મહાસમુદ્રના પેટાળ મોટી વાત નથી,
છે આ તો આંસુનું ઊંડાણ, ઝંપલાવ નહીં.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for June, 2022

(તમે થોડો સમય આપો) – ભાવિન ગોપાણી

બુઝાવો નહીં, ઠરી જઈશું, તમે થોડો સમય આપો,
અમે જાતે મરી જઈશું, તમે થોડો સમય આપો.

ખબર છે કેટલું – ક્યારે અહીં ડરવું જરૂરી છે,
સમયસર થરથરી જઈશું, તમે થોડો સમય આપો.

ખુશામતની, ન પૂજાની, છે ઇચ્છા માત્ર દર્શનની,
પછી પાછા ફરી જઈશું, તમે થોડો સમય આપો.

ઘણાં વર્ષો પછી તરફેણનો વરસાદ આવ્યો છે,
અમે પણ પાંગરી જઈશું, તમે થોડો સમય આપો.

બિછાવી ફૂલ કે જાજમ અમે છટકી નહી જઈએ,
હયાતી પાથરી જઈશું તમે થોડો સમય આપો.

ટકી જઈશું હશે જે ભાગ્યમાં એનો સહારો લઈ,
ધુમાડો વાપરી જઈશું, તમે થોડો સમય આપો.

અમે મોજાં, સતત અથડાઈને તૂટી જઈશું પણ-
ખડકને કોતરી જઈશું, તમે થોડો સમય આપો.

– ભાવિન ગોપાણી

ગઝલની પૂર્વશરત છે કે રદીફ ગઝલમાં ઓગળી જવી જોઈએ. મોટાભાગની ગઝલોમાં રદીફ લટકણિયું બનીને અલગ પડી જતી હોય એવામાં ક્યારેક એવો સુખદ અપવાદ પણ જોવા મળે જ્યાં રદીફ ન માત્ર શેરમાં ઓગળી ગઈ હોય, શેરના અર્થમાં ઉમેરણ કરીને શેરને સવાશેર પણ બનાવતી હોય. પ્રસ્તુત ગઝલ આવો જ એક સુખદ અપવાદ છે. ધુમાડાવાળા એક શેરને બાદ કરતાં બાકીના છએ છ શેર મસ્ત મજાના થયા છે. એમાંય મત્લા, તરફેણનો વરસાદ અને આખરી શેર તો ભાઈ વાહ…! મજા આવી ગઈ કવિ…

Comments (17)

પાર્થ! તને એકલાને ક્યાં છે વિષાદ? -વિવેક મનહર ટેલર

પાર્થ! તને એકલાને ક્યાં છે વિષાદ?
આ જો, રણમધ્યેથી બાળુડો કાનુડો પાડી રહ્યો છે મને સાદ!
મને ગોકુળિયું આવે છે યાદ..

હાથમાં જે રથની લગામ છે એ જાણે કે મા-બાંધી હીર તણી દોર,
ગોધૂલિવેળાની ઘૂઘરી છે ચારેકોર, ગાયબ રણભેરીનો શોર;
વણતૂટ્યાં શીકાં ને વણમાંગ્યા દાણ, જો ને, અહીં આવી કરે ફરિયાદ.
મને ગોકુળિયું આવે છે યાદ..

લોહી અને આંસુથી લાખ ગણું સારું હતું ગોરસ ને દહીં વહેવડાવવું,
થાય છે આ પાંચજન્ય સારો કહેવાય કે પછી મોરલીથી સૂરને રેલાવવું?
કોણ મને અહીં આવી ગીતાનું જ્ઞાન દઈ ગ્લાનિથી કરશે આઝાદ?
તને એકલાને ક્યાં છે વિષાદ?

-વિવેક મનહર ટેલર
(૧૯-૨૧/૦૫/૨૦૨૨)

કવિનાં ચશ્માં તો ગામથી અલગ જ હોવાનાં. આખી દુનિયા જે દૃષ્ટિકોણથી એક વાતને જોતી હોય, એને નવતર અભિગમથી રજૂ ન કરે તે કવિ શાનો? મહાભારતના યુદ્ધમાં સગાં-વહાલાંઓને જોઈને ગ્લાનિર્મગ્ન થયેલા અર્જુનને ગીતાજ્ઞાન આપીને શ્રીકૃષ્ણએ એના વિષાદનું નિર્મૂલન કર્યું એ વાત તો આપણે સહુ જાણીએ જ છીએ. પણ આ ગીત પાર્થના બદલે પાર્થસારથિને થઈ શકનાર સંભવિત વિષાદની વાત કરે છે.

હાથમાં રથની લગામ ઝાલીને ઊભેલ શ્રીકૃષ્ણને રણમધ્યેથી બાળકાનુડો પોતાને હાક દેતો સંભળાય છે. રથની લગામ યશોદા મૈયાએ જે હીરની દોરથી પોતાને બાળપણમાં બાંધ્યા હતા, એની યાદ અપાવે છે. દોરબાંધ્યા કાનુડાએ યમલા અને અર્જુન નામના રાક્ષસોનો ઉદ્ધાર કર્યો હતો, આજે લગામ હાથમાં ઝાલીને શ્રીકૃષ્ણ ધર્મનું રક્ષણ કરવા નીકળ્યા છે. બાળપણની સ્મૃતિ થતાવેંત જ રણભેરીનો શોરબકોર ગાયબ થઈ એનું સ્થાન ગોધૂલિવેળાએ પરત ફરતાં ગાય-બળદની ઘૂઘરીઓનો નાદ લઈ લે છે. ગોકુળ-વૃંદાવન ત્યાગ્યા બાદ તોડવાનાં બાકી રહી ગયેલ શીકાં અને માંગવાનાં બાકી રહી ગયેલ દાણ જાણે કે યુદ્ધમધ્યે આવીને ફરિયાદ કરે છે…

પોતે ભલે તટસ્થ રહેનાર હતા, પણ પોતાની હાજરીમાં રણમેદાનમાં જે લોહી અને રણમેદાનની બહાર સ્વજનોનાં જે આંસુઓ વહેવાનાં છે એનાં કરતાં તો ગોરસ-દહીં રેલાવવાનું ચૌર્યકર્મ લાખ ગણું સારું હતું એમ એને લાગે છે. વાંસળીના સૂર રેલાવનાર કેશવના ભાગે આજે પાંચજન્ય શંખ ફૂંકીને યુદ્ધના પાગરણ કરાવવાનું આવ્યું છે ત્યારે એને સહજ જ ગ્લાનિ અનુભવાય છે. પણ છે કે કોઈ ગીતાજ્ઞાનનો દેનાર જે આવીને એને એમાંથી આઝાદ કરી શકે?

Comments (17)

(પગલાં નથી પડતાં) – હરીશ ઠક્કર

સાચું કહું? સપનાં કદી સાચાં નથી પડતાં,
પણ, જાગતાં જોયાં હો તો ખોટાં નથી પડતાં.

પંખીનાં કદી આભમાં પગલાં નથી પડતાં,
તેથી જ બીજાં પંખીઓ ભૂલાં નથી પડતાં.

જ્યારે પડે ત્યારે પડે, હમણા નથી પડતા;
કંઈ જિંદગીભર કોઈના સિક્કા નથી પડતા.

એ રાહના રાહી જ વિખૂટા નથી પડતા,
જે રાહના આગળ જતાં ફાંટા નથી પડતા.

‘તક’દીરમાં તક છે જ, તું ‘તક’લીફમાં તક શોધ,
તકલીફમાં તક શોધે એ પાછા નથી પડતા.

દિલ ‘ના’ કહે એ કામ હું કરતો નથી કયારેય,
તેથી મને તકદીરના ફટકા નથી પડતા.

આંબાને સહન કરવા પડે ઘાવ પરંતુ,
બાવળની ઉપર કોઈ દિ’ પથરા નથી પડતા.

આજેય મળે છે તો હસીને જ મળે છે,
કરવામાં પરેશાન એ પાછા નથી પડતા.

– હરીશ ઠક્કર

મુક્ત આકારાંત કાફિયા સાથેના ચાર મત્લા અને ચાર શેરની માતબર ગઝલ. જિંદગીભર કોઈના સિક્કા પડતા નહીં હોવાની વાત કરતા કવિની ગઝલના એક્કેએક શેર સિક્કાની જેમ રણકે એવા મજાના થયા છે. બીજાંઓના પગેરું દબાવવાની અથવા બીજાંઓએ કંડારેલી કેડી પર ચાલવાની ટેવ પડી ગઈ હોવાથી માણસજાત સાચી દિશા પામી શકતી ન હોવાની વાત કરતો બીજો શેર હાંસિલે-ગઝલ થયો છે. બીજાં પંખીઓને અનુસરતાં ન હોવાથી જ પંખીઓ કદી આકાશમાં ભૂલાં પડતાં નથી. કેવી સરસ વાત! વીસમી સદીના પ્રારંભકાળે અલ્પજ્ઞાત કવિ શ્રી રણજીતભાઈ મો. પટેલ ‘અનામી’એ પણ આવો જ સવાલ પોતાના ગીતમાં કર્યો હતો: ‘સાંજ પડી ન પડી ત્યાં પંખી પળતાં નિજ નિજ માળે, ના કેડી કંડારી ગગને, કેમ કરીને ભાળે?’ તકદીર અને તકલીફમાંથી તક શોધી કાઢવાની શબ્દ રમત પણ કાબિલે-દાદ થઈ છે.

Comments (25)

ઇન્કાર – શિલ્પિન થાનકી

એકલો ચાલું, સહારો ના ખપે;
માર્ગ છો ભૂલું, સિતારો ના ખપે.

પાનખરને આવકારું હર્ષથી,
કાયમી કેવળ બહારો ના ખપે.

વેગળી મંજિલ રહે મંજૂર છે,
રાહમાં એકે ઉતારો ના ખપે.

સાગરે ડૂબું ભલે મઝધારમાં-
સાવ પાસે હો કિનારો, ના ખપે.

– શિલ્પિન થાનકી

ચાર જ શેરની નાનકડી લાગતી મોટી ગઝલ. મત્લા વાંચતા જ રૉબર્ટ ફ્રોસ્ટની કવિતા ‘રૉડ નોટ ટેકન’ યાદ આવે- ‘Two roads diverged in a wood, and I— I took the one less traveled by, And that has made all the difference.’ બીજાની સહાય લીધા વિના નિજની કેડી નિજ કંડારવાની વાત કવિએ બે પંક્તિમાં કેવી સ-રસ રીતે કહી છે!

Comments (6)

मुद्दतें हो गई हैं चुप रहते – ‘महशर’ काज़िम हुसैन लखनवी

मुद्दतें हो गई हैं चुप रहते
कोई सुनता तो हम भी कुछ कहते

અર્થ સ્પષ્ટ છે.

जल गया ख़ुश्क हो के दामन-ए-दिल
अश्क आँखों से और क्या बहते

સૂક્કોભઠ્ઠ થઈને દિલના પાલવ/છેડો બળી ગયો….આંખોમાંથી વધુ તો કેટલા આંસુ વહેતે…. [ વક્રોક્તિ છે ]

बात की और मुँह को आया जिगर
इस से बेहतर यही था चुप रहते

વાત કરી તો આખું હૈયું જ હોઠે આવી ગયું….એથી બહેતર તો એ જ હતું કે મૂંગા મરતે…..

हम को जल्दी ने मौत की मारा
और जीते तो और ग़म सहते

દુનિયા છોડવાની ઉતાવળે અમને ઉપર મોકલી જ આપ્યા…. ભલું થયું, જો વધુ જીવતે તો વધુ ઝૂરતે…..

सब ही सुनते तुम्हारी ऐ ‘महशर’
कोई कहने की बात अगर कहते

સાંભળવાલાયક કશું બોલતે તો સહુ તારી વાત સાંભળતે !!

– ‘महशर’ काज़िम हुसैन लखनवी

 

જીવવું એટલે ઝૂરવું…..ઝૂરવું એટલે જીવવું…..

 

જનાબ ગુલામઅલી સાહેબ 👇👇

 

Comments (1)

આરામ થઈ જાશે – નાઝિર દેખૈયા

તમે બોલાવશો એને તો મારું કામ થઈ જાશે;
વિના ઉપચાર આ બીમારને આરામ થઈ જાશે.

પછી મંદિર કે મસ્જિદ જે ગણું તે ઘર હશે મારું;
કદમથી આપના મુજ દ્વાર તીરથધામ થઈ જાશે.

નિછાવર થઈ જનારા! આટલો તો ખ્યાલ કરવો’તો;
જગતમાં રૂપવાળાઓ બધે બદનામ થઈ જાશે.

ખબર કરશો નહીં નિજ આગમનની હર્ષઘેલાને;
નકર એ કે’ણ એના મોતનો પયગામ થઈ જાશે.

તૃષાતુર જાઉં છું કિન્તુ તૃષા કેરી અસર જોજો;
છલકતા કંઈક સાકીના નયનના જામ થઈ જાશે.

ચૂક્યા અવસર કૃપાનો તો વગોવાઈ જશો વિશ્વે;
થવું છે એ તો જ્યાંને ત્યાં ઠરીને ઠામ થઈ જાશે.

દયાળુ! દાન જો કરવું ઘટે તો પાત્રને જોજો;
નહીં તો કંઈક આ ‘નાઝિર’ સમા બેફામ થઈ જાશે.

– નાઝિર દેખૈયા

ટાઇમલેસ ક્લાસિક.

Comments (3)

પરોઢિયું – વિમલ અગ્રાવત

ઝબકીને જાગેલા ઝાડવાને વાયરાએ ગળચટ્ટું ગીત એક પાયું,
આજ ઊગ્યું પરોઢિયું સવાયું.

પંખીએ પંચમના સૂરના છંટકાવથી ઝરણાની નીન્દરુ ઊડાડી;
ઝાકળની જેમ ઝીણા વરસેલા તડકાએ આખ્ખીય ધરતી ડૂબાડી;
એમાં અન્ધારૂં આઘ્ઘે તણાયું.
આજ ઊગ્યું પરોઢિયું સવાયું.

શરમાતી કુમ્પળના કાનમાં સુગન્ધ ભરે હળવેથી વાત એક મીઠ્ઠી;
આકાશે કંકુનો ચાંદલો કર્યો છે ને નદીયુંને ચોળાતી પીઠ્ઠી;
પછી ચકલીએ ફટ્ટાણું ગાયું.
આજ ઊગ્યું પરોઢિયું સવાયું.

– વિમલ અગ્રાવત

નાવીન્ય સૃષ્ટિનું મહામૂલું ઘરેણું છે. રોજ સવારે ઊગતો સૂરજ એનો એ જ છે. ઝાડ-પાન, પશુ-પંખી, નદી-પર્વત –બધાં એનાં એ જ હોવા છતાંય રોજેરોજ નવાં ભાસે છે. પરિણામે એકની એક દુનિયા વરસો સુધી જોયે રાખવા છતાં આપણે કંટાળતાં નથી. ને એમાંય કવિના ચશ્માંની તો વાત જ અલગ. પવન ફૂંકાય એટલે પહેલાં ઝાડ થોડું બેવડ વળે અને પવનનું જોર જરા હળવું પડતાંવેંત ફરી ઊભું થઈ જાય એ સ્થૂળ બીનાને કવિ જુએ તો એને એમ લાગે કે સવાર પડતાં જે રીતે આપણે ઝબકીને જાગીએ છીએ એ જ રીતે ઝાડ પણ ઝબકીને જાગ્યું છે અને પવન એને ગળચટ્ટાં ગીતની બેડ-ટી પાઈ રહ્યો છે… પછી તો પરોઢિયું સવાયું જ અનુભવાય ને!

સૃષ્ટિના તમામ સૈનિકો આજની સવારને રોજ કરતાં અધિક રળિયામણી બનાવવાના કામમાં જોતરાઈ ગયાં છે. સૂતેલાં બાળકની આંખ પર પાણીનો છંટકાવ કરીને મા જે રીતે એને ઊઠાડે એમ પંખીઓ પંચમ સૂર છાંટીને ઝરણાંની ઊંઘ ઊડાડે છે. પ્રાતઃકાળે પથરાઈ વળતી ઝાકળ અને કૂણા તડકામાં આખી ધરતી ડૂબી ગઈ છે. પરિણામે બિચારું અંધારૂં આઘે આઘે તણાઈ ગયું છે.

સવાર પડતાં ખીલુંખીલું થતી પણ પૂરી હજી ખૂલી ન હોય એવી કૂંપળોને શરમાવાની ક્રિયા સાથે જોડીને કવિએ કમાલ કરી છે! ક્ષિતિજથી વધુ ઊંચે ઊઠ્યો ન હોવાને લઈને સૂરજ હજી કંકુના ચાંદલા જેવો રાતોચોળ લાગી રહ્યો છે અને નદીઓનાં નીર પીઠી ચોળી હોય એવાં નજરે ચડે છે. કંકુચાંદલો અને પીઠીના કલ્પનથી રચાયેલ લગ્નના વાતાવરણને કવિ ચકલીના ટહુકારને ફટાણું કહીને સંપૂર્ણતા બક્ષે છે.

સરવાળે સવાયા પરોઢનું સવાયું ગીત.

Comments (17)

છાંટો –અનિલ જોશી

પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો
હું પાટો બંધાવાને હાલી રે…
વ્હેંત વ્હેંત લોહી મારું ઊંચું થિયું ને
જીવને તો ચડી ગઈ ખાલી રે…

સાસુ ને સસરાજી અબઘડીયે આવશે
કાશીની પૂરી કરી જાતરા રે…
રોજિંદા ઘરકામે ખલ્લેલ પોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યા કાતરા રે…

પિયુજી છાપરાને બદલે જો આભ હોત
તો બંધાતી હોત હુંય વાદળી રે…
માણસ કરતાં હું હોત મીઠાની ગાંગડી
તો છાંટો વાગ્યો કે જાત ઓગળી રે…

પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો
હું પાટો બંધાવાને હાલી રે…
વ્હેત વ્હેંત લોહી મારું ઊંચું થિયું ને
જીવને તો ચડી ગઈ ખાલી રે…

– અનિલ જોશી

પહેલા વરસાદ વિશે તો અસંખ્ય કવિઓ લખી ચૂક્યા છે પણ પહેલા વરસાદનો છાંટો વાગવાને લઈને પાટો બંધાવવાની જરૂર ઊભી થઈ હોવાની અભિવ્યક્તિ વિશિષ્ટ અને ભાવકને સફળતાપૂર્વક ‘હૂક’ મારી જકડી લેનારી છે. પહેલા વરસાદનો છાંટો વાગે અને દાક્તર પાસે પાટો બંધાવવા જવું પડે એ છે તો અતિશયોક્તિ અલંકાર જ પણ કેવો નવીન! થોડું અલગ રીતે વિચારીએ તો પતિ સાથેના પ્રથમ મિલનની સ્નેહવર્ષાની વાત કરતી નવોઢા પણ નજર સન્મુખ દેખાય. વાત મોસમના પહેલા વરસાદની હોય કે પ્રથમ સમાગમની, પ્રેમાહત નાયિકાની રગેરગમાં દરિયાના મોજાંની જેમ લોહી વેંત-વેંત હિલ્લોળે ચડતું હોય એવો ઉન્માદ ફરી વળ્યો છે. સામાન્ય રીતે શરીરના અંગોમાં ચડતી ખાલી જીવને ચડી છે એમ કહીને કવિ પોતાના કવિકર્મનો સિક્કો મારી આપે છે.

જાતરાએ ગયેલ સાસુ-સસરા ચોમાસું શરૂ થતાં જ પરત આવી જવાના છે એટલે વરસાદનો કે મધુરજનીવર્ષાનો આનંદ ચિરંજીવી નથી એની પણ નાયિકાને પ્રતીતિ છે જ. વરસાદ અને પવનના કારણે તૂટીને જમીન પર પડેલા આંબલીના કાતરા વીણવા જવાનીય નાયિકાને ફુરસદ નથી, કેમકે સાસુ-સસરાની અનુપસ્થિતિમાં ઘરકામ એમનો ભાગ ભજવી રહ્યું છે. રોજિંદું ઘરકામ રોજિંદા આનંદમાં વ્યવધાન બને છે એ વાત આંબલીના કાતરાના પ્રતીકથી કવિએ બખૂબી ઉપસાવી બતાવી છે. આંબલીના કાતરાને સ્ત્રીની ખટાશની ઝંખના અને સગર્ભાવસ્થાને પણ સાંકળી શકાય પણ વાત પહેલા વરસાદના છાંટાની હોવાથી આપણે ગર્ભાધાન સુધી પહોંચી જઈએ એ વૈજ્ઞાનિક ધોરણે થોડું અનુચિત જણાય છે.

માબાપની અનુપસ્થિતિમાં નિતાંત મધુરજનીનું સ્વર્ગ માણવાના બદલે નાયિકાના મનનો માણીગર પણ છાપરાની જેમ મર્યાદાઓ બાંધીને બેઠો છે. એ જો આકાશની જેમ વિશાળ અને ખુલ્લો હોય તો નાયિકા વાદળી બનીને પોતાનું અસ્તિત્ત્વ એના ખોળે રેલાતું મૂકવા અધીર છે. (तेरी दो टकिया कि नौकरी मे मेरा लाखो का सावन जाय रे જેવો ઘાટ છે અહીં તો!) શબ્દાર્થને અનુસરીએ તો વરસાદનો પહેલો છાંટો પણ જો પ્રિયજનના સાયુજ્યમાં ન માણવા મળતો હોય તો પોતે માણસના બદલે મીઠાની ગાંગડી હોત તો સારું, એમ નાયિકાને થાય છે… વરસાદ પડતાં જ ઓગળી તો જવાત… તો કોઈ રંજ ન રહેત… અને ગીતને સંભોગશૃંગારની વાત તરીકે ઉકલીએ તો કહી શકાય કે પિયુના વહાલમાં પોતે મીઠાની ગાંગડીની જેમ પોતાને ઓગાળી દેવા, પિયુમાં એકાકાર થઈ જવા ઇચ્છે છે. ગાંગડી પણ સાકરના બદલે મીઠાની, કારણ કે જીવનને વધુ સ-લૂણું, બધુ સ્વાદસભર બનાવવા માટે સાકરની સરખામણીએ મીઠાની ગાંગડી વધુ ઉથોચિત પર્યાય છે.

કેવું મજાનું ગીત!

Comments (8)

સંકેલો હવે – મુકેશ જોષી

શ્વાસ ખૂટતા જાય છે આ જાત સંકેલો હવે
આ કૈંક સંકોચાય છે આ વાત સંકેલો હવે

ના તમે ઊડી શકો, ના સ્વપ્ન પણ ઊડી શકે
આ પાંખ પણ વહેરાય છે આ આભ સંકેલો હવે

આંખ મીંચી તીર મારીને નિશાનો સાંધતા
એ તીર ખાલી જાય છે આ હાથ સંકેલો હવે

સૂર્યની તો વાટ જોવાનું હવે રહેવા જ દો
આ આગિયા બુઝાય છે આ રાત સંકેલો હવે

એક પળ ઊભા રહે, ના એમ પણ ઇચ્છો તમે
આ લોક ક્યાં રોકાય છે આ સાથ સંકેલો હવે

– મુકેશ જોષી

Comments (1)

(માદરપાટે જઈને મોહ્યા…) – દેવાંગી ભટ્ટ

મ્હાય્લે ધગે સે મારે ચૂલો, ને દાઝ મને એવી ચડે સે મારા રોયા,
ઓલી રવલીને જોઈ તારી આંખ્યુંમાં ઉગેલા ઓરતા મેં આઘેથી જોયા.

તું કાગડાની જાત, મારા દહીંથરા-શા મૂલ, તોય હાચવ્યા મેં તારા ઘરબાર,
ધગધગતા ખેતરમાં વાઢ્યા મેં ધાન અને રોટલામાં કાઢ્યો અવતાર;
તોય હાળા ભમરાળા, તેં તારા સાનભાન, ઈ રવલીની પસવાડે ખોયા?
મ્હાય્લે ધગે સે મારે ચૂલો, ને દાઝ મને એવી ચડે સે મારા રોયા.

આજથી નહિ છાણા, નહિ બેડાનો ભાર, વાસીદાં હોત નહિ વાળું,
વડ્કું કરું તારી વાંકદેખી માને, ને કહી દઉં હું તારું ભોપાળું;
બાઈ! તારા કુંવરને મલમલ ગમ્યું નહીં, ઈ માદરપાટે જઈને મોહ્યા…
મ્હાય્લે ધગે સે મારે ચૂલો, ને દાઝ મને એવી ચડે સે મારા રોયા.

– દેવાંગી ભટ્ટ

એક નશા પર બીજો ન કરવાની સલાહ જાણકારો આપતા હોય છે, પણ આ ગીત જુઓ… અહીં મજા જ બેવડા નશાની છે.. એક નશો તો ભાવેણા પંથકની તળપદી ભાષાની અને બીજો નશો છે ખંડિતા નારીના હૈયે ઉકળતા ચૂલાની ગરમીનો…

પોતાના પતિની આંખમાં અવર સ્ત્રીને જોઈને ઉગેલા ઓરતા પત્નીની નજરથી કંઈ છાના રહે? કુદરતે એની આંખમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટૉલ કરી આપ્યા છે. ઈર્ષ્યાની મારી એની ભીતરમાં આગ ઊઠે છે અને પારાવાર દાઝ ચડે છે. નાયિકા સમજે છે કે એનો એના પતિ સાથેનો (કુ)મેળ કાગડો દહીંથરું લઈ જવા બરાબરનો જ થયો છે, પણ મન મોટું રાખીને આજ લગી એ એનું ઘરબાર સાચવતી આવી છે, બપોરના તાપનીય દરકાર કર્યા વિના ખેતરમાં વેઠ પણ કરતી રહી છે અને બદલામાં પકવાનની કોઈ આશા રાખવાના બદલે થાળીમાં આવતા ધાન-રોટલામાં એણે સંતોષના ઓડકાર ખાધા છે. આટઆટલું કર્યા પછી પણ મનનો માણીગર રવલીની પાછળ ભાનસાન ખુએ એ કેમ પોષાય? એ નક્કી કરે છે કે આજથી બધું ઘરકામ બંધ. અને નફામાં એની વાંકદેખી માને એ બેવફા સનમનું ભોપાળું કહી દેવાની ધમકીય ઉચ્ચારે છે કે લે બાઈ! જો આ તારો દીકરો… મલલમની સુંવાળપ છોડીને એ માદરપાટમાં જઈ મોહ્યો છે…

અગત્યની વાત એ છે કે નાયિકા કેવળ ધમકી આપે છે, સાસુને સાચુકલી ચુગલી કરતી નથી. એનો વણલખ્યો આશય તો યેનકેન પ્રકારે પિયુજીની પુનઃપ્રાપ્તિ જ છે કેવળ…

કેવું સુવાંગ સુંદર ગીત!

Comments (17)

(કોઈ પંખીને એવું કંઈ પૂછતાં નહીં) – હિતેશ વ્યાસ

કોઈ પંખીને એવું કંઈ પૂછતાં નહીં કોઈ દી’ કે, માથે આ કેવડું આકાશ છે?
ક્યાં ક્યાં એ આજ લગ ઊડીને આવ્યાં ને આગળ ક્યાં ઊડવા અવકાશ છે?

સ્ટૉરરૂમ-બૉરરૂમ માળામાં હોય નહીં, હોય નહીં દાણાના કોઠા,
સાતે પેઢીના વળી દાણા હો તોય નહીં એવા પંખીને ગણે મોટા,
બાપુજી વારસામાં મોટું આકાશ દઈ ગુજર્યા હો એવી કઈ જાણ છે?
કોઈ પંખીને એવું કંઈ પૂછતાં નહીં કોઈ દી’ કે, માથે આ કેવડું આકાશ છે?

ભાળ્યું છે પંખીને ચિંતાઓ કરતાં કે મોટું થઈ ઈંડુ શુ થાશે?
ભરભાદર થાશે ને દૂર લગી ઊડશે ને ઊડીને પરદેશે જાશે;
પંખી ક્યે, સઘળી આ ચિંતાઓ જાણે કે પિંજરાનો લાગે આભાસ છે.
કોઈ પંખીને એવું કંઈ પૂછતાં નહીં કોઈ દી’ કે, માથે આ કેવડું આકાશ છે?

ભગલાભઈ રોજ રોજ ઊઠીને દી’ પૂરતા દાણા જે નાંખે, તે ખાય છે,
કોઈ દી’ જો ભૂલથી એ ઝાઝું નાંખે ને, તો પંખી ક્યાં હારે લઈ જાય છે?
છેડો ક્યાં આભનો ને ક્યાંથી મંડાય એવું જાણવાનો ક્યાં કંઈ પ્રયાસ છે?
કોઈ પંખીને એવું કંઈ પૂછતાં નહીં કોઈ દી’ કે, માથે આ કેવડું આકાશ છે?

– હિતેશ વ્યાસ

તાજેતરમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, અમદાવાદ ખાતે મેદાન મારનાર તરવરિયા કવિઓમાંના એક તે હિતેશ વ્યાસ. કવિ સાથેનો આ મારો એ પ્રથમ પણ સુખદ પરિચય.

પંખીને પ્રતીક બનાવી કવિ સ-રસ ગોઠડી આપણી સાથે માંડે છે. પંખીમાત્રને કેવળ ઊડવા સાથે નિસબત હોય છે. આકાશ કેટલું વિશાળ છે અને ભૂતકાળમાં શું કર્યું કે ભવિષ્યમાં શું કરવાને અવકાશ છે એવી બાબતો પંખીને માટે ગૌણ છે. એ કેવળ આ ક્ષણમાં જીવે છે. ન તો તેઓ માળામાં આવતીકાલ કે આવતી પેઢી માટે કશું એકઠું કરે છે, ન તેઓને એવી બાબતની કોઈ તમા છે. એમની દુનિયામાં બધા એકસમાન સ્થાને છે. વારસાઈ-ફારસાઈની વાતો પણ અહીં કરવાની થતી નથી. ઈંડાની કે ઈંડાના ભવિષ્યમાં તેઓ લોહીઉકાળો પણ કરતાં નથી, ને બચ્ચાં મોટાં થઈ, સમાજમાં પ્રતિષ્ઠા પામતાવેંત ઊડી જશે એવી કોઈ ચિંતાઓ પણ એમને સતાવતી નથી, કેમકે ચિંતા આખરે તો એક પિંજરું જ છે અને પંખીને કેવળ આજ અને આઝાદી જ પસંદ છે. કોઈ ચણ નીરે તે ખઈ લે છે અને ચણ વધારે પડ્યું હોય તો તેઓ સાથે પણ લઈ જતાં નથી. આકાશ ક્યાં શરૂ થાય અને ક્યાં જઈ પતશે એની પળોજણમાં પડવાનો પ્રયાસ પણ પંખી કરતાં નથી. ટૂંકમાં, પંખીપારાયણના નામે કવિ આપણને જિંદગી જીવવાના પદાર્થપાઠ બહુ સારી રીતે શીખવે છે…

ભાવબાંધણીની રીતે ગીતનો પિંડ અદભુત બંધાયો છે. ભાવ સઘન હોય, એટલે તદનુરૂપ શબ્દો તો અવશ્ય આવવાના જ. પણ એ દરમિયાનમાં ભાષાની નાજુકાઈ અને વ્યંજનાર્થ સાથે હજી થોડું ઝીણવટભર્યું અને ચીવટભર્યું કામ પાર પડાય તો ગુજરાતી ગીતની આવતીકાલ વધુ ઉજળી હોવા બાબતે કોઈ મીનમેખ નથી.

Comments (14)

(કાયમ નહીં રહે) – લવ સિંહા

હમણાં તો બહુ લગાવ છે, કાયમ નહીં રહે,
મારાપણાનો ભાવ છે, કાયમ નહીં રહે.

થોડા ‌વખત પછી મને આદત પડી જશે,
હમણાં ભલે અભાવ છે, કાયમ નહીં રહે.

એ વાત છે જુદી કે અમે બોલતા નથી,
ઈશ્વરથી મનમુટાવ ‌છે! કાયમ નહીં રહે.

અત્યારે તો મળ્યું એ બધું ભોગવું છું હું,
એનો જરા પ્રભાવ છે કાયમ નહીં રહે.

જોવા ગમે એ ચહેરા ઉતરવાના આંખથી,
વસ્તુનો‌ જે ઉઠાવ છે કાયમ નહીં રહે.

જો હોય ઓળખાણ ભીતર તો‌ લગાવજે,
તારો જે આ સ્વભાવ છે, કાયમ નહીં રહે.

– લવ સિંહા

તાજેતરમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, અમદાવાદ ખાતે યોજાયેલ નવોદિત કવિઓના સંમેલનમાં રજૂ થયેલ તમામ કવિઓએ મેદાન મારી લીધું હતું. એ સાંજે લવ સિંહાને પ્રથમવાર મળવા-સાંભળવાનું થયું. મુશાયરો બહુ આસાની અને આત્મવિશ્વાસથી જીતી લેવામાં બાહોશ આ કવિની એક ગઝલ આજે માણીએ. ‘કાયમ નહીં રહે’ જેવી સહજ રદીફને કવિએ કેવી સરસ રીતે મલાવી જાણી છે તે નોંધવા જેવું છે! સમય સાથે ભાષાની બારીકી અને બિનજરૂરી શેરો પર સ્વ-ગત નિયંત્રણ રાખવાની ચોકસાઈ કેળવાશે એટલે ગુજરાતી ગઝલના હારમાં વધુ એક નક્શીદાર મોતી ઉમેરાશે એ બાબતે કોઈ શંકા નથી.

Comments (10)

નમન દેજે – નાઝિર દેખૈયા

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે;
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.

સદાયે દુઃખમાં મલકે મને એવાં સ્વજન દેજે;
ખિઝાંમાં પણ ન કરમાયે મને એવાં સુમન દેજે.

જુદાઈ જિંદગીની, કાં જીવનભરનું મિલન દેજે;
મને તું બે મહીંથી એકનું સાચું વચન દેજે.

જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો;
હું પરખું પાપને મારાં, મને એવાં નયન દેજે.

હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતાં;
કમળ બીડાય તે પ્હેલાં ભ્રમરને ઉડ્ડયન દેજે.

સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું;
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.

ખુદાયા! આટલી તુજને વિનંતી છે આ ‘નાઝિર’ની;
રહે જેનાથી અણનમ શીશ, મુજને એ નમન દેજે.

– નાઝિર દેખૈયા

ગયું વર્ષ કવિશ્રી નાઝિર દેખૈયાની જન્મશતાબ્દિનું વર્ષ હતું. કવિના પૌત્ર તબીબકવિ ડૉ. ફિરદોસ દેખૈયાએ કવિની તમામ ગ્રંથસ્થ-અગ્રંથસ્થ કૃતિઓનું સંકલન કરીને ભારે જહેમત લઈને ‘એ વાત મને મંજૂર નથી’ નામે કવિની સમગ્ર કવિતા (Oeuvre)નો સંગ્રહ પ્રગટ કર્યો છે. આ દળદાર ગ્રંથ સહુ કાવ્યપ્રેમીઓએ અચૂક વસાવવા જેવો છે. સંગ્રહમાંથી એક રચના આજે આપ સહુ માટે રજૂ કરીએ છીએ…

Comments (10)

(રોજ નિશ્ચય કરું તે તૂટે છે) – હનીફ સાહિલ

રોજ નિશ્ચય કરું ને તૂટે છે
આમ છૂટીને કોણ છૂટે છે

જે ક્ષણે હેાઉં છું હું નિદ્રામાં
તે ક્ષણે કોણ પીડ ઘૂંટે છે

આમ એકાંત ઉમટે ભરચક
આમ ખાલીપણુંય ખૂટે છે

એક પળનેા જ માણીએ મેળો
એક પળ હાથથી વછૂટે છે

કેમ કરતાં ગઝલ લખું છું હું
ઘેન જેવું આ કોણ ઘૂંટે છે

શી ખબર શ્વાસની સફર લાંબી
આજ ખૂટે કે કાલ ખૂટે છે

– હનીફ સાહિલ

ટૂંકી બહરમાં મોટું કામ. બધા શેર ઉમદા થયા છે, પણ આપણે પહેલા બે શેર પર નજર નાંખીએ.

નિશ્ચય કરવા એ તો આપણો સ્વભાવ છે જ, પણ લીધેલા નિશ્ચયનું પાલન ન કરવું એય આપણી પ્રકૃતિ છે. આ તો સર્વવિદિત વાત છે. આમાં કોઈ કવિતા નથી. ખરી કવિતા તો આ તથ્યની માંડણી કરી લીધા બાદ કવિએ કરેલા સવાલમાં છે. કવિનો સવાલ એ છે કે નિશ્ચયપાલનમાંથી આપણું રોજેરોજ છૂટી જવું એ ખરેખર છૂટી જવું ગણાય ખરું? ચક્ર નિશ્ચયનું હોય કે બીજી કોઈ પણ બાબતનું, જ્યાં સુધી ચક્રમાં ફેરા મારી રહ્યાં હોઈએ ત્યાં સુધી છુટ્ટા કઈ રીતે કહેવાઈએ? બે સાવ નાની અમસ્તી પંક્તિઓમાં કેવી મોટી વાત!

ઊંઘ અને મૃત્યુ બન્નેમાં એકમાત્ર તફાવત જાગી અને ન જાગી શકાવાનો છે, અન્યથા બંને એકસમાન છે. કવિને સવાલ એ થાય છે કે જે ક્ષણે હું નિદ્રાધીન હોઉં એ ક્ષણે હું સંસારની તમામ પળોજણોથી, પીડાઓથી મુક્ત હોવો જોઈએ, એના બદલે એવું કોણ છે જે મને સુખેથી સૂવા સુદ્ધાં નથી દેતું?

Comments (8)

(ઇશારે ચડી ગયા) – હરીશ ઠક્કર

અમથા અમે જરાક ઇશારે ચડી ગયા,
એના હૃદયના રંગ તો ગાલે ચડી ગયા!

એની નજરમાં આવવા વાચાળ જો થયા,
એમાં તો કઈકની અમે આંખે ચડી ગયા!

કરતો હતો હું વાતને બહેલાવીને જરા,
કિસ્સા કોઈના કોઈને નામે ચડી ગયા!

રમતું હતું સવારનું અજવાળુ આંગણે,
તડકા જુવાન શું થયા, માથે ચડી ગયા!

પૃથ્વીને મન રમત હશે, ફરતી રહે સતત;
અમથા દિવસ ને રાત રવાડે ચડી ગયા…

ક્યાંથી વિચાર આવે છે? ક્યાં જાય છે વિચાર?
એવું વિચારવામાં વિચારે ચડી ગયા!

– હરીશ ઠક્કર

લયસ્તરો પર આજે કવિના બીજા સંગ્રહ ‘અમથા અમે જરાક ઇશારે ચડી ગયા’નું સહૃદય સ્વાગત…

રમતિયાળ ગઝલમાં રદીફને પણ કવિએ બરાબર રમતે ચડાવી છે. ‘ચડી જવું’ ક્રિયાપદ સાથે સંકળાયેલ રુઢિપ્રયોગોને કવિએ બખૂબી ગઝલમાં વણી લીધા છે. કોઈના ઇશારે ચડવામાં બહુ માલ નહીં, સાહેબ… જરા અમથા કોઈના ઇશારે ચડી જવામાં સામા માણસના રંગમાં રંગાઈ જવાય તો કંઈ કહેવાય નહીં. સવારે મુલાયમ લાગતો સૂર્ય બપોરે માથે ચડે એ તથ્યને કવિએ દીકરા મોટા થઈને માથાભારે થઈ જાય કે માણસ પ્રગતિ- સફળતા મેળવીને તુંડમિજાજી થઈ જાય એ વાત સાથે અદભુત રીતે સાંકળી લીધું છે. પૃથ્વીના પોતાની ધરી પરના પરિભ્રમણના કારણે પરિણમતા દિવસ-રાતવાળો શેર તો કેવો અદભુત થયો છે! અને એમાંય ‘રવાડે ચડી જવું’ રુઢિપ્રયોગનો વિનિયોગ કવિની ભાષાસજ્જતાનો દ્યોતક છે. અને ભાષાની જ વાત કરીએ તો છેલ્લો શેર જુઓ… વિચાર સાથે શબ્દરમત આદરીને કવિએ કેવો કમાલ કર્યો છે! આ પ્રકારની શબ્દરમતો કવિની એક આગવી ઓળખ પણ છે, જે એમની ગઝલોમાં વારંવાર જોવા મળે છે.

Comments (21)

(ઝાડવાં આવ્યાં રણે) – ડૉ. જિતુભાઈ વાઢેર

કોઈ આવી ખટખટાવે બારણે,
લાગતું કે ઝાડવાં આવ્યાં રણે.

કો’ક સાચી, કો’ક જાલી નોટ છે,
કો’ક દી’ તો એ ચળાશે ચારણે!

કાંઈ પણ વ્યાધિ કે ઝંઝાવાત નહિ,
બાળપણ કેવું સૂતું છે પારણે!

તુંય સારું જીવ ને હું પણ જીવું,
બેઉનું બગડે છે ખોટાં કારણે.

જિંદગી એવી નકામી તો નથી,
આખરે આવ્યો હું એવા તારણે.

– ડૉ. જિતુભાઈ વાઢેર

લયસ્તરોના આંગણે કવિ અને કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘એક સદીનો પોરો’ -ઉભયનું સહૃદય સ્વાગત…

સાદગીનું સૌંદર્ય ઊડીને આંખે વળગે છે. જીવન રણ જેવું ઉજ્જડ બની ગયું હોય ત્યારે બારણે દેવાયેલ ટકોરા જાણે ઝાડવાં સામાં ચાલીને રણે આવ્યાં હોવાની સુખદ અનુભૂતિ થાય છે. જિંદગીના ખાલીપાને આવી તીણી ધાર કાઢી આપે છતાં મખમલ સમા મુલાયમ આવા શેર ભાગ્યે જ જોવા મળે છે. વહેલું કે મોડું, પણ સમયના ચાળણો સાચા-ખોટાને અલગ તારવી જ દે છે. મોટાભાગે બન્ને પક્ષ ખોટાં કારણો પકડીને બેસી રહેતાં હોવાથી આપણા સંબંધોમાં જીવન બચતું નથી. સંબંધ ટકાવી રાખવાની ખરી કૂંચી તો ‘खुद जीओ, औरों को भी जीने दो’ની ફિલસૂફી અપનાવવી એ છે. બધું જ નકામું લાગતું હોવા છતાં જિંદગી કંઈને કંઈ તો આપતી જ હોય છે…

Comments (11)