ગઝલ – એસ. એસ. રાહી
વાવડનો તાર મળશે મને આજકાલમાં
આવે છે જેમ યક્ષિણી થઇ તું ટપાલમાં.
શીતળ શિશિરની બીક મને ના બતાવ તું
થોડોક તડકો સાચવ્યો છે મેંય શાલમાં.
મારી દીવાનગી વિશે લોકોને અદેખાઇ
ને તુંય કેવું કહી ગઇ મુજને વહાલમાં.
કાળો સમુદ્ર યાદ કરી અશ્રુ ના વહાવ
તેમાં તરી રહ્યો છું હજી પણ હું, હાલમાં.
‘રાહી’ના રોમેરોમમાં વ્યાપેલી હોય તું
હોતી નથી તું જે ક્ષણે મારા ખયાલમાં.
-એસ. એસ. રાહી
પાંચ શેર… પાંચ કવિતા… માખણના પિંડમાં છરી જે સરળતા-સહજતાથી ઉતરી જાય એવા મસૃણ કાફિયાઓ અને પ્રણયની ઉત્કટ બળવત્તર ભાવનાઓથી ભર્યા-ભર્યા અશ્આર. કાળા સમુદ્રવાળા શેરમાંથી જે અલગ-અલગ અર્થચ્છાયાઓ ઉભરી આવે છે એ તો આ ગઝલનો પ્રાણ છે જાણે.
સુનીલ શાહ said,
November 9, 2007 @ 6:59 AM
બધા જ શેર પાણીદાર…સુંદર ગઝલ.
pragnajuvyas said,
November 9, 2007 @ 10:23 AM
શફક્કત સૈફુદ્દીન વર્ધાવાળાએ જોયું છે…
‘મીણનો માણસ પીગળતો જોઉં છું
વેદનાનો છોડ બળતો જોઉં છું
વાંસવન તો ક્યારનું ઊભું જ છે
એનો પડછાયો રઝળતો જોઉં છું’
છતાં આશા છે કે-
વાવડનો તાર મળશે મને આજકાલમાં
આવે છે જેમ યક્ષિણી થઇ તું ટપાલમાં.
કોને ખબર કે કેવો ખુલાસો મળ્યો હશે ?
કિંતુ એ નક્કી છે કે દિલાસો મળ્યો હશે,
તેથી જ તો
શીતળ શિશિરની બીક મને ના બતાવ તું
થોડોક તડકો સાચવ્યો છે મેંય શાલમાં
અને તેમને.
દરિયાને તુચ્છ કહેવા તળિયા સુધી જવું છે
અથવા કોઈ સુખીના નળિયા સુધી જવું છે
પણ હજુ તો
કાળો સમુદ્ર યાદ કરી અશ્રુ ના વહાવ
તેમાં તરી રહ્યો છું હજી પણ હું, હાલમાં.
અને આ પાગલપણું!
મારી દીવાનગી વિશે લોકોને અદેખાઇ
ને તુંય કેવું કહી ગઇ મુજને વહાલમાં.
હવે શિરમુકુટ સમ
‘રાહી’ના રોમેરોમમાં વ્યાપેલી હોય તું
હોતી નથી તું જે ક્ષણે મારા ખયાલમાં.
રાહી, તારા દિલમા ખુદાને સૂફીઆના અંદાઝમાં મળવાનું છે
તો દવા લઈને ખુદ ખુદા આવશે
Pinki said,
November 9, 2007 @ 10:33 AM
સાચે જ પાંચ શેર – પાંચ કવિતા ….!!!
પણ, થાય જો સરખામણી તો….
‘રાહી’ના રોમેરોમમાં વ્યાપેલી હોય તું
હોતી નથી તું જે ક્ષણે મારા ખયાલમાં. – ઉચ્ચતમ …..!!
Pinki said,
November 9, 2007 @ 11:03 AM
લયસ્તરો ને,
શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન
આમ જ સાહિત્યનો પ્રકાશ શબ્દશઃ અમ જીવનમાં ફેલાવતા રહો………..!!