(ચોમાસું બેઠું) – જતીન બારોટ
ઢોલ વગડાવી લાપશીના મૂકો આંધણ, ગોળધાણે મોઢું તે કરો એઠું
કે આજ હવે ચોમાસું બેઠું.
હવે મારી જેમ ખેતરને હાશ થશે હાશ,
અને કૂવાને ઓડકાર આવશે.
કાગળની હોડી ને અબરખની કોડી,
એવા તે દિવસો એ લાવશે.
આભ ફાટીને આજ પડ્યું હેઠું.
કૂવા તો ઠીક હવે બેડાંની સાથસાથ,
નમણી વહુવારુઓ ધરાશે.
બેડાં નહીં ને તું ભીંજવશે છોરીઓ,
તરસ્યા તે છોકરાઓ થાશે.
વરસે છે મધ જેવું મેઠું.
– જતીન બારોટ
સહેજ પણ તરસ ન હોય ત્યારે પાણીની કિંમત શૂન્ય થઈ જાય. નિસર્ગે પણ ઋતુઓની કમાલ ગોઠવણ કરી છે. ચોમાસાને ઉનાળા પછી ગોઠવ્યું છે. ઉનાળાના તાપ-બફારા-ત્રાસ અને પાણીનો અભાવ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે ચોમાસું શરૂ થતું હોવાથી આપણને એની ખરી કિંમત સમજાય છે. એમાંય જેનું જીવન જ ચોમાસા પર નિર્ભર હોય એને ચોમાસું બેસતાં જે આનંદ અનુભવાય એ તો વળી એથીય અદકેરો હોવાનો. એટલે જ કવિ ઢોલ વગડાવી, લાપસીના આંધણ મૂકાવી, ગોળધાણાથી સૌનું મોઢું મીઠું કરાવવાની નેમ ધરાવે છે. ગીતના ઉપાડમાં લય સહેજ ખોરંભાયો હોવાનું પ્રતીત થાય છે, પણ એ સિવાય આખું ગીત સડેડાટ વરસાદના પાણીના રેલાની જેમ દડતું જાય છે. કલ્પન પણ રોજબરોજની જિંદગીમાંથી જ લેવાયા છે, પણ લયબદ્ધ માવજતના કારણે જે પોત બંધાયું છે એ અદભુત છે.


જયેશ ભટ્ટ said,
June 19, 2025 @ 1:00 PM
વાહ
જયેશ ભટ્ટ said,
June 19, 2025 @ 1:00 PM
મસ્ત ગીત
જયેશ ભટ્ટ said,
June 19, 2025 @ 1:02 PM
વરસાદના વધામણનું સુંદર ગીત,
Shailesh Gadhavi said,
June 19, 2025 @ 1:45 PM
Wah wahhh
Varsha Prajapati said,
June 19, 2025 @ 1:48 PM
સરસ કવિતા છે. મજા પડી.
વ્રજેશ મિસ્ત્રી said,
June 19, 2025 @ 3:40 PM
વાહ
Poonam said,
June 20, 2025 @ 9:27 AM
કાગળની હોડી ને અબરખની કોડી, mast !
– જતીન બારોટ
Aaswad 👌🏻
Sejal Desai said,
June 20, 2025 @ 4:48 PM
વાહ
A said,
July 3, 2025 @ 2:30 PM
મળી શકું હું તમને એવું લાગશે તમને,
સાથે વરસાદને વરસવું ગમશે ત્યારે…!🌧️
– #સાહેબ ⚔️