એ કહે તે કરવાનું,
આ ગઝલ છે, ડહાપણ નહીં
જવાહર બક્ષી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for October, 2006

નિહાળતો જા – રઈશ મનીઆર

દરેક વાતે વિચારવાનું ત્યજી દઇને નિહાળતો જા.
સ્વીકારવાનું, નકારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

સમસ્ત દુનિયા છે એક રચના, જો થાય મનમાં વહી જા લયમાં
ન તોલ એને, મઠારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

પસાર થાતી ઘડી ઘડીમાં જુદી જુદી જે છબી ચમકતી
તમામ ઊંડે ઉતારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

આ આંસુ કરતાં છે પૃથ્વી મોટી, હૃદય છે એક જ, હજાર દુઃખ છે
દુઃખે દુઃખે આંસું સારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

ઉઘડતું આથમતું રૂપ શાશ્વત ને એક પલકારો તારું જીવન
તું એની લટને નિખારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

તું આજીવન માત્ર જોતો રહેશે છતાંય તું અંશમાત્ર જોશે
સમગ્ર અંગે તું ધારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

રઈશ મનીઆર

Comments (4)

અથશ્રી હોવું – નયન દેસાઈ

અથશ્રી હોવું, બે હાથો જોડીને રોવું…

અભરે આંસુ, સભરે પીડા
તરફડવું ચિરકાળ, જીવજી
તન તડકો છે… મન પર્વત છે ને
શ્વાસો ખડકાળ, જીવજી
અથશ્રી હોવું : પડછાયાને પાણી ટોવું
બે હાથો જોડીને રોવું

ફૂલની પાંદડીઓમાં પેઠા ભમરા કૈં
ભમરાળ, જીવજી
ડંખ મ્હેંક ભરીને વાગ્યા
કંટક થૈ ગૈ ડાળ, જીવજી
અથશ્રી હોવું : દર્પણ થઈ ઝાકળને જોવું
બે હાથો જોડીને રોવું

સખ્ખળ ડખ્ખળ સંબંધોનાં
અણિયાળાં કૈં આળ, જીવજી
આ સૂરજને પાદર કાઢો
ઊગે છે બરફાળ, જીવજી
અથશ્રી હોવું : વહેતા જળને જળથી ધોવું
બે હાથો જોડીને રોવું

નયન દેસાઈ

Comments (4)

એક બસ સમજણ… હિમાંશુ ભટ્ટ

એક બસ સમજણ જો આવી જાય તો ?
જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?

મોક્ષની વાતો બધા કરતા રહે,
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો ?

કેમ છે ભીંતો અને સરહદ બધે ?
ચોતરફ વિશ્વાસ વ્યાપી જાય તો ?

આમ તો એ શું હતું ? શબ્દો હતા..
પણ જરા, જો ક્યાંક વાગી જાય તો ?

જેમનાથી જિંદગી દોડ્યા કર્યું,
એ હતું શું ? યાદ આવી જાય તો ?

જે નથી ભૂલ્યો, નથી કરતો હવે,
વાતમાં એ વાત આવી જાય તો ?

પ્રેમ જ્યાં સાચો હશે, બાંધે નહીં,
લાગણી જો નામ પામી જાય તો ?

પાછલી વાતો બધા ભૂલી જશે,
આખરી તું દાવ જીતી જાય તો !

-હિમાંશુ ભટ્ટ

Comments (6)

ગઝલ – ઉર્વીશ વસાવડા

મને ગમતી પ્રત્યેક ક્ષણ ગઝલમાં લઈને આવ્યો છું
ઘણી વાતો તમારી પણ ગઝલમાં લઈને આવ્યો છું

સતત ચાહી છે કુદરતને પૂરી નિષ્ઠાથી જીવનમાં
નદી, પર્વત ને તપતું રણ ગઝલમાં લઈને આવ્યો છું

શિલાલેખો, ગિરિ ગિરનાર, દામોકુંડ, કેદારો
જૂનાગઢની ધરાના કણ ગઝલમાં લઈને આવ્યો છું

સમજપૂર્વક હકીકતને જુદી, આભાસથી પાડી
અરીસામાં પ્રગટતો જણ ગઝલમાં લઈને આવ્યો છું

નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની
સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું

ઉર્વીશ વસાવડા

ગુજરાતી સાહિત્યજગતમાં તબીબ-કવિઓની ખોટ નથી. ઉર્વીશ વસાવડા એમની સરળ ભાષામાં જ્યારે ખૂલે છે ત્યારે કળાવા નથી દેતા કે તેઓ એક તબીબ – રેડિયોલોજીસ્ટ છે. જૂનાગઢના વતની હોવાના નાતે એમની ગઝલોમાં ગિરનાર, દામોદર કુંડ, નરસિંહ મહેતાનો કેદારો અને અશોકના શિલાલેખો ખૂબ સહજતાથી વણાઈ જાય છે. સાવ સરળ ભાસતા કાફિયાઓ પાસે પણ એ બેનમૂન કામ લઈ શક્યા છે એ એમની કવિ તરીકેની સાર્થક્તા સૂચવે છે. કાવ્યસંગ્રહ: “પીંછાનું ઘર”. જન્મ: ૧૩-૦૪-૧૯૫૬.

Comments (6)

અમર આશા – મણિલાલ ન. દ્વિવેદી

કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે.

જુદાઈ જિંદગીભરની, કરી રો રો બધી કાઢી,
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે.

ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી,
હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે.

જખમ દુનિયાં જબાનોના, મુસીબત ખોફના ખંજર,
કતલમાંયે કદમબોસી, ઉપર કયામત ખુદાઈ છે.

શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ,
અગમ ગમની ખરાબીમાં, મજેદારી લૂંટાઈ છે.

ફના કરવું – ફના થાવું, ફનામાં શહ સમાઈ છે,
મરીને જીવવાનો મન્ત્ર, દિલબરની દુહાઈ છે.

ઝહરનું નામ લે શોધી, તુરત પી લે ખુશી થી તું,
સનમના હાથની છેલ્લી, હકીકતની રફાઈ છે.

સદા દિલના તડપવામાં, સનમની રાહ રોશન છે,
તડપ તે તૂટતાં અન્દર ખડી માશૂક સાંઈ છે.

ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું;
ગુલોના ખારથી બચતાં, બદનગુલને નવાઈ છે.

હજારો ઓલિયા મુરશિદ, ગયા માશૂકમાં ડૂલી,
ન ડૂલ્યા તે મૂવા એવી, કલામો સખ્ત ગાઈ છે.

-મણિલાલ દ્વિવેદી

મણિલાલ ન. દ્વિવેદી ‘અભેદમાર્ગપ્રવાસી’ તરીકે જાણીતા સાહિત્યકાર હતા. કવિતા ઉપરાંત નાટક, નિબંધ, સંશોધન, વિવેચન, સંપાદન અને અનુવાદ ઉપર પણ એમની હથોટી રહી. સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને અધ્યાપક. નર્મદના અનુગામી લેખકોમાંનો એક સશક્ત સ્તંભ એમને ગણી શકાય. ગુજરાતી ગઝલના ઉત્થાનમાં એમનું પ્રદાન નોંધપાત્ર છે. ‘અમર આશા’ એમના જીવનની સીમાચિહ્નરૂપ ગઝલ છે જે ગાંધીજીને પણ પ્રિય હતી. જન્મ અને મૃત્યુ નડિયાદમાં. (જન્મ : ૨૬-૦૯-૧૮૫૮, મૃત્યુ : ૦૧-૧૦-૧૮૯૮) કાવ્ય સંગ્રહ:”આત્મનિમજ્જન”

(વસ્લ= સમાગમ, મિલન; કદમબોસી= ચરણચંપી; અગમ= અગમ્ય, ભવિષ્ય; શહ્= સામર્થ્ય; રફાઈ=આત્મબલિદાન; મુરશિદ=ધર્મોપદેશક)

Comments (3)

વજનદાર શાંતિ – ગિરીશ ભટ્ટ

એ લોકો શું

– કોઇ નવા ઇસુને
  વધસ્તંભ પર ચડાવી રહ્યા છે?

– કોઇ નવા બુધ્ધ પર
  પથ્થર અને ગાળોનો વરસાદ વરસાવી રહ્યા છે?

– કોઇ નવી મીરાંને
   ઝેરનો પ્યાલો ધરી રહ્યા છે?

– કોઇ નવી રાબિયાની
   જીવતી ત્વચા કોચી રહ્યા છે?

– પુત્રવધૂને જીવતી સળગાવીને
   પછી એની અર્ધબળેલી લાશના
   અગ્નિસંસ્કાર કરી રહ્યા છે?

   મિત્ર, આટલી વજનદાર શાંતિ શા કારણે છે?

– ગિરીશ ભટ્ટ

Comments (1)

જર્જરિત દેહને – બળવન્તરાય ક. ઠાકોર

(પૃથ્વી)
સખા કહું? કહું તુરંગમ? તું છેક હારી ગયો? *તુરંગમ – અશ્વ
ત્રુંટું ત્રુટું થઇ રહ્યો વિકલ સંધિ ને સ્નાયુમાં ? * સંધિ – સાંધા
ન સ્થૈર્ય, નવ હોશ લેશ, શ્વસને ન વા વર્ત્તને
ખમાય લગિરે અનીમ. અહ શી દશા તાહરી !

તથાપિ સફરે પ્રલંબ મુજ સાથિ સંગી અરે, * પ્રલંબ – લાંબી
હ્જીય મુજને જવૂં છ ડગ સ્વલ્પ, તું ચાલ જો:
હજી છ મુજને કંઇક કરવૂં અધૂરું પુરૂં,
ઉકેલિ લઉં તે, – પછી ઉભય તું અને હું છુટી

વિરામમધુ પ્રાશવા, અક્રિયતોદધિ સેલવા, * અક્રિયતોદધિ – નિષ્ક્રીયતાનો સમુદ્ર
જુની સ્મૃતિ તણાં અનંત પતળાં રુચિર વાદળાં, * રુચિર – સુંદર
તરંત ઉભરૈ રહંત, રહિ હૈ જ વાગોળવા !
સબૂર જરિ, ના ચહું કશુંય જે તને શક્ય ના,

કદી ન તગડીશ, લે વચન! સાથિસંગી અહો,
જરા ઉચલ ડોક; દૂર નથી જો વિસામો હવે. * ઉચલ – ઊંચી કર

– બળવન્તરાય ક. ઠાકોર

સાક્ષર યુગના અગ્રગણ્ય કવિ – સોનેટ અને પૃથ્વી છંદ તેમની વિશેષતા. લાગણી પ્રધાન, પોચટ કવિતાઓના જમાનામાં વિચાર પ્રધાન કવિતાઓને વહેતી કરી. માટે તેમનો આગ્રહ સોનેટ અને પૃથ્વી છંદ ( લગભગ અગેય છંદ) માટે.

Comments (1)

તમારા દિલાસે – હરકિસન જોષી

પરમ ચેતનાની પ્રસરતી સુવાસે
હૃદય ધડકનો તારી મૂર્તિ તરાશે

દીવાલો ખસેડી ને છતને હટાવી
હવે કંઈક આકાશ લાગે છે પાસે

કશું ક્યાંક પથરાળ અટકી પડ્યું છે
વહે મારું હોવું તો શ્વાસે ને શ્વાસે

મળે ક્યાંથી આવે છે પૂનમ થઈને
અહીં શોધ ચાલે અમાસે અમાસે

અકિંચન હતા સાવ તો પણ જુઓને
અમે જીવી નાંખ્યું તમારા દિલાસે

-હરકિસન જોષી

માણસના વહેવાપણા અને હોવાપણાને અટકાવી રાખતી દિવાલો અને છતો જ્યાં સુધી હટાવી ન લેવાય ત્યાં સુધી આકાશની અસીમતા નજીક આવી શક્તી નથી… સરળ શબ્દોમાં અઘરી વાત !

Comments (1)

હરિ ગીત – રવીન્દ્ર પારેખ

હરિ, હાજરાહજૂર !
તોય મને શોધાવે એવું હો એ જગથી દૂર.

અડધી રાતે ડર લાગે તો કોને જઈને કૈયે,
હરિ, રહે હૈયે ને તો પણ કદી ન આવે શય્યે,
ક્યાંક ઝલક એની સાંપડતાં હું તો ગાંડીતૂર.

ટુકડે ટુકડે અંધારાં સીવીને કાઢું રાત,
ટીપે ટીપે વિરહ પરોવી માંડ કરું પરભાત,
છતે ધણીએ કોણ હશે મારા કરતાં મજબૂર ?

કોઈવાર તો એમ થાય કે બાથ ભીડું બ્રહ્માંડે,
પછી થાય, હૈયે છે તેને કોણ બ્હાર જઈ ભાંડે ?
એવું કરવા કરતાં હૈયું કરું ન ચકનાચૂર !

-રવીન્દ્ર પારેખ

અટક પારેખ હોય તો હરિગીત સરસ લખાય એવું તો નથી ને? રમેશ પારેખની જેમ રવીન્દ્ર પારેખના હરિગીતો પણ આપણી ભાષાનું સુંદર ઘરેણું બની રહ્યાં છે. હૈયામાં હોય એને બહાર જઈને વળી શું ભાંડવું એ વિલાપમાં હરિ માટેની અદમ્ય ઝંખના તીવ્રતાને સ્પર્શે છે…

Comments (3)

વ્યસ્ત છીએ આપણે – નીતિન વડગામા

આજે કેવળ આપણામાં વ્યસ્ત છીએ આપણે,
પોતપોતની કથામાં વ્યસ્ત છીએ આપણે.

આમ તો સુખનાં સગડ ક્યાં સાંપડે છે સ્હેજ પણ,
ને નિરર્થક આવ-જામાં વ્યસ્ત છીએ આપણે.

ભીંત તોડી બ્હાર નીકળવું જરૂરી છે છતાં,
પાંગળી પોકળ પ્રથામાં વ્યસ્ત છીએ આપણે.

આંખની ભીનાશ તો ઊડી ગઈ છે ક્યારની,
સાવ સુક્કી સરભરામાં વ્યસ્ત છીએ આપણે.

છેદવામાં, ભૂંસવામાં ને બધુંયે લૂંટવામાં,
કાં હજી પણ આ બધામાં વ્યસ્ત છીએ આપણે ?

-નીતિન વડગામા

Comments (4)

Page 1 of 3123