એક પીંછું – નીતિન પારેખ
એક પીંછું પાંખથી સરકી પડ્યું,
ને ફરી છાના સ્વરે પંખી રડ્યું.
યાદ આવ્યાં વેણ ને વચનો બધાં,
ત્યાં જ સૂની આંખથી આંસુ દડ્યું.
સાંભર્યું જ્યાં વૃદ્ધને શૈશવ જરા,
જળ પછી નેવાંનું મોભારે ચડ્યું.
ક્યાંક આંખોની શરમ નડતી રહી,
ક્યાંક થોડું સ્વાર્થનું સગપણ નડ્યું.
માંહ્યલા નામે નિરંતર એક જણ,
રોજ મારી જાતની સામે લડ્યું.
– નીતિન પારેખ
સરળ-સહજ-આસ્વાદ્ય…


વ્રજેશ said,
June 12, 2025 @ 9:06 AM
વાહ… મોભારો
Kishor Ahya said,
June 12, 2025 @ 2:22 PM
સરળ અને સહજ દેખાતી આ ગઝલમાં નાયકના જીવનનો સાર નિચોડ નાયકે અદ્રશ્ય રીતે રજૂ કર્યો છે એક મોટા ગઝાના કવિ જ આટલી ઊંડાણથી ગઝલ લખી શકે. કવિને સુંદર રચના આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
દરેક મનુષ્ય ના હૃદયમાં એક કોમળ ખૂણો હોય છે આ કોમળ ખુણાની જે વાતો છે એ સીધી રીતે કોઈને કઈ શકાતી નથી પણ ગઝલ જેવા માધ્યમથી એ કોમળ પડછાયો એમાં જરૂર દેખી શકાય છે.
એક પીંછું પાંખથી સરકી પડ્યું,
ને ફરી છાના સ્વરે પંખી રડ્યું.
યાદ આવ્યાં વેણ ને વચનો બધાં,
ત્યાં જ સૂની આંખથી આંસુ દડ્યું.
એક પીછું પાંખોથી સરકી પડ્યું..
જ્યારે કોઈ સ્વજનની વિદાય થાય ત્યારે આવા શબ્દો હોય શકે અને ગઝલની બીજી પંક્તિ એ વાતને અનુમોદન પણ આપતી લાગે, યાદ આવ્યા વેણ ને વચનો બધા.
સાંભર્યું જ્યાં વૃદ્ધને શૈશવ જરા,
જળ પછી નેવાંનું મોભારે ચડ્યું.
વરસાદનું પાણી જે જગ્યાએથી ટપકી જમીન પર પડે તેને નેવાં અને સૌથી ઉપરની જગ્યા જ્યાં લાકડાનો મોટો સ્તંભ મૂકેલ હોય તેને મોભ કહે છે. પાણી મોભ તરફથી નેવાં તરફ જાય , નાયકને તેનું બચપણ યાદ આવી જાય છે, બાળપણની નાનેથી મોટી બધી ખાટી મીઠી વાતો યાદ આવતા કવિ એને પાણી નેવાથી મોભે ચડ્યું કહે છે.
ક્યાંક આંખોની શરમ નડતી રહી,
ક્યાંક થોડું સ્વાર્થનું સગપણ નડ્યું.
આ કડી નાયક ની કોમળ ખુણાની બાબત છે અને તેને સમર્થન આપતો તે પછીનો શેર
માંહ્યલા નામે નિરંતર એક જણ,
રોજ મારી જાતની સામે લડ્યું.
વાહ! ખુબજ મજાના શબ્દો દ્વારા ખૂબ મજાની એક સરસ ગઝલ.
કવિ ગઝલ ઉપરાંત લોક ગીત પણ લખે છે (જુલાઈ ‘૨૧)
કવિ પારેખ ની મે`૨૨ ના બ્લોગ પર મૂકેલ બે પંક્તિ જોતા કવિના હૃદયમાં રહેલી આદ્યાત્મિકતા સ્પષ્ટ દેખાય આવે છે.
એકઠું જે કર્યું તે અંધારું,
વ્હેંચીએ તે પ્રકાશ લાગે છે.
અંધકાર અને પ્રકાશની આવી સુંદર વ્યાખ્યા ભાગ્યેજ કશે જોવા મળશે. એક ધાર્મિક ઉપદેશોનો સારાંશ આ અંધકાર અને પ્રકાશ બે શબ્દોના સારાંશ બરાબર કહી શકાય. વિવેકભાઈ એ આ બે શબ્દોનો આસ્વાદ ખુબજ મજાનો આપ્યો છે.
ડોક્ટર વિવેક ટેલરના શબ્દોમાં,
.
” કામ આવશે એમ કરીને જીવનભર સંચય કરેલ ધનના આપણે ફક્ત ચોકીદાર જ સાબિત થઈએ છીએ. બધું આખરે વંશજો જ વાપરે છે. એટલે જ કવિ કહે છે કે એકઠું કરેલ કશું કામનું નથી. સંચયમાં કોઈ રોશની નથી. પણ જરૂરિયાતમંદને આપવું એ જ વસ્તુનો સાચો ઉપયોગ છે. અન્યોની જરૂરિયાત સંતોષવાનો ઉપક્રમ રાખીએ તો જ નોળિયાનું ડિલ સોનાનું થાય. વહેંચવામાં આવેલી વસ્તુ જ સાચા અર્થમાં વપરાયેલી ગણાય અને કોઈપણ વસ્તુ વપરાય ત્યારે જ એના આવિર્ભાવ પાછળનો ખરો હેતુ ચરિતાર્થ થાય છે. એટલે જ કવિને વસ્તુને વહેંચવામાં પ્રકાશપ્રાપ્તિ દેખાય છે. વળી આ નિયમ સંસારની દરેક ચીજને લાગુ પડે છે… વિદ્યા-જ્ઞાન, પ્રેમ-વફાદારી વગેરેથી માંડીને અન્ન-જળ, સ્થાવર-જંગમ –તમામ માટે કવિનો આ શેર દીવાદાંડી સમો પથપ્રદર્શક બની રહે એમ છે”
વાહ!
🌹🌹
Nitin Parekh said,
June 12, 2025 @ 6:28 PM
શ્રી કિશોરભાઈ, આપશ્રીએ મારી ગઝલનો ખૂબ સરસ રસાસ્વાદ કરાવ્યો છે તે માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ડોકટર શ્રી વિવેક ટેલરે અને તેમની ટીમે આ ગઝલને આપ સૌ સુધી પહોંચાડી તે માટે તેમનો પણ ખૂબ આભાર માનું છું.