હજી પુષ્પ-ઝાકળની કેલિ છે બાકી,
આ સૂરજને કહી દો કે ઊગે ન આજે.
વિવેક ટેલર

તેજી – મનોહર ત્રિવેદી

પગમાં છડા – વીંછિયાં
હાથીદાંતનાં સોહે કૈંક ઘરેણાં હાથમાં જુવાનજોધ તેજીનાં

પરસેવે રેબઝેબ કાળીડિબાંગ છે અંગેઅંગ
આખો દિ’ ફોરતાં એનાં લૂગડાં મેલાંદાટ ને ભીનાં-

નાનું એવું છાપરું
એકાદ વેંત હશે બસ, આભથી નીચે
પંખી એના દેહને છાંયે ચણતાં
અને પવન કાળાભમ્મર કોરા કેશમાં હીંચે

વાડોલિયાનાં શાકભાજી તરબૂચ-ટેટીને
પેટનાં જણ્યાં જેમ ઉઝેરે
છોકરાંછૈયાં
ઠાવકો ધણી હોય જ્યાં ભેરે

ધોરિયા—વાટે ઉપરથી ઠલવાય છે ધાવણ જેમ
ત્યાં શીળાં નીર ઠેબી*નાં-

રાતનું વાળું તાપણું રેતીપટ ને
ઊલટભેર માંડે નિત ભૂતની વાતો
ઊડતી પવનપાવડી: રૂડી કુંવરી બેઠી…
નીંદરાંનો એમ જોડતી નાતો

સાંધણ-સૂંધણ વાસણ-કૂસણ
નામ હરિનું હોઠમાં રાખી
આવડ્યાં એવાં ભજન કે ચોપાઈ
અધૂરી સેરવે સાખી.

કોઈને જોબનપૂરઃ કોઈને મન એ કામાતુર
કહેતું કોઈ કે એના કંઠથી વહેતા સ્વર ગેબીના –

ચીભડાં વેચી જાણતી
કિન્તુ જાત ના વેચે
હોઠ-શી મીઠી ચીર ચખાડે
નેહથી ઘરાક પારખી આછા સ્મિતને વ્હેંચે-

વગડો વેઠી જાણતી
કદી કોઈનાં વાંકાં વેણ ના વેઠે
એક બલોયાભેર દોંગાના
લોહી-ધધૂડા વાળતી હેઠે

હાટને ઓટે નવરા ડોસા મૂછમાં હસે
નકટા નાગા નિલજા થાતા દોટ મૂકીને ઘરભેગીના –

પગમાં છડા- વીંછિયાં
હાથીદાંતનાં સોહે કૈંક ઘરેણાં હાથમાં જુવાનજોધ તેજીનાં…

– મનોહર ત્રિવેદી

અંગ્રેજી કાવ્યપરંપરામાં બેલડ યાને કથાકાવ્યોની બહુ મોટી અને સમૃદ્ધ પરંપરા છે. આપણે ત્યાં આ પરંપરામાં કામ તો થયું છે પણ મોટા પાયે નહીં. આ રચના વિશુદ્ધ કથાકાવ્ય નથી, પણ ગીત અને કથાકાવ્યની સરહદ પર ટટ્ટાર ઊભી છે. ચીભડાં વેચતી પણ જાત કદી ન વેચતી ગરીબ તેજીના ખુમારીભર્યા જીવનને કવિએ લયબદ્ધ ચિતાર કવિએ આપ્યો છે. ગરીબમાં ગરીબ માણસની મોટામાં મોટી મૂડી છે એનું સ્વાભિમાન અને ઈજ્જત… વગડો વેઠીને અને ચીભડાં વેચીને માંડ માંડ બે છેડા ભેગી કરતી તેજી પર ગામ આખાની નજર છે… કોઈને એ જોબનથી ભરીભરી લાગે છે તો કોઈને કામાતુર… પણ એ એક નજરમાં એના ઘરાકની નિયત પારખીને પોતાનો પાલવ બચાવી રાખે છે…

(* ઠેબી= અમરેલી જિલ્લાની એક નદીનું નામ) .

8 Comments »

  1. વ્રજેશ મિસ્ત્રી said,

    June 26, 2025 @ 11:45 AM

    વાહ… વાહ… પેટમાં જણ્યા.. જવાબ નહી… સરસ લય… અને સરસ સંવદના

  2. દિનેશ ડોંગરે નાદાન said,

    June 26, 2025 @ 12:04 PM

    વાહ સુંદર રચના, અભિનંદન મનોહરભાઈ અને વિવેકભાઈ બંને સર્જક‌મિત્રોને.

  3. Kishor Ahya said,

    June 26, 2025 @ 4:53 PM

    “તેજી” કવિ શ્રી મનોહર ત્રિવેદી રચિત કાવ્ય એક ઉત્તમ રચના છે.
    કોણ છે? ક્યાંના છે? ક્યાંથી આવ્યા? ઉતર આપવો મુશ્કેલ.
    ગામડા ગામની નદીઓ, વહેણ જ્યારે શિયાળામાં થોડા સુકાય ત્યારે આ પટ્ટમાં શાકભાજી તરબૂચ ટેટી વગેરે વાવી ફરી વરસાદ આવે ત્યાં સુધી ચાર છ માસ પૂરતો ધંધો કરી લેતી આ પ્રજાતિ , પછી ક્યાં જઈ વસે છે તે કોઈ જાણતું નથી, પણ કવિએ અહીં આ પ્રજાતિની દિનચર્યા બતાવી છે તે આબેહૂબ છે અને તેમાંય તેજીનું જે વર્ણન છે, જાણેકે તેજીનું ચિત્ર દોર્યુ છે!

    કથા કાવ્ય લગભગ સ્વયં સ્પષ્ટ છે. કવીએ સુંદર રૂપકો આપ્યા છે “ધોરિયાં વાટે ઉપરથી ઠલવાય છે ધાવણ જેમ ત્યાં શીળા નીર ઠેબીના” ધોરિયાંમાં વ્હેતા નીર ધાવણ જેમ ઠલવાય છે. વાહ!
    તેજીનો પહેરવેશ, તેનું રહેવાનું, પેટના જણ્યા ની જેમ ઉછેરતા તરબૂચ ટેટી, રાતનું વાળું ને ગામડાંમાં થતી રોજની ભૂતપ્રેતની વાતો, આ બધું કવિએ સહજ ગીતમાં વણી લીધું છે. વાસણ કુષણ કે સૂંધણ વખતે સ્ત્રીઓ હળવે સાદે ગીતો ગાતી હોય છે કવિ કહે છે” નામ હરિનું હોઠમાં રાખી
    આવડ્યાં એવાં ભજન કે ચોપાઈ
    અધૂરી સેરવે સાખી”. કવિ કહે છે આવડ્યા તેવા,અધૂરી સાખી.. જેવુ આવડ્યું તેવુ પ્રભુનું સમરણ..

    “હોઠ-સી મીઠી ચીર ચખાડે”
    વાહ!
    “નેહથી ઘરાક પારખી આછા સ્મિતે વહેંચે”.. વાહ!

    હાટને (ગામડાંની દુકાન) ઓટે નવરા ડોસા મૂછમાં હશે
    નીલજા થાતા ડોટ મૂકીને ઘરભેગીના..
    ગૂઢ અર્થ વાળી આ પંક્તિ ભાવકને વિચારતા કરી, અર્થ ભાવક પર છોડે છે.

    પગમાં છડા – વીંછિયાં
    હાથીદાંતનાં સોહે કૈંક ઘરેણાં હાથમાં જુવાનજોધ તેજીનાં..
    ઉત્તમ રચના ..
    સરસ આસ્વાદ…

    કવિશ્રી મનોહર ત્રિવેદી ની એક સુંદર રચના “પંખી બેઠું ડૂંડે” (માર્ચ ૨૩ )ની એક પંક્તિ
    “જુઓ, સીમને શણગારી છે પતંગિયાંના ઝુંડે
    પંખી બેઠું ડૂંડે” માણવા જેવું ગીત છે.

    🌹🌹

  4. Vijay Parmar said,

    June 26, 2025 @ 10:18 PM

    વાહ.. .. .. ખુબ મજા પડી.

  5. Poonam said,

    June 27, 2025 @ 11:40 AM

    …કિન્તુ જાત ના વેચે ! Dhruv vakya 👌🏻
    – મનોહર ત્રિવેદી

    ઠેબી= અમરેલી જિલ્લાની એક નદીનું નામ Ok aaswad 👌🏻

  6. Pragna Vashi said,

    June 28, 2025 @ 5:02 AM

    કવિ શ્રી મનોહર ત્રિવેદીની ખૂબ સરસ રચના . તેજીનું જીવન અને એનું વર્ણન
    એનું સ્વાભિમાનનું વર્ણન કવિએ આછાં આછાં લસરકે સરસ રીતે મુકી આપ્યું છે .
    લયમાં વહેતી નિતાંત સુંદર રચના.
    કવિને ખૂબ ખૂબ અભિનંદન.
    વિવેકભાઈને પણ સરસ રસાસ્વાદ માટે ખૂબ ખૂબ અભિનંદન.

  7. Varij Luhar said,

    July 3, 2025 @ 11:18 AM

    વાહ.. ખૂબ સરસ.. ભાવનગર ખાતે રેખ્તા આયોજિત કવિ સંમેલનમાં
    કવિશ્રીએ આ ગીત પ્રસ્તુત કરેલ..તેઓના ઘેઘૂર અવાજમાં સાંભળવા ની વાત જ કંઈક ઓર છે

  8. વિવેક said,

    July 3, 2025 @ 2:55 PM

    કવિશ્રી મનોહર ત્રિવેદીનો પ્રતિભાવ:

    પ્રિય વિવેક, ટૂંકી આસ્વાદનોંધ સાથે તેં ‘તેજી’ રચના મૂકી એનો બહુ મોટો આનંદ. મારાં ગમતાં કાવ્યોમાંનું આ એક. કોઈ સ્વીકારે – ન સ્વીકારે, હું ગીત કહેવા પ્રેરાઉં છું. જાણતલ અને માણતલ સ્વરકાર માટે આ રચનાને ગેયસ્વરૂપ આપવું એ કોઈ રીતે પડકાર નથી. જોઈએ, કોઈ સમાનધર્મી મર્મજ્ઞ મળી પણ આવે.

    આવા, જેને આપણે નિમ્નસ્તરના માનવી કહેવા ટેવાયેલા છીએ, એના માટેનો આ પક્ષપાત કહો તો પક્ષપાત, મારી કલમમાંથી ઊતરી આવ્યો એને મારું પરમ ભાગ્ય ગણું છું. આ ગીત આલોચકો માટે નહીં, ભાવકો માટે જરૂર છે. કેટલા સ્વજનોને ગમ્યું, એનું મૂલ્ય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment