આપણો વહેવાર જૂઠો, આપણી સમજણ ગલત,
લાગણીમય તોય છે તારી રમત, મારી રમત.
− ચિનુ મોદી

ઈર્શાદગઢ : ૦૭ : આખ્યાનકાવ્ય: કાલાખ્યાન – ચિનુ મોદી

chinu modi aakhyan

કડવું – ૦૧

મંગલાચરણ

ઋષિ જુએ કે દશરથસુતને
ક્ષણ ના પડતું સુખ રે
જુએ પાદુકા, લસલસ રુએ
ચિંતાઘેર્યું મુખ રે

સંગમસ્થાને કુંવર ગયા,
ત્યાં ત્રણ નદીઓનાં પાણી રે
ગંગા ન્હાતા, જમના ન્હાતા
પણ, ત્રીજી તરછોડે જાણી રે

ઋષિ કહે કે ‘કુંવર તમે આ આવું કરતા કેમ જી?
ત્રિવેણીમાં સ્નાન કરે, તેનું હૈયું ટાઢ હેમ જી!
કુંવર કહેઃ ‘ગંગામાં ન્હાઉં; સ્નાન કરું જમનામાં જી!
ત્રીજીને શું અંગ અડાડું? ના સ્નાન કરું સપનામાં જી!
મને નહિ, આખી નગરીને દુઃખ અપાવ્યું કેવું જી!
એવી નદીનાં વ્હેણે ન્હાવું? સરસ્વતી એ સેવું જી!

વલણ
રસની છાલક છોળ ઉડાડી કહું કથા સાંભળજો રે
રસનો ભંગ કરાવે એવા સેલ ફોન અવગણજો રે.

કડવું – ૦૨

આરંભે શુભ કામનાં, ગૌરીપુત્ર ગણેશ રે
ઝળહળતાં કરજો હવે, ગૂઢ ચિત્તનો દેશ રે.

કડવું – ૧૧

વાંસ જેમ છાતી ફાટે ને હીબકે ચઢતી જાય
ઈન્દ્રાણીને કહે વિષ્ણુ: ‘ક્યાં કાળગતિ પરખાય?
કાળગતિને વેદ ન પામ્યા; પામ્યા નથી પુરાણી,
વશમાં એના સૌ વર્તે છે, કમળા શું, બ્રહ્માણી!’

કડવું – ૧૨

કલ્પી લો કે બંધ પડ્યું છે ઘરનું એક ઘડિયાળ રે
ડાયલ પરના બે કાંટાની અટકી હરણાં ફાળ રે
ચાવી આપ્યે યંત્ર ચાલતું; થયો સમય સૂચવવા રે
ડાયલ પરના બે કાંટાને તરત પડે ફેરવવા રે
કાળકૃપા જ્યાં પૂરી થાય
વૃદ્ધત્વ વપુમાં વ્યાપી જાય.
મુખ પર કરચલીઓનું જાળું, આંખ ગઈ બે ઊંડી રે
હાથ અને પગની ચામડીઓ, લબડ્યે લાગે ભૂંડી રે.
અન્ય જોઈને, નિજને જુએ; એથી નારી ચૂપ રે
કોઈ નથી કહેતું કે ખોયું; ક્ષણમાં કેવું રૂપ રે.

કડવું – ૧૬

એક જ ક્ષણમાં દેવભૂમિ પર અંધરું કાળું ધબ
સાવ અચાનક રંગભૂમિ પર, વીજળી ઝબાક ઝબ
ઉષઃકાળની વેળા ટાણે રક્તિમ છે આકાશ;
રથમાં સાતે અશ્વ જોડવા અરુણ પકડતા રાશ.

કડવું – ૧૮

વૈશંપાયન એણી પેરે બોલ્યા: સુણ જનમેજય જંત રે
બધી કથાનો ક્યારે આવે, કલ્પ્યો એવો અંત રે

ફલશ્રુતિ

કાળપ્રભુની કથા કહી તે જે સાંભળશે લોક રે
કાળ કરે તે કરવામાં નહિ હરખ ધરે, ના શોક રે

– ચિનુ મોદી

ઉમાશંકર જોશી પાસે ચિનુ મોદીને પ્રેમાનંદ ભણવા મળ્યા. ચિનુભાઈ કહે છે, ‘પ્રેમાનંદના આખ્યાનોમાં રહેલું નાદતત્ત્વ કાવ્યકારક કેવી રીતે બને છે, કઈ રીતે દૂધમાં સાકર ઓગળે એમ અલંકાર ઓગળે છે, આખેઆખી ગુજરાતી ભાષા આ કવિ કઈ રીતે ખપ લગાડે છે – એના ભેદ તો કવિશ્રી ઉમાશંકર જોશીએ જ ચીંધી બતાવ્યા.’ ગુજરાતી ભાષાના સર્વકાલિન શ્રેષ્ઠ ‘વન મેન થિએટર’ પ્રેમાનંદના અમર આખ્યાનોમાં ગુજરાતી ભાષાનું સ્વરૂપ બદલાયું અને આજની ગુજરાતી સામાન્ય લોકો સુધી પહોંચી.

લગભગ સાડી ત્રણસો વર્ષ પહેલાંના પ્રેમાનંદનું આખ્યાન ચિનુ મોદી ‘કાલાખ્યાન’માં પુનર્જીવિત કરે છે. આખ્યાનના ઘટકતત્વો જેવા કે કડવું, વલણ, મંગલાષ્ટક, ફલશ્રુતિ વગેરેનો સુપેરે પ્રયોગ કરીને સેલફોન જેવા નવા સંદર્ભો લઈને પુરાણકથાવસ્તુની મદદથી સમય-કાળનો મહિમા કરે છે.

શરૂઆત રામના વનવાસ બાદ વ્યથિત ભરત ત્રિવેણીસ્નાન કરતી વેળા સરસ્વતીમાં નહાવાનું ટાળે છે ત્યાંથી થાય છે. આખ્યાન ચાલતું હોય ત્યારે સેલ ફોન અવગણવાની ચીમકી આપીને કવિ બીજા કડવાથી આખ્યાન પ્રારંભે છે.

દ્વાપર યુગ પૂરો થતાં ઈન્દ્રને સ્વર્ગ છોડવાનું થાય છે પણ સ્વર્ગના એશોઆરામ ત્યજવા મન તૈયાર નથી. બીજી તરફ ઈન્દ્રાણીને નવો ઈન્દ્ર મળે એ વિષયની મથામણ બંને પતિ-પત્નીના મનમાં છે. પુરુષસહજ માનસિક્તાવાળો ઈન્દ્ર પત્નીનો પ્રેમ અને સંવેદના સમજી શકે એમ નથી. વિષ્ણુ ઈન્દ્રાણીને કાળની અકળ ગતિ સમજાવે છે. કાળગતિને વેદ કે પુરાણ પણ પામી શક્યા નથી તો આપણું શું ગજુ? કાળકૃપા પૂરી થઈ નથી કે વૃદ્ધત્વ વ્યાપ્યું નથી. અંતે ફલશ્રુતિરૂપે કવિ કહે છે કે જે લોકો કાળની આ કથા ધ્યાનથી સાંભળશે એ લોકો કાળ કહે તે નિઃસ્પૃહભાવે, હરખ-શોક અનુભવ્યા વિના કરશે…

અઢાર કડવાં (પ્રકરણ)માં વહેંચાયેલ આ “કાલાખ્યાન”ના કેટલાક કડવાંમાંથી કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે..

Leave a Comment