જીવન પ્યારું હતું તો રોમેરોમે દીપ જલતા’તા,
બળી મરવું છે ત્યારે કાં નથી જડતો તિખારો પણ ?
જટિલરાય કેશવલાલ વ્યાસ \'જટિલ\'

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ચિનુ મોદી

ચિનુ મોદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અવસર મૂકું – ચિનુ મેાદી, સરૂપ ધ્રુવ

લાવ, તારો હાથ, એમાં આપણો અવસર મૂકું,
માછલી જળમાંથી કાઢું ને પછી તટ પર મૂકું.

સાપની સામે નિસરણી, તે પછીની ચડઊતર;
ઓસ ફાડીને સૂરજ મૂકું –અને ક્ષણભર મૂકું.

સાવ મારું છે, છતાં સાવ પરબારૂં જ છે,
આંસુ તાજું છે, છતાં હું હોડમાં સરવર મૂકું.

આંખ ભીની થાય ત્યાં તું વ્હાલ રેતીમાં મૂકે,
હું વરસતા મેઘ વચ્ચે ભેાંયને પડતર મૂકું.

સ્હેજ પોરો ખાઈ લઈને હાથના વેઢા ગણું,
હાથમાં ચપટીક ચોખા છે અને ઘરઘર મૂકું.

– ચિનુ મેાદી, સરૂપ ધ્રુવ

સાવ અલગ મિજાજના અને સાવ અલગ ઓળખ ધરાવતા બે બંડખોર સર્જક ભેગા થઈને એક સહિયારી કાવ્યકૃતિ આપે ત્યારે ક્યારેક એવું બને કે સર્જન તો થાય પણ કવિતા મરી પરવારે… પણ દાળ અને ભાત ભેગાં થઈને અનુપમ સંતુષ્ટિ આપે એ રીતે ક્યારેક અનનુભૂત આહ્લાદનું નિમિત્ત બની શકે એવી મજાની કવિતા પણ ભાષાને ભેટ મળી શકે… ખરું ને?

ચિનુ મોદી અને સરૂપ ધ્રુવ. બંને બળવાખોર કવિ તો ખરા જ, સાથે તદ્દન અલગ છેડાના કવિ પણ ખરા. ચિનુ મોદીનો બળવો પરંપરા સામે તો સરૂપ ધ્રુવનો બળવો સમાજ અને રાજકારણ સામે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવા આ બે કવિઓનું આ એક સહિયારું સર્જન છે. પ્રસ્તુત ગઝલના દરેક શેરમાં એક પંક્તિ ચિનુ મોદીની છે અને એક સરૂપ ધ્રુવની. કઈ પંક્તિ કોણે લખી એની પળોજણમાં ન પડતાં રચનાને જ માણીએ.

Comments (6)

રોજ – ચિનુ મોદી

મેડીએ ચડીને તમે બેઠેલાં હોવ
.             તમે ઊભેલાં હોવ
.             તમે થીજેલાં હોવ
તમે કંપેલાં પાણીથી બ્હીધેલાં હોવ
અરે, જંપેલાં પાણીમાં ચીતરેલાં હોવ
.             તોય
મારગ પર વ્હાણ રોજ ચાલ્યાં કરે
.             વ્હાણ ચાલ્યાં કરે
.             રોજ ચાલ્યાં કરે.

રોજ શેરીઓ મૂકીને ગામ પોબારા થાય
રોજ ૫૨પોટા ફૂટ્યાના હોબાળા થાય
રોજ હુક્કા છોડીને નેળ નોધારાં થાય
રોજ તડકામાં પૂર અને ઓવારા થાય
.             તોય
મારગ પર વ્હાણ રોજ ચાલ્યા કરે,
વ્હાણ ચાલ્યાં કરે
.             રોજ ચાલ્યા કરે.

ક્યાંક આંગળીઓ દૂઝણી ને વેળા ખલાસ
ક્યાંક સપનાની માંડણી ને ફેરા ખલાસ
ક્યાંક શણગારી ઢીંગલી ને મેળા ખલાસ
ક્યાંક મ્હોરાં ખલાસ, ક્યાંક ચ્હેરા ખલાસ
.             તોય
મારગ પર વ્હાણ રોજ ચાલ્યાં કરે
.             વ્હાણ ચાલ્યાં કરે
.             રોજ ચાલ્યાં કરે

– ચિનુ મોદી

કાવ્યસ્વરૂપ તરીકે ગીત કવિને કેટલો ‘ફ્રી-હેન્ડ’ આપે છે એનો થોડો ખ્યાલ આ રચના પરથી આવે એમ છે. ભાગ્યે જ જોવા મળે એવું નવ-નવ પંક્તિઓમાં પથરાયેલ મુખડું અને ચાર-ચાર પંક્તિના બંધ સાથે ચાર-ચાર પંક્તિની પૂરકપંક્તિઓ. ચિનુ મોદી ભાષા પાસેથી એનો કાન આમળીને ધાર્યું કામ કઢાવી લેનાર કવિઓમાંના એક છે. કવિતાના નાનાવિધ કાવ્યસ્વરૂપોને એમણે જેટલા તાગ્યા છે, એટલા બહુ ઓછા સ્વાતંત્ર્યોત્તર કવિઓએ તાગી જોયા છે.

દુનિયા કોઈના માટે રોકાઈ નથી, ન રોકાશેનો સૂર ગીતમાંથી જન્મે છે, પણ કવિની વાત-માંડણીની જે રીત છે એની ખરી મજા છે. લય એવો પ્રવાહી થયો છે કે ગણગણ્યા વિના ગીત વાંચી જ ન શકાય. ગીત જેને સંબોધીને લખાયું છે એ ‘તમે’ એટલે માન આપીને બોલાવાય એવી કોઈ સ્ત્રીની વાત છે એ ‘બેઠેલાં’ વિ. શબ્દોના માથે મૂકાયેલ અનુસ્વાર પરથી સમજી શકાય છે. ગુજરાતી ભાષામાં અનુસ્વારની કમાલ ન સમજી શકે એ વ્યક્તિ તો આ કરામતથી વંચિત જ રહી જવાનો. ચિનુ મોદીના દર્શન આપણને ત્રીજી પંક્તિમાં થાય છે, જ્યાં સ્થાપિત norms ને ચાતરીને કવિ કાવ્યનાયિકા માટે ‘થીજેલાં’ ક્રિયાપદ પ્રયોજે છે. નાયિકા મેડીએ ચડી છે એનું મહત્ત્વ એના ચાહનારને મન ભલે ગમે એટલું હોય, દુનિયાને શું!. મેડીએ નાયિકા બેઠેલ હોય કે ઊભેલ હોય, કે કંઈપણ સ્થિતિમાં હોય, રસ્તા પરથી પસાર થનારાઓ એની તમામ ક્રિયાઓથી રોજ બેપરવાહ પસાર થતા આવ્યા છે, પસાર થતા રહે છે, પસાર થતા રહેશે. મેડીને ભૂલી જાવ, નાયિકાને પણ ભૂલી જાવ, દુનિયામાં કોઈ પણ ઘટના બને, નાની કે મોટી, દુનિયાને કોઈ ફરક પડતો નથી એ વાતની માંડણી કવિએ ગીતમાં કેવી મજાની રીતે કરી છે એની જ ખરી મજા છે…

Comments (10)

(પારખજે હવે) – ચિનુ મોદી ‘ઇર્શાદ’

આયનેથી ધૂળ ઝાપટજે હવે,
તું ત્વચા ફાડીને અવતરજે હવે.

પાપણો બાળી ગયાં છે એટલે,
સ્વપ્નથી થોડુંક સાચવજે હવે.

મેં ફરી માળો બનાવ્યો વૃક્ષ પર,
વીજળીની જેમ ત્રાટકજે હવે.

હાથ મારો હાથમાં લીધો તો છે,
રોગ શો છે એય પારખજે હવે.

જાતને સીમિત કરી ‘ઇર્શાદ’ તેં,
શંખમાં દરિયાને સાંભળજે હવે.

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

નાની અમથી ગઝલ પણ કવિએ કહ્યું છે એ રીતે શંખમાં દરિયાને સમાવી લેતી મનભર રચના. બધા જ શેર આસ્વાદ્ય થયા છે.

Comments (4)

ભીતર મને…. – ચિનુ મોદી

કેમ લાગે છે હજી અંતર મને ?
દૂરતા દેખાય છે ભીતર મને.

લાગણીવશ આપ બનતાં જાવ છો
ભીંત ચણતાં જાવ છો, એ ડર મને.

ભીડમાં તૂટી જતા આ શ્વાસ છો
પાલવે તો પણ નહીં આ ધર મને.

મધ્ય દરિયે રેત સાંભરતી મને
કોણ પાછું ઠેલતું તટ પર મને?

હા, હવે કાળી ઉદાસી ઘેરશે
સ્વપ્ન ક્યાં છે, જે કરે પગભર મને ?

– ચિનુ મોદી

Comments (2)

ન્હાઈ ધોઈને….- ચિનુ મોદી

હું રાજી રાજી થઇ ગયો છું જોઈ જોઈને
સપનાંઓ તારા આવી ગયા ન્હાઈ ધોઈને

એમ જ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં
ખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઈને

એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું કરું
આંખોને લાલઘુમ હું રાખું છું રોઈને

અમને જીવાડવા તો એ રાજીનો રેડ છે
તારા વગર શું હોઈ શકું હોઈ હોઈને

‘ઇર્શાદ’ એવું કોઈ છે જેને તમે કહો :
તને મળ્યા પછી ન મળાયું જ કોઈને.

-ચિનુ મોદી

હું તો પહેલો શેર વાંચીને જ ખુશ ખુશ થઇ ગયો…….

Comments (1)

કવિનો શબ્દ – ચિનુ મોદી

મને તું બાંધે છે જડ જગતના નિત્ય નિયમે?
મને? મારો આપું પરિચય તને? હું પવન છું;
વહું છું સ્વેચ્છાએ અલસ અથવા તીવ્ર ગતિથી
પછાડું વર્ષોનાં ખખડધજ વૃક્ષો પલકમાં
અને એનો એ હું કુસુમરજ વ્હેચું વન વિશે.

તને આપું મારો પરિચય હજી? હું સમય છું,
ક્ષણોનો સ્વામી છું, સતત સરકું છું અખિલ આ
રચેલા બ્રહ્માંડે; સઘન બનતું શૂન્ય જગનું
ઉલેચું એથી તો પ્રલયકર વિસ્ફોટ અટકે.

હજી તારી આંખે કુતૂહલ વસે? તો સમજ કે
ધરા ને આકાશે, ગહનતમ પાતાળતળમાં
વહી છાનો છાનો ધ્વનિત બળતો હું લય; સખી.

છટાથી આ વાયુ-સમય-લયને એક કરતો
ત્રિકાલે બ્રહ્માંડે, મુખરિત થતો શબ્દ કવિનો.

– ચિનુ મોદી

સૌ ભાવકોને વિનંતી કે સોનૅટ માટેનો અણગમો છોડીને આ સોનૅટ મમળાવે…..તમામ રીતે સુંદર એવું આ સોનૅટ એક પ્રખર સત્ય ગાય છે…..’ to be or not to be that is the question’ – આવા કવિશબ્દો કાળ સાથે નાશવંત હોતા નથી……

Comments (7)

ભીના સમયની આણ – ચિનુ મોદી

આપણી વચ્ચે અબાધિત કાળનાં પોલાણ છે
આપને પણ જાણ છે ને હા, મને પણ જાણ છે.

છિન્ન પડઘાઓ થઈને મૌનમાં ઢળતાં પ્રથમ
આપણી વાણીનું પ્હાડોમાં જરી રોકાણ છે.

દૂર સાથે ચાલીને પાછો વળું છું એકલો
આપણી વાટે ગરમ વંટોળનાં મંડાણ છે.

ધૂળની ડમરી થઇ પગલાં બધાં ઊડી ગયાં
આપણી વીતી ક્ષણોનું આ નવું પરિમાણ છે.

હું સમયથી પર થવાનાં યત્ન પણ કરતો નથી
આપણે માથે હજી ભીના સમયની આણ છે.

– ચિનુ મોદી

શુદ્ધ પ્રેમની વાત છે….’દર્શક’ પ્રેમને કાલાતીત કહે છે. પણ કવિ કૈંક જુદી વાત કરે છે. કાળ તો પોતાનું કામ કરતો જ રહે છે-આપણે તેને કઈ રીતે react કરીએ તે આપણા હાથમાં છે. પ્રથમ અછડતા સ્પર્શની ઘડી દાબડીમાં બંધ કરીને સાચવી રાખતી હોય તો કેવું અદભૂત……!!!

Comments (3)

(તારી રમત, મારી રમત) − ચિનુ મોદી

આપણો વહેવાર જૂઠો, આપણી સમજણ ગલત,
લાગણીમય તોય છે તારી રમત, મારી રમત.

સાત સપનાં, એક સૂડો, પાંદડાનું આ જગત,
થાય છે લીલો-સૂકો તારો વખત, મારો વખત.

પથ્થરોના પેટનું પાણી લઈને હાથમાં,
ઊંઘના ઘરમાં જશું, તારી શરત, મારી શરત.

વાંઝિયા આ શબ્દના વસ્તારના ભારે ઋણી,
ઠીક સચવાઈ ગયું તારું અસત, મારું અસત.

શોધમાં ‘ઇર્શાદ’ છે, ચહેરા વગરનો આદમી,
જે નથી હોતો કદી તારો ફકત, મારો ફકત.

− ચિનુ મોદી

Comments (2)

લાગણીવશ હાથમાંથી… – ચિનુ મોદી ‘ઈર્શાદ’

લાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્યો,
બંધ મુઠ્ઠી ખોલવાનો ભય ફરી સાચો પડ્યો.

હું અરીસો ધારીને જોવા ગયો મારી છબી,
આ ચમકતી ભીંત પર તો કાળો પડછાયો પડ્યો.

આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ,
પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો!

મોગરાની મ્હેંકમાંથી છૂટવાના યત્નમાં,
કાંચળી છોડી છતાં હું ઘેનમાં પાછો પડ્યો.

આ રિયાસતમાં હવે ‘ઈર્શાદ’ શું વટ રાખવો?
બારી કાપી દૃશ્ય જડવાનો જ જ્યાં ધારો પડ્યો.

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

સાદ્યંત સુંદર ગઝલ…

Comments (5)

ઈર્શાદગઢ : ચિનુ મોદી અને ‘ખારાં ઝરણ” વિષે…

આજે શ્રી ચિનુ મોદી આપણી વચ્ચે નથી રહ્યા… પંદરમી ઑગસ્ટ, ૨૦૧૬ના રોજ ચિનુકાકા વિશે અને એમના સંગ્રહ “ખારાં ઝરણ”વિશે લખેલો એક સમીક્ષાત્મક લેખ આજે પ્રસ્તુત છે:

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઇચ્છાને હાથ-પગ છે, એ વાત આજે જાણી.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી !
મોતનો પણ એક મોભો હોય છે.

એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

– આમાંથી કોઈ પણ શેર કવિના હસ્તાક્ષરનો મહોતાજ નથી. ગુજરાતી ગઝલ પરંપરાના આ અમર શેર કોઈ આપણી સામે વાંચે કે તરત જ આપણી નજર સમક્ષ ગુજરાતી ગઝલનો એક મજબૂત અને અડીખમ યુગસ્તંભ આવી ઊભો રહી જાય.

જી હા. ચિનુ ચંદુલાલ મોદી. ઈર્શાદ. મહેસાણામાં વિજાપુર ગામમાં ૩૦-૦૯-૧૯૩૯ના રોજ જન્મેલા ચિનુ મોદી વિજાપુર, ધોળકા અને અમદાવાદ ખાતે ભણ્યા. બી.એ., એમ.એ, એલ.એલ.બી., અને પી.એચ.ડી. ચિનુ મોદીના સ્વભાવમાં બળવાખોરી પહેલેથી જ આમેજ હતી. પિતાજી ઇચ્છતા કે એ આઇ.એ.એસ. બને, પણ સાહેબ બન્યા ગુજરાતી શિક્ષક. પહેલા લગ્ન ૧૯૫૮માં જ્ઞાતિ બહાર. બીજા લગ્ન ૧૯૭૭માં હિંદુ છોકરી સાથે. ગુજરાતી કવિતાને સાવ શીર્ષાસન સમો કાયાકલ્પ કરાવનાર ‘રે’ મઠના પાયામાંના એક.

‘રે’મઠના અન્ય સાહસિકોની જેમ જ ચિનુ મોદી ‘ઈર્શાદ’ નો ગુજરાતી ગઝલના નવોન્મેષમાં અમૂલ્ય ફાળો છે. ગઝલને બીબાઢાળ બનતી અટકાવનાર સજાગ પ્રહરીઓમાં એ મોખરે આવે. ગઝલો ઉર્દૂમાં પણ લખે પરંતુ બે ભાષા પરની હથોટી કદી સીમા વળોટતી ન ભાસે એ એમની સિદ્ધહસ્તતા. ચીલાચાલુ રદીફ-કાફિયાથી દૂર રહી, આડંબરી ભાષાથી હટીને, લપસણા વિશેષણોમાં લપસ્યા વિના, પુનરાવર્તન અને પુનરોક્તિના ભયસ્થાનોથી અળગા ચાલતા ચિનુ મોદીની ગઝલો એ ગુજરાતી ભાષાની સવારની ચા સમી તાજગી છે. ગઝલમાં તસ્બી અને ક્ષણિકા જેવા કાવ્યપ્રકારોના એ સર્જક છે.

સિદ્ધ સર્જક કદી જમાનાએ નક્કી કરેલા રસ્તે આંખ મીંચીને ચાલતો નથી. ચાલુ રચનાની વચ્ચે જ ચિનુ મોદી આપણી ધારણાને જમીનદોસ્ત કરતી ગુંલાટી મારી શકે છે… શોભિત દેસાઈ કહે છે, ‘રદીફ-કાફિયા અથવા શે’રની ગૂંથણી કે અન્ય નક્કર છાપ ઊભી કરવાના સજાગ પ્રયાસને લીધે ગઝલ પર નજર પડતાંની સાથે કવિની ‘બ્રાંડ’ પકડાઈ જતી હોય ત્યારે ચિનુ મોદી ‘ઈર્શાદ’ કોઈની પણ અસર; અરે ! ખુદ પોતાની પણ અગાઉની ગઝલોની અસર ન ઝીલતા હોવાને કારણે કાયમ નવી જ બાની લઈ આવે છે. સતત આશ્ચર્ય આપવા એ ઈર્શાદની ગઝલનો સ્વભાવ રહ્યો છે.’ પ્રયોગ અને પરંપરાનું એ મજાનું ફ્યુઝન કરી જાણે છે… જાણીતા અભ્યાસુ-વિવેચક-સંપાદક શકીલ કાદરી ચિનુ મોદી વિશે કહે છે, ‘પ્રયોગશીલ કવિઓમાં ચિનુ મોદીનું પ્રદાન નોંધપાત્ર ગણાવી શકાય એમ છે. એમણે ગઝલોમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પરંપરાગત ઉર્દૂ-ફારસી છાપવાળી ગઝલોથી મુક્ત એવી ભાષા દ્વારા એમણે કાફિયા-રદીફના ચુસ્ત બંધન અને સચોટ ધારદાર અભિવ્યક્તિથી ગઝલનો મિજાજ જાળવ્યો છે.’

જોકે ગઝલસમ્રાટ તરીકેની ઓળખ ભૂલાવે એવાં બળકટ ગીતો પણ કવિએ આપ્યાં છે. ઉદયન ઠક્કરનો જાણીતો શેર ‘ગઝલ ને ગીતને એ વારાફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?’ ચિનુ મોદી જેવા વિરાટ કવિને સ્પર્શી શકે એમ નથી. કવિતાના સ્વરૂપોના ખેડાણની બાબતમાં ચિનુ મોદીની સમકક્ષ એમની સમકાલીન ગઈકાલ કે આજની પેઢીના કોઈ પણ કવિ ઊભા રહેવાનું વિચારી પણ નહીં શકે. ગઝલ, સૉનેટ, છંદોબદ્ધ, અછાંદસ, ગીત, દીર્ઘ કાવ્ય, ખંડ કાવ્ય, પારંપારિક આખ્યાન, આધુનિક આખ્યાન, પદ્ય નાટકો, પદ્યસભર વાર્તાઓ – કવિએ જે સફળતા અને સાહજિકતાથી નાનાવિધ કાવ્યસ્વરૂપોમાં હૃદયંગમ સ્વૈરવિહાર કર્યો છે એ ન ભૂતો, ન ભવિષ્યતિ છે.

લબ્ધપ્રતિષ્ઠ કવિ-વિવેચક ચન્દ્રકાન્ત શેઠ લખે છે, ‘ચિનુભાઈની કવિતા એટલે ચાંચલ્યની કવિતા, પણ એમાં ગાંભીર્ય ને ગહરાઈ પ્રચ્છન્ન રીતે રહેલાં સહૃદયને તુરત જ પકડાય –પરખાય !’

એક વિહંગાવલોકન કરીએ કવિના સર્જન પર :

કાવ્યસંગ્રહ: વાતાયન, ઊર્ણનાભ, શાપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં, ઈર્શાદગઢ, બાહુક, વિ-નાયક, કાલાખ્યાન, અફવા , ઈનાયત, એ, સૈયર, શ્વેત સમુદ્રો, નકશાનાં નગર, પર્વતને નામે પથ્થર, હથેળી

નાટક – ડાયલનાં પંખી, કોલબેલ, હુકમ માલિક, જાલકા, અશ્વમેઘ

નવલકથા– શૈલા મજમુદાર (આત્મકથાનક) , ભાવચક્ર, લીલા નાગ, હેંગ ઓવર, ભાવ અભાવ, પહેલા વરસાદનો છાંટો

વાર્તાસંગ્રહ – ડાબી મૂઠી, જમણી મૂઠી

વિવેચન – મારા સમકાલીન કવિઓ, બે દાયકા ચાર કવિઓ, ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ

ચરિત્ર – કૃષ્ણલાલ શ્રીધરાણી

સંપાદન – ગુજરાતી પ્રતિનિધી ગઝલો, ચઢો રે શિખર રાજા રામના, ગમી તે ગઝલ

અનુવાદ– વસંતવિલાસ ( મધ્યકાલીન ફાગુકાવ્યોનો અનુવાદ)

ચિનુ મોદી કેવી બહુમુખી પ્રતિભા છે એ આ યાદી પર નજર નાંખતાવેંત સમજી શકાય છે.

‘બાહુક’ આધુનિક ખંડકાવ્ય છે તો ‘વિ-નાયક’ શિખરિણી છંદમાં પચાસ ષટકસ્વરૂપે લખાયેલું ત્રણસોપંક્તિનું દીર્ઘ કાવ્ય છે. ‘કાલાખ્યાન’ પ્રેમાનંદની આખ્યાનશૈલીનો સાદ્યંત સફળતાથી કરવામાં આવેલો સાક્ષાત્કાર છે. ‘ડાયલનાં પંખી’ પદ્યમાં લખેલા એબ્સર્ડ એકાંકી નાટકોનો સંગ્રહ છે. ‘ડાબી મૂઠી, જમણી મૂઠી’ પદ્ય-સભર વાર્તાઓ છે.

ગઝલની સાથે કવિનો ઘરોબો કંઈક આકસ્મિક રીતે થયો છે. પ્રારંભિક કવિજીવનમાં છંદોબદ્ધ સૉનેટ્સ અને ક્યારેક ગીતો એ જ એમનું લક્ષ્ય હતું. ચિનુ મોદી કહે છે, ‘ગઝલ સાથે નિકટવર્તી સંબંધ બંધાવાનાં બે નિમિત્ત કારણ: મનહર અને આદિલ. મનહર મોદીએ કોલેજમાં મુશાયરો રાખ્યો હતો ત્યારે સહજભાવે કવિને કહ્યું હતું: ‘તું પણ ગઝલ લખ ને.’ અને એમ ચિનુ મોદી ગઝલ સાથે મનમાં પણ નહોતું ને અવિનાભાવી સંબંધાયા.

ચિનુ મોદીની ગઝલોનો પોતીકો જ અવાજ છે. એમના શેર જેટલા સરળ ભાસે છે એટલા જ એ ઊંડા પણ હોય છે. ચિનુભાઈ ગઝલ નથી લખતા, જિંદગી લખે છે માટે જ એમના શેર દરેકને પોતાની આત્મકથાના પાનાં જેવા લાગે છે. એમના જ શબ્દોમાં કહીએ તો, ” ગઝલ એ હું આત્મકથાની અવેજીમાં લખું છું એટલું જ નહીં, ગઝલના રદીફ-કાફિયા મારે માટે શ્વાસ અને ઉચ્છવાસ જેટલા જ સહજ અને અ-નિવાર્ય બન્યા છે. હજી પણ પ્રત્યેક ગઝલ શરૂ થાય ત્યારે કાબો લૂંટી જશે એવો ડર લાગે છે. ગઝલથી વધારે છેતરામણું સ્વરૂપ ન સોનેટ છે, ન ખંડકાવ્ય છે. અ-છાંદસ, ગીત અને ગઝલ મને સૌથી છેતરામણાં કાવ્ય સ્વરૂપ લાગ્યાં છે.”

રમેશ પુરોહિત કહે છે, “ગઝલના આંતર-બાહ્ય તત્ત્વને સમજીને, ગઝલના રંગના ખુમારને જાણીને, ગઝલના મુલાયમ મિજાજને પિછાનીને, ગઝલના બયાનને પચાવીને, શબ્દોની છટકબારીઓ વાસીને, ચમત્કૃતિઓના શણગારોને નવાં રૂપ આપીને સભાનતાપૂર્વક નવી ગઝલોથી ગુર્જરીગિરાના અસબાબને અભિવ્યક્તિના નવોન્મેષોથી ચાર ચાંદ લગાવી દેનારા શાયરોમાં મોખરાનું નામ છે ચિનુ મોદી.”

એ સાચી વાત કરે છે અને ચેતવે પણ છે કે આ વાતો સાચી છે એટલે એ સારી હોવાની શક્યતા ઓછી છે.

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

પોતાની ગઝલો વિશે ચિનુ મોદી પોતે કહે છે, ‘શ્રી ચિનુ મોદીની ગઝલો બે ભાગમાં વહેંચાય છે : ‘ઈર્શાદ’ થયા પહેલાં અને પછી.’ જાણીતા કવિ-વિવેચક હેમંત ધોરડા એમના બહુચર્ચિત પુસ્તક ‘તાણાવાણા’માં ઈર્શાદ થયા પહેલાંના અને પછીના કવિને તાણા અને વાણા અલગ કરીને રસસ્પદરીતે રજૂ કરે છે.

આટલી પૂર્વભૂમિકા પછી ચિનુ મોદીના ઇનામી ગઝલસંગ્રહ “ખારાં ઝરણ’ તરફ વળીએ. સંગ્રહ વિશે વાત કરતાં પહેલાં આટલી પ્રસ્તાવના એ માટે જરૂરી લાગી કે આ સંગ્રહ ચિનુ મોદીની ખરી ઓળખ નથી. ઈર્શાદ થયા પહેલાંની અને પછીની ગઝલોના બે તબક્કા પૂરા થાય છે એ પછીનો આ ત્રીજો નવતર તબક્કો છે. આ ગઝલો નથી ચિનુ મોદીની, નથી ઈર્શાદની, આ ગઝલો છે ચિનુ મોદી ઈર્શાદની. એકંદરે ડાબા હાથે લખવામાં આવી હોવાનો ભાસ કરાવતી આ રચનાઓની મજબૂતી બહુધા કવિના બહોળા અનુભવ અને કસબને આધારિત છે.

“ખારાં ઝરણ” ગઝલસંગ્રહમાં સિત્તેર ગઝલો સામેલ છે. ગાલગાગાના વત્તા ઓછા આવર્તનોને રમલ છંદ તરીકે ગણીએ તો સિત્તેરમાંથી 52 ગઝલો માત્ર રમલ છંદમાં છે. રમલ સિવાયના છંદો પર નજર કરીએ તો બાકીની રચનાઓમાં કવિએ લગભગ આઠ જેટલા જ છંદોમાં નહિવત્ ખેડાણ કર્યું છે. કવિના અગાઉના સંગ્રહોનું પણ પૃથક્કરણ કરીએ તો માલુમ પડે છે કે બે તૃત્યાંશથી પણ વધુ ગઝલોમાં કવિને રમલ જ માફક આવ્યો છે, જે રીતે સંસ્કૃત વૃત્તોમાં શિખરિણી ફાવ્યો ને ફળ્યો હતો એ જ રીતે. કવિની સિદ્ધિ અને શક્તિ જોતાં એ કદાચ ગુજરાતી ગઝલનું કમનસીબ લાગે છે.

છંદબાહુલ્ય કે એક જ છંદ પ્રત્યેની પ્રીતિને બે રીતે જોઈ શકાય. એક, કે કવિને અલગ અલગ છંદોની ચેલેન્જ બહુ માફક આવતી નથી. બીજું, કવિની જે-તે છંદમાં માસ્ટરી છે. ચિનુ મોદીના કેસમાં કદાચ બંને વાત સાચી છે. પણ જો માત્ર ખારાં ઝરણની વાત કરીએ તો કદાચ પહેલી પૂર્વધારણા જ વધુ સાચી જણાય છે. કેમકે આખા સંગ્રહમાં અમર થવા સર્જાયેલા શેર નહિવત જ હાથ ચડે છે. એક જ છંદમાં કવિ પક્ષપાતપૂર્વક ખેડાણ કરતા હોય ત્યારે એ છંદની તમામ શક્યતાઓ એ ચકાસી જુએ, છંદની બંને હાથે પરીક્ષા લે અને અગાઉ જોવા મળ્યાં ન હોય એવા કાફિયા કે એવી અનૂઠી રદીફો સાથે કામ લઈ વાંચતાવેંત કે વિચારતાવેંત આફરીન પોકારી જવાય એવી રચનાઓ કવિ આપે એ સહજે અપેક્ષિત છે પણ ખારાં ઝરણમાં આ અપેક્ષા સાંગોપાંગ પાર પડતી જણાતી નથી.

“ખારાં ઝરણ”માંથી પસાર થતી વખતે મકરન્દ દવેએ ગઝલ માટે જરૂરી જે ચાર પરિબળ – આગવી અભિવ્યક્તિ (અંદાજે-બયાઁ), સૌન્દર્યબોધ (હુસ્ને-ખયાલ), સંગીતમયતા (મૌસિકી) તથા આધ્યાત્મિકતા (મારિફત) – ગણાવ્યા હતા એ ડગલે ને પગલે વેરાયેલાં નજરે ચડે છે.

એકાક્ષરી કે વાતચીતના કાકુ ધરાવતી રદીફો આ સંગ્રહમાં ધ્યાનાર્હ છે. કેટલાક ઉદાહરણ જોઈએ:

યાદ આવે તું જ વારંવાર, હોં,
છે બધું મારી સમજની બ્હાર, હોં.
વય વધે છે એમ વધતી જાય છે,
તન અને મનની જૂની તકરાર, હોં.

આ જ રદીફ પર, આજ મીટરમાં એક બીજી ગઝલના શેર પણ જોઈએ:

છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં,
વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં.
કંઈક એ જોઈ ગયો છે ત્યારથી,
ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં.

બીજી એક એકાક્ષરી રદીફ:

રોજ મારામાં રહીને,
દિનબદિન મોટા થતા ભૈ.

શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર ?
તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.

સપનાં આવે, આંસુ લાવે,
આંખોને ક્યાં જાણ છે, વ્હાલા ?
આ કાંઠે વરસોથી હું છું,
સામે કાંઠે વહાણ છે, વ્હાલા.

જેમ ટૂંકીટચરક અને બોલકી રદીફ કવિને માફક આવી છે એમ જ ટૂંકી બહેરની સાંકડી ગલીમાં પણ કવિનો વિહાર અદભુત રહ્યો છે:

અંગને સંકોચ, વહાલા,
આ ગલી તો સાંકડી છે.

થોડા બીજા ઉદાહરણ જોઈએ:

આભની અદૃશ્ય સીડી,
પંખીની નજરે ચડી છે.
– બહેર ટૂંકી પણ કવિની દૃષ્ટિ કેવી વિશાળ !

છેદ કરી હોડીમાં આવ્યું,
એ પાણી, પાણીમાં નાખું ?

કોણ હલેસે હોડીને ?
વાયુ કૈં ઓછો દેખાય ?

ઓછા શબ્દોમાં મોટી વાત કરવાના ખરા કિમિયાગર છે કવિ. જુઓ:

શહેરની શેરી હતી,
સ્તબ્ધતા પહેરી હતી.
બંધ ઘરની બારીઓ,
દૃશ્યની વેરી હતી.

અને આ એક કલ્પન તો ખાસ ધ્યાન આપીને જોવા જેવું છે. એકદમ ઝીણું કાશ્મીરી પશ્મીના જેવું પોત – વીંટીમાંથી આખી સાડી પસાર થઈ જાય એવું અદભુત ! સાંભળો :

કેવળ રહી છે યાદો,
તકદીરનો તકાદો.

આંખનાં પાણી તું પા,
આ ધરા પડતર નથી.
બે ઘડી તો રાજી થા,
છો કશો અવસર નથી.

જોઈ તપાસી શ્વાસો લો,
એ ખોટા સિક્કા પધરાવે.

ચિનુ મોદીની કલમની વાત કરતાં હોઈએ અને મૃત્યુ નજર સામે ન આવે એ બને ? એમના અન્ય તમામ સંગ્રહની જેમ પ્રસ્તુત સંગ્રહમાં પણ મૃત્યુ પાને-પાને જીવતું નજરે ચડે છે. પત્ની હંસાબેનની મૃત્યુતિથિ પર લખાયેલી ગઝલ પરથી જ “ખારાં ઝરણ” નામકરણ કરવામાં આવ્યું છે.

રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં?
આંખમાં ખારાં ઝરણ તેં ક્યાં મૂક્યાં?

તેલુગુ કવિ ડૉ. એન. ગોપી કહે છે: “To the poets death is poetic. If it were to be touched, would know it is hell.” પણ મૃત્યુનો સાક્ષાત્કાર થયા બાદ કોઈ પરત ફરતું નથી એ કહેવા માટે કે એ પોએટિક છે કે હેલ. એટલે જીવતેજીવ અફર અટળ અને અકળ મૃત્યુને શા માટે રળિયામણું ન કરી રાખીએ? આપણે ત્યાં બરકત વિરાણી ‘બેફામ’ મક્તાના ઉત્તમોત્તમ શેરોમાં મૃત્યુને સતત જીવતાં જોવા મળે છે. મૃત્યુ ચિનુ મોદીનો પણ સર્જન વિશેષ રહ્યું છે. સંગ્રહની પ્રસ્તાવનામાં કવિ કહે છે, “મારી ગઝલોમાં વિચ્છેદની વ્યથા છે, તો, આવનાર નિર્ણિત મૃત્યુ સાથેની બાથ ભીડવાની અનેકવિધ સંવેદનકથા છે.” સંગ્રહમાંની આવી કેટલીક મૃત્યુ વિષયક સંવેદનકથાઓનું આચમન કરીએ:

જાય છે, એ જાય છે, ક્યાં જાય છે ?
આ બધું જાણ્યા વગર મરવું નથી.

કવિ કહે છે કે મને મૃત્યુએ જીવતેજીવત ઓછું દુઃખ નથી દીધું.

શ્વાસને ‘ઇર્શાદ’ એક જ ડર હતો,
મોત પાછું ફાવશે તો શું થશે ?

માંગ તે બધું જ છે, પણ, વ્યર્થ છે,
દેહ શણગારું શું ધબકારા વગર ?

અને આ એક કમાલનું કલ્પન તો માણો, સાહેબ:

રોજ ચલાવી ક્યાં પહોંચ્યો છે ?
અટકાવી દે શ્વાસનો સંચો.

મૃત્યુને છેટું રાખે, ‘ઇર્શાદ’ છે ને દાદો ?!

વરસો જૂની હવેલી ક્યારેક તો પડત, પણ,
તારે લીધે બધુંયે સત્વર બની ગયું છે.

અને આ એક શેર પર તો કુરબાન કુરબાન પોકારી ઊઠાય એમ છે :
જીવ માટે દેહ એ,
પારકી પંચાત છે.

એમને છટકી જવું છે,
શ્વાસ શોધે લાગ, બાળક.
– મૃત્યુની કેવી સરળ પરિભાષા ! બાળકને સંબોધન કરીને કેવી બાળસાહજિકતાથી કવિ જીવનની સૌથી મોટી ફિલસૂફી સાત જ શબ્દોમાં આપી દે છે. આ છે ખરા ચિનુ મોદી ઈર્શાદ…

બધો વૈભવ ત્યજીને આવશું તારે ઘરે, કિંતુ,
મરણના દેવ ! શ્વાસોનો નિકટવર્તી સગો ક્યાં છે ? – નિકટવર્તી સગો જેવો શબ્દપ્રયોગ આટલી સ્વાભાવિક્તાથી ફક્ત ઈર્શાદ જ પ્રયોજી શકે.

ખૂબ જ નિરાંતે દેહમાં બેઠેલ જીવને,
ગાંડું થયેલું શ્વાસનું ટોળું ભગાડતું.

અને છેલ્લે આ શ્વાસના પૂરમાં તણાઈ જતા શરીરની દાસ્તાન તો સાંભળો :
પછી શ્વાસનું પૂર એવું ચઢ્યું,
અમે સાચવેલી મઢૂલી ગઈ.

સિદ્ધહસ્ત કવિ ક્યારેક પોતાને મનગમતા પોતાના જ શેરનું પણ અનુકરણ કરી બેસતા હોય છે. ચિનુ મોદી પણ આમાં અપવાદ નથી. એક શેર જોઈએ:

કોઈ પણ ઇચ્છા હજી બાકી ખરી ?
હોય તો પહેલાં પ્રથમ બાકાત કર.

– કહો તો, કયો શેર યાદ આવ્યો ?
કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ ય ઇચ્છા છે, હવે એ પણ ન હો.

ઇચ્છા વિશેનો જ એક બીજો લાક્ષણિક શેર માણીએ:

અંગ આખું ઝેરથી ‘ઇર્શાદ’ લીલું થાય છે,
સર્વ ઇચ્છાઓ, અરે રે ! સાપની ભારી હતી.

ચિનુ મોદી મિજાજના કવિ છે. ખુમારી એમની બિમારી નથી, સ્વભાવ છે, સહજ ભાવ છે. જો કે એમની દાદાગીરી વહાલી લાગે એવી છે. કડક નારિયેળની અંદર રહેલી મલાઈ જેવી એ નરમ, ભીની અને મીઠી છે. એની એક મજા છે ને એટલે જ આટઆટલા દાયકાઓથી લખતા હોવા છતાં અને આટઆટલી પેઢીઓ સાથે કાર્યરત રહ્યા હોવા છતાં ચિનુ મોદી દરેક દાયકાના લોકપ્રિય અને નોંધનીય કવિ રહ્યા છે. કોઈ પણ પૂર્વભૂમિકા વિના કેટલાક શેરોનું આચમન કરીએ:

એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ,
જે ક્ષણોનો માત્ર તું માલેક હોવો જોઈએ.

સાવ ખાલીખમ થયો ‘ઇર્શાદ’ તું,
ખાલીને એકાંતથી ભરવું નથી.

તું યાદ આવે એ ક્ષણો,
નમણી છે, ભીનેવાન છે.

તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત ! હું ભૂસાઉં છું.
કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.

મેં લુછેલાં આંસુ સાચકલાં હશે, હાથ જો ને ગંગા ગંગા થૈ ગયાં.

પાંચ જણને પૂછ કે ક્યાં હોય છે ?
સ્વર્ગ ના જડશે તો ક્યાં ફરશો પરત ?

રંગબેરંગી બગીચો, વૃક્ષ, વેલી, પાંદડાં,
કૈંક ખૂટે છે કે બુલબુલ તે છતાં ગાતું નથી.
છેક તળિયે હોય માની ડૂબકી ઊંડે દીધી,
મન છતાં ચાલાક કે ‘ઇર્શાદ’ પકડાતું નથી.

એક તરફ કવિ મનની ચાલાકી અને હાથચાલાકીથી અવગત કરે છે તો બીજી તરફ પવનના સંદર્ભમાં પોતાનું પારાપણું પણ અભિવ્યક્ત કરે છે:

તું પવનની જાત છે ‘ઇર્શાદ’ કે,
મુઠ્ઠી વાળી નાસતો ફરતો રહ્યો ?

ચિનુ મોદી સંભાવનાઓ અને શક્યતાના કવિ છે. ગમે એવી વિપરિત પરિસ્થિતિમાં પણ એ હામ નથી હારતા, નથી હારવા દેતા. જુઓ, થીજીને બરફ થઈ ગયેલી નદીને એ કેવી ઉશ્કેરે-પ્રેરે છે ? –

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

અને નદીના જ રૂપકથી સંભાવનાઓની પોઝિટિવિટિને એ આ રીતે હાકલ કરે છે:

પહાડથી છૂટો પડ્યો છે, યાદ છે ?
તું નથી પથ્થર, નદીનો નાદ છે.

આદિલની નદીની રેતમાં રમતું નગર યાદ આવી જાય એવો અને એવો જ ઉત્તમ શેર ચિનુ મોદી પણ આપણને આપે છે:

માત્ર સરનામું નથી ‘ઇર્શાદ’નું, ‘ શ્વાસ ને ઉચ્છ્વાસ અમદાવાદ છે.

આ એક શેર જુઓ. વક્રોક્તિ અને કટાક્ષ અહીં ચરમસીમા પર છે. શેર પર ધ્યાન આપજો. પહેલી નજરે ખુલે છે એના કરતાં એ અનેકગણો વધુ ગહનગંભીર છે:

કૈંક વરસોથી ચલણમાં ના રહ્યું,
સત્યનો ચળકાટ ક્યાંથી કમ પડે ?

સમસામયિકતા પણ કવિને હાથવગી છે. સમયની સાથે એ તાલમાં તાલ મિલાવી જાણે છે. અંગ્રેજી ભાષા આજે આપણા રોજિંદા વ્યવહારમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ છે. ભાષાની આ વેલકમ પ્રવાહિતાને ચિનુ મોદી પણ ખુલ્લા હાથે અને મોકળા મને આવકારે છે. બે’ક ઉદાહરણ જોઈએ:

હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું,
એ જણ મનુષ્યમાંથી ઈશ્વર બની ગયું છે.

લાખ સ્ક્રિનિંગ બાદ પત્તો ક્યાં મળે ?
ભલભલાને છેતરે છે, જીવ છે.

અંતે થોડા બીજા ચોટદાર શેરોનો આસ્વાદ લઈએ:

સાંકડું ને સાંકડું ઘર થાય છે વરસોવરસ,
વૃદ્ધ બનતા શ્વાસને લાંબો પટારો જોઈશે. સાવ કોરી આંખની એક જ હતી બસ માંગણી,
છો થવાનું થાય, પણ અશ્રુ વધારો જોઈશે.

– આ અશ્રુવધારો પ્રયોગ જે રીતે કવિએ કોઇન કર્યો છે એ આફરીન પોકારાવી દે છે. પગારવધારો એ સાંપ્રત સમયની સાર્વત્રિક માંગ રહી છે. એને બદલે અશ્રુવધારો સંયોજીને કવિએ જે સંવેદનાની કમાલ કરી છે એ તો બસ, વાહ વાહ ને વાહને જ કાબિલ છે.

થોડા બીજા શેર જોઈએ:

શહેર, શેરી, ઘર તો ઓળંગી ગયા,
પણ, મને આ એક પડછાયો નડ્યો.
સ્વસ્થ મનથી તું વિચારી જો ફરી,
છેક છેલ્લીવાર તું કયારે રડ્યો ?

એમ તો જીવાય છે તારા વગર,
તું હશે ને ક્યાંક તો મારા વગર ?
શ્વાસ ચાલે છે અને છોલાય છે,
પોઠ ચાલી જાય વણઝારા વગર.

અને છેલ્લે બે મક્તા માણીએ:

ઝીણી ઝીણી છાંટ છે વરસાદની,
વહાલની આ રીત છે ‘ઇર્શાદ’ની.

મ્યાન કર ‘ઇર્શાદ’ તું તલવારને,
ક્યારના શિર વાઢીને બેઠા છીએ.

કવિના ભાથામાંનુ ભલે આ બાણ સર્વશ્રેષ્ઠ નથી, પણ નિઃશંક ઉત્તમ તો છે જ. કવિનો કસબ કળા સાથે હાથમાં હાથ મેળવીને નિશાન તો ઊંચુ જ તાકે છે અને આ સંગ્રહ એ વાતની પ્રતીતિ છે કે જીવનની આથમતી સંધ્યાએ પણ કવિ નિવૃત્તિ કરતાં પ્રવૃત્તિને જ પ્રાધાન્ય આપે છે. ભલે ક્યારના શિર વાઢીને બેઠા હોવાની વાત કેમ ન કરતા હોય, કવિએ કલમ હજી મ્યાન કરી નથી. સંગ્રહમાં કવિ કહે છે કે, “મને જાણ છે, મારો હાથ સમય ઓગાળી નાંખશે અને એટલે નાસ્તિ મૂલો, કૃત શાખા? પણ, એથી હું હાથ નહીં ઓગળે ત્યાં સુધી તલવાર મ્યાન કરવાનો નથી.” કવિની અનવરત અનવરુદ્ધ કલમને ‘ઈર્શાદ’, ‘ઈર્શાદ’, ‘ઈર્શાદ’ કહેવાની સાથે આપણે એ જ પ્રાર્થના કરી શકીએ: अल्लाह करे जोरे कलम और ज्यादा|

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૮-૨૦૧૬)

Comments (7)

ઈર્શાદગઢ : ૦૭ : આખ્યાનકાવ્ય: કાલાખ્યાન – ચિનુ મોદી

chinu modi aakhyan

કડવું – ૦૧

મંગલાચરણ

ઋષિ જુએ કે દશરથસુતને
ક્ષણ ના પડતું સુખ રે
જુએ પાદુકા, લસલસ રુએ
ચિંતાઘેર્યું મુખ રે

સંગમસ્થાને કુંવર ગયા,
ત્યાં ત્રણ નદીઓનાં પાણી રે
ગંગા ન્હાતા, જમના ન્હાતા
પણ, ત્રીજી તરછોડે જાણી રે

ઋષિ કહે કે ‘કુંવર તમે આ આવું કરતા કેમ જી?
ત્રિવેણીમાં સ્નાન કરે, તેનું હૈયું ટાઢ હેમ જી!
કુંવર કહેઃ ‘ગંગામાં ન્હાઉં; સ્નાન કરું જમનામાં જી!
ત્રીજીને શું અંગ અડાડું? ના સ્નાન કરું સપનામાં જી!
મને નહિ, આખી નગરીને દુઃખ અપાવ્યું કેવું જી!
એવી નદીનાં વ્હેણે ન્હાવું? સરસ્વતી એ સેવું જી!

વલણ
રસની છાલક છોળ ઉડાડી કહું કથા સાંભળજો રે
રસનો ભંગ કરાવે એવા સેલ ફોન અવગણજો રે.

કડવું – ૦૨

આરંભે શુભ કામનાં, ગૌરીપુત્ર ગણેશ રે
ઝળહળતાં કરજો હવે, ગૂઢ ચિત્તનો દેશ રે.

કડવું – ૧૧

વાંસ જેમ છાતી ફાટે ને હીબકે ચઢતી જાય
ઈન્દ્રાણીને કહે વિષ્ણુ: ‘ક્યાં કાળગતિ પરખાય?
કાળગતિને વેદ ન પામ્યા; પામ્યા નથી પુરાણી,
વશમાં એના સૌ વર્તે છે, કમળા શું, બ્રહ્માણી!’

કડવું – ૧૨

કલ્પી લો કે બંધ પડ્યું છે ઘરનું એક ઘડિયાળ રે
ડાયલ પરના બે કાંટાની અટકી હરણાં ફાળ રે
ચાવી આપ્યે યંત્ર ચાલતું; થયો સમય સૂચવવા રે
ડાયલ પરના બે કાંટાને તરત પડે ફેરવવા રે
કાળકૃપા જ્યાં પૂરી થાય
વૃદ્ધત્વ વપુમાં વ્યાપી જાય.
મુખ પર કરચલીઓનું જાળું, આંખ ગઈ બે ઊંડી રે
હાથ અને પગની ચામડીઓ, લબડ્યે લાગે ભૂંડી રે.
અન્ય જોઈને, નિજને જુએ; એથી નારી ચૂપ રે
કોઈ નથી કહેતું કે ખોયું; ક્ષણમાં કેવું રૂપ રે.

કડવું – ૧૬

એક જ ક્ષણમાં દેવભૂમિ પર અંધરું કાળું ધબ
સાવ અચાનક રંગભૂમિ પર, વીજળી ઝબાક ઝબ
ઉષઃકાળની વેળા ટાણે રક્તિમ છે આકાશ;
રથમાં સાતે અશ્વ જોડવા અરુણ પકડતા રાશ.

કડવું – ૧૮

વૈશંપાયન એણી પેરે બોલ્યા: સુણ જનમેજય જંત રે
બધી કથાનો ક્યારે આવે, કલ્પ્યો એવો અંત રે

ફલશ્રુતિ

કાળપ્રભુની કથા કહી તે જે સાંભળશે લોક રે
કાળ કરે તે કરવામાં નહિ હરખ ધરે, ના શોક રે

– ચિનુ મોદી

ઉમાશંકર જોશી પાસે ચિનુ મોદીને પ્રેમાનંદ ભણવા મળ્યા. ચિનુભાઈ કહે છે, ‘પ્રેમાનંદના આખ્યાનોમાં રહેલું નાદતત્ત્વ કાવ્યકારક કેવી રીતે બને છે, કઈ રીતે દૂધમાં સાકર ઓગળે એમ અલંકાર ઓગળે છે, આખેઆખી ગુજરાતી ભાષા આ કવિ કઈ રીતે ખપ લગાડે છે – એના ભેદ તો કવિશ્રી ઉમાશંકર જોશીએ જ ચીંધી બતાવ્યા.’ ગુજરાતી ભાષાના સર્વકાલિન શ્રેષ્ઠ ‘વન મેન થિએટર’ પ્રેમાનંદના અમર આખ્યાનોમાં ગુજરાતી ભાષાનું સ્વરૂપ બદલાયું અને આજની ગુજરાતી સામાન્ય લોકો સુધી પહોંચી.

લગભગ સાડી ત્રણસો વર્ષ પહેલાંના પ્રેમાનંદનું આખ્યાન ચિનુ મોદી ‘કાલાખ્યાન’માં પુનર્જીવિત કરે છે. આખ્યાનના ઘટકતત્વો જેવા કે કડવું, વલણ, મંગલાષ્ટક, ફલશ્રુતિ વગેરેનો સુપેરે પ્રયોગ કરીને સેલફોન જેવા નવા સંદર્ભો લઈને પુરાણકથાવસ્તુની મદદથી સમય-કાળનો મહિમા કરે છે.

શરૂઆત રામના વનવાસ બાદ વ્યથિત ભરત ત્રિવેણીસ્નાન કરતી વેળા સરસ્વતીમાં નહાવાનું ટાળે છે ત્યાંથી થાય છે. આખ્યાન ચાલતું હોય ત્યારે સેલ ફોન અવગણવાની ચીમકી આપીને કવિ બીજા કડવાથી આખ્યાન પ્રારંભે છે.

દ્વાપર યુગ પૂરો થતાં ઈન્દ્રને સ્વર્ગ છોડવાનું થાય છે પણ સ્વર્ગના એશોઆરામ ત્યજવા મન તૈયાર નથી. બીજી તરફ ઈન્દ્રાણીને નવો ઈન્દ્ર મળે એ વિષયની મથામણ બંને પતિ-પત્નીના મનમાં છે. પુરુષસહજ માનસિક્તાવાળો ઈન્દ્ર પત્નીનો પ્રેમ અને સંવેદના સમજી શકે એમ નથી. વિષ્ણુ ઈન્દ્રાણીને કાળની અકળ ગતિ સમજાવે છે. કાળગતિને વેદ કે પુરાણ પણ પામી શક્યા નથી તો આપણું શું ગજુ? કાળકૃપા પૂરી થઈ નથી કે વૃદ્ધત્વ વ્યાપ્યું નથી. અંતે ફલશ્રુતિરૂપે કવિ કહે છે કે જે લોકો કાળની આ કથા ધ્યાનથી સાંભળશે એ લોકો કાળ કહે તે નિઃસ્પૃહભાવે, હરખ-શોક અનુભવ્યા વિના કરશે…

અઢાર કડવાં (પ્રકરણ)માં વહેંચાયેલ આ “કાલાખ્યાન”ના કેટલાક કડવાંમાંથી કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે..

Comments

ઈર્શાદગઢ : ૦૬ : ખંડકાવ્ય: બાહુક – ચિનુ મોદી

OLYMPUS DIGITAL CAMERA

ઉર્ધ્વતાને કારણે જ
આકાશમાર્ગ ઈષ્ટ?

આકાશ જેવું જ ઊંડાણ
પૃથ્વીના પેટાળમાં
શું નહીં જ હોય?
હે વૃક્ષરાજ!
આપ તો
પૃથ્વીના આંતરમર્મ સાથે
મૂળગત બંધાયેલા છો.

આપ
મૃદુ પૂર્ણઅંગુલિઓથી
પૃથ્વીના પટને
સ્પર્શતા રહ્યા છો

અને આપ
નિત્ય ગગનચારી
એવાં વિહંગોના
નિવાસસ્થાન રહ્યા છો.

આપને, એથી જ, કરું છું
પૃચ્છા
કે

વાદળનું પૃથ્વી પરનું આગમન
એ પતન જ લેખાય?

(વૈદર્ભી ઉવાચ: બાહુક- સર્ગ:03)

-ચિનુ મોદી

નળાખ્યાનમાં દ્યુતમાં હાર્યા બાદ નળરાજા નિષધનગરીની બહાર વનમાં જતાં પહેલાં ત્રણ રાત્રિઓ પસાર કરે છે. નળ, વૈદર્ભી તથા બૃહદશ્વ – આ ત્રણ પાત્રો આ ત્રણ રાતમાં જે ઘટનાઓમાંથી પસાર થાય છે એ ઘટનાઓનો લોપ કરીને આ પાત્રોના મનોજગતમાં પ્રવેશ કરવાનો શ્રી ચિનુ મોદીનો અનૂઠો પ્રયત્ન એટલે ‘બાહુક’. કવિ કહે છે એમ નવલકથાની વર્ણનાત્મક શક્તિ, નાટકની સંવદશક્તિ, કવિતાનું એકાંટિક વિશ્વ અને ટૂંકી વાર્તામાં શક્ય, ઘટનાલોપત્વની સુવિધા આ રચનામાં એમને ઉપયોગી નીવડ્યા. ન્હાનાલાલની ડોલનશૈલીનો અ-છાંદસથી સિદ્ધ ગદ્યાન્વિત લય તથા સંસ્કૃત વૃત્તો અને માત્રમેળ છંદોના કોકટેઇલથી ચિનુ મોદી આપણને વીસમી સદીના ઉત્તરાર્ધમાં લખાયેલ ‘કદાચ’ એકમાત્ર ખંડકાવ્ય પીરસે છે. આ દીર્ઘ ખંડકાવ્યનો એક નાનકડો ખંડ અહીં રજૂ કરવાનો એકમાત્ર હેતુ કવિશ્રીની વૈવિધ્યસભર કાવ્યશક્તિથી વાચકોને સુપરિચિત કરાવવાનો છે.

Comments (3)

ઈર્શાદગઢ : ૦૫ : સૉનેટ : વૃદ્ધ – ચિનુ મોદી

OLYMPUS DIGITAL CAMERA

હવેલી સૂની છે, ખખડધજ છે, જીર્ણ પણ છે
હજી સન્નાટાની હરફર; હજી એક જણ છે
અને એ છે એથી પવન સરખો શ્વાસ પણ છે
અને રોજે રોજે વિકસિત થતું એક રણ છે.

હજી ઊના ઊના રવિકિરણથી તપ્ત કણમાં
તરંગાતાં લ્હેરે મૃગજળ અહીં નેત્ર છળતાં
બધા જૂના ચ્હેરા અવિરત હજી ચિત્ત મઢતા
પ્રસંગે બોલાયા સ્વર, બધિર કાને ખખડતા.

ખવીસે પાળેલા જડભરત એકાંત સરખું
ભલે ભુરાટેલું અણસમજ એ હિંસક પશુ
ધસે ભીંટો ત્યારે ભરભર ભૂકો થાય પળમાં
હવેલી જૂની છો કણ કણ વિખેરાય…

ભલે તોડીફોડી કણ કણ કરે કાળ તદપિ
હવેલી હીંચે છે વયવગરના વૃદ્ધ મનમાં.

– ચિનુ મોદી

સાંપ્રત સમયમાં ચિનુ મોદીએ નાનાવિધ કવ્યપ્રકારોમાં જેટલું ખેડાણ કર્યું છે એટલું ભાગ્યે જ કોઈ કવિએ કર્યું હશે. કવિ ઉત્તમ સૉનેટકવિ પણ ખરા. પ્રસ્તુત સૉનેટ કવિના પ્રિય શિખરિણીમાં જ આલેખાયું છે. દીકરાઓ ત્યજીને ચાલ્યા જાય પછી ગામની સૂની હવેલીમાં માત્ર સન્નાટાની હરફર છે, બરાબર એ જ રીતે જેમ વૃદ્ધના ખખડધજ શરીરમાં શ્વાસની છે. હવેલીની અંદર સતત રણ વિકસતું રહે છે. કાન બહેરાં થઈ ગયાં છે પણ ભૂતકાળનાં પ્રસંગો હજી અકબંધ સંભળાય છે. હિંસક એકાંત ભૂરાયું થાય ત્યારે જૂની હવેલીના કણ કણ વિખેરાઈ જાય છે. ભલે કાળની હથોડી હવેલીના કાંગરા રોજ-રોજ કેમ ન ખેરવતી જતી હોય, વૃદ્ધના મનમાં હવેલીનું વય વગરનું એ જ ઐશ્વર્ય સદાબહાર અકબંધ છે, હતું ને રહેવાનું… સમય ભલે ભલભલાંનો કળિયો કેમ ન કરી જાય, સ્મરણ કાળાતીત છે, ટાઇમપ્રુફ છે.

Comments (4)

ઈર્શાદગઢ : ૦૪ : ગીત: જેલ – ચિનુ મોદી

OLYMPUS DIGITAL CAMERA

જન્મ્યા પહેલાં શું હતું
.                   મરણ પછીથી શું?
બે અંધારા ખંડમાં
.                   જીવન વિતાવે તું-
.                                     મેલ માયા મેલ;
.                   કાયા ક્ષણ ક્ષણ વધતી જેલ.

આંસુના વરસાદથી
.                   કાદવ કીચડ બઉ;
બે પગ ઊંચા રાખીને
.                   ક્યાં લગ ઊભીશ તું?
.                                     મેલ માયા મેલ;
.                   કાયા ક્ષણ ક્ષણ વધતી જેલ.

શ્વાસોના ચગડોળમાં
.                   બહુ બહુ ઘૂમ્યો તું,
અટક્યું પૈડું ક્યારનું
.                   હવે ઉતર ને તું;
.                                     મેલ માયા મેલ;
.                   કાયા ક્ષણ ક્ષણ વધતી જેલ.

આટાપાટા બહુ રમ્યા
.                   બહુ બહુ ખેલ્યા દા’
તનમનની માયા મૂકી
.                   નિજની પાસે જા;
.                                     મેલ માયા મેલ;
.                   કાયા ક્ષણ ક્ષણ વધતી જેલ.

– ચિનુ મોદી

ચિનુ મોદી જેટલા ઉત્તમ ગઝલકાર હતા એટલા જ ઉત્તમ ગીતકાર પણ હતા. જન્મ અને મૃત્યુ -બંનેમાંથી દરેક માણસ અનિવાર્યપણે પસાર થતો હોવા છતાં મનુષ્યજાતિ બંને વિશે હજીયે અણજાણ જ છે, જાણે કે બે અંધારા ઓરડા. અને આ બે અંધારા ઓરડામાં આપણે જીવન વિતાવીએ છીએ. ક્ષણે ક્ષણે કાયાની જેલ વધુને વધુ પ્રબળ બનતી જાય છે. જીવનમાં દુઃખથી ક્યાં સુધી બચી શકાય? આંસુમાં ન ભીંજાવું કદી શક્ય બને? બહુ દાવ રમી લીધા, હવે તો આ ક્ષણભંગુર કાયાની માયા પડતી મૂકીને પોતાની પાસે જવું ન જોઈએ? તમે ચાલ્યા ગયા એમ, ચિનુભાઈ?

Comments (3)

ઈર્શાદગઢ : ૦૩ : અછાંદસ : મારું મૃત્યુ – ચિનુ મોદી

OLYMPUS DIGITAL CAMERA

મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નહીં હોય,
મિત્રો.

અનેક રસ્તાઓ
તમારે એકમાર્ગી બનાવવા પડશે.
અનેક શહેરી વિસ્તારોને
સાઇલન્સ ઝોન ડિક્લેર કરવા પડશે.
વિચારોથી ધમધમતા
અનેક મસ્તિષ્કોમાં
તમારે કરફ્યુ નાખવો પડશે.
મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નહીં હોય,
મિત્રો.

પહેલાં તો તમારે
મારું નવું ડેસ્ટિનેશન શોધી કાઢવું પડશે,
મારું નવું સરનામું
તાર-ટપાલ અને આંગળિયા સર્વિસવાળાને
લખાવી દેવું પડશે.
મારા ફોન-ફેક્સ નંબર જાણવા પડશે.
ઇ-મેઇલ એડ્રેસ મેળવવું પડશે.
મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નથી
મિત્રો.

તમારે નવાં રેલવે સ્ટેશન,
એરપોર્ટ્સ
પૉર્ટ્સ
અને એક્સપ્રેસ હાઇવેઝની
ફેસિલિટિઝ ઊભી કરવી પડશે.
મારું મૃત્યુ એ નાનીસૂની ઘટના નથી
મિત્રો.

મારા નિશ્ચેતન પડેલા દેહને
બાળવા,
દાટવા
કે પાણીમાં પધરાવવાના
વિચાર ન કરશો.
થોડી વારે એ હવાનો હિસ્સો થશે.
મર્યા પછી જીવની માફક જ
દેહ છૂ થઈ જવાનો કિસ્સો
મશહૂર કિસ્સો બનશે.
મારું મૃત્યુ નાનીસૂની ઘટના નથી
મિત્રો.

– ચિનુ મોદી

૨૦૦૯ની સાલમાં ચિનુ મોદી આ અછાંદસ લખી ગયા એ જાણે છેલ્લી ગુડબાય કહેવા માટે જ ન લખ્યું હોય! દેહદાન કરવાનો વિચાર શું એ વખતથી એમના મનમાં ચાલતો હશે? કવિનું મૃત્યુ આમેય નાનીસૂની ઘટના નથી હોતી. કવિ કોઈપણ દેશ-કાળમાં સંસ્કૃતિના સાચા પ્રહરી હોય છે. સિકંદર યુદ્ધમાં પોતાના સૈનિકોને ખાસ આદેશ આપે છે કે આખા નગરને બાળી નાખજો, બધું લૂંટી લેજો પણ કવિઓને કોઈ પણ પ્રકારનું નુકશાન ન કરશો કેમ કે કવિ જ સમાજનો ખરો આત્મા છે.

Comments (1)

ઈર્શાદગઢ : ૦૨ : ઉર્દૂ: जाना है – चिनु मोदी

OLYMPUS DIGITAL CAMERA
ચિનુ મોદી (૩૦-૦૯-૧૯૩૯થી ૧૯-૦૩-૨૦૧૭)
(તસ્વીર- વિવેક ટેલર, ડિસે., ૨૦૧૦)

*

अब यहाँ से जाना है
मौत तो बहाना है।

अब्र से उतर आये
चाँद को छुपाना है।

गुमसुदा खुदा का भी
अब पता लगाना है।

रुक गई हवा लेकिन
कश्ती को चलाना है।

एक काम बाकी है
आप को मनाना है।

रात-दिन इबादत कर
सरफ़िरा झुकाना है।

जो कभी जलाया था
वह दिया बुझाना है।

-चिनु मोदी

ચિનુ મોદી (૩૦-૦૯-૧૯૩૯થી ૧૯-૦૩-૨૦૧૭). ગુજરાતી ગઝલગઢનો એક મોભ તૂટી પડ્યો. ચિનુ મોદીને કોઈ ગઝલકાર કહે એ ગુજરાતી કવિતાનું અપમાન છે. ગુજરાતી ઉપરાંત ઉર્દૂ ગઝલ (इर्शादनामा)માં બહોળું ખેડાણ કરનાર ચિનુ મોદીએ ગઝલ, ગીત, સોનેટ, અછાંદસ જેવા પ્રચલિત કાવ્યપ્રકારો ઉપરાંત ખંડકાવ્ય (બાહુક), દીર્ઘકાવ્ય (વિ-નાયક), આખ્યાનકાવ્ય (કાલાખ્યાન), પદ્ય એકાંકી નાટકો (ડાયલનાં પંખી) તથ પદ્યસભર વાર્તાઓ (ડાબી મૂઠી, જમણી મૂઠી) પણ આપણને આપ્યાં છે. આ પ્રકારનું કાવ્યપ્રકારબાહુલ્ય આપણે ત્યાં “રેરેસ્ટ ઑફ ધ રેર” ઘટના છે.

 

ગઈ કાલે આપણે ગુજરાતી ગઝલ માણી. આજે, એક ઉર્દૂ ગઝલ…

પ્રસ્તુત ગઝલનો મત્લા અને આખરી શેર જાણે ચિનુ મોદીએ આ રવિવારની સાંજની અલવિદા માટે જ લખ્યો હોય એમ લાગે છે.

Comments (3)

ઈર્શાદગઢ : ૦૧ : ગઝલ : હું નથી હોતો – ચિનુ મોદી

પાતળી પડતી હવામાં હું નથી હોતો
શ્વાસ અટકે એ જગામાં હું નથી હોતો.

એ ખરું, કે જીવવું ઈચ્છા ઉપરવટ છે
કૈંક વર્ષોથી કશામાં હું નથી હોતો.

રાતભર વરસાદ વરસે , ઓરડો ગાજે;
આંખ ઝરમરતાં, મઝામાં હું નથી હોતો.

બે ઘડી માટે થવું છે પર – સુગંધથી;
પુષ્પની અંગત વ્યથામાં હું નથી હોતો.

જીવન જેમ જ સાચવ્યા એકાંતના સિક્કા;
ભીડથી ભરચક સભામાં હું નથી હોતો.

– ચિનુ મોદી

ચિનુભાઈ નથી રહ્યા……

Comments (3)

ક્યાંથી ગમે ? – ચિનુ મોદી ‘ઈર્શાદ’

સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને-
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

Comments (8)

વૃદ્ધત્વ – ચિનુ મોદી

(શિખરિણી)

શરીરી સામ્રાજ્યે હલચલ વધી ગુપ્ત; બળવો
થવાની તૈયારી, સમય હમણાં મંથર થયો.
હવે ખોડંગાતો પરિચિત પથે, કારણ વિના
હતું સારું રોજુ ભ્રમણ કરતું એકસરખું
શરીરે જે લોહી, વધઘટ કરે, ચાલ બદલે
હવે એ સ્વેચ્છાયે
મને હંફાવી દે ત્વરિતગતિના શ્વાસ, ગધના.
ધ્રૂજે હાથે પ્યાલો, બધિર બનતો કાન, હમણાં
દીસે ઝાંખું ઝાંખું જગ, પળિયા શ્વેત બનતા.
ત્વચામાંથી પેલું તસતસપણું ગાયબ થયું.
હતોત્સાહી છે બે ચરણ, હરણાં એક સમયે.
સદાયે લાગી જે ચપલ ચપલા જીભ, લથડે.
હવે બોખા મોંએ ક્ષણ કઠણને કેમ ચગળું?
જઉં ફોટાફ્રેમે, વધઘટ નથી ઉમર થતી.

– ચિનુ મોદી

જીવનના આખરી મુકામ પર આવી ઊભેલા વૃદ્ધની સંવેદનાનું આવું સ-રસ સૉનેટ કાવ્ય આપણી ભાષામાં ભાગ્યે જ જોવા મળશે. શરીરના રાજ્યમાં ગુપ્ત હિલચાલ શરૂ થઈ ગઈ છે. અલગ અલગ અંગો બળવો પોકારવાની ફિરાકમાં ટાંપીને બેઠાં છે. પહેલાં જે સડસડાટ વહી જતો હતો ને દિવસ ટૂંકો પડતો હતો એ સમય હવે ધીમી ગતિએ ને વળી ખોડંગાતો ખોડંગાતો પસાર થવા માંડ્યો છે. વૃદ્ધ માણસનો દિવસ કેમે કરીને પૂરો થતો નથી ને વળી નિદ્રાવિહોણી રાત તો એથીય લાંબી અને દુષ્કર. ચડતું લોહી પણ હવે રંગ બદલે છે. વિકારો જન્મવા શરૂ થઈ ગયા છે. બિમારી એની મનમરજીથી આવે છે. છઠ્ઠી પંક્તિ ખંડ શિખરિણીમાં લખી અડધી મૂકી દઈ કવિ વધતી જતી અશક્તિનું તાદૃશ આલેખન કરે છે. વાતે વાતે ને ડગલે પગલે શ્વાસ એવો ચડી આવે છે કે કંઠમાંથી સહજ ગાળ નીકળી આવે છે. હાથ ધ્રુજે છે, કાને ઓછું સંભળાઈ રહ્યું છે, આંખોનું નૂર ઓસરતું જાય છે, વાળ વધુ ને વધુ સફેદ બનતા જાય છે, ચામડી લબડવા માંડી છે, એકસમયના હરણ જેવા ચરણમાંથી ઉત્સાહ ઓસરી ગયો છે અને જેના બોલ પર આખી જિંદગી મુસ્તાક રહ્યા એ જીભ પણ લથડવા માંડી છે. પસાર કરવો અઘરો બની ગયેલા સમયની કપરી કઠણ ક્ષણોને ચાવવા માટેના દાંત હવે બચ્યા નથી. હવે તો મૃત્યુ આવે તો સારું… ફોટો બનીને દીવાલ પર લટકી જવાય તો વધતી જતી ઉંમર અને એની સાથે વણાઈ ચૂકેલી હાડમારીમાંથી કાયમી છૂટકારો થાય… છેલ્લી બે પંક્તિ સાચા અર્થમાં ધારી ચોટ નિપજાવીને સૉનેટને ઉત્તમ કવિતાની કક્ષાએ લઈ જાય છે.. શિખરિણી છંદ ચિનુ મોદીનો પ્રિય છંદ રહ્યો છે અને આ છંદમાં કવિનો સહજ વિહાર ધાર્યું પરિણામ આપે છે.

Comments (11)

યાદગાર મુક્તકો : ૦૩ : ચિનુ મોદી ‘ઈર્શાદ’, સૈફ પાલનપુરી

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

*

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે
સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે

– સૈફ પાલનપુરી

ચિનુ મોદીનું મુક્તક વ્યંજનાની ચરમસીમાએ છે તો સૈફ પાલનપુરીનું મુક્તક વિરોધાભાસની ચરમસીમા ઈંગિત કરે છે. બંને આપણી ભાષાના યાદગાર મુક્તકો… પ્રસંગોપાત મમળાવતા-સંભળાવતા રહેવું પડે એવા..

Comments (6)

શબ્દો – ચિનુ મોદી

કદી રાંક છે તો કદી રાય શબ્દો,
કદી બાંધતા, ક્યાંક બંધાય શબ્દો.

કદી આંસુઓનું લઈ રૂપ આવે
કદી પુષ્પ પેઠે પરોવાય શબ્દો.

કદી ઓઠ પર આવી પાછા વળે છે,
ઘણીવાર બ્હૌ બોલકા થાય શબ્દો.

હતો મૌનનો એક દરિયો છલોછલ,
કિનારે રહીને તરી જાય શબ્દો.

વીતેલો સમય એટલે શૂન્યઘરમાં
શમી જાય, ક્યારેક પડઘાય શબ્દો.

– ચિનુ મોદી

સાદ્યંત આસ્વાદ્ય મનનીય ગઝલ…

Comments (5)

મન – ચિનુ મોદી

માદરબખત મન, જો તારે હોત તન
અંગે અંગે કાપત તને, ઘાએ ઘાએ
મીઠું ભરત; અરે, ઉગાડત ગૂમડાં
અને પાકવા દઈ પરુ કરત, દદડતા
પરુ પર માખીઓનાં કટક ઉતારત
અને…
પણ, તું તો ઈશ્વર જેવું અદેહી છે,
છટકતો પવન છે. ચાલેલા ચરણનું
ચિહ્ન હોત તો શોધી કાઢત પગેરું
ને તોડી નાખત તારા પગ…
માંસમજ્જાની આ થપ્પીઓની ઓથે
તું ભરાઈ તો બેઠું છે, પણ, ક્ષણોનું
જ્યારે પૂરું થશે રણ, ત્યારે પરી જેવી
પાંખ તને ન ફૂટે, એવો આપીશ શાપ…

– ચિનુ મોદી

કવિતાની શરૂઆત જ ચોંકાવી દે એવી છે. મનને કવિ જે રીતે ગાળ આપીને સંબોધે છે એના પરથી જ ખ્યાલ આવી જાય છે કે આજે મનનું આવી બનવાનું. મન સાથે કવિને શું વાંધો પડ્યો છે, કેમ પડ્યો છે એ તો કવિતામાં અધ્યાહાર જ રહે છે પણ કેટલો વાંધો પડ્યો છે એ તો શબ્દે-શબ્દે ને પંક્તિએ પંક્તિએ ડોકાય છે.

કવિનું ચાલે અને જો મનને શરીર હોત તો કવિ એના પર પોતાની ખીજ શી રીતે કાઢત એનું અદભુત વર્ણન કર્યા પછી અચાનક ‘અને…’ કહીને અટકી જાય છે. ઈશ્વરની સાથે સરખાવીને મનની અદૃશ્યતા અને સર્વોપરિતા – એમ બંનેનો સ્વીકાર કર્યા પછી પણ કવિ હજી મનના ટાંટિયા તોડી નાંખવાની જ ફિરાકમાં છે. અંતે ક્ષણોનું રણ પૂરું થવાની વાત જીવનના અંતને નિર્દિષ્ટ કરે છે. કવિ મનને કદી મનફાવે ત્યાં ને તેમ ઊડી ન શકાય એવો શાપ અંતકાળે આપવાનું નિર્ધારે છે એમાં ગુસ્સો, ખીજ, ચીડ અને અંતે મનનું કંઈ જ બગાડી ન શકવાની નપુંસકતા છતી થાય છે. થાકેલો, હારેલો માણસ શાપ આપવા સિવાય બીજું કરી પણ શું શકે ?

Comments (8)

રિક્ત મન – ચિનુ મોદી

ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.

બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,
આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે.

એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,
પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે.

રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,
ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે.

– ચિનુ મોદી

Comments (3)

ગઝલ – ચિનુ મોદી

છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં,
વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં.

કંઈક એ જોઈ ગયો છે ત્યારથી,
ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં.

જેમ જળમાં અન્નનો દાણો ફૂલે,
વૃત્તિનું આવું હતું વૃત્તાંત, હોં.

માપસરની વેદના ખપતી નથી,
એ વધે અનહદ તો છે વેદાંત, હોં.

કેટલાં કીધાં જતન ‘ઈર્શાદ’ તેં ?
છેક છેલ્લે તોય છે, દેહાંત, હોં.

– ચિનુ મોદી

અદભુત ગઝલ… કોઈ એક શેર પર આંગળી મૂકવાની આવે તો તકલીફમાં પડી જવાય…

Comments (4)

……હું ભૂંસાઉં છું – ચિનુ મોદી

તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.

તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.

સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
એક પડછાયો બની ફેલાઉં છું.

વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.

કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.

– ચિનુ મોદી

Comments (6)

ક્યાંથી ગમે ? – ચિનુ મોદી

સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને,
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?

-ચિનુ મોદી

ખરું સોનું…….

Comments (6)

ગઝલ – ચિનુ મોદી

આ સ્મરણ પણ અજાયબ ચીજ ન્હૈં ?
ત્રાટકી પડનાર કોઈ વીજ, ન્હૈં ?

આટલો મબલખ અહીં અંધાર છે
ભૂલથી વાવ્યું હશે મેં બીજ, ન્હૈં ?

જળકમળવત્ લેખતો હું જાતને –
પાણીમાં પધરાવી દઉં આખી જ, ન્હૈં ?

કેમ દેખાયો નહીં હોવા છતાં ?
આડી આવી જાત પોતાની જ, ન્હૈં ?

જ્યાં બિરાજે એ જ ડાળી કાપતો
આપનો ‘ઈર્શાદ’ આ નાચીજ, ન્હૈં ?

– ચિનુ મોદી

મજાની ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય. પણ મારું મન ગઝલની રદીફ પર અટકી ગયું – “ન્હૈં” ?! શિષ્ટ ગુજરાતીમાં ‘નહિ’ લખીએ તો પણ છંદ યથાવત્ જ રહે છે તો પછી આ શબ્દપ્રયોગ જ કેમ ? જો તળપદી ભાષાનો આ પ્રયોગ હોય તો આખી ગઝલમાં અન્યત્ર એ દેખાવી ન જોઈએ ?

Comments (7)

મોકો મળ્યો – ચિનુ મોદી

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર: હું છું વ્હેતો પવન,
બધાં ઘર ફરવાનો મોકો મળ્યો.

થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

બચતમાં હતાં અશ્રુઓ એટલે
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.

મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

-ચિનુ મોદી

Comments (5)

કારણ – ચિનુ મોદી ‘ઇર્શાદ’

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
પાંદડે ભેગું કરેલું તેજ છે.

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
આંખને ખૂણે હજીયે ભેજ છે.

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે ?

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
એક ખુરશી છે ને સામે મેજ છે.

વાયુંમાં વિશ્વાસનું કારણ હતું –
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.

ખ્યાલ કર પુષ્પો ભરેલી ડાળનો,
એ તને શણગાર તો આપે જ છે.

બેય આંખો સાવ કોરી રાખજે,
રોજ ઝાકળ રાતના આવે જ છે.

હું ય દેખાતો હતો આ દર્પણે,
ઓરડો આ વાત ક્યાં માને જ છે ?

જ્યાં સુધી ‘ઇર્શાદ’ નામે જણ જીવે,
લાગણી પૃથ્વી ઉપર તો છે જ છે.

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

સિદ્ધહસ્ત સર્જક કદી આજીવન જમાનાએ નક્કી કરેલા રસ્તે આંખ મીંચીને ચાલતો નથી. ચિનુ મોદીની આ ગઝલમાં પહેલા ચાર શેરમાં એકનો એક ઉલા મિસરો વપરાયો છે. ગઝલ વાંચીએ ત્યારે પળભર એમ લાગે કે આખી ગઝલ આજ ઢબથી લખાઈ હશે જેમાં ઉલા મિસરો રદીફની જેમ એક જ હોય અને સાની મિસરો કાફિયાની જેમ બદલાતો રહે છે. આ પ્રકારની ગઝલ પણ લોકો લખી ગયા છે.. પણ ચિનુ મોદી આપણી ધારણાને પાંચમા શેરમાં જ જમીનદોસ્ત કરીને ટ્રેડિશન ફૉર્મેટમાં પ્રવેશ કરે છે… પ્રયોગ અને પરંપરાનું મજાનું ફ્યુઝન અનુભવી શકાય છે…

Comments (8)

ભેંકાર – ચિનુ મોદી

પાળિયાની જેમ મારી એકલતા આરડે ને પાધરની જેમ તમે ચૂપ,
વીતેલી વેળમાં હું જાઉં છું સ્હેજ ત્યાં તો આંખો બે આંસુ સ્વરૂપ;
શમણાં તો પંખીની જાત મારા વ્હાલમા
કે ઠાલાં પાણીનો કોઈ કૂપ ? – પાળિયાની૦

આંગણામાં પગલાંઓ અંકાયાં લાખ છતાં ઘરમાં તો ભમતો ભેંકાર,
પીપળાનાં પાંદડાઓ ખરતાં થયાં ને છતાં ડાળીને લાગ્યા કરે ભાર,
પડઘાના પ્હાડ મને ઘેરીને બોલતા
કે તરણાંની ઓથ લઈ છૂપ ? – પાળિયાની૦

ચલ્લી થઈને એક તરણું હું લાવતી ને ગોઠવું છું નાનકડું નીડ,
ભ્રમણાની ભીંત ચણી ક્યાં લગરે બેસવું, માણસ હોવાની મને ચીડ;
આપણે અજાણી એક લાગણી ને લાગણીનાં
ચોર્યાશી લાખ થયાં સ્તૂપ – પાળિયાની૦

– ચીનુ મોદી

સામાન્યતઃ ગઝલના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા ચિનુ મોદીનું આ ગીત ગઝલસમ્રાટ તરીકેની ઓળખ ભૂલાવે એવું બળકટ છે.

વિયોગની ક્ષણો કોને કોરી નથી ખાતી? પણ કવિનો શબ્દ એને કંઈ ઓર જ વળ ચડાવી આપે છે. પાળિયા શબ્દથી ગીત ઉપાડ લે છે એ એક શબ્દમાં જ સંબંધનું મૃત્યુ અને સ્મરણનું સ્મારક અને પથ્થર જેવી નક્કર એકલતા – કેટલું બધું વણાઈ ગયું છે! વળી આ એકલતા આક્રંદે છે પણ પ્રિયજન ખાલીખમ પાદર સમા મૌન છે. વીતેલી ક્ષણોમાં કવિ એક ‘ફ્લેશ-બેક’ નજર કરે છે ને આંખો છલકાઈ આવે છે… વધતા જતા ખાલીપાના ભેંકાર કલ્પનો ગીત જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પોતાના માણસપણા પર ચીડ આવી જાય એવો ભાવ જન્માવે છે…

(આરડવું= મોટા અવાજે આક્રંદ કરવું)

 

Comments (1)

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ? – ચિનુ મોદી

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?
જીવવા માટે બહાનું જોઈએ.

એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

એક પરપોટો ઘણો સુંદર હતો,
પણ હવાને ચાલવાનું જોઈએ.

સીમમાંથી ઘર તરફ પાછા જતાં,
આ ખભે પંખી મજાનું જોઈએ.

વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,
જીવ, તારે ચોરખાનું જોઈએ.

આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,
સાંભરણ એવી જગાનું જોઈએ.

તું કહે ત્યાં આવશે ‘ઈર્શાદ’ પણ,
એક ઢેફું આ ધરાનું જોઈએ.

– ચિનુ મોદી

ચિનુ મોદીની એક ચિરસ્મરણીય ગઝલ…

 

Comments (12)

એની તરસ-ચિનુ મોદી

એની તરસનો ક્યાં તને અંદાજ છે ?
એ ઝાંઝવા પાણી ગણી પી જાય છે !

મારો નથી એ એકલાનો એટલે,
મારા હૃદયમાં ક્યાં ખુદાનું સ્થાન છે ?

જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં ઉદાસી હોય છે;
લો, આપણા ઘરનો ઘણો વિસ્તાર છે.

તારા નગરમાં ચાર પગલાં પાડતાં
આ શ્વાસમાં તો પીળો પીળો થાક છે !

ઇર્શાદ, તારી નાવને હંકાર ના,
ચોથી દિશાનું ક્યાં તને કૈં ભાન છે ?

-ચિનુ મોદી

ત્રીજો અને ચોથો શેર બહુ ન ગમ્યા. બાકીના શેર અર્થગંભીર છે.

Comments (8)

મારે નહીં ? – ચિનુ મોદી

હોય મારો એક હિસ્સો ને મને મારે નહીં ?
એ કુહાડી છે, અલ્યા ! એ વૃક્ષને કાપે નહીં ?

ખૂબ તરસ્યું વૃક્ષ, જૂનું ને જરઠ, પાછું બરડ;
છો નમેલું હોય પણ ઊખડી જવા માંગે નહીં.

એ બધા અડબંગ માણસની જવા દે વાત તું –
ઇચ્છતા જે છાંયડો, પણ, વૃક્ષને વાવે નહીં.

આ ભવે એ વૃક્ષનો અવતાર પામેલો હતો –
મૂર્ખ છે કે પાંદડાના પ્રેમને જાણે નહીં !

જીવવાનો અર્થ સમજાયો હતો ઈર્શાદને
વૃક્ષ પંખી થાય ત્યારે જીવ એ બાળે નહીં.

– ચિનુ મોદી

આ પાંચેપાંચ શેરમાં કવિ શું ફક્ત વૃક્ષની જ વાત કરી રહ્યા છે ? કે પછી…

સંબંધોમાં થતા ઘા, અવસ્થા આવવા છતાં મમત પકડીને બેસી રહેતું વૃદ્ધત્વ, ફળની કામના પણ કર્મની તૈયારી નહીં, જાત સાથેની વિસંવાદિતતા અને અંતે જિંદગીને સમજી શક્નાર એકાદ સુખી જીવ – આ ગઝલના હજી તો ઘણા અર્થ નીકળી શકે એમ છે… આપનું શું કહેવું છે?

Comments (8)

મુંઝાય છે – ચિનુ મોદી

જીવ મારો આ શરીરે ક્યારનો મુંઝાય છે
બ્હાર કાઢો બિંબને,એ કાચમાં ક્હોવાય છે.

હું નથી આકાશ કે મબલખ મને તારા મળે
એક બે મારા મળે તો રાત વીતી જાય છે.

આંસુઓનાં મોતી, આજે પણ ગમે છે એમને
એ સ્મરણમાં આવે ત્યારે આંખ ભીની થાય છે.

ફેંકતાં ફેંકી દીધા છે કૈંક પથ્થર પંખી પર
એટલે આ હાથ પથ્થરવત્ થતા દેખાય છે.

એ કબર ખોદી ભલે સુવે અમારી ગોદમાં
આવવા દો શૂન્યતાને, એ બ્હૌ હિજરાય છે.

– ચિનુ મોદી

પંજામાંથી એક આંગળી વાઢી કાઢો તો એ કેવો નિરર્થક લાગે. પાંચ શેરની આ ગઝલ પણ પંજાની પાંચ આંગળી જેવી જ છે. કોઈ એક શેરને નબળો કહી કાઢી નાંખવો હોય તો તકલીફ પડે.

Comments (13)

વિ-નાયક – ચિનુ મોદી

OLYMPUS DIGITAL CAMERA
(કવિ શ્રી ચિનુ મોદી….          ….૨૫-૧૨-૨૦૧૦ (ફોટો: વિવેક ટેલર)

*

ફરે વસ્ત્રો પ્હેરી ચકચકિત, તારા-ઉડુગણો
છટાથી નક્ષત્રો પ્રગટ કરતાં તેજસ-કણો;
વિના ચક્રે ચાલે, અરવ પગલે વાદળ-રથ
પધારે બેસીને શશિયર ભલાભૂપ સરખો.
નભે નાનાં નાનાં નગર વસતાં થાય ક્રમમાં
સવારે પામે છે પતન સઘળાં, શા નિયમમાં ?   2

હવે પહેલાં પેઠે ખળભળ વહે ઊંઘ પણ ક્યાં ?
નમેલી કેડેથી ડગ પણ ભરે માંડ-હમણાં;
છતાં શૈયા છોડો ઝટપટ સવારે મન વિના
અને પાટે પાટે હરફર કરો નિત્ય ક્રમમાં
નસોમાં કંટાળો ભ્રમણ કરતો રક્ત સરખો
ચલાવો શા સારુ અવરિત છતાં શ્વાસચરખો ?   10

હવામાં હિંડોળો તરલ મન બાંધે ઝુલવવા
નથી આજે એવું અચૂક બનશે કાલ, સહસા
પ્રતીક્ષા કીધી તે – ગરુડ પર બેસી ગગનથી
ગમે ત્યારે આવી વિપદ કરશે દૂર સઘળી
અરે, ભોળા રાજા લઘુકવયના, બાળક સમા
ઝુલાવ્યું ઝૂલો છો મધુર લયના સ્વપ્નસરમાં ?   12

સમુદ્રોની છાતી ઉપર તરનારા – જળ થશો ?
તમે ટોળાં વચ્ચે હરફર કરી અ-ક્ષત હશો ?
કુદાવી કિલ્લાઓ, દૃઢ સતત પહેરા, અટપટા
રચેલા કોઠાઓ પલકભરમાં છિન્ન કરીને
રહેંસી નાખે છે જનવિજનમાં ક્યાંય પણ – એ
નથી એના જેવું અજરઅમરા, કોઈ જગમાં.    17

તમે જ્યારે જાગ્યા, અફસર દીઠા છેક ઘરમાં
તમારી સામે એ ધરપકડ વૉરંટ ધરતા,
તમે ઊંચાનીચા, પડપૂછ કરો રોષિત બની
‘ગુનો મારો શું છે ?’ જડભરત કહે,’ જાણ જ નથી’.
રજાના દા’ડાએ, હુકમ સર માથે ચડવતા
કચેરી લેખાતા હવડ ઘરમાં અંદર જતા.     32

તમે જેવું જીવ્યા હુકમસર છે એમ મરવું
હવે ના પૂછો કે હુકમ તમને કોણ કરતું ?
નથી જોયા તોયે અનુભવ થયા કાયમ, સખા
તરે, ઊડે, દોડે, ગતિમય રહે વાયુ સરખા
વિદેહી, વૈરાગી, ફલવિફલના કારક થઈ
ગુલામી આપી છે ચલ-અચલને તે કાલપુરુષ.    49

ઉગાડ્યો ઊગેલો સૂરજ ઢળતો સાંજ પડતાં
તમારે માટે ક્યાં યમનિયમના એવા અહીં થયા ?
તમે જન્મ્યા સાથે મરણ પણ નક્કી થઈ ગયું
ગમે ત્યારે આવી અતિથિવત્ એ લુપ્ત કરતું.
તમે સંભાળીને નટવત્ કરો સંયત ગતિ
તમારી દોરીને મૂષકવત્ કાપે ક્ષણપતિ.     50

-ચિનુ મોદી

 

વિ-નાયક એ ચિનુ મોદીનું શિખરિણી છંદમાં પચાસ ષટકસ્વરૂપે લખાયેલું ત્રણસો પંક્તિનું દીર્ઘ કાવ્ય છે. સમય અને સંસ્કૃતિના કોઈ પણ ખંડને ઉઠાવી જોતાં માલુમ પડશે કે નાયક કરતાં ખલનાયક, વિ-નાયક હંમેશા પ્રભાવશાળી રહ્યો છે. ક્રમશઃ અહીં પ્રકૃતિચક્રની એકવિધતા અને નીપજતો કંટાળો અને મૃત્યુની સંવેદના ઉજાગર થઈ છે. મનુષ્યના મૃત્યુથી બચવા માટેના ઉધામા અને ‘કાળપુરુષ’ અને ‘ક્ષણપતિ’ બની આવતા સમય સામેની નિઃસહાય શરણાગતિ આ દીર્ઘકાવ્યનો પ્રાણ છે. અહીંના પચાસ ષટકમાં સિસિફસ, અશ્વમેધ, મહાભારત, શાકુન્તલ, પન્નાલાલનું માનવીની ભવાઈ, વિક્રમ-વેતાળ, કાફકાની નવલકથા’ધ ટ્રાયલ’, સોક્રેટિસ, ઉમાશંકરની પંક્તિ- અને એવું તો ઘણું ઘણું ભર્યું પડ્યું છે. સરવાળે આ દીર્ઘકાવ્ય શાશ્વત નશ્વરતાનું કાવ્ય છે…

અહીં કેટલાક ષટક રજૂ કર્યા છે…

Comments (4)

તરત – ચિનુ મોદી

હે નમાયા શ્વાસ, પૂછી લે તરત
જીવવાની શી શી રાખી છે શરત ?

જીવ મારા ! આમ રઘવાયો ન થા
દેહ છોડી ક્યાં ક્યાં તું ફરતો ફરત ?

હુંય સમજું છું, મરણ વિચ્છેદ છે
દૃશ્યની હું બાદબાકી ના કરત.

પાંચ જણને પૂછ કે ક્યાં હોય છે
સ્વર્ગ ના જડશે તો નક્કી હું પરત.

સાંજના અંધારથી શું બ્હી ગયો ?
રાતનું આકાશ તારાથી ભરત.

– ચિનુ મોદી

લયસ્તરો પર સાતમી વર્ષગાંઠ નિમિત્તે મૃત્યુનો વિષય છેડાયોં ત્યારથી ચારે તરફ મૃત્યુની રચનાઓ જ નજરે ચડતી રહે છે.

તેલુગુ કવિ ડૉ. એન. ગોપી કહે છે: “To the poets death is poetic. If it were to be touched, would know it is hell”

Comments (7)

એક પછી એક – ચિનુ મોદી

એક પછી એક પછી એક પછી એક
કાપ્યા કરી, ખાધા કરી બર્થડેની કેક
                                 એક પછી એક.

મીણમાંથી બત્તી બની, ફીણમાંથી શ્વાસ,
ઊંડા ઊંડા શ્વાસ ભરી ફૂંક મારી ખાસ;
તાળીઓના ગડગડાટ વગાડતું ડેક
                                 એક પછી એક.

શેમ્પેઈનનો કોર્ક ખૂલ્યો ચારેબાજુ ફીણ,
અંધકારે ઓગળતું માણસ નામે મીણ;
પળનું આ તુચ્છ પ્યાદું, આપે મને ચેક 
                                 એક પછી એક.

મ્હોરાંઓની ચાલ ગઈ, રહી ગયાં ખાનાં
અમળાઈ – ચિમળાઈ ફૂલ રડે છાનાં;
‘હવે ફરી નહી રમું’, એવી લેતાં ટેક 
                                  કાપ્યાં કરું
                                  ખાધાં કરું
                                  બર્થડેની કેક
                                  એક પછી એક.

– ચિનુ મોદી

એક પછી એક જતા વર્ષોની સાખે વર્ષગાંઠની કેક ખાતા ખાતા આ ગીત વાંચવા જેવું છે. સમયના ‘ચેક’ સામે કોઈનું ચાલતું નથી. માણસ એવું મઝાનું પ્રાણી છે કે સમય સામેની રમતમાં જ્યારે એક વધારે પ્યાદું (એટલે કે એક વધારે વર્ષ) ખતમ થઈ જાય, ત્યારે એ ‘કેક’ કાપીને એની બેધડક ઊજવણી કરે છે !

Comments (8)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૩

ગુજરાતી ગઝલમાં મૃત્યુ વિષયક શેરોનું સંકલન કરવા બેસીએ તો એક આખું પુસ્તક તૈયાર થઈ જાય. બેફામ અને મનોજ ખંડેરિયા પછી આજે આ ત્રીજું સંકલન ચિનુ મોદીનું છે. એક જ વિષય પર અલગ અલગ કવિના અંદાજ-એ-બયાં માણવાની તો મજા છે જ પણ એક જ કવિના એક જ વિષય પરના અલગ અલગ અંદાજ-એ-બયાંની મજા પણ ઓર જ છે…

*

તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.

ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.

અંતે નક્કી મોત જ છે,
એ મારગ પર ચાલું હું ?

ભીંત વચ્ચેથી સોંસરું પડશે –
મોતનું સ્હેજ પણ વજન ક્યાં છે ?

મોતને ‘ઈર્શાદ’ ક્યાં પુછાય છે ?
આંતરેલા જીવની આપો વિગત !

મોતની સમજણ ન આવી કામ કૈં,
જ્યાં નિકટ આવ્યું કે થરથરતો રહ્યો.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી !
મોતનો પણ એક મોભો હોય છે.

કોણ, ક્યારે, કેમ આવે જાય છે !
જિંદગી કે મોત ક્યાં સમજાય છે !

શ્વાસ છોડ્યો તો સમય છૂટી ગયો,
તાંતણો કેવો હતો ? તૂટી ગયો.

જીરવી લેવું પડે છે શ્વાસનું ખૂટલપણું
કોણ નક્કી મોતની ફરિયાદ દર જન્મે કરે ?

મોત પણ મારી નથી શક્તું હવે ‘ઈર્શાદ’ને,
એ જીવી શક્તો હવે સંભારણાના નામ પર.

શ્વાસ સાથેની રમતમાં હે મરણ,
સ્હેજ ધીમું ચાલજે, માદરબખત.

દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!
એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?!

જીવ પર ભીંસ વધતી ગઈ દેહની –
શ્વાસની આ રમત હોય તો હોય પણ.

જણસ જેમ હું જાળવું દેહ વચ્ચે
અને જીવનું ક્યાંક બીજે વતન છે.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

Comments (8)

અંગત અંગત : ૧૧ : વાચકોની કલમે – ૦૭

લયસ્તરોના નિયમિત વાચક દીપક પરમારની કવિતા માટેની લગન અને કાવ્યમાર્ગની સફર વિશે બે’ક વાતો:

*

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગુજરાતી કાવ્યો સાથે મારો લગાવ શાળાના દિવસોથી શરૂ થયો, આ લગાવ પાછળ પણ એક સરસ વાત જોડાયેલી છે.  મને યાદ નથી કે  ‘પર્વતને નામે પથ્થર’ ( ચીનુ મોદી) ગઝલ કયા ધોરણના પાઠ્યપુસ્તકમાં આવી હતી પણ જે દિવસે મેં આ ગઝલ પહેલી વાર વાંચી, બસ વાંચતો જ રહ્યો અને ત્યાર પછી જ્યારે પણ નવા ધોરણમાં પ્રવેશ કરતો ત્યારે સૌ પ્રથમ ગુજરાતીની ચોપડી લઈ બધા જ કાવ્યો અને ગઝલ પહેલાં દિવસે જ વાંચી જતો.

આમ તો વ્યવસાયે હું સૉફટવેર એન્જીનીઅર છું એટલે આખો દિવસ મારે કમ્પ્યૂટર જોડે માથાકૂટ કરવાની હોય. એક દિવસ અચાનક હુ “લયસ્તરો” વેબ સાઇટ ઉપર જઈ ચડ્યો અને પછી તો તે રોજની દિનચર્યા થઈ ગઈ. બસ આમ જ એક દિવસ એક કવિતાના અભિપ્રાય રૂપે મેં મારી એક કવિતા  મૂકી.  થોડા દિવસો પછી મને સુરેશભાઈ જાની તરફથી મેલ આવ્યો કે મારી કવિતા એ એમના બ્લોગ ઉપર મૂકવા ઇચ્છે છે. મારે મન તો આ ભાવતુ હતુ અને વૈદ્યે કહ્યું જેવો ઘાટ હતો. બસ, પહેલી વાર મને વિશ્વાસ થયો કે આ નવા નિશાળિયાનુ લખાણ પણ બ્લોગ ઉપર મૂકી શકાય. અને, થોડા સમય પછી મેં મારો પોતાનો બ્લોગ શરુ કરવાની હિંમત કરી અને શરૂ થઈ એક નવી જ સફર… ચિનુ મોદીની એ કવિતા, લયસ્તરો અને…

– દીપક પરમાર

Comments (9)

(સૂર્યનું પુષ્પે ઝિલાતું બિંબ છું) -ચિનુ મોદી ‘ઇર્શાદ’

સૂર્યનું પુષ્પે ઝિલાતું બિંબ છું,
હું દૂભાતું, કોચવાતું બિંબ છું.

તું સપાટી પર મને શોધ્યા ન કર,
પાણીમાં તળિયે લપાતું બિંબ છું.

સાવ સામે ક્યાં જરૂરી હોઉં છું ?
હું અરીસામાં મઢાતું બિંબ છું.

કેમ અટકી જાઉં છું કોને ખબર ?
રાત પડતાં ખોટકાતું બિંબ છું.

કાયમી માયા ગઈ ‘ઇર્શાદ’ની,
તીક્ષ્ણ પળથી ઘસાતું બિંબ છું.

(27/9/2008)

-ચિનુ મોદી ‘ઇર્શાદ’

આજે ચિનુકાકાને ‘વલી’ એવોર્ડ મળવા જઈ રહ્યો છે ત્યારે આજે એમની આ ગઝલ માણીએ…

લયસ્તરોનાં વાચકો માટે ચિનુકાકાનો ખાસ સંદેશ:

‘વલી ‘ ગુજરાતી ગઝલ એવોર્ડ ૨૦૧૦ જયારે ૨૮ મી ઓક્ટોબર નાં રોજ સાંજે ૭ વાગે મને મળવા જઈ રહ્યો છે ત્યારે હું આપ સૌને આમંત્રિત જ નહિ પરંતુ ઇચ્છિત ગણું છું. આપ સૌ ત્યાં હાજરી આપી ને આ એવોર્ડ ને વધુ ગૌરવભેર બનાવશો. સ્થળ – ભાઈકાકા હોલ , લો-ગાર્ડન , અમદાવાદ.

શ્રી ચિનુકાકાને લયસ્તરો.કૉમ, ઊર્મિસાગર.કોમ અને ટહુકો.કૉમ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ…

Comments (16)

ગઝલ -ચિનુ મોદી ‘ઇર્શાદ’

નામ તારું કોઈ વારંવાર લે,
તું ખરો છે કે તરત અવતાર લે.

આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું ?
તું કહે તો થાઉં ખુશ્બોદાર, લે.

તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.

હાથ જોડી શિર નમાવ્યું; ના ગમ્યું ?
તું કહે તો આ ઊભા ટટ્ટાર, લે.

શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર ?
તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.

બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
આ ફરી પાછો ફર્યો હુંકાર, લે.

એ કહે ‘ઈર્શાદ, ઓ ઈર્શાદજી’
ને હતો હું કેવો બેદર્કાર, લે.

(૨૪/૪/૨૦૦૭)

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

ચિનુકાકાની ગઝલોમાં મને હંમેશા અનોખી ખુમારી જોવા મળે છે.  આજે પણ વધુ એક ખુમારીવાળી ગઝલ, એમનાં તાજેતરમાં પ્રગટ થયેલાં ગઝલસંગ્રહ ‘ખારાં ઝરણ’ માંથી.

ચિનુકાકાને એમનાં જન્મદિવસે એમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ… આ જ ગઝલસંગ્રહમાંની એક બીજી ઇર્શાદ-ગઝલ આપ સૌ અહીં માણી શકો છો.

Comments (13)

(ચાલ, થોડો યત્ન કર) – ચિનુ મોદી ‘ઇર્શાદ’

chinu-modi-yatna-kar(આગામી કાવ્યસંગ્રહની એક કૃતિ કવિનાં પોતાના હસ્તાક્ષરમાં લયસ્તરો માટે)

છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કાંધ પરથી હે કીડી ! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

થોડા વખત પહેલા અહીં ન્યુ જર્સીમાં યોજાયેલા ‘સર્જક સાથે સાંજ’ દરમ્યાન ચિનુભાઈને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું.  થોડા સમયમાં ચિનુભાઈનો કાવ્યસંગ્રહ ‘ખારા ઝરણ’ પ્રકાશિત થનાર છે, જેમાંની ઘણી ગઝલો એ કાર્યક્રમમાં સાંભળવા મળી અને અહીં મૂકવાની મંજૂરી પણ.  થોડી ગઝલોમાંથી પસાર થતા એમની આ ગઝલ મને જરા વધુ ગમી ગઈ.  ‘હિમ્મતે મર્દા તો મદદે ખુદા ‘ પ્રકારનાં ભાવવાળી આ ગઝલનાં બધા શે’રો આપણને હાથ પકડીને બેઠા અને ઊભા કરે છે.  સડક સીધી હોય કે ન હોય પરંતુ મનુષ્ય જો થોડો પ્રયત્ન કરે તો એના પર જરૂર દોડી શકે છે.  બીજો શેર મને ખૂબ જ અદભૂત અને પોતીકો લાગ્યો છે.  જેને મેં મારી રીતે અનુભવ્યો છે. ખાસ કરીને ત્યારે, જ્યારે કવિતાસર્જનમાં mental BLOCK જેવું અનુભવાતુ હોય.  કવિતાનો સ્વભાવ પણ કદાચ નદી જેવો જ છે, એની મેળે ખળખળ વહેવાનો.  થોડો વખત એ ‘થીજી’ જાય તો ભલે, પરંતુ સ્વભાવ અનુસાર એ જરૂર અનુસરવાની અને બરફ તોડીને ફરી જરૂર વહેવાની… 🙂

Comments (22)

ચિનુ મોદી

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.

એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.

સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!
ઓસના ફૂલોમાં કંપારી નથી.

દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.

-ચિનુ મોદી

ચિનુ મોદીની ગઝલોનો પોતીકો જ અવાજ છે. એમના શેર જેટલા સરળ ભાસે છે એટલા જ એ ઊંડા પણ હોય છે.  ચિનુભાઈ ગઝલ નથી લખતા, જિંદગી લખે છે માટે જ એમના શેર દરેકને પોતાની અત્મકથાના પાનાં જેવા લાગે છે. એ સાચી વાત કરે છે અને ચેતવે પણ છે કે આ વાતો સાચી છે એટલે એ સારી હોવાની શક્યતા ઓછી છે. સત્ય તો હંમેશા કાંટાળુ જ હોવાનું અને આ દુર્યોધનોની દુનિયામાં સાચું બોલવું એ સમજદારી પણ તો નથી…

Comments (11)

એકાંતનો સિક્કો – ચિનુ મોદી

સાવ ખાલીખમ સમયનો સામનો ક્યાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને
બે ય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ, પણ
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

પાંદડાં ઝાકળ વિખેરે, ડાળ પણ નિર્મમ થતી,
કોઈને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને
શેષ વધતો ટુકડો આકાશનો ક્યાંથી ગમે ?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

ખાલીપણા અને એકલતાના બોજની વ્યથાનો બોજ ઊઠાવીને ચાલતી આ ગઝલ વાંચતા અંદર કશું તડાક્ તૂટતું અનુભવાય છે. ઓળંગી ન શકાય એવા એકાંતની વાત કવિએ કેવી ઋજુતાથી કરી છે! આ એક એવી એકલતા છે જ્યાં ડાબે-જમણે ગમે ત્યાં વળો, એકાંત ને એકલતા સિવાય બીજું કંઈ જ નથી.

Comments (8)

કેમ છો ? – ચિનુ મોદી

                                               કેમ છો ? સારું છે ?
દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ
આમ  જ  પૂછવાનું  કામ  મારું  છે ?
કેમ છો ? સારું છે ?

અંકિત  પગલાંની  છાપ  દેખાતી  હોય
અને મારગનું નામ ? તો કહે: કાંઈ નહીં,
દુણાતી   લાગણીના   દરવાનો   સાત
અને દરવાજે કામ ? તો કહે: કાંઈ નહીં;
દરિયો  ઉલેચવાને  આવ્યાં  પારેવડાં
ને  કાંઠે  પૂછે   કે   પાણી  ખારું  છે ?
કેમ છો ? સારું છે ?

પાણીમાં   જુઓ   તો   દર્પણ  દેખાય
અને  દર્પણમાં  જુઓ  તો  કોઈ નહીં,
‘કોઈ નહીં’ કહેતામાં ઝરમર વરસાદ
અને  ઝરમરમાં  જુઓ તો કોઈ નહીં;
કરમાતાં   ફૂલ  જેમ ખરતાં  બે  આંસુઓ
ને   આંખો  પૂછે  કે  પાણી  તારું છે ?
કેમ છો ? સારું છે ?

– ચિનુ મોદી

કવિ એવી અવસ્થાની વાત કરે છે કે જ્યાં કોઈ ખરો રસ્તો કે ખરી લાગણી બતાવે નહીં, ને કામ લાગે એવો સહારો પણ આપે નહીં અને પૂછે રાખે ‘કેમ છો ? સારું છે ?’ અંદરનો ખાલીપો જોઈને આંખ ભરાઈ આવે ત્યારે પોતાને એવો સવાલ થાય, આ આસું ખરેખર મારાં છે ? – આ ખાલીપાની ચરમસિમા છે. પણ આ બધા અર્થવિસ્તાર કોરે મૂકી ગીતને ખાલી બે વાર મોટેથી વાંચી જુઓ – ગીતની ખરી મઝા તો એમા છે !

Comments (8)

આપણી યાદગાર ગઝલો : ૧૪ : પર્વતને નામે પથ્થર- ચિનુ મોદી

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’  (જન્મ: 30 સપ્ટેમ્બર, 1939)

ચિનુ મોદીની યાદગાર ગઝલ વિશે વિચારવાનું થાય તો ક્ષણાર્ધનાય વિલંબ વિના આ ગઝલ માનસપટ પર ઉભરી આવે. ખુદ ચિનુ મોદી ‘પ્રતિનિધિ ગુજરાતી ગઝલો’ના સંપાદનમાં આ તસ્બી ગઝલનું ચયન કરે છે. આંસુ ઉપર નખનો ઘસરકો પડવાનું કલ્પન એ કદાચ ગુજરાતી ગઝલમાં નજાકતનું એવરેસ્ટ શિખર છે. ગઝલના મિજાજને અનુરૂપ બે આવર્તનવાળા લયાત્મક છંદ (ગાગાલગા લગાગા X 2)ની પસંદગી, અને હમરદીફ-હમકાફિયા સ્વરૂપમાં ઘુંટાતો ચિનુ મોદીનો નવી ગઝલનો ઘેઘૂર અવાજ આ ગઝલને વધુ ને વધુ આસ્વાદ્ય બનાવે છે…

Comments (12)

મુક્તક – ચિનુ મોદી

બંધ આંખે હેતુ વાંચો છો તમે
રેતી દેખી સેતુ બાંધો છો તમે
સાત પગલાં ચાલવા છે એટલે
સાવ ટૂંકો પંથ માંગો છે તમે

– ચિનુ મોદી

Comments (2)

આકાશ – ચિનુ મોદી

આકાશ દયાળુ છે
નહીંતર
આપણે માટે
ધગધગતો સૂરજ,
કાતિલ ઠંડકથી
દઝાડતો ચંદ્ર
છાતીએ ચાંપે ?
વરસાદ માટે
છાતીમાં કાણાં શું કામ પાડે ?
અને આપણી
આડોડાઈ તો જુઓ:
આપણાં પર પડતાં
તમામ દુઃખોનો દેનારો ક્યાં ?
એમ પૂછાય ત્યારે
આપણે આંગળી
તો
આકાશ સામે જ ચીંધીએ છીએ.

-ચિનુ મોદી

એક સાવ જ સરળ છતાં મનનીય કવિતા…

Comments (7)

ના કરે – ચિનુ મોદી

વાયુને હંફાવવા બળ ના કરે,
એ સુંગધી છે, કદી છળ ના કરે.

પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.

સ્વપ્નને સંકેલવાની બાબતે,
ઊંઘતો માણસ ઉતાવળ ના કરે.

ખૂબ ઘેરી ને ગહન છે લાગણી,
એ ઝરણની જેમ ખળખળ ના કરે.

ક્રોધ તો કરતો નથી ‘ઈર્શાદ’, પણ;
ના ગમે તો વાત આગળ ના કરે.

– ચિનુ મોદી

મારો સૌથી ગમતો શેર – ખૂબ ધેરી ને ગહન છે લાગણી,/ એ ઝરણની જેમ ખળખળ ના કરે ! અને છેલ્લો શેર પણ સરસ થયો છે. ગઝલમાં ગહન રૂપકોને બદલે રોજબરોજની ઘટનાઓનો પડઘો દેખાય એ સચ્ચાઈ અને તાજગીની પણ મઝા છે.

તા.ક. : આ ગઝલ પરથી પ્રેરણા લઈને પંચમ શુક્લે લખેલી ચિનુ મોદીને અંજલી આપતી રચના અહીં જુઓ.

Comments (8)

દુહા – ચિનુ મોદી

લાખ મથીને રાખતો દિવસે જેને શાંત,
રાતે છાપો મારતું ડંખીલું એકાંત;

એક સમે ક્યારેક ને આજે બારે માસ,
આંસુ ઝાંઝર પ્હેરતાં નખ નાખે નિશ્વાસ;

રાત મળી સરખી છતાં હું કેવો લાચાર,
તું પહેરે છે ચાંદની હું ઓઢું અંધાર;

આંસુને વરસાવશું નાહક ના મૂંઝાવ,
એક નદી નિપજાવશું જેને બન્ને કાંઠે નાવ;

સૈયર, કેવી પ્રીત આ ને કેવો આ સંગાથ ?
આંખો તો થાકી ગઈ ને આંસુ સારે હાથ.

-ચિનુ મોદી

વિરહ અને પરિણામે જન્મતા ‘ડંખીલા’ એકાંતની પીડા કવિના હાથમાંથી સરતા આંસુ બનીને અહીં આ પાંચ દુહાઓમાં કાગળ પર ઉતરી આવી છે. દિવસ આખો દુન્યવી બાબતોમાં વ્યસ્ત રહી એકાંતને ખાળ્યા કરો તો એ રાતના નીરવ અંધારામાં કેવા ડંખ સાથે છાપો મારે છે! પ્રિયજનની અનુપસ્થિતિમાં આજે બારેમાસ આંસુની જ છમ-છમ સંભળાયા કરે છે એ વાતની સાથે કવિ નખના નિશ્વાસને સાંકળી લે છે. શું અભિપ્રેત હશે અહીં કવિને? છૂટી ગયેલા સગપણને કવિ ‘આંગળીથી નખ છેટાં’ના સંદર્ભે જોવા માંગે છે કે શું? (આંસુ અને નખને સાંકળી લેતી ચિનુ મોદીની જ બીજી પંક્તિ, આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની અહીં તરત જ યાદ આવી જાય છે!) એક તરફ કવિ પાસે કદાચ (!) બંને કાંઠે જન્મતા મૂંઝારાનો ઈલાજ પણ છે તો બીજી તરફ રડી-રડીને અને રાહ જોઈ-જોઈને થાકી ગયેલી આંખની અવેજીમાં જે હાથમાં બીજા હાથનો સંગાથ ક્યારેક હતો એ ‘હાથ’ને રડતો બતાવી વિરહ-વેદનાને ખાસ્સી ધાર કાઢી આપે છે…

Comments (2)