તડકે – અનિલ જોશી
તડકે સૂરજ વાયો
ધોમ ધખે ને અંતરિયાળે ઘૂમું એકલવાયો,
તડકે સૂરજ વાયો.
ધૂસર એકલ વાટ, ક્યાંય ના ખર્યાં પાંદની ઝાંય,
તડકાનો વંટોળ ચડે ને સળગે મારી કાય!
પાન પાનથી ખરી ગયેલાં જંગલમાં પડઘાયો.
તડકે સૂરજ વાયો.
મૂંગા ઝરણે પથ્થર કોરી ખળખળ વહેતી પળ,
આસપાસનાં તરણાંઓને ચડી ગયા કૈં વળ,
લેવો ક્યાંક વિરામ મળે જો સૂરજનો પડછાયો.
તડકે સૂરજ વાયો.
– અનિલ જોશી
લૌકિકમાં અલૌકિક સર્જી શકે એ કવિ. વાવાનું કામ તો વાયુનું, પણ ઉનાળામાં સૂરજના તડકાનો વંટોળ કાયાને એવી તો સળગાવે છે કે તડકે સૂરજ ખુદ વાતો હોવાનું કવિને પ્રતીત થાય છે. આવા ધોમ ધખતા તાપમાં કવિ જેવો કોઈ અલગારી આત્મા જ એકલવાયી રખડપટ્ટી કરવા નીકળે. વૃક્ષોનો છાંયડો તો બહુ દૂરની વાત છે, ડૂબતાને તરણાના સહારા સમ ખરેલ પાંદડાની ઝાંય પણ ક્યાંય નસીબ નથી. સૂકાઈ ગયેલા ઝરણામાં પથ્થરો સિવાય કશું નજરે ચડતું ન હોય એ ખાલીપામાં કવિને સમય ખળખળ વહેતો દેખાય છે… છે ને અદભુત કલ્પન! પરાકાષ્ઠા તો ત્યારે આવે છે જ્યારે તાપથી ત્રાહિમામ પોકારી ગયેલ આત્માને વિરામ માટે સૂરજનો પડછાયો મળે તોય ચાલશે એવો વિચાર આવે છે… સાવ સરળ પણ મજબૂત રૂપકોના વિનિયોગના કારણે આપણને આગઝરતી ગરમીમાં પણ ઠંડક અનુભવાય છે! સલામ કવિ!


Varij Luhar said,
May 29, 2025 @ 11:18 AM
વાહ.. ખૂબ સરસ ગીત અને આસ્વાદ
હરીન વડોદરીયા said,
May 29, 2025 @ 11:26 AM
વાહ, સરસ ગીત!
Harihar Shukla said,
May 29, 2025 @ 12:37 PM
સો સો સલામ કવિને અને નમસ્કાર આ ગીતને મળેલ અનન્ય આસ્વાદને, હંમેશ જેમ💐
Vinorai said,
May 30, 2025 @ 12:23 PM
Good
વ્રજેશ મિસ્ત્રી said,
May 30, 2025 @ 9:24 PM
વાહ.. ઘૂમું એકલવાયો.. જંગલમાં પડઘાયો..