એરૂ અણીના ટાંકણે આભડ્યો મૌનનો,
બાકી જીવનના પાનાં તો સૌ કડકડાટ છે.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રિયકાંત મણિયાર

પ્રિયકાંત મણિયાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પાણી-વલોણું પ્રીત – પ્રિયકાન્ત મણિયાર

જૂઠા રે જીવણ તમે જાઓ છો
.                લઈ જાઓ મુરલીના સૂર,
શું રે કરીએ અમે એ સૂરને,
.                તમે તો દૂરનાયે દૂર!

શીદને વલોવું વ્હાલા! ગોરસી,
.                શાને ગાઉં તારાં ગીત?
તુજને મળીને જાદવ જાણતી
.                મારે પાણી-વલોણું પ્રીત!

ખીલડે બંધાઈ મારી ગાવડી
.                ચહે ન છૂટવા લગાર,
કોણ રે લઈ જાય વનમાં ચારવા
.                તડકે સુકાતી લીલી ચાર.

જેવાં રે વેણુમાં વ્હાલા વીંધ છે
.                એવાં અમમાં કીધા છેદ,
શું રે આવ્યા તમે શું જાઓ છો?
.                રોકાજો આટલો કહેવા ભેદ!

– પ્રિયકાન્ત મણિયાર

વાત તો એની એ જ છે… ગોપીઓને છોડી જતા કૃષ્ણ સાથે ગોપીઓએ નેહભર્યો કલેહ માંડ્યો છે. એ કૃષ્ણને જૂઠો તો કહે છે પણ જીવણ-જીવ કહ્યા વિનાય રહી શકતી નથી. જાદવ સાથેની પ્રીત પાણી વલોવવા જેવી છે. દહીં વલોવો તો છાશ અને નવનીત પ્રાપ્ત થાય, પણ પાણીને વલોવ્યે શું હાથ આવે? મોરલીધર જ દૂરનોય દૂર ચાલ્યો જાય ત્યારે મોરલીના સૂરનો જે રીતે અર્થ રહેતો નથી, એ જ રીતે ખીલે બંધાયેલ ગાયોય છૂટવા તૈયાર નથી. વૃંદાવનમાં કૃષ્ણ જ હોય તો જઈને શો ફાયદો? ગોપીઓના હૈયામાં વાંસળીની જેમ છેદ થયાં છે. એ જાણે છે કે જનાર હવે રોકાવાનો નથી. એ તો બસ, એટલું જ ઇચ્છે છે કે જવાનાજ હતા તો આવ્યા શા માટે હતા એટલો ભેદ કહીને જાવ… પણ…

Comments (8)

પથ – પ્રિયકાન્ત મણિયાર

પથ એવો તો જાય છે સીધો,
પગલું મૂકતાં ઘડીક હું તો બીધો.

આટલી ડોલતી ડાળ, એને પણ એક ના વાંક-વળાંક,
જેમ વહું તેમ હરખભર્યો ચડતો વ્હાલો થાક;
નેન ભરીને નીરખું નદી તેમ તે એને પીધો… પથ0

જલમાં તર્યો, આભમાં ઊડયો, લસર્યો રેશમી ઢાળ,
પગલું ધરું હું જ હવે કે પવન ભરતો ફાળ?
કોઈ અજાણ્યા જનને જાવું? સ્હેજ ઈશારો કીધો!

પથ એવો તો જાય છે સીધો,
પગલું મૂકતાં ઘડીક હું તો બીધો.

– પ્રિયકાન્ત મણિયાર

માથે મુસીબતોના પહાડ તૂટી પડે ત્યારે તો એક જ ઝંખના હોય કે જીવનમાં એકેય મુસીબત જ ન હોય તો કેવું સારું! પણ roses roses all the way તો કોના નસીબમાં હોય? અનવરુદ્ધ શાશ્વત સુખની કામના નામના સિક્કાની બીજી બાજુ એ છે કે જીવન સાવ સીધુંસટ જતું હોય ત્યારેય આપણે વિહવળ થઈ જઈએ છીએ. નજર સામેના માર્ગને વળવળાંક વિનાની ડાળની જેમ એકદમ સીધોસટ જતો જોઈ પગલું મૂકતા પહેલાં કાવ્યનાયક ઘડીભર માટે તો ડરી જાય છે. જીવનપથ વધુ પડતો સ્પષ્ટ, સીધો અને સરળ હોય ત્યારે આ સરળતા પાછળનું સત્ય સમજાતું ન હોવાના કારણે ભય લાગવો સ્વાભાવિક છે.

હશે, પણ ભાગ્યનો અને આ સીધા મળેલા માર્ગનો સ્વીકાર કરી કથક આનંદભર્યા થાકનેય આવકારે છે અને કોઈ પ્રકૃતિપ્રેમી ધરાઈને નદીને જોયા કરે,એ જ રીતે આ પરિસ્થિતિનું આકંઠ સેવન કરે છે. માર્ગ એટલો સરળ છે કે તરવું-ઊડવું-લસરવું બધું જ શક્ય છે. જીવન આ ક્ષણે સંપૂર્ણતયા મુક્ત, હળવું અને તમામ બંધનોથી પર છે. કથકના માર્ગમાં તો કોઈ વળાંક નથી, પણ અંતિમ બે પંક્તિમાં કવિતા નિરાળો વળાંક લે છે. કથકને સવાલ થાય છે કે આ પથ પર સ્વયંની ઇચ્છાશક્તિથી ડગલું ભરી રહ્યો છે કે પછી પવન-નિયતિ એને આગળ ધકેલી રહ્યાં છે? કોઈ અજાણ્યા જનને આ માર્ગ પર જવું હોય તો એને નાયક ઈશારો કરે છે એમ કવિ કહે છે ત્યાં અગમનિગમનો માર્ગ સ્પષ્ટ થાય છે. ઈશ્વર સુધી લઈ જતા માર્ગ પર વધુ નહીં, સ્હેજ ઈશારોય પૂરતો છે. પ્રભુમિલનનો ખરો માર્ગ તો સાવ સીધો અને સરળ જ છે. કર્મકાંડીઓ જ એને મુશ્કેલ ચિતરી ચિતરીને આપણને સદીઓથી ભરમાવતા આવ્યા છે.

Comments (6)

કહીં ગયા? કહીં આવ્યા? – પ્રિયકાન્ત મણિયાર

મઘમઘ ડોલે મોગરો એને જૂઈની આવે મ્હેંક,
વન આ વ્હાલું લાગતું પણ મન આ લેતું ઠેક.

આંજી જેવી આંખડી નભમાં ઊગ્યો ચંદ,
જલમાં રૂવે પોયણી એનો છલછલ છલક્યો છંદ.

સમીરણ સાંભળ આટલું પૂછીશ નહીં એ પાન,
કળપે કાળજ કેટલું ઓલી કોયલડીનું ગાન.

ઊડતાં ઊડતાં આભલે થઈ પયોધર-પ્રીત,
વરસી ક્યાં ગઈ વાદળી? એનું ગાવું મારે ગીત.

વસંત માંડી ચાલવા વળવાની મા ભૂલ!
ખરી ગયેલી ડાળ પર તુજ ફૂંકથી ફૂટે ફૂલ!

કહીં ગયા? કહીં આવિયા? નેણ વિનાની રાત,
‘ઠક’ ‘ઠક’ છેડો જાણતો ધૂળની કેવી ભાત!

– પ્રિયકાન્ત મણિયાર

ગીતલેખનમાં રસ હોય એવા સર્જકમિત્રો માટે ખાસ. કાવ્યસ્વરૂપ પ્રમાણે તો ગીત જ પણ પ્રચલિત છંદોલયના સ્થાને કવિએ અહીં દોહાઓની ગૂંથણી કરી છે. દોહામાં હોય એ મુજબ બંને પંક્તિ બબ્બે ચરણમાં વિભાજિત કરાઈ છે અને બંને પંક્તિમાં પહેલા ચરણના અંતે ‘લગા’ અને બીજા ચરણના અંતે ‘ગાલ’ પ્રમાણે માત્રા પણ કવિએ જાળવી છે. હા, બંને ચરણમાં અનુક્રમે હોવી જોઈતી ૧૩-૧૧ માત્રાઓ બધે જળવાઈ નથી એ અલગ વાત છે, પણ કવિને મન પ્રચલિત દોહા લખવા કરતાં ગીત લખવાનું પ્રાધાન્ય વિશેષ હોવાથી આ નિર્વાહ્ય ગણી શકાય.

Comments (2)

હરણી હાલી – પ્રિયકાન્ત મણિયાર

.                                  હું તો મટુકી લઈને ચાલી,
સવાર પડે ને સપનાનાં મુજ ભર્યાં સરોવર ખાલી!

સરાણ ચડયા પાનાને હો પાણીની જે પ્યાસ,
અંતરમધ્યે ઊપની એવી આગ બનીને આશ,
.                    કોઈ મુજને પાઓ છલછલ પ્યાલી.

બપોર બળતી રોમે રોમે હવા વીંઝણો ઢોળે,
લથડ્યા ચરણો કેમ પ્હોંચવું મૃગજલની એ પાળે!
વનને મૂકી ત્હોય વેગળા, વેગ ભરીને હરણી હાલી!

– પ્રિયકાન્ત મણિયાર

વાત તો તરસની છે, પણ કઈ તરસ? રાત આખી તો ઊંઘમાં સપનાંના સરોવરો ભર્યાભાદર્યાં અનુભવાય છે, પણ આંખ ખૂલતાવેંત વિયોગની વાસ્તવિક્તા ઘેરી વળે છે. આ તરસને સરાણે ચડેલ પાનાંની પ્યાસ સાથે સરખાવીને કવિએ વાતને કેવો વળ ચડાવ્યો છે! પાનું સરાણ પર ઘસાવા ચડ્યું હોય એ સમયે પાણી ઉમેરતા જવામાં ન આવે તો પાનું ઘસાઈને તીણું થવાના બદલે ખરાબ થઈ જાય. પાનું ઘસાય ત્યારે જે ગરમી ઉત્પન્ન થાય એવી જ પિયુમિલનની આશાની આગ નાયિકાના અંતરમધ્યે જન્મે છે. તરસના માર્યા ચરણો કહ્યામાં નથી, અને આવા લથડાતા પગે વાસ્તવિક્તા તો ઠીક, આભાસ સુધી પહોંચવાનું કામ પણ કેવું દુષ્કર! પણ તોય વિરહિણી હરણી જીવનજળની તલાશમાં વેગ ભરીને દોડતા રહેવાનું ત્યજતી નથી…

(ઊપનવું= ઊપજવું)

Comments (7)

ફાગણ ફોરમતો આવ્યો રે…. રંગછોળ : ૦૩

ગઈકાલે અને પરમદિવસે આપણે ફાગણની પ્રથમ અને દ્વિતીય રંગછોળ માણી… આજે આ શૃંખલાની ત્રીજી કડી… ફાગણ વિષયક કવિતાઓ એકત્ર કરવા બેસીએ તો આખો ગ્રંથ ભરાઈ જાય… આપની પાસે ફાગણ અને હોળી-ધૂળેટીના રંગોની કવિતાઓ હોય તો કમેન્ટ વિભાગમાં પોસ્ટ કરવા અમારું આપને નેહનિમંત્રણ છે… ભવિષ્યમાં આ શૃંખલા આગળ વધારીએ ત્યારે એ કાવ્યકણિકાઓને એમાં સમાવિષ્ટ કરવા અચૂક પ્રયત્ન કરીશું…

પ્રકૃતિ અને સૌંદર્યના કુમાશભર્યા આલેખનના કસબી કવિ પ્રિયકાંત મણિયારનાં મુલાયમ રંગકાવ્યોમાંથી કેટલાકનાં અંશ સાથે આજની રંગછોળના શ્રીગણેશ કરીએ-

છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુના જલમાં રંગ ગુલાબી વાટી…

વસન્ત આવી રમવા રમાડવા ફાગે!
રસિયા જન તણી ખુલ્લી છાતીએ લાલ લાલ
ફાગણ તણો ગુલાલ લાગે!

યૌવનના રાગને જગાયો!
ફાગણનો વાયરો વાયો,
હો, ધૂળે અવકાશ બધો ન્હાયો!

હરીન્દ્ર દવે મુદ્દાની વાત કરે છે. ઋતુચક્ર તો ફરતું રહે, મોસમ તો આવનજાવન કરતી રહે, પણ પ્રિયજન માટે તો એના પ્રિયપાત્રનો મિજાજ એ જ ખરી મોસમ-

હોઠ હસે તો ફાગુન, ગોરી! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ, કાળની મિથ્યા આવનજાવન.

કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,
હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!

કોઈ અગોચર ઈજન દીઠું નયનભૂમિને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યા કામ્ય કમલ પર સૌમ્ય ગીતનું ગુંજન.
તેં પૂછ્યો પ્રેમનો મર્મ અને હું દઈ બેઠો આલિંગન,

મકરંદ દવેનું ‘વસંત-વર્ષા’ કાવ્ય નખશિખ આસ્વાદ્ય થયું છે… રચનાનો લય રચનાનું જમાપાસું છે.. અન્ય કાવ્યોની જેમ એનો કાવ્યાંશ માણવાના બદલે એને આખેઆખું જ કેમ ન માણીએ?-

ખેલત વસંત આનંદકંદ.
સોહે ગુલાલમય શ્યામ અંગ નીરદ નવીન પર અરુણ રંગ.

પટ પીત વીજ ચમકે અમાપ, શિર મોરપિચ્છ જયમ ઇન્દ્રચાપ.
પિચકારી કેસુ-જલ રેલછેલ, તરબોળ ગોપ ગોપી છકેલ.
નાચે નિછોરી હસી નંદલાલ, કેસર અબીલ કુંકુમ ગુલાલ.

બાજે મૃદંગ ડફ વેણુ શોર, ગાજે સુઘોષ ઘન ગગન ઘોર.
હરિ બોલ રંગ! હરિ બોલ રાગ! ગાવત ગુણીજન હોરી-ફાગ.
મકરન્દ ધન્ય મંગલ અનંત, વ્રજરાજ આજ વરસે વસંત.

શહેરની ધૂળેટી તો ઝડપભેર બદલાઈ ગઈ… પણ ગામડાંની ધૂળેટીમાં હજીય થોડી કુમાશ અને નૈસર્ગિકતા બચી ગઈ છે… શહેરોમાં તો પાલવનો છેડલો દંતકથા બનવાને આરે છે. અવિનાશ વ્યાસના એક સુંદર ગીતનો આખરી બંધ માણીએ…

પાલવનો છેડલો કેટલોયે ઢાંક્યો
તોયે ગુલાલ મારે કાળજડે વાગ્યો
મારુ કાળજડું તોડીને એ તો હાલ્યો રે…
રસિયાએ મારગડો રોકીને રંગ ઢાળ્યો..

રાજેન્દ્ર શુક્લની આ ગઝલમાંથી કયા શેર પસંદ કરવા અને કયા નહીં એ કાર્ય એટલું તો દુભર છે કે આખી ગઝલ માણ્યે જ છૂટકો. આપણા આખાય અસ્તિત્વને મઘમઘ કરી દે એવી આ ગઝલ લવિંગની જેમ ધીમે ધીમે મમળાવવા જેવી છે…

અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી !
ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી !
ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી !
ઊડે છોળ કેસરભરી સર સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતનકિશોરી !
સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી !

ગઝલની વાત નીકળે અને ગઝલસમ્રાટ મનોજ ખંડેરિયાને ન સ્મરીએ એ કંઈ ચાલે? માણીએ એમની સદાબહાર ગઝલનો એક યાદગાર શેર-

ઊડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના

નિત અબીલે-ગુલાલે લેટી છે,
આપણી જિંદગી ધૂળેટી છે.

ગઝલકારોની મહેફિલ જામી હોય તો અમૃત ઘાયલ શીદ બાકી રહી જાય?

એક રસનું ઘોયું એમ મને ટચ કરી ગયું
ખંજરો હૃદયમાં જાણે કોઈ ખચ કરી ગયું!
એ સૂર્યનેય આજ તો સૂરજમુખીનું ફૂલ
બહુ ઢીલોઢફ, ને છેક પીળોપચ કરી ગયું!

મનોજ ખંડેરિયાની ગઝલનો રણકાર ઝીલી લઈ આગળ વધારતી હોય એવી કરસનદાસ લુહારની ગઝલના બે શેર પણ આ ક્ષણે આસ્વાદવા જેવા છે:

આ પાંદપાંદમાં છે ઉમંગો વસંતના,
છલકી રહ્યા છે ફૂલમાં રંગો વસંતના.
આભાસ ગ્રીષ્મનોય પણ સ્પર્શી શકે નહીં,
ઊતરી ગયા છે લોહીમાં રંગો વસંતના.

લોહીમાં વસંતના રંગો ઊતરી જાય ત્યારે રક્તવાહિની વસંતવાહિની-રંગવાહિની બની જાય અને હૈયું કેસૂડાઈ જાય… વસંતમાં રંગનો જ મહિમા છે. આ જ કવિ બીજી એક ગઝલમાં કહે છે:

આવું થવાને પાપ કહેવું એ જ પાપ છે,
ગેરુઆ વસ્ત્રમાં પડ્યો ડાઘો વસંતનો.

ગનીચાચાની તો વાત જ નિરાળી… કહે છે:

ઉદ્યાનમાં જઈને કર્યા મેં તમોને યાદ, (કેમ ભાઈ? તો કે..)
ફૂલોને જોઈતી હતી ફોરમ વસંતમાં.
પાપી હશે એ કોણ જે ગૂંગળાવે ગીતને,
કોકિલને કોણ શીખવે સંયમ વસંતમાં!

આ ઇન્દ્રધનુષની પિચકારી કાં સપ્ત રંગમાં ઝબકોળી?
ફાગણ નહિ આ તો શ્રાવણ છે, એમાંયે રમી લીધી હોળી?
છંટાઈ ગયા ખુદ, વ્યોમ સમું પોતાનું વસ્તર ભીંજાણું?
નવલું નીલાંબર ભીંજાણું.

પુરુરાજ જોશી બહુ જ ઓછા શબ્દોમાં જે વાત કહી શક્યા છે, એ કહેવા માટે પાનાનાં પાનાં ઓછાં પડે… સારી અને સાચી કવિતાની આ જ તો ખરી ખૂબી છે, ખરું ને?-

ફાગણમાં હોળી પ્રગટાવી !
ખુદને આપણે ખોયાં સાજન !

ગામમાં ફાગણ અને હોળીની ખરી મજા એના ફટાણામાં છે… ફાગણની વાત જ અલગ અને એય વળી જો ફટાણું હોય તો એમાં ગોળથીય મીઠ્ઠી લાગે એવી ગાળ પણ આવવાની જ. ફટાણાં ગાઈને સામી વ્યક્તિને અપશબ્દોથી નવાજવાની જે આઝાદી આપણા સાહિત્યમાં છે એ ખૂબ મજાની છે… કારણ આ રીતે આપવામાં આવેલી ગાળ પણ ગાળ નહીં, પ્રેમની પ્રસાદી જ લાગે છે… ખાખરાના કેસરી રંગમાં ર.પા.ને રંગભરી પીચકારીઓ નજરેચડે છે. આખું ગીત ફાગણનો ફાટ-ફાટ વૈભવ અને યૌવનના ઉંબરે ઊભેલાછોકરા-છોકરીની પ્રણયાસિક્ત સંવેદનાઓને એવી રમતિયાળ ઢબે રજૂ કરે છે કે વાંચતા-વાંચતા જ રમવા દોડી જવાનું મન થાય…

એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી
કે ખાખરાએ ડાળીઓની પીચકારી તાકી
ને ઢોલ હાળા ધકામૂકી ધકામૂકી થાય…

ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
ફાગણની કાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું.

જ્યારે શબ્દકોશ અને શરીરકોષની સીમા વળોટીને આપણે પર્વ ઉજવીએ છીએ ત્યારે જીવન નંદનવન બને છે

આંખની તો વાત ના પૂછો કે એને શું થયું
દૃશ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં –
પર્વ ઉજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે

સુરેશ દલાલ અંબોડામાં કેસૂડો પરોવીને આંખોમાં ફાગણનો કેફ આંજી રમવા માટે જે ઈજન આપે છે એને કોઈ કઈ રીતે ઠુકરાવી શકે?

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

અમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયા
અમે આજ અને કાલ છીએ ઘેરૈયા
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા
અમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયા

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …
રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

અંતે સુ.દ.ના સાંવરિયા રમવાને ચાલનો પડઘો ન પાડતા હોય એ રીતે કવિ મેઘબિંદુ જે વાત રજૂ કરે છે એને રંગપૂર્વક માણીને આવતીકાલની રંગછોળની પ્રતીક્ષામાં રત થઈ જઈએ-

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે
કામણ કીધા અહીં કેસુડે એવા
કે મહેક્યા વિના તે કેમ રહીયે

Comments (12)

અશ્વ – પ્રિયકાન્ત મણિયાર

વ્હેલી પરોઢથી મચ્યો આષાઢનો વરસાદ,
ને આછી ઘણી છે આવજા રસ્તા ઉપર,
હું હોટલે ચાની હૂંફાળી બાષ્પને ચાહી રહું જ્યાં રોકવા
ત્યાં સ્ટેન્ડ પર એકલ નિહાળું કોક ગાડી એકધારી
ક્યારની દદડી રહી,
ને એટલા પલળેલા પેખું ચર્મના એ દાબડા
ઘેરા બન્યા અંધાર જેવા અશ્વની આંખો ઉપર
કે વ્યોમથી પડતું હજી પાણી હવે પાછું પડે,
શોષાય ના;
બ્રશ સમી કાપેલ એની કેશવાળીની મહીં તો કેટલું રહે ?

ધોધ જે પાણી પડ્યું એમાં ઘણું તો વહી ગયું
એ ઠીક,
નહીં તો ક્યારનો ડૂબી ગયો એ હોત!
ને એય પણ કંઈ ઠીક જેવું થાત.
ને હજુ ઉપરાઉપર વરસી રહ્યાં આ વાદળાં,
લિસ્સી રુંવાટીની થકી લસરી રહ્યાં,
થોડાંક પણ એવાં ભરાયાં કાંધ પરના ભારમાં, સામાનમાં,
ને એટલે ચારે તરફ વ્યાપી વળ્યા આ શીતમાં
અકડાઈ ગયેલું પુચ્છ, આખી કાય,
શું એકાદ ક્ષણ બસ અગ્નિની જ્વાળા સમું ધ્રૂજી ઊઠે;
નીચી નમેલી ડોક એવા એક ઊંડા કંપથી
ઊંચી થઈને શીઘ્ર પાછી એ ક્ષણે નીચી પડી,
અંગ આખાની મહીં વ્યાપી વળી લાચાર ત્યારે
અશ્વની શુંયે વિમાસણ-
સૂર્યનો રથ જે વહે એ સપ્તમાંથી એક પોતે
ક્યાંથી અહીં આવી પડ્યો?

– પ્રિયકાન્ત મણિયાર

શબ્દચિત્ર છે – આ કવિની આ કાવ્યપ્રકારમાં અજબ હથોટી છે ! અંતિમ ચરણમાં અશ્વની મનોવ્યથા એક ઝાટકો આપી જાય છે અને કાવ્ય વિરમે છે… સ્વ. જગદીશભાઈ સ્માર્ત હમેશા કહેતા કે કાવ્ય અને ચિત્ર જુદા નથી હોતા….અહીં આપણે આ કાવ્ય ઉપરથી ચિત્ર હૂબહૂ કલ્પી શકીએ છીએ !!

Comments (1)

શ્રાવણની સાંજનો તડકો – પ્રિયકાન્ત મણિયાર

શ્રાવણની સાંજનો તડકો ઢોળાયો મારા ચોકમાં,
જાણે હેમનો સોહાયો હાર ગરવી તે ગાયની ડોકમાં.

આવ્યા અતિથિ હો દૂરના કો દેશથી એવો સમીર તો ચૂપ,
તોય રે લજાઈને ક્યાંકથી રે આવતાં મંજરીનાં મ્હેક મ્હેક રૂપ;
સૂરને આલાપતી ઘડીઓ ઘેરાય ઘેરાય શું વાંસળીને વેહ કોક કોકમાં.
શ્રાવણની સાંજનો…..

આથમણા આભમાં કોઈ જાણે રેલતું અંતરના તેજનો સોહાગ,
વાદળની વેલ્યને ફૂટ્યાં રે ફૂલડાં જાણે અનંગનો બાગ;
રજનીના રંગનો અણસારો આવતો આભના રાતા હિંગળોકમાં…
શ્રાવણની સાંજનો……

– પ્રિયકાન્ત મણિયાર

 

પ્રિયકાન્ત નઝકાતના કવિ છે, શબ્દેશબ્દે નમણાશ ટપકે…..વિષય સરળ-સહજ હોય, પણ માવજત અદભૂત હોય. બારીક કારીગરીથી કાવ્ય કંડાર્યું હોય….

Comments (2)

નથી રે રમવું સહિયર….- પ્રિયકાંત મણિયાર

નથી રે રમવું સહિયર મોરી સાંવરિયાની સાથે રે,
એ અંતરથી અંચઈ કરતો દાવ ચડાવે માથે રે.

જાણીજોઈને જવા દિયે છે સહિયર સૌ તમ સરખી,
આઘે રહીને અલબેલીઓ ! તમે રહો છો હરખી;
નારી મહીં હું નોખી નૈં ક્યાંથી રહેતો પરખી?
પલક મહીં તો પકડી પાડે બળિયો ભીડે બાથે રે…
નથી રે…

સામો આવી સરકી જાતો દોડી હું તો થાકી,
પલપલ જુદી ચાલ ચલંતો એની લટો શી બાંકી;
આ અડકી હું આ અડકી અવ બહું રહું ના બાકી…
ત્યાં ક્યાં કદંબ જાય છુપાઈ હરિ ના આવે હાથે રે…
નથી રે…

– પ્રિયકાંત મણિયાર

Comments

અછાંદસોત્સવ: ૦૧ : જલાશય -પ્રિયકાન્ત મણિયાર

જલાશય આવે એટલે વળાવવા આવનારે
પાછા વળી જવું,
તમે પગ ઉપાડ્યો
અને આંખો તો મારી છલકી ઊઠી !
જલાશય આવી ગયું.
હું હવે પાછો વળું.

-પ્રિયકાન્ત મણિયાર

પ્રસ્તુત કવિતા સાચા અર્થમાં અછાંદસ કવિતા કોને કહેવાય એ સમજવા માટેના ઉત્તમ ઉદાહરણોમાંની એક ગણી શકાય. શબ્દોની યોગ્ય કરકસર, ભાવની સઘનતા અને એક-બે લસરકામાં જ આખું ચિત્ર દોરી આપવું- આ બધું જ આ કવિતામાં ઉપસ્થિત છે.

છ જ પંક્તિની લઘુત્તમ કવિતામાં એકેય અક્ષર કે એકેય ચિહ્ન પણ અનાયાસ વપરાયા નથી. ગામડામાં રિવાજ છે કે મહેમાન પાછો વળતો હોય ત્યારે એને વળાવવા જવું અને ગામના પાદરે જ્યાં જલાશય આવે ત્યાંથી વળાવનારે પાછા ફરવું. અહીં પાછા વળી જવું વાક્ય પછી કવિએ પૂર્ણવિરામ વાપરવાને બદલે અલ્પવિરામ વાપર્યું છે. આ અલ્પવિરામ નવોઢા પગના અંગૂઠા વડે ઘૂળમાં જે કુંડાળા કરે એવા સંકોચનો શબ્દાકાર છે જાણે. પછીની પંક્તિમાં પગ ઉપાડ્યાના બદલે ઉપાડ્યો શબ્દ પણ એટલો જ સૂચક છે. હજી તો જનારે ચાલવાની શરૂઆત પણ નથી કરી. ચાલવા માટે બંને પગ ઉપાડવા પડે, જ્યારે અહીં તો હજી એક જ પગ ઉપાડ્યો છે એટલે હજી તો જવાની વાત જ થઈ છે અને એટલામાં જ કવિની આંખો છલકાઈ આવી છે. અને આંખોના છલકાયાની ઘટનાના અંતે કવિએ ફરીથી પૂર્ણવિરામનો પ્રયોગ ટાળીને ઉદ્દગાર ચિહ્ન મૂક્યું છે, જાણે આંખોમાંથી ટપકતા આંસુના ટીપાનો આકાર ન હોય જાણે ! આ આંખોનું છલકાવું એ જ જાણે જલાશય… જલાશય આવી ગયું. આખી કવિતામાં પ્રથમવાર કવિએ અહીં પૂર્ણવિરામ મૂક્યું છે, જાણે કે જલાશયનો ગોળ આકાર બનાવ્યો. હવે અહીંથી તો પાછા વળી જવાનું. જનારે હજી તો માંડ પગ ઉપાડ્યો છે. એ હજી નથી ગયો કે નથી જવાની શરૂઆત કરી અને હવે મારે પાછા વળવાનું. ક્યાં? કોનામાં? કઈ રીતે? હું તો હજી ઉભો પણ થયો નથી. કોઈકને વળાવવા માટે મેં હજી તો ઘરના બારણા બહાર પણ પગ મૂક્યો નથી. તો પછી? આ ન મૂકાયેલા પ્રશ્નાર્થચિહ્નો જ તો છે કવિતા.

Comments (8)

આછી જાગી સવાર – પ્રિયકાંત મણિયાર

આછી જાગી સવાર,
નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર. – આછી

પારિજાતના શરણે ન્હાઈ
કોમલ એની કાય,
વ્યોમ આયને જેની છાઈ
રંગ રંગની ઝાંય;
ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર – આછી

લહર લહર સમીરણની વાતી
કેશ ગૂંથતી જાણે,
અંબોડામાં શું મદમાતી
અભ્ર-ફૂલને આણે;
કે જેનો ઊડતાં પંખીન કલરવ માંહી બહાર – આછી

ભુવનભુવનનાં ઉજ્જવળ રવિની
બિન્દી અહો લગાવી,
દિશા દિશાના મુખરિત કવિની
વાણી રહી વધાવી;
રંગમન્દિર જાવા જાણે સજી રહી સિંગાર – આછી

– પ્રિયકાંત મણિયાર

 

કેવું અદભૂત ચિત્રકામ !!!!!

Comments (1)

ગાલ્લું – પ્રિયકાન્ત મણિયાર

ઊભાં છાનાં ઝાડ :
અંધકારના ઊંચા-નીચા પ્હાડ,
ઉપર અળગો તારક-દરિયો ડ્હોળો,
ખાંસી ચડેલી વૃદ્ધ કાયનું વળ્યું કોકડું-
ચંદ્ર પડ્યો શું મોળો!

ભાતભાતના ભગ્ન વિચારો મુજમાંથી બહુ જાય વછૂટી
વાદળરૂપે હાર એની તે હજી ન તૂટી!
પવન પંખી શો : કિન્તુ કાપી પ્હોળી કોણે પાંખ ?
એક પછી એક હજી અધિકી ઉજાગરામાં ઊગતી મારે આંખ !
દૂર ઘંટના થાય ટકોરા : વાગ્યા ત્રણ કે ચાર
એક નાનકી ઠેસ ખાઈને કાળ પસાર,
ચોકીદારની લાકડીઓનાં લથડે-ખખડે પગલાં
લાલટેનને હવે બગાસાં ઢગલા;
ઠર્યા દીવાની વાટ સરીખા ચીલા ટાઢા રામ,
ભવિષ્યનો શું ભાર લઈને-
પરોઢ કેરું ગાલ્લું આવ્યું ગામ?

-પ્રિયકાન્ત મણિયાર

આ કાવ્ય એક અદભૂત શબ્દચિત્ર દોરે છે….સરકતા જતા સમયની ભાસતી નિરર્થકતા એક ઘેરી વેદનાનું દ્રશ્ય નિરૂપે છે….નકરા fatalism ની ચૂભતી અનુભૂતિ….

Comments (4)

છેલછબીલે છાંટી – પ્રિયકાંત મણિયાર

છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુના જલમાં
રંગ ગુલાબી વાટી…

અણજાણ અકેલી વહી રહી હું
મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઈ
હું જ રહેલી કોરી
પાલવ સાથે ભાત પડી ગઈ
ઘટને માથે ઘાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…

શ્રાવણના સોનેરી વાદળ
વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી
એ જ ભૂલ થઇ ભાસે
સળવળ સળવળ થાય ઉરે જ્યમ
પહેલી પેહરી હો કાંટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…

તરબોળ ભીંજાણી, થથરી રહું,
હું કેમ કરીને છટકું?
માધવને ત્યાં મનવી લેવા,
કરીને લોચન લટકું
જવા કરું ત્યાં એની નજરની
અંતર પડતી આંટી…
છેલછબીલે છાંટી

– પ્રિયકાંત મણિયાર

નખશિખ માધુર્ય……

Comments (2)

કંચુકીબંધ છૂટ્યા ને – પ્રિયકાન્ત મણિયાર

કંચુકીબંધ છૂટ્યા ને હટ્યું જ્યાં હીર-ગુંઠન
હૈયાનાં લોચનો જેવાં દીઠાં બે તાહરાં સ્તન.
વૃત્તિઓ પ્રેમની સર્વ કેન્દ્રિત થઈ જ્યાં રહી;
પ્રીતના પક્ષીનો માળો રાતી નીલી નસો મહીં.

અગમ્ય રૂપનાં કિન્તુ ત્વચા તો પારદર્શક,
મનનાં લોહને મારાં ચુંબક જેમ કર્ષક.
દીસંત આમ તો જાણે ઘાટીલી નાની ગાગર,
જાણું છું ત્યાં જ છૂપા છે શક્તિના સાત સાગર !

મન્મથ-મેઘ ઘેરાતા કાયાના વ્યોમમાં લસે,
તારા ત્યાં સ્તનના જાણે મોરલા ગ્હેકી ઊઠશે !
દીઠું મેં એવું એવું કૈં ભાવિ ને ગત કાલની
વસંતો ઊર્મિઓ વેરે સાંપ્રતે હ્યાં જ વ્હાલની;
કંચુકીબંધ છૂટ્યા ને

રહસ્યબંધને બાંધ્યો…

– પ્રિયકાન્ત મણિયાર

સંભોગશૃંગારની વાત થાય, સાવ જ ઉઘાડાં શબ્દોમાં થાય ને તોય એ સુચારુ કવિતાસ્વરૂપે જનમનને આકર્ષી શકે એવું દૈવત તો કોઈક જ કલમમાં હોય. “ચોલી કે પીછે ક્યા હૈ” જેવો ગર્ભિત પ્રશ્ન પૂછવાના બદલે કવિ સોંસરું જ કહે છે કે ચોળી ખૂલીને જ્યાં રેશમી બંધન હટ્યું કે હૈયાના લોચન સમા બે સ્તન નજરે ચડ્યાં. પણ રહો… હૈયાના લોચન ?! કવિ બે સ્તનને એમની નીચે ધબકતા હૃદયની બે આંખ હોય એમ જુએ છે… અહીં જ સંભોગશૃંગાર કવિતાની ચરમસીમાએ પહોંચે છે…

પ્રિયતમ સામે નિરાવૃત્ત થવાની અનંગવેગની ચરમક્ષણે લોહી કેવું ધસમસ ધસમસ વહેતું હશે ! સ્તનમંડળ પર ઉપસી આવેલી લોહીની રાતી-લીલી નસોમાં કવિને પ્રીતના પંખીનો માળો નજરે ચડે છે. અહો ! અહો !

અહમની સરહદ જ્યાં ઓગળી જાય એ પ્રેમ. સેક્સની પરાકાષ્ઠાએ જ પુરુષ કબૂલી શકે કે એનું મન કંચન નહીં, લોહ છે અને સ્ત્રીના સ્તન એને લોહચુંબકની જેમ આકર્ષે છે. કામના વાદળો ગોરંભે ચડે છે ત્યારે સ્તનની ડીંટડીઓની ઉત્તેજનામાં કવિને મોરનો ગહેકાટ અનુભવાય છે.

ગઈકાલની વસંતો આજે ઊર્મિઓ વેરી રહી છે ને કવિને ખુલતા કંચુકીબંધમાં રહસ્યના બંધનોમાં બંધાતું ભાવિ નજરે ચડે છે… આવનારા બાળકની વાત છે?

Comments (12)

હવે આ હાથ રહે ના હેમ ! – પ્રિયકાન્ત મણિયાર

હવે આ હાથ રહે ના હેમ !
મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું તેમ !
.                                   હવે આ હાથ રહે ના હેમ !

બહુ દિન બેસી સિવડાવ્યા બસ કૈં નવરંગી વાઘા,
સાવ રેશમી ભાતભાતના મહીં રૂપેરી ધાગા;
જેહ મળે તે દર્પણ જોવા વણલીધેલો નેમ !
.                                   હવે આ હાથ રહે ના હેમ !

ભરબપ્પોરે ભોજનઘેને નિતની એ રાતોમાં,
ઘણું ખરું એ એમ ગયું ને કશુંક કૈં વાતોમાં;
પડ્યું પ્રમાદે કથીર થયું તે જાગ્યોયે નહીં વ્હેમ !
.                                   હવે આ હાથ રહે ના હેમ !

કદી કોઈને કાજે નહીં મેં કટકોય એ કાપ્યું,
અન્યશું દેતા થાય અમૂલખ મૂલ્ય નહીં મેં માપ્યું;
રતી સરીખું અવ રહ્યું એનો ઘાટ ઘડાશે કેમ ?
.                                   હવે આ હાથ રહે ના હેમ !

– પ્રિયકાન્ત મણિયાર

સમયનું સોનું સમયની સાથે સતત વપરાતું જ રહે છે, અને આપણે મન ફાવે તેમ વાપરતા જ રહીએ છીએ. અડધો સમય જાતને શણગારવામાં ને અડધો સમય વાતને શણગારવામાં વહી જાય છે. યોગ્ય માર્ગે ન વપરાતાં સોનું કથીર થઈ જાય છે એ પણ ધ્યાન રહેતું નથી. સમયના સોનાનો એકમાત્ર નિયમ યોગ્ય વ્યક્તિને આપવું એ જ છે.. જેમ આપો તેમ આ સોનું વધુ મૂલ્યવાન થતું છે.. પરાર્થે વપરાયેલો સમય જ જિંદગીનો સાચો સમય છે.

Comments (6)

તને ચાહવી છે મારે તો – પ્રિયકાન્ત મણિયાર

હવે આકાશના સર્વ તારકોને જોઈ લઉં
ને જાણી લઉં કેટલું શ્વેત – કેટલું સ્વચ્છ થવું પડશે મારે.
તને ચાહવી છે મારે તો
જગતનાં સર્વ વૃક્ષોનાં ફરફરતાં પર્ણને પૂછી લઉં :
કેટલું સતત ને સદ્ય સ્પંદિત થવું જોઈએ મારે
અવિરામ લયની માધુરી જન્માવવા ?
તને ચાહવી છે મારે તો
પૃથ્વીની સઘળી ધૂલિ – જે વારંવાર વેગીલા વાયરામાં
ઊડી જાય –
તેને મારા સંપુટમાં સમાવવા શીખી લઉં
કારણ કે તારે કાજે કેટલી એકાગ્રતા
ઘટ્ટ કરવી પડશે મારે –
અને છતાં ઘડીભર થોભું,
સકલ ક્ષારમય આ મને મળેલા સાગર સામે
શક્ય એટલી શર્કરા લઇ આવું –
ત્યાં સુધી તું પણ થોભીશ ને ?
મલકાયેલા લોચનમાં
ત્યાં તો વાંચું ભાવિની સ્પતપદીની અગ્નિવેદી,
હસતા હોઠમાં હસ્તમેળાપ –
અને જો આપણે ચાલ્યાં
યુગોથી ઠરતા હિમાલયના શિખરને હૂંફ આપવા.

– પ્રિયકાન્ત મણિયાર

અદભૂત પ્રણય અનુભૂતિની અદભૂત અભિવ્યક્તિ…

Comments (6)

વરસી ગયા – પ્રિયકાન્ત મણિયાર

વરસી ગયા રે વાદળમાં વનમાળી;
કહીં હવે પણ ઉરને, નભને ભરતી સૂરત કાળી ?

જેઠ લગી તો જલી રહી’તી, કશું ય ન્હોતું ક્હેણ,
અચિંત્ય આવ્યા, નવ નિરખ્યા મેં ભરીભરીને નેણ;
રોમરોમ પર વરસી જઈને બિંદુબિંદુએ બાળી. – વરસીo

તપ્ત ધરામાં જે શોષાયું, ક્યાંક ઠર્યું વળી કૂપ,
જલધારામાં વહી ગયું એ ઉરને ગમતું રૂપ;
શૂન્ય હતું તે શૂન્ય રહ્યું એ નભને રહૈ હું ન્યાળી. – વરસીo

-પ્રિયકાન્ત મણિયાર

આમ તો શિયાળો બેસી ગયો છે પણ પ્રેમમાં તો બારે માસ ચોમાસુ જ રહેવાનું… કહ્યા વિના અચાનક જ આવીને પ્રિયતમ રોમે રોમે વરસી જાય પછી કંઈ કણ-કણમાં આગ લાગ્યા વિના રહે ?! હૃદયના કોઈ તપ્ત ખૂણો જરા ભીનો થાય કે મનમાં કેટલીક સ્મૃતિઓ કૂવા સમી છલકી ઊઠે અથવા સંગાથની સરવાણી સમયધારામાં વહી નીકળે, આ બધામાં પણ ખાલીપો ખાલીપો જ રહે છે જ્યાં લગી એ કાયમી વસવાટ કરવા નહીં આવે…

Comments (9)

ઉચાટ – પ્રિયકાન્ત મણિયાર

એકલી ઊભી જમનાજીને ઘાટ
નીરખી રહી નીરમાં કાંઈ,ભરતી નહીં માટ !

ક્યાંક બેઠેલો કદંબ-ડાળે
કાનજી ઝૂક્યો જળની પાળે
એની તરતી છબિ સરકી આવી જળના વ્હેણની વાટ !
એકલી…..

કરથી સાહી કેમ તે ધારું ?
ઘટની માંહે કેમ હું સારું ?
અવરને દેખાય ન કાંઈ કોણને કહું ઉચાટ ?

એકલી ઊભી જમનાજીને ઘાટ
નીરખી રહી નીરમાં કાંઈ,ભરતી નહીં માટ !
– શ્રી પ્રિયકાંત મણિયાર

એક એક શબ્દ મહત્વનો છે- જમનાજીનો ઘાટ એ સામાન્ય માનવજાત જ્યાં ઊભી છે તેનું પ્રતિક છે, જમનાજીનું નીર સાક્ષાત પરમતત્વ છે,ઘટ અને માટ [માટલું] એ ગોપીની જાત છે. ગોપી એકલી છે-કારણકે તે પરમતત્વને પામવાને માર્ગે ચાલી નીકળી છે. તે જળ ભરતી નથી,નીરખ્યા કરે છે…..તેને જળ માં કાનુડો દેખાય છે. તેનો ઉચાટ ક્યાંથી કોઈને સમજાય ? જો તે જળને ઘટમાં ભરે તો તે પરમતત્વ સાથે એકાકાર થઇ જાય-ગોપી અને કૃષ્ણ અલગ ન રહે ! કદાચ તે ગોપી જ રહીને અનંતકાળ સુધી કૃષ્ણને ચાહ્યા જ કરવા ઝંખતી હોય !

Comments (17)

યાદગાર ગીતો :૧૫: આ નભ ઝુક્યુ તે કાનજી ને – પ્રિયકાન્ત મણિયાર

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે.

આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે. 
આ નભ o

આ ચાલ્યાં ચરણ તે કાનજી ને પગલી પડે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી ને સેંથી પૂરી તે રાધા રે. 
આ નભ o

આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે,
આ લોચન મારા કાનજી ને નજરું જુએ તે રાધા રે. 
આ નભ o

– પ્રિયકાન્ત મણિયાર 

(જન્મ: ૨૪-૦૧-૧૯૨૭, મૃત્યુ: ૨૫-૦૬-૧૯૭૬)

સંગીત : અજીત શેઠ
પ્રસ્તાવના: હરીશ ભિમાણી
સ્વર : અજીત શેઠ અને નિરુપમા શેઠ
આલ્બમ: મારી આંખે કંકુનાં સૂરજ આથમ્યાં

[audio:http://urmisaagar.com/saagar/audio/Aa-Nabh-zhukyu-Te-Nirupama-Seth.mp3]

સંગીત સંયોજન: શ્યામલ-સૌમિલ મુનશી
પ્રસ્તાવના: તુષાર શુક્લ
સ્વર: સૌમિલ મુનશી અને આરતી મુનશી
આલ્બમ: મોરપિચ્છ

[audio:http://urmisaagar.com/saagar/audio/Aa-Nabh-Zukyun-Te-Arti-munsi.mp3]

પ્રિયકાન્ત પ્રેમચંદ મણિયાર.  વિરમગામમાં જન્મ, અમરેલીનાં વતની અને  ધોરણ ૯ સુધી અભ્યાસ.  અમદાવાદમાં વર્ષો સુધી મણિયારનો વ્યવસાય એમણે કર્યો, પરંતુ જ્યારે એમનું પ્રથમ ગદ્યકાવ્ય એકરાર ૧૯૪૭માં (અમદાવાદની ન્યૂ હાઈસ્કૂલમાં ભણતા ત્યારે) ‘કુમાર’માં પ્રગટ થયેલું ત્યારે જ ગુજરાતને તેમનો સાચો પરિચય થયેલો.   ગુજરાતી સાહિત્યની ભવ્ય ઈમારતનાં ચણતરમાં નોંધપાત્ર ફાળો. ૧૯૮૨માં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયેલો.  કાવ્યસંગ્રહો: પ્રતિક, અશબ્દ રાત્રી, સ્પર્શ, સમીપ, પ્રબલગતિ, વ્યોમલિપિ, લીલેરો ઢાળ.

રાધા-કૃષ્ણનાં શાશ્વત સખ્યભાવને ઉજાગર કરતી કવિશ્રીની આ પ્રિયતમ રચના, જેને દરેક કવિસંમેલનના અંતે તેઓ આરતીરૂપે સ્વકંઠે અવશ્ય ગાતાં.  રાધા-કૃષ્ણ એટલે પ્રેમની આગવી પરિભાષા.  પ્રકૃતિનાં પદાર્થોની એકરૂપતાની સરખામણી રાધા-કૃષ્ણનાં પ્રેમ સાથે કરીને કવિએ અહીં પ્રેમની શાશ્વતતા દર્શાવી છે.  જેમ ચાંદનીનું રેલાવું આભ વિના અને પોયણીનું ખીલવું સરવર-જલ વિના શક્ય નથી, તેમ જ આભની શોભા ચાંદની વિના અને સરવર-જલની શોભા પોયણી વિના અધૂરી જ રહેવાની.  એક કન્યાનાં ગૂંથેલા કેશની શોભા પણ ત્યારે જ વધુ દિવ્ય બને છે જ્યારે એની સેંથીમાં રાધાતત્ત્વરૂપી સિંદૂર પૂરાય છે.  આખા ગીતમાં કવિએ એક વાત બખૂબી દર્શાવી છે કે નભ, સરવર-જલ, બાગ, પર્વત-શિખર, ચરણ, ગૂંથેલા કેશ, દીપ અને લોચનની જેમ કૃષ્ણનું એકલાનું અસ્તિત્વ રાધા વિના જરૂર હોઈ શકે… પરંતુ ચાંદની, લ્હેરી, પર્વત પર જતી કેડી, પગલી, સેંથી, આરતી અને નજરુંનું જેમ એકલી રાધાનું અસ્તિત્વ શક્ય જ નથી.  રાધા વિનાનો કાનજી જરૂર અધૂરો છે, પરંતુ કાનજી વિનાની રાધાનું તો કોઈ અસ્તિત્વ જ નથી- એ વાત કવિએ અહીં ખૂબ જ સચોટ રીતે રજૂ કરી છે.

Comments (5)

એક ગાય – પ્રિયકાન્ત મણિયાર

ક્યાંકથી
ભૂલી પડી આવે હવા બસ : તૃણ નથી
ચોમેરમાંયે : તપ્ત કણ છે રેતના : તડકો પડ્યો :
ત્યાં કાય તો કેવળ રહી કૃશ હાડકાંનો માળખો
ને એ છતાં એ શ્વાસ લેતી (જેની તો અચરજ થતી)
-હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી !

-પ્રિયકાન્ત મણિયાર

આપણા આજના સમાજ અને પ્રવર્તમાન સંસ્કૃતિ-સભ્યતાનો નગ્ન ચિતાર કવિએ ગાયના પ્રતીક વડે કેવો ટૂંકાણમાં આપી દીધો છે ! ચોમેર ખાવા માટે લગીરે ઘાસ નથી. છે તો માત્ર ક્યાંકથી ભૂલી પડી આવતી હવા. નીચે તપેલી દઝાડતી રેતી અને માથે તડકો. એક પગ કબરમાં પડેલો છે એવી આ ગાયનું શરીર તો હાડકાંનો એવો માળો બની ગયું છે કે એ શ્વાસ શીદ લે છે એનું પણ આશ્ચર્ય થાય.

હવે આ આખી વાતને આપણા સમાજ અને સંસ્કૃતિને સામે રાખીને ફરી વાંચીએ તો…

પ્રસ્તુત કવિતા નખશીખ છંદમાં લખાયેલી છે. અહીં ‘ગાલગાગા’ના અનિયમિત પણ ચુસ્ત આવર્તનો વપરાયા છે. માત્ર આખરી પંક્તિની આગળના વાક્યાંતે કવિએ એક ગુરુનો લોપ કર્યો છે. અચરજ થયા પછી ઘડીક અટકી જવાની વૃત્તિનો નિર્દેશ તો નહીં હોય એમાં?!

Comments (2)

ગાંધી-વિશેષ:૨: તમે ગાંધીજીને જોયા હતા ? – પ્રિયકાન્ત મણિયાર

એકદમ જયાં સાવ નાના ભાઈએ પૂછ્યું,
‘તમે ગાંધીજીને જોયા હતા?’
ત્યાં હું અચિંતો ને સહજ બોલી ગયો કે ‘હા’,
અને એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજને
અને બબડી ગયો-
‘ત્યારે અમે તો હીંચતા’તા ઘોડિયામાં
પેન-પાટી લૈ હજુ તો એકડાને ઘૂંટતા’તા રે અમે !’
હું હવે કોને કહું કે ‘ના તમે,
એ તો અમે ?’

-પ્રિયકાન્ત મણિયાર

પહેલી નજરે અછાંદસ લાગતું આ કાવ્ય ‘ગાલગાગા’ના નિયત આવર્તન ધરાવતું છંદોબદ્ધ મુક્તપદ્ય છે. આ નાનકડી કવિતામાં જે ધારદાર કટાક્ષ પિયકાન્ત મણિયારે કર્યો છે એ આજે પણ એટલો જ પ્રાસંગિક છે. ગાંધીજીને સાચા અર્થમાં કોણે જોયા છે?

Comments (9)

અશબ્દ રાત્રિ – પ્રિયકાન્ત મણિયાર

મટુકીને
જાણ કશી ન થાય
સુતેલ એવા જળને જગાડ્યું,
બીતાં બીતાં મેં;
જરી થોડું પીધું,
પીધા પછી પાત્ર વિશે વધ્યું તે
ઢોળી દીધું મધ્ય અશબ્દ રાત્રિમાં;
       મજલેથી ત્રીજે
તે તો વહ્યું છેક જતાં જતાં તળે
ધીરે ધીરે પાઈપમાં લપાયલી
હેમંતની શીતલ શાંતિના સ્વરો
જગાડતું
જંપી ગયું ક્ષણોમાં.

– પ્રિયકાંત મણિયાર

કવિ પાણી પીવા ઊઠે એમાય કવિતા 🙂

Comments (5)

હવે હું… – પ્રિયકાંત મણિયાર

ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી,
જાણીબૂઝીને હું હવે આ આંસુને લ્હોતો નથી.

– પ્રિયકાંત મણિયાર

બે પંક્તિમાં કવિએ કેટલું બધું કહી દીધું છે ! આંસુ આવવા એ આત્માના મ્હોરવાનો પ્રસંગ છે. દુ:ખ બહુ પ્રેમપૂર્વક મનને દુનિયા નવી દ્રષ્ટિથી જોતા શીખવાડે છે. એનો તો બોજ કાંઈ ગણાય !… હું આના પર બેસીને લાંબોલચક વિચારવિસ્તાર કરવાનું રહેવા દઉ એ જ ઊચિત છે કારણ કે અર્થની ખણખોદ ન કરો તો પણ આ પંક્તિઓમાં અજબ મોહક સૌંદર્ય છે. પંક્તિઓના સ્મૃતિમાં અમર થઈ જવા માટે એટલું જ પૂરતું છે !

Comments (3)

એ લોકો – પ્રિયકાંત મણિયાર

એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે
વાર વાર વેચે છે.

એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે.
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે
કિલો કિલો વેચે છે.

એ લોકો પહેલાં ઔષધની શીશીઓ
સંઘરી રાખે છે
અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે
થોડી થોડી રેડે છે.

તે તે લોકો છે જ નહિ.
એ તો છે નોટોને ખાઈ ઊછરતી ઊધઈ
બીજું એને ભાવતું નથી.
મારે કવિ થવું જ નથી,
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ !

– પ્રિયકાંત મણિયાર

રવિવારે વિવેકે પ્રિયકાંત મણિયારની રચના જળાશય રજૂ કરી ત્યારે આ કવિતા યાદ આવી ગઈ. આ કવિતા ભણવામાં આવતી અને એના પર ‘કવિ શા માટે જંતુનાશક દવા થવા ઈચ્છે છે?’ એવા બીબાંઢાળ પ્રશ્નોના જવાબ પણ  પરીક્ષામાં આપવાના આવતા. કવિએ જે રીતે માણસના ફાટી-સડી-ફૂટી જવાની વાત કરી છે એ આ કવિતાને એવી ધાર આપે છે કે આટલા વર્ષે પણ મગજમાંથી હટતી નથી. અને હા, કવિનું કામ જંતુનાશક દવાનું પણ છે… કવિઓ અને કવિતાઓ ક્રાંતિની જનેતા બન્યાના દાખલા ઓછા નથી.

Comments (3)

જલાશય – પ્રિયકાન્ત મણિયાર

જલાશય આવે એટલે વળાવવા આવનારે
પાછા વળી જવું,
તમે પગ ઉપાડ્યો
અને આંખો તો મારી છલકી ઊઠી !
જલાશય આવી ગયું.
હું હવે પાછો વળું.

-પ્રિયકાન્ત મણિયાર

છ જ પંક્તિની લઘુત્તમ કવિતામાં એકેય અક્ષર કે એકેય ચિહ્ન પણ અનાયાસ વપરાયા નથી. ગામડામાં રિવાજ છે કે મહેમાન પાછો વળતો હોય ત્યારે એને વળાવવા જવું અને ગામના પાદરે જ્યાં જલાશય આવે ત્યાંથી વળાવનારે પાછા ફરવું. અહીં પાછા વળી જવું વાક્ય પછી કવિએ પૂર્ણવિરામ વાપરવાને બદલે અલ્પવિરામ વાપર્યું છે. આ અલ્પવિરામ નવોઢા પગના અંગૂઠા વડે ઘૂળમાં જે કુંડાળા કરે એવા સંકોચનો શબ્દાકાર છે જાણે. પછીની પંક્તિમાં પગ ઉપાડ્યાના બદલે ઉપાડ્યો શબ્દ પણ એટલો જ સૂચક છે. હજી તો જનારે ચાલવાની શરૂઆત પણ નથી કરી. ચાલવા માટે બંને પગ ઉપાડવા પડે, જ્યારે અહીં તો હજી એક જ પગ ઉપાડ્યો છે એટલે હજી તો જવાની વાત જ થઈ છે અને એટલામાં જ કવિની આંખો છલકાઈ આવી છે. અને આંખોના છલકાયાની ઘટનાના અંતે કવિએ ફરીથી પૂર્ણવિરામનો પ્રયોગ ટાળીને ઉદ્દગાર ચિહ્ન મૂક્યું છે, જાણે આંખોમાંથી ટપકતા આંસુના ટીપાનો આકાર ન હોય જાણે ! આ આંખોનું છલકાવું એ જ જાણે જલાશય… જલાશય આવી ગયું. આખી કવિતામાં પ્રથમવાર કવિએ અહીં પૂર્ણવિરામ મૂક્યું છે, જાણે કે જલાશયનો ગોળ આકાર બનાવ્યો. હવે અહીંથી તો પાછા વળી જવાનું. જનારે હજી તો માંડ પગ ઉપાડ્યો છે. એ હજી નથી ગયો કે નથી જવાની શરૂઆત કરી અને હવે મારે પાછા વળવાનું. ક્યાં? કોનામાં? કઈ રીતે? હું તો હજી ઉભો પણ થયો નથી. કોઈકને વળાવવા માટે મેં હજી તો ઘરના બારણા બહાર પણ પગ મૂક્યો નથી. તો પછી? આ ન મૂકાયેલા પ્રશ્નાર્થચિહ્નો જ તો છે કવિતા.

Comments (2)

એ સોળ વરસની છોરી – પ્રિયકાંત મણિયાર

એ સોળ વરસની છોરી
સરવરિયેથી જલને ભરતી તો યે એની મટકી રહેતી કોરી.
એ સોળ વરસની છોરી 

ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મ્હેંક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી.
એ સોળ વરસની છોરી

મહીં વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,
ગોરાં ગોરાં ચરણે એનાં ઘૂઘરિયાળાં રૂપાનાં નૂપુર;
કંઠ સુહાગે સાગરના મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમ-દોરી.
એ સોળ વરસની છોરી

એનાં પગલેપગલે પ્રગટે ધરતી ધૂળમાં કંકુની શી રેલ,
એના શ્વાસેશ્વાસે ફૂટે ઘુમરાતા આ વાયરામાં વેલ
એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી.
એ સોળ વરસની છોરી

– પ્રિયકાંત મણિયાર

પ્રિયકાંત મણિયાર તો રુપકોના રાજા છે. કૃષ્ણ–રાધાના આ કવિ સોળ વરસની કન્યાનું વર્ણન કરવાનું માથે લે તો રુપકોની રસધાર ન છૂટે તો જ નવાઈ. તો યે એની મટકી રહેતી કોરી જેવો ચમત્કારીક ઉપાડ તમને તરત જ ગીતમાં ખેંચી લે છે. અને ગીતના અંત સુધીમાં તો મન આખું આ સોળ વરસની છોરીના આ શબ્દચિત્રથી લીલુંછમ થઈ જાય છે.

Comments

કૃષ્ણ–રાધા – પ્રિયકાંત મણિયાર

આ નભ ઝૂક્યું તે કા’નજી
                              ને ચાંદની તે રાધા રે.

આ સરવર જલ તે કા’નજી
                              ને પોયણી તે રાધા રે.

આ બાગ ખીલ્યો તે કા’નજી
                              ને લ્હેરી જતી તે રાધા રે.

આ પરવત શિખર કા’નજી
                              ને કેડી ચડે તે રાધા રે.

આ ચાલ્યાં ચરણ તે કા’નજી
                              ને પગલી પડે તે રાધા રે.

આ કેશ ગૂંથ્યા તે કા’નજી
                              ને સેંથી પૂરી તે રાધા રે.

આ દીપ જલે તે કા’નજી
                              ને આરતી તે રાધા રે.

આ લોચન મારાં કા’નજી
                              ને નજરું જુએ તે રાધા રે.

(પ્રિયકાંત મણિયાર (૨૪-૧-૧૯૨૭ થી ૨૫-૬-૧૯૭૬) ની આ અતિપ્રસિદ્ધ આરતી છે. દરેક કવિસંમેલનના અંતે પ્રિયકાંત આ આરતી સ્વકંઠે અવશ્ય ગાતાં. પ્રિયકાંત જ્યારે ગીત લખે છે ત્યારે ખીલે છે. વિરમગામમાં જન્મ, અમરેલીના વતની અને અમદાવાદમાં વર્ષો સુધી મણિયારનો વ્યવસાય એમણે કર્યો. સજીવ સૌન્દર્યચિત્રો દોરીને સજાવાયેલા ઘાટીલાં કાવ્યો નવીન પ્રતીકો અને લલિત પદાવલીથી વધુ ધ્યાનાકર્ષક બને છે. કૃષ્ણ અને રાધા માટેનો એમનો મીરાં જેવો અદકેરો પ્રેમ અમનાં અસંખ્ય ગીતોમાં રજૂ થયો છે. ‘નભ’થી ઉઘાડ પામીને આ કાવ્ય ‘લોચન’માં વિરમે એ દરમ્યાનમાં પ્રકૃતિથી માનવ-મન સુધી પ્રેમભાવ અદભૂત રીતે વિસ્તરે છે. કાવ્યસંગ્રહો : ‘પ્રતીક’, ‘અશબ્દ રાત્રિ’, ‘પ્રબલગતિ’, ‘વ્યોમલિપિ’ વિ.)

Comments (4)

કૃષ્ણ – રાધા

આ નભ ઝૂક્યું તે કાનજી
          ચાંદની તે રાધા રે,
આ સરવરજળ તે કાનજી
          ને પોયણી તે રાધા રે,
આ બાગ ખીલ્યો તે કાનજી
          ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી
          ને કેડી ચડે તે રાધા રે,
આ ચાલ્યાં ચરણ તે કાનજી
          પગલી પડે તે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી
          ને સેંથી પૂરી તે રાધા રે,
આ દીપ જલે તે કાનજી
          ને આરતી તે રાધા રે,
આ લોચન મારાં કાનજી
          ને નજરું જુએ તે રાધા રે !

-પ્રિયકાંત મણિયાર

Comments (5)