તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.
હિતેન આનંદપરા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for November, 2007

આકાશનો સોદો – ચંદ્રકાન્ત શેઠ

સાંકડી શેરીમાં આકાશ વેચવા નીકળેલો હું !
મને સાંકડી શેરીના લોકોએ ગાંડો માન્યો,
મારો હુરિયો બોલાવ્યો,
મને ધક્કે ચડાવ્યો,
મને પથ્થર માર્યા,
મારાં લૂગડાં ફાડ્યાં,
મારી મુઠ્ઠી છોડાવવા પ્રયત્ન કર્યો,
પણ આકાશ ઓછું જ હોઈ શકે મુઠ્ઠીમાં ?

બિચારા સાંકડી શેરીના લોકો !
એમને ખબર નથી
કે આકાશ કંઈ ખિસ્સામાં, પોટલીમાં કે પેટીમાં કે મુઠ્ઠીમાં આવી શકતું નથી !
આકાશ તો એમની આંખોના ઢળેલાં પોપચાં ઊંચાં કરીને હું બતાવવાનો હતો.
આકાશ તો એમને મળવાનું હતું એમનું એમ !
આકાશ વેચવાનું તો એક બહાનું જ હતું માત્ર !
પણ સાંકડી શેરીના લોકો !
મને શેરી બહાર કાઢી
સૂઈ ગયા બારી-બારણાં વાસી ગોદડામાં મોં ઘાલી.

હું ફરીથી ઘસડાતો ઘસડાતો
આકાશ આજે નહીં તો કાલે વેચાશે એવી આશાએ સંકલ્પપૂર્વક લેવા લાગ્યો સુદીર્ઘ શ્વાસ !
આ તો સાંકડી શેરીના લોકો
ને આકાશનો સોદો !
સહેજમાં પતે કે?

-ચંદ્રકાન્ત શેઠ

શ્રી ચંદ્રકાન્ત શેઠનો જન્મ વૈષ્ણવવણિક કુટુંબમાં તા. ૦૩-૦૨-૧૯૩૮ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ મુકામે. વતન ખેડા જિલ્લાનું ઠાસરા. એમ.એ., પી.એચ.ડી. સુધીનો અભ્યાસ અને અધ્યાપનનો વ્યવસાય. અગ્રણી કવિ, વિવેચક, નિબંધકાર, સંપાદક અને અનુવાદક. વાર્તા, નાટકો અને બાળગીત ક્ષેત્રે પણ મહત્ત્વનું પ્રદાન. એમના કાવ્યોમાં જીવનની કૃતકતા અને અસ્તિત્વના બોદાપણાનો વસવસો છલકાતો નજરે ચડે છે. લય ને કલ્પનોની તાજગી એ એમના કાવ્યોનો મુખ્ય આયામ છે.

(કાવ્યસંગ્રહો: પવન રૂપેરી, ઊઘડતી દીવાલો, પડઘાની પેલે પાર, ગગન ખોલતી બારી, એક ટહુકો પંડમાં, શગે એક ઝળહળીએ, ઊંડાણમાંથી આવે ઊંચાણમાં લઈ જાય…, જળ વાદળ ને વીજ.)

Comments (3)

મળ્યાં – સુન્દરમ્

મળ્યાં વિરહના અનેક કપરાં દિનોની પછી
મહાજન સમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે,
ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી,
બધાનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં.
ઘણો સમય તો ન કાંઈ જ વદ્યાં અને જ્યાં વદ્યાં
પૂછી ખબર અન્ય કોક તણી સાવ સાદી સીધી.
અને ખબર એ સુણી નહિ સુણી કરી બેઉ તે
અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં,
ઘડી ઘડી ઉઠાવી નેણ નીરખ્યા કર્યું અન્યને.

-સુન્દરમ્

વિરહના કપરાં દિવસો વેઠ્યા બાદ મળેલા પ્રેમીજનોનું મિલન કેવું હોય? સુનામીના મોજાં જેવું? પણ સુન્દરમ્ ના કાવ્ય નાયક-નાયિકા એવા અનંગવેગથી ન જ મળે. અહીં તો મિલન પણ લોકોની વચ્ચે થાય છે અને બન્ને જણ “લ્હેર”થી વચ્ચે મળતા જતા લોકો સાથે ગોઠડી કરતાં-કરતાં નજીક આવે છે. એકબીજાને મળે છે તો ખરા પણ ‘બધાનું પતવીને’. પ્રદીર્ઘ વિયોગ જેવું જ લાંબું મૌન સેવ્યા પછી પણ હોઠેથી જે વાત સરે છે એ પોતાની નહીં, અન્યોની જ છે અને વળી બંનેના કાન તો એ દુન્યવી વ્યવહારની વાતો પાછા સાંભળતા જ નથી. અકંપ, અણબોલ અને મૌન એમ ત્રણ વિશેષણોને એક કતારમાં મૂકીને કવિએ મૂક સરવાની વાતને ત્રિગુણિત કરી દીધી છે. પ્રેમ એ કોઈ ઢંઢેરો પીટવાની ઘટના નથી, પ્રેમ તો છે એક અનુભૂતિ… એક સંવેદના… જ્યારે સર્વ ઈંદ્રિય સતેજ થઈ જાય છે ત્યારે વાચાને વહેવા શબ્દોના ખભાની જરૂર નથી રહેતી. ઘડી ઘડી – એમ પુનરાવર્તન કરવાથી એકબીજાને આંખો-આંખોથી ચાહવાની, જોવાની, સાંભળવાની ઘટનાને કવિએ બખૂબી શબ્દાંકિત કરી છે. અહીં સુન્દરમ્ નું જ અન્ય કાવ્ય ‘મેરે પિયા મૈં કછું નહીં જાનૂં,મૈં તો ચુપચુપ ચાહ રહી‘ યાદ આવ્યા વિના રહેતું નથી.

Comments (5)

કવિતા ન કરવા વિશે કવિતા – જયન્ત પાઠક

કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય ?
સરવરો સુકાઈ જાય ?
નદીઓ વહેતી થંભી જાય ?
ડુંગરા ડોલી ઊઠે ?
ઘાસ ઊગતું બંધ થઈ જાય ?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય ?
ના, ના, એવું એવું તો ના થાય –
પણ… પછી
જળપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુના ફૂલ ના ફૂટે;
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊચેં ના જાય.

કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ, તો કશું ના થાય
– એટલે કે કશું થાય જ નહીં !

– જયન્ત પાઠક

કવિતા કરવા વિશે તો ઘણી કવિતાઓ રચાઈ છે પણ કવિતા ન કરવા વિશે તો આ એક કવિતા જોવામાં આવી છે ! કવિએ કવિતા ન હોય તો શું થાય એના વર્ણનમાં બહુ નાજુક રૂપકો વાપર્યા છે. (જલપરીના પવનવસ્ત્રોથી વધારે નાજુક શું હોઈ શકે ?!!) પણ કવિની ખરી ખૂબી તો અંતની ચોટમાં દેખાય છે. કવિતા વિના એક રીતે તો કશું જ થાય એ કેટલી સરસ રીતે – વિચારતા કરી મૂકે એવી રીતે – આવે છે એ કવિની સિદ્ધહસ્તતાની સાબિતી છે.

Comments (7)

ગઝલ – મિર્ઝા ગાલિબ ( અનુ. મુસાફિર પાલનપુરી)

લો, ફરી દિલમાં બેકરારી છે;
ચોટ ખાવાની ઈંતજારી છે.

કાળજું કોર્યું લો અમે જ સ્વયમ્,
ઋત વસંતોની આવનારી છે.

એ જ નિ:શ્વાસ, આહ, ફરિયાદો
એ જ આંખેથી રક્ત ઝારી છે.

મરવું પાછું એ બેવફા ઉપર
એ જ શાપિત દશા અમારી છે.

આંખ ઝંખે છે એ જ બદનામી,
લક્ષ્ય દિલનુંય બસ ખુવારી છે.

થઈ ગયું ચારેકોર અંધારું,
જુલ્ફ શું કોઈએ પ્રસારી છે.

વ્યર્થ આ વ્યગ્રતા નથી ‘ગાલિબ’,
કંઈ તો છે જેની પરદાદારી છે.

– મિર્ઝા ગાલિબ ( અનુ. મુસાફિર પાલનપુરી)

Comments (4)

લઘુકાવ્ય -ગુરુનાથ સામંત (અનુ. સુરેશ દલાલ)

મેં મારી કવિતા
       તને વાંચી સંભળાવી’તી
તેં કહ્યું તું:
       ‘સમજાતી નથી’
કોરા ચહેરાની
       તે એક બપોર
મેં એવી જ
       સાચવી રાખી છે.

-ગુરુનાથ સામંત (મૂળ રચના મરાઠીમાં… અનુ. સુરેશ દલાલ)

Comments (4)

ગઝલ -હેમેન શાહ

અજાણ્યા છોડ પર ફૂટી, પમરવાનો વખત આવ્યો;
ઘડીભરમાં સુકાઈ જઈ વીખરવાનો વખત આવ્યો.

કદી ગુપચુપ છબી જોઈ સંવરવાનો  વખત આવ્યો;
કદી દર્પણની વચ્ચેથી ગુજરવાનો  વખત આવ્યો.

હવા આવી, ઘટા આવી, ઝરણ આવ્યું, ફૂલો આવ્યાં,
નવાનક્કોર નકશાઓ ચીતરવાનો વખત આવ્યો.

હજી રોમાવલિઓ પર પવન હમણાં જ સ્પર્શ્યો’તો,
અને ત્યાં કાફલામાંથી ઊતરવાનો વખત આવ્યો.

નથી દુ:ખ કે હતું મિલકતમાં અત્તરનું ફક્ત ટીપું,
પરંતુ એ… કે પાણીમાં પ્રસરવાનો  વખત આવ્યો.

-હેમેન શાહ

Comments (6)

યુગ તો વટાવી જાઉં – મધુમતી મહેતા

યુગ તો વટાવી જાઉં, મને ક્ષણ નડ્યા કરે,
જન્મો જનમનું કોઈ વળગણ નડ્યા કરે.

હું મધ્યબિંદુની જેમ નથી સ્થિર થઈ શકી,
ત્રિજ્યા અને પરિઘની સમજણ નડ્યા કરે.

એને વળાવી દ્વાર અમે બંધ તો કર્યા,
એના જતા રહ્યાનું કારણ નડ્યા કરે.

બુદ્ધ થઈ જવા મેં કોશિશ ઘણી કરી,
આ રક્તમાં થીજેલું સગપણ નડ્યા કરે.

આપણે ત્વચાથી પર થૈ નથી શક્યા,
દૃષ્ટિ છે ધૂંધળી ને દર્પણ નડ્યા કરે.

– મધુમતી મહેતા

મધુમતી મહેતા (જન્મ:૧૦-૦૫-૧૯૪૯) વ્યવસાયે તબીબ છે અને શિકાગો ખાતે રહે છે. પ્રસ્તુત ગઝલમાં છંદોની નજીવી શિથિલતાને નજરઅંદાજ કરીએ તો પાંચ સશક્ત શેર સમુદ્ર-મંથન પછીના અમૃત સમા ઊભરી આવે છે. જીવનનું સંગીત અહીં કવિતાની વાંસળીમાંથી સુપેરે સરતું જણાય છે.

Comments (9)

જવું હતું ગામ – ચંદ્રિકાબહેન પાઠકજી

જવું હતું ગામ પરોઢિયામાં,
ખાલી હતી કૈં કરવાની ઓરડી.
લીધી હતી સર્વ ચીજો સમેટી,
છતાંય શું કૈંક ભૂલી જતી હતી?

મેં બારીએ, દાદર ને દીવાલે,
એ શૂન્યતામાં કંઈ દૃષ્ટિ ફેરવી,
અનેક ચિત્રો હજુ ત્યાં રહ્યાં હતાં,
એને ન ત્યાંથી શક્તી ખસેડી.

-ચંદ્રિકાબહેન પાઠકજી

ચંદ્રિકાબહેનનું આ કાવ્ય વાંચતા જ શ્રી બાલમુકુન્દ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં‘ સૉનેટ યાદ આવી જાય છે. કંઈક અંશે એના જેવો જ મિજાજ ધરાવતા છતાં કદમાં ખાસ્સા નાના અને શબ્દોમાં સાવ સરળ આ કાવ્યમાં કયા ગામ જવાની અને કઈ ઓરડી ખાલી કરવાની વાત છે? (જન્મ: ૨૬-૦૭-૧૯૧૦, મૃત્યુ:૨૦-૦૫-૧૯૯૬, કાવ્યસંગ્રહ: ‘રાતરાણી’)

Comments (4)

શેર – સુંદરમ્

ઉચ્છવાસે  નિઃશ્વાસે  મારી  એક  જ  રટણા  હો,
તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો.

-સુંદરમ્

બે લીટીના આ કાવ્યને પ્રણયકાવ્ય ગણો કે ભક્તિકાવ્ય ગણો… એનો મહિમા સર્વોપરિ જ રહેવાનો…

Comments (3)

બારમાસી -પુરુરાજ જોશી

કારતકમાં શી કરી ઝંખના !
માગશરમાં મન મોહ્યાં સાજન !
પોષે રોષ કીધા કંઈ કપરા
મોઘે મબલખ રોયાં સાજન !
ફાગણમાં હોળી પ્રગટાવી !
ખુદને આપણે ખોયાં સાજન !
ચૈતરમાં ચંપો મૂરઝાયો
વૈશાખી વા જોયા સાજન !
જેઠે આંધી ઊઠી એવી
નેણ આષાઢી લ્હોયાં સાજન !
શ્રાવણનાં સમણાનાં મોતી
ભાદરવે ક્યાં પ્રોયાં સાજન !
આસોમાં સ્મરણોના દીવા
રૂંવે રૂંવે રોયાં સાજન !

-પુરુરાજ જોશી

ગાગાગાગા ગાગાગાગા ગઝલનાં છંદમાં લખાયેલાં આ કાવ્યને આપણે ગઝલ કહીશું, કે ગીત? (કે પછી ગીતઝલ?)

Comments (6)

આગળ જતાં -ડૉ. મહેશ રાવલ

શક્યતાઓ વિસ્તરે, આગળ જતાં
માન્યતા ખોટી ઠરે, આગળ જતાં

એક પગલું પણ પછી સંભવ નથી
વા ફરે, વાદળ ફરે, આગળ જતાં

જે તફાવત હોય છે, તે હોય છે
એજ રસ્તો આંતરે, આગળ જતાં

ગાય છે ગુણગાન આજે, એ બધા
શક્ય છે ઇર્ષા કરે, આગળ જતાં

છેવટે,માણસ જવાનો જાતપર
મારશે, ને કાં મરે, આગળ જતાં !

-ડૉ. મહેશ રાવલ  (એમનાં જ બ્લોગ પરથી સાભાર…)

Comments (4)

(સૌભાગ્યવતી યાદ) -પન્ના નાયક

તારી સાથે
ગાળેલી
રમ્ય રાત્રિની
સૌભાગ્યવતી યાદ
ફરી થનારા પ્રગાઠ મિલન સાથે
સંવનન કરતી હતી
ત્યાં જ
કાયમી વિરહના
અચાનક ઊમટેલા
વંટોળિયાના
એક જ સુસવાટે
ઉથલાવી
તોડીફોડી નાંખી
કંકુની શીશી…

હવે ઢોળાયેલા કંકુને
વાગે છે
નર્યા કાચ…

-પન્ના નાયક

 

Comments (4)

એક હતી સર્વકાલીન વારતા -જગદીશ જોષી

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરીફરી કેમ કરી વાંચશું?    

માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

– જગદીશ જોષી

Comments (3)

લતાકુંજમાં – ઉદયન ઠક્કર

ન કૂંપળ, ન કળીઓ,ન કુસુમો, ન ક્યારો
સુગંધોને   હોતો   હશે    કંઈ    કિનારો ?

લતાકુંજમાં     કેમ     ગુંજે      સિતારો ?
છે  ભમરા ?  કે   પાંખાળા   સંગીતકારો ?

લળીને     ઢળીને     ટહુકા     કહે    છે,
‘તમે ક્યાંથી અહીંયા ? પધારો, પધારો !’

આ   તોળાવું   ઝાકળનું  તરણાની   ટોચે,
અને   મારા   મનમાં   કોઈના   વિચારો….

મને    જોઈને   ઘાસ   હળવેથી   બોલ્યું,
‘જરા  આમ   આવો,   પગરખાં   ઉતારો !’

-ઉદયન ઠક્કર

Comments (7)

ઉઘાડી રાખજો બારી – પ્રભાશંકર પટ્ટણી

દુઃખી  કે  દર્દી   કે  કોઈ   ભૂલેલા   માર્ગવાળાને,
વિસામો  આપવા  ઘરની  ઉઘાડી  રાખજો બારી.

ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા,
તમારા   કર્ણનેત્રોની    ઉઘાડી    રાખજો   બારી.

પ્રણયનો  વાયરો  વાવા,  કુછંદી  દુષ્ટ વા જાવા,
તમારા  શુદ્ધ  હૃદયોની   ઉઘાડી   રાખજો   બારી.

થયેલાં   દુષ્ટ   કર્મોના   છૂટા   જંજીરથી  થાવા,
જરા   સત્કર્મની   નાની,  ઉઘાડી  રાખજો  બારી.

-પ્રભાશંકર પટ્ટણી

પ્રભાશંકર પટ્ટણી જ્ઞાતિએ નાગર. જન્મ: મોરબી ખાતે ૧૫-૦૪-૧૮૬૨ના રોજ, કોટડા-સાંગાણીના વતની. મૃત્યુ: ૧૬-૦૨-૧૯૩૮. ભાવનગરના રાજકુમાર ભાવસિંહજીના શિક્ષક અને સલાહકાર હતા. રાજ્યના દીવાન હતા અને ગાંધીજીના પરમમિત્ર. કવિ કાન્ત અને બ.ક.ઠાકોરના અંગત દોસ્ત. અંગ્રેજ સરકાર તરફથી સરનો ખિતાબ પણ મળ્યો હતો. એમના જીવનનો એક નાનકડો પ્રસંગ આપ અહીં માણી શકો છો.

(કાવ્યસંગ્રહ: ‘મિત્ર’ (મરણોત્તર પ્રકાશન, ૧૯૭૦)

Comments (5)

હેમંતની સાંજ – યૉસેફ મેકવાન

ઝાડના ડાંખળે ડાળીએ
સૂર્યના કિરણ ચોંટી રહ્યાં;
પાસમાં
ટૂંટિયું વાળીને શાંત છે પથ પડ્યો !
ચોતરફ
વાયુના કાફલા બરફ-શા આભને લૈ વહે;
ક્યાંકથી આવતો પંખીનો નાદ પણ
થૈ કરો કાનમાં વાગતો.

એમ લાગે ઘડી
સાંજ આ ચિત્રમાં હોય જાણે મઢી.

-યૉસેફ મેકવાન

હેમંત ઋતુની એક સાંજનું સુલેખ શબ્દાંકન. આથમતા સૂર્યના કિરણોનું ડાળીઓ પર ચોંટી જવું, રસ્તાનું ટૂંટિયું વાળીને શાંત પડી રહેવું, બરફ જેવા ઠંડાગાર આકાશને લઈને વહેતો વાયુ અને કાનમાં બરફના કરાની જેમ વાગતો પંખીનો અવાજ- આ કલ્પનોની વાગ્મિતા હેમંતની ધૂંધળી સાંજની ઠંડીને પ્રત્યક્ષ કરી આપે છે જાણે.

Comments (3)

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે -કલાપી

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં કાં રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને યાદી આપની!

-કલાપી

Comments (7)

‘આપણું’ ગીત -માધવ રામાનુજ

                                        આપણે તો ભૈ રમતારામ !
          વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ.

વાદળ  કેવું વરહે,  કેવું  ભીંજવે !  એવું ઊગતા દીનું વ્હાલ !
આછેરો આવકાર મળે, બે નેણ ઢળે –
                        બસ, એટલામાં તો છલકી થાઈં ન્યાલ !
મારગે મળ્યું જણ ઘડીભર અટકે, ચલમ પાય
                                   ને પૂછે – કઈ પા રહેવાં રામ?
વાયરો  આવે-જાય,  એણે  ક્યાંય  બાંધ્યાં  ના  હોય  ગામ !

ઓઢવાને હોય આભ, ઉશીકાં હોય શેઢાનાં, પાથરેલી હોય રાત;
સમણાંના શણગાર સજીને ઊંઘ આવે
              ને પાંખડીઓ-શા પોપચે આવે મલકાતું પરભાત,
ઝાકળમાં ખંખોળિયું ખૈ ને હાલતા થાઈં, પૂછતા નવાં નામ…
                                        આપણે તો ભૈ રમતારામ !

-માધવ રામાનુજ

Comments (2)

ગઝલ -અંકિત ત્રિવેદી

આખો દિવસ સાથે હતો, સાંજે શમી ગયો,
સૂરજને મારો પડછાયો કેવો ગમી ગયો !

ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.

એવું કિનારાને થયું શું, ના ખબર પડી,
મોજાંની વાતો સાંભળીને સમસમી ગયો.

આ ‘આપ-લે’માં થઈ જતા ખરબચડા હાથમાં,
ખણકાટ પાંચીકાનો ક્યારે આથમી ગયો?

શેરીમાં રમતા છોકરાની જેમ કાફિયો,
કાગળ ઉપર આવી અનાયાસે રમી ગયો.

-અંકિત ત્રિવેદી

Comments (9)

ગઝલ -મનહર મોદી

એ જ છે મારા પરિચયની કથા
ગા લગા ગાગાલગા ગાગાલગા

જિંદગી છે દાખલો વ્યવહારનો
પ્રેમ પર આડા ઊભા લીટા થયા

મૂક થઈ ઊભા રહી જોયા કર્યું
મૌન દ્વારા પ્રશ્ન પૂછ્યા સામટા

એમણે મુજ સ્થાન સમજાવી દીધું
આંગળીથી નખ કરીને વેગળા

એમની આંખોથી ઘર ખાલી કરું
કોઈ દર્શાવો મને એવી જગા

-મનહર મોદી

Comments (4)

નૂતન વર્ષાભિનંદન

નવા વરસે….
.        …આનંદ વરસે..!

– ‘લયસ્તરો’ તરફથી સૌ વાચકમિત્રોને દિપોત્સવી પર્વની મંગળ કામનાઓ અને નૂતન વર્ષાભિનંદન…

નવું વરસ…
.      …વીતે સહુનું સરસ…!!

Comments (7)

મુક્તક – રાજેન્દ્ર શાહ

ઘરને ત્યજી જનારને
.           મળતી વિશ્વ તણી વિશાળતા.

-રાજેન્દ્ર શાહ

મુક્તક એટલે મોતી. મોતી એટલે અતાગ દરિયાના તળિયે પોઢેલી એક છીપની પાંપણનું સમણું. ક્યારેક એક મોતીમાં એક આખો સમંદર ભર્યો પડ્યો હોય છે. એક જ લીટીના આ મુક્તકનો વિચાર વિસ્તાર કરવો હોય તો?

Comments (5)

ગઝલ – એસ. એસ. રાહી

વાવડનો  તાર  મળશે  મને  આજકાલમાં
આવે  છે  જેમ  યક્ષિણી  થઇ તું  ટપાલમાં.

શીતળ  શિશિરની બીક મને ના બતાવ તું
થોડોક  તડકો  સાચવ્યો  છે મેંય  શાલમાં.

મારી  દીવાનગી  વિશે  લોકોને  અદેખાઇ
ને  તુંય  કેવું  કહી  ગઇ  મુજને  વહાલમાં.

કાળો  સમુદ્ર  યાદ  કરી  અશ્રુ  ના વહાવ
તેમાં  તરી  રહ્યો  છું હજી પણ હું, હાલમાં.

‘રાહી’ના  રોમેરોમમાં  વ્યાપેલી  હોય  તું
હોતી  નથી  તું  જે  ક્ષણે  મારા ખયાલમાં.

-એસ. એસ. રાહી

પાંચ શેર… પાંચ કવિતા… માખણના પિંડમાં છરી જે સરળતા-સહજતાથી ઉતરી જાય એવા મસૃણ કાફિયાઓ અને પ્રણયની ઉત્કટ બળવત્તર ભાવનાઓથી ભર્યા-ભર્યા અશ્આર. કાળા સમુદ્રવાળા શેરમાંથી જે અલગ-અલગ અર્થચ્છાયાઓ ઉભરી આવે છે એ તો આ ગઝલનો પ્રાણ છે જાણે.

Comments (4)

ગઝલ – મણિલાલ રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

તને હું જોઉં છું, ચંદા! કહે ! તે એ જુએ છે કે ?
અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે ?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને
વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે ?

સખી ! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે-
સ્મરંતાં ના શકું સૂઈ ! કહે, સાથી સુએ છે કે ?

સલૂણી સુંદરી ચંદા ! ધરી તવ સ્વચ્છ કિરણોમાં-
હૃદયનાં ધોઉં છું પડ હું ! કહે, તે એ ધુએ છે કે ?

–મણિલાલ રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

ઉત્તમ કવિ, વિવેચક, નાટ્યકાર અને અનુવાદક કવિ ‘કાન્ત’નો જન્મ ૨૦-૧૧-૧૮૬૭ના રોજ અમરેલીના ચાવંડ ગામમાં. ઈ.સ. ૧૯૦૦ની સાલમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો પણ પ્રચંડ વિરોધ ફાટી નીકળતા બે વર્ષ પછી આર્યસમાજમાં પાછા ફર્યા પણ અંતઃકરણથી જીવનપર્યંત ખ્રિસ્તી જ રહ્યા. યાદગાર ઊર્મિકાવ્યો અને ખંડકાવ્યો થકી ગુર્જર સાહિત્યાકાશે કાયમી સ્થાન અંકિત કર્યું. ખંડકાવ્ય નામનો કલાત્મક કાવ્યપ્રકાર ગુજરાતી ભાષામાં એમણે સૌપ્રથમ પ્રયોજ્યો હતો એ નાતે એમને તમે ખંડકાવ્યોના અધિષ્ઠાતા પણ ગણી શકો. લાગણીની ગહરાઈ, સુરેખ શબ્દનિરૂપણ, ભાવાનુસાર છંદ-પલટા, શિષ્ટ-મિષ્ટ અને સ્વચ્છ-સઘન શૈલી અને સમગ્ર કાવ્યની સુગ્રથિતતાના કારણે એમના કાવ્યો આજે પણ બેનમૂન રહ્યાં છે. ૧૬-૦૬-૧૯૨૩ના રોજ કાશ્મીરથી પરત થતી વેળાએ રાવળપિંડીથી લાહોર આવતી મેલટ્રેનમાં જ અવસાન અને એ જ દિવસે અમદાવાદ ખાતે એમના કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’નું પ્રકાશન થયું.

Comments (8)

પછી – હરીન્દ્ર દવે

પહેલાં તમારી આંખે
          સિતારા હસી પડ્યા
વાતાવરણમાં શોકભરી
          રાત થઈ પછી.

નાજુક ક્ષણોમાં કોલ
          મેં મૃત્યુને દઈ દીધો
મારી જીવનની સાથે
          મુલાકાત થઈ પછી.

– હરીન્દ્ર દવે

આ કવિતા પહેલા વાંચેલી ત્યારે કોઈ ખાસ અસર વિના પસાર થઈ ગયેલી. પણ આજે ફરી વાંચવામાં આવી તો ખ્યાલ આવ્યો કે કવિતાનો મર્મ પહેલા ચૂકી જવાયેલો. ખીલતી ખૂલતી ક્ષણ પછી ઘેરા શોકનો સમય આવે છે એ વાત સીધી રીતે કવિએ મૂકી છે. પણ કવિની ખરી કરામત તો એ પછી આવે છે. એ કહે છે કે એક વાર મૃત્યુ સાથે ઓળખાણ કરી લીધી – એને સાથે હાથ મિલાવી લીધા – પછી જ જીવનનો ખરો પરિચય થઈ શક્યો !

Comments (9)

તકદીરને – શેખાદમ આબુવાલા

ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?

– શેખાદમ આબુવાલા

Comments (3)

ગદ્ય કાવ્ય – પન્ના નાયક

મારામાં એક ટોળું વિરાટ સમુદ્રના પાણીની જેમ ધસમસી આવે છે અને અહીંથી તહીં, તહીંથી અહીં રહીરહીને મને ફંગોળે છે. કોઈ કોણી મારે છે, કોઈ ધક્કા. કોઈ મને ઉપાડે છે, કોઈ પછાડે છે. મને ક્યાંય કોઈ જંપવા દેતું નથી. આ ભીડ મારી પોતાની છે. આ મારી જ ભીડમાં હું ખોવાઈ જાઉં છું. ખવાઈ જાઉં છું. હું મારા એકાંતના નીડમાં પાછી વળી શક્તી નથી. કપાઈ ગઈ છે મારી પાંખ. આંધળી થઈ ગઈ છે મારી આંખ, ગહનઘેરા અંધકારમાં હું મને ફંફોળું છું પણ કેમે કરીને હું મને મળતી નથી, મળી શક્તી નથી.

મારામાં એક ટોળું મારા જ ખડક પર માથું પછાડ્યા કરે છે. સમુદ્રનું પાણી ધીમે ધીમે રેતી થઈને વિસ્તરે છે. રણની ઘગધગતી રેતી આંખમાં ચચર્યા કરે છે અને ઝાંઝવાના આભાસ વિના હું દોડ્યા કરું છું. પાછું વળીને જોઉં તો એ જ ટોળું મારી પાછળ પડી ગયું છે.

-પન્ના નાયક

ટોળાંનો, તે જ રીતે સમુદ્રના પાણીનો કોઈ આકાર નથી હોતો. (કદાચ એટલે જ કવયિત્રીએ અહીં કાવ્યનો કોઈ આકાર કે શીર્ષક નિર્ધાર્યા નહીં હોય?) ટોળાંમાં, તે જ રીતે સમુદ્રમાં કોઈ વધઘટ થાય તો વર્તાતી પણ નથી. ટોળું એક એવી વિભાવના છે જ્યાં મનુષ્ય પોતાની સ્વતંત્ર ઉપલબ્ધિ સદંતર ગુમાવી બેસે છે. પોતાની અંદરનું આ ટોળું કયું છે એ કવયિત્રી નથી સ્પષ્ટ કરતાં, નથી એવી સ્પષ્ટતાની અહીં કોઈ જરૂર ઊભી થતી. આ ટોળું કવયિત્રી પર એ રીતે હાવી થઈ ગયું છે કે પોતાની જ આ ભીડમાં પોતે ખોવાઈ ને ખવાઈ પણ જાય છે. પાંખોનું કપાઈ જવું એ ટોળાંમાં લુપ્ત થતી વ્યક્તિગતતાનો સંકેત કરે છે અને આ લુપ્તતા અંધકારની જેમ એટલી ગહન બને છે કે પોતે પોતાને મળવું પણ શક્ય રહેતું નથી. માથાં પટકી-પટકીને આમાંથી છટકવાની કોશિશનું પરિણામ માત્ર રેતીની જેમ ચકનાચૂર થવા સિવાય બીજું કંઈ નથી કેમકે આ ટોળું કદી પીછો છોડવાનું જ નથી.

ગદ્યકાવ્ય એટલે શું? એનો આકાર ખરો? કવિતા ગદ્યમાં સંભવે ખરી? આપણે ત્યાં કાવ્યની લેખનપદ્ધતિ અને એ પ્રમાણે મુદ્રણપદ્ધતિ મુજબ એકસરખી કે નાની-મોટી પંક્તિઓ પાડીને લખાયેલા કાવ્યને ‘અછાંદસ’ અને ગદ્યની જેમ પરિચ્છેદમાં લખાયેલા કાવ્યને ‘ગદ્યકાવ્ય’ ગણવાનો ભ્રમ ખાસ્સો પોસાયો છે. હકીકતે પદ્યના નિયમોથી મુક્ત, કોઈપણ સ્વરૂપમાં ન બંધાતી કવિતાનો પિંડ જ ગદ્યકાવ્ય છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પણ એનો સ્વીકાર થયો છે- काव्यं गद्यं पद्यं च । કાલેબ મર્ડરોક ‘પદ્ય કે ગદ્ય‘ વિષય પર પોતાની વાત કહી જુદા-જુદા કવિઓની ‘પેરેગ્રાફ પૉએમ્સ’ રજુ કરે છે તે જાણવા જેવું છે. આ પ્રકારની ‘પ્રોઝ પોએટ્રી‘નો જન્મ ફ્રાંસમાં ઓગણીસમી સદીમાં થયેલો મનાય છે. વીકીપીડિયા પર પણ ઉપયોગી માહિતી મળી શકે એમ છે. બરટ્રાન્ડના ગદ્યકાવ્યોમાંથી પ્રેરણા મેળવીને ફ્રાંસના જ ચાર્લ્સ બૉદલેરે પચાસ જેટલા ગદ્યકાવ્યો રચ્યા જે બૉદલેરના મરણ પશ્ચાત પુસ્તકાકારે પ્રકાશિત થયા અને એણે વિશ્વભરની ભાષાઓને પ્રભાવિત કરી. ભારતમાં ગદ્યકાવ્યોના જન્મ પાછળ રવીન્દ્રનાથના ગીતાંજલિનો અંગ્રેજી અનુવાદ અગત્યનું પ્રેરક બળ સિદ્ધ થયો. આપણે ત્યાં ન્હાનાલાલે ડોલનશૈલીમાં કાવ્યો પ્રયોજ્યાં હતાં એને ગુજરાતી ગદ્યકાવ્યોની પ્રારંભભૂમિકા લેખી શકાય. ‘કવિલોક ટ્રસ્ટ’ તરફથી શ્રી ધીરુ પરીખે ‘ગદ્યકાવ્ય’ નામનું એક પુસ્તક પણ 1985માં સંપાદિત કર્યું હતું જેમાં આ વિષયને ખૂબ સારી રીતે ખેડવામાં આવ્યો છે.

Comments (11)

કોડી મળે – અરુણ દેશાણી

એક કાગળની મને હોડી મળે,
કોઈ ભીતરથી મને દોડી મળે.

ઊડવાની લાખ ઈચ્છા હોય પણ –
પાંખ ઉછીની અહીં થોડી મળે !

હું નીરખવા જાઉં મારી જાતને,
કોઈ આવી આયનો ફોડી મળે.

સાત દરિયાને ડખોળો તોય શું ?
ભાગ્યમાં જો હોય તો કોડી મળે.

આપણે પણ એમ મળતાં શીખીએ,
જેમ ફોરમ ફૂલને છોડી મળે.

-અરુણ દેશાણી

ભાવનગરના અરુણ દેશાણીની આ ગઝલ બે જ અક્ષરના ચુસ્ત કાફિયાઓના કારણે વધુ કર્ણપ્રિય બની છે એવું નથી લાગતું? બધા જ શેર સરસ થયા છે પણ ઊડવાની ઈચ્છાવાળો અને ફૂલ અને ફોરમની જેમ વિખૂટા થઈ મળવાવાળો શેર વધુ ગમી ગયા.

Comments (6)

ગઝલ – દિનકર પથિક

એક પંખી જેમ હળવો થઈ ગયો
આંખ સામે ક્ષણનો માળો થઈ ગયો

જી હજૂરી કેટલી મોંઘી પડી
જાત સાથે કેવો ઝઘડો થઈ ગયો

ચંદ્ર દેખાતો થયેલો બાદમા
તારા મુખ પર પહેલાં પડદો થઈ ગયો

હાંકવા માંડી મેં નૌકા રણ મહીં
ઝાંઝવાઓને ધ્રુજારો થઈ ગયો

મેં અરીસાને પૂછ્યું, “શા કારણે
બિંબ છોડી, કાચ ઠાલો થઈ ગયો?”

મેં ગઝલ પૂરી કરી બસ તે ક્ષણે
હું મટી મારો, બધાનો થઈ ગયો

– દિનકર પથિક

Comments (7)