સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે.
અંકિત ત્રિવેદી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for March, 2007
March 31, 2007 at 12:44 AM by વિવેક · Filed under અંકિત ત્રિવેદી, શેર, સંકલન
ગુજરાતી ભાષાના કોઈપણ મોટા કવિસંમેલન કે સુગમ-સંગીતનો કાર્યક્રમ આપે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં – દેશમાં કે વિદેશમાં- માણ્યો હશે તો (નંબર વિનાના) ચશ્મા પહેરેલા, ફ્રેન્ચ-કટ દાઢીવાળા એક લબરમૂછિયા, કુંવારા અને ખાસ તો દેખાવડા છોકરાને મંચની મધ્યમાં પલાંઠી વાળીને બંને હાથ ખોળામાં દબાવીને ચીપીચીપીને ભાર વિનાના પણ અણિશુદ્ધ ગુજરાતીના અસ્ખલિત પૂરમાં તણાતો અને તમને સૌને તાણી જતો જરૂર જોયો હશે. કાર્યક્રમનું કેન્દ્રબિંદુ ગમે તે હોય, પણ આ છોકરો તમારા હૃદયના વ્યાસની મધ્યસ્થે અચૂક પોતાની હાજરીનો મીઠો ખીલો ભોંકી જવાનો, જેને તમે બીજા વરસોવરસ લગી નહીં જ ઉખાડી શકો. જી હા! અંકિત ત્રિવેદીની જ વાત થઈ રહી છે. અં.ત્રિ.એ ખૂબ ટૂંકા સમયમાં ગુજરાતી કાવ્યમંચની પરિભાષા સમૂળગી અને એવીપ્રબળતાથી બદલી નાંખી છે કે આજે એ ગુજરાતી મંચનો અનિવાર્ય પર્યાય બની ગયા છે. પણ એ માત્ર મંચનો આદમી નથી, એ સુંદર સંપાદનો પણ કરે છે અને સૌથી વિશેષ પોતાની પોતીકી ઓળખ વિશે પણ સજાગ છે. મંચ અને સંપાદનની બહારની દુનિયામાં પણ એક અં.ત્રિ. છે એવું સાબિત કરવા એ લઈને આવે છે એનો એના જેવો જ કાચોકુંવારો ગઝલસંગ્રહ- ‘ગઝલપૂર્વક’. લગ્ન અને જીવનના બહોળા અનુભવ મેળવ્યા પહેલાંની આ ગઝલો છે, એ ખાસ યાદ રહે. જો આ શાયર મુશાયરાના ઝળાંહળાં અજવાસના અંધારામાં અટવાઈ ન જાય તો એની આવતીકાલ ખૂબ લાં…બી હોવાની… (‘ગઝલપૂર્વક’ની રચનાઓ લયસ્તરો પર મૂકવાની પરવાનગી આપવા બદલ અં.ત્રિ.નો આભાર!)
કૈંક યુગોથી સ્થિર ઊભો છું, રસ્તામાં છું,
હું ક્યાં સાચો પડવાનો છું ? સપનામાં છું.
સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે.
ચંદ્ર કેવો શાંત પાણી પર તરે છે ?
તું મને પણ એમ ખુલ્લામાં મૂકી જો.
ઘણા યુગોથી ઊભો છું સમયસર એ જ જગ્યા પર,
રદીફ છું તે છતાં પણ કાફિયાનું ધ્યાન રાખું છું.
પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી.
ચારે તરફ નગરમાં બનતું નથી કશું પણ,
છે રાબેતા મુજબનું તેથી જ બીક લાગે.
ક્યાં નદીની જેમ સામે ચાલી મળવાનું કહે છે ?
તું મને કાયમ સપાટી પર ઉછળવાનું કહે છે.
ચૂકવું છું ક્યારનોય વિરહ રોકડો કરી,
તારું મિલન તો ખૂબ નફાખોર હોય છે.
કોઈ બીજાના ફોનનો નંબર લગાડતાં
આવીને મારા ટેરવે જોડાઈ જાય તું.
ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.
વધુ આગળ વાંચો…
Permalink
March 30, 2007 at 5:50 PM by ધવલ · Filed under અછાંદસ, આર.એસ.દૂધરેજિયા
ચોખા તો કંકાવટીના કંકુમાં
ડૂબી મર્યા છે
ને આસોપાલવના બધાં પાંદડાંઓ
તોરણ છોડીને પાછાં ચાલ્યાં ગયાં છે ઝાડ પર
ઉંબરમાં શ્રીફળ ફોડો
તો તેમાંથી નીકળે છે તરફડતો ખોબો
હું ઘડીક શણગારેલા ઓરડાને
જોઈ રહું છું
તું તારા ચહેરાને ઘુંઘટમાં
જેમ તેમ પણ બંધ કરી શકે છે
પણ –
મારે મારા ખોબાને મુઠ્ઠીમાં કેમ બંધ કરવો ?
હું કદાચ તારો ઘુંઘટ ખોલીને જીવી જાઉં
પણ –
તું મારી મુઠ્ઠી ખોલીને જીવી શકીશ…?
– આર.એસ. દૂધરેજિયા
આ કવિતાના જવાબમાં અહમદ ‘ફરાઝ’નો શેર યાદ આવી ગયો –
તુ ખુદા હૈ ન મેરા ઈશ્ક ફરિશ્તોં જૈસા
દોનો ઇન્સાં હૈ તો ક્યો ઈતને હિજાબોં મે મીલે
(યાદદાસ્તના આધારે જ આ શેર લખ્યો છે… ભૂલચૂક લેવીદેવી! હિજાબ=પડદો )
Permalink
March 29, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, હરીશ પંડ્યા
આપણી વચ્ચે કશું એવું નથી, એવું નથી,
હોય તો પણ એ તને કહેવું નથી, કહેવું નથી.
છે નકી ઝાકળ સરીખો પ્રેમ વેચાતો અહીં,
દર્દ બીજાનું હવે લેવું નથી, લેવું નથી.
રોજ ઊગે ચાંદ- સૂરજ આ ધરા અજવાળવા,
શ્વાસનું તો કાયમી જેવું નથી, જેવું નથી.
હું નજર ઢાળી ધરા પર એમ બસ ફરતો રહું,
પ્રેમનાં એ દર્દને સ્હેવું નથી, સ્હેવું નથી .
ક્યાં મળે છે પાત્ર એવું, કે બધું આપી શકું,
ભીતરી ઝવેરાતને દેવું નથી, દેવું નથી.
– હરીશ પંડ્યા
રદ્દીફ અને કાફીયા બન્ને દોહરાવાય છે તેવી આ ગઝલનું વિશિષ્ઠ સૌંદર્ય આપણા મનને ગમી જાય તેવું છે.
Permalink
March 28, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગીત, મુકુન્દ પરીખ
હવા મહીં આ ફરફર ફરફર અજવાળાંના પડદે
નમણી તિમીર વેલ ચીતરીએ
તું કહે તો તિમીર કેરું વન ચીતરીએ
નહિતર મોર કે ઢેલ ચીતરીએ….
અજવાળાના કોરા કોરા પડદે
હું તું ના ઓગાળી ભ્રમને
એક જ ભીનું તન ચીતરીએ.
નહિતર નિજ સ્પંદન ચીતરીએ….
આ ચોમાસે થાય કશું, ચીતરીએ.
સૂક્કા વૃક્ષે મથે ફૂટવા એકલદોકલ પર્ણ ચીતરીએ.
તું કહે તો શ્વસતું ભીતર જણ ચીતરીએ.
નહિતર કેવળ મન ચીતરીએ.
–મુકુન્દ પરીખ
અંતરની લાગણીઓને ચીતરવાના કવિના આ અભરખા જીવનની, જીવવાની, કૂંપળો ફૂટવાની અભિલાષાને કેવી નાજૂક અભિવ્યક્તિ આપી જાય છે?
Permalink
March 26, 2007 at 8:36 PM by ધવલ · Filed under ગીત, ચંદ્રવદન મહેતા
‘ઈલા ! કદી હોય સદા રજા જો,
મૂકું ન આ ખેતરની મજા તો;
જો સ્વર્ગથી આંહી સર્યું સુવર્ણ,
એથી થયાં શોભિત ઘાસ પર્ણ.
આવે મજેને કુમળે પ્રભાત,
વ્હેલાં જવું ખેતરમાંહી સાથ,
ને ન્યાળવા નિર્મળ દિવ્ય રંગ;
હૈયા મહીં માય નહિ ઉમંગ.
જો ખેતરો ડાંગર શેલડીના,
વેલા વીંટેલા ફૂલવેલડીના,
એમાં ઢળે આ મૃદુ તેજધાર,
શોભા અહીં ખેતરની અપાર.
હું તો કરું બ્હેન સદા ય ખેતી
કાને ધરું ના જરી લોકકે’તી,
વાવી લણું તો ધનધાન્ય સ્હેલ,
જો ને પછી થાઉં ધનો પટેલ.’
‘હો હો, તું જો થાય ક ની પટેલ,
તો એક રૂડી નકી માગું વ્હેલ;
ને શેલડી ડાંગર જો ઉગાડે,
તો હું ય વાવું વળી તે જ દા’ડે.
ને શેલડીનો રસ પીલી કાઢું,
ને હું જ પ્હેલાં મુજ કો’લુ માંડું;
ને ગોળ મીઠો જરીમાં બનાવું,
એ સાથ ધાણા ઘર વ્હેચડાવું.
બે છોડ હું ડાંગરના ઉગાડું,
ને એ લણી ભાત પછી ય ખાંડું,
ને રોજ વ્હેલા ઊગતે પ્રભાત,
તારે કપાળ વળી ચોડું ભાત.
ને સૂર્ય શાં ભાવિ ઊજાળનારાં
ઓવારણાં રોજ લઉં હું તારાં;
ને રોજ હું તો ઊજવું ઉજાણી,
એથી વધારે-નહિ ભાઈ જાણી.’
– ચંદ્રવદન મહેતા
ભાઈ-બહેનના સ્નેહને ચં.ચી.એ ઈલા કાવ્યો દ્વારા જેટલો ગાયો છે એટલો ગુજરાતીમાં બીજા કોઈએ ગાયો નથી. એમના ઈલા કાવ્યો ગુજરાતી ભાષાનું અનેરું ઘરેણું છે. મુગ્ધ સ્વપ્નસૃષ્ટિ અને કોમળ ભાવવિહારથી આ ગીતો શોભી ઊઠે છે. ઈલા કાવ્યોની પ્રસ્તાવનામાં ચં.ચી. આ કાવ્યો પાછળનો પોતાનો હેતુ એટલા સરસ શબ્દોમાં રજૂ કર્યો છે કે એ અહીં ટાંકવાનો મોહ જતો કરી શકતો નથી.
હું કુબેરદેવ હોઉં તો ઠેકઠેકાણે ઇમારતો બાંધી એને ‘ઈલા’ નામ આપું; (અરે હું વિશ્વકર્મા હોઉં તો -કે બ્રહ્મા જ હોઉં તો- નવી સૃષ્ટિ રચી એને ‘ઈલા’ નામ નહિ આપું ?); હું શિખરિણી હોઉં તો એકાદ ભવ્ય અને સુંદર ગિરિશૃંગ શોધી, ત્યાં ચડી એને ‘ઈલાશિખર’ નામ આપું; હું કોઈ મોટો સાગરખેડુ હોઉં તો એકાદ ખડક શોધી વહાણોને સાવચેત રહેવા ત્યાં એક નાજુક પણ મજબૂત દીવાદાંડી બાંધી એને ‘ઈલા દીવી’ નામ આપું અથવા તો હું એક મહાન વૈજ્ઞાનિક થાઉં તો જગતજ્યોતિમાંથી એકાદ નવું રશ્મિ શોધી એને ‘ઈલાકિરણ’ નામ આપું કે ખગોળમાં નવો જ ‘ઈલાતારો’ શોધું.
પરંતુ અત્યારે સંતોષે એવું તો આ જ છે. એક સ્મારક. આ તો રંક પ્રયાસ, ભગિનીહેતના ભવ્ય કર્મકાંડના ઉપનિષદ-સાહિત્યમાંથી એકાદ નજીવા શ્લોકનો ઉચ્ચારમાત્ર, ધ્વનિમાત્ર, શબ્દમાત્ર…
આગળ પણ એક ઈલા કાવ્ય રજૂ કરેલું એ પણ જોશો. ઈલા કાવ્યો પહેલી વાત છેક 1933માં પ્રગટ થયેલા. તે વખતે આ ગીતો રમેશ પારેખના સોનલ કાવ્યો જેટલા જ કે કદાચ એનાથી ય વધુ લોકપ્રિય થયેલા. (મારે માટે આ કાવ્યો વધુ ખાસ છે કારણ કે મારા ફોઈનું નામ ઈલા એટલે આ બધા ઈલા કાવ્યો મારા પપ્પાને ખાસ વહાલાં. અને એથી આ બધા કાવ્યો ઘરમાં અવારનવાર ગવાતાં.)
Permalink
March 25, 2007 at 1:39 AM by વિવેક · Filed under અંકિત ત્રિવેદી, ગઝલ
શક્યતાને આ રીતે સાંધો નહીં,
ઉંબરા પર ઘર તમે બાંધો નહીં.
સાચું પડશે તો મઝા મારી જશે,
સ્વપ્ન જોવામાં કશો વાંધો નહીં.
એટલી ખૂબીથી ચાદરને વણી,
ક્યાંયથી પણ પાતળો બાંધો નહીં.
એમને તો જે હશે તે ચાલશે,
એમના નામે કશું રાંધો નહીં.
આ ગઝલ છે, એની રીતે બોલશે,
કોઈ સાધો, કોઈ આરાધો નહીં.
-અંકિત ત્રિવેદી
આમ તો આખી ગઝલ સારી છે, પણ હું પહેલા શેરથી આગળ નહીં વધું. વાત છે શક્યતાને સાંધવાની અને પ્રતીક છે ઉંબરો. ઉંબરો એ ઘર અને બહારની વચ્ચેનો સાંધો છે. તમે ક્યાં ‘ઘર’ની અંદર રહી શકો છો, ક્યાં ‘બહાર’. ઉંબરા પર-વચ્ચે-રહી શકાતું નથી. ઉંબરો ત્યારે જ ઉદભવે જ્યારે પાછળ ‘ઘર’ અને આગળ ‘બહાર’ હોય! ઉંબરા પર ઘર બાંધવું એટલે જાણે સમસ્યાની આ પાર પણ નહીં અને પેલી પાર પણ નહીં. ઉંબરા પર રહેવાની વાત ગતિહીનતાની વાત છે, સ્થગિતતા, નિર્જીવતાની વાત છે. ઉંબરો થીજી ગયેલી જડતા છે. એને વટાવીને જ તમે અંદર કે બહાર જઈ શકો છો. અંકિત ત્રિવેદીના ‘ગઝલપૂર્વક’ના ઘરમાં પ્રવેશવા માટેનો ઉંબરો છે કદાચ આ શેર… હવે આગળ ગઝલ વાંચીએ……
Permalink
March 24, 2007 at 12:27 AM by વિવેક · Filed under ગીત, ચીમનલાલ જોશી
સ્ત્રી : ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહીં ખોલું હું
મને લાગ્યો એ હારનો નેડલો, તમથી નહીં બોલું હું.
પુરૂષ : મોંઘી તારી માગણી અને મોંઘા તારા મૂલ,
મોંઘી તારી પ્રીતડી, મેં કરતાં કીધી ભૂલ રે.
ઘુંઘટ ઝટ ખોલો ને…
સ્ત્રી : મોહન મેં તો માંગિયો, મોંઘો ચંદનહાર
લાવો હાર પિયુ, પછી તમે લૂટો જોબનિયાની બહાર રે…
ઘુંઘટ નહીં ખોલું હું…
પુરૂષ : રામે મૃગને મરિયો, કનક કંચુકી કાજ,
હું મારું કોઈ સોનીને, આ નથી નવાબી રાજ રે,
ઘુંઘટ ઝટ ખોલો ને…
સ્ત્રી : અલગારા અલબેલડા, કરગરતા શું કામ ?
હાર ન લાવો ત્યાં સુધી, તમે લેશો ન મારું નામ રે,
ઘુંઘટ નહીં ખોલું હું…
પુરૂષ : ચંદનહાર ચૌટે મળે, જો હોય ખિસ્સામાં દામ,
સોની નાજાભાઈ તો આજે ગયા છે ભાવનગર ગામ રે,
ઘુંઘટ ઝટ ખોલો ને…
સ્ત્રી : તું મદરાસી મોરલો ને હું સોરઠની ઢેલ,
પરણ્યા હોય તો પાળજે, નહિં તો પિયર વળાવી મેલ રે,
ઘુંઘટ નહીં ખોલું હું…
પુરૂષ : જૂનાગઢની સુંદરી ને પન્ના તારું નામ,
આ ભાંગવાડી ભેગી થઈ, તને જોવા આવ્યું મુંબઈ ગામ રે,
ઘુંઘટ ઝટ ખોલો ને…
સ્ત્રી : હાર ન જોઈએ હેમનો, ના જોઈએ રેશમચીર
ચંદનહાર લાવી દિયો, મારી સગી નણદલના વીર રે…
ઘુંઘટ નહીં ખોલું હું…
-ચીમનલાલ ભીખાભાઈ જોશી
ગુજરાતી ચલચિત્ર ‘અખંડ સૌભાગ્યવતી’માં થોડા ફેરફાર સાથે આવેલું આ ગીત આજે લોકગીતની હદે એટલું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે કે ચીમનલાલ જોશીએ આ કાવ્ય રચ્યું છે એમ ખબર પડે તો એક હળવો આંચકો અનુભવાય. નવપરિણીત સ્ત્રી-પુરૂષ વચ્ચેની મીઠી નોંક-જોંક, સ્ત્રીનો આભૂષણપ્રેમ અને પતિ પાસે યેન-કેન પ્રકારે ધાર્યું કરાવવાની વૃત્તિ આ ગીતમાં સુંદર રીતે આલેખાઈ છે. ક્યારેક અબોલા તો ક્યારેક જોબન લૂટવા દેવાની લાલચ, ક્યારેક અલબેલડો કહી પ્રશંસા કરવાનું ત્રાંગુ તો ક્યારેક મદ્રાસી કહી ઉતારી પાડીને પિયર ચાલ્યા જવાની ધમકી અને અંતે પતિને પ્રિયતમ કે વ્હાલા કહેવાને બદલે ‘સગી’ નણંદના ભાઈ કહીને કરાતો ઉપાલંભ આ ગીતમાં જાન પૂરી દે છે.
Permalink
March 23, 2007 at 1:04 AM by ધવલ · Filed under ગીત, માધવ રામાનુજ
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !
ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં
સૈયરના દાવ નતા ઉતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર –
ફેર હજી એય ન’તા ઉતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન !
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.
આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ભૂલી જવાના વેણ માગ્યાં !
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોઈ ભાન !
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !
– માધવ રામાનુજ
ગુજરાતી ગીતોના ‘ટોપ ટેન’માં સહેજે સ્થાન પામે એટલું સરસ બન્યું છે આ ગીત. કન્યાવિદાયનો પ્રસંગ છે એટલે વિષાદની ઝાંય તો રહેવાની જ. ( સરખાવો – કન્યા-વિદાય ) પરંતુ અહીં કન્યામાંથી વિવાહિતા બનવાની વાતને વધારે અંગત દ્રષ્ટિકોણથી મૂકી છે. પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોઈ ભાન ! – કેટલી નાજુક પણ સચોટ પંક્તિ !
Permalink
March 22, 2007 at 1:00 AM by સુરેશ · Filed under અહમદ ‘ ગુલ’, ગઝલ
પાથરું છું ફૂલ, કાંટા વેરનારો હું નથી,
શાંત જળમાં પથ્થરોને ફેંકનારો હું નથી.
ફાયદો જોયા જ કરવાની છે આદત એમની,
ભાવતાલોથી સંબંધો જોડનારો હું નથી.
મૌન પણ ક્યારેક તો પડઘાય છે મ્હેફિલ મહીં,
શબ્દના ઘોંઘાટ થઇને નાચનારો હું નથી.
માંગવા છે જો ખુલાસા, રૂબરૂ આવી મળો,
કાગળો કે કાસીદોને માનનારો હું નથી.
બસ હવે આ ‘હું’પણાની જેલમાંથી નીકળી,
એમ જીવી જાઉં જાણે, હું જ મારો ‘હું’ નથી.
એમ તો મેં પણ દીધું છે રક્ત વારંવાર ‘ગુલ’
તે છતાં એની નજરમાં કેમ સારો હું નથી.
– અહમદ ‘ ગુલ’
તેમના કાવ્યસંગ્રહ ‘મૌન પડઘાયા કરે’ ના નામને સાર્થક કરતી આ રચના તેમના સ્વગત સંવાદનો પડઘો પાડે છે.
Permalink
March 21, 2007 at 10:31 AM by સુરેશ · Filed under અછાંદસ, રાજેન્દ્ર શુક્લ
શબ્દનું તળિયું હવે દેખાય છે.
શબ્દનું તળિયું હવે દેખાય છે.
શબ્દનું નળિયું નહીં.
તળિયું દેખતાંવાર જ તરત નળિયું જ કેમ,
નળિયું કેમ આવ્યું યાદ?
એમ જ વળી,
કદાચિત્ પ્રાસને કારણ.
પરંતુ….
આ પ્રશ્ન પણ તારો જ છે કે…
છે. નથી. પ્રશ્ન જ નથી.
ને હોય તોયે શું?
એથી જ તો કંઇ શબ્દનું તળિયું નહીં તરડાય !
કોઇ સરવાણી નહીં ફૂટે !
શબ્દનાં નળિયાં તળે તો કૈં કેટલું બનતું હતું –
કોઇ ગાતું, કૂદતું
કોઇ ગણગણતું હતું.
સાત રંગોની પૂરે રંગોળી કોઇ
કોઇ કશુંક રચતું હતું.
ને હવે તો…
શબ્દ.
તળિયું – પાતળું પાતાળ.
આંખ છે. ઊંડાણ છે.
ઊંડા કૂવા છે.
જલ વગરના
છલ વગરના
હરચલ વગરના.
ને છતાં અંધાર જેવુંયે નથી,
કેમ કે જે દેખતું, દેખાય જે
તે પણ નથી.
તે એટલે તો કૈં પછી બનતું નથી, હોતું નથી.
કૈંક કેવળ હોય છે.
એ પણ પછી હોતું નથી.
શબ્દનું તળિયું જ કેવળ હોય છે.
પાતળું પાતાળ.
તે પણ પછી હોતું નથી!
– રાજેન્દ્ર શુકલ
શબ્દશ્રી જેમને વરેલી છે તેવા આ કાળના આપણા આ ઋષિકવિએ અશબ્દને અનુભવ્યો છે. અને એ અનુભવ શબ્દ દ્વારા સાકાર થવાની મથામણ જ્યારે કવિ અનુભવે છે, ત્યારે પ્રગટેલા આ શબ્દો ‘શૂન્ય’ ની સૃષ્ટિનું કાઇક દર્શન આપણને કરાવી જાય છે.
( સાભાર – ‘બૃહદ્ ગુજરાતી કાવ્ય સમૃધ્ધિ’ – સુરેશ દલાલ)
Permalink
March 20, 2007 at 1:33 AM by ધવલ · Filed under અછાંદસ, જિતેન્દ્ર વ્યાસ
આંખો તો કશાય કામની નથી.
એ મિંચાય કે તરત જ
એમાં ઊગેલાં મેઘધનુષ્યોને
હળવેકથી ઉપાડીને
કોઈ કોરી આંખના આકાશમાં લહેરાવજો.
હીરનાં ચીરનોય મોહ ક્યાં હતો કે કફનનો હોય ?
મારાં અંગ પર ઊગેલાં રોમાંચોને
બાગની કોઈ ક્યારીમાં વાવજો,
કોઈ ફૂલડાને આપજો.
મારી ભવોભવની લેણદાર
કો પુરકન્યકા
નીચી નજર ઢાળી
એણે આપેલાં
કુન્દધવલ સ્મિત
(મારે મન તો મોટી મૂડી)
વિશે
મહકતા મૌનથી પૃચ્છા કરે
ત્યારે
તેને મારાં ગીતો આપજો.
મારી શ્રુતિમાં પડઘાતા ફૂલોના સૌરભ-ટહુકાઓને
તારલાના મધપૂડા સુધી પહોંચાડજો.
મારા છેલ્લા શ્વાસે
ખીલું ખીલું થતી કો પદ્મિનીની સુવાસ
ભરું ને પોઢી જાઉં ત્યારે
‘બે મિનિટ મૌન’ પાળવાને બદલે
હે અભિનવ કોકિલો,
આમ્રમંજરીના આસ્વાદથી મ્હેકતા કંઠે
તમે
ગાજો, ગાજો, ગાજો.
– જિતેન્દ્ર વ્યાસ
આટલા સુંદર કલ્પનો સાથે મૃત્યુની વાત જવલ્લે જ આવે છે. સરખાવો મરતા માણસની ગઝલ અને મૃત્યુ ન કહો.
Permalink
March 19, 2007 at 1:33 AM by ધવલ · Filed under અછાંદસ, જયન્ત પાઠક
ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે ?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે ?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.
– જયન્ત પાઠક
કવિતા લખવાની પ્રક્રિયા પર કવિઓએ ઘણું લખ્યું છે. કવિ હોવા વિષે મારું પ્રિય કાવ્ય છે સમુદ્ર. આગળ વિવેકે તો સર્જનની પ્રક્રિયા બયાન કરતા ઉત્તમોતમ શેર-પંક્તિઓનું મઝનું સંકલન કરેલું ( ભાગ એક અને ભાગ બે ) એય અહીં ફરી મમળાવવા જેવું છે.
Permalink
March 18, 2007 at 3:23 AM by વિવેક · Filed under ગઝલ, મરીઝ
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તિઝાર દે.
આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.
પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !
નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.
તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.
આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.
દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.
-મરીઝ
કહેવાય છે કે એક ગઝલમાં એકાદ શેર પણ યાદગાર હોય તો કવિકર્મ સાર્થક થયું. પણ મરીઝની ગઝલ વાંચો તો સાવ ઊલટો જ અનુભવ થાય છે. આ એક ગઝલમાં યાદગાર ન હોય એવા કદાચ એકપણ શેર નથી અને આ જ મરીઝની લાક્ષણિક્તા છે જે એમને ગુજરાતી ગઝલની ચોટી પર મૂકે છે. જીવનની અલગ-અલગ પરિસ્થિતિમાં આ ગઝલ અલગ-અલગ સમયે વાંચો તો દરવખતે એકના એક શેર નવા ભાવવિશ્વ સાથે ઉઘડતા ન જણાય તો જ નવાઈ. મરીઝની જાણીતી ગઝલો લયસ્તરો પર નથી એવી ટકોર થોડા સમય પહેલાં ડૉ. ભાર્ગવે કરી ત્યારે પાછા ફરીને જોવાનું થયું અને વાત સાચી લાગી એટલે હવેથી ગુજરાતી ભાષાની લાડકી કવિતાઓ જે આ ખજાનામાં નથી એ ક્રમશઃ લઈને આવવાની નેમ છે.
Permalink
March 17, 2007 at 6:15 AM by વિવેક · Filed under ગીત, સિતાંશુ યશશ્ચંદ્ર
છાતીએ છેડો ઢાંક્યો નથી એ પેલી કૈરાલી ચાલી ચાલી જો…
જળ જેવી લીલી લીલી ભોંય પર તરતી શ્યામળા તે રંગની મરાલી જો.
એને બિન્દાસ મ્હેક મ્હેક ફૂટ્યાં છે ચારેગમ ટેકરીનાં સ્તન,
લોચનમાં ડોકાતું એનું અમાસના તારલિયા આભ જેવું મન,
નક્ષત્રો બાંધી શકાય નહીં એનાં એની રોશની ઝલાય નહીં ઝાલી જો.
ભૂરી ભૂરી ઝાંય ભરી ઢેલ એની ચાલમાં ને ઊડે છે આંખોમાં હંસ,
હોય જો નસીબ તો એ આગભરી નાગણ થઈ દઈ જાય અમરતના ડંસ,
ધારદાર ધારિયેથી ફોડી જોવો તો એનું નારિકેલ એકે નથી ખાલી જો.
છાતીએ છેડો ઢાંક્યો નથી એ પેલી કૈરાલી ચાલી ચાલી જો…
– સિતાંશુ યશશ્ચન્દ્ર
ગયા રવિવારે (11-03-2007)ના રોજ નર્મદ સાહિત્ય સભા દ્વારા શ્રી સિતાંશુભાઈને ‘નર્મદચંદ્રક’ એનાયત થયો ત્યારે લાગલગાટ દોઢ કલાક સુધી એમની વાણી સાંભળવા મળી.’ટેન્કટ…ટેન્કટ…’ કે ‘હો ચી મિહ્ ન’ જેવી કવિતાઓ સાથે પરંપરાગત ગુજરાતી કવિતાના કલેવરને પાયામાંથી હચમચાવી નાંખનાર સિતાંશુભાઈની અસ્ખલિત વાક્ધારા સાંભળવી એ પોતે જ એક લ્હાવો હતો. ‘બુકર પ્રાઈઝ’ તો હું ડાબા હાથે લખું તો પણ મેળવી શકું છું એવો જાહેર ‘હું’કાર એક તરફ એમના ગર્વીલા સ્વભાવ અંગે શંકિત કરતો હતો તો બીજી બાજુ ‘લખતે લખતે અનુભવો અને અનુભવતે અનુભવતે લખો’ની લાખેણી શીખ એમની મૃદુ સર્જક્તાનું શરસંધાન કરતી જણાતી હતી. સામા પ્રવાહે તરવાની છાતી ધરાવતા આ સર્જક પોતાની પરંપરાના પેંગડામાં પણ પગ નાંખીને પડી રહેતા નથી. એમની સરરિયલ કવિતાઓ પોતે એક આંદોલન છે. અહીં એક નાનકડા ગીતમાં કેરળકન્યાનું પ્રતીક લઈ આખા કેરળખંડના કાચા અને અક્ષુણ્ણ સૌંદર્યને એમણે સુંદર રીતે આરાધ્યું છે. (જન્મ: 18-08-1941, કાવ્યસંગ્રહો: ‘ઓડિસ્યૂસનું હલેસું’, ‘જટાયુ’, ‘મોએં-જો-દડો’ (ઑડિયો), ‘લડત’)
(મરાલી = હંસી)
Permalink
March 16, 2007 at 11:52 AM by ધવલ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
લોહીની નદીઓ વહે છે રોકો
રોજ નિર્દોષ મરે છે રોકો
આગને કોણ સળગતી રાખે
શહેરનાં શે’ર બળે છે રોકો
ક્યાં સુધી ચાલશે અંધાધૂંધી
પ્રશ્ન હરરોજ ઊઠે છે રોકો
ન્યાય ને રક્ષા કરી જે ન શકે
ભાષણો કેમ કરે છે રોકો
શબની પેટીથી મતોની પેટી
કોઈ સરખાવ્યા કરે છે રોકો
છે ઈમારત પડું પડું ‘આદિલ’
મૂળ આધાર ખસે છે રોકો
– ‘આદિલ’ મન્સૂરી
મૂળ આધાર ખસે છે… એક લીટીમાં બહુ મોટી વાત આવી જાય છે. આપણા દેશમાં, અને કંઈક અંશે લોકોના દિલમાં, જે તિરાડ થઈ ગઈ છે એની વાત છે. મારા પોતાના કહેવાય એવા ‘ભણેલા અને સંસ્કારી’ લોકોને ધર્મના નામે ચાલતી લડવાડનો બચાવ કરતા સાંભળું છું ત્યારે ખ્યાલ આવે છે કે… ખરેખર, આધાર જ ખસી ગયો છે !
Permalink
March 15, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગીત, ભાનુપ્રસાદ પંડ્યા
દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ!
પણ કલરવની દુનિયા અમારી!
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
ને તોય પગરવની દુનિયા અમારી!
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર,
બંધ પોપચામાં રંગોની ભાત,
લોચનની સરહદથીને છટકીને રણઝણતું
રૂપ લઇ રસળે શી રાત!
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી!
ફૂલોના રંગો રિસાઈ ગયા,
જાળવતી નાતો આ સામટી સુગંધ,
સમા સમાના દઈ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ !
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી !
– ભાનુપ્રસાદ પંડ્યા
જન્મ 24- એપ્રિલ 1932
કાવ્ય સંગ્રહો – અડોઅડ , ઓતપ્રોત, ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર
Permalink
March 14, 2007 at 11:18 AM by સુરેશ · Filed under કૃષ્ણ દવે, ગીત
સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બ્હાર ?
કળી કહે કે થોભ જરા હું ખોલી નાંખું દ્વાર.
પરોઢની પાંપણમાં સળવળ ફૂલગુલાબી પ્હાની,
હોઠે વ્હેતું પ્રભાતિયું ને હિંચકો નાખે નાની.
બધાં જ પુષ્પો મ્હેકી એને વ્હાલ કરે છે આમ,
આ તો સૂરજનો બાબો છે કિરણ એનું નામ.
તારાઓમાં પીંછી બોળી ચીતર્યું આખ્ખી રાત,
રંગબિરંગી પાંખો પ્હેરી નીકળી પડ્યું પ્રભાત.
– કૃષ્ણ દવે
Permalink
March 13, 2007 at 10:44 AM by ધવલ · Filed under ગીત, નિરંજન ભગત
દિન થાય અસ્ત
વિદાયની આ ક્ષણ મૌનગ્રસ્ત.
કરુણ નેત્ર નમે, ઢળતી રતિ;
મલિન કાંતિ મુખે ગળતી જતી,
શિથિલ છેવટે આ રવિની ગતિ,
છૂટી જતો અવ પ્રિયા થકી સ્પર્શ, હસ્ત.
કુસુમની કલિ ધૂલિ વિશે ખરી,
વિહગ મૂક, ગંભીર હવા સરી,
ક્ષિતિજ સૌ સૂનકાર થકી ભરી,
સંસાર આ તિમિતમાં તરતો સમસ્ત.
– નિરંજન ભગત
આ ગીત વિદાયની ક્ષણનું ચિત્ર માત્ર છે. ગીત ભલે મનને ઘડીભર ઉદાસ કરી દે એવું છે, છતાં એના છંદના જોરથી એ તમને ફરી ફરીને બોલાવે છે. ધ્રુવપંક્તિ એટલી સબળ છે કે મમળાવ્યા કરવાનું મન થાય છે. નિરંજન ભગતના આવા જ બીજા એક ગીતની ધ્રુવપંક્તિઓ પણ અહીં યાદ આવી જાય છે.
નહીં અશ્રુ, નહીં હાસ મુજ ઉર એવું ઉદાસ!
નહીં ત્રુપ્તિ, નહીં પ્યાસ, મુજ ઉર એવું ઉદાસ!
(આસ્વાદ: ધવલ)
* * *
સંસ્કૃત વૃત્તોમાં લખાયાં હોય એવાં ગુજરાતી ગીત બહુ જૂજ જોવા મળે છે. આ રચના એનું એક મજાનું ઉદાહરણ છે. કવિએ એકાધિક વૃત્ત સંયોજ્યા છે. પહેલી બે પંક્તિમાં કવિએ અનુક્રમે ખંડ ઉપેન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રા છંદ પ્રયોજ્યો છે. ગીતના બંને મુખડા દ્રુતવિલંબિત છંદમાં છે. (છેવટેમાં ‘ટે’ અને ગંભીરમાં ‘ગં’ કવિએ લઘુ લીધા છે એ છૂટ/છંદદોષ ગણાય) તથા બંને પૂરકપંક્તિ વસંતતિલકા છંદમાં છે.
(વિવેક)
Permalink
March 12, 2007 at 9:44 PM by ધવલ · Filed under ગઝલ, જવાહર બક્ષી
આખરે હું ગઝલ લખી બેઠો
રાહ જોઈને ક્યાં સુધી બેઠો
દૂરતા ઓગળી રહી જ હતી…
સ્પર્શ વચ્ચે જ ઘર કરી બેઠો
ઓ વિરહ ! થોડું થોભવું તો હતું
એમનું નામ ક્યાં લઈ બેઠો
કેટલાં કારણો હતાં નહિ તો
કોઈ કારણ વિના ફરી બેઠો
ફક્ત તારા સુધી જ જાવું’તું
પૂછ નહિ ક્યાંનો ક્યાં જઈ બેઠો
આજ પણ એ મને નહીં જ મળે
આજ પાછું સ્મરણ કરી બેઠો
– જવાહર બક્ષી
આ ગઝલના શેર સુંવાળા તો છે જ પણ લપસણા પણ છે. કાળજીથી ન વાંચો તો અર્થ ચૂકી જવાની ગેરેંટી ! આમ તો આ પ્રતિક્ષાની ગઝલ છે. રાહ.. વિરહ.. સ્મરણ આ ગઝલમાં ચારે તરફ વેરાયેલા છે. કવિ એમાં પણ નવી અર્થછાયાઓ સર્જવાનું ચૂકતા નથી. “દૂરતા ઓગળી…” શેરમાં સ્પર્શ વચ્ચે ઘર કરી બેઠાની, તદ્દન અલગ પ્રકારની, ફરિયાદ આવે છે. સંબંધમાં સ્પર્શ એક નડતર બની ગયાની વાત કેટલી સિફતથી આવી ગઈ ! આ એક જ શેરના દસ જુદા જુદા અર્થ કરી શકાય એમ છે. “કેટલા કારણો…” શેર પણ અર્થની દ્રષ્ટિએ અનેક રીતે જોઈ શકાય. કવિતાના જેટલા વધારે અર્થ એટલી કવિતા વધારે મુક્ત. આ ગઝલ આમ તો આસક્તિની ગઝલ છે પણ છે એ એકદમ ‘મુકત’ !
Permalink
March 11, 2007 at 12:35 AM by વિવેક · Filed under કિશોર વાઘેલા, ગઝલ
યાદ એની રોજ વાવી છે અહીં;
છાંયડો થઈ એજ આવી છે અહીં.
પાળિયાને પૂછ વાતો કાલની;
જિંદગી ઢસડીને લાવી છે અહીં.
કોણ ખોલી આપશે તારા વિના;
તું જ મારી એક ચાવી છે અહીં.
કેમ ચળકે હેમ જેવું પૂછ મા;
જાતને એણે તપાવી છે અહીં.
મોતનાં વાગે નગારાં તો ય તે;
જિંદગી કેવી પ્રભાવી છે અહીં.
-કિશોર વાઘેલા
25 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતભરના તબીબ-કવિમિત્રોના કવિસંમેલનમાં અચાનક એક હાથ ખભા પર લાગણી બનીને અડ્યો. “ડૉ. વિવેક ટેલર?,” મને પૂછ્યું. મેં પ્રશ્નાર્થ નજરે જોયુ એટલે જવાબ મળ્યો: “હું ડૉ. કિશોર વાઘેલા.લયસ્તરો નિયમિત વાંચું છું. મારો સંગ્રહ તમને મોકલ્યો છે, એકાદ-બે દિવસમાં મળી જશે.” કવિસંમેલનમાં સરસ રચના રજૂ કરી મેદાન મારી ગયેલા ભાવનગર ખાતે સ્ત્રીરોગવિશેષજ્ઞ તરીકે પ્રેક્ટિસ કરતા મૂળે અવાણિયા ગામના આ યુવાન તબીબ મજાની ગઝલો લખે છે. કવિતા ઉપરાંત કટારલેખન પણ કરે છે. (જન્મતારીખ: 13-09-1960, ગઝલ સંગ્રહ: “સૂર્યની શોધ પહેલાં”)
(લયસ્તરોને “સૂર્યની શોધ પહેલાં” ગઝલસંગ્રહ ભેટ આપવા બદલ ડૉ. કિશોર વાઘેલાનો આભાર!)
Permalink
March 10, 2007 at 12:28 AM by વિવેક · Filed under અદી મિરઝા, ગઝલ
તું જો આજે મારી સાથે જાગશે;
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !
કોણ તારી વાત સાંભળશે, હૃદય !
એક પથ્થર કોને કોને વાગશે !
તું અમારો છે તો, ધરતીના ખુદા !
તું અમારા જેવો ક્યારે લાગશે ?
જિંદગી શું એટલી નિર્દય હશે ?
એ મને શું એક પળમાં ત્યાગશે ?
હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે !
એણે માંગી છે દુઆ તારી, અદી !
તું ખુદા પાસે હવે શું માંગશે ?
-અદી મિરઝાં
અદી મિરઝાં (જન્મ: ૨૬-૧૦-૧૯૨૮) હવે આપણી વચ્ચે નથી રહ્યા (મૃત્યુ: ૦૧-૦૩-૨૦૦૭). એમની એક લોકપ્રિય ગઝલ અહીં રજૂ કરી લયસ્તરો ટીમ તરફથી એમને શબ્દ-સુમન અર્પણ કરીએ છીએ. એમની અન્ય એક ગઝલ આપ અહીં માણી શકો છો. ગઝલસંગ્રહ: ‘સાદગી’.
Permalink
March 9, 2007 at 8:54 PM by ધવલ · Filed under અછાંદસ, અમૃતા પ્રીતમ
મારી શૈયા તૈયાર છે
પણ જોડા અને ખમીશની જેમ
તું તારું શરીર પણ ઊતારી લે
ત્યાં મૂડા પર મૂકી દે.
કોઈ ખાસ વાત નથી –
આ પોતપોતાના દેશનો રિવાજ છે.
– અમૃતા પ્રીતમ
આવી કવિતા લખતા પહેલા અમૃતા પ્રીતમે જીવેલી એવી જીંદગી જીવવી પડે – પ્રેમને ધૃવતારો ગણીને જીવેલી જીંદગી !
Permalink
March 8, 2007 at 1:00 AM by સુરેશ · Filed under અછાંદસ, જગદીશ જોષી
… તો વાતો પ્રેમની વાતો તો પ્રેમની વાતો વ્હેમની તો
ને આરસના સિંહે ત્રાડ પાડી ને રૂનું કબૂતર ઊડી ગયું.
ચોકીપ્હેરો ભરતી શયનખંડની ચાર દીવાલો ખૂબ પાસે આવી
અને બે પલંગ પરની પથારીઓ એક થઇ ગઇ.
ઓશીકા પર ફેલાયેલા વાળમાં એરકન્ડિશનરનો અવાજ ગૂંચવાઇ ગયો,
અને મીંચાયેલી આંખોએ હોઠ પરની વાતો સાંભળીને પરિતૃપ્તિ પામ્યાનો પ્રયત્ન કર્યો.
લગ્નજીવનનાં વીતી ગયેલાં વર્ષો કબાટમાં સૂટ અને સાડી થઇને લટકે છે.
સવારે ના’વા જાઉં છું ત્યારે બાથરૂમમાં હું પહોંચું એ પહેલાં જ મારો ટુવાલ પહોંચી જાય છે ,
અને નાહીને ભીનો થયેલો હું નક્કી નથી કરી શકતો કે એમાં routine છે કે પ્રેમ …
મારાં બૂટ, મોજાં, ટાઇ, રૂમાલ – ની જેમ હું વ્યવસ્થિત રીતે કેમ નહીં ગોઠવાતો હોઉં ?
શયનખડની બત્તી બુઝાઇ જાય છે, હું પડખું ફરી જાઉં છું :
અને હવે તો સપનાંઓ પણ આવતાં નથી.
– જગદીશ જોશી
યુવાનીમાં જે સંબંધ બાંધવા માટે કેટકેટલાં ગીતો ગાયાં હોય, પ્રેમપત્રો લખ્યા હોય, આકાશના તારા નીચે લાવવાની હોડ બકી હોય, તે સમય જતાં કેવળ routine થઇ ગયાની સામાન્ય વ્યથાનું અહીં કવિએ અજબ નિરૂપણ કર્યું છે.
આ માનવ જીવનની વાસ્તવિકતા છે.
Permalink
March 7, 2007 at 1:00 AM by સુરેશ · Filed under ગઝલ, વિનય ઘાસવાલા
છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ.
હતી આ સુતી આ પૂનમ, તમારી યાદ આવી ગઇ.
પ્રણયના કોલ દીધા‘તા તમે પૂનમની એક રાતે,
ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ.
નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ,
બસ એ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઇ.
અધૂરી આ ગઝલ પૂરી કરી લઉં , એવા આશયથી,
ઊઠાવી જ્યાં કલમ પ્રિતમ, તમારી યાદ આવી ગઇ.
– વિનય ઘાસવાલા
ફાગણ સુદ પૂનમ –
યુવાનીનો ઉત્સવ … વસંતનો ઉત્સવ … નવપલ્લવિત જીવનનો ઉત્સવ …
ત્યારે મને બહુ જ ગમતી, સાવ સરળ, અને કોઇ ફિલસૂફીના ભાર વિનાની આ ગઝલ યાદ આવી ગઇ !
શ્રી. મનહર ઉધાસના સૂરીલા કંઠે ગવાયેલ આ ગઝલ મારી બહુ જ પ્રિય ગઝલોમાંની એક છે.
Permalink
March 6, 2007 at 11:08 PM by ધવલ · Filed under અછાંદસ, સર્વેશ્વરદયાલ સક્સેના
આપણે બધા
આપણે બધા અધવચ્ચે અટવાયેલી જિંદગી જીવી રહ્યા છીએ.
આપણે સંપૂર્ણ આવેગ સાથે
નથી ધૃણા કરી શકતા
નથી પ્રેમ,
નથી ગુસ્સે થઈ શકતા
નથી ક્ષમા આપતા;
અધૂરી કામનાઓ,
અધૂરી ઈચ્છાઓ,
અધૂરાં સપનાંઓ,
અધૂરી વાતો,
બધું જ આપણામાં સંતાડીને
અધૂરા રસ્તા પર ફરીએ છીએ,
ડરીએ છીએ, કતરાઈએ છીએ,
અધૂરી દૃષ્ટિ,
અધૂરા વિચાર,
અધૂરા સંબંધોને
સ્વીકારીએ છીએ,
અને એમને જો પૂર્ણતાની શોધમાં
લાવારીસ ફરતા મળી જઈએ છીએ
તો અડધે રસ્તેથી પાછા વાળી દઈએ છીએ.
– સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ. ઉષા પટેલ)
Permalink
March 5, 2007 at 11:05 PM by ધવલ · Filed under ગઝલ, ભાવેશ ભટ્ટ
અંધારા પણ બાંધે માળો;
મારો સૂરજ કેવો કાળો.
જ્યારે આવો સ્વાગત કરશે,
મારા ઘરમાં છે કંટાળો.
લાખો આંસુ આવ્યાં ક્યાંથી?
બે આંખોનો છે સરવાળો!
સમય બતાવે સૌના ચહેરા,
ચારે બાજુ છે ઘડિયાળો.
પિંજરમાં જે રાખે તમને,
એવા ઈશ્વરને ના પાળો.
એકલતા તો બચકાં ભરશે,
જલદી-જલદી પાછી વાળો.
– ભાવેશ ભટ્ટ ‘મન’
ટૂંકી બહેરની સશક્ત ગઝલ. એક એક શેર સરસ થયો છે. દુ:ખમાં પરિણામેલા સંબંધની વાત કવિ કેવી સિફતથી કરે છે – લાખો આંસુ આવ્યાં ક્યાંથી? બે આંખોનો છે સરવાળો!
Permalink
March 4, 2007 at 1:36 AM by વિવેક · Filed under ગીત, બાલમુકુન્દ દવે
સીમને સીમાડે તને જોયો મારા બંદા !
પ્રીતચિનગારી પહેલી જોઈ જી જોઈ જી.
એકલ બપોરે તને જોઇ મારી રાણી !
અક્કલપડીકી મેં તો ખોઈ જી ખોઈ જી.
આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા !
હરખની મારી હું તો રોઈ જી રોઈ જી.
હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી !
હેતભીની આંખ મેં તો લોઈ જી લોઈ જી.
કંઠમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા !
નજરુંમાં નજર મેં પ્રોઈ જી પ્રોઈ જી.
વણબોલ્યા કોલ લીધા-દીધા મારી રાણી !
તાંતણે બંધાયાં ઉર દોઈ જી દોઈ જી.
આંબલાની મેર ઝૂક્યો તુંય મારા બંદા !
ફેર ફેર મોહી તને જોઈ જી જોઈ જી.
ઉરધબકાર એકતાર મારી રાણી !
ઊઠતા ઝંકાર એક સોઈ જી સોઈ જી.
……. સોઈ જી સોઈ જી.
-બાલમુકુન્દ દવે
પ્રેમના રાજ્યના રાજા અને રાણીનો વારાફરતી એક-એક કડીમાં થતો વાર્તાલાપ આ ગીતને વાંચતાવેંત જ કૈં એવો ઓપ આપે છે કે ફરીથી પ્રેમમાં પડવાની ઈચ્છા થઈ આવે. બંદા અને રાણીના સંબોધનો સાથે પુનરાવર્તિત થતા ધ્રુવખંડ- જોઈ, રોઈ, લોઈ, દોઈ વિ. અને પાછળ ‘જી’કારનો થડકો પ્રેમની અનુભૂતિના આવર્તનોને પ્રલંબ બનાવતા હોય એમ આપણી સંવેદનાને પ્ર-દીર્ઘ સ્પર્શ કરે છે. પ્રેમ આંધળો હોય છે… પહેલા મિલનમાં જ ભરબપ્પોરના સીમના એકાંતમાં અક્કલપડીકી ખોઈ પ્રીતની ચિનગારી ભડભડવા માંડે છે. અને શું ચુંબનની પરિભાષા – હોઠની ધ્રુજારી તારી પીધી! મૌનનો વાર્તાલાપ અને જજરુંની ગુફ્તગુ… નામ પાડ્યા વિના અપાતા વચનો અને એક થતા હૈયાના તાર… આંબાતળે જાણે કે સ્વર્ગ રચાઈ ગયું !
Permalink
March 3, 2007 at 1:33 AM by વિવેક · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
जब से गये हैं छोड के साजन बिदेसवा
કજરી સૂની સૂની અને સૂમસામ નેજવાં.
छू के जो उन को आती है बम्बई से ये हवा,
પુનરાગમનનો એય ક્યાં લાવે સંદેસવા?
पैसे, ख़तों- क़िताब, अंगूठे से दस्तख़त,
વેઢા ગણી ગણી હવે થાક્યાં છે ટેરવાં.
बम्बई की काली सडकों पर रफतारे-टॅक्सी,
હડફટમાં આવી જાય છે સ્વપ્નો નવાંસવાં.
कोडे़ बरस रहे हैं मुहर्रम में जिस्म पर,
શ્વાસોના રણમાં લોહીનાં ઊડે છે ઝાંઝવાં.
– ભગવતીકુમાર શર્મા
ભગવતીકુમાર શર્મા ભલે પોતાની જાતને આંધી વચ્ચે તણખલાંના કે તુચ્છ ઘટનાના માણસ લેખાવતા હોય, કવિ તરીકે એમનું પદાર્પણ અનન્ય છે. પત્રકાર તરીકે દિન-રાત શબ્દોની સાથે પનારો પડતો રહેતો હોવા છતાં પોતાનો કવિ તરીકેનો શબ્દ ઘસાઈ ન જાય એ માટે એમણે સતત કાળજી રાખી છે. ભગવતીકુમારની કવિતા એ પરંપરા અને આધુનિક્તાના સુભગ સમન્વયનું જ્વલંત ઉદાહરણ છે. રૂઢીની ધરતીમાંથી અરુઢતાનો છોડ કેવો ઊગે એ જોવું હોય તો એમની કવિતાઓ તરફ જોવાની ફરજ પડે. પહેલી નજરે દ્વિભાષી ભાસતી આ ગઝલમાં હકીકતે હિંદી, ગુજરાતી ઉપરાંત ક્યાંક ક્યાંક बिदेसवा જેવો વ્રજભાષી શબ્દ, ક્યાંક रफतारे-टॅक्सी જેવો ઉર્દૂ શબ્દ-પ્રયોગ તો ક્યાંક टॅक्सी જેવો અંગ્રેજી શબ્દ પણ નજરે ચડી જાય છે અને આ બધા જ એવી સાહજીકતાથી વણાઈ ગયા છે અહીં કે આ ગઝલ પ્રયોગાત્મક ગઝલ છે એવો તો ભાવકને અહેસાસ થતો જ નથી. (અને આ પ્રયોગ પાછો ઠેઠ 1979ની સાલમાં થયો છે!)
Permalink
March 2, 2007 at 9:05 AM by ધવલ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
છે સાંજે તો એ લોહીની ધાર જેવું
સવારે હશે એ સમાચાર જેવું
અનાસક્તિના મોહની એ ઘડીઓ
કે લાગ્યું હતું એ ય સંસાર જેવું
વાગોવ્યાં અમે ખંજરને નકામાં
તમારી નજરમાં હતું વાર જેવું
ઊઘડતા ઉમંગો હશે બારી પાછળ
નકર હોત ના બન્ધ આ દ્વાર જેવું
બન્યા બુદ્ધિ પાછળ અમે સાવ ઘેલા
ન સમજ્યા હતું દિલ સમજદાર જેવું
રડ્યા તો નયન સાવ હલકા બન્યાં પણ
હસ્યા તો હતું મન વજનદાર જેવું
મને એક દી ચાંદે પૂછી જ લીધું
નથી ભાઈ તારે શું ઘરબાર જેવું
– શેખાદમ આબુવાલા
શેખાદમની ગઝલ કદી સમજાવવી પડે નહીં. પહેલો શેર તો સૌથી સરસ જ છે. અને ‘અનાસક્તિના મોહની ઘડીઓ’ એવી વાત બીજે ક્યાંય જોવા નહીં મળે એની મારી ગેરેંટી ! બન્યા બુદ્ધિ પાછળ… શેર ઈકબાલના પ્રસિદ્ધ શેર अच्छा है दील के पास रहे ની યાદ અપાવે છે. ને છેલ્લે શેખાદમની ચોક્ખી છાપ ધરાવતો રમતિયાળ શેર જેમા રાતોની રખડપટ્ટીની વાત મઝાની ચમત્કૃતિ સાથે આવે છે.
શેખાદમ મારો પ્રિય ગઝલકાર છે. ઘણા લોકો મને કહે છે કે શેખાદમથી સારા કંઈ કેટલાય ગઝલકારો ગુજરાતીમાં છે. પણ ભાઈ, ગમી તે ગઝલ – શેખાદમની ગઝલો મને કેમ ગમે છે એનું કોઈ કારણ નથી… કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે ! ખરી વાત તો એ છે કે જીવનના એવા સોનેરી દીવસોમાં શેખાદમની ગઝલો જોડે ઓળખાણ થયેલી કે એની અમૂક ગઝલો તો એકદમ અંગત યાદ જેવી બની ગઈ છે. હવે કહો કે પોતાની અંગત યાદો કોને પ્રિય ન હોય !
Permalink
March 1, 2007 at 1:00 AM by સુરેશ · Filed under અછાંદસ, અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ
ચાલો,
આષાઢનાં વાદળો તીડનાં ટોળાં બનીને
ધરતીને ચૂસી ખાય તે પહેલાં,
વિનામોતે મરેલાંની કબરો
હિમાલયનાં શિખરો બની જાય તે પહેલાં,
પ્રેમની વાતોથી
કવિતાના શબ્દોનો રંગ ફટકી જાય તે પહેલાં,
જાળ નાખીને
ચંચલ પાણીમાં સ્થિર ઊભેલો માછીમાર
ભગવાન બની જાય તે પહેલાં,
ચાલો,
ધરતીમાં ઢબૂરાયેલા બીજને
આપણે મૃત્યુની કથા કહેવાની છે.
અને –
– અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ ( કવિ પરિચય )
આ થોડી સમજવામાં અઘરી કવિતા હું જેવી સમજ્યો છું તે સમજાવું –
જન્મથી મૃત્યુ સુધીની દરેક જીવિતની નિયતિને કવિએ અહીં અનેક રૂપકો દ્વારા અભિવ્યક્ત કરી છે. આષાઢ પછી આવતી લીલોતરી તો છે પણ તેની પાછળ આવતાં તીડનાં ટોળાં પણ છે. જીવતાં જ મરેલા હોય તેવા માનવો ય છે, અને દંભી સમાજમાં તે હિમાલય જેવા મોટા પણ બની જતા હોય છે. પ્રેમ તો છે પણ તે સાવ રંગ વિહીન, કવિતાના શબ્દોમાં ફટકી ગયેલો પણ છે. બહુ સ્થિર અને નિર્વિકારી દેખાતો શિકારી, બગભગતની જેમ આ જગમાં પૂજ્ય પણ બની જતો હોય છે.
નવા આવનાર જીવના બીજને આ કથા, જીવનની આ બિભીષણ વિડંબના કહીને કવિ આપણા અર્થો જાતે જ કાઢવા આપણને આહ્ વાન આપે છે .
– ‘અને’ કહીને ….
Permalink