સફરજનની મીઠી ફસલ આવશે,
ને આદમની પાછી નસલ આવશે.

વિચારો વટાવીને આગળ જજો,
ન કાપી શકો એ મજલ આવશે.
– અશરફ ડબાવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for January, 2012

એરંડો – સિતાંશુ યશશ્ચંદ્ર

આપણી ભાષાના ઉજ્જડ સીમાડે ઊભો છું હું,
એરંડો
ઝોડ જેવું ઝાડ છું, ભોંકાય તો લોહી કાઢે એવા કાંટા
ઉગાડી શકું છું ફળની સાથોસાથ,
મૂળિયાં મારાં ઊંડાં છે, ને મજબૂત,
ડાળીઓ દિશાઓની ભીંત ઉપર કોલસાના ગાંગડાથી ચીતરેલી છે.

સૂકીભઠ આ જમીનની અંદર
જળ ક્યાં છે
એની મને જાણ છે.

પાણીકળાઓ મારાં મૂળિયાંમાંથી લાકડીઓ બનાવી લે છે.
હાઈડ્રોલિક એન્જિનિયરો મારી પાસે ભણે છે.

પથરાઓ પાણીદાર છે, ધૂળ ને ઢેફાં યે ભીનાશવાળાં છે,
સૂરજે સળગાવી નાખેલા આભમાં ઝાકળજળ ક્યારે આવી પહોંચે છે,
ને આપણી આંખોમાં, એની
રજેરજ માહિતી મારી પાસે ન હોય
તો, તમે શું માનો છો? – હું આમ ટકી રહ્યો હોત
આપણી સમઝણના જોખમી છેવાડે?

વધુ આગળ વાંચો…

Comments (3)

અવતારી નથી – શૂન્ય પાલનપુરી

છું સદા ચકચૂર એ કૈં મયની બલિહારી નથી ;
મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી.

બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;
કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી.

તારલાઓની સભા પર મીટ માંડી શું કરું ?
દિલ વિનાની કોઇપણ મહેફિલ મને પ્યારી નથી.

થઇ શકે છે એક મુદ્દા પર કયામતનો રકાસ –
ભાગ્યનું નિર્માણ કૈં મારી ગુનેગારી નથી !

એટલે તો કાળ સમો છું અડીખમ આજે પણ-
બાજીઓ હારી હશે,હિંમત હજી હારી નથી.

પાનખરને મેં વસંતો જેમ માણી છે જરૂર-
પાનખરને મેં વસંતો જેમ શણગારી નથી.

જયારે જયારે થાય છે ગ્લાનિ ગઝલને વિશ્વમાં –
શૂન્ય દોડે છે વહારે, જો કે અવતારી નથી.

Comments (8)

વતની – મકરંદ દવે

નથી કોઈ મુલ્કોનો વતની રહ્યો હું
ભટકતો રહ્યો છું આ દુનિયામાં રાહી,
બન્યો બાદશાહોને મન બદગુમાની,
તુરંગોમાં નાખ્યો તો લાગ્યો તબાહી.

મને ક્યાંક રખડુની ટોળી મળી તો
થયું, ભાઈબંધી જિગરજાન ભેટી,
ખભે હાથ મૂકી અમે સાથ ચાલ્યા,
કદમ લડ્ખડ્યા તો ગયું કોઈ સાહી.

અહીં પંડિતાઈનું મડદું છે નક્કી,
નહીં તો દલીલોની બદબૂ ન આવે,
જરા લાવ પ્યાલી ભરી જિન્દગીની,
જરા ખોલ ધીમેથી ઢળતી સુરાહી.

તમે કેટલાં નામ ગોખી શકો છો ?
લો, ગોલોક, વૈકુંઠ, કૈલાસ, કેવલ,
અમે તો ગમે તેમ ધૂળે રમી આ
ધરાને ધરાહાર ચાહી ને ચાહી.

મને મોતનો ડર બતાવી બતાવી,
તમે ખૂબ મનમાની ખડકી સજાઓ,
ખુદના કસમ, માફ કરવા થશે બસ
મને એક તરણાની લીલી ગવાહી.

 

નખશિખ મસ્તીથી ભરી ગઝલ…..

Comments (5)

સોહાગ રાત અને પછી – ઉશનસ્

તમે તે પ્રત્યૂષે પરવરી ગયા નાથ! અહીંથી
પથારી છાંડીને પથિક, અરધા સ્વપ્ન સરખા,
અને હું તો સ્વપ્ને સ્થગિત, અધધેને હું પછીયે
તમોને ક્યાં સુધી રહી સઘન સેવંતી પડખે…

તમે તે રાત્રે જે રીતથી રતિથી ગૂઢ ગહને
પ્રવેશ્યા પાતાળો મહીં સકલ અસ્તિત્વ મુજના:
ગર્યું જાણે સ્વાતિસુખદ અમીનું બુંદ છીપમાં,
હજી આનંદે તે વીજપુલકની ના કળ વળે,

હવે વ્હાલા, હું તો નવરી જ નથી ને ક્ષણ પણ:
ન દ્હાડે કે રાતે, દિનભર ગૂંથું ઊનઝભલું
અખંડે અંઢેલી ઘરની ભીંત અર્ધેરી ઊંઘમાં,
ગૂંથું છું રાતોમાં પુલકનું ઝીણું કોઈ સપનું.

અને સાથે વ્હાલા ! ભીતર ગૂંથું છું બાળક તમ
તમારી રેખાઓ લઈ લઈ, કંઈક ભેળવી મમ.

– ઉશનસ્

સુહાગરાતની આફ્ટર-ઇકેક્ટ્સનું આવું કાવ્ય તો કદાચ વિશ્વ સાહિત્યમાં શોધવું પણ દુર્લભ થઈ પડે.

સવારે પતિ પથારી છોડીને નીકળી જાય છે એ પછી પણ નવોઢા તો સુખના એ સ્વપ્નમાં જ સ્થગિત રહે છે અને ક્યાંય સુધી પતિને પડખામાં સેવતી રહે છે. રાત્રે જે રીતે પતિ રતિક્રીડા થકી પત્નીના અસ્તિત્વમાં ઓગળી ગયા એ સ્વાતિ નક્ષત્રના વરસાદનું બુંદ છીપમાં પડવા જેવું સુખદ હતું જેની કળ આટલી જલ્દી તો કેમ વળે ?! અને હવે તો પત્ની પાસે લગરિક પણ ફુરસદ નથી. આખો દિવસ એ આવનાર સંતાન માટે ઊનનું ઝભલું અને રાત્રે સ્વપ્નો ગૂંથતી રહે છે. પણ ઊન અને સ્વપ્ન સિવાય એ થોડી પતિની અને થોડી પોતાની રેખાઓ ભેગી કરીને ગર્ભમાં આવનાર બાળકને પણ ગૂંથી રહી છે…

અહો ! અહો !!

Comments (15)

મુંઝાય છે – ચિનુ મોદી

જીવ મારો આ શરીરે ક્યારનો મુંઝાય છે
બ્હાર કાઢો બિંબને,એ કાચમાં ક્હોવાય છે.

હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
એક બે મારા મળે તો રાત વીતી જાય છે.

આંસુઓનાં મોતી, આજે પણ ગમે છે એમને
એ સ્મરણમાં આવે ત્યારે આંખ ભીની થાય છે.

ફેંકતાં ફેંકી દીધા છે કૈંક પથ્થર પંખી પર
એટલે આ હાથ પથ્થરવત્ થતા દેખાય છે.

એ કબર ખોદી ભલે સુવે અમારી ગોદમાં
આવવા દો શૂન્યતાને, એ બ્હૌ હિજરાય છે.

– ચિનુ મોદી

પંજામાંથી એક આંગળી વાઢી કાઢો તો એ કેવો નિરર્થક લાગે. પાંચ શેરની આ ગઝલ પણ પંજાની પાંચ આંગળી જેવી જ છે. કોઈ એક શેરને નબળો કહી કાઢી નાંખવો હોય તો તકલીફ પડે.

Comments (13)

DISTANCE – વિપિન પરીખ

એક સાંજે
ટ્રેનના ચાલ્યા ગયા પછી
રેલ્વેના પાટા અરસપરસ પૂછતા હતા :
‘ બે માણસને એકબીજાથી દૂર જવા માટે
કેટલું DISTANCE જોઈએ ? ‘

– વિપિન પરીખ

Distance is a space between two objects… પણ શું દૂરી distance-આધારિત હોય છે ?

 

Comments (3)

ત્રણ ત્રિપદી – અંકિત ત્રિવેદી

એકલી અને વૃદ્ધ એ શબરી હતી,
રામ પણ ફંફોસવા, જોવા ગયા,
બસ, પ્રતીક્ષા એની ઘરવખરી હતી.

*

હા,, ઘણા ભાગોમાં વહેંચાયો હતો,
જ્યાં અરીસામાં મને જોવા ગયો,
ત્યાં ફક્ત ભૂતકાળ દેખાયો હતો.

*

સામે જ હોય તોય પણ ખોવાઈ જાય તો ?
આંખોને બંધ એટલે કરવી નથી હવે,
સપનું અનાયાસે ફરી જોવાઈ જાય તો ?

– અંકિત ત્રિવેદી

Comments (7)

પી નથી શકતો – શેખાદમ આબુવાલા

તને પામ્યા પછી પણ હું તને પામી નથી શકતો
મને આપ્યો છે કેવો જામ આ કે પી નથી શકતો

મને પાગલ થવાની એટલે ઇચ્છા થતી રૈ’ છે
સમજ એવી મળી છે કે હું કૈં સમજી નથી શકતો

તિરસ્કાર્યો છે તોફાનોએ કૈં એવો કે હું કેમે
કિનારા પર જઈને પણ હવે ડૂબી નથી શકતો

વિચાર્યું’તું હશે આ પ્યારનો રસ્તો સરલ-સીધો
વળાંકે હાથ ઝાલ્યો છે હવે ચાલી નથી શકતો

હું જન્મ્યો ત્યારે આ મૃત્યુય જન્મ્યું એટલે આદમ
હું રૈ’ નિશ્ચિંત મારી જિંદગી જીવી નથી શકતો

 

મને આ શાયરની રચનાઓ માટે એક અંગત positive પક્ષપાત છે. સાવ સરલ વાણીમાં ગઝલ કહેવાની તેમની અદકેરી રીત મને બહુ જ ગમી ગઈ છે. શેરના ઊંડાણને જરાપણ હાનિ ન પહોચે તે રીતે તેઓ વાતચીતના શબ્દો અને શબ્દોના ટૂંકા સ્વરૂપો પ્રયોજતા હોય છે.

Comments (10)

એક હસે, એક રડે – હરીન્દ્ર દવે

એક હસે, એક રડે
આંખ બે આપસમાં ચડભડે.

એક નિહાળે ગગન, બીજીને
જચે ફક્ત આ ધરતી,
એક ઉગાડે ફૂલ, અન્યને
ગમે પાંદડી ખરતી;
મળે એક, એક બિછડે
આંખ બે આપસમાં ચડભડે.

એક ક્ષિતિજને પાર જવાના
શમણે ઘેલીઘેલી
બીજીને એ રંજ, ન સમજે
કોઈના મનને પ્હેલી,
જુદાં સપના ઘડે
આંખ બે આપસમાં ચડભડે.

 

આપણાં મનના બે મુખ્ય functional centres હોય છે – emotion અને intellect . આ બંને centres ને જે પ્રકારનું conditioning થયું હોય છે તેના આધારે જે-તે વ્યક્તિ બે અંતિમો વચ્ચે ફંગોળાતો રહે છે-positive અને negative. સામાન્ય રીતે બાળક positivity ના predominance સાથે જન્મતું હોય છે. ત્યારબાદનું તેનું conditioning કેવું થાય છે તે ઉપર ભવિષ્યનો આધાર હોય છે. જે આ conditioning ને અતિક્રમી શકે તે યોગી.

Comments (5)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

પલાંઠી લગાવીને બેઠો – ડૉ. મનોજ જોષી ‘મન’

ગજબની પલાંઠી લગાવીને બેઠો,
વિચારોની વચ્ચે તું આવીને બેઠો.

ઘટાટોપ ઇચ્છાઓ ઘેરાણી અહિંયા,
અહીં ક્યાં તું ધૂણી ધખાવીને બેઠો?

કદી બહાર નીકળી શક્યો ના ધુમાડો,
આ કેવી ચલમ તું ઝગાવીને બેઠો !

તૂટ્યું તડ દઈને કશું ક્યાંક અંદર,
ભલે તું કહે ઘા ચુકાવીને બેઠો.

સમયસર તને ચેતાવ્યો’તો છતાં તું,
ફરીથી કલમ કાં ઊઠાવીને બેઠો ?

– ડૉ. મનોજ જોષી ‘મન’

સંબંધોમાં ઘા નિશાન પર ન લાગે તોય ઘણું તૂટતું હોય છે એ વાત કવિ કેવી વેધક રીતે કરી શક્યા છે !

Comments (7)

ગઝલ – શ્યામ સાધુ

ઊડ ઊડ કરતું એક, બીજું નિરાંત કરે છે,
અંદરના પંખીની સંતો વાત કરે છે !

એક પલકમાં તરણા માફક તૂટી જાશે.
ઈચ્છા વચ્ચે ઊભો જે ઠકરાત કરે છે.

અક્ષરનો મહિમા તો બંધુ ઓહો! ઓહો!
ક્ષણમાં નશ્વર હોવાને રળિયાત કરે છે.

ભીતરના અજવાસની ભોગળ વાસી દઈને,
સાવ અમસ્તો સૂરજની પંચાત કરે છે.

‘આ માટીની મહેફિલમાં મહેમાન હતો હું,’
‘સાધુ’ કેવી દરવેશી રજૂઆત કરે છે !

– શ્યામ સાધુ

નિરાંતે વાંચીને ચિંતન કરવાની ગઝલ.

Comments (5)

કેમ કરી? – ચંદ્રેશ ઠાકોર

આંજી આંજીને હું આંખડીને આંજું પણ દ્રુષ્ટિને કેમ કરી આંજું?
માંજી માંજીને હું થાળીને માંજું પણ પાણીને કેમ કરી માંજું?

નાચી નાચીને હું ઠેરઠેર નાચું પણ કોઇ હૈયામાં કેમ કરી નાચું?
વાંચી વાંચીને હું બારાખડી વાંચું પણ લાગણીને કેમ કરી વાંચું?
પાણીને કેમ કરી માંજું?

આપી આપીને થોડી જાયદાદ આપું પણ તાંદુલને કેમ કરી આપું?
માપી માપીને મારી મહોલાતો માપું પણ કમાણીને કેમ કરી માપું?
પાણીને કેમ કરી માંજું?

ગાળી ગાળીને હું પાણીને ગાળું પણ જીવતરને કેમ કરી ગાળું?
વાળી વાળીને મારા આંગણને વાળું પણ વાણીને કેમ કરી વાળું?
પાણીને કેમ કરી માંજું?

– ચંદ્રેશ ઠાકોર

પોતાની ટૂંકી પડતી પહોંચનું ગીત.

ખરી વાત છે: બારખડી વાંચવા અને લાગણી વાંચવામાં બહુ મોટો ફરક છે. એક વાંચવા આખી જીંદગી ભણવું પડે છે, જ્યારે બીજા માટે આખી જીંદગી ભણેલું બધુ ભૂલવું પડે છે.

Comments (7)

અછાંદસ- અહમદ અલી સઈદ – અનુ. સુરેશ દલાલ

મારી આંખો થાકી ગઈ છે, ત્રાસી ગઈ છે દિવસોથી
દિવસો ન હોય તોપણ તોબા-તોબા પોકારી ગઈ છે
છતાંય મારે શું બાકોરાં પાડવાનાં છે
અને દીવાલ પછી દીવાલની આરપાર નીકળવાનું છે
દિવસોની, કોઈ બીજા દિવસની શોધમાં ?
ત્યાં છે ખરો ? છે ખરો ત્યાં કોઈ બીજો દિવસ ?

 

નાનકડા કાવ્યમાં શું અદભૂત અર્થગાંભીર્ય ભર્યું છે ! જાણકારો કહે છે કે બ્રહ્મની અનુભૂતિ અવર્ણનીય હોય છે. મહાવીરસ્વામીને કોઈએ પૂછ્યું કે સાધનને અંતે શું હોય છે ? નિર્વાણનો અનુભવ વર્ણવો. – મહાવીરે મૌન રાખી પ્રશ્ન કરનાર સામે જોયા કર્યું….જિજ્ઞાસુ કંઈ સમજ્યો નહિ. તેણે ફરીથી પૂછ્યું…’ ભગવન, નિર્વાણ અવસ્થામાં શાશ્વત શાંતિ હોય છે એ વાત સાચી ?’ ભગવાને જવાબ આપ્યો-‘ હા, કદાચ હોય પણ ખરી ….’ – આટલું બોલી તેઓ મૌન થઇ ગયા……. બસ આ જ રીતે કલ્પના કરવાથી કે તર્ક લડાવવાથી કશું વળવાનું નથી. માર્ગ એટલો છેતરામણો છે કે સંશય થવો સ્વાભાવિક છે. તીવ્ર જીજ્ઞાસા અને નિતાંત સભાનપણું – આ બે જ ચાલકબળની મદદથી મંઝિલે પહોંચવાનું છે.

Comments (5)

એક છોરી – પ્રહલાદ પારેખ

એક છોરી
કોરી ગઈ અંતર માંહી દેરી :
આંખો તણાં બે નિજ ટાંકણાથી,
ને હાસ્ય કેરી લઘુ લૈ હથોડી,
કોરી ગઈ અંતર માંહી દેરી
એ એક છોરી.

બની ગઈ દેવ સ્વયં પધારી
ત્યાં ઘંટડી કંઠ તણી બજાવી;
ને બોલ એના પ્રગટી ઉઠે છે
દીવા બનીને.

અંગાંગમાં પુષ્પ અનેક ફૂટતાં
પળેપળે, ને સહુ એ ખરી જતાં
દેરી મહીં; સૌરભ છાઈ ત્યાં જતી
કોઈ અનેરી.

ને ઊડતી જે લટ કેશ કેરી,
એ ધૂપની સેર સમી જણાતી !

માન્યું હતું, પથ્થર શું બન્યું છે
હૈયું હવે, – કોઈ પ્રવેશ પામી
શકે નહીં ત્યાં !
પણ એક છોરી
આવી, અને અંતર કોરી કોરી,
દેરી બનાવી,
બની ગઈ દેવ સ્વયં પધારી !

-પ્રહલાદ પારેખ

 

આખું કાવ્ય અનંત શક્યતાઓની સુંદરતાથી નીતરે છે……કદાચ સમય અને સંજોગો હૈયાને પાષણ બનાવી શકતા હશે, પરંતુ ઈશ્વરે જીવને જે vulnerability ભેટ ધરી છે તે પાષણમાંથી અદભૂત સૌંદર્ય કોરી કાઢવાની સમર્થતા જીવને બક્ષે છે. માઈકલ એન્જેલોના શબ્દોમાં-

The best artist has that thought alone
Which is contained within the marble shell;
The sculptor’s hand can only break the spell
To free the figures slumbering in the stone. – Michelangelo

Comments (5)

નાનીલુ – ડૉ. એન. ગોપી (અનુ. ઉર્વીશ વસાવડા)

આજે ઉત્તરાયણના દિવસે નાનીલુના નાના નાના પતંગ ચગાવીએ…

*

During revolts
Stones grow wings.
Well, they are aimed
Through tearful eyes !

વિપ્લવ દરમ્યાન ફેંકાતા
પથ્થરોને ફૂટે છે પાંખો
હા ! એ સધાયેલ હોય છે
અશ્રુભીની આંખોથી !

*

When I look
Into crystal clear waters,
Into myself
I seem to journey

જ્યારે જ્યારે
નિહાળું છું નિર્મળ જળને
ત્યારે ત્યારે અનુભૂતિ થાય છે
અંતઃયાત્રાની

*

True
We are climbing the stairs.
But aren’t we moving on
Leaving behind the steps ?

હા એ સાચું છે કે
આપણે સર કરીએ છીએ સોપાન
પણ એમ કરવામાં નીચેનાં
પગથિયાં છૂટી નથી જતાં શું ?

*

What is it doesn’t fly
Like a butterfly
The flower
has its fragrance, hasn’t it ?

પતંગિયા માફક પાંખોને
પ્રસારી ન શકે તો શું થયું ?
પુષ્પ પોતાની
ખુશબૂ તો પ્રસારી જ શકે છે ને !

*

A sentence
Is never complete.
Finished sentence
Stops growing

વાક્ય કદી પણ
પૂર્ણ થતું નથી કારણ
પૂર્ણ થયેલા વાક્યનો
વિકાસ થંભી જાય છે.

– ડૉ. એન. ગોપી
અનુ. ઉર્વીશ વસાવડા

તેલુગુ ભાષામાં ચાર પંક્તિઓનો ‘ગદ્ય’ કાવ્ય પ્રકાર ‘નાનીલુ’ પ્રચલિત છે જેનો શાબ્દિક અર્થ ‘મારું, તમારું અને આપણું’ થાય છે. આ ચાર પંક્તિઓનો કાવ્યપ્રકાર આમ તો આપણા મુક્તક જેવો જ છે જેમાં પ્રથમ બે પંક્તિઓમાં એક ભાવવિશ્વ રચાય છે અને આખરી બે પંક્તિઓમાં એ ભાવ વિશ્વ પરિપૂર્ણતા પામી કાવ્યનો આકાર લે છે. કવિ ઉર્વીશ વસાવડા ‘નાનીલુ’ નામે એક આખો સંગ્રહ આપણી ભાષામાં લઈ આવ્યા છે…

Comments (7)

વિ-નાયક – ચિનુ મોદી

OLYMPUS DIGITAL CAMERA
(કવિ શ્રી ચિનુ મોદી….          ….૨૫-૧૨-૨૦૧૦ (ફોટો: વિવેક ટેલર)

*

ફરે વસ્ત્રો પ્હેરી ચકચકિત, તારા-ઉડુગણો
છટાથી નક્ષત્રો પ્રગટ કરતાં તેજસ-કણો;
વિના ચક્રે ચાલે, અરવ પગલે વાદળ-રથ
પધારે બેસીને શશિયર ભલાભૂપ સરખો.
નભે નાનાં નાનાં નગર વસતાં થાય ક્રમમાં
સવારે પામે છે પતન સઘળાં, શા નિયમમાં ?   2

હવે પહેલાં પેઠે ખળભળ વહે ઊંઘ પણ ક્યાં ?
નમેલી કેડેથી ડગ પણ ભરે માંડ-હમણાં;
છતાં શૈયા છોડો ઝટપટ સવારે મન વિના
અને પાટે પાટે હરફર કરો નિત્ય ક્રમમાં
નસોમાં કંટાળો ભ્રમણ કરતો રક્ત સરખો
ચલાવો શા સારુ અવરિત છતાં શ્વાસચરખો ?   10

હવામાં હિંડોળો તરલ મન બાંધે ઝુલવવા
નથી આજે એવું અચૂક બનશે કાલ, સહસા
પ્રતીક્ષા કીધી તે – ગરુડ પર બેસી ગગનથી
ગમે ત્યારે આવી વિપદ કરશે દૂર સઘળી
અરે, ભોળા રાજા લઘુકવયના, બાળક સમા
ઝુલાવ્યું ઝૂલો છો મધુર લયના સ્વપ્નસરમાં ?   12

સમુદ્રોની છાતી ઉપર તરનારા – જળ થશો ?
તમે ટોળાં વચ્ચે હરફર કરી અ-ક્ષત હશો ?
કુદાવી કિલ્લાઓ, દૃઢ સતત પહેરા, અટપટા
રચેલા કોઠાઓ પલકભરમાં છિન્ન કરીને
રહેંસી નાખે છે જનવિજનમાં ક્યાંય પણ – એ
નથી એના જેવું અજરઅમરા, કોઈ જગમાં.    17

તમે જ્યારે જાગ્યા, અફસર દીઠા છેક ઘરમાં
તમારી સામે એ ધરપકડ વૉરંટ ધરતા,
તમે ઊંચાનીચા, પડપૂછ કરો રોષિત બની
‘ગુનો મારો શું છે ?’ જડભરત કહે,’ જાણ જ નથી’.
રજાના દા’ડાએ, હુકમ સર માથે ચડવતા
કચેરી લેખાતા હવડ ઘરમાં અંદર જતા.     32

તમે જેવું જીવ્યા હુકમસર છે એમ મરવું
હવે ના પૂછો કે હુકમ તમને કોણ કરતું ?
નથી જોયા તોયે અનુભવ થયા કાયમ, સખા
તરે, ઊડે, દોડે, ગતિમય રહે વાયુ સરખા
વિદેહી, વૈરાગી, ફલવિફલના કારક થઈ
ગુલામી આપી છે ચલ-અચલને તે કાલપુરુષ.    49

ઉગાડ્યો ઊગેલો સૂરજ ઢળતો સાંજ પડતાં
તમારે માટે ક્યાં યમનિયમના એવા અહીં થયા ?
તમે જન્મ્યા સાથે મરણ પણ નક્કી થઈ ગયું
ગમે ત્યારે આવી અતિથિવત્ એ લુપ્ત કરતું.
તમે સંભાળીને નટવત્ કરો સંયત ગતિ
તમારી દોરીને મૂષકવત્ કાપે ક્ષણપતિ.     50

-ચિનુ મોદી

 

વિ-નાયક એ ચિનુ મોદીનું શિખરિણી છંદમાં પચાસ ષટકસ્વરૂપે લખાયેલું ત્રણસો પંક્તિનું દીર્ઘ કાવ્ય છે. સમય અને સંસ્કૃતિના કોઈ પણ ખંડને ઉઠાવી જોતાં માલુમ પડશે કે નાયક કરતાં ખલનાયક, વિ-નાયક હંમેશા પ્રભાવશાળી રહ્યો છે. ક્રમશઃ અહીં પ્રકૃતિચક્રની એકવિધતા અને નીપજતો કંટાળો અને મૃત્યુની સંવેદના ઉજાગર થઈ છે. મનુષ્યના મૃત્યુથી બચવા માટેના ઉધામા અને ‘કાળપુરુષ’ અને ‘ક્ષણપતિ’ બની આવતા સમય સામેની નિઃસહાય શરણાગતિ આ દીર્ઘકાવ્યનો પ્રાણ છે. અહીંના પચાસ ષટકમાં સિસિફસ, અશ્વમેધ, મહાભારત, શાકુન્તલ, પન્નાલાલનું માનવીની ભવાઈ, વિક્રમ-વેતાળ, કાફકાની નવલકથા’ધ ટ્રાયલ’, સોક્રેટિસ, ઉમાશંકરની પંક્તિ- અને એવું તો ઘણું ઘણું ભર્યું પડ્યું છે. સરવાળે આ દીર્ઘકાવ્ય શાશ્વત નશ્વરતાનું કાવ્ય છે…

અહીં કેટલાક ષટક રજૂ કર્યા છે…

Comments (4)

ખબર પડશે તને – ખલીલ ધનતેજવી

આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
એક અક્ષર પણ કરી જો રદ, ખબર પડશે તને.

લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,
પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.

તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.

ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.

ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.

તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,
ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.

– ખલીલ ધનતેજવી

એક અક્ષરની કિંમત કદાચ એક કવિ વધુ સારી રીતે સમજી શકે…

Comments (9)

ચોમાસું – હેમેન શાહ

આ રમત તો કદી જીતાય નહિ,
કોઈ કુદરત સાથે સ્પર્ધા થાય નહિ,
એક ટીપા સામે આંસુ આપવું,
આવું ચોમાસું મને પોસાય નહિ.

– હેમેન શાહ

Comments (13)

રંગીન માછલી છે – સંજુ વાળા

ઝાંખા ઉજાસ વચ્ચે તેં જે કથા કહી છે,
સાંભળજે કાન દઈને એની જ આ કડી છે.

પળને બનાવે પથ્થર, પથ્થરને પારદર્શક,
તાકી રહી છે કોને, આ કોની આંગળી છે.

કાજળ બનીને આવો કે જળ બની પધારો,
પાંપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે ?

નખ હોય તો કપાવું દ:ખ હોય તો નિવારું,
ભીતરને ભેદતી આ મારી જ પાંસળી છે.

ઈચ્છાના કાચઘરમાં એ કેદ થાય અંતે :
માણસનું નામ બીજું રંગીન માછલી છે.

– સંજુ વાળા

જોડાયેલા ભૂતકાળની વાતથી ગઝલ શરૂ થાય છે.  ક્ષણને પથ્થર જેવી ભારે બનાવી દે અને પથ્થરને પારદર્શક કરી દે એવી કઈ આંગળીની વાત કવિ કરે છે ? – મારા મતે તો પોતાના અંતરઆત્માના અવાજની વાત છે.  ત્રીજો શેર તો પરાણે ગમી જાય એવો નખશિખ નમણો શેર છે. ચોથો  શેર વાંચતી વખતે યાદ કરજો કે ઈવનું સર્જન આદમની પાંસળીમાંથી થયેલું.  કાચ સામાન્ય રીતે એક રંગી પ્રકાશમાંથી બધા રંગો અલગ પડે છે. એનાથી ઉલટું,  અહીં (ઈચ્છાના) કાચઘરમાં રંગીન માછલી કેદ થવાની વાત આવે છે.

Comments (22)

શબ્દોના ડાઘુઓએ – રમેશ પારેખ

શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો છે ભારને,
દફનાવશે ક્યાં જઈને મરેલા વિચારને ?

દર્પણમાં ક્યાંક ગુમ થઈ છે રમેશતા,
શોધ્યા કરું છું શ્વાનની પેઠે ફરારને.

વેચાય છે બજારમાં ગજરાઓ ફૂલના,
દિવસો ય વાજબી છે, ખરીદો બહારને.

ઘટનાને હોત ભૂલી શકાવાનાં બારણાં,
તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને ?

જેને જવું’તું શબ્દની સીમા અતિક્રમી,
રોશન કરે છે આજ એ પસ્તીબજારને.

ગઈકાલે સનસનાટીભર્યું શું બની ગયું ?
ભીની હજુ છે, ખોદી જુઓને, મજારને….

Comments (27)

ગીત- મુકેશ જોષી

કૂવા કાંઠે ભરવા આવે એક છોકરી પાણી,
પાણી પાણી થઈ જાતાં આ હું ને મારી વાણી.

આંબા પાછળ સંતાઈ હું એને જોતો રહું,
એ પાણી ભરવાને આવે, એને ભરવા સહુ

ઠેઠ ડુબાડે, ખેંચી કાઢે, જળથી ભરેલ ડોલ,
હું એનામાં ડૂબ્યો તોય ના ખેંચ્યો લે બોલ.

ઘટમાં પાણી રેડાતું, ઢોળાતું કૂવાથાળે,
ભડભડ મારો જીવ બળે પણ સ્હેજે નહીં પલાળે.

પાણી ભરતાં ભરતાં એની કાયા ભીની થાતી,
હુંય સૂર્યનું કિરણ હોત તો મુજથી હોત સુકાતી.

આંખોમાં છે દરિયો એના માથા ઉપર કૂવો,
જળની વચ્ચે ચાંદ મલકતો ધારી ધારી જુઓ.

પાણી ભરવા જાવું એનો રોજિંદો વહેવાર,
જે એને ટીકીને જોતું એને મન તહેવાર.

ઈંઢોણી પર બેડાં મૂકી પાછી વળતી ઘેર,
મારી આંખે એના ઘરમાં જળની લીલાલ્હેર.

 

એક રમતિયાળ ગીત….

Comments (10)

ગઝલ – મિલિન્દ ગઢવી

દિવસોનો કચરો બાળીને રાતે અજવાળાં રાખ્યાં છે,
તારો ખાલીપો સાચવવા સુઘરીના માળા રાખ્યા છે.

થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે,
તેથી તો રેલના પાટા સમ સગપણમાં ગાળા રાખ્યા છે.

તું પણ બીજાની જેમ અરે! આંખોની પાર ન જોઇ શકી ?
આ ગરમાળાની પાછળ જે ઘેઘૂર ઉનાળા રાખ્યા છે !

તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા,
ઘરડાં દ્વારોને યાદ નથી કે કોણે તાળાં રાખ્યાં છે.

ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને,
રસ્તાના અર્થો વિસ્તારી અમને પગપાળા રાખ્યા છે.

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

ગ.મિ.ની ગમી જાય એવી ગઝલ… આજની પેઢીમાં પોતીકો અવાજ લઈને ઝડપભેર નવી ભાત અંકિત કરતા આ કવિના ગરમાળાની પાછળના આ ઉનાળા વાંચતાવેંત ગમી જાય એવા છે…

Comments (20)

અસ્પૃષ્ટ – સ્નેહલ જોષી

ન કોઈ શબ્દ વિસ્તરે, ન જ્ઞાન ચિત્તને અડે,
બધીર ચેતના બધી ન કાન ચિત્તને અડે.

પ્રવાત ચીરતું વિહંગ પંખરિક્ત છે હવે,
ન લક્ષ્ય કોઈ છે ન આસમાન ચિત્તને અડે.

હવે ન સ્પર્શતા પવન દિશા ન વાયવી દિશે,
ગળી જવાય કંઠમાં ન ગાન ચિત્તને અડે.

રહી ન અર્થની વિદ્યા, રહ્યા ન અર્થસ્નાતકો,
નિમજ્જ શબ્દમાં રહ્યા ન સ્નાન ચિત્તને અડે.

ધરા વહી, વખત વહ્યો, વહ્યું છે સર્વ પૂર્ણમાં,
ભ્રમણ ન આત્મનું થયું ન સ્થાન ચિત્તને અડે.

ન મોહ ક્રાંત થઈ શક્યો રહ્યા સદૈવ અંતિમે,
પ્રથમ રહું, પરંતુ ત્યાં સ્વમાન ચિત્તને અડે.

પ્રગટ થયા, કર્યું બધુંય પ્રાપ્ત, વ્યાપ્ત જે હતું,
નજર પ્રદીપ્ત થઈ, બધાં નિશાન ચિત્તને અડે.

– સ્નેહલ જોષી

એક ન અડવાની ગઝલમાં કેટલી બધી અર્થચ્છાયાઓ આપણને વળગી પડે છે !

(પ્રવાત = પવનનો ઝપાટો, પંખરિકત= પાંખ વિનાનું)

Comments (9)

(સાહિબ, સાચી સંગત દેજો) – નીતિન વડગામા

સાહિબ, સાચી સંગત દેજો.
પડછાયાની જેમ અમારી પડખે પળપળ રહેજો.

ક્યાં ક્યારે ને કેમ ઊગીએ એ પીડા છે મોટી,
સાચો ઘાટ ઘડે સૌ એવી આપો સ્હેજ હથોટી;
હાથ અને હૈયુ લંબાવી એમ ગોદમાં લેજો.

ડગલે પગલે પગમાં આખા રસ્તાઓ અટવાતા,
વરસાદી વાદળના અમને અર્થ નથી સમજાતા;
ભીનપવરણું ઝરણું થઈને રગરગમાં જઈ વહેજો.

– નીતિન વડગામા

સીધી સરળ માંગણી… મીઠ્ઠુ મજાનું હરીગીત.

Comments (6)

તરત – ચિનુ મોદી

હે નમાયા શ્વાસ, પૂછી લે તરત
જીવવાની શી શી રાખી છે શરત ?

જીવ મારા ! આમ રઘવાયો ન થા
દેહ છોડી ક્યાં ક્યાં તું ફરતો ફરત ?

હુંય સમજું છું, મરણ વિચ્છેદ છે
દૃશ્યની હું બાદબાકી ના કરત.

પાંચ જણને પૂછ કે ક્યાં હોય છે
સ્વર્ગ ના જડશે તો નક્કી હું પરત.

સાંજના અંધારથી શું બ્હી ગયો ?
રાતનું આકાશ તારાથી ભરત.

– ચિનુ મોદી

લયસ્તરો પર સાતમી વર્ષગાંઠ નિમિત્તે મૃત્યુનો વિષય છેડાયોં ત્યારથી ચારે તરફ મૃત્યુની રચનાઓ જ નજરે ચડતી રહે છે.

તેલુગુ કવિ ડૉ. એન. ગોપી કહે છે: “To the poets death is poetic. If it were to be touched, would know it is hell”

Comments (7)

દીવાદાંડીઓ – યામામોતો તારો [ જાપાન ] – અનુ-વેણીભાઈ પુરોહિત

દીવાદાંડીઓ કવિઓ જેવી લાગે છે:
જ્યાં જ્યાં જોખમનો ભય –
ત્યાં બન્નેની સાબદી નજર.

પવનના ઉદરમાં જ આકાર લેતું તોફાન
અથવા તો
ફૂંફાડાબંધ આવી રહેલું
મહાસાગરનું મોજું….

કવિઓ દીવાદાંડીઓ જેવા લાગે છે :
વેદનાની અનુભૂતિ આત્મસાત કરીને
તેઓ પોતાનું એકાંત ઊભું કરે છે,
કારણકે બન્નેના ભર્ગ-વરણ્યને
હમ્મેશાં દૂર દૂરનો ફાસલો હારી જાય છે.
તેમનું ભીતર
કોઈ પણ અંધકાર કરતાં વધુ અતલ હોય છે.

 

સ્ટાલિન પોતાના સેનાપતિઓને કહેતો કે – ‘શત્રુપક્ષનો એક સેનાપતિ છટકી જશે તે ચાલશે પણ શત્રુપક્ષનો એકપણ કવિ છટકવો ન જોઈએ.’ !!!

Comments (5)

ધુમ્મસ કેરી ધરતી – મકરંદ દવે

આ ધુમ્મસ કેરી ધરતી રે
આ વાદળ કેરી વસ્તી,
શિખર શિખરને ગળે લગાવી
અલ્લડ જાય અમસ્તી રે,
આ ધુમ્મસ કેરી ધરતી.

ઘડીક ઢાંકે, ઘડીક ઢબૂરે,
ઘડીક છુટ્ટે દોરે,
સૂરજને સઘળું સોંપીને
પોતાને સંકોરે,
કિરણો કેરી રંગનદીમાં, માથાબોળ નીતરતી રે
આ ધુમ્મસ કેરી ધરતી.

એક પલકનો પોરો ખાવો
એક ઝલકનો છાંટો,
જુગ જુગથી મારે આ જગમાં
અમથો અમથો આંટો,
તરપણ એનું તેજ કરે ને , તો યે તરસે મરતી રે
આ ધુમ્મસ કેરી ધરતી.

અનિત્યતા અને પરિવર્તનશીલતાની આ વાત છે. કવિતાનું પોત ખૂબ જ બારીકીથી વણાયેલું છે. સુંદર મજાના રૂપકોમાં બ્રહ્મની વાત છે. મકરંદ દવેની આજ ખાસિયત તેઓને એક મૂઠી ઊંચેરું સ્થાન બક્ષે છે…..

Comments (5)