બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી,
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં
– શ્યામ સાધુ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for May, 2025

ખાસ કેટલાં? – શૈલેશ ગઢવી

કેવી રીતે કહું કે તમે ખાસ કેટલાં?
આવ્યાં કરો છો યાદ અનાયાસ કેટલાં!

બારી ખૂલી સહેજ અને બંધ થઈ ગઈ,
કાઢી રહ્યા છે લોક હવે ક્યાસ કેટલા!

એકાંતમાં ન એકલો પડવા દે એ મને,
મળતાં નથી ને તોય રહે પાસ કેટલાં!

એકસામટા પ્રસંગ અને એકલું હૃદય!
બિંદુ ઉપર પસાર થતા વ્યાસ કેટલા!

વર્તુળ જુઓ તો એક નહીં પણ અનેક છે,
રમવા પડે છે રોજ અહીં રાસ કેટલા!

– શૈલેશ ગઢવી

ગઝલ એક જમાનામાં ઉમદા કાવ્યકળા અને દીર્ઘ સાધનાનું ફરજંદ હતી. આજે સૉશ્યલ મિડિયાના અતિક્રમણના યુગમાં સંઘેડાઉતાર ગઝલોની સરખામણીમાં કારખાનેબંધ તુકબંધીનું ઉત્પાદન ઘાસના ખડમાં પળભરમાં ફેલાઈ વળતા દાવાનળ જેવું છે. સારા ગઝલકારો પાસેથી હજીય મળતી રહેતી સારી ગઝલોએ કવિતાના ધોવાણને હજી અટકાવી રાખ્યું છે એ ભાષાનું સદનસીબ. પ્રસ્તુત રચના આજની સારી ગણાતી ગઝલોમાંય અલગ અને આગવી તરી આવે છે. દરેક શેર આસ્તેથી અને આરામથી મમળાવવા જેવા.

Comments (16)

વરસાદનો વાંધો – નીતિન વડગામા

વરસાદે લીધો વાંધો.
પ્રેમ-તાંતણે કોઈ હવે તો હળવે રહીને બાંધો!

કેમ પડ્યું છે વાંકું એ સમજાવો વર્ષા-રાણી.
વીનવીએ સૌ, વહેતી મૂકો ભીનપવરણી વાણી.

બળબળતી ધરતીને અંગે પડી ગયો ફરફોલો.
આભ ભર્યું છે આખું તો દરવાજા થોડા ખોલો.

ફાટેલા આ જીવતરને પાણીના ટીપે સાંધો!
વરસાદે લીધો વાંધો.

લીલાં લીલાં ઝાડ-પાનને વળી ગયો પરસેવો!
સુક્કું ખેતર ઝીલે છે ધબકારો જેવો તેવો!

મેલાઘેલા માણસનું માઠું લાગે એ સાચું.
હું તો આજે અબોલ એવા જીવને ખાતર યાચું.

સાદ સાંભળી એક વાદળી કહે, ‘લાપસી રાંધો!’
વરસાદે લીધો વાંધો.

– નીતિન વડગામા

વરસાદનો ભરોસો રહ્યો નથી. અચાનક માવઠું બનીને ત્રાટકે છે તો અચાનક આશા જન્માવી નાસી છૂટે છે… ભગવાન જાણે એને શો વાંધો પડ્યો હશે! પણ એમ કેડો મેલી દે એ વળી કવિ કેવા! કવિ એને પ્રેમના તાંતણે હળવેથી બાંધી રિઝવવાની નેમ ધરાવે છે. બળબળતી ધરતીના અંગે ફરફોલા પડી ગયા હોવાનું કલ્પન જેટલું પ્રભાવક થયું છે, એથી વધુ અસરદાર આખું આભ ભર્યું પડ્યું હોય તો એમાંથી બધા નહીં તો થોડા દરવાજા ખોલવાની વિનવણીનું રૂપક થયું છે. વરસાદ વિશે આપણી ભાષામાં હજારો ગીતો રચાયાં છે, પણ આ ગીત સાદગીના સૌંદર્યને લઈને અલગ જ ચોકો ચાતરે છે…

Comments (11)

તડકે – અનિલ જોશી

તડકે સૂરજ વાયો
ધોમ ધખે ને અંતરિયાળે ઘૂમું એકલવાયો,
તડકે સૂરજ વાયો.

ધૂસર એકલ વાટ, ક્યાંય ના ખર્યાં પાંદની ઝાંય,
તડકાનો વંટોળ ચડે ને સળગે મારી કાય!
પાન પાનથી ખરી ગયેલાં જંગલમાં પડઘાયો.
તડકે સૂરજ વાયો.

મૂંગા ઝરણે પથ્થર કોરી ખળખળ વહેતી પળ,
આસપાસનાં તરણાંઓને ચડી ગયા કૈં વળ,
લેવો ક્યાંક વિરામ મળે જો સૂરજનો પડછાયો.
તડકે સૂરજ વાયો.

– અનિલ જોશી

લૌકિકમાં અલૌકિક સર્જી શકે એ કવિ. વાવાનું કામ તો વાયુનું, પણ ઉનાળામાં સૂરજના તડકાનો વંટોળ કાયાને એવી તો સળગાવે છે કે તડકે સૂરજ ખુદ વાતો હોવાનું કવિને પ્રતીત થાય છે. આવા ધોમ ધખતા તાપમાં કવિ જેવો કોઈ અલગારી આત્મા જ એકલવાયી રખડપટ્ટી કરવા નીકળે. વૃક્ષોનો છાંયડો તો બહુ દૂરની વાત છે, ડૂબતાને તરણાના સહારા સમ ખરેલ પાંદડાની ઝાંય પણ ક્યાંય નસીબ નથી. સૂકાઈ ગયેલા ઝરણામાં પથ્થરો સિવાય કશું નજરે ચડતું ન હોય એ ખાલીપામાં કવિને સમય ખળખળ વહેતો દેખાય છે… છે ને અદભુત કલ્પન! પરાકાષ્ઠા તો ત્યારે આવે છે જ્યારે તાપથી ત્રાહિમામ પોકારી ગયેલ આત્માને વિરામ માટે સૂરજનો પડછાયો મળે તોય ચાલશે એવો વિચાર આવે છે… સાવ સરળ પણ મજબૂત રૂપકોના વિનિયોગના કારણે આપણને આગઝરતી ગરમીમાં પણ ઠંડક અનુભવાય છે! સલામ કવિ!

Comments (5)

ઓળખો હવે – પ્રદ્યુમ્ન તન્ના

પરભવે કે આ ભવે? ઓળખો તમે,
શેં મળ્યાં ફરી હવે? ઓળખો તમે.

જીવલેણ વેરી કે પ્રાણ સું પિયારું,
કોણ ઊભું વેશ નવે? ઓળખો તમે.

દેખીને રોમરોમ કાંપે કે આંખ,
વણખાળ્યાં અમી દ્રવે? ઓળખો તમે.

લેનાં-દેણાંનો રહ્યો અરધો હિસાબ,
માગે કે ચૂકવે?! ઓળખો તમે.

કંકુ છાંટીને લ્યો, માંડો ગણેશ,
ના લહ્યુંય સંભવે! ઓળખો તમે.

– પ્રદ્યુમ્ન તન્ના

(હસ્તાક્ષર ફોટો સૌજન્ય: શ્રી જયેન્દ્ર શેખડીવાલા)

ચોટીના ગીતકારોની યાદી તૈયાર કરવા બેસીએ તો પ્રદ્યુમ્ન તન્નાને માન સહિત યાદ કરવા પડે. ઇટાલિયન છોકરીને પરણીને ઇટલીમાં જ સ્થાયી થયા હોવા છતાં તળપદા ગુજરાતી પરનું એમનું પ્રભુત્વ ભલભલા ચમરબંધોને ભૂ પીવડાવે એવું અદભુત હતું. મૂળે એ ગીતકાર એટલે એમની પાસેથી ગઝલ મળે એ ઘટના જ મૂળે અલભ્ય અને એમાંય એમના હસ્તાક્ષરમાં મળે એ તો દુર્લભ જ. ગઝલનો છંદ પ્રમુખતઃ ગાલગાલા ગાલગા ગાલગાલ ગા હોય એમ પ્રતીત તો થાય છે પણ ઘણી જગ્યાએ એ જળવાયો જણાતો નથી. ગીતકવિઓ ગઝલના ચીલે ચાલવા જાય ત્યારે આવું ઘણીવાર થતું જોવામળે છે, કારણા કે એમના લોહીમાં ગઝલનો રુઢ છંદના સથાને ગીતનો લય જ વહેતો હોવાનો… ‘પ્રાણ સું પિયારું’ કે ‘લહ્યું’ જેવા શબ્દપ્રયોગોમાં પણ ગીતસંસ્કાર સાફ સાફ વર્તાય છે.

Comments (5)

કાગળની હોડી – મણિલાલ હ. પટેલ

કાગળની હોડી લઈને
તને મળવા નીકળ્યો છું.
અફવાઓ તો એવી છે કે,
આપણી વચ્ચેના દરિયા તો રેતીના છે.
પ્રકૃતિએ જ મને પ્રેમ શીખવ્યો હતો
મૃગજળમાં જ મારા શબ્દોની હોડીઓ
હરણ બની બનીને મરણ-શરણ થઈ
તેં મને વસંત આપવાનું વચન આપેલું –
એ ક્યાં છે?
મને પાનખર તો આપ
જેથી હું ખરી શકું…
હું તરી શકું એટલાં આંસુઓ તો
મારે માટે કોણ વહાવે હવે?
હું જાણું છું કે – પ્રવાહ બદલતી નદીને રોકી શકાતી નથી
ને તોષી શકાતી નથી તરસ લોહીની!
છતાં
કાગળની હોડી લઈને નીકળ્યો છું તને મળવા –
એ અફવા નથી
તું ડુબાડી આપ મારી હોડીઓ
મારે તરતાં શીખવું છે.

– મણિલાલ હ. પટેલ

‘કાગળની હોડી’ આટલું વાંચતાવેંત નજર સમક્ષ બાળપણ, વરસાદ અને કાગળની હોડીઓની રમત તાદૃશ થઈ ઊઠે, પણ ભાવક બાળપણની ગલીઓમાં ઝડપથી પાછા ન ફરી શકાય એટલે ઊંડે ઊતરી જાય એ પહેલાં જ કવિ એને આંચકા સાથે યૌવનની કગારે પરત લઈ આણે છે. કાગળની નાવ લઈને નાયિકાને મળવા નીકળ્યા હોવાની વાત પળાર્ધમાં જ આખી વાતની અર્થચ્છાયા અને પૃષ્ઠભૂ બંને બદલી દે છે. સમજાય છે કે બાળકોના સપનાં ઝીલે એવી આ કાગળની નાવ નથી. આ નાવમાં બેસીને નાયક નાયિકા સુધીનું અંતર કાપવા ઇચ્છે છે. કાગળની હોડી એટલે કવિતા, એમ પણ સમજી શકાય. પણ અફવાઓ (અફવા નહીં, હં) એવી છે કે બે જણ વચ્ચે જે દરિયા (દરિયો નહીં, હં) પથરાઈ પડ્યા છે એ રેતીના છે. હોડી કાગળની, અને સમુદ્રો રેતીના – સાધન તકલાદી અને ચઢાણ એવરેસ્ટ જેવું! પણ કવિ મુશ્તાક છે, કેમ કે પ્રેમના પદાર્થપાઠ એમને પ્રકૃતિએ શીખવ્યા છે. પ્રેમરસ પીધો હોય એને તો તત્ત્વનું ટૂંપણું પણ તુચ્છ લાગે, તો રેતસંમદરો વળી શી મોટી ચીજ છે! ભર્યાભાદર્યા જીવનનું વચન આપીને ફરી ગયેલી નાયિકા પાસે નાયક પાનખર માંગે છે, જેથી ખીલી ન શકાય તો ભલે, પણ ખરી તો શકાય.

બેવફાઈની આંધીઓની વચ્ચે ટકી રહેલ આશાના દીવડાના અજવાળામાં આ અછાંદસનું પોત બંધાયું હોવાથી પ્રવર્તમાન અછાંદસોની સાપેક્ષે એ મુઠી ઉંચેરું અનુભવાય છે.

જેમને વિશદ આસ્વાદમાં રસ હોય એ ભાવકમિત્રો અહીં ક્લિક કરી એ માણી શકે છે

Comments (2)

(નામ મટી સરનેમ થયો છે) – હર્ષવી પટેલ

પીડા સાથે પ્રેમ થયો છે,
કવિને એવો વહેમ થયો છે.

બાકોરાં છે જેની છતમાં,
એ જગનો હાકેમ થયો છે!

સૌ જાણે છે પાગલ છે એ,
કોઈ ન જાણે કેમ થયો છે!

મોટો થઈને શું પામ્યો એ?
નામ મટી સરનેમ થયો છે.

જેણે લોઢું ચમકાવ્યું એ
પારસ ક્યારે હેમ થયો છે?

છલકે છે હૈયામાં નદીઓ,
પાંપણ ઉપર ડેમ થયો છે.

– હર્ષવી પટેલ

આમ તો આખી ગઝલ સરસ થઈ છે, પણ મને એવું લાગ્યું કે જેમ જેમ એ આગળ વધે છે એમ વધુ જામતી જાય છે. છેલ્લા ત્રણ શેર સવિશેષ સ્પર્શી ગયા… અન્ય એક ગઝલના એક શેરમાં ગાલિબના નિવાસસ્થાન બલ્લીમારાં અને પોતાના વતન બિલીમોરા વચ્ચે કવયિત્રીએ જે રીતે શબ્દક્રીડાની મદદથી ગઝલસંબંધ પ્રસ્થાપિત કરી બતાવ્યો છે એ આ સાથે માણવાની લાલચ જતી કરી શકાય એમ નથી-

નીકળી તું બલ્લીમારાંથી, દુનિયા ઘૂમી, ગઝલ!
તું આવે બિલ્લીમોરા, હજુ શક્યતા ખરી…

Comments (34)

Daddys Bed Girl – એલિઝા ટોરિસ (અનુ.: વિવેક મનહર ટેલર)

‘તું કેટલી ડાહી દીકરી છે!”
વ્હિસ્કીવાળો ખાટો શ્વાસ મારા ગાલ પર ફરી વળે છે.
“તને આ જોઈએ છે ને?”
શ્વાસ લેવા મથતી, હું માથું ધુણાવું છું, ચિલ્લાવા ચાહું છું ના! મને નથી જોઈતું!
“હા, તને જોઈએ છે, મારી ડાહી દીકરી”
ના, મને નથી જોઈતું!
“તું મારી ડાહી દીકરી બનશે ને?”
હું વચન આપું છું કે હું તમારી ડાહી દીકરી બનીને રહીશ, વચન આપું છું, બસ, ફરી આ નહીં કરતા.
“તું મારી ડાહી દીકરી છે.”
પપ્પા, પ્લીઝ નહીં.

– એલિઝા ટોરિસ
(અનુ.: વિવેક મનહર ટેલર)

ડાહીડાહી વાતોથી ટેવાઈ ગયેલી ગુજરાતી કવિતાઓમાં જીવનની વરવી કડવી વાસ્તવિક્તાઓ પ્રમાણમાં ઓછી જ નજરે ચડે છે. લયસ્તરો પર પિતૃવિશેષ શ્રેણી પ્રગટ કરી હતી, ત્યારથી આ એક નાનકડી રચના મનમાં ઘુમરાયા કરતી હતી. આપણને માતા-પિતાને હંમેશા ભગવાનના સ્થાને મૂકીને પૂજવાની ટેવ પડી ગઈ છે, પણ હકીકત એ છે કે આ રચનામાં રજૂ છે એવા પિતા (માતા પણ!) આપણા સમાજમાં ઉપસ્થિત છે જ. સગા મા-બાપ પોતાના જ સંતાનો માટે શા માટે હેવાન બનતાં હશે એ સવાલ મને સતત પીડી રહ્યો છે. જવાબ પણ અંદરથી જ પ્રાપ્ત થાય છે – ઉછેર, પરિ-આવરણ, સંજોગો અને જનીન –આમાંથી જ એકાધિક પાસા અવળા પડતા હશે ને!

કવિતાના શીર્ષકનો અનુવાદ કરવું મને ઉચિત નથી લાગ્યું. ‘Daddys Bed Girl’ માં ‘Bed’ એટલે આમ તો ‘શય્યા’ જ પણ દસ પંક્તિની નાનકડી રચનામાં પાંચ-પાંચવાર ‘ડાહી’ શબ્દનું પુનરાવર્તન  કરાયું હોવાથી ‘ખરાબ’નો કાકુ પણ સતત ધ્વનિત થતો અનુભવાય છે. દીકરીને ખરાબ ગણી લીધી હશે ત્યારે જ બાપ દુષ્કૃત્ય કરવા પ્રેરાતો હશે ને!

Daddys Bed Girl

“you’re such a good girl.”
Sour whiskey breath spread against my cheek.
“do you want this?”
I shook my head, trying to breath, to scream the words no! I don’t!
“yes, you do, my good girl”
no, I don’t!
“will you be my good girl?”
I promise I will be your good girl, I promise, just please don’t do it again.
“you’re my good girl.”
daddy, please stop

– Alyssa Torres

Comments (11)

આટલો સંદેશ – બાબુ નાયક

આટલો સંદેશ કોઈ સૂરજને કહેજો કે
આજ પછી આકરો ન થાજે,
આખ્ખુંય આયખું જ્યાં ધગધગતું હોય
ત્યારે દાઝ્યા પર ડામ કેમ છાજે ?
આટલો સંદેશ…

ધસમસતાં હોય જ્યાં નદીઓનાં નીર
લાગે નકશામાં ચીતરેલા લીટા,
પહાડો પણ હિમ જેમ ઓગળતા જાય
જાણે ધરતીમાં ધરબાયા ખીંટા
આભલાએ આભવટો લીધો કે કેમ નથી એનો અણસાર કાંઈ આજે.
આટલો સંદેશ..

લબકારા લેતી આ લૂખીલચ જીભડીઓ
જડબામાં સાવ થઈ જૂઠી,
તરફડતાં તરસ્યાનાં ટોળાઓ એકદમ
શ્વાસોથી હાય રહ્યાં છૂટી.
તારી આ બળબળતી કાયાને ઠાર,
જઈ દરિયામાં ડૂબકીઓ ખાજે,
આટલો સંદેશ…..

– બાબુ નાયક

ઉનાળો આવે ને સૂરજ આકરો થવા માંડે… આભમાંથી લૂ વરસાવતા સૂરજ અને ઉનાળાની અનેક રચનાઓથી આપણી ભાષા સમૃદ્ધ થઈ છે. પ્રસ્તુત રચના આ રચનાઓની અડોઅડ બેસી શકે એવી બળૂકી થઈ છે. ધગધગતા આયખાના તાપ ઉપર સૂરજનો તાપ કવિને દાઝ્યા પર ડામ જેવો અસહ્ય લાગે છે. આમ તો કવિ ઇચ્છે એની સાથે સીધો સંવાદ સાધી શકે, પણ અહીં એ કોઈક સાથે સંદેશો પાઠવે છે. કારણ? આયખાની દાઝતી-દઝાડતી પળોજણોમાંથી ઘડીભરનોય અવકાશ સાંપડતો ન હોય તો સીધો સંવાદ કઈ રીતે કરી શકાય? એટલે જ સૂરજને કહેવા માટેની વાત સીધી સૂરજને કહેવાના બદલે જેની પાસે સમય અને પહોંચ બંને હોય એવી કોઈ વ્યક્તિ સૂરજ સુધી પોતાનો સંદેશો પહોંચાડી દે એવી અબળખા કવિ વ્યક્ત કરે છે. ગીતનો બીજો બંધ સામાન્ય થયો છે, પણ પહેલો બંધ તો એકદમ અદભુત થયો છે. સૂકાઈ ગયેલી નદીઓ નક્શાના લીટાઓ જેવી થઈ જાય અને બરફ પીગળતા ઊંચાઈ ગુમાવી બેસતા હિમશિખરો ધરતીમાં ધરબાતા જતા ખીંટાઓ જેવા લાગે એ કલ્પન કવિએ બહુ સ-રસ રીતે રજૂ કર્યું છે. આભે આભવટો લીધો હોવાની શંકા પણ એવી જ બળકટ છે.

Comments (13)

જાવું છે દશ અજાણી – લલિત ત્રિવેદી

એ વાવડો પલાણી જાવું છે દશ અજાણી
હે પાંચે પાંચ પાણી, જાવું છે દશ અજાણી!

ના નેજું કે નિશાણી જાવું છે દશ અજાણી!
પ્રિછવી છે વણપિછાણી જાવું છે દશ અજાણી!

કહે છે નમકની ગુણી… જ્યોતિ વિનાની પૂણી
લલદેની પીવા વાણી, જાવું છે દશ અજાણી!

દવ છાંટ ઠાર ખૂણા, ભવ છાંટ ઠાર લૂણા
રહી જાય ના નિશાણી, જાવું છે દશ અજાણી!

કહી દો કે ભોગવી છે, કહી દો કે ચેતવી છે
દિલચશ્પ એક કહાણી, જાવું છે દશ અજાણી!

ચૂકવી દીધાં છે ખાણાં… નાણી લીધાં છે નાણાં
મા રોક દાના દાણી, જાવું છે દશ અજાણી!

વખડાંને ધોઈ લઈએ, મુખડાને રોઈ લઈએ
હે જુગજુગોની રાણી, જાવું છે દશ અજાણી!

– લલિત ત્રિવેદી

વસુંધરા હજારો જાતનાં પ્રાણીઓથી ભરી પડી છે, પણ એકેય પ્રાણીને આપણે જીવન ટકાવવા સિવાયની પ્રવૃત્તિઓ કરતાં જોતાં નથી. મનુષ્ય પણ પ્રાણી જ છે, પણ સામાજિક. કદાચ એટલે જ મોટાભાગના મનુષ્યો જન્મથી મૃત્યુ પર્યંત સમાજમાં રહીને જીવન નિર્વાહ કરવા આવશ્યક ક્રિયાઓ સિવાય ભાગ્યે જ કશું કરતા જોવા મળશે. પણ કેટલાક મનુષ્યો અવળે વહેણે તરનાર પણ જોવા મળે છે. પૂર્વનિર્ધારિત દિશાઓમાં જવાના બદલે તેઓ અજાણી દિશામાં જવાનું પસંદ કરે છે. આવા રોબર્ટ ફ્રોસ્ટના ‘રોડ લેસ ટ્રાવેલ્ડ’ કક્ષાના માનવીઓની આ ગઝલ છે.

વાવડો એટલે પવન યાને શ્વાસ અને પાંચ પાણી એટલે પંચેન્દ્રિય. શ્વાસને પલાણીને,શ્વાસ અને ઇન્દ્રિયોને નિયંત્રિત કર્યા બાદ જ હોકાયંત્રમાં પણ જોવા ન મળે એવી બિલકુલ અજાણી દિશામાં પ્રયાણ કરવાનું છે એટલી સમજ સાથે આ ગઝલના શેર એક પછી એક ખોલવાના છે… પહેલા વાંચને કદાચ બધૂં ન પણ સમજાય… પણ અજાણી દિશા તરફની ગતિ તો એવી જ હોય ને!

Comments (9)

(અન હાય,તમારી…….) – રાહુલ તુરી ‘ઝીલ’

અન હાય, તમારી જણનારીની ગાંઠે બાંધ્યા ગરથ, અમોને આમ અચાનક અધવચ મૂકી, સઘળું લૂંટી, નેહ અમારો તરછોડીને ચાલ્યા ક્યાં પરબારા?
અન હાય, અમારા અંગ ઉપરના સોળ હતા શણગાર તમે તો, આજ અમારા દેહ ઉપરના ખાલીપાને ક્યાં જઈને હું ખાળું? આપો અર્થહીણ હુંકારા..

અન હાય, અમારા અડવા હાથોની રેખામાં ‘તમે હતાં’ની કેટકેટલી જણસ ભૂંસાણી, અભાગણી હું! કેમ કરીને મનખો મારો એકલપંડે કાઢું?
અન હાય, અમારી છાતી છૂંદ્યા કોડ અમારા, કૈંક અભરખા, કૈંક અબળખા, બધું તમારી સાથ ગયું ને વધી અમારી આવરદાને કેમ કરી હું વાઢું?

અન હાય, તમારા પડછાયાનો પગરવ મારા અંતરના ઉંબરને ઠેકી ગયો અચાનક દોટ લગાવી, નજર અમારી ફળિયું ફેંદી રહી ક્યાંક ખોડાઈ…..
અન હાય, અમારી અઢળક આખી જાત ઉપર આ ‘તમે હતા’નું સુખ હતું ને ‘તમે હતા’ની હતી દીવાલો, મબલખ મારું રજવાડું આ આજ ગયું રોળાઈ…..

અન હાય,તમારી…….

– રાહુલ તુરી ‘ઝીલ’

સારો કવિ એ જે કવિતાને ઉપકારક નીવડે એ રીતે કાવ્યસ્વરૂપને ખપમાં લઈ જાણે. અન્ય કાવ્યોથી વિપરિત કાવ્યસ્વરૂપ તરીકે ગીત કવિને અસીમ આઝાદી આપે છે. પ્રસ્તુત ગીતમાં કવિએ ગીતસ્વરૂપ તરફથી સાંપડતી સ્વતંત્રતા અને શક્યતાઓને કેવી સ-રસ રીતે નાણી છે એ જોવા જેવું છે. ઘરનો, જીવનનો મોભી ભરયુવાનીમાં સ્ત્રીને ભવાટવિમાં એકલી છોડીને મોટા ગામતરે જવા નીકળી જાય એ પછી અંતરમાંથી ઊઠતી ચીસનું આ ગીત છે. અકાળે વૈધવ્ય જેના માથે આવી પડ્યું છે, એનો આર્તનાદ, એનો વિલાપ કંઈ નાનોસૂનો હોય! ગીતકાવ્યમાં સામાન્યરીતે જોવા મળતી પંક્તિલંબાઈથી દોઢ-પોણા બે ગણી વધુ લંબાઈની પંક્તિ નાયિકાની પીડાને વાચા આપવામાંવધુ સહાયક થઈ હોય એવું નથી અનુભવાતું? ગીતના શબ્દોની સાથોસાથ પંક્તિલંબાઈ પણ નાયિકાના મનોભાવનેઉજાગરા કરવામાં મદદરૂપ થઈ છે…

Comments (14)

(આ નયન) – નયન હ. દેસાઈ

ચાર ફૂટ ને પાંચ ઈંચનો આ નયન,
દૃશ્યની ઉઘાડ-મીંચનો આ નયન.

કૈંક કહેવું છે ને કૈં કહેતો નથી,
કે ગળાની ખીચખીંચનો આ નયન.

રિક્ત ખોબામાં લઈ તડકા ફરે
પનઘટે પાણીની સીંચનો આ નયન.

ઠોકરોમાં માપતો રસ્તા હવે
બાળપણ ઝૂલાની હીંચનો આ નયન.

ગૂમ ટ્રાફિકની ચીસોમાં થઈ ગયો,
મૂળમાં ચકલીની ચીંચનો આ નયન.

– નયન હ. દેસાઈ

એક અદભુત કવિ નામે નયન દેસાઈ… ગુજરાતી કવિતાને તો એણે હૈયું ફાડીને લાડ કર્યાં જ છે, પોતાના નામનેય ઓછું નથી રમાડ્યું… ‘નયન દેસાઈ એસ.એસ.સી.’, ‘ચાલ નયન. એક ચા મંગાવ.’ ‘C/o નયન દેસાઈ’ વગેરે રચનાઓ અને એક અહીં પેશ કરી છે એય… નામની રદીફ તો ખરી જ, પણ સાથોસાથ પોતાની ઓછી ઊંચાઈને પણ શેરનો વિષય બનાવી કવિ નવી ઊંચાઈઓ સર કરે છે. પાંચેય શેર ખૂબ જ મજાના થયા છે…

Comments (9)

ખુલ્લી પાંખે પિંજરમાં -વિનોદ જોશી

ખુલ્લી પાંખે પિંજરમાં ને બાંધી પાંખે બ્હાર,
અમે જીવતાં લઈને એવાં પંખીનો અવતાર!

હિલ્લોળાતી હવા હોય કે હવડ શ્વાસની ઢગલી
નિરખીને આકાશ માંડતાં, માંડ માંડ બે પગલી
વાદળ સાથે નથી અમારે વાતોનો વહેવાર!

અડખેપડખે જોઈ જોઈ અદ્દલ સોનાના સળિયા
ચણતાં રહીએ અમે અમારાં વેરાતાં ઝળઝળિયાં
પડછાયાનો એક જ અમને અધકચરો આધાર!

જીવતર લાગે ઊડવાની ઇચ્છાનો પડતર માળો
પાંખો ને પગનો સમજણમાં નથી થતો સરવાળો
રોજ વેઠતાં અવાવરુ ઉજ્જડ ટહુકાના ભાર!

– વિનોદ જોશી

આજના મનુષ્યોના જીવનની વિડંબનાનું ગાન. કેદમાં હોય ત્યારે ખુલ્લી હોય અને પિંજરની બહાર હોય ત્યારે બંધાયેલી હોય એવી પાંખોનો કોઈ અર્થ ખરો? પંખી તો પ્રતિક છે, પણ આપણામાંથી કેટલા બધા લોકો આ પ્રકારની દોગલી આઝાદી કે ચાતુર્યપૂર્ણ કેદના શિકાર હશે એ આપણે જાણીએ જ છીએ. ખાસ કરીને સ્ત્રીઓ… આજે પણ આપણા સમાજમાં મોટાભાગના પતિ’દેવ’ પત્નીને નામની આઝાદી આપીને પોતે નિયત કરેલ લક્ષ્મણરેખાની અંદર બાંધી રાખે છે… પાંખને પાંખપણું જ હાંસિલ ન હોય એવી કહેવાપૂરતી સ્વતંત્રતાનોનો શો અર્થ! પિંજરબહાર સરસ મજાની હવા હિલ્લોળે ચડી હોય અને પિંજરમાં બહાર નીકળી ન શકતા શ્વાસોની હવડ ઢગલી મોટી થયે રાખતી હોય –બારીમાંથી દેખાતા આકાશને કામવાની ઇચ્છા તો હોય પણ પિંજરામાં બે ડગલા ભરવા જેટલો અવકાશ પણ માંડ નસીબ થયો હોય એ બંદી પંખી વાદળ સાથે કઈ રીતે ગોઠડી માંડી શકે? સોનાની કેમ ન હોય, જેલ તો જેલ જ ને! પોતાનાં જ આંસુ પી-પીને જીવતા પંખીને એકમાત્ર આધાર એના પડછાયાનો છે પણ એય અધકચરો છે. અધકચરો કેમ? તો કે બે રીતે. એક, જીવતરના જેલખાનામાં પંખીનો એકમેવ સાથીદાર કેવળ પડછાયો છે, જે પોતે પ્રકાશનો મહોતાજ છે. અને બીજું, પંખીના અસ્તિત્ત્વનો આ એકમાત્ર હિસ્સો છે, જે પિંજરાની બહાર રેલાવા-ફેલાવા માટે સ્વતંત્ર છે… સળિયાવાળી પંક્તિને સાદું વિધાન ગણી લઈએ તો ઝળઝળિયાં એના પર ચડાવેલ વળ બરાબર છે, અને પડછાયાવાળી પંક્તિ આખી વાતનું કાવ્યશૃંગ છે. સરવાળે, આખું ગીત આસ્વાદ્ય છે..

Comments (10)

પ્રેમનગરીનું પતન – શબનમ ખોજા

કેમ થ્યું’તું પ્રેમનગરીનું પતન?
આવ તું જાતે કરી જો ઉત્ખનન.

જો મળે તારી અને મારી નજર,
આંખથી અત્તર ઝરે, મહેકે બદન

હસ્તરેખા ભૂંસી નાંખી મેં પ્રથમ,
એ પછી ચીતરી શકાયું છે મિલન.

સાવ ખાલી થઈ જવું થઈને શબદ,
ને પછી ભૂલી જવું સઘળું કવન.

જેટલી અઘરી જુદાઈ આપણી,
એટલું જબરું થવાનું છે મિલન.

દીવડાની આત્મશ્રદ્ધા જોઈને
સૂર્ય છે ચિંતિત ને મૂંઝાયો પવન

– શબનમ ખોજા

લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ “તસ્બીહના બે પારા વચ્ચે”નું સાદર સ્વાગત…

સરળ બાનીમાં લખી હોવા છતાં પહેલા પઠને જ સીધા હૃદયને સ્પર્શી જાય એવા સરસ મજાના શેરમઢી ગઝલ આજે આસ્વાદીએ…

Comments (23)

દુકાળ – નીતિન વડગામા

તડકાનાં કૈં તીર વછૂટે.
કૂવા, નદીયું ને સરવરનાં તળિયાં તૂટે!

મૂળિયામાંથી ઉખડી ટાઢક.
પાનવછોયાં ઝાડ ઊભાં છે સાવ અવાચક!

સળગે છે સૂનાં આંગણિયાં.
વાંભવાંભ ઊછળતા રહેતા લૂના દરિયા!

સૂરજનો અસવાર નીકળે.
પરસેવાથી રેબઝેબ પડછાયા પીગળે!

રોજ હવે તો ઢળતી સાંજે,
ફળિયું, ખીલા, ગમાણ રોમેરોમ કરાંજે!

– નીતિન વડગામા

ગીતની ખરી મજા એ છે કે ગઝલ-સૉનેટની માફક પૂર્વનિશ્ચિત બંધારણમાં જકડાઈ રહેવાના બદલે હૃદયોર્મિ જે રીતે વહેતી હોય, અદ્દલોદ્દલ એ જ રીતે વહેવાને એ આઝાદ છે… લયસ્તરો પર આજે એક મજાનું ગીત જોઈએ. અહીં કોઈ મુખડું નથી ને નથી કોઈ પૂરકપંક્તિ. ચુસ્ત પ્રાસવાળી બબ્બે પંક્તિના પાંચ બંધ. ગીત કાવ્યસ્વરૂપ માટે આ વિધા નવી નથી, પણ અહીં જે નવું છે એ છે દરેક યુગ્મકના વિષમાવર્તન… બંને પંક્તિમાં આવર્તનસંખ્યા અલગ હોવાના કારણે લયની જે ભાત અહીં સર્જાય છે, એ મનમોહક થઈ છે…

તાપ વધુને વધુ આકરો થઈ રહ્યો છે. બપોરે ક્યાંક જવાની ફરજ પડે તો એમ જ લાગે જાણે તડકાનાં તીર આપણને રોમેરોમે વીંધી ન નાંખતાં હોય. જળાશયો સૂકાઈ જતાં તળિયે તિરાડો પડવા અને વિસ્તરવા લાગે છે. પર્ણવિહોણાં વૃક્ષોને પવનની અનુપસ્થિતિમાં સ્થિર – અવાચક જોઈને એમ લાગે કે જાણે કોઈએ મૂળિયામાંથી ટાઢક જ ન ઉખાડી લીધી હોય! આંગણાં સૂનાં છે પણ એમાં લૂના દરિયા ઉછાળા મારી રહ્યા છે. આંગણાઓનો ખાલીપો અને દરિયાની અસીમતા – આ બે અંત્યબિંદુઓ પરના વિરોધાભાસી રૂપકોને પરસ્પરમાં ઓગાળી દઈ કવિએ કેવો કમાલ કર્યો છે, નહીં! સાંજ સુધીમાં તો અસ્તિત્વના કણેકણ કરાંજતા થઈ જાય એવા તડકાનાં તીરોનું આ લયાન્વિત ગીત નાની-મોટી કડીઓના વિષમાવર્તનોમાં રાચતી ચુસ્ત પ્રાસાવલિના કારણે વધુ હૃદ્ય બન્યું હોય એવું નથી લાગતું?

Comments (16)

ગાંધીની ગુજરાત – હરિકૃષ્ણ પાઠક

આમ જુઓ તો ગરવી ગુણિયલ
આમ જુઓ તો ઘેલી,
ગાંધીની ગુજરાત મૂળમાં મીઠી અમરતવેલી.

અણહકનું ના ખપે કોઈ દી
હકનુંયે ના માગે;
અવર કાજ એ ઓળઘોળ
ને સ્વારથ નિજના ત્યાગે.
કોઈ કહે સાગરપેટી, કો કહેતું ગાલાવેલી.
.                                  – ગાંધીની.

વનનાં વન પાંખાં થઈ ચાલ્યાં
ઝાંખા જળના દીવા;
મરુભોમના મૃગજળમાં
મોતી શોધે મરજીવા.
જળની રેખ સપનમાં તબકે તોયે કરતી કેલિ.
.                                       – ગાંધીની.

દેશ અને દેશાવર ખેડે
વહે વણજ-વેપાર,
ઝીણું કાંતે પંડજોગ
ને વેરે અપરંપાર.
ભીડ પડ્યે ભડ થઈને રહેતી, લેતી આપદ ઝેલી.
.                                          – ગાંધીની.

રંગ-રાગમાં રમતી
તોયે રૂડો સંયમ દાખે,
મીઠું બોલે મરમભર્યું
ને ભેદ કાળના ભાખે.
જૂનું થોડું જાળવતી, ને થોડી નવી-નવેલી.
.                                      – ગાંધીની.

રાસ રચ્યા જે કૃષ્ણે
એની ઘેર હજીયે ગુંજે,
અલખધણીની અહાલેક
કંઈ હાડ મૂળમાં ઊંજે.
કોણે ચાંપી હૈયા સરસી, કોણે દૂર ધકેલી?
.                                    – ગાંધીની.

– હરિકૃષ્ણ પાઠક

આજે પહેલી મે. ગુજરાત સ્થાપના દિવસ.

તાજેતરમાં જ અનંતની યાત્રાએ નીકળી ગયેલ કવિશ્રીની એક ગીતરચના આજે માણીએ… પ્રવાહી લય અને સહજસાધ્ય બાનીના કારણે ગીત વિશે વિશેષ ટિપ્પણી કરવાની આવશ્યક્તા નથી. પણ આજની ગુજરાતી પેઢી માટે આ ગીતમાં પ્રયોજાયેલ અનેક શબ્દ આગંતુક હશે એમ મને લાગે છે, એટલે થોડા શબ્દાર્થ મૂકવા આવશ્યક જણાય છે.

(અવર=બીજું, અન્ય; ગાલાવેલું= દાધારંગું, મૂર્ખ, ગાંડાઘેલું; મરુભોમ= રણભૂમિ; તબકવું= અંધારામાં આછો પ્રકાશ કરવું, ઝગારા મારવું; કેલિ=ક્રીડા, રમત; પંડજોગ= પોતાની જાત પૂરતું; આપદ= આપત્તિ;ઝેલી= ઝેલવું, સહન કરવું; ઘેર= ઘેરાવો, ઘેરૈયાનું ટોળું; ઊંજવું=તેલ પૂરવું)

Comments (4)