મારે નહીં ? – ચિનુ મોદી
હોય મારો એક હિસ્સો ને મને મારે નહીં ?
એ કુહાડી છે, અલ્યા ! એ વૃક્ષને કાપે નહીં ?
ખૂબ તરસ્યું વૃક્ષ, જૂનું ને જરઠ, પાછું બરડ;
છો નમેલું હોય પણ ઊખડી જવા માંગે નહીં.
એ બધા અડબંગ માણસની જવા દે વાત તું –
ઇચ્છતા જે છાંયડો, પણ, વૃક્ષને વાવે નહીં.
આ ભવે એ વૃક્ષનો અવતાર પામેલો હતો –
મૂર્ખ છે કે પાંદડાના પ્રેમને જાણે નહીં !
જીવવાનો અર્થ સમજાયો હતો ઈર્શાદને
વૃક્ષ પંખી થાય ત્યારે જીવ એ બાળે નહીં.
– ચિનુ મોદી
આ પાંચેપાંચ શેરમાં કવિ શું ફક્ત વૃક્ષની જ વાત કરી રહ્યા છે ? કે પછી…
સંબંધોમાં થતા ઘા, અવસ્થા આવવા છતાં મમત પકડીને બેસી રહેતું વૃદ્ધત્વ, ફળની કામના પણ કર્મની તૈયારી નહીં, જાત સાથેની વિસંવાદિતતા અને અંતે જિંદગીને સમજી શક્નાર એકાદ સુખી જીવ – આ ગઝલના હજી તો ઘણા અર્થ નીકળી શકે એમ છે… આપનું શું કહેવું છે?
rajul b said,
February 11, 2012 @ 3:32 AM
સુંદર ગઝલ..
કૃતિ નો વિવેકજી એ સ-રસ આસ્વાદ કરાવ્યો..સ્વાદ બમણો થઈ ગયો..
kanu yogi said,
February 11, 2012 @ 4:48 AM
સરસ ગઝલ, મનને અને હ્રુદયને સ્પર્શી ગઈ,…
r c parekh said,
February 11, 2012 @ 9:05 AM
ખુબ જ સરસ પણ છેલિ પન્કતિ મા “થાય” ની જ્ગ્યા એ “જાય” શબ્દ ન આવે? કદાચ ટાઈપ ની ભુલ છે.
Chandresh Thakore said,
February 11, 2012 @ 11:23 AM
વિવેક્ભાઈઃ સરસ. મારા હિસાબે ચિનુભાઈ “વ્રુદ્ધત્વ્”ની નહીં પણ માનવજીવનની બધી જ અવસ્થાઓની વાત કરે છે. “ઇચ્છતા જે છાંયડો, પણ, વૃક્ષને વાવે નહીં.” અને “મૂર્ખ છે કે પાંદડાના પ્રેમને જાણે નહીં !” એ પંક્તિઓ એની પ્રતીતિ છે.
Darshana Bhatt. said,
February 11, 2012 @ 1:54 PM
અર્થ્સભર ગઝલ્.કર્મ મુજબ ફલ તો હિન્દુસન્સ્ક્રુતિમુલ્મા ચે.
urvashi parekh said,
February 11, 2012 @ 9:29 PM
સરસ અને અર્થસભર રચના.
M.D.Gandhi, U.S.A. said,
February 13, 2012 @ 9:13 PM
“ઇચ્છતા જે છાંયડો, પણ, વૃક્ષને વાવે નહીં”
બહુ સરસ સમજવાની વાત છે. બધાને બીજાનો લાભ લેવો છે પણ કોઈને મદદ ન કરવી તેના જેવી વાત છે.
pragnaju said,
February 14, 2012 @ 12:49 AM
આ ભવે એ વૃક્ષનો અવતાર પામેલો હતો –
મૂર્ખ છે કે પાંદડાના પ્રેમને જાણે નહીં !
ખરી વાત