ટ્રેન ચૂકી ગયાં હોઈએ તે પછી
કોઈ પણ સ્ટેશને ક્યાં સુધી બેસવું
ભરત વિંઝુડા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for પન્ના નાયક
પન્ના નાયક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 30, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પન્ના નાયક
તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઈ
. અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
ઝાડવાની લીલેરી માયા મને,
ફૂલની, સુગંધની છાયા મને,
અને વહેતા આ વાયરામાં વહેતી ગઈ, કંઈક જન્મોની વાતને ઉકેલતી ગઈ
. અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
આ દિવસ ને રાતની કળીઓ ખૂલી,
અહીં પળપળના ગુંજનની ગાથા ઝૂલી,
હું તો ભમતી ગઈ ને કશું ભૂલતી ગઈ ને યાદ કરતી ગઈ,
. અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
– પન્ના નાયક
આજીવન સાથ નિભાવનાર પ્રિયજનની વિદાયનું ઋજુ સ્ત્રીસહજ સંવેદનનું ગીત. સંસાર તો બંનેનો જ હોય, પણ ભારતીય સ્ત્રી કોઈ વસ્તુ પર ‘મારું’નો સિક્કો મારતાં શીખી જ નથી.. લગ્ન પહેલાં બાપનું ઘર, લગ્ન પછી પતિનું ઘર. એટલે જ ગીતની શરૂઆત ‘આપણા’ નહીં, પણ ‘તારા’ બગીચાથી થાય છે. પતિના બગીચેથી વિદાય લેતાં પહેલાં એ ક્ષણભર રહીને વિખેરાઈ જનાર ટહુકો નહીં, ટહુકાનું પંખી જ દેતી જાય છે. લેવાની તો અહીં કોઈ વાત જ નથી. જતાં જતાં પોતાની યાદોના ટહુકાઓનું પંખી એ મૂકતી જાય છે. નાયિકાનો સંસાર લીલો અને સુગંધભર્યો રહ્યો છે. જન્મજન્માંતરનો ભેદ જાણે કે આ એક જ જન્મમાં ઉકેલાઈ ગયા હોય એવું જીવતર પામીને વાયરાની હળવાશ જેવી હળવી થઈને એ આજે જઈ રહી છે. દિવસ-રાત શું, પળેપળ ફૂલ અને ભ્રમર જેવા સ્નેહપાશની ગાથા જેવાં જ વીત્યાં છે. આવામાં કેટલું ભૂલવું અને કેટલું યાદ કરવું? જતાં પહેલાં જાઉં છું કહેવાની સોનેરી તક મળી એટલામાં જીવતરના સાર્થક્યની વાત કહીને નાયિકા વિદાય લે છે… આટલા સરળ શબ્દોમાં જીવનની સંકુલતા અને સંતોષ તો એક સ્ત્રીની કલમ જ વ્યક્ત કરી શકે!
Permalink
June 28, 2019 at 7:39 AM by વિવેક · Filed under અછાંદસ, પન્ના નાયક
સાંજનો સમય : દરિયાકાંઠો : પાંખ પસારીને ઊડતાં દેવદૂત જેવાં પંખીઓ
પાંખની ઉપર પ્રસરેલું આકાશ અને આંખની નીચે દરિયાનો રંગ
આ દૃશ્ય જોઈ જોઈને એક ક્ષણ હું પંખી થઈ જાઉં છું
ખભાને વળગેલા મારા હાથ પાંખ તો નથી થઈ ગયા ને ?
જોઉં છું મને ક્યાંય ચાંચ તો નથી ફૂટી ને?
થાય છે કે હું મારા ઈંડામાંથી બહાર આવું છું
અને ઊડું છું આકાશમાં મારા કોઈ પંખી સાથે.
સાથે રહીને ઊડવાનો આનંદ ઉઘાડી આપે છે એક નવું આકાશ.
હું સાંજે પાછી વળું છું ત્યારે મારા વૃક્ષમાં આકાશ લઈને આવું છું.
પણ આકાશમાં જાઉં છું ત્યારે આકાશને વૃક્ષ કરી દઉં છું.
કેટલાંય સ્વપ્નોનાં સોનેરી તણખલાં લઈને મેં એક માળો રચ્યો છે
આકાશ અને વૃક્ષની વચ્ચે જે અવકાશ છે એ જ મારો માળો.
સાંજને સમયે પોતાની પાંખ પર ચંચલ આકાશને લઈને ઊડતાં પંખીઓને જોઈ
મારા અસ્તિત્વને એક અર્થ મળે છે અને એ થઈ જાય છે સ્વયં પક્ષીતીર્થ.
– પન્ના નાયક
સાંજનો સમય, દરિયાકાંઠો અને દેવદૂત જેવા પક્ષીઓના ત્રણ ભાગ પાડીને કવયિત્રી કવિતા આરંભે છે. સાંજ એ દિવસ અને રાત વચ્ચેનો સંધિકાળ છે, દરિયો અને આકાશ અને પાણી વચ્ચેનું સંધિસ્થળ છે અને પક્ષીઓની સાથેનો દેવદૂતનો સંદર્ભ પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેની સંધિ-અવસ્થા સૂચવે છે. બે અલગ-અલગ વસ્તુઓ જ્યાં ભેગી થાય છે, ત્યાંથી જ કંઈક નવાની શરૂઆત થાય છે. આ કવિતા આ નવાની કવિતા છે, જીવનનો નવા અર્થ મળવાની કવિતા છે. સંધ્યાકાળે દરિયાકાંઠે ઊભા રહીને આકાશમાં ઊંચે ઊદતા પંખીઓને જોઈને નાયિકા ખુદનું પક્ષીમાં રૂપાંતરણ થતું અનુભવે છે. માણસ પોતાનું કોચલું તોડી શકે તો આખું આકાશ પછી એનું છે. દરેક માણસની અંદર એક પક્ષી છે, જે નિતનવાં આકાશ આંબવા સ્વપ્ન જુએ છે. એ પક્ષીનો સાથ લઈને જે ઘડીએ ઊડવું શરૂ કરીએ, એ ઘડીએ શક્યતાઓનું નવું જ આકાશ સામે ઊઘડી આવે છે.
બીજા ભાગમાં નાયિકા આકાશને વૃક્ષ અને વૃક્ષને આકાશમાં એકાકાર કરી દે છે. સીમિત અને અસીમિતની આ સંધિ જ સ્વપ્નોને નિવાસસ્થાન પૂરું પાડે છે. અસ્તિત્વ પક્ષીતીર્થ થઈ જાય ત્યારે આકાશ પાંખો પર લઈને ઊડી શકાય છે, જીવનનો ખરો અર્થ સાંપડે છે.
આઠ અને છ –એમ બે ભાગ મળીને કુલ ચૌદ પંક્તિના બનેલ આ કાવ્યને ગદ્ય સૉનેટ પણ ગણી શકાય.
Permalink
November 30, 2017 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, પન્ના નાયક
આપણે
જિંદગી આખી
દીવાનખાનાની
વાતો કર્યા કરી…!
થાય છે –
એકાદવાર
એકાદ રાત તો
બેડરૂમની…
– પન્ના નાયક
સાવ નાની અમથી બે જ લીટીની, સૉરી, દોઢ જ લીટીની કવિતા પણ આપણી સંવેદનાની આરપાર છરી હુલાવી જાય એવી. સ્ત્રીની કલમ છે. સ્ત્રીના જાતિગત સંસ્કાર એને સંબંધને મારા-તારાની પૌરુષી નજરે મૂલવવાને બદલે ‘આપણે’થી જ જોતાં શીખવે છે એટલે કવિતાની શરૂઆત ‘આપણે’થી થાય છે. જીવન આખું દીવાનખાનાની-દુનિયાની વાતોમાં જ વેડફાઈ ગયું. દીવાનખાનું પ્રતિક છે જાહેર વાતોનું જ્યારે બેડરૂમ અંગત વાતોનું પ્રતિક છે. કામસૂત્ર-ખજૂરાહોનો આ દેશ હોવા છતાં આપણે બેડરૂમમાં જઈએ છીએ ત્યારે ખિસ્સામાં ડ્રોઇંગરૂમ લઈ જવાનું ચૂકતા નથી પણ આપણા ડ્રોઇંગરૂમમાં બેડરૂમ ભૂલેચૂકે પણ આવી શકતો નથી. ‘આખી જિંદગી’ની અડોઅડ ‘એકાદ રાત’ મૂકીને કવયિત્રી કટાક્ષ બેવડાવે છે.
પહેલું વાક્ય આશ્ચર્યચિહ્ન સાથે સમાપ્ત થાય છે. આખી જિંદગી દુન્યવી બાબતોમાં સહિયારી વેડફી દીધી હોવાની પ્રતીતિના પેટથી જન્મેલું આશ્ચર્ય છે આ. પણ એ વાક્યમાં પુરુષનું પ્રાધાન્ય છે એટલે એ વાક્યને પૂરા થવાનુઉં સુખ તો સાંપડ્યુ છે જ્યારે બીજું વાક્ય સ્ત્રીની લાગણીનું – ન જેવી માંગણીનું વાક્ય છે એટલે એ સહજ રીતે કાવ્યાંતે અધૂરું છૂટી ગયું છે…
Permalink
April 8, 2015 at 10:45 PM by ધવલ · Filed under અછાંદસ, પન્ના નાયક
હું જ
એક ઝાડ છું
હું જ
એ ઝાડની ડાળી પર બેઠેલો
કાગડો
હું જ
એ કાગડાની ચાંચમાંની
પૂરી
હું જ
એ ઝાડની નીચે ઊભેલું
શિયાળ પણ.
મને કોઈ ખ્યાલ પણ નહોતો
કે
મારે જીવવી પડશે
બચપણમાં સાંભળેલી
આ વારતા!
– પન્ના નાયક
શેક્સપિયર કહી ગયેલો કે દુનિયા એક રંગમંચ છે અને આપણે બધા પોતપોતાના પાત્ર ભજવી રહ્યા છીએ. પણ એને પણ ખ્યાલ નહીં હોય છે એક જ માણસે એકી સાથે બધા જ પાત્રો ભજવવા પડે તો કેવો હાલ થાય !
Permalink
October 25, 2012 at 12:55 AM by ધવલ · Filed under અછાંદસ, પન્ના નાયક
બારણું બંધ
તો
બારણું શાને?
બારણું ખુલ્લું
તોય
બારણું શાને?
બંધ કે ખુલ્લું
બારણું શાને?
કોઈ આવ-જા વિના?
કોઈ આવ-જો વિના?
*
સરોવરના
નિષ્કંપ જળમાં
ચંદ્રની
પ્રદક્ષિણા ફરતી
માછલીને
કુતૂહલ થાય છે –
એ
તરતો કેમ નથી?
– પન્ના નાયક
પન્ના નાયકની કવિતામાં અભાવ છલકાય છે. બારણું તો આવ-જાથી ખરેખર બારણું બને છે…ને ‘આવજો’થી પણ. આવ-જા અને આવજો બન્ને એક જ ઘટના છે. ખાલી આપણો જોવાનો દૃષ્ટિકોણ અલગ છે. ચંદ્રનું તેજ તો આમ પણ ઊછીનું છે અને પાણીમાં તો છે એનું ય પ્રતિબિંબ. ચંદ્રના રૂપ સાથે જ એની પરવશતા જડાયેલી છે.
Permalink
October 18, 2012 at 10:00 PM by ઊર્મિ · Filed under અછાંદસ, પન્ના નાયક
આપણે
ઘણું સાથે ચાલ્યાં
પણ પછી
આપણો પ્રવાસ અટક્યો…
સારું જ થયું ને !
તારી પાસે
જતાંઆવતાં વેરેલા
અઢળક સમયે
મને મારી ઓળખાણ તો કરાવી !
– પન્ના નાયક
પ્રવાસ શબ્દ એ ગાળેલા સમયનાં માધૂર્ય તરફ ઈશારો કરે છે. પણ અહીં જો એ ‘પ્રવાસ’નાં અંતથી જાત સાથે ઓળખાણ થતી હોય તો કવિને એય મંજૂર છે! ….. અને ‘વેરેલો અઢળક સમય’ એટલે કે એક વખત મધુરા ભાસેલા સમયની કડવી હકિકત….?
પન્નાઆંટીનો નવો કાવ્યસંગ્રહ ‘ગુલમ્હોરથી ડેફોડિલ્સ’ તાજેતરમાં પ્રગટ થયો… અને આ એક અછાંદસ-બુંદ પણ એમનાં જ એ સાગરમાંની એક છે. નવતર કાવ્યસંગ્રહ માટે કવયિત્રીને અઢળક અભિનંદન.
Permalink
July 3, 2012 at 10:40 PM by ધવલ · Filed under અછાંદસ, પન્ના નાયક
આપણને
જે ભાષામાં સપનાં આવે
એ
આપણી માતૃભાષા.
મને
હજીય ફિલાડેલ્ફીઆમાં
સપનાં
ગુજરાતીમાં આવે છે.
પણ
મારી આસપાસના
ગુજરાતીઓ
ઉમાશંકરની છબિ જોઈને
સતત પૂછ્યા કરે છે :
‘આ કોની છબિ છે ?’
અને
મારું સપનું નંદવાઈ જાય છે.
(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી?)
– પન્ના નાયક
આટલા વરસ અમેરિકામાં રહીને અમને તો ભાઈ સબટાઈટલવાળા સપનાંની આદત પડી ગઈ છે. ઓરીજીનલ સપનાં કેવા હતા એ તો કોઈ વાર સપનામાં જોવા મળે તો ખરું 🙂
Permalink
February 23, 2012 at 10:00 PM by ઊર્મિ · Filed under અછાંદસ, પન્ના નાયક
ના, ના, ના.
હું
કવિતા લખવાનો દાવો નથી કરતી.
હું તો
મારાં સ્તનો નીચેના
પિંજરામાં પૂરાયેલા શબ્દોને
પાંખો આપી
વિહરતાં મૂકું છું ગગનમાં…
– પન્ના નાયક
Permalink
November 10, 2011 at 9:00 PM by ઊર્મિ · Filed under અછાંદસ, પન્ના નાયક
આપણે તો છીએ
પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો –
સંપૃક્ત પણ અલગ અલગ
માત્ર સિવાઈ ગયેલાં
કોઈ ઋણાનુબંધના દોરાથી !
– પન્ના નાયક
અંત સુધી પહોંચતા સોય જેવું લાગતું આશ્ચર્યચિહ્ન જાણે ખુદ ભોંકાય છે અને વેદનાનો તીવ્ર અનુભવ કરાવી જાય છે… મધુસુદનભાઈ કાપડિયાનાં શબ્દોમાં કહું તો: ‘પુસ્તકનાં પૃષ્ઠો’ ના જોડાક્ષરો અને અઘોષ વર્ણોમાં કેવી કઠોરતા છે; ‘સિવાઈ ગયેલાં’ એ ક્રિયાપદ કોઈ જીવતેજીવત પડખાંને બખિયા ભરી લેતું હોય તેવી વેદનાનો અનુભવ કરાવે છે અને પતિપત્નીને પુસ્તકનાં પૃષ્ઠો સાથે સરખાવીને તથા ઋણાનુબંધના દોરાથી પેલાં પૃષ્ઠોની માફક સિવાઈ ગયેલાં નિરૂપાતાં રૂપક સાંગોપાંગ અને સંઘેડાઉતાર નીવડે છે.
Permalink
March 10, 2011 at 10:00 AM by ઊર્મિ · Filed under પન્ના નાયક, હાઈકુ
મારું જીવન
સરળ સીધી લીટી –
તું પ્રશ્નાવલિ
– પન્ના નાયક
સત્તર અક્ષરમાં પોતાની અનુભૂતીનું અત્તર નાંખીને કવયિત્રી લાવ્યા છે એમનો નવો હાઈકુસંગ્રહ ‘અત્તર-અક્ષર’, જે જાન્યુઆરીની 25મી પ્રકાશિત થયો હતો. આ સંગ્રહને એમણે આ પ્રકારનાં કુલ 206 હાઈકુથી શણગાર્યો છે. એમાનાં થોડા હાઈકુ તમે એમની વેબસાઈટ પર પણ માણી શકો છો. કવયિત્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…
Permalink
November 7, 2010 at 3:30 AM by તીર્થેશ · Filed under ગીત, પન્ના નાયક
તમે પાંખો કાપી ને આભ અકબંધ રાખ્યું,
ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું.
મારા સઘળાં દુવારને કરી દીધાં બંધ,
ને આમ તમે આંખોને કરી દીધી અંધ.
તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ,
ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.
હું તો વહેણમાં તણાઈ મને કાંઠો નથી,
ને આપણા સંબંધની કોઈ ગાંઠો નથી.
અછાંદસ જેવો છે આપણો આ પંથ,
ને એનું તે નામ તમે છંદ રાખ્યું.
– પન્ના નાયક
નિ:શબ્દ થઈ જવાય તેવી મધુર છતાં ઘેરી ફરિયાદ છે… વળી આ કાવ્યમાં ઊડીને આંખે વળગે તેવી વાત એ છે કે ક્યાંય ઉદગારચિહ્નનો ઉપયોગ નથી. કોઈ હકીકત પંડ્યમાં નિ:શંક રીતે અને કાયમી ધોરણે ઉતરી ગઈ હોય અને અનહદ દર્દને લીધે જે એક કારમી તટસ્થતા આવી ગઈ હોય,તે રીતે સીધાસાદા statements of fact છે…. છતાં કાવ્યની ઊંચાઈ તેમાં રહેલા કડવાશના સદંતર અભાવમાં છે.
Permalink
February 2, 2010 at 10:27 PM by ધવલ · Filed under અછાંદસ, પન્ના નાયક
આ મારું ઘર.
એમાં ઘણી હતી
અવરજવર,
દોડધામ.
ધીરે ધીરે ધીરે
બધા અદ્રશ્ય.
ઘર વચ્ચોવચ
હું સાવ એકલી.
આ ઘર
મેં બારીકાઈથી
ક્યારેય જોયું નહોતું.
હવે
મને દેખાઈ એની
ઊંચાઈ, પહોળાઈ, લંબાઈ.
દીવાલનો રંગ
આટલો મેલો હતો પહેલાં ?
અને
દેખાતી ઝીણી ઝીણી તિરાડો
ત્યાં હતી ખરી ?
આ ઓરડાને
બારીબારણાં હતાં ?
હું અંદર આવેલી
એ બારણું ક્યાં છે ?
– પન્ના નાયક
એક સન્નાટાની જેમ ત્રાટકતી કવિતા. મૂળસોતા ઊખડેલા મનની વિપદાનું ધારદાર વર્ણન. આ ‘શોધ’ શેની શોધ છે ? પોતાના ઘરની, પોતાના મૂળની કે પોતાની જાતની ?
Permalink
December 19, 2009 at 12:30 AM by ધવલ · Filed under ઓડિયો, ગીત, પન્ના નાયક, યાદગાર ગીત
પાંદડી વાયરાને વળગી શું કામ ?
ડાળ ઉપર ઝૂલતી’તી
ડાળ ઉપર ખૂલતી’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ ?
વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ ?
–પન્ના નાયક
(જન્મ: ૨૮-૧૨-૧૯૩૩)
સંગીત અને સ્વરકાર : અમિત ઠક્કર
સ્વર : ગાર્ગી વ્હોરા
[audio:http://urmisaagar.com/saagar/audio/07 – Paandadi vaayara ne valagi shu kaam.mp3]
પન્ના નાયક આપણા પહેલા દરજ્જાના કવયિત્રી છે. અભ્યાસ મુંબઈમાં પૂરો કર્યા પછી એ સાંઈઠના દાયકામાં ફિલાડેલ્ફીયા આવીને રહ્યા. ત્યાંજ આગળ અભ્યાસ અને પછી અધ્યાપનનું કામ કરી નિવૃત થયા છે. ઘરને ત્યજીને જનારને, મળતી વિશ્વ તણી વિશાળતા- એ ન્યાયે, એમની કવિતા પણ એમના વિદેશ નિવાસને કારણે એટલી વધુ મ્હોરી છે. એમની કવિતાનું વિશ્વ મહદઅંશે એમનું અંગત વિશ્વ છે. લાગણીઓને જરાય ‘એડીટ’ કર્યા વિના સીધી જ કાગળ પર ઉતારવાની એમને અજબ ફાવટ છે. (કાવ્યસંગ્રહો: પ્રવેશ, ફિલાડેલ્ફીઆ, નિસ્બત, અરસપરસ, આવનજાવન, વિદેશિની – સમગ્ર કવિતા, ચેરી બ્લોસમ્સ, રંગઝરૂખે; વેબસાઈટ: પન્નાનાયક.કૉમ)
આ ગીત પાંદડી-ડાળી-વાયરાના રૂપકના પ્રયોગથી સંબંધના સમીકરણોને સમજાવે છે. ડાળી પર ઉગવું પાંદડી માટે જેટલું સહજ છે, એટલું જ સહજ પાંદડીનું વાયરા સાથે વહી જવું પણ છે. વાયરાને વળગવું હોય તો ડાળીનો સહારો અવશ્ય છોડવો પડે. આમ છતાં પણ વાયરો કોઈનો થયો છે કે પાંદડીનો થવાનો ? આ સનાતન કથા અને એના અર્થઉભારોને કવિએ આ ગીતમાં નજાકતથી વણી લીધા છે.
Permalink
September 11, 2009 at 1:13 AM by વિવેક · Filed under અછાંદસ, પન્ના નાયક
પ્રેમ કરતાં કરતાં
તને થયેલા પરસેવાને
કદાચ
મારા છેલ્લા શ્વાસ
પંખો નાખી રહ્યાની
તને પ્રતીતિ થશે
ત્યારે પણ
તું
મને હડસેલીને
સહજ ઊઠી
તારાં શર્ટ કોટ ટાઈ
ને
ચકચકતાં શૂઝ પહેરી
ગાડીની ચાવી કાઢી
બંધ કરેલી બ્રીફકેઈસને ઝુલાવતો
મારા અનાવરણ મૃતદેહ તરફ
આંખથી
એકેય હરફ ઉચ્ચાર્યા વિના
વર્ષોના સહવાસને
રાખમાં ઢબૂરી દઈ
વ્યવસ્થિત મનોદશામાં પ્રતિષ્ઠિત ગૃહસ્થી બની કંઈ જ ન બન્યું હોય એમ
સડસડાટ
દાદર ઊતરી જશે…!
-પન્ના નાયક
દૈહિકરીતે યા ઐહિકરીતે અવસાન પામતી નાયિકાની આ સ્વગતોક્તિ છે. આ અછાંદસની ખૂબી એ છે કે એ સળંગ એક જ સંકુલ વાક્યનું બનેલું છે. કદાચ જીવનના આખરી શ્વાસે નાયિકાને જે વાત એ આજીવન કદાચ જાણતી જ હતી એની પાકી પ્રતીતિ થાય છે એટલે એક શ્વાસની જેમ આ આખું અછાંદસ માત્ર એક જ વાક્યમાં કોઈપણ વિરામચિહ્ન વિના જ પૂરું થાય છે.
નાયકને અપ્રતિમ પ્રેમ કરતી નાયિકા દેહસંબંધ (કદાચ પરાણે?!) બાંધવાથી નાયકને થયેલા પરસેવાને સૂકવવા આખરી શ્વાસનો પણ પંખા તરીકે ઉપયોગ કરે છે તેમાં એના પ્રેમ અને સમર્પણની ચરમસીમા એક તરફ વ્યક્ત થાય છે તો બીજી તરફ એના અનાવૃત્ત દેહ સામે ‘આંખથી’ એક હરફ પણ ઉચ્ચાર્યા વિના રોજીંદી ક્રિયાઓમાં પ્રવૃત્ત થઈ જતા સંવેદનહીન નાયકની દાદર સડસડાટ ઉતરી જવાની ક્રિયા ધારદાર વિરોધ સર્જી વાચકના સંવેદનતંત્રને હચમચાવી દે છે…!
Permalink
May 4, 2009 at 7:54 PM by ધવલ · Filed under અછાંદસ, પન્ના નાયક
તારી સાથે
સતત
પ્રેમની વાતો કરવી ગમે છે
જાણે કે
હું
વરસાદમાં વસ્ત્રો સૂકવવાનો પ્રયત્ન કરું છું.
– પન્ના નાયક
સત્તર શબ્દમાં ઘેરો સૂનકાર ઘેરી વળે એટલી અસરકારક વાત કરી છે. જે રંગ ચડતા પહેલા જ ધોવાતો જાય એની વાત કોને કરવી ? પણ જોવાની વાત એ છે કે આ પરિસ્થિતિમાં પણ કવિને તો પ્રેમની વાતો કરવી ગમે છે. આવો નિરર્થક પ્રયત્ન કરવો ભલે દુ:ખદાયક હોય, પણ આવો પ્રયત્ન ન કરવો એનાથી પણ વધારે દુ:ખદાયક હોય છે.
Permalink
February 17, 2009 at 10:20 PM by ધવલ · Filed under અછાંદસ, પન્ના નાયક
યુદ્ધમાં
એક બાળકને હણીને
સૈનિક
એને ઊંચકીને જુએ છે –
ધરતી પરથી પાક ઉતાર્યા હોય
એવા ખેડૂતના સંતોષની મુદ્રાથી !
મને થાય છે
કે
આ બાળકે સૈનિક જ થવાનું હોય
તો બહેતર છે
કે
અહીંયા જ એનો અંત આવે !
– પન્ના નાયક
દૈવનો દરેક અંશ સમય સાથે ‘મોટો’ અને ‘સમજદાર’ થઈ જાય છે એ આપણી મોટી તકલીફ છે. દેવ થવું આપણા હાથમાં નથી. પણ માણસ થવું તો જરૂર આપણા હાથની વાત છે.
Permalink
June 28, 2008 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, પન્ના નાયક
દીવાનખાનાને
વ્યવસ્થિત કરું છું
ઘડી અહીં, ઘડી તહીં
વિવિધ ફેરફારથી-
વસ્તુનું મન પૂછી પૂછી
ગોઠવણી કરું છું.
સોફા અને લૅમ્પને નવું સ્થાન આપ્યું
બારીના પડદા બદલી કાઢ્યા
જૂના ગાલીચાની જગ્યાએ
Wall to wall કારપેટ નખાવી દીધી.
સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું
સઘળું બરાબર થાય છે ત્યારે જ
છટકે છે મારું મન-
આ બધામાં મને ક્યાં ગોઠવું ?
કેન્દ્ર શોધું છું.
જ્યાં હું સરખું બેસી શકું…
-પણ બારી કનેથી રસ્તો નિહાળતી
હું ઊભી જ રહું છું.
-પન્ના નાયક
પન્ના નાયકના અછાંદસ ગુજરાતી સાહિત્યમાં એક આગવી જ ભાત નિપજાવે છે. સરળ અને સહજ ભાષામાં લખાયેલી આ કવિતાઓમાં ક્યાંય ભારીખમ્મ કવિત્વનો બોજ વર્તાતો નથી. અભૂતપૂર્વ શબ્દાલેખનનો બોજ એ કદી વાચકોના મન પર થોપતા નથી. આપણી રોજિંદી જિંદગીના જ એકાદ-બે સાવ સામાન્ય ભાસતા ટુકડાઓને એ અનાયાસ એ રીતે કાવ્યમાં ગોઠવી દે છે કે દરેકને એ પોતાની જ વાત કરતા હોય એમ લાગે છે. પન્ના નાયકના કાવ્ય કદી પન્ના નાયકના લાગતા નથી, આ કાવ્યો દરેક ભાવકને સો ટકા પોતાના અને માત્ર પોતાના જ લાગે છે.
અહીં દીવાનખાનાને વ્યવસ્થિત કરવા જેવડી નાની અમથી ઘટનામાંથી કવિ આપણા આધુનિક જીવન પર કારમો કટાક્ષ કરવામાં સફળ થાય છે. કવિતાની ખરી શરૂઆત થાય છે વસ્તુનું મન પૂછી પૂછીને કરવામાં આવતી ગોઠવણીથી. વસ્તુને ગોઠવવી અને વસ્તુને એમનું મન પૂછી પૂછીને ગોઠવવી એ બેમાં જે બારીક ફરક છે એ આ કવિતાની પંચ-લાઈન છે. કવિ જ્યારે ‘વૉલ ટુ વૉલ’ શબ્દ પ્રયોગ અંગ્રેજી લિપિમાં કરે છે ત્યારે કદાચ વાચકને આ લિપિપલટા વડે એ અહેસાસ કરાવવામાં સફળ થાય છે કે આ છેડાથી પેલા છેડા સુધી બધું જ હવે બદલાઈ ગયું છે. સમગ્ર વાતાવરણ હવે નવું અને વધુ સુંદર બની ગયું છે પણ ત્યારે જ એમનું મન છટકે છે. આખું દીવાનખાનું પ્રસન્ન થાય છે એ જ ઘડીએ કવિ વિષાદયોગનો તીવ્ર આંચકો અનુભવે છે અને ‘છટકે છે’ જેવો હટકે શબ્દપ્રયોગ કરી કવિ એમની વેદનાનો કાકુ યોગ્ય રીતે સિદ્ધ કરે છે. આ નવી ગોઠવણમાં પોતાને ક્યાં ગોઠવવું કે પોતાનું કેન્દ્ર કે પોતાનું ખરું સ્થાન કયું એ નક્કી કરવામાં કવિ નિષ્ફળ નીવડે છે અને બારી પાસે રસ્તો નિહાળતા ઊભા જ રહે છે. બારી એ પ્રતીક છે નવા વિકલ્પની, નવી આશાની અને રસ્તો પ્રતીક લાગે છે નવી શોધનો. કદાચ હજી સાવ જ નિરાશ થવા જેવું ન પણ હોય…
સુખસમૃદ્ધિસભર અત્યાધુનિક જીવનવ્યવસ્થાની વચ્ચે પણ આજનો મનુષ્ય પોતાની જાતને સુસંગતતાથી સુમેળપૂર્વક ગોઠવી શક્તો નથી એ જ આજના સમાજની સૌથી મોટી વિડંબના નથી?
Permalink
March 1, 2008 at 12:47 AM by વિવેક · Filed under અછાંદસ, પન્ના નાયક
તું
મારી નૌકાના સઢમાં
છિદ્ર પાડી
પવન ચોરી જઈશ
ને
આખી નૌકામાં
દરિયો છલકાવી
એને ડૂબાડી દઈશ
સાગરના પેટાળમાં
પણ
કવિતાની પંક્તિઓમાં
મહોરેલી મારી વસંતને
ક્યારેય ફેરવી નહીં શકે
પાનખરમાં…
-પન્ના નાયક
ગયા રવિવારે પન્ના નાયકની જ મૃત્યુ-વિષયક કવિતા માણી. આજે ફરીથી એમની જ અને એ જ વિષય પરની એક બીજી કવિતા જોઈએ. ચૌદ પંક્તિના આ મજાના કાવ્યને અછાંદસ સૉનેટ ન ગણી શકાય? કવિતાના અંતભાગમાં જે ચોટ આવે છે એ ખુદ મૃત્યુને વિચારતું કરી દે એવી છે… મરણ ખુદ વિચારે કે આ શરીરને મારીને શું મળશે? અંદરનો કવિ તો ક્યારનો અ-ક્ષર થઈ ગયો ! શબ્દનો મહિમા ક્યારેક આ રીતે પણ ગાઈ શકાતો હોય છે…
Permalink
February 24, 2008 at 3:00 AM by વિવેક · Filed under અછાંદસ, પન્ના નાયક
વાસંતી સવારે
પ્રફુલ્લિત ડેફોડિલ્સ લહેરાતાં હોય
અને
પંખીઓ કલ્લોલ કરતાં હોય
ત્યારે
બારીમાંથી પ્રવેશી
કુમળો તડકો
સંતાકૂકડી રમતો રમતો
મારી આંખ બંધ કરી દે
એમ જ નીરવ પગલે આવે
મૃત્યુ
અને…
-પન્ના નાયક
પન્ના નાયકનું આ નાનકડું અછાંદસ કાવ્ય અનુભૂતિના તાર-તાર રણઝણાવી દે એવું બળુકું છે… તડકા જેટલી નીરવતાથી બીજું કોણ આવી શકે? અને મૃત્યુ જો એ નીરવતાથી મળે તો…. જ્યાં કવયિત્રી અટકી જાય છે ત્યાં જ આપણે પણ અટકી જઈએ… ( તડકાના નિઃશબ્દ આગમનને આવી જ વેધકતાથી શેરમાં સમાવી લેતી જયંત પાઠકની આ ગઝલ પણ આ સાથે ફરી એકવાર માણવા જેવી છે).
Permalink
November 19, 2007 at 1:00 AM by ઊર્મિ · Filed under અછાંદસ, પન્ના નાયક, લઘુકાવ્ય
તારી સાથે
ગાળેલી
રમ્ય રાત્રિની
સૌભાગ્યવતી યાદ
ફરી થનારા પ્રગાઠ મિલન સાથે
સંવનન કરતી હતી
ત્યાં જ
કાયમી વિરહના
અચાનક ઊમટેલા
વંટોળિયાના
એક જ સુસવાટે
ઉથલાવી
તોડીફોડી નાંખી
કંકુની શીશી…
હવે ઢોળાયેલા કંકુને
વાગે છે
નર્યા કાચ…
-પન્ના નાયક
Permalink
November 3, 2007 at 2:28 AM by વિવેક · Filed under અછાંદસ, ગદ્ય કાવ્ય, પન્ના નાયક
મારામાં એક ટોળું વિરાટ સમુદ્રના પાણીની જેમ ધસમસી આવે છે અને અહીંથી તહીં, તહીંથી અહીં રહીરહીને મને ફંગોળે છે. કોઈ કોણી મારે છે, કોઈ ધક્કા. કોઈ મને ઉપાડે છે, કોઈ પછાડે છે. મને ક્યાંય કોઈ જંપવા દેતું નથી. આ ભીડ મારી પોતાની છે. આ મારી જ ભીડમાં હું ખોવાઈ જાઉં છું. ખવાઈ જાઉં છું. હું મારા એકાંતના નીડમાં પાછી વળી શક્તી નથી. કપાઈ ગઈ છે મારી પાંખ. આંધળી થઈ ગઈ છે મારી આંખ, ગહનઘેરા અંધકારમાં હું મને ફંફોળું છું પણ કેમે કરીને હું મને મળતી નથી, મળી શક્તી નથી.
મારામાં એક ટોળું મારા જ ખડક પર માથું પછાડ્યા કરે છે. સમુદ્રનું પાણી ધીમે ધીમે રેતી થઈને વિસ્તરે છે. રણની ઘગધગતી રેતી આંખમાં ચચર્યા કરે છે અને ઝાંઝવાના આભાસ વિના હું દોડ્યા કરું છું. પાછું વળીને જોઉં તો એ જ ટોળું મારી પાછળ પડી ગયું છે.
-પન્ના નાયક
ટોળાંનો, તે જ રીતે સમુદ્રના પાણીનો કોઈ આકાર નથી હોતો. (કદાચ એટલે જ કવયિત્રીએ અહીં કાવ્યનો કોઈ આકાર કે શીર્ષક નિર્ધાર્યા નહીં હોય?) ટોળાંમાં, તે જ રીતે સમુદ્રમાં કોઈ વધઘટ થાય તો વર્તાતી પણ નથી. ટોળું એક એવી વિભાવના છે જ્યાં મનુષ્ય પોતાની સ્વતંત્ર ઉપલબ્ધિ સદંતર ગુમાવી બેસે છે. પોતાની અંદરનું આ ટોળું કયું છે એ કવયિત્રી નથી સ્પષ્ટ કરતાં, નથી એવી સ્પષ્ટતાની અહીં કોઈ જરૂર ઊભી થતી. આ ટોળું કવયિત્રી પર એ રીતે હાવી થઈ ગયું છે કે પોતાની જ આ ભીડમાં પોતે ખોવાઈ ને ખવાઈ પણ જાય છે. પાંખોનું કપાઈ જવું એ ટોળાંમાં લુપ્ત થતી વ્યક્તિગતતાનો સંકેત કરે છે અને આ લુપ્તતા અંધકારની જેમ એટલી ગહન બને છે કે પોતે પોતાને મળવું પણ શક્ય રહેતું નથી. માથાં પટકી-પટકીને આમાંથી છટકવાની કોશિશનું પરિણામ માત્ર રેતીની જેમ ચકનાચૂર થવા સિવાય બીજું કંઈ નથી કેમકે આ ટોળું કદી પીછો છોડવાનું જ નથી.
ગદ્યકાવ્ય એટલે શું? એનો આકાર ખરો? કવિતા ગદ્યમાં સંભવે ખરી? આપણે ત્યાં કાવ્યની લેખનપદ્ધતિ અને એ પ્રમાણે મુદ્રણપદ્ધતિ મુજબ એકસરખી કે નાની-મોટી પંક્તિઓ પાડીને લખાયેલા કાવ્યને ‘અછાંદસ’ અને ગદ્યની જેમ પરિચ્છેદમાં લખાયેલા કાવ્યને ‘ગદ્યકાવ્ય’ ગણવાનો ભ્રમ ખાસ્સો પોસાયો છે. હકીકતે પદ્યના નિયમોથી મુક્ત, કોઈપણ સ્વરૂપમાં ન બંધાતી કવિતાનો પિંડ જ ગદ્યકાવ્ય છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પણ એનો સ્વીકાર થયો છે- काव्यं गद्यं पद्यं च । કાલેબ મર્ડરોક ‘પદ્ય કે ગદ્ય‘ વિષય પર પોતાની વાત કહી જુદા-જુદા કવિઓની ‘પેરેગ્રાફ પૉએમ્સ’ રજુ કરે છે તે જાણવા જેવું છે. આ પ્રકારની ‘પ્રોઝ પોએટ્રી‘નો જન્મ ફ્રાંસમાં ઓગણીસમી સદીમાં થયેલો મનાય છે. વીકીપીડિયા પર પણ ઉપયોગી માહિતી મળી શકે એમ છે. બરટ્રાન્ડના ગદ્યકાવ્યોમાંથી પ્રેરણા મેળવીને ફ્રાંસના જ ચાર્લ્સ બૉદલેરે પચાસ જેટલા ગદ્યકાવ્યો રચ્યા જે બૉદલેરના મરણ પશ્ચાત પુસ્તકાકારે પ્રકાશિત થયા અને એણે વિશ્વભરની ભાષાઓને પ્રભાવિત કરી. ભારતમાં ગદ્યકાવ્યોના જન્મ પાછળ રવીન્દ્રનાથના ગીતાંજલિનો અંગ્રેજી અનુવાદ અગત્યનું પ્રેરક બળ સિદ્ધ થયો. આપણે ત્યાં ન્હાનાલાલે ડોલનશૈલીમાં કાવ્યો પ્રયોજ્યાં હતાં એને ગુજરાતી ગદ્યકાવ્યોની પ્રારંભભૂમિકા લેખી શકાય. ‘કવિલોક ટ્રસ્ટ’ તરફથી શ્રી ધીરુ પરીખે ‘ગદ્યકાવ્ય’ નામનું એક પુસ્તક પણ 1985માં સંપાદિત કર્યું હતું જેમાં આ વિષયને ખૂબ સારી રીતે ખેડવામાં આવ્યો છે.
Permalink
September 25, 2007 at 11:24 PM by ધવલ · Filed under અછાંદસ, પન્ના નાયક
મને બરાબર યાદ છે.
રવિવારની બપોરે
સવા ત્રણ વાગ્યે
એ આવી.
સાવ અચાનક.
મારા પલંગ પર
પડેલી વારતાનાં
વેરવિખેર પાનાંને
અને
ટેલિફોનની ઘંટડીને અવગણી
બેસી ગઈ મારી સામે જોતી
મારા ચિત્તનો કબજો લઈ
અને
ફરી વળી ધસમસતી
મારી શિરા શિરામાં.
મેં પેન ઉપાડી
કોરા કાગળ પર શાહીનું ટપકું પાડ્યું
ત્યાં તો
એ
છટકી ગઈ
મારા શબ્દોને આકાર આપું તે પહેલાં.
– પન્ના નાયક
Permalink
June 7, 2007 at 1:49 AM by ધવલ · Filed under અછાંદસ, પન્ના નાયક
તરફડાટ એટલે ? –
તમે કહેશો,
જલની બહાર આણેલા
કોઈ મીનને પૂછી જુઓ !
પણ ઘૂઘવતા ઉદધિના ભીતર
જે
કોરું કોરું તરફડે,
એને તમે શું કહેશો ?
– પન્ના નાયક
જે પાણી વિના તરફડે એ માછલાને તમે પાણીથી છાનું રાખો પણ જે માછલી આખા ભરેલા સાગર વચ્ચે તરફડતી હોય એનો તો વળી શો ઉપાય કરવો ? ભરેલા ભંડાર વચ્ચે અંદરની તડપતા મનની વાત અહીં બહુ ધારદાર રીતે કરી છે. આ વાંચીને તરત એકલતાના ઉપનિષદ જેવું મુકુલ ચોકસીનું આ મુક્તક યાદ આવી ગયું.
જેને ખાલીપો લાગે છે પળભર
તેઓ ગમતું કશુંક અડી લે છે
જે ભયાનક રીતે અટૂલા છે
તે તો ટોળામાં પણ રડી લે છે.
Permalink
May 12, 2007 at 4:42 AM by વિવેક · Filed under ગીત, પન્ના નાયક
શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય ? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે
ડાબી જમણી ફરકે આંખો : હોઠ પરસ્પર લડી પડ્યા છે
કંઈ ફૂટ્યું છે: કંઈક તૂટ્યું છે,
ગાંઠ પડી છે ઝીણીઝીણી
એકમેકનો દોષ બતાવે :
સૂર્યપ્રકાશમાં વીણીવીણી
વાંસો જોઈને થાકી ગઈ છું : ચહેરાઓ તો રડી પડ્યા છે
શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય ? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે
મરી ગયેલા સંબંધ સાથે
હસી હસીને જીવવાનું છે
પોત જ્યાં આખું ફાટી ગયું ત્યાં
ટાંકા મારી સીવવાનું છે
રેતીના આ થાંભલાઓ તો દહનખંડમાં ઢળી પડ્યા છે
શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય ? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે
-પન્ના નાયક
Permalink
February 9, 2007 at 2:21 AM by ધવલ · Filed under અછાંદસ, પન્ના નાયક
તને પ્રેમ કર્યો હતો
એ
ભૂલી જવા
મેં
આપણા હાસ્યના ફુવારા
મુશળધાર વરસાદમાં ભેળવી દીધા,
આપણી વિશ્રંભકથા
પતંગિયાંઓની પાંખ પર મૂકી દીધી,
અને
આપણા આશ્લેશની નિકટતા
તાજા જ પડેલા સ્નોને સોંપી દીધી.
હવે
હું
સ્મૃતિરહિત.
– પન્ના નાયક
પોતાના મનમાંની બધી યાદોને કુદરતને પાછી સોંપી દઈને હળવા થઈ જવાની આ યુક્તિ, કવિતા વાંચી કે તરત જ ગમી ગઈ. કાશ, આ યુક્તિ સાચી જીંદગીમાં પણ ચાલતી હોત !
Permalink
December 9, 2006 at 12:30 AM by ધવલ · Filed under પન્ના નાયક, શબ્દોત્સવ, હાઈકુ
અડકું તને
પાંપણની કોરથી
ભરમેળામાં
– પન્ના નાયક
Permalink
September 8, 2006 at 12:00 PM by ધવલ · Filed under ગીત, પન્ના નાયક
તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
દિવસના કામમાં ખોવાઈ જાઉં : રાતનો તો જુદો મરોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
પાસે આવીને તમે શોધી કાઢો : મારી સોડમાં તો રાત ને પરોઢ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
– પન્ના નાયક
રસકવિ રધુનાથ ભટ્ટની પ્રખ્યાત રચનાના મુખડાને લઈને પન્ના નાયકે આ ગીત રચ્યું છે. આ ગીતમાં રસકવિની રચનાઓમા છલકાતો શૃંગારભાવ અકબંધ છે. છેલ્લી ત્રણ પંક્તિઓ – રાતનો તો જુદો મરોડ છે… મારી સુંવાળી સુંવાળી સોડ છે… મારી સોડમાં તો રાત ને પરોઢ છે – માં વધુને વધુ ઉત્કટ થતી જતી પ્રણયઉત્કંઠાની સરસ અભિવ્યક્તિ થઈ છે.
Permalink
July 11, 2006 at 4:56 AM by વિવેક · Filed under અછાંદસ, પન્ના નાયક
અહીં અમેરિકામાં
નિવૃત્ત થયેલી
વૃદ્ધ થતી જતી વ્યક્તિઓની આંખમાં
એક જ પ્રશ્ન ડોકાયા કરે છે:
-હવે શું ?
ભારત જઈ શકાય એમ નથી
અમેરિકા રહી શકાય તેમ નથી
સંતાનો તો ઊડીને સ્થિર થઈ ગયાં
પોતપોતાના માળામાં
અમે બધા
સિટી વિનાના
સિનિયર સિટીઝન.
અમે છાપાં વાંચીએ
-પણ કેટલાં ?
અમે ટેલિવિઝન જોઈએ
-પણ કેટલું ? ક્યાં લગી ?
સ્થિર થઈ ગયેલો સમય
અસ્થિર કરી મૂકે છે અમને
-અમારા મનને.
સસલાં અને ખિસકોલીની જેમ
દોડતો સમય
અચાનક કાચબો થઈ જાય
ત્યારે
એ અવતારને શું કહેવાય ?
-પન્ના નાયક
Permalink
June 28, 2006 at 11:58 AM by ધવલ · Filed under અછાંદસ, પન્ના નાયક
લટકતા બટકું રોટલાની લાલચે
પિંજરામાં સપડાઈ ગયેલા
અગણ્ય ઉંદરો
આપણે બહાર – આપણે અંદર.
આ કુટુંબકબીલા ફરજીયાત નોકરી
સમૃદ્ધિને જરૂરિયાત બનાવી
એને પોષવામાં પ્રતિદિન પ્રાપ્ત થતું રંકત્વ
આપણી બહાર જવાની અશક્તિ
આપણી અંદર રહેલી નિરાંત
છતાં (સૃષ્ટિમાં સૂર્ય છે તો ય)
પ્રલંબ રાત્રિના
પાંજરામાં આપણી દોડાદોડી
ઉત્તરથી દક્ષિણ ધ્રુવ લગીની લંબાઈની –
બટક બટક રોટલો ખવાઈ ગયો છે તોય
ને નાનકડું બારણું ખુલ્લું છે તોય
કોઈ બહાર નીકળતું નથી !
આપણે બહાર – આપણે અંદર !
– પન્ના નાયક
આ કવિતાના રૂપકો ને સંદર્ભોમાં ખાસ કશું નવું નથી. આની આ જ વાત કેટલાય કાવ્યોમાં, વાર્તાઓમાં, ફિલ્મોમાં અને ખાસ કરીને, કેટલીય જીંદગીઓમાં, આપણે જોઈ જ ચૂક્યા છે. અકળામણ એની એ જ છે. સવાલ એનો એજ છે. પણ ઉત્તર ન મળે ત્યાં લગી ફરી ફરી એ સવાલ પૂછે જ છૂટકો.
Permalink
April 22, 2006 at 9:34 AM by વિવેક · Filed under અછાંદસ, પન્ના નાયક
નાની હતી ત્યારે
હું ડરતી
કે
મારી સાથે રમતો સમય
થાકીને
સૂઇ તો નહીં જાય ને !
આજે
હું ડરું છું
કે
મારી પડખે સૂતેલો સમય
જાગીને
ભાગી તો નહીં જાય ને !
પન્ના નાયક (28-12-1933) નો જન્મ મુંબઈ, વતન સુરત અને લાંબો વસવાટ અમેરિકામાં. સશક્ત કવયિત્રી. વિષાદથી ટપકતાં કાવ્યો, માભોમનો ઝૂરાપો અને માતૃત્વની સ્ત્રીસહજ ઝંખના એમની ભાવવાહી કવિતાઓના ઘરેણાં. કાવ્યસંગ્રહ: ‘વિદેશિની’, વાર્તાસંગ્રહ: ‘ફ્લેમિન્ગો’.
Permalink
August 19, 2005 at 12:28 PM by ધવલ · Filed under ગીત, પન્ના નાયક
પાંદડી વાયરાને વળગી શું કામ ?
ડાળ ઉપર ઝૂલતી’તી
ડાળ ઉપર ખૂલતી’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ ?
વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ ?
-પન્ના નાયક
Permalink