આધુનિક વધસ્તંભ – વાસુદેવ નિર્મળ
મુંબઈની લોકલગાડીના
ડબ્બાની વચ્ચે
લોખંડના સળિયાઓ લટકે છે
જેમાં
લટકે છે હાથકડીઓ.
કેટલાક યાત્રી,
તે કડાંને પકડીને ઊભા છે.
ના, ના
તેઓ ઊભા નથી
લટકે છે
માનો કે એક જ સમયે
કોઈ
સાદો ઈન્સાન,
લાચાર ઈન્સાન,
ઈશુની જેમ,
શૂળી પર લટકાવી દીધો છે.
દરેક ઈસુને
પોતપોતાનો વધસ્તંભ હોય છે.
– વાસુદેવ નિર્મળ (સિંધીમાંથી અનુવાદ સુજાતા ગાંધી)
સામાન્ય માણસના લાચારીઓના વહેણમાં ખેંચાઈ જવાની ઘટના મહાનગર (કે મહા-મગર) માટે નવી નથી. પણ કવિએ સૌથી અસરકારક વાત છેલ્લી લીટીમાં કરી છે. ફરી વાર વાંચી જુવો – દરેક ઈસુને પોતપોતાનો વધસ્તંભ હોય છે. એ વાક્યએ મને વિચારતા કરી દીધો કે મારો વધસ્તંભ ક્યો છે ? ખરી વાત છે; આપણે બધા આપણા પોતાના અંગત વધસ્તંભને ઊંચકીને જ ચાલી રહ્યા છીએ. કોઈ વધસ્તંભો જોઈ શકાય છે જ્યારે કોઈનું તો ખાલી વજન જ અનુભવી શકાય છે…. છાતી ઉપર.