પથ – પ્રિયકાન્ત મણિયાર
પથ એવો તો જાય છે સીધો,
પગલું મૂકતાં ઘડીક હું તો બીધો.
આટલી ડોલતી ડાળ, એને પણ એક ના વાંક-વળાંક,
જેમ વહું તેમ હરખભર્યો ચડતો વ્હાલો થાક;
નેન ભરીને નીરખું નદી તેમ તે એને પીધો… પથ0
જલમાં તર્યો, આભમાં ઊડયો, લસર્યો રેશમી ઢાળ,
પગલું ધરું હું જ હવે કે પવન ભરતો ફાળ?
કોઈ અજાણ્યા જનને જાવું? સ્હેજ ઈશારો કીધો!
પથ એવો તો જાય છે સીધો,
પગલું મૂકતાં ઘડીક હું તો બીધો.
– પ્રિયકાન્ત મણિયાર
માથે મુસીબતોના પહાડ તૂટી પડે ત્યારે તો એક જ ઝંખના હોય કે જીવનમાં એકેય મુસીબત જ ન હોય તો કેવું સારું! પણ roses roses all the way તો કોના નસીબમાં હોય? અનવરુદ્ધ શાશ્વત સુખની કામના નામના સિક્કાની બીજી બાજુ એ છે કે જીવન સાવ સીધુંસટ જતું હોય ત્યારેય આપણે વિહવળ થઈ જઈએ છીએ. નજર સામેના માર્ગને વળવળાંક વિનાની ડાળની જેમ એકદમ સીધોસટ જતો જોઈ પગલું મૂકતા પહેલાં કાવ્યનાયક ઘડીભર માટે તો ડરી જાય છે. જીવનપથ વધુ પડતો સ્પષ્ટ, સીધો અને સરળ હોય ત્યારે આ સરળતા પાછળનું સત્ય સમજાતું ન હોવાના કારણે ભય લાગવો સ્વાભાવિક છે.
હશે, પણ ભાગ્યનો અને આ સીધા મળેલા માર્ગનો સ્વીકાર કરી કથક આનંદભર્યા થાકનેય આવકારે છે અને કોઈ પ્રકૃતિપ્રેમી ધરાઈને નદીને જોયા કરે,એ જ રીતે આ પરિસ્થિતિનું આકંઠ સેવન કરે છે. માર્ગ એટલો સરળ છે કે તરવું-ઊડવું-લસરવું બધું જ શક્ય છે. જીવન આ ક્ષણે સંપૂર્ણતયા મુક્ત, હળવું અને તમામ બંધનોથી પર છે. કથકના માર્ગમાં તો કોઈ વળાંક નથી, પણ અંતિમ બે પંક્તિમાં કવિતા નિરાળો વળાંક લે છે. કથકને સવાલ થાય છે કે આ પથ પર સ્વયંની ઇચ્છાશક્તિથી ડગલું ભરી રહ્યો છે કે પછી પવન-નિયતિ એને આગળ ધકેલી રહ્યાં છે? કોઈ અજાણ્યા જનને આ માર્ગ પર જવું હોય તો એને નાયક ઈશારો કરે છે એમ કવિ કહે છે ત્યાં અગમનિગમનો માર્ગ સ્પષ્ટ થાય છે. ઈશ્વર સુધી લઈ જતા માર્ગ પર વધુ નહીં, સ્હેજ ઈશારોય પૂરતો છે. પ્રભુમિલનનો ખરો માર્ગ તો સાવ સીધો અને સરળ જ છે. કર્મકાંડીઓ જ એને મુશ્કેલ ચિતરી ચિતરીને આપણને સદીઓથી ભરમાવતા આવ્યા છે.


Harikrishna Patel said,
November 21, 2025 @ 2:26 PM
પ્રભુના ચીંધેલા રસ્તે કોઈ ચાલતું નથી આ જ દુનિયાની મુસીબતો ઉભી કરે છે
Kishor Ahya said,
November 21, 2025 @ 4:00 PM
વાહ ! કવિ શ્રી પ્રિયકાન્ત મણિયારનું ‘પથ’ અંતરદૃષ્ટિ સભર કાવ્ય છે. શબ્દોનો સહારો લઈને કવિ નિશબ્દ જગતની વાત કરે છે. આ જગતની વાતો સંતો સદીઓથી કરતા આવ્યા છે ,કરે છે, કરતા રહેશે પણ એ હકીકત છે કે ભાગ્યેજ કોઈ મનુષ્યને એની જાણ છે. મનુષ્ય માટે આ એક કાલ્પનિક બાબત બની ગઈ છે.
કવિ શ્રી નો ઈશારો છેલ્લી પંક્તિમાં આવા લોકો માટે છે, જે કોઈ અજાણ્યા ઈસમ ને આ દુનિયામાં પ્રવેશ કરવો છે.
કવિ કહે છે, ખૂબ સીધો રસ્તો છે ક્યાંય વણાક નથી.
સંત ગોરખનાથ પણ આવુજ કઈક કહે છે
“હસીબા ખેલિંબા ધરીબા ધ્યાનમ”.
હસતા રમતા ધ્યાન કરો, (આ કોઈ ગંભીર બાબત નથી)
કબીરસાહેબ કહે છે “ઘૂઘટ કા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે”
કશું કરવાનું નથી ફ્કત અહંકાર નો પરદો હટાવવાનો છે। કવિ શ્રી પ્રિયકાંતભાઈ, કાવ્ય ‘ પથ ‘ માં આજ વાત કહે છે.ખૂબ સરસ અને સરળ શબ્દો અને ઉત્તમ બોધ આપતું કાવ્ય ‘પથ’
ખૂબ ગમ્યું. આધ્યાત્મિકતા પર અસંખ્ય સંતો અને કવિઓએ અગમ્ય તરફ જવાના ઈશારા કર્યા છે. હમણાં જ વાંચેલ ” કશું જાણતો નથી’ કવિ શ્રી વિનોદ ઓઝાના કેટલાક શેર અને રાહુલ તુરી “બાજત શબદ મૃદંગા” –(જુલાઈ 25) કઈક આવોજ આધ્યાત્મિક ઈશારો કરે છે.
“આયનો તોડી કદી હું નીકળી શકતો નથી,
એટલે ક્યારેય હું ખુદને મળી શકતો નથી”.
અહીં આયનો એટલે અહંકાર ની વાત છે.
“જો બારણાં હો બંધ તો ખોલી શકાય છે,
ખુલ્લી હવાની કેદ ક્યાં તોડી શકાય છે?’
કોઈ બાધા હોય તો દૂર કરી શકાય પણ અહીંતો ઈશ્વરીય માર્ગ ખુલી હવા જેવો છે.
બાજત શબદ મૃદંગા – રાહુલ તુરી. “રવ અરવ સબ હોત ગરક જ્યાં થતા નહીં થડકારા,
રોમ વ્યોમ અરુ ભોમ હોમ ત્યાં સકળ શુન્ન સંસારા.
અકળ અગોચર એક અડિખમ અચરજ ભરા અભંગા”…
– રાહુલ તુરી
શ્રી વિવેકભાઈએ કાવ્યનો ખૂબ સરસ આસ્વાદ મૂક્યો છે.
🌹🌹🌹🌹
Varij Luhar said,
November 21, 2025 @ 5:01 PM
વાહ.. ખૂબ સરસ
વિવેક said,
November 21, 2025 @ 7:23 PM
પ્રતિભાવ આપનાર તમામ સહૃદય ભાવકોનો દિલથી આભાર…
સરસ અને સંતર્પક કાવ્યપંક્તિઓ ટાંકવા બદલ શ્રી કિશોર આહ્યાનો સવિશેષ આભાર…
Poonam said,
November 25, 2025 @ 2:03 PM
પથ એવો તો જાય છે સીધો,
પગલું મૂકતાં ઘડીક હું તો બીધો.
– પ્રિયકાન્ત મણિયાર – Saras ne Saral !
Aaswaad : Satyam, Shim, Sundar… sir ji 🙏🏻
વ્રજેશ said,
November 29, 2025 @ 12:55 PM
અચ્છા હે..