ગઝલ – ચિનુ મોદી
આ સ્મરણ પણ અજાયબ ચીજ ન્હૈં ?
ત્રાટકી પડનાર કોઈ વીજ, ન્હૈં ?
આટલો મબલખ અહીં અંધાર છે
ભૂલથી વાવ્યું હશે મેં બીજ, ન્હૈં ?
જળકમળવત્ લેખતો હું જાતને –
પાણીમાં પધરાવી દઉં આખી જ, ન્હૈં ?
કેમ દેખાયો નહીં હોવા છતાં ?
આડી આવી જાત પોતાની જ, ન્હૈં ?
જ્યાં બિરાજે એ જ ડાળી કાપતો
આપનો ‘ઈર્શાદ’ આ નાચીજ, ન્હૈં ?
– ચિનુ મોદી
મજાની ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય. પણ મારું મન ગઝલની રદીફ પર અટકી ગયું – “ન્હૈં” ?! શિષ્ટ ગુજરાતીમાં ‘નહિ’ લખીએ તો પણ છંદ યથાવત્ જ રહે છે તો પછી આ શબ્દપ્રયોગ જ કેમ ? જો તળપદી ભાષાનો આ પ્રયોગ હોય તો આખી ગઝલમાં અન્યત્ર એ દેખાવી ન જોઈએ ?
સુનીલ શાહ said,
November 6, 2014 @ 3:10 AM
સરસ ગઝલ.
જોકે, તમારી ફૂટનોટ વાંચી તે પહેલાં મને પણ “ન્હૈં” ?! વિશે પ્રશ્ન થયો હતો.
વિવેકભાઈ તમારો પ્રશ્ન વાજબી છે.
સંદીપ ભાટિયા said,
November 6, 2014 @ 4:23 AM
અહીં પ્રયોગ તળપદી ભાષાનો નહીં પણ બોલચાલની ભાષાનો થયો છે જેના ભાગરૂપે ‘ન્હૈ’ વપરાયો છે એમ મને લાગે છે.
વિવેક said,
November 6, 2014 @ 7:40 AM
@ સંદીપ ભાટિયા:
શક્ય છે…
Manish V. Pandya said,
November 6, 2014 @ 9:39 AM
“નહીં” કે “ન્હૈં ? કોઈ પણ શબ્દ લખી શકાય કે ન્હૈં ?
આપણને તો ગઝલ ગમે તો મજા આવે કે ન્હૈં ?
Shah Pravinachandra Kasturchand said,
November 7, 2014 @ 4:31 PM
શું વાત છે,ન્હૈં?
Sudhir Patel said,
November 7, 2014 @ 8:39 PM
છેલ્લી બે કૉમેંટ પરથી નથી લાગતું કે એ બોલચાલની ભાષાના લ્હેકા રૂપે વપરાયો છે?
સુધીર પટેલ.
વિવેક said,
November 8, 2014 @ 2:16 AM
@ સુધીર પટેલ :
શક્ય છે….