભૂલીને સપનાને આલિંગવામાં આપણે બધા જ પાવરધા છીએ !

Comments (3)

Page 1 of 3123