ન જાણે કોણ, ક્યારે આવી ઘૂંટી લે અઢી અક્ષર,
બને તો સ્વચ્છ રખો હરઘડી હૈયાની પાટીને !
મુસાફિર પાલનપુરી

ઓળખો હવે – પ્રદ્યુમ્ન તન્ના

પરભવે કે આ ભવે? ઓળખો તમે,
શેં મળ્યાં ફરી હવે? ઓળખો તમે.

જીવલેણ વેરી કે પ્રાણ સું પિયારું,
કોણ ઊભું વેશ નવે? ઓળખો તમે.

દેખીને રોમરોમ કાંપે કે આંખ,
વણખાળ્યાં અમી દ્રવે? ઓળખો તમે.

લેનાં-દેણાંનો રહ્યો અરધો હિસાબ,
માગે કે ચૂકવે?! ઓળખો તમે.

કંકુ છાંટીને લ્યો, માંડો ગણેશ,
ના લહ્યુંય સંભવે! ઓળખો તમે.

– પ્રદ્યુમ્ન તન્ના

(હસ્તાક્ષર ફોટો સૌજન્ય: શ્રી જયેન્દ્ર શેખડીવાલા)

ચોટીના ગીતકારોની યાદી તૈયાર કરવા બેસીએ તો પ્રદ્યુમ્ન તન્નાને માન સહિત યાદ કરવા પડે. ઇટાલિયન છોકરીને પરણીને ઇટલીમાં જ સ્થાયી થયા હોવા છતાં તળપદા ગુજરાતી પરનું એમનું પ્રભુત્વ ભલભલા ચમરબંધોને ભૂ પીવડાવે એવું અદભુત હતું. મૂળે એ ગીતકાર એટલે એમની પાસેથી ગઝલ મળે એ ઘટના જ મૂળે અલભ્ય અને એમાંય એમના હસ્તાક્ષરમાં મળે એ તો દુર્લભ જ. ગઝલનો છંદ પ્રમુખતઃ ગાલગાલા ગાલગા ગાલગાલ ગા હોય એમ પ્રતીત તો થાય છે પણ ઘણી જગ્યાએ એ જળવાયો જણાતો નથી. ગીતકવિઓ ગઝલના ચીલે ચાલવા જાય ત્યારે આવું ઘણીવાર થતું જોવામળે છે, કારણા કે એમના લોહીમાં ગઝલનો રુઢ છંદના સથાને ગીતનો લય જ વહેતો હોવાનો… ‘પ્રાણ સું પિયારું’ કે ‘લહ્યું’ જેવા શબ્દપ્રયોગોમાં પણ ગીતસંસ્કાર સાફ સાફ વર્તાય છે.

5 Comments »

  1. Kishor Ahya said,

    May 24, 2025 @ 3:07 PM

    જ્ઞાનની ત્રણ સ્થિતિ હોય છે
    અજ્ઞાન, જ્ઞાન, અને અગ્યેય.
    અજ્ઞાન એટલે જે જાણતો નથી,
    જ્ઞાન એટલે જે જાણે છે અને નથી જાણતો એ ભવિષ્યમાં જાણી શકશે, એ વિજ્ઞાન. અને અગ્યેય એટલે જે ભૂતકાળમાં કોઈએ જાણ્યું નથી ,હાલમાં કોઈ જાણતું નથી અને ભવિષ્યમાં કદી પણ મનુષ્ય દ્વારા જાણી શકાય તેમ.નથી.

    કવિ શ્રી પ્રદ્યુમન તન્ના આજે જે ગઝલ લઈ આવ્યા છે( ઓળખો તમે ) તે અગ્યેય બાબતે છે, જેમકે બ્રહ્માંડ અને તેના રહસ્યો, મનુષ્ય અને પૃથ્વી પરના જીવો(કલ્ચર) જીવન અને મૃત્યુ, મૃત્યુ બાદનું જીવન કે ફરી અવતરણ .આ બધા વિષયો અગ્યેય છે, એમાં પણ વિજ્ઞાનની કોશિશ ચાલુજ છે પણ વિષય અગ્યેય છે એટલે ત્યાં યોગીઓ ,તપસ્વીઓ અને આધ્યાત્મિક જાણકારો પોતાની સૂઝ બૂઝ અને વિવેક અનુસાર પોતાના મંતવ્યો આપતા રહે છે.

    આવુજ એક મંતવ્ય પુન: અવતાર (re -birth) વિશે ખાસ કરીને હિન્દુ ધર્મ ,બુદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં પ્રવતે છે, કે મનુષ્યના લેણ દેણ ના સંબંધો પૂરા થઈ જાય એટલે મનુષ્ય પૃથ્વી પરથી ઉઠી જાય છે અને ભલે મનુષ્યના બાહ્ય લેણ દેણ ના સંબંધો પૂરા થઈ ગયેલા હોય પણ લેણ દેણ ના આંતરિક(,મન અને હૃદયના) સંબંધો જ્યાં સુધી બાકી હોય ત્યાં સુધી મનુષ્ય ફરી જન્મતો રહે છે.

    ઘણા વિદ્વાનો નો એવો મત છે કે એ ફરી જન્મ જ્યાં આપણા ગયા જન્મના લેણ દેણ બાકી હોય ત્યાજ થાય છે. એવું કહેતા આપણે ઘણા ને સાંભળીએ છીએ કે ગયા જનમન પુણ્ય થી બચી ગયા. અથવા ગયા જન્મ નુ બાકી રહી ગયું હતું તે વસૂલ કરે છે અથવા ગયા જન્મ નો દુશ્મન!
    કે આવતા જન્મે ભોગવવું પડશે કે આવતા જન્મ માટે પુણ્ય ભેગું કરે છે. બહુ લોભી માણસ માટે એવું કહે છે કે ભેગું કરીને શું કરશે? પછી સાપ બનીને કુંડળી મારી (ધન ઉપર) બેસશેં બીજું શું ! આવીતો અનેક વાતો પુન:જન્મ ને લગતી સમાજમાં પ્રવતે છે.

    કવિએ ગઝલમાં આજ વાત કરી છે કે લેવા આવ્યા છે કે દેવા? ઓળખો તમે . હિન્દુ ધર્મમાં તો પતિ અને પત્નીનો સંબંધ સાત જન્મનો ગણવામાં આવ્યો છે તે પછી મોક્ષની યાત્રા. કોઈનો પુત્ર અથવા પુત્રી ઋણાનુબંધ ને કારણે તેને ત્યાં જન્મ લે છે એવી જૈન ધર્મની ધારણા છે, તો બીજી બાજુ જગતના ઘણા ધર્મો પુન:અવતારમાં માનતા નથી એ પણ વિચારણીય છે.

    કવિએ અહીં વારંવાર ઓળખો તમે , રદિફથી ભાવકને પુન:જન્મની ધારણા વિશે વિચારતા કરી મૂકે છે. ગઝલમાં અંતમાં લોહ્યુ શબ્દથી કવિ કહે છે આ લૂછાય જાય તેવું નથી એટલેકે સત્ય છે, એમ કહી કવિ ભાવકને પરોક્ષ રીતે સારા કર્મો કરવાની સલાહ આપે છે. વાહ! શ્રી પ્રદ્યુમનભાઈ, ઇટલીમાં બેઠા બેઠા ગુજરાતી કવિતાનો આનંદ ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય છે!અમે આપના માટે ગૌરવની લાગણી અનુભવીએ છીએ.

    વિવેકભાઈએ હમેશ મુજબ આસ્વાદ ખુબજ સરસ આપ્યો છે. કવિ શ્રી પ્રદ્યુમન તન્નાની બ્લોગ પર ૧૯ રચનાઓ છે , છેલ્લી રચના મે ‘૨૪ માં અને આજે મેં”૨૫ ! કેવો યોગાનુયોગ!
    … . 🌹🌹

  2. Kishor Ahya said,

    May 24, 2025 @ 9:04 PM

    Blog પર તેઓની 14 રચના છે …

    પ્રદ્યુમ્ન તન્ના
    (જન્મ : ૦૭-૦૭-૧૯૨૯ – મરણ: ૩૦-૦૮-૨૦૦૯)

    તેમની અછાંદસ રચના’ ઉદભવ’ બહુ સરસ છે,
    Ӡ*
    અગત્ય નથી
    કોણ કોને અડ્યાનું
    બસ છે કેવળ બીના
    કે આપણે જગવ્યો
    એક સહિયારો કંપ –
    સ્તબ્ધ,
    નિબિડ શૂન્ય થકી,
    અચરજનાં
    અનગળ,
    જગ ઉઘાડતો
    લખલખ આનંદ સ્ત્રોત !

    – પ્રદ્યુમ્ન તન્ના,
    આસ્વાદ આપતા શ્રી ધવલ શાહ કહે છે…
    એક સ્પર્શમાં આખા જગતને ભરી દે એટલો બધો આનંદ જન્માવવાની તાકાત હોય છે. કાવ્યનું શીર્ષક છે – ઉદભવ. એક સ્પર્શમા ઘણી શરૂઆતો છુપાયેલી હોય છે.

    તળપદા ગીતોથી જાણીતા કવિએ થોડા અછાંદસ પણ લખ્યા છે. કવિએ આ કાવ્ય ઇટાલિયનમાં લખેલું અને પછી પોતે ગુજરાતીમાં અનુવાદ કરેલો.

    🌹🌹

  3. વિવેક said,

    May 25, 2025 @ 11:00 AM

    @ કિશોર આહ્યા:

    સરસ મજાના સંતર્પક અભિપ્રાયો બદલ ખૂબ ખૂબ આભાર… આ મિષે આપ બ્લોગની જૂની રચનાઓનો પણ અઅસ્વાદ લેતા રહો છો એનો આનંદ…

    ફરી એકવાર દિલથી આભાર

  4. Kishor Ahya said,

    May 25, 2025 @ 5:46 PM

    આભાર, વિવેકભાઈ.
    કૉણ ઊભું વેશ નવે? ઓળખો તમે. કવિ શ્રી પદહ્યુમન તન્ના ના શબ્દોની જેમ અસ્તિત્વના અજાણ્યા તંતુઓથી જોડાયેલા આપણે સૌ અહીં નવા વેશે છીએ!

    વિવેકભાઈ , સાહિત્ય ક્ષેત્રે આપનું પ્રદાન અદભૂત છે! જ્ઞાની હોવા છતાં આપના નિરઅહંકારી વ્યક્તિત્વને સલામ.
    🌹🌹

  5. Varij Luhar said,

    May 29, 2025 @ 11:20 AM

    વાહ.. ખૂબ સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment