યુગોના વળગણોને છોડવામાં વાર લાગે છે,
જૂની હો તોય સાંકળ તોડવામાં વાર લાગે છે.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for June, 2020

હવે બોલવું નથી – સૈફ પાલનપુરી

આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી;
રૂપાળું એક નામ, હવે બોલવું નથી.

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું,
કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી.

પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી.

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.

‘સૈફ’ પાલનપુરી

 

……..હવે બોલવું નથી……

Comments (3)

થોડા દિવસો પહેલાં તો… – મનોહર ત્રિવેદી

થોડા દિવસો પહેલાં તો*
વૃક્ષ પરથી સૂરનો પગરવ ફળિયે આળેખાતો.

પાન છાંયડા ઢોળે
નીચે ઘરના બાળક ન્હાય
કોરી કરતો પવન હંમેશા
રજોટાયેલી કાય

ચાંદરણાં થૈ વચ્ચે-વચ્ચે તડકો ઉલેચાતો.

ઠીબ, નીડ ડાળી પંખીનાં
દૃશ્યો ભેળાં રમતા
આજ હવે ખંડેર : ઘૂમતી
કેવળ ખાલીખમતા

ચુડેલ કે હશે ચન્દ્રીનો – ત્યાં પાલવ લહેરાતો !

હુક્કામાંથી ઊઠે ધુમાડા
એમાં ઊઠે પ્રેત
દાદાજીની કથા નહીં :
ભીંતેથી ખરતી રેત

જૂના ઘરથી પાછા વળતાં પથ પગમાં અટવાતો
થોડા દિવસો પહેલાં તો…

– મનોહર ત્રિવેદી

(*યોગેશ જોશીના હેલોવીન અછાંદસની પ્રથમ પંક્તિ)

સમય અને માણસ –આમ તો બંને આગળ વધ્યે રાખે છે, પણ બંનેમાં નોંધપાત્ર ફરક એ છે કે સમય કદી પાછો વળી શકતો નથી. ગામનું જૂનું ઘર ત્યાગી દઈ નાયકનો પરિવાર કદાચ શહેર સ્થળાંતરિત થઈ ચૂક્યો છે અને કોઈક કારણોસર આજે એ ગામ પરત ફરી જૂના ઘરની ઊડતી મુલાકાત લે છે એનું આ ગીત છે. થોડા દિવસો પહેલાં આ ઘરનું આંગણું પક્ષીઓના ચહચહાટથી ગૂંજતું હતું. કવિ કહેતાં નથી કે ત્યાં આજે સૂનકાર છે પણ એ સન્નાટો આપણને પહેલી પંક્તિથી જ સંભળાવા માંડે છે. જે વૃક્ષના છાંયડામાં અને ધૂળમાં મસ્તીમાં આળોટતાં બાળકોને સાફ કરી આપતો પવન, તડકાનાં ચાંદરણાં, અને ઠીબ-માળો-પંખીઓ ભેળાં મળી મજાનાં દૃશ્યચિત્રો આળેખતાં હતાં, એ જગ્યાએ હવે ખાલીખમતા ઘૂમી રહી છે. ખાલીખમતા કવિએ કૉઇન કરેલો શબ્દ છે. ચાંદનીનો પાલવ ચુડેલ જેવો ભાસે છે અને દાદાજીના હુક્કાના ધુમાડામાંથી વાર્તાના સ્થાને પ્રેત ઊઠી રહ્યાં છે. સમય આગળ વધી ગયો છે, માણસ પણ કદાચ આગળ વધી ગયો છે પણ આગળ વધતી વખતે રસ્તો પગમાં અટવાતો હોય એમ ચાલવામાં તકલીફ વર્તાય છે. બાલમુકુન્દ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ –ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણીકા- તરત યાદ આવી જાય છે.

Comments (8)

(ઘાયલ કરો) – મધુસૂદન પટેલ ‘મધુ’

જો ખરેખર પ્રેમ છે તો જાવ ‘ને હાંસલ કરો,
ઘુંઘરૂની જાત પર જાદુ કરી પાયલ કરો.

પ્રેમમાં કંઈ ખાસ કરવાનું કશું હોતું નથી,
જેમણે ઘાયલ કર્યા છે, એમને ઘાયલ કરો.

હોય હા, તો સ્હેજ બસ માથું હલાવો, કાં પછી
‘ના’ લખીને સહી કરો ‘ને વાત રદબાતલ કરો.

આ જગત પાગલ ન લાગે તો પછી કહેજો મને,
કોઈ પણ વાતે પ્રથમ તો જાતને પાગલ કરો.

એનું સરનામું કે નંબર કંઈ નથી તો શું થયું?
આંખ મીંચીને મનોમન નામને ડાયલ કરો.

– મધુસૂદન પટેલ ‘મધુ’

ખુમારી! નકરી ખુમારી! અને એ પણ કેવી! વાહ, કવિ! એક પાગલવાળો શેર પ્રમાણમાં ઠીકઠાક લાગ્યો પણ એ સિવાયના ચારેય પર તો સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થાય એવા સશક્ત!

Comments (4)

લાજ ન રહીએ – અખો

લાજુ લાજ ન રહીએ, સહી એ
.             ઐસા લાગ ગયા ન આવે રે!
નીડર હોકર જે જઈ લાગે,
.             સો શામ અનેરા પાવે રે!
.                             લાજુ, લાજ ન રહીએ!

ગલે બાંહાંકા સુખ જયુનૂં નહીં દેખ્યા,
.             સો બાહાર ફરે બુધ્યહીણી રે,
ચતુરપણાં મૂરખ હોય નીમડ્યા,
.             જો તું વાત ન સમજી ઝીણી રે
.                             લાજુ, લાજ ન રહીએ!

બારે માસ રહે ઘૂંઘરટી,
.             મન જાણે હું જાગી રે,
જાગણ તેરા નીંદ સરીખા,
.             જો તું સાથી કંઠ ન લાગી રે!
.                             લાજુ, લાજ ન રહીએ!

ચલે સહિજ મેં હરતી ફરતી
.             લેવે લ્હાવા – પણ લૂખી રે,
આછા અંગ દેખાવે લોકા
.             પણ ભોગ બીના તું ભૂખી રે!
.                             લાજુ, લાજ ન રહીએ!

લટકા લાલાલનકા લ્હાવા,
.             લીના નહિ જશ નારે રે,
સો ભૂલી ભામ્યની મહાભૂંડી,
.             કહ્યા બહોત સુનારે રે!
.                             લાજુ, લાજ ન રહીએ!

– અખો

અખાને આપણ્રે એના ચાબખા ફટકારતા છપ્પાઓ વડે જ ઓળખીએ છીએ, પણ અખા પાસેથી એ સિવાય પણ ઘણી કવિતાઓ મળે છે. અખો ક્રમશઃ અદ્વૈતવાદી બન્યો હતો અને જીવ-શિવ એકાકારની માન્યતા ધરાવતો હતો. તત્કાલિન ‘લાજુ’ સંબોધન આપણને પ્રવતમાન ‘લાજો’ની યાદ અપાવે છે. સખી રે (સહી એ)ને સંબોધીને અખો કહે છે કે બહુ લાજશરમમાં રહેવાની જરૂર નથી. આવો લાગ (મનુષ્ય તરીકેનો જન્મ) ગયો તો ફરી મળશે નહીં, એટલે ડર મૂકીને જે ગળે લાગી એકાકાર થઈ જશે એ જ અનેરા શ્યામને પામી શકશે.

જેણે આલિંગનનું સુખ નથી જોયું, એ બુદ્ધિહીન સમા બહાર આંટા માર્યા કરે છે. ઝીણી વાત અર્થાત્ સૂક્ષ્મ જ્ઞાન- બ્રહ્મનું જ્ઞાન ન સમજનાર કહેવાતાં ચતુર પણ ખરેખર મૂરખ છે. જ્ઞાન અને અજ્ઞાન, જીવ અને શિવને જે સમજતાં નથી, એનું જીવન ઘૂંઘરટી (ઊંઘરેટી) અવસ્થા છે, જે જાગવા છતાં ઊંઘ્યા બરાબર છે.

જ્ઞાની હોવું અને જ્ઞાનનો અનુભવ હોવો – એ બે અલગ વાત છે. જ્ઞાની થઈ ફરવું એ દેહનો આછોપાતળો દેખાડો કરવાથી વિશેષ કંઈ નથી. ભોગ (પ્રત્યક્ષ જ્ઞાનાનુભવ) વિનાનો જ્ઞાની ભૂખ્યો જ ગણાય. લાલનના લટકાનો લહાવો લેવાનો જશ પ્રાપ્ત ન થયો હોય એ ભૂંડી ભામિની (જીવ) ભૂલો પડેલો જીવે છે. આમ, અખા સુનાર (સોની)એ થોડામાં બહુ વધારે કહી દીધું છે. જ્ઞાનને ગળે લાગવા માટે લાજનો (અજ્ઞાનનો, મોહનો, અહમનો) ઘુંઘટ હટાવવો જ પડે… (કબીર યાદ આવે: ઘુંઘટ કે પટ ખોલ, તોહે પિયા મિલેંગે)

Comments (9)

સામ્રાજ્ય – મનીષા જોષી

મને ઝરૂખામાં બેસાડો.
મને વીંઝણો નાંખો
મને અત્તરના હોજમાં નવડાવો.
મારા સૌંદર્યની, શૌર્યની પ્રશંસા કરો.
કોઈ ચિત્રકારને બોલાવો મને દોરવા.
કોઈ શિલ્પીને બોલાવો મને કંડારવા.
મારો સ્વયંવર રચાવો.
જાવ, કોઈ વિદૂષકને બોલાવો
મને હસાવો.
ક્યાં ગઈ આ બધી દાસીઓ?
કેમ, કોઈ સાંભળતું નથી?
મને લાગે છે કે હું મારું સામ્રાજ્ય હારી ચૂકી છું.
બધા જ ગુપ્તચરો પીછેહઠના સંદેશાઓ લાવી રહ્યા છે.
જોકે આમ પણ હું ક્યાં કશું જીતવા માગતી હતી ?
એક રાજવી તરીકેના મારા અભિમાનનું
મહામુશ્કેલીથી જતન કરી રહી હતી એટલું જ.
મારી પાંચેય આંગળીઓમાં સાચા હીરા ઝગમગી રહ્યા છે.
જે હવે થોડી જ વારમાં મારે ચૂસી લેવા પડશે.
પણ એ પહેલાં,
રેશમી પરદાઓથી સજાવેલા આ અગણિત ખંડો
જે મેં ક્યારેય પૂરા જોયા નથી,
એ જોઈ લેવા છે. અને
દીવાનખંડમાં મૂકેલા, મારા પૂર્વજોએ શિકાર કરેલા
ભયાનક સિંહ વાઘ, જે મસાલા ભરીને મૂકી રાખેલા છે
એ હવે ચીરીને ખાલી કરી નાખવા છે.

– મનીષા જોષી

જ્યારે પોતીકું તેજ હોતું નથી અને પારકે તેજે પ્રકાશવાનું હોય છે ત્યારે અંત આ જ હોય છે. વાત બાહ્ય જગતની હોય કે આંતરિક વિશ્વની, આત્મતેજ વિના સઘળું નોધારું રહ્યું….કરાલ કાળ મુખવટે છેતરાતો નથી.

Comments (4)

યાર, હું કોને કહું? – મુકેશ જોષી

સાતમું આકાશ મારું ક્યાંક ખોવાઈ ગયું છે યાર, હું કોને કહું?
સૂર્ય જેવું તેજ મારામાં હતું ને ક્યાં વહ્યું છે યાર, હું કોને કહું?

હું તરણ વિશે કશું ના જાણતો ને એ તરફ આખી નદી ભરપૂર છે
કોક જો મારા ભરોસે ડૂબવા માટે પડ્યું છે યાર, હું કોને કહું?

એક બાજુથી કરે અંધાર પીછો ભાગતી વેળા દીવો પ્રગટે નહીં
ને ઉપરથી વાયરા જેવું કોઈ સામે થયું છે યાર, હું કોને કહું?

શબ્દનું ચંદન ઘસીને લેપ કર, હું જિંદગીમાં આટલું દાઝ્યો નથી
એમણે ખાલી ઇશારાથી મને શું શું કહ્યું છે યાર, હું કોને કહું?

કેટલાં વર્ષોથી જેની રાહ જોઈ, ને પછી પાડોશીઓએ જે કહ્યું
બારણાં વાસેલ જોઈ એક જણ પાછું ગયું છે યાર, હું કોને કહું?

– મુકેશ જોષી

Comments (4)

રાહદારી – ટોમી બ્લૉન્ટ (અનુ.: વિવેક મનહર ટેલર)

*
(શિખરિણી)

અને જ્યાં એના સાઇડ મિરરથી એ ભરી ટ્રકે
ઉખેડી નાંખ્યો હાથ લગભગ મારો, નજરમાં

ચડ્યો ત્યાં એનો ડ્રાઇવર ખિખિયાતો મિરરમાં,

ન ધારી’તી એવી ભયજનક બીના ઘટી, અરે!
ન વાંધો, ના તો રાવ કરું હું કશે, લાભપ્રદ એ

મને છે, હા, એવું સહજ સ્મિતથી એ કહી ગયો;

ડર્યો થોડો એયે, મુખ પણ થયું લાલ ઘડી તો,
ગયો નક્કી આજે હું, પળભર માટે થયું મને.

બતાવી બત્રીસી ઘડીપળ જ એણે, શું હતું એ?

નહોતો એ ગુસ્સો, અગર હતી તો તાકીદ હતી-
‘તું ઠંડો થા, ને જો બધું સરસ છે, ની [ચ/કળ], જા,

શું દાટ્યું ગુસ્સામાં? થતું, થયું, થશે આ જ સઘળે.

‘થયું એ ભૂલી જા’, ક્વચિત્ હું હતો એ મગતરૂં
ન જોયું એણે જે, પણ હું ન ચૂક્યો કૈં નીરખવું.

– ટોમી બ્લૉન્ટ
(અનુ.: વિવેક મનહર ટેલર)

*

જ્યૉર્જ ફ્લૉઇડનું નામ આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ નામ જાણતું નહીં હોય. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ૪૬ વર્ષની વયના જ્યૉર્જે નોકરી ગુમાવી અને માત્ર વીસ ડૉલરની બનાવટી નોટથી સિગારેટ ખરીદવાના ગુનાસર ૨૫મી મે, ૨૦૨૦ના રોજ અમેરિકાના મિનિઆપોલિસમાં એની ધરપકડ કરાઈ, એ દરમિયાન ડેરેક ચૉવિન પર રંગભેદનું ભૂત સવાર થઈ ગયું અને નિઃસહાય નિઃશસ્ત્ર જ્યૉર્જને જમીન પર ઊંધો પટકી દઈ હાથકડી પહેરાવવાના બદલે એની ગળચી પર પોણા નવ મિનિટ સુધી ઘૂંટણ દબાવી રાખીને એણે કાયદાની ઓથે જાહેરમાં નિર્મમ હત્યા કરી.

રંગભેદ, જાતિભેદ કે વંશભેદ કંઈ આજકાલના સમાજની પેદાશ નથી. એ તો પરાપૂર્વથી ચાલતાં આવ્યાં છે. ત્રેવીસસોથીય વધુ વર્ષ પહેલાં એરિસ્ટોટલે ગ્રીક લોકોને અન્ય લોકો કરતાં ચડિયાતાં ગણાવી અન્યોને ગુલામ લેખાવ્યાં હતાં. એ સમયે શારીરિક લક્ષણો અને સભ્યતા (એથ્નોસેન્ટ્રિઝમ) ભેદભાવના પ્રમુખ સાધન હતાં. પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારતમાં પણ કર્ણને સૂતપુત્ર હોવાના કારણે એના અધિકારોથી વંચિત રખાયો હતો. કદાચ એ દુનિયાનો પ્રથમ જાતિવાદ હતો.

રંગભેદની આ નીતિ પર કુઠારાઘાત કરવાના બદલે માત્ર હળવી ટકોર કરીને આપણા સમગ્ર સંવેદનાતંત્રને હચમચાવી નાંખે એવું આ સૉનેટ છે. શ્વેત ડ્રાઇવર એની વજનદાર ટ્રક વડે (કદાચ ભૂલમાં) રસ્તે ચાલતા અશ્વેત રાહદારીને જોરદાર ટક્કર મારી બેસે છે, પણ પછી થોભીને સૉરી કહેવાના બદલે ખિખિયાટાં કરતો પસાર થઈ જાય છે. આ આખી ઘટનાને અશ્વેત રાહદારી કઈ રીતે જુએ છે, એ આ સૉનેટના ચશ્માંમાંથી આપણને જોવા મળે છે.

*
The Pedestrian

When the pickup truck, with its side mirror,
almost took out my arm, the driver’s grin

reflected back; it was just a horror

show that was never going to happen,
don’t protest, don’t bother with the police

for my benefit, he gave me a smile—

he too was startled, redness in his face—
when I thought I was going, a short while,

to get myself killed: it wasn’t anger

when he bared his teeth, as if to caution
calm down, all good, no one died, ni[ght, neighbor]—

no sense getting all pissed, the commotion

of the past is the past; I was so dim,
he never saw me—of course, I saw him.

– Tommye Blount

Comments (3)

ચાકર રાખોજી – મીરાંબાઈ

મ્હાંને ચાકર રાખોજી,
.         ગિરધારી લાલ, મ્હાંને ચાકર રાખોજી!

ચાકર રહસું, બાગ લગાસૂં,
.         નિત ઊઠ દર્શન પાસૂં;
વૃંદાવન કી કુંજ – ગલનમેં
.         ગોવિંદા – લીલા ગાસૂં રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

ચાકરી મેં તો દરસન પાઊં,
.         સુમરિન પાઊં ખરચી;
ભાવ–ભગતિ જાગીરી પાઊં,
.         તીનોં બાતાં સરસી રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

મોર મુકુટ પીતામ્બર સોહે,
.         ગલે બૈજંતી માલા;
વૃન્દાવનમાં ધેનુ ચરાવે,
.         મોહન મૂરલીવાલા રે!
.                                   મ્હાંને ચાકર રાખોજી!

ઊંચે ઊંચે મહલ બનાઊં
.         બિચ બિચ રાખુ બારી;
સાંવરિયા કે દરસન પાઊં
.         પહિર કસુમ્બી સારી રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

જોગી આયા જોગ કરનકો,
.         તપ કરને સંન્યાસી;
હરિભજન કો સાધુ આયે
.         વૃન્દાવનકે વાસી રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા,
.         હૃદે રહોજી ધીરા;
આધી રાત પ્રભુ દરસન દીજો
.         પ્રેમનદીને તીરા રે!
.                                   મ્હાંને ચાકર રાખોજી!

– મીરાંબાઈ

મિશ્ર ગુજરાતી-રજસ્થાની (મારૂ ગુર્જર) ભાષામાં મીરાંબાઈના પ્રેમલક્ષણા ભક્તિનાં પદો છે..ક એના દિલના તળિયેથી કોઈપણ આયાસ વિના ઉદભવ્યાં હોવાથી આટઆટલા વર્ષોનાં વહાણાં વાઈ જવા છતાંય આપણને મંત્રમુગ્ધ કરતાં રહે છે. એની વાણીમાં અંતરની સચ્ચાઈ અને સર્વાંગ સમર્પિતતા સિવાય બીજું કશું નહીં જડે.

કૃષ્ણને શેઠ તરીકે એ કલ્પે છે એટલે ગિરધારી સાથે ‘લાલ’નો તડકો લગાવે છે. ગિરધારીલાલના ચાકર બનવાની અરજી લઈ મીરાં આપણી સમક્ષ આવે છે. ચાકર બનવા પાછળની એની મંશા તો જુઓ… ચાકર બનશે તો એ બાગનું ધ્યાન રાખશે, કૃષ્ણ રોજ સવારે બાગમાં તો આવશે જ એટલે રોજ ઊઠીને એના દર્શન કરવા મળશે. આ દર્શન એનો પગાર, નામસ્મરણ ખર્ચી; અને ભાવભક્તિ એની જાગીર. પ્રેમનદીના કિનારે અડધી રાત્રે ગહન-ગંભીર શ્રી કૃષ્ણના દર્શન થાય એટલે મીરાંને મન તો ભયો-ભયો…

Comments (7)

(ભૂલ કરી છે ભારી) – જુગલ દરજી

ભૂલ કરી છે ભારી,
અંગત જે કંઈ હતી વેદના વાણીમાં આકારી.

હવે નહીં રહે લાગણીઓને માન,મહત્તા,મોભો.
હવે દિલાસા રૂપે જળમાંથી ભરવાનો ખોબો!
અભિવ્યક્ત થાવાની કિંમત કેવળ બસ લાચારી!
૦ભૂલ કરી છે ભારી

‘થયું’, ‘થશે’,થાવાની અવઢવ ગઈ હાથથી છટકી,
જાણે કૂણી ડાળ ઝાડથી ઓચિંતી ગઈ બટકી!
શુષ્ક થવાની આખ્ખી ઘટના ઘટી ગઈ અણધારી
૦ભૂલ કરી છે ભારી

– જુગલ દરજી

અંગત અનુભૂતિ ક્યારેક અભિવ્યક્તિનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ઘણીવાર વાત આપણા હાથમાંથી નીકળી ગયેલી અનુભવાય છે. લાગણી એનું ખરું મૂલ્ય ખોઈ બેસે છે અને પછી દિલાસો વ્યક્ત કરવા સિવાય કશું બચતું નથી. કવિમિત્ર જુગલ દરજીએ આ વાતને કેવી સ-રસ રીતે ગીતમાં આકારી છે!

Comments (9)

એકલતાનું સરોવર – સુરેશ દલાલ

મારામાં ઊગે ને મારામાં આથમે
એ ઝાડવાંને કેમ કરી ઝાલું જી રે ?
લીલાંછમ પાંદડાં કરમાયાં એવાં
કે આ મેળામાં કેમ કરી મ્હાલું જી રે ?

મારામાં વાદળાં ઘેરાય ને વીખરાય :
જળને હું કેમ કરી ઝીલું જી રે ?
એકલતાનું આ સરોવર ઊભરાય
હું કમળ થઈને કેમ ખીલું જી રે ?

સૂની આ ગલીઓ ને સૂનાં મકાન છે :
એમાં જઈને કેમ મારે વસવું જી રે ?
આંખોમાં આંસુને સંતાડી રાખ્યાં
પણ કેમ કરી હોઠેથી હસવું જી રે ?

ચહેરો ઉતારું ને મ્હોરાને પહેરું :
મ્હોરું પહેરીને કેમ જીવવું જી રે ?
પૃથ્વીની પથારી પીંજાઈ ગઈ
ને ચીંથરેહાલ આભ કેમ સીવવું જી રે ?

– સુરેશ દલાલ

 

જાયેં તો જાયેં કહાં….સમઝેંગા કૌન યહાં દર્દભરે દિલકી ઝુબાં…..

Comments (1)

તું ઊગે તો શ્વાસ – તુષાર શુક્લ

તું ઊગે તો શ્વાસ
અને આથમે નિ:શ્વાસ
મારા હોવાનું નામ હવે સૂરજમુખી

ઝાકળનાં નળિયાં ને રેતીની ભીંત
મારે પડઘાની સોહે પછીત

ટહુકાની મેડીને ઝંખનાનો મોભ
મારી વેદનાને વળિયોથી પ્રીત

તું ઊગે ઉજાસ
અને આથમે અમાસ
મારા હોવાનું નામ હવે સૂરજમુખી

ઓકળિયે અંકાયા અક્ષર ઉકેલ
તને મળશે સંબંધ તણું નામ.

લીંપણની ભાષામાં સમજે છે કોણ
આ તો હૈયા ઉકલતનું છે કામ.

તું ઊગે ઉલ્લાસ
અને આથમે ઉદાસ
મારા હોવાનું નામ હવે સૂરજમુખી.

– તુષાર શુક્લ

 

મોરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ રે…..

Comments (1)

લાલ જરીભરત – નેઓમી શિહાબ નાયે (અનુ.: વિવેક મનહર ટેલર)

આરબ લોકો કહેતાં કે
જ્યારે કોઈ અજાણ્યો તમારા દ્વારે આવે,
એ કોણ છે,
એ ક્યાંથી આવ્યો છે,
એ ક્યાં જવાનો છે એની પડપૂછ કરતાં પહેલાં
ત્રણ દિવસ સુધી એની સરભરા કરો.
એમ કરવાથી, એનામાં જવાબ આપવા પૂરતી
તાકાત આવશે.
અથવા, ત્યાં સુધીમાં તમે
એટલા સારા મિત્રો બની જશો કે
તમને પરવા નહીં હોય એ વાતની.

ચાલો, પાછાં મૂળ વાત તરફ.
ભાત? બદામ?
આ લો, લાલ જરીભરતવાળો તકિયો.
મારો દીકરો તમારા ઘોડાને
પાણી પાશે.

ના, હું કંઈ વ્યસ્ત નહોતો તમે આવ્યા ત્યારે!
હું વ્યસ્ત થઈ જવાની તૈયારીમાં પણ નહોતો.
આ એ બખ્તર છે, જે દરેક જણ
એવો દેખાડો કરવા પહેરે છે કે આ દુનિયામાં
તેઓ કોઈક હેતુસર છે.

હું આ પ્રકારના દાવાઓથી પરે છું.
તમારી થાળી રાહ જોઈ રહી છે.
આપણે તાજો ફૂદીનો નાંખીશું
તમારી ચામાં.

– નેઓમી શિહાબ નાયે
(અનુ.: વિવેક મનહર ટેલર)

*

દરેક સંસ્કૃતિ કોઈક સમજ સાથે વિકસતી હોય છે. સેંકડો લોકોના દાયકાઓના અનુભવો ક્રમશઃ રિવાજ બનતાં હોય છે. આરબ સંસ્કૃતિમાં મહેમાન આવે ત્યારે કશુંય પૂછ્યા વિના એની આગતાસ્વાગતા કરવાનો રિવાજ છે. એને પકડીને પેલેસ્ટાઇન મૂળનાં અમેરિકન કવયિત્રી આગળ વધે છે, અને અતિથિ આવી ચડે ત્યારે વ્યસ્ત ન હોવા છતાં વ્યસ્ત હોવાનો દેખાડો કરી અવગણના કરવાની આજના સમાજની મનોવૃત્તિનું ધારદાર ચિત્રણ કરે છે. જ્ઞાન વધતું ગયું એમ એમ આપણી સમજણ ઘટતી ગઈ…

આરબ સભ્યતા અને अतिथि देवो भवःની આપણી સભ્યતા વચ્ચેની આ સમાનતા આપણને ચકિત કરે એવી નથી? દુલા ભાયા કાગ પણ તરત યાદ આવે:

હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો આપજે રે જી.
કેમ તમે આવ્યા છો ? એમ નવ કે’જે રે
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે.
‘કાગ’ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે.

*

Red Brocade

The Arabs used to say,
When a stranger appears at your door,
feed him for three days
before asking who he is,
where he’s come from,
where he’s headed.
That way, he’ll have strength
enough to answer.
Or, by then you’ll be
such good friends
you don’t care.

Let’s go back to that.
Rice? Pine nuts?
Here, take the red brocade pillow.
My child will serve water
to your horse.

No, I was not busy when you came!
I was not preparing to be busy.
That’s the armor everyone put on
to pretend they had a purpose
in the world.

I refuse to be claimed.
Your plate is waiting.
We will snip fresh mint
into your tea.

– Naomi Shihab Nye

Comments (16)

(આંબા પર દીઠું ગુલાબ) – રાવજી પટેલ

સાંભળ તો સખી આંબા પર ફૂટ્યું ગુલાબ
મારી છલકઈ ગઈ આંખોની છાબ.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

સાંભળ તો સખી એક ઝીણેરી મોરલાની ડાળ
નરી ટહુકાની નવીસવી વાડ,
વચ્ચે છાયુંમાયું ચંદનતલાવ,
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

સાંભળ તો એક કૂણા કૂણા કાંટાની વાત,
જાણે નાના ગુલાબ એમાં સાત.
મને વાગીને કરતો ઈલાજ.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

સાંભળ તો સખી મેં તો સમણામાં લંબાવ્યો હાથ,
મારી રોળઈ ગઈ રળીઢળી વાત.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…

– રાવજી પટેલ

સહજ વિચારધારાથી વિપરિત ચાલીને અસહજને સહજ બનાવી શકે એ જ કવિતા. કવિતા અસંભવનો હાથ ઝાલીને ચાલે તો ખરી, પણ એનો જાદુ જ એવો કે ભલભલું અસંભવ પણ સંભવ લાગે… આંબા પર ગુલાબ ફૂટવાની વાત કવિએ એટલી સહજતાથી કરી છે કે જરા સભાનતા ઓછી હોય તો ભાવકને એવો વિચાર સુદ્ધાં ન આવે કે આંબા પર ગુલાબ ફૂટે? પણ રાવજી આપણને ‘સાંભળ તો સખી’ કહીને એટલો નજદીક લાવી દે છે કે આપણને આંબા પર ગુલાબ ફૂટવાની સહેજે નવાઈ લાગતી નથી. આંબો ઘટાટોપ સાસરાંને ગણીએ તો સાહ્યબો એટલે ગુલાબ એ સહજે સમજી શકાય. અને એને જોતાવેંત નાયિકાની આંખોની આખી છાબ છલકઈ જાય છે… જો જો હંઅઅ… છાબ છલકાઈ નથી જતી, છલકઈ જાય છે… આંખોમાં હરખના આંસુ એ રીતે ઊમટી આવ્યાં છે, કે છલકાઈમાંના કાનાને એ સાથે ઘસડી લઈ ગયાં… છે ને કવિકર્મ!

બહુ નાની વયે વિદાય લઈ જનારે રાવજીને વિદાયનો દિવસ ઢૂંકડો આવે એ પહેલેથી જ સમજાઈ ગયું હતું કે એનો દીવો ઝાઝું ચાલવાનો નથી. ઓલવાતો દીવો વધુ ભભકે એમ એની કવિતાઓમાં અતૃપ્ત રતિરાગ પણ અવારનવાર ઉછાળા મારતો નજરે ચડે છે. નવવધૂ એની સખીને અંતરંગ વાતો કરી રહી છે. મોરલો કદાચ બંને સંદર્ભમાં વપરાયો હોય –આંબાના ઝીણેરા મોર અને સાક્ષાત મોર! સાસરિયાંની ડાળ પર ટહુકાની સીમા વચ્ચે ચંદન સમી શીતળતા બક્ષતો સ્નેહ નાયિકા માણી રહી છે. વાગીને ઈલાજ કરતો કૂણો કૂણો કાંટો સંભોગશૃંગાર તરફ ઇંગિત કરતો જણાય છે, અને સપ્તપદીની પગલે પગલે નાનાં ગુલાબ ફોરી રહ્યાં છે. નાયિકા સુખી સંસારનું સપનું જોતાં-જોતાં અજાણતાં હાથ લંબાવી બેસે છે અને એની રળીઢળી વાત રોળઈ જાય છે… અહીં પણ રતિક્રીડાનો આવેગ ‘રોળાઈ’માંના કાનાને તાણી ગયો છે. રોળાઈ જવાના પણ બંને સંદર્ભ ખુલ્લા રાખીને કવિ વાત પૂરી કરે છે…

Comments (8)

(ભાષાનાં નીર) – પ્રફુલ્લ પંડ્યા

ભાષાને ભૂર છો વળગ્યું ના હોય;
પણ શબ્દોનું ઝૂર તો ઉતારીએ જી રે !
જાણતલ જોશીડો કૂવામાં ખાબક્યો છે;
કૂવાની આરતી ઉતારીએ જી રે !

ભાષાનાં નીર તો આછેરાં ઊંડા ને;
એમાં પહેલું પગથિયું થોડું ગોતવું હો જી !
જળમાં જે ગોતવું છે; એ કળથી ગોતાશે;
જળ નાહકનાં જોરથી ના બોટવું હો જી !
ભીતરનાં દોરડેથી ભાવને સિંચાવો; પછી ધીરે-ધીરે શબ્દો અવતારિયે હો જી !
-એમ સિંચણિયે શબ્દો ઉતરાવીએ હો જી !

બીજે-ત્રીજે ઊતરીને ડૂબકી ખાવાની છે;
છેક નવમું આવ્યું તો ભાગ્યશાળી રે લોલ !
બાકી તો પધરાવી દેવાની હોય છે ;
નકરાં આયાસની જાળી રે લોલ !
પણ લીલાંછમ્મ વાક્યોની દાંડી જો તૂટે તો; કેમ કરી દાંડલી સમારિયે જી રે !
નીતરી કવિતાની ગાગર જો છલકે તો; ગાગરમાં સાગર ઊતારિયે જી રે

– પ્રફુલ્લ પંડ્યા

ભાષાનો હાથ ઝાલીને રુઢ થઈ ગયેલી અભિવ્યક્તિથી આઘા હટી, આયાસપૂર્વક કવિતા લખવાની જિદ કે કસરત પડતાં મૂકી કવિતાની ગાગરમાં સાગર ભરવાની વાત સાવ અલગ અંદાજમાં કરતા આ ગીતના મુખડા વિશે કવિશ્રી સંજુ વાળાએ કરાવેલ વિચાર વિસ્તારનો અંશ મમળાવીએ:

કવિશ્રી સંજુ વાળાના શબ્દોમાં:

જાણીતી સામગ્રીના કોઇ એક જુદા તરી આવતાં ઉપાદાનને નવેસરથી પ્રયોજી, એમાં કારગત નીવડેલી પ્રયોજના અહીં ફરી ખપતમાં લઈ આ ચિકિત્સાયોગ સધાયો છે. સ્હેજ આ વાનાંઓની વિવિધા નજીકથી જોવી/ચાખવી રસપ્રદ બનશે. જૂઓ..

૦ ભાષાને શું વળગે ભૂર – અખો
૦ મને વળગ્યું છે ઝૂર, કોઇ મારું ઝૂર કાઢો – ર. પા.
૦ જાણતલ જોશીડો એમ કરી બોલ્યા – લોકગીત
૦ જાણતલ જોશીડા ઘાટે પધાર્યા.. -અનિલ જોશી
૦ કોઇ કૂવો ગળાવો – શ્યામ સાધુ
૦ ઉતારો આરતી શ્રી… ધરે આવ્યાં – લોકકવિ

પ્રથમ પંક્તિમાં અવતરિત ‘ભૂર’ શબ્દનો અર્થ તો કમઅક્કલ, મુર્ખ, લુચ્ચું તરીકે મુખ્યત્વે વપરાય છે. પરંતુ તેનો એક વધારાનો અર્થ ‘નામશેષ’ પણ થાય. શિયાળામાં ઉત્તર દિશાથી ફૂંકાતા પવનને પણ ભૂર કહે છે. જે જમીનમાં રહેલા ભેજને શોષવા/સૂકવવાનું કામ કરે છે. અખાની નિદર્શનામાં એવું તકાયું છે કે, આ ભૂર ભાષાને મિટાવી શકે નહીં, અથવા એની રસવત્તા કે સૌંદર્યને હણી શકે નહીં. ભાષા તો આવાં કેટલાય સમા સમાના ટાઢ-તાપથી નિરપેક્ષ છે. એટલે બીજી શક્યતા વિચારો. બીજી પંક્તિમાં ‘ઝૂર’ શબ્દ છે. તેનો અર્થ થશે ‘મેલો દેવ’, ‘પ્રેતાત્મા.’ પછીના બન્ને પદબંધની સંરચના સમજી શકાય તેવી છે. તેના ભાવવિસ્તારની કોઇ જરૂર નથી જણાતી.

કવિ કહે છે : ભાષા આવી કોઇ વિકટ સ્થિતિમાં નથી. છતાં પ્રયોજાતો શબ્દ કેમ ધાર્યું પરિણામ આપતો નથી? એટલે કે એ અન્ય કોઇ છાયામાં આવી ગયો હોય તો એનો આ વળગાડ દૂર કરાવીએ. કવિએ પોતાની વાતને અખા અને ર. પા. ના સંદર્ભથી પ્રમાણિત કરીને પ્રયોજી. આવું થાય નહીં. કેમ કે આ ભાષા સ્વયં સરસ્વતી છે. પણ એના ગણ એવા શબ્દો નજરાઇ ગયા લાગે છે. પરંતુ આ પૂછવું કોને ? કોઇ એનો જાણતલ નજરે પડતો નથી. હતા કોઇ જોશીડા (ખમ્મા, નામ તો કેમ દેવા ?) એ રહ્યા નહીં. એની નબળી છાયા જેવા છે પણ હવે એ ય પોતાની માન્યતાઓનાં અંધારિયા અને ઊંડા કૂવામાં પડેલા છે. સાર્વત્રિક કૂપમંડૂકતાનો કવિએ કાવ્યાત્મક ઉપહાસ કર્યો. હવે કાં તો આ શબ્દોને ‘ઘસાઇ-પિટાઇ જવું’ નામના ઝૂર, વળગાડમાંથી બહાર કાઢીએ અને એમ ન થઇ શકે તેમ હોય તો આ કૂપમંડૂકતાનો જય જયકાર થઈ રહ્યો છે તેમાં સામેલ થઈ જઇએ. અવળવાણીનો આ કવિતરીકો બદ્ધ માન્યતાઓ સામેનો તીણો આક્રોશ છે. સંદર્ભમાં રમતી ધન્ય સર્જકતાની દેણગીને સલામ સાથેનો અને આજની પરિસ્થિતિ સામેનો કટાક્ષમય ઇશારો છે. એક બાજુ સાર્થકતા છે. બીજી બાજુ નરી સંભ્રાંત સર્જકતાની વાહવાહી છે. કવિની આ ચેતવણી છે કે, હજીય સમય છે, જાગો અને તમને જ તમારામાં જરાંક જૂઓ. ધન્યવાદ કવિના આ સજાગ અને સમયસૂચક કવિતાવિભાવને.

ગીતના મુખડાની બન્ને પંક્તિઓને ‘જી.. રે’ જેવા સ્થાયી આવર્તનથી બાંધી છે. આપણે જાણીએ છીએ કે એ તો શુદ્ધ ભજનરીતિનો સ્તંભ છે. અને કેટલાક ભજનનું કામ પણ પ્રબોધનનું છે, એ પણ આપણે જાણીએ છીએ. આપણો આ કવિ પણ અહીં કાવ્યમાર્ગના યાત્રીઓ માટે પ્રબોધનરીતિ લઇને આવ્યો છે.

(ટિપ્પણી – શ્રી સંજુ વાળા)

Comments (4)

પળવારમાં તૂટી પડે – જવાહર બક્ષી

વિશ્વાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ, બસ પળવારમાં તૂટી પડે,
સહવાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

દર્પણ ભલે અકબંધ રહેવાનો અમરપટ્ટો લઈ બેસી રહે
પણ સ્હેજ શંકાની કરચ એવી પડે પ્રતિબિંબમાં,
આભાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

છટકી જવાની કોઈ પડછાયાને ઇચ્છા થાય ને
વિકલ્પની કોઈ છટકબારીમાં ફૂટી જાય આશાનું કિરણ,
અજવાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

કૈં સાવ એમ જ કોઈ અણધારી ક્ષણે કોઈ
અજાણી અશ્મિના ચ્હેરામાં સૂતેલું કોઈ ઝીણું સ્મરણ જાગી ઊઠે,
ઇતિહાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

શબ્દો ઘડું, હું છંદ બંધાવું, વ્યવસ્થિત
પ્રાસ પહેરવું, અલંકારો રચું, ત્યાં અંગ મરડે એક અનાદિ વેદના,
આયાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે

– જવાહર બક્ષી

 

રામબાણ વાગ્યાં રે હોય તે જાણે……

Comments (2)

नहीं किया – પરવીન શાકિર

हम ने ही लौटने का इरादा नहीं किया
उस ने भी भूल जाने का वा’दा नहीं किया

ભાષા સરળ છે, અર્થ ગહન છે. ગઝલનો સૂર વ્યાખ્યાયિત કરે છે.

 

दुख ओढ़ते नहीं कभी जश्न-ए-तरब में हम
मल्बूस-ए-दिल को तन का लबादा नहीं किया

આનંદના પ્રસંગે અમે દુ:ખ ઓઢી ફરતા નથી, હ્ર્દયની સ્થિતિ ચહેરા ઉપર આવવા દેતા નથી.

 

जो ग़म मिला है बोझ उठाया है उस का ख़ुद
सर ज़ेर-ए-बार-ए-साग़र-ओ-बादा नहीं किया

જે દર્દ મળ્યું છે તેનો બોજો જાતે જ ઉઠાવ્યો છે, જાતને નશામાં ડૂબાડી નથી દીધી [ escapism નથી આચર્યું ]

 

कार-ए-जहाँ हमें भी बहुत थे सफ़र की शाम
उस ने भी इल्तिफ़ात ज़ियादा नहीं किया

જુદાઈની ઘડીએ દુન્યવી કામો અમને પણ ઘણા હતા, અને એણે પણ ખાસ ધ્યાન ન આપ્યું…..

 

आमद पे तेरी इत्र ओ चराग़ ओ सुबू न हों
इतना भी बूद-ओ-बाश को सादा नहीं किया

તારા આગમન પર તારું સ્વાગત પણ ન થાય, એ હદે મારુ આંગણું બેરંગ નથી કરી દીધું. [ સ્વાગત હશે, પણ ઉમળકો નહિ હોય…..]

– પરવીન શાકિર

[ ગુજરાતી ભાવાનુવાદ છે ]

ક્યાંક કૈંક તૂટી ગયું……. કોનો વાંક – એનો કોઈ અર્થ નથી. કદી અર્થ હોતો પણ નથી. સંબંધ તૂટે પછી જે બચે તે સંબંધની લાશ હોય છે, જેનો ગુણધર્મ જ કોહવાવું છે…. ચિત્કારને છાતીમાં ધરબીને જીવતા રહેવું – એ જ બાકી રહે છે.

Comments (3)

બેહુલાનું મૃત્યુ – અંજલી બસુમતારી (અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)

એ ઘટનાને નદીની રેલ સાથે કોઈ લેવાદેવા નહોતી
પણ
રેલ આવી એ વખતે આ બનેલું.
એક સાપ મને કરડ્યો.. એક ગૂંચળા ઉપર
મારો પગ ભૂલમાં પડી ગયો, એટલે.
ભારે અસરકારક રીતે એ ડસી શક્યો મને
દાંત ભેરવીને ઝેર બરાબરનું ઠાલવ્યું એણે.
એણે તક ઝડપી લીધી પોતાની કાબરચીતરી અદૃશ્યતાએ આપેલી.
ઝાપટ લગાવવા માટે એ મારી કદાચ તો રાહ જ જોતો હતો.

અથવા મારાથી કોઈ ભૂલ થાય એની રાહ જ જોતો’તો એ.
ત્રાટકવા માટેના કોક થોડા અમથા કારણની એને જરૂર હતી.

બસ એક ખોટું પગલું
કે ફક્ત એક ગલત હલચલ
એણે ફેણ પટકી મારા પર ત્યારે મને એક આછોક અવાજ
સંભળાયો’તો.
પણ મને પૂરું સમજાયું નહીં કે
એ અવાજ મારા મનમાં થયેલો કે બહાર હવામાં.
એકદમ ઝડપથી એણે એ કામ પતાવ્યું
એ એટલું તો અચાનક બન્યું
મને કંઈ સમજ પડે એ પહેલાં તો…

એ સર્પ ભયંકર હતો કે સુંદર?
અને મૃત્યુ…? એ પેલા સર્પ જેવું હતું?
શામળું. ટાઢુંટાઢું, બીકાળવું
તરલ ગતિએ સહેજમાં સરકી જતું ક્યાંક..?

એમ મારા અકાળે મોત સાથે
આયુષ્ય નામના રસ્તાનો છેડો આવી ગયો
જીવનનો, અસ્તિત્વનો, હમેશ હમેશ માટે..
આ તો કાતિલ વિષનો કિસ્સો હતો
ડોક્ટર, ભુવા- કોઈ મને બચાવી ના શક્યું
હું મરી ગઈ.

મને નવવધૂ જેમ શણગારવામાં આવી
અને કેળના થડના બનેલા એક તરાપા ઉપર
મને વહેતી કરવામાં આવી.
સાવ એકલી, નદીમાં આવેલ રેલના પાણી ભેગી તણાતી…
હા, એવું બનેલું !… બધાંએ જવું પડે છે
મોતને કપરે માર્ગે દૂર સુધી…!

મારી ભેગું કોઈ નહોતું
ન જીવન, ન સાથી, ન કોઈ પ્રિયજન
શરણાઈના શૂર રેલાયા નહીં
ન તો કોઈ થરકતી મોરલી પર લગન ટાણે ગાવાનાં ગીત…

જરા જુઓ તો ખરા આ સાવ નંખાઈ ગયેલા ચહેરાઓ
જીવનના વસ્ત્ર માં લપેટાયેલા
ફિક્કા, થાકેલા, હારેલા, મૂંગામંતર, નિરાધાર
જાણે એમણે કદી આઝાદી દીઠી જ ન હોય.

જ્યારે વિદાય વેળા આવી
ત્યારે મારા સ્વામીએ બધી વિધિ કરી
મને વિદાય આપી ત્યારે એ સાવ ફિક્કા પડી ગયા હતા..

છેક છેલ્લા હતા એ.
કદાચ એ જ હશે ભેદ મૂવેલા અને જીવતા વચ્ચેનો.
જીવતાઓ બધી જ વિધિ બરાબર કરે -કામની અને નકામી

અને મરણ પામેલાઓ…
એઓ તો બધી જ ભ્રમણાઓમાંથી સદા-સર્વદા મુક્ત,
બધી સાંકળોથી, વિધિઓથી, ભયોથી, શ્રદ્ધાથી…

તરાપા પર તેલનું એક કોડિયું ટમટમતું હતું
અને હલેસાં વિનાનું એ નાવડું આરા-ઓવારા અને વહેણો વચ્ચે
ધકેલાતું ચાલ્યું…
નદીમાં કેવી ઊંડી તાણ ભરી ને ફૂંફાડતી આવી છે આ રેલ
અરે, હયાતીનું કે બિનહયાતીનું એ તે કેવું રૂપ
મોતનું. અથવા તો મોત પછીની અવસ્થાનું
વિશ્વાસનું કે પછી વિશ્વાસ સાવ ઊઠી ગયાનું?

મારા મનમાં એક સવાલ થાય છે
(અને એ સાવ નાખી દેવા જેવો નથી)
લખીધરે શું કર્યું હોત આ પરિસ્થિતિમાં?
મતલબ કે લખીધર, પેલી બેહુલાનો સ્વામી ?
પતિવ્રતા નારીઓની વાર્તા શું
એ સવાલને શાંત પાડી દે?

નદી પરના પુલ ઉપર એકઠું થયેલું ટોળું નીચી નજરે જુએ છે.
સાંજને સુમારે નદી ઉપર ભજવાતું જીવંત નાટક
જાણે કે એઓ તો ફક્ત નદીની રેલને જ જોવા આવ્યા હોય
(જો કે એમાંના કેટલાકને એવો શોખ હોય પણ ખરો!)

– અંજલી બસુમતારી(બોરો)
(અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)

કવિતા લાંબી છે અને એકથી વધુ વાર વાંચીને જ સમજવાની છે. કવિતાના અંતે લખીધર (લક્ષ્મીધર) અને બેહુલાનો ઉલ્લેખ છે. એ પહેલાં સમજી લઈએ. પૂર્વોત્તર ભારતમાં ‘મનસામંગલ’ની કથા જાણીતી છે. ચાંદ સોદાગરના હાથે અંજલી મળે તો જ અનાર્ય દેવી મનસાને સ્વર્ગમાં પૂર્ણ દેવી તરીકે સ્થાન મળી શકે એમ છે. અને ચાંદ સોદાગર તો શિવભક્ત. એ બીજા માટે અંજલી ભરે નહીં. મનસાએ એના બધા વહાણો ડૂબાડવા અને સાતેય દીકરાઓને સર્પદંશથી મારવા શરૂ કર્યા. સૌથી નાના દીકરા લખીધરના લગ્ન બેહુલા સાથે કરાવ્યા કેમકે એને વરદાન હતું કે એ ક્યારેય વિધવા ન થાય. સર્પડંશથી લખીધરનું પણ મૃત્યુ થતાં રિવાજ મુજબ અગ્નિદાહ ન અપાતાં એના શબને કેળના થડના તરાપા પર સુવડાવી નદીમાં વહેતું મૂક્યું ત્યારે જિદ કરીને બેહુલા સાથે બેસી સ્વરગમાં ગઈ અને નૃત્ય કરી દેવતાઓને રીઝવીને લખીધરને પુનર્જીવન અપાવી પૃથ્વી પર સાથે લઈ આવી.. સત્યવાન-સાવિત્રી જેવી આ વાર્તા છે…

લખીધર મર્યો તો બેહુલા એની પાછળ એની સાથે જઈને એને પરત લઈ આવી, પણ બેહુલા મરી ગઈ તો લખીધર એની પાછળ ગયો? આટલું જોઈએ તો એમ લાગે કે બોરો કવયિત્રી અંજલી બસુમાતારી (અન્જુનર્ઝરી)ની આ રચનામાં પ્રથમદર્શી વાત તો સ્ત્રી-પુરુષ અસમાનતાની છે પણ એના માટે આટલી લાંબી રચનાની શી જરૂર? આખી કવિતામાં બે પંક્તિ વચ્ચેના અવકાશમાં એક અંડરકરંટ વહી રહ્યો છે, એ પકડવાનો રહી જાય તો આખી રચના હાથથી નીકળી જાય એમ છે.

ઇતિહાસનો પટારો ખોલીએ તો ખ્યાલ આવે છે કે બોરો સંસ્કૃતિ એક જમાનામાં આજના ત્રિપુરા, મેઘાલય અને આસામ ઉપરાંત બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ફેલાઈ હશે પણ કાળક્રમે આ સંસ્કૃતિના મૂળિયાં કપાતાં ગયાં અને બોરો પ્રજા લઘુમતી અને શોષિત પ્રજા બનીને રહી ગઈ. અનગણિત અને અવિરત શોષણથી ત્રસ્ત બોરો પ્રજા આખરે ઉગ્રવાદના રસ્તે ચડી. પ્રસ્તુત કવિતામાં પુરાણકથાના નવા સંદર્ભોની સાથોસાથ શોષણ સામેનો આર્તનાદ પણ બળવત્તર થતો સંભળાય છે. જુઓ: ‘ભારે અસરકારક રીતે એ સસી શક્યો મને,’ ‘એણે તક ઝડપી લીધી,’ ‘કોઈ ભૂલ થાય એની રાહ જ જોતો’તો એ,’ ‘કોઈ મને બચાવી ન શક્યું,’ ‘મારી ભેગું કોઈ નહોતું,’ ‘જાણે એમણે કદી આઝાદી દીઠી જ ન હોય’…

લઘુમતી ગરીબ કોમના શોષણનો નઝારો સદીઓથી ટોળું નીચી નજરે જોતું આવ્યું છે… લોકોને આવું જોવાનો શોખ પણ હોય છે… લઘુમતી કોમ સ્ત્રી જેવી છે, એ મરી જાય તો કોઈને કંઈ પડી નથી… શોષણકારો લખીધર જેવા છે. એ આ પરિસ્થિતિમાં કશું કરવા તૈયાર નથી…

Comments (7)

(શ્રદ્ધાનો વિષય છે) – સાહિલ

કુરાનનો વિષય છે એ ગીતાનો વિષય છે
શંકાનો વિષય ક્યાં છે આ શ્રદ્ધાનો વિષય છે

છો ફૂલ સમા તોય તમે ડંખ કાં મારો
મેં સાંભળ્યું છે – ડંખવું કાંટાનો વિષય છે

સંયોગ ને વિયોગ તો છે ધારણા મનની
મળવું અને ના મળવું તો ઇચ્છાનો વિષય છે

વર્ષોથી ભલે નામ નથી લીધું તમારું
પણ ભૂલી ગયો તમને એ અફવાનો વિષય છે

નૌકા ની સફર પર નથી નૌકાનો ઇજારો
તળિયે જવું કે કાંઠે – હલેસાનો વિષય છે

મનને કહો એ લઈ જશે મંઝિલ સુધી તમને
મારગ ભુલાવી દેવો તો નકશા નો વિષય છે

‘સાહિલ’ નહીં રાહત ફળની આશ કદાપિ
જુદાઈ નરી શાશ્વતી પીડાનો વિષય છે.

– સાહિલ

કેવી મજાની ગઝલ! બધા જ શેર ધ્યાનાર્હ થયા છે…

Comments (6)

ખોજ કબીરા – સુરેશ પરમાર ‘સૂર’

અંદર ખોયું ઓજ કબીરા;
બહાર શાની ખોજ કબીરા?

રોજ ઊઠી, મારાથી ભાગું;
ક્યાં પહોંચું દરરોજ કબીરા?

નાચું ત્યારે પગ ના ઊપડે;
શું જીવન પણ બોજ કબીરા?

રાજા સૂતો, રાજમહેલમાં;
સરહદ પર છે ફોજ કબીરા!

હમણાં જાગી, જાણી લે ‘સૂર’;
સાવ કારણ ‘મોજ-કબીરા’.

– સુરેશ પરમાર ‘સૂર’

કબીરા, સાધુ, સાધો જેવી રદીફ લઈને આપણે ત્યાં પુષ્કળ ગઝલોનો ફાલ ઊતર્યો છે, પણ પ્રસ્તુત રચના આ ફાલમાં સહેજે અલગ તરી આવે છે. બધા જ શેર મનનીય થયા છે…

Comments (5)

ફોટા સાથે અરજી ! – મુકેશ જોષી

હરિ ! તમે તો સાવ જ અંગત સાંભળજો આ મરજી
ઘણા મૂરતિયા લખી મોકલે વિગતવાર માહિતી,
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં
હરિ, તમોને ગમશે? જો હું બીજે પરણી જાઉં?
મને સીવી લે આખી એવો બીજે ક્યાં છે દરજી?
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ, તમારી જનમકુંડળી લખજો કોરા પાને
મારા ઘરના બધાય લોકો જન્માક્ષરમાં માને
હરિ, આપજો માગું મૂશળધારે ગરજી ગરજી..
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ ! અમારા માવેતરને જોવા છે જમાઇ,
એક વાર જો મળી જાઓ તો નક્કી થાય સગાઇ,
હરિ ! તમારે માટે જો ને મને રૂપ દઇ સર્જી
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

ઘરવાળાઓ ના પાડે તો આપણ ભાગી જાશું
લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થાશું
પછી તમારી ઘરવાળી હું, ને તમે જ મારા વરજી !
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

– મુકેશ જોષી

 

રમતિયાળ ગીત…….

Comments (4)

સત્-ચિત્-નંદા ગઝલ…..– રાજેન્દ્ર શુક્લ

સભર સુરાહી લલિત લચક કટિ, કોમલસ્કંધા ગઝલ,
વન વન ભમતાં મિલત અતર્કિત યોજનગંધા ગઝલ.

લખચોરાશી લખત લખત ચખ વેધત રે લખ સકલ,
અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ.

ચાક ગરેબાં, બેબાક દિશાઓ દામન દર દર ઊડે,
અષ્ટ પાશ આકાશ ઉડાવત ત્રુટિતફંદા ગઝલ.

સાંસ ઉસાંસ ચલાવત છૂવત ઝિલમિલ સાતોં ગગન,
વિહંસ વિહંસ કરતાલ નચાવત ગાવત બંદા ગઝલ.

કઁહ લગ રુઠો, માન કરો અતિ, મુખ મચકોડો અલગ,
સૂર મિલાવી ગાઓ, પ્રિયજન ! સત્-ચિત્-નંદા ગઝલ.

– રાજેન્દ્ર શુક્લ

ભાષા તેમજ નાદની અનોખી જુગલબંધી !!!!

સાંભળો આ ગઝલ ટહુકો.કોમ પર. ક્ષેમુ દિવેટીઆનું સંગીત અને સ્વર છે શ્યામલ-સૌમિલનો.

Comments (7)