આંખને વાંચી જવાનું હોય ત્યાં,
હું મૂરખ બેઠો છું લઈ કાગળપણું.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2009

સાગર અને શશી – કાન્ત (ભાગ-૨)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

(ગઈકાલે આ કાવ્યનું છંદોવિધાન અને ઇતિહાસ જોયા પછી આજે આ કાવ્યનો રસાસ્વાદ શ્રી સુરેશ જોષીએ કરાવેલા વિલક્ષણ અને વિચક્ષણ આસ્વાદના અતિટૂંકસાર સ્વરૂપે માણીએ)

ભરતીએ ચડેલા સમુદ્રના મોજાં જેમ એક પછી એક વધુ ને વધુ નજીક આવીને વધુને વધુ ભીંજવતા જાય એ રીતે અહીં કાવ્યની પંક્તિઓ છલકાતી આવે છે. હૃદયમાં હર્ષ જામેમાં ‘જામે’ ક્રિયાપદ વાપરીને સાગર પરથી થતા ચંદ્રોદય નિરખતાં હૃદયમાં ઉલ્લાસની વધતી જતી માત્રાને કવિએ ખૂબીથી સૂચવી દીધી છે ને ત્રીજી પંક્તિમાં તો ‘સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન’ છોળ કેટલી છલકાય છે !

સાગર ઉપર ચન્દ્રનો ઉદય જોઈને કવિ હૈયું બોલી ઊઠે છે કે જાણે સ્નેહનાં વાદળ ઊમટ્યાં છે. ચારેબાજુ કુસુમોનું વન (વનમાં કુસુમ નહીં, કુસુમોનું જ વન) મહેકી ઊઠ્યું છે; કશી કળી ન શકાય એવી ગહન સુવાસથી મન તરબતર થઈ ઊઠ્યું છે ! પળેપળ વિખેરાતાં ને એ રીતે નિતનવી ભાત સર્જતા વાદળોથી સૂચવાતો કુસુમોનો પુંજ આખા આકાશને ભરી દે છે; શાખાપત્ર કશું દેખાતું નથી. આમ આકારને પળે પળે ઓગાળી નાંખતાં વાદળોમાંથી જ સૂચવાતો કુસુમોનો આકાર અને તેમાંથી વળી નિરાકાર અને તે જ કારણે ગહન એવી વિમલ સુવાસ… સાગર ઉપર ઊગેલો શશી દૃષ્ટિગોચર હતો તે ઇન્દ્રિયવ્યત્યય પામીને હવે ઘ્રાણેન્દ્રિયગોચર થયો. આ રીતે ચન્દ્રના અનુભવમાં કશાક અનનુભૂત તત્ત્વનો પ્રવેશ થયો.

આટલે આવીને કવિનું પુલકિત ચિત્ત કૃતજ્ઞભાવે બોલી ઊઠે છે: પિતા ! કાલના સર્વ સંતાપ શામે ! આપણે મન કાળ એ સૌથી મોટી સીમા. કાળના પિંજરમાં રહેનારને આ અનુભવે એક વિશાળ કાલાતીત અવકાશમાં મૂકી દીધો. આ મુક્તિનો રસ તે કોઈ નવલ જ રસ છે અને એનું ઉદભવસ્થાન વાત્સલ્યમય પિતાના ધવલ નેત્રરૂપે ચન્દ્ર જ છે. આ કૃતાર્થતાથી પુલકિત થઈ કવિ આભાર વ્યક્ત કરતી પંક્તિનું પુનરુચ્ચારણ કરી આનન્દનો પુટ વધુ ઘૂંટે છે.

બીજા ખણ્ડમાં કવિના ચિત્તમાં થયેલી આ વ્યાપ્તિની અસરના સૃષ્ટિમાં થતા પ્રસારને કવિ વર્ણવે છે. સમુદ્રની ઊછળતી ઊર્મિમાળા પર ચાંદનીનું ચમકવું વીજળીના ચમકારા જેવું લાગે છે . સાગરની ગતિ સામે કવિ આકાશમાં પસાર થતી રાત્રિને સરોવરની નિશ્ચલતામાંથી પસાર થતા સમય સાથે સરખાવે છે વળી આ નિશ્ચલતાનું પાત્ર ઉલ્લાસની સભરતાના સાર્થક ઉચ્ચારણ રૂપ કામિની કોકિલાના કૂજનથી છલકાઈ ઊઠે છે. એની સાથે જ કવિ ભવ્ય ભરતીની વાત કરીને ભરતીનો આખો ઊછાળો પૂરો કરે છે. આખી સૃષ્ટિ ઉલ્લાસભરી બની ગઈ છે અને એ છલકાતા ઉલ્લાસના સાગરમાં હળવી શી હોડીની જેમ સૃષ્ટિ તરી રહી છે.  કવિનો આનંદોદગાર અહીં પણ પુનરુક્તિ પામે છે અને એ રીતે જાણે આપણા ચિત્તમાં છલકાઈ છલકાઈને ઊછળ્યા જ કરે છે.

ઉલ્લાસના સાગરમાં સરલ સરી જતી સૃષ્ટિના જેવી અનાયાસ રચાઈ જતી યમક તથા પ્રાસયુક્ત ભાવાનુકૂળ પદાવલિના સ્ત્રોતમાં ભાવકનું ચિત્ત પણ સરલ વહ્યું જાય છે – ગહનતાની દિશામાં.

Comments (26)

સાગર અને શશી – કાન્ત (ભાગ-૧)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

– મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

ઝુલણા છંદના પ્રલંબ લયમઢ્યું આ કાવ્ય ગુજરાતી કાવ્ય-સાહિત્યનું એક સોનેરી પૃષ્ઠ છે ! શંકરાભરણની ચાલમાં ચાલતા આ કાવ્યમાં પરંપરિત ઝુલણા છંદના સાડત્રીસ માત્રાના નિયમનો સાયાસ ભંગ થતો જણાય છે.  નરસિંહ મહેતાએ બહુઆયામી રીતે આજ છંદનો વિનિયોગ કરી પ્રભાતિયાં રચ્યા હતાં. કવિ કાન્ત ગોપનાથના દરિયાકિનારે થતા ચંદ્રોદય અને એના કારણે સાગર અને એ રીતે ઉરમાં આવતી -જામતી- ભરતીને આલેખવા એ જ છંદ વાપરે છે ત્યારે સૂર-શ્રુતિના લયાન્વિત આંદોલનો ભાવકને ઝૂમી ઊઠવા મજબૂર કરી દે છે… ‘ગાલગા’ ‘ગાલગા’ના આવર્તનોમાંથી પ્રકટતું સંગીત પોતે સાગરના આવ-જા આવ-જા કરતા ફેનિલ મોજાં સમું દૃશ્ય-શ્રાવ્ય ચિત્ર ઊભું કરવામાં એ રીતે ઉપકારક નીવડે છે કે એમ લાગે કે બીજો કોઈ છંદ આ કાવ્યમાં નભી શક્યો જ ન હોત !

કાવ્ય દ્રુતવિલંબિત લયમાં ચાલે છે.. ક્યારેક લય ઝડપી (સ્નેહઘન કુસુમવન…ગહન) ભાસે છે અને ક્યારેક ધીમો (આજ મહારાજ…હર્ષ જામે) , જાણે સાગરના મોજાંની સાથે તાદાત્મ્ય ન સાધતો હોય!

૧૮૯૭માં કાન્તના કલાપી સાથેના અને ન્હાનાલાલ સાથેના મૈત્રી સંબંધનો આરંભ થયો હતો. થોડાંક વરસ સુધી બન્ને વચ્ચે કવચિત્ મુલાકાત અને કવચિત્ પત્રવ્યવહાર ચાલ્યો. ન્હાનાલાલ એમનાં કાવ્યો કાન્તને મોકલે અને કાન્ત સુધારા સૂચવે તે ન્હાનાલાલ સ્વીકારે, ચર્ચાઓ થાય એમ ઉભયપક્ષે ચાલ્યું. ૧૮૯૮માં કવિ કાન્તે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. ધર્માન્તરને કારણે જ્યારે સૌએ કાન્તનો ત્યાગ કર્યો હતો ત્યારે ૧૯૦૨માં કાન્તના પત્ની ‘ન્હાની’ની પ્રસૂતિ સમયે ન્હાનાલાલ અને માણેકબહેન ભાવનગર આવીને કાન્તના કુટુંબ સાથે રહ્યાં હતાં. આ સમયે કાન્ત અને ન્હાનાલાલ નાના ગોપનાથ ગયા હતા અને હાથબ બંગલાની અગાસીમાંથી સાગરતટ પર પૂર્ણિમાના ચન્દ્રનું દર્શન કર્યા બાદ પછી કાન્તે ૬/૬/૧૯૦૨નારોજ ‘સાગર અને શશી’ કાવ્ય રચ્યું હતું. અને ન્હાનાલાલે ‘સાગરને’ તથા ‘પુર્નલગ્ન’ કાવ્યો રચ્યાં હતાં.

આજે આ ગીતનું છંદોવિધાન અને ઇતિહાસ જોયા પછી આવતીકાલે આ કાવ્યની મસ્તીનો પણ થોડો સ્વાદ ચાખવા ફરી મળીશું…

Comments (29)

હારને હાર માની નથી – મકરંદ દવે

જિંદગી ભાર માની નથી
ને  નિરાધાર  માની નથી
ધૂળ ખંખેરી ધપતા જતાં
હારને  હાર  માની   નથી

– મકરંદ દવે

Comments (8)

તારા અક્ષરના સમ – મૂકેશ જોશી

જો મારી આંખોનો આટલો ધરમ
તારી ટપાલ રોજ વાંચે ને પૂજે ને ચૂમે ને બસ –
                                                                     – તારા અક્ષરના સમ

તું મારી વાદળી  શાહીમાંથી  વાદળાં કેવાં   ઉડાડતો   હું   જાણતી
અક્ષરની વાછરોટ ઉપરથી વરસે ને અર્થોની નદીઓ બહુ તાણતી

        કેવી પગલાઇ તું પગલાં શણગારતો, હું મારા ભૂંસતી કદમ
                                                                     – તારા અક્ષરના સમ

કાગળને તળિયે તે વાવેલી મ્હેક, વેંત ઉપર તે મેઘધનુષ પાથર્યાં
શબ્દોની વચ્ચેના ચાંદરણે આવી ને શમણાંને અધવચ્ચે આંતર્યા

જેટલા અક્ષર તે કાગળમાં નહીં લખિયા, એટલા મેં લીધા જનમ
                                                                       – તારા અક્ષરના સમ

– મૂકેશ જોશી

સુંવાળા મઘમઘતા ગીતોનો રમેશ પારેખનો વારસો મૂકેશ જોશીએ જાળવ્યો છે – ન માનતા હો તો આ ગીત વાંચીને ચોક્કસ માનતા થઈ જશો !

Comments (15)

બંધ – ઉમર ખૈયામ, અનુ. શૂન્ય પાલનપુરી

ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ

– ઉમર ખૈયામ
અનુ. શૂન્ય પાલનપુરી

Comments (9)

પ્રિસ્ક્રિપ્શન – હેમેન શાહ

૧. લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું.
૨. નિરાશાની એક કેપ્સ્યુલ દિવસમાં ચાર વાર લેવી. (નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે ફકત કંપની જુદી છે.)
૩. સપનાંની બે ગોળી સૂતાં પહેલાં લેવી.
૪. આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં.
૫. દીવાનગીનાં ચશ્માં પહેરી કામે જવું. (એ મેસર્સ મજનુ એન્ડ રાંઝાને ત્યાં મળે છે.)
૬. પેટમાં બળતરા થતી હોય તો એક પ્યાલો ઠંડું મૃગજળ ધીરે ધીરે પીવું.
૭. યાદ બહુ જલદ દવા છે. પરંતુ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે, માટે ચાલુ કામકાજમાં ભેળવીને લેવી.
૮. અઠવાડિયે એક વાર એકસપાયરી ડેટ પછીનું ઈશ્કનું ઈન્જેકશન લેવું.
૯. શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે.
૧૦. આટઆટલી દવા કર્યા પછી, પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી.

સહી
અનરજિસ્ર્ટડ પોએટ્રી પ્રેકટિશ્નર
– હેમેન શાહ

કવિ અહીઁ નવા કવિઓ માટે કવિ કેવી રીતે બનવું એનું પ્રિસ્ક્રિપ્શન લખે છે. (હા, કવિ વ્યવસાયે તબીબ જ છે!) કવિતા કરવાની પ્રવૃત્તિ (કે પ્રકૃતિ) આમ તો બયાન કરવી અધરી છે. પણ અહીઁ આછા વ્યંગના આધારે કવિ ધાર્યા નિશાન સર કરે છે. દિવ્યભાસ્કરમાં સુરેશ દલાલે કવિતાનો આસ્વાદ કરાવેલો એ સાથે જોશો. (એ આસ્વાદનું શીર્ષક એમણે ‘કવિતા એટલે પ્રતિક્ષા’ આપેલું.)

Comments (10)

કાઝાનઝાકીસ – અમૃતા પ્રીતમ

મેં જિંદગીને પ્રેમ કર્યો હતો
પણ જિંદગી એક વેશ્યાની જેમ
મારા ઇશ્ક પર હસતી રહી
અને હું નામુરાદ આશિક
ખ્યાલોમાં અટવાતો રહ્યો…
પણ જ્યારે આ વેશ્યાના હાસ્યને
મેઁ કાગળ પર ઉતાર્યું
ત્યારે પ્રત્યેક અક્ષરના ગળામાંથી એક ચીસ નીકળી
અને ખુદાનુ સિંહાસન કેટલીય વાર સુધી હલતું રહ્યું.

– અમૃતા પ્રીતમ
(અનુ. સુરેશ દલાલ)

કાઝાનઝાકીસ એ ગ્રીક ભાષાના ક્રાંતિકારી સાહિત્યકાર. એમના કાવ્યો, નવલકથાઓ અને નિબંધથી એ જાણીતા. એમણે જિંદગીને છેક છેવાડે જઈને જોયેલી. એમના લખાણો જિંદગીનો પડધો પાડતા. અમૃતા પ્રીતમે પોતાની લાક્ષણિક અદાથી આ મહાન આત્માને અંજલી આપી છે.

Comments (7)

આદમી થઈને – સુધીર પટેલ

રુએ શું આમ આદમી થઈને !
રાખજે હામ, આદમી થઈને.

વાડ ને વાદથી ઉપર ઊઠી,
ફર સરેઆમ આદમી થઈને.

આવકારો બધે મળી રહેશે,
આવજે આમઆદમી થઈને.

આદમી થઈ જીવી જવાનો તું,
આપ પૈગામ આદમી થઈને.

થાય ઈશ્વરને પણ જરા ઈર્ષ્યા
એવું કર કામ આદમી થઈને.

અવતરણ નહિ મળે ફરી ‘સુધીર’
કાઢજે નામ, આદમી થઈને.

– સુધીર પટેલ

‘આદમી હોવું’ પણ કેટલા માનની વાત છે એ વાત આપણે બધા ભૂલી જતા હોઈએ છીએ. આ ગઝલ એ જ વાતને ફરી યાદ કરાવી આપે છે. ‘ઉકેલીને સ્વયંના સળ’ સંગ્રહ મોકલવા માટે સુધીરભાઈનો ખાસ આભાર.

Comments (15)

ગઝલ – દિનકર પથિક

હોય છે ભારોભાર મારામાં,
એક તારો વિચાર મારામાં.

આમ રહીને અજાણ મારાથી,
કોણ મારે લટાર મારામાં ?

પ્રેમ શું છે ? નદીને પૂછ્યું તો
ખળભળી એ ધરાર મારામાં.

મોત ને જીંદગીની વચ્ચેનો ,
જીવવાનો પ્રકાર મારામાં

રોજ જન્મે ને રોજ દફનાવું,
આશ તારી મઝાર મારામાં

દોસ્ત બે અક્ષરો મળ્યા અમને,
થઇ ગઝલ ની બજાર મારામાં.

દિનકર પથિક

(ટાઇપ સૌજન્ય: ડૉ. કલ્પન પટેલ, સુરત)

Comments (11)

પહેલો બરફ – આન્દ્રે વૉઝ્નેસેન્સ્કી

ટેલિફોન-બુથે
એક થીજી રહી છોરી.

ભીના ભીના કોટમાં એ ઢાંકે
આંસુ અને લિપસ્ટિકે
ખરડાયેલો ચહેરો.

બુટ્ટી એના કાને.
હિમ જેવી આંગળીઓ.

પાતળી હથેળીમાં લઈ રહી શ્વાસ.

એકલા અટૂલા એને ઘરે જવું રહ્યું
બરફની લાંબી લાંબી શેરીઓને ઓળંગીને.

હિમ…
પ્હેલી વારનો હિમ…
ટેલિફોનના ઉદગારોનું પ્હેલીવાર હિમ…
થીજેલાં આંસુ એનાં ચળકે છે ગાલે.

માનવ હ્રદયનો પહેલો બરફ !

– આન્દ્રે વૉઝ્નેસેન્સ્કી
(અનુ. સુરેશ દલાલ)

પહેલા પ્રણયના કાવ્યો આપણે બધાએ જોયા છે, આજે જોઈએ પહેલા પ્રણયભંગનું કાવ્ય. બહાર અને અંદરના બરફના વર્ણનથી કવિ પ્રણયભંગના ખાલીપાનું બળકટ ચિત્ર દોરી આપે છે.

Comments (8)

Page 1 of 4123...Last »