June 28, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
એક આવી સ્ટેજ વચ્ચે મીણબત્તી ગોઠવે છે,
એક (ધીમેથી): ‘અહીં એકાંત જાણે ઘૂઘવે છે!’
ને હવા કણસ્યા કરે છે ફેફસાંમાં (આંખ મીંચી),
લ્યો કહે છેઃ ‘આ બધું તો યુગે-યુગે સંભવે છે!’
બે (અચાનક આવતાં): ‘લોહી જેવું શું બળે છે?
બંધ કમરાને (હસે છે) ધુમાડો ભોગવે છે!
એક (મુઠ્ઠી વાળતાં): ‘રાહ જોવાની છે કોની?
(સ્હેજ ચાલી) છાપ પગલાંની સમય ક્યાં સાચવે છે?
બે (અચાનક ભીંત પાસે જઈ): ‘મને તું છોડી દે,
કાલના કરમાયલા સ્પર્શો હજી તો ટેરવે છે!
‘હું નથી તો કેમ પડછાયો લઈ કેડે ફરે છે?’
‘સાંભળે છે? (એક પાસે જઈ) વિહંગો કલરવે છે!’
એક (બોલે છે સ્વગત): ‘આકાશમાંના હે પિતા!’
—બે ત૨ફ ધારીને જુએ, મીણબત્તી હોલવે છે!
– નયન દેસાઈ
જીવનના સુનિશ્ચિત અર્થની શોધ અને અસ્તિત્ત્વની દેખીતી નિરર્થકતા અને અનિશ્ચિતતા – આ બે અંતિમોમાંથી કોઈ એક તારતમ્ય સુધી પહોંચવાની મનુષ્યજાતની ખેવનામાંથી જે સાહિત્ય સર્જાયું એને આપણે એબ્સર્ડ સાહિત્ય કહીએ છીએ. સમજણના પ્રદેશની બહારનું વિષયવસ્તુ, અસંગત અર્થહીન સંવાદો, વાસ્તવથી વિમુખતા, જીવનની અર્થહીનતા બાબતનો વ્યંગ વગેરે એના પ્રાણ છે. એબ્સર્ડ સાહિત્યનો હેતુ નિરર્થકમાંથી અર્થ શોધી બતાવવાનો નથી, પણ આપણને આ બાબતમાં વિચારતા કરવાનો છે… આપણી ચેતનાને ઝંકોરીને એ આપણને અસ્તિત્ત્વ બાબતે વિચારવા મજબૂર કરે છે.
નયન દેસાઈએ સાહિત્યના શક્ય કોઈ આયામને સ્પર્શવાનું કદાચ બાકી નથી રાખ્યું. પ્રસ્તુત એબ્સર્ડ નાટ્યગઝલ એનું એક ઉમદા ઉદાહરણ છે. અહીં બે પાત્રો છે –એક અને બે. એક આવીને સ્ટેજ વચ્ચે સળગતી મીણબત્તી ગોઠવે છે. (મીણબત્તી સળગતી છે એ બીજી વ્યક્તિના સંવાદ ઉપરથી આપણને ખબર પડે છે.) સ્ટેજ ઉપર બીજું કોઈ નથી, એટલે એને એકાંત ઘુઘવતું હોવનું અનુભવાય છે. હવા ફેફસામાં કણસતી લાગે છે, પણ આમાંનું કશું નવીન નથી. યુગો-યુગોથી આ જ હાલત હોવાની વાત ગીતાનો સંદર્હ લઈ કવિએ કેવી પ્રભાવક રીતે કરી છે એ પણ જોવા જેવું છે. બીજું પાત્ર સ્ટેજ પર આવતાં જ સળગતી મીણબત્તીની ગંધમાં એને લોહી જેવું કશુંક બળતું હોવાનું અનુભવાય છે. બંધ કમરામાં એકત્ર થયેલ ધુમાડાના રાજને એ જે રીતે રજૂ કરે છે એ પણ અદભુત છે. આખી ગઝલ સમજી શકાય એવી પણ છે, અને આખી ગઝલમાંથી શબ્દે શબ્દે અનિશ્ચિતતા અને નિરર્થકતા ટપકતી પણ અનુભવાય છે. સરવાળે, લાંબા સમય સુધી મનોમસ્તિષ્ક પર ભરડો જમાવી રાખે એવી ગઝલ આપણને સાંપડી છે.
*******
કવિ-તબીબ શ્રી ભાસ્ક્ર વખારિયા તરફથી મજાની પૂરક માહિતી-
સુરતમાં waiting for godot અને happy days નું મંચન દિવંગત ગાંધીસ્મૃતિભવનમાં થયેલું તે પછી ની તરતની આ ગઝલ છે. નાટકો તો સહુએ પોતાની ક્ષમતા મુજબ માણ્યા પણ એ અનુભવમાંથી જે રસાઈને ગઝલરુપે નયનભાઈએ આપ્યું તે લાજવાબ છે….
Permalink
June 27, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, લાલજી કાનપરિયા
વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
જળથી લથબથ કોણ પાડતું સાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
મોરપિચ્છના રંગો પહેરી બાળાવેશે કોણ આંગણે આવે પાછું?
ભીના ભીના ટહુકાઓની છાબ ભરીને કોણ આંગણે લાવે પાછું?
મનને ચડતો હરિયાળો ઉન્માદ રે આ आ आषाढस्य प्रथम दिवसे ?
વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
હસ્તરેખાઓ બધીય જળના રેલા થઈને વહી જાય અચાનક આજે
મેઘધનુ શી રંગીન વાતો પવન કાનમાં કહી જાય અચાનક આજે.
લોહી સોંસરો ઊઠે છે એક નાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
– લાલજી કાનપરિયા
આમ તો આ રચના ગઈકાલે પોસ્ટ કરવી જોઈતી હતી… ગઈ કાલે જ અષાઢનો પહેલો દિવસ ગયો.. કવિ કાલિદાસના મેઘદૂતમાંથી ‘आषाढस्य प्रथम दिवसे’ પસંદ કરીને કવિએ કેવું સ-રસ ગીત આપ્યું છે! કાલિદાસનો યક્ષ એની પ્રિયાના સ્મરણોના વરસાદથી ભીંજાતો હતો, પણ આપના કવિ પોતે કોનાં સ્મરણોના વરસાદથી લથબથ થઈ રહ્યા છે એનો ફોડ પાડવા ઇચ્છતા નથી… આખા ગીતમાં આ ‘કોણ’ને ભાવકોની કલ્પના પર છોદી દઈ કવિએ મજાના વળ ચડાવ્યા છે…
Permalink
June 26, 2025 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ગાથાગીત (બેલડ), મનોહર ત્રિવેદી
પગમાં છડા – વીંછિયાં
હાથીદાંતનાં સોહે કૈંક ઘરેણાં હાથમાં જુવાનજોધ તેજીનાં
પરસેવે રેબઝેબ કાળીડિબાંગ છે અંગેઅંગ
આખો દિ’ ફોરતાં એનાં લૂગડાં મેલાંદાટ ને ભીનાં-
નાનું એવું છાપરું
એકાદ વેંત હશે બસ, આભથી નીચે
પંખી એના દેહને છાંયે ચણતાં
અને પવન કાળાભમ્મર કોરા કેશમાં હીંચે
વાડોલિયાનાં શાકભાજી તરબૂચ-ટેટીને
પેટનાં જણ્યાં જેમ ઉઝેરે
છોકરાંછૈયાં
ઠાવકો ધણી હોય જ્યાં ભેરે
ધોરિયા—વાટે ઉપરથી ઠલવાય છે ધાવણ જેમ
ત્યાં શીળાં નીર ઠેબી*નાં-
રાતનું વાળું તાપણું રેતીપટ ને
ઊલટભેર માંડે નિત ભૂતની વાતો
ઊડતી પવનપાવડી: રૂડી કુંવરી બેઠી…
નીંદરાંનો એમ જોડતી નાતો
સાંધણ-સૂંધણ વાસણ-કૂસણ
નામ હરિનું હોઠમાં રાખી
આવડ્યાં એવાં ભજન કે ચોપાઈ
અધૂરી સેરવે સાખી.
કોઈને જોબનપૂરઃ કોઈને મન એ કામાતુર
કહેતું કોઈ કે એના કંઠથી વહેતા સ્વર ગેબીના –
ચીભડાં વેચી જાણતી
કિન્તુ જાત ના વેચે
હોઠ-શી મીઠી ચીર ચખાડે
નેહથી ઘરાક પારખી આછા સ્મિતને વ્હેંચે-
વગડો વેઠી જાણતી
કદી કોઈનાં વાંકાં વેણ ના વેઠે
એક બલોયાભેર દોંગાના
લોહી-ધધૂડા વાળતી હેઠે
હાટને ઓટે નવરા ડોસા મૂછમાં હસે
નકટા નાગા નિલજા થાતા દોટ મૂકીને ઘરભેગીના –
પગમાં છડા- વીંછિયાં
હાથીદાંતનાં સોહે કૈંક ઘરેણાં હાથમાં જુવાનજોધ તેજીનાં…
– મનોહર ત્રિવેદી
અંગ્રેજી કાવ્યપરંપરામાં બેલડ યાને કથાકાવ્યોની બહુ મોટી અને સમૃદ્ધ પરંપરા છે. આપણે ત્યાં આ પરંપરામાં કામ તો થયું છે પણ મોટા પાયે નહીં. આ રચના વિશુદ્ધ કથાકાવ્ય નથી, પણ ગીત અને કથાકાવ્યની સરહદ પર ટટ્ટાર ઊભી છે. ચીભડાં વેચતી પણ જાત કદી ન વેચતી ગરીબ તેજીના ખુમારીભર્યા જીવનને કવિએ લયબદ્ધ ચિતાર કવિએ આપ્યો છે. ગરીબમાં ગરીબ માણસની મોટામાં મોટી મૂડી છે એનું સ્વાભિમાન અને ઈજ્જત… વગડો વેઠીને અને ચીભડાં વેચીને માંડ માંડ બે છેડા ભેગી કરતી તેજી પર ગામ આખાની નજર છે… કોઈને એ જોબનથી ભરીભરી લાગે છે તો કોઈને કામાતુર… પણ એ એક નજરમાં એના ઘરાકની નિયત પારખીને પોતાનો પાલવ બચાવી રાખે છે…
(* ઠેબી= અમરેલી જિલ્લાની એક નદીનું નામ) .
Permalink
June 21, 2025 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત
વરસાદ ભલે જૂનો આંગડિયો કહેવાય
હું નહીં આપું રે મારી કોઈ અંગત ટપાલ……
ભારેવગાં વાદળાં તો વરસી પડે છાલક છાંટાનો કેટલો આધાર?
ઊંટ ઉપર છેલ્લા તણખલાની જેમ મારે શા માટે મૂકવો કોઈ ભાર?
અરે, છાંટા જેટલોય કોણ રાખે આધાર?
જેની વાયુના સુસવાટે બદલાતી ચાલ!
વરસાદ ભલે જૂનો આંગડિયો કહેવાય
હું નહીં આપું રે મારી કોઈ અંગત ટપાલ……
નહીં ઘરમાં કે બ્હાર ફોતરી ઊંચકે એટલી હવા,
નહીં તડકો નહીં છાંયો વરસે બાફ નીતરે ભવાં.
મુને સંદેશો કહેવાનો ટેમ નથી એટલું
આંખ્યમાંથી વરસે છે વ્હાલ!
વરસાદ ભલે જૂનો આંગડિયો કહેવાય
હું નહીં આપું રે મારી કોઈ અંગત ટપાલ…
– અનિલ જોશી
સામાન્યજન માટે તો વરસાદ એટલે આભેથી વરસે એ પાણી જ માત્ર પણ કવિનો તો વરસાદ પણ અલગ અને વરસાદ સાથેની મગજમારી પણ અલગ. કાલિદાસના મેઘદૂતનો સંદર્ભ કવિના મનમાં રમતો હશે કે કેમ એ તો કવિ જ કહી શકે, પણ વરસાદને જૂના આંગડિયો કહીને કવિ જ્યારે અંગત ટપાલની વાત કરે ત્યારે આપણને તો એ યાદ આવે જ. વાદળ ઘેરાયાં હોય તો ધોધમાર વરસી પડે, પણ છાલક-છાંટા જેવડો નગણ્ય વરસાદ જ પડે તો એનો શો અર્થ! થાકેલા અને વજનથી લદાઈ ગયેલ ઊંટની પીઠ પર છેલ્લે એક તણખલાં જેટલો ભાર પણ વધારાનો મૂકવામાં આવે તો એ ફસકી પડશે. વાયુના સૂસવાટે-સૂસવાટે જેની ચાલ બદલાઈ જાય એવા વરસાદ પર કવિ ઊંટની પીઠે છેલ્લા તણખલાંના ભાર જેટલોય ભરોસો કરવા નથી ઇચ્છતા. આભેથી વરસાદ પડતો ન હોવાના કારણે અને ફોતરી ઊંચકાઈ જાય એટલી હવા પણ ચાલતી ન હોવાથી નર્યો બાફ નીતરી રહ્યો છે. અને વરસાદ હવે પડે તોય એની સાથે મેઘદૂતવાળો સંદેશો મોકલવાનો સમય કવિ પાસે નથી, કેમ કે ખરું ચોમાસું તો કવિની આંખે બેઠું છે…
Permalink
June 20, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, લતા હિરાણી
લે, આ વરસ્યું જળ
વેળ વેળના કાંઠા તોડી ધોધમાર ખળખળ
લે, આ વરસ્યું જળ…
બુંદ—બુંદ, ના ફોરાં-વાછટ, આવ્યું અનરાધાર
વહેળા, નદીયું બે કાંઠે ને ભમ્મરિયા મોઝાર
દોડે, કૂદે, વહે છલકતું કહેતું આવી ભળ
લે, આ વરસ્યું જળ..
દદડે ભાલ પરે ને નેવાં ખોબે ખોબે ખળકે
લથબથ નીતરતા તન પરથી ચળક ચાંદની ચળકે
રહી રહી આકાશ તાગવા ઊંચું થાતું જળ
લે, આ વરસ્યું જળ…
– લતા હિરાણી
કેટલીક રચના પહેલી જ નજરમાં ભાવકને વશીભૂત કરી લે એવી હોય છે. આ ગીત જુઓ… વરસાદ વિશે આપણે ત્યાં સેંકડો કવિતાઓ થઈ હશે, પણ આ ગીત એ તમામની પંગતમાં છાતી કાઢીને મોખરે બેસી શકે એવું બળુકું થયું છે. સાવ જ સરળ અને સાહજિક બાની, નિરવરુદ્ધ પ્રવાહી લય, કદલાઘવ અને સુઘટ્ટ ભાવનિર્વહનના કારણે ગીત ચિરસ્મરણીય બન્યું છે. બે દિવસ પહેલાં ભાવનગરમાં ચોવીસ કલાકમાં દસ ઈંચ પાણી ખાબક્યું હતું ત્યારે જે પરિસ્થિતિ થઈ હશે, એવી જ પરિસ્થિતિ અહીં ચિત્રાંકિત થઈ છે. કાવ્યાંતે પાણીની સપાટી ઊંચી આવતી જાય એ ઘટનાને જળ જાણે આકાશ તાગવા ઊંચું ન થતું હોય એ રૂપક સાથે જોડવામાં આવ્યું હોવાથી ગીતત્વ એની ચરમસીમાએ પહોંચે છે.
Permalink
June 19, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જતીન બારોટ
ઢોલ વગડાવી લાપશીના મૂકો આંધણ, ગોળધાણે મોઢું તે કરો એઠું
કે આજ હવે ચોમાસું બેઠું.
હવે મારી જેમ ખેતરને હાશ થશે હાશ,
અને કૂવાને ઓડકાર આવશે.
કાગળની હોડી ને અબરખની કોડી,
એવા તે દિવસો એ લાવશે.
આભ ફાટીને આજ પડ્યું હેઠું.
કૂવા તો ઠીક હવે બેડાંની સાથસાથ,
નમણી વહુવારુઓ ધરાશે.
બેડાં નહીં ને તું ભીંજવશે છોરીઓ,
તરસ્યા તે છોકરાઓ થાશે.
વરસે છે મધ જેવું મેઠું.
– જતીન બારોટ
સહેજ પણ તરસ ન હોય ત્યારે પાણીની કિંમત શૂન્ય થઈ જાય. નિસર્ગે પણ ઋતુઓની કમાલ ગોઠવણ કરી છે. ચોમાસાને ઉનાળા પછી ગોઠવ્યું છે. ઉનાળાના તાપ-બફારા-ત્રાસ અને પાણીનો અભાવ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે ચોમાસું શરૂ થતું હોવાથી આપણને એની ખરી કિંમત સમજાય છે. એમાંય જેનું જીવન જ ચોમાસા પર નિર્ભર હોય એને ચોમાસું બેસતાં જે આનંદ અનુભવાય એ તો વળી એથીય અદકેરો હોવાનો. એટલે જ કવિ ઢોલ વગડાવી, લાપસીના આંધણ મૂકાવી, ગોળધાણાથી સૌનું મોઢું મીઠું કરાવવાની નેમ ધરાવે છે. ગીતના ઉપાડમાં લય સહેજ ખોરંભાયો હોવાનું પ્રતીત થાય છે, પણ એ સિવાય આખું ગીત સડેડાટ વરસાદના પાણીના રેલાની જેમ દડતું જાય છે. કલ્પન પણ રોજબરોજની જિંદગીમાંથી જ લેવાયા છે, પણ લયબદ્ધ માવજતના કારણે જે પોત બંધાયું છે એ અદભુત છે.
Permalink
June 14, 2025 at 12:30 AM by વિવેક · Filed under લલિત ત્રિવેદી, શેર
ગોત વિનાની બહોત ગઈ… રૂઈ કબી ના જ્યોત ભઈ,
તરસ્વતીમાં ડૂબી નાવ, બહુત ગઈ ને થોડી રઈ!
– લલિત ત્રિવેદી
શેર વાંચતાવેંત ક્લિક થાય કે રહો! આ તો કંઈ અલગ જ ચીજ હાથ ચડી છે. પ્રવર્તમાન ગઝલપ્રવાહથી અને કાવ્યબાનીથી સાવ એટલે સાવ જ નોખી તરી આવતી બાનીમાં લખાયેલ આ શેર ભાવકને ભૂરકી નાંખીને બાંધી દે એવો અદભુત થયો છે. આંગળીના વેઢા પણ વધુ પડતા સાબિત થાય એવા રાજેન્દ્ર શુક્લ, કે હરીશ મીનાશ્રુ જેવા જૂજ કવિઓ જ ગઝલમાં આ પ્રકારની અનૂઠી બાનીનું સંવર્ધન કરીને મનનીય ગઝલો આપી શક્યા છે. આ શેર જેમાંથી જડી આવ્યો છે, એ સંગ્રહનું શીર્ષક ‘અવળી ગંગા તરી જવી છે’ જ Res Ipsa Loquitar (સ્વયંસ્પષ્ટ) છે.
રદીફની દૃષ્ટિએ પણ આ શેર વિશિષ્ટ સિદ્ધ થાય છે. ‘બહુત ગઈ ને થોડી રઈ’ જેવી ઉફરી રદીફ પ્રયોજવી અને એ ચપટી ન પડી જાય એ રીતે નિભાવવી એ બંને સપૂરતા કવિકર્મ વિના સંભવ બને એમ નથી. મહાભારતના યક્ષપ્રશ્નોમાંના એક -દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે-નો જવાબ આપતી વેળાએ યુધિષ્ઠિર કહે છે કે દરેકેદરેક મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત જ હોવા છતાં બધા જ મનુષ્યો એ જ રીતે જીવે છે કે જાણે તે અમર ન હોય, એ સંસારનું સૌથી મોટું આશ્ચર્ય છે. આ સનાતન સત્ય હોવા છતાં જીવનમાં નાનાવિધ તબક્કે આપણને એવું બ્રહ્મજ્ઞાન અવશ્ય થાય છે કે હવે ઝાઝો સમય નથી, સમય ઢૂંકડો આવી ગયો છે. વયના કોઈ એક મુકામ ઉપર આવીને માણસને એમ સમજાય કે જેટલાં ગયાં, એટલાં હવે બાકી રહ્યાં નથી, એવી કોઈક પળે થતી સ્વાનુભૂતિમાંથી આ રદીફ જન્મી છે. એક ગીતની બે કડી આ પળે સ્મૃતિપટલ પર ઝબકે છે:
મારું મારું મારું ક્યાં લગ? બોલ, ત્યાગીશ ને?
ગયાં એટલાં નથી જવાનાં, સંભાળીશ ને?
જેટલી ગઈ એટલી જિંદગી હવે બચી ન હોવાથી આટલા વરસ જેમાં રહ્યા, એ ચામડીની છાંવ છોડીને ઈશ્વરના ધામમાં પાછા ફરવાની તૈયારી કરવાનો સમય હવે સમીપ આવી ઊભો છે એ યાદ કરીને કવિએ જે હાંસિલે-ગઝલ શેર આપ્યો છે એ હવે જોઈએ. સૂર્ય મધ્યાહ્ને હોય ત્યારે માણસ કદી રાત વિશે વિચારતો નથી. જીવનસંધ્યા આકાશને રક્તરંગે ભરી દે અને એ રાતાશ પણ કાલિમામાં પલોટાવું આદરે છે…ક ત્યારે જઈને મનુષ્યને જીવન, જીવનના હેતુ, ઈશ્વર, ભવાટવિના ફેરા અને મોક્ષની કામના વગેરેનું સ્મરણ થાય છે. અન્યથા માનવી જિંદગીભર જાનીવાલીપીનારા બની જ રહેતો હોય છે. જીવનનૈયાની મતિ ને ગતિ સરસ્વતીના બદલે આજીવન તરસ્વતીમાં, તરસમાં જ ડૂબેલ રહી હોવાથી જે પરમતત્ત્વની ગોત કરવી જોઈએ એ આપણે કરતાં નથી. પરિણામે જીવતરનું રૂ કદી જ્યોત બનવા નથી પામતું. જે રીતે પથ્થરનો ઉદ્ધાર પગથિયું બનવામાં છે એ જ રીતે રૂનો ઉદ્ધાર પણ જ્યોત બનવામાં છે. રુદિયાનું રૂ જ્યોત બને તો જ્ઞાનનો દીવો થઈ ઝળહળી શકે. સ્વયં માટે અને અન્યો માટે પણ પથપ્રદર્શક બની શકાય. પણ આ ન કરી શકાયાનો અહેસાસ જ્યારે આપણને થાય છે ત્યારે તો જિંદગીનું નાકું આવી ગયું હોવાથી વિશેષ કશું હાંસિલ કરવા માટેનો સમય જ બચ્યો નથી હોતો.
ગોત-બહોત-જ્યોત, ગઈ-રૂઈ-ભઈ-ગઈ-રઈ જેવી આંતર્પ્રાસાવલિ શેરને upper edge (શીર્ષ-સ્થાન) આપે છે. આ પ્રકારની આંતર્પ્રાસ-સાંકળી કવિનો વિશેષ પણ છે. કવિએ સરસ્વતીના સ્થાને તરસ્વતી શબ્દ કોઈન કરીને ઉમદા કવિકર્મસામર્થ્યની સાહેદી પણ પૂરી છે. સરસ્વતી કુંવારી નદી છે, એના નસીબમાં સાગર સાથેનો સંયોગ લખાયો નથી. એ રણમાં જ લુપ્ત થઈ જાય છે. સરસ્વતીની જેમ જ તરસ્વતી પણ અંતહીન છે. જીવનનાવ આજીવન હજારો પ્રકારની તરસમાં જ ડૂબેલી રહેતી હોવાથી જ્ઞાન કે પ્રકાશના કિનારાઓ આપણને નસીબ થતા નથી એ વાત તરસ્વતી જેવા નવ્યશબ્દની મદદથી જેટલી અસરદાર થઈ શકી છે, એટલી સરસ્વતીથી ન જ થઈ શકી હોત. બીજો એક સંદર્ભ સર્જકોની આરાધ્યદેવી વિદ્યાદેવી સરસ્વતીનો પણ અહીં ખૂલે છે. આ સંદર્ભ ગોત અને જ્યોતની વાત સાથે પણ સુસંગત છે.
ગિરનારી છાંયે બેસી અલગારી છાંટણાં ઝીલીને લખાયો હોય એવો આ શેર છે.
– વિવેક મનહર ટેલર
Permalink
June 13, 2025 at 12:30 AM by વિવેક · Filed under રઈશ મનીયાર, શેર
આમ લખવું કરાવે અલખની સફર,
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં.
– રઈશ મનીઆર
કોઈ સારા સર્જકે સર્જનક્રિયા વિશે સર્જન ન કર્યું હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. આમ તો દરેક કળાકાર સર્જનહાર જ હોય છે, પણ કવિને તો સવિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. અગ્નિપુરાણમાં તો કવિને પ્રજાપતિ બ્રહ્મા જ ગણવામાં આવ્યો છે. ‘अपारे काव्यसंसारे कविरेव प्रजापतिः।’ જાણીતા ગઝલકાર અને ગઝલપ્રશિક્ષક રઈશ મનીઆરે પણ સર્જનપ્રક્રિયાને સર્જનહાર સાથે સાંકળી મજાનો શેર સર્જ્યો છે. કવિ કહે છે કે લખવાની ક્રિયા શબ્દનો બંદો શબ્દની મદદથી શબ્દમાં પરત ફરે એવી અલખની મુસાફરી કરાવે છે.
મૂળ સંસ્કૃત ‘અલક્ષ્ય’ પરથી ‘અલક્ષ’, ‘અલક’ અને એ રીતે અપભ્રંશ થતાં ‘અલખ’ શબ્દ સર્જાયો છે. ‘લક્ષ્’ એટલે જોવું પણ અને ધ્યાનમાં આવે એવું પણ. ‘ય’ એટલે લાયક. ‘અ+લક્ષ્ય’ એટલે જોઈ ન શકાય એવું (અદૃશ્ય) પણ અને સમજી ન શકાય એવું (અગોચર) પણ. જેને જોઈ કે સમજી ન શકાય એ નિરાકાર પરમાત્માને આપણે અલખ યાને બ્રહ્મ કહીએ છીએ. ઈશ્વર ઈશ્વરની મુલાકાત લે એવી આ વાત થઈ, પણ રહો. આ બે પંક્તિના દેવાલયમાં ત્રીજો ઈશ્વર પણ સામિલ છે. કવિ શબ્દને સાધે છે અને શબ્દ જ એનું આ માટેનું સાધન પણ છે. વૈદિક વાઙ્મયથી લઈને આજ સુધી આપણે ત્યાં શબ્દને બ્રહ્મ ગણવામાં આવ્યો છે. ભર્તૃહરિએ તો ‘વાક્યપદીય’માં શબ્દની બ્રહ્મ તરીકે વિગતવાર પ્રતિષ્ઠા કરી છે:
अनादिनिधनं ब्रह्म शब्दतवायदक्षरम् ।
विवर्तते अर्थभावेन प्रक्रिया जगतोयतः॥
શબ્દરૂપી બ્રહ્મ અનાદિ, અવિનાશી અને અ-ક્ષર છે, તથા એની વિવર્ત પ્રક્રિયાથી જ આ વિશ્વનો અનુભવ થાય છે. શબ્દબ્રહ્મ સૌનું મૂળ કારણ પણ છે અને અંતિમ વાસ્તવિક્તા પણ એ જ છે. શબ્દનો બંદો કવિ કાવ્યસર્જનની ક્ષણે બ્રહ્મની સમકક્ષ ગણાય છે. મતલબ શબ્દનો બંદો શબ્દમાં પરત ફરે છે. બ્રહ્મમાંથી જ સર્જાયેલ બ્રહ્મના અંશ જેવા આપણે શબ્દબ્રહ્મની સાધના કરીએ છીએ એ વેળાએ સાક્ષાત્ બ્રહ્મત્વ પામતા હોવાથી એમ કહી શકાય કે ઈશ્વરનો અંશ શબ્દયાનમાં બેસી ઇહલોકથી પરલોકની મુસાફરી કરી પુનઃ ઈશ્વરમાં એકાકાર થઈ ગયો. શબ્દ આ રીતે શબ્દના બંદાને અલખની સફર કરાવે છે.
જે રીતે ‘અક્ષર’ને અ-ક્ષર (અવિનાશી) તરીકે પણ જોઈ શકાય એ જ રીતે ‘અલખ’ શબ્દમાં પણ ‘ન લખ’ વાંચીએ તો એ વિરોધાભાસ શેરને વધુ રોચક બનાવે છે. કબીરના દોહાઓમાં પણ બે’ક જગ્યાએ આવો શબ્દપ્રપંચ જોવા મળે છે: ‘अलख निरंजन लखै न कोई’ તથા ‘अलख न जाई लखिया.’ વળી ‘લખ’વું અને અ’લખ’માં જોવા મળતી અનુસારી વ્યંજનક્રીડા પણ આસ્વાદ્ય છે. આ પ્રયુક્તિ અનાયાસ યોજાઈ ગયેલ પણ જણાતી નથી, કેમકે આ જ ગઝલમાં કવિએ આ તરકીબ એકાધિકવાર અજમાવી છે- “આ અનુ’નય’ વિ’નય’ શું સતત શબ્દમાં,” “આવે એક લખ’લખું’, થાય એને ‘લખું’,” “ઓગળ્યો ‘વખ’ સરીખો ‘વખ’ત શબ્દમાં.”
છંદ ગઝલ લખવા માટેનું અનિવાર્ય ઉપાદાન ખરું, પણ છંદ ગઝલનો ભાવ પ્રકટાવવામાં સહાયક પણ બને ત્યારે સોને પે સુહાગા અનુભવાય. કાન્તના ‘સાગર અને શશી’ ગીતમાં દરિયાના મોજાંની આવજાવને ચાક્ષુષ કરવામાં ઝૂલણા છંદ જે રીતે ખપમાં લેવાયો છે, એ જ રીતે અહીં મુત્દારિક છંદના ગાલગા ગાલગાના આવર્તન પણ સર્જકની લખથી અલખ અને અલખથી લખ વચ્ચેની આવનજાવનને તાદૃશ કરવામાં બખૂબી મદદગાર સિદ્ધ થયા છે.
– વિવેક મનહર ટેલર
Permalink
June 12, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીતિન પારેખ
એક પીંછું પાંખથી સરકી પડ્યું,
ને ફરી છાના સ્વરે પંખી રડ્યું.
યાદ આવ્યાં વેણ ને વચનો બધાં,
ત્યાં જ સૂની આંખથી આંસુ દડ્યું.
સાંભર્યું જ્યાં વૃદ્ધને શૈશવ જરા,
જળ પછી નેવાંનું મોભારે ચડ્યું.
ક્યાંક આંખોની શરમ નડતી રહી,
ક્યાંક થોડું સ્વાર્થનું સગપણ નડ્યું.
માંહ્યલા નામે નિરંતર એક જણ,
રોજ મારી જાતની સામે લડ્યું.
– નીતિન પારેખ
સરળ-સહજ-આસ્વાદ્ય…
Permalink
June 7, 2025 at 12:30 AM by ઊર્મિ · Filed under અછાંદસ, વિપિન પરીખ
જેના હાથમાં આપણે
દિવસે અને રાતે, કૂદકે ને ભૂસકે,
મોટા થયા
તે
આપણા જ હાથમાં
ક્ષણે ક્ષણે, સંકોડાતી સંકોડાતી
નાની થતી જાય
અને એક દિવસ
ડૂસકાં ભીના ખાલી હાથ
પાછળ મૂકી
અલોપ થઈ જાય.
– વિપિન પરીખ
માખણના લોંદામાં છરી ઉતરી જાય એમ વાંચતાવેંત આપણી સોંસરવી ઉતરી જતી નાનકડી રચના…
Permalink
June 6, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, મનહર જાની
ખેતરને શેઢેથી ખૂટી લીલાશ
. અને ખીજડાનું મન થયું ખાલી
સુગરીના માળામાં સૂનમૂનતા મેલીને
. કલરવતા દન ગયા હાલી.
થાંભલાની જેમ સ્થિર ઊભો વખત
. નથી પાંદડુંય હલતું કે ચલતું
ઝાંખરામાં ઝરડાતી તેતરની પાંખ
. નથી ધોરિયાનું નામે ઊકલતું
ચાડિયાએ સંકેલ્યું વાદળિયું આભ
. અને પીળું વેરાન ગયું ફાલી… ખેતરને શેઢેથી…
અધખેડ્યાં ખેતરમાં આળોટે આમ-તેમ
. તડકાનાં નાગોડિયાં છોરાં
રાફડાની કોરમોર ઊંઘે બોલાશ
. લઈ બપોરી વેળાનાં પોરાં
થોરિયાની વાડ મહીં બેઠો સૂનકાર
. સાવ પંડ્ય હેઠ પડછાયો ઘાલી… ખેતરને શેઢેથી…
– મનહર જાની
આમ તો ચોમાસાના ડાકલાં વાગવાં શરૂ થઈ ગયાં છે, પણ ગરમી તો હજીયે ત્રાહિમામ પોકારાવે એવીને એવી જ પડી રહી છે. પણ આવી કાળઝાળ ગરમીમાં પણ સરસ કવિતા વાંચવા મળે તો રુદિયે ટાઢક થઈ જાય… જુઓ, આ ગીત… આખું ગીત જ અદભુત થયું છે. અધખેડ્યાં ખેતરમાં તડકાના નાગુડિયાં છોકરાંઓ આળોટતાં હોય એ કલ્પન કેવું જીવંત થયું છે! ભરબપોરે પડછાયા ન દેખાય એ વાતને કવિએ થોરિયાની વાડ ખુદનો પડછાયો ખુદમાં સંતાડીને બેઠી હોવાના રૂપકથી તાદૃશ કરી દેખાડે છે. બપોરે પડછાયો નહિવત થઈ જાય એ મુજબનું કલ્પન મનોહર ત્રિવેદીના બે ગીત – ‘પંખી બેઠું ડૂંડે’ તથા ‘તડકા! તારાં તીર’ –ની યાદ અપાવે છે.
Permalink
June 5, 2025 at 10:55 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ
રાત પડે ને અંધકારના વડલે થાય સવાર,
સૂનકારની બખોલમાંથી બિડાલ આવે બ્હાર.
સાત સમુંદર સૂતા, એના હોઠે આછાં હાસ,
ભીતરના મોતીનો એમાં ઝીણો તરે ઉજાસ!
વનનાં કાળાં ઊંડાણ, એને પેટે પ્રસવ્યાં પ્રેત!
રાતા ભડકે ભયનાં વાદળ વરસ્યા કરે સચેત.
નીંદરનાં જલ શ્યામલ એમાં સરે સ્વપનના દીપ;
અંતર ઝાકઝમાળ, ઊઘડી તારલિયાની છીપ.
ગળું હવાનું ઘૂંટી ઘૂંટી ઘુવડ બોલે ઘૂક!
ઘરનો દીવો ઓળાઓને માર્યા કરતો ફૂંક!
અવાજની લૈ સોય વીંધતાં દિશા દિશાના કાન,
તમરાં આખી રાત મૌનનું વીંધ્યા કરે નિશાન.
અસ્તાચળથી ગબડયો સૂરજ, એની તીણી ચીસ,
આખી રાત દિયે પડઘાથી અંતરાલને ભીંસ.
– ચંદ્રકાન્ત શેઠ
રાતના નાનાવિધ આયામોને અજવાળતું કેવું મજાનું ગીત! અંધકારના વડલે સવાર થાય એ કલ્પનથી જ કવિ ભાવકહૃદય જીતી લે છે. મનગમતી ચોકલેટને આપણે જે રીતે જલ્દી ખૂટી ન જાય એ રીતે ધીમે ધીમે ચૂસીએ એ રીતે હળવે હળવે માણવા જેવી આ રચના છે.
(બિડાલ = બિલાડો)
Permalink