કાગળની હોડી – મણિલાલ હ. પટેલ
કાગળની હોડી લઈને
તને મળવા નીકળ્યો છું.
અફવાઓ તો એવી છે કે,
આપણી વચ્ચેના દરિયા તો રેતીના છે.
પ્રકૃતિએ જ મને પ્રેમ શીખવ્યો હતો
મૃગજળમાં જ મારા શબ્દોની હોડીઓ
હરણ બની બનીને મરણ-શરણ થઈ
તેં મને વસંત આપવાનું વચન આપેલું –
એ ક્યાં છે?
મને પાનખર તો આપ
જેથી હું ખરી શકું…
હું તરી શકું એટલાં આંસુઓ તો
મારે માટે કોણ વહાવે હવે?
હું જાણું છું કે – પ્રવાહ બદલતી નદીને રોકી શકાતી નથી
ને તોષી શકાતી નથી તરસ લોહીની!
છતાં
કાગળની હોડી લઈને નીકળ્યો છું તને મળવા –
એ અફવા નથી
તું ડુબાડી આપ મારી હોડીઓ
મારે તરતાં શીખવું છે.
– મણિલાલ હ. પટેલ
‘કાગળની હોડી’ આટલું વાંચતાવેંત નજર સમક્ષ બાળપણ, વરસાદ અને કાગળની હોડીઓની રમત તાદૃશ થઈ ઊઠે, પણ ભાવક બાળપણની ગલીઓમાં ઝડપથી પાછા ન ફરી શકાય એટલે ઊંડે ઊતરી જાય એ પહેલાં જ કવિ એને આંચકા સાથે યૌવનની કગારે પરત લઈ આણે છે. કાગળની નાવ લઈને નાયિકાને મળવા નીકળ્યા હોવાની વાત પળાર્ધમાં જ આખી વાતની અર્થચ્છાયા અને પૃષ્ઠભૂ બંને બદલી દે છે. સમજાય છે કે બાળકોના સપનાં ઝીલે એવી આ કાગળની નાવ નથી. આ નાવમાં બેસીને નાયક નાયિકા સુધીનું અંતર કાપવા ઇચ્છે છે. કાગળની હોડી એટલે કવિતા, એમ પણ સમજી શકાય. પણ અફવાઓ (અફવા નહીં, હં) એવી છે કે બે જણ વચ્ચે જે દરિયા (દરિયો નહીં, હં) પથરાઈ પડ્યા છે એ રેતીના છે. હોડી કાગળની, અને સમુદ્રો રેતીના – સાધન તકલાદી અને ચઢાણ એવરેસ્ટ જેવું! પણ કવિ મુશ્તાક છે, કેમ કે પ્રેમના પદાર્થપાઠ એમને પ્રકૃતિએ શીખવ્યા છે. પ્રેમરસ પીધો હોય એને તો તત્ત્વનું ટૂંપણું પણ તુચ્છ લાગે, તો રેતસંમદરો વળી શી મોટી ચીજ છે! ભર્યાભાદર્યા જીવનનું વચન આપીને ફરી ગયેલી નાયિકા પાસે નાયક પાનખર માંગે છે, જેથી ખીલી ન શકાય તો ભલે, પણ ખરી તો શકાય.
બેવફાઈની આંધીઓની વચ્ચે ટકી રહેલ આશાના દીવડાના અજવાળામાં આ અછાંદસનું પોત બંધાયું હોવાથી પ્રવર્તમાન અછાંદસોની સાપેક્ષે એ મુઠી ઉંચેરું અનુભવાય છે.
જેમને વિશદ આસ્વાદમાં રસ હોય એ ભાવકમિત્રો અહીં ક્લિક કરી એ માણી શકે છે…


નિખીતા ઘાડિયા said,
May 23, 2025 @ 12:05 PM
વાહ્, ક્યા બાત
Kishor Ahya said,
May 23, 2025 @ 7:04 PM
પ્રેમની પીડા, વિરહ નુ દુઃખ જેણે જાણ્યું હોય એનેજ ખબર પડે. કહેવાય છે ને કે રામબાણ વાગ્યા હોય તે જાણે!(જોકે આ ઇશ્વર પ્રત્યેના પ્રેમની વાત છે)
અહીં કવિ શ્રી મણિલાલ હ.પટેલ દ્વારા ‘કાગળની હોડી’ અછાંદસ કાવ્યમાં બે પ્રેમીઓ વચ્ચે તિરાડ પડી છે તે વ્યથા, વિરહ ના દુઃખને કાગળની હોડી એટલેકે કાવ્ય દ્વારા કવિએ પ્રગટ કરી છે.
અછાંદસ શરૂ કરતા પહેલીજ પંક્તિમાં પ્રેમી કહે છે કે કાગળની હોડી લઈને તને મળવા નીકળ્યો છું. મૃગજળમાંજ મારા શબ્દોની હોડીઓ હરણ બની બનીને મરણ શરણ થઈ. પ્રેમી કહે છે મારા બધા શબ્દો(કાવ્યો) અર્થહીન બની ગયા કેમકે મૃગજળમાં હોડી! આ પ્રેમિકા પર કટાક્ષ છે કવિ પ્રેમિકા માટે મૃગજળ શબ્દ પ્રયોગ કરે છે, (પાણી જેવો આભાસ તેમ પ્રેમ જેવો આભાસ)
ખુબજ વ્યથિત હૃદયે પ્રેમી તેની પ્રેમિકાને પૂછે છે,
તે મને વસંત આપવાનું વચન આપેલું , એ ક્યાં છે?
મને પાનખર તો આપ
જેથી હું ખરી શકું.
આગળ કવિ કહે છે કે પ્રવાહ બદલતી નદીને રોકી શકાતી નથી’ (અહીં કવિ પ્રેમિકાએ પ્રેમનો માર્ગ બદલ્યાની વાત કરે છે)
‘ને તોષી શકાતી નથી તરસ લોહીની’ ( અશકય લાગી રહ્યું છે) છતાં કાગળની હોળી લઈને( શબ્દો દ્વારા) તને મળવા નીકળ્યો છું. કવિ કહે છે મારી હોડી ને (શબ્દોને) ડૂબાડી દે! મારે તરતા શીખવું છે.(મારે જીવતા શીખવું છે!)
અછાંદસ કાવ્ય ની મજા એ છે કે કોઈપણ પ્રાસ બેસાડ્યા વિના જે કહેવું હોય તે દિલ ખોલીને કહી શકાય, ફ્કત હદયમાં ભાવ હોવો જોઈએ. ઘણા વિદ્વાન અછાંદસ ને કાવ્ય ગણતા નથી અને ગધની શ્રેણીમાં મૂકે છે કેમકે એમાં કાવ્ય એટલેકે છંદ ની મજા લઈ શકાતી નથી આ એક ચર્ચાનો વિષય છે પણ જેવી જેની પસંદગી. મોટાભાગે લોકો બંને શ્રેણી પસંદ કરે છે.
સાહિત્યના અનેક પારિતોષિક વિજેતા કવિશ્રી મણિલાલ પટેલ નો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે બહુ મોટો ફાળો છે. વિવેકભાઈ એ આસ્વાદ અને વિશદ આસ્વાદ આપ્યો છે તે અદ્ભુત છે! કવિ શ્રી મનોજ ખંડેરિયા અને કવિ શ્રી અમૃત ઘાયલના વિશદ આસ્વાદમાં મૂકેલા શેર ખુબજ ગમ્યા.
🌹🌹