જૂનો આંગડિયો – અનિલ જોશી
વરસાદ ભલે જૂનો આંગડિયો કહેવાય
હું નહીં આપું રે મારી કોઈ અંગત ટપાલ……
ભારેવગાં વાદળાં તો વરસી પડે છાલક છાંટાનો કેટલો આધાર?
ઊંટ ઉપર છેલ્લા તણખલાની જેમ મારે શા માટે મૂકવો કોઈ ભાર?
અરે, છાંટા જેટલોય કોણ રાખે આધાર?
જેની વાયુના સુસવાટે બદલાતી ચાલ!
વરસાદ ભલે જૂનો આંગડિયો કહેવાય
હું નહીં આપું રે મારી કોઈ અંગત ટપાલ……
નહીં ઘરમાં કે બ્હાર ફોતરી ઊંચકે એટલી હવા,
નહીં તડકો નહીં છાંયો વરસે બાફ નીતરે ભવાં.
મુને સંદેશો કહેવાનો ટેમ નથી એટલું
આંખ્યમાંથી વરસે છે વ્હાલ!
વરસાદ ભલે જૂનો આંગડિયો કહેવાય
હું નહીં આપું રે મારી કોઈ અંગત ટપાલ…
– અનિલ જોશી
સામાન્યજન માટે તો વરસાદ એટલે આભેથી વરસે એ પાણી જ માત્ર પણ કવિનો તો વરસાદ પણ અલગ અને વરસાદ સાથેની મગજમારી પણ અલગ. કાલિદાસના મેઘદૂતનો સંદર્ભ કવિના મનમાં રમતો હશે કે કેમ એ તો કવિ જ કહી શકે, પણ વરસાદને જૂના આંગડિયો કહીને કવિ જ્યારે અંગત ટપાલની વાત કરે ત્યારે આપણને તો એ યાદ આવે જ. વાદળ ઘેરાયાં હોય તો ધોધમાર વરસી પડે, પણ છાલક-છાંટા જેવડો નગણ્ય વરસાદ જ પડે તો એનો શો અર્થ! થાકેલા અને વજનથી લદાઈ ગયેલ ઊંટની પીઠ પર છેલ્લે એક તણખલાં જેટલો ભાર પણ વધારાનો મૂકવામાં આવે તો એ ફસકી પડશે. વાયુના સૂસવાટે-સૂસવાટે જેની ચાલ બદલાઈ જાય એવા વરસાદ પર કવિ ઊંટની પીઠે છેલ્લા તણખલાંના ભાર જેટલોય ભરોસો કરવા નથી ઇચ્છતા. આભેથી વરસાદ પડતો ન હોવાના કારણે અને ફોતરી ઊંચકાઈ જાય એટલી હવા પણ ચાલતી ન હોવાથી નર્યો બાફ નીતરી રહ્યો છે. અને વરસાદ હવે પડે તોય એની સાથે મેઘદૂતવાળો સંદેશો મોકલવાનો સમય કવિ પાસે નથી, કેમ કે ખરું ચોમાસું તો કવિની આંખે બેઠું છે…


Kishor Ahya said,
June 21, 2025 @ 4:51 PM
‘વરસાદ જુનો આંગળીઓ” શબ્દ કવિ શ્રી અનિલ જોશીએ કાલિદાસના મેઘદૂત પરથી જ ધાર્યો લાગે છે. આપણે જેને પ્રેમ કરતા હોઈએ તેની સાથે ખોટો ગુસ્સો કરી ઘણીવાર તેને સતાવતા હોઈએ છીએ.જ્યાં ખૂબ પ્રેમ હોય ત્યાં થોડી છેડછાડ પણ કરતા હોઈએ છીએ. કવિ અનિલ જોશીને વરસાદ સાથે ખૂબ પ્રેમ છે એટલે અહીં તેઓ વરસાદને છાંટોય વિશ્વાસ રાખી શકું નહી તેમ કહી ખરી ખોટી સંભળાવે છે!
ભારેવગાં વાદળાં તો વરસી પડે છાલક છાંટાનો કેટલો આધાર?
ઊંટ ઉપર છેલ્લા તણખલાની જેમ મારે શા માટે મૂકવો કોઈ ભાર?
નહીં ઘરમાં કે બ્હાર ફોતરી ઊંચકે એટલી હવા,
નહીં તડકો નહીં છાંયો વરસે બાફ નીતરે ભવાં.
પણ છેલ્લે કવિ પોતાના દિલની વાત કહી નાખે છે , સંદેશો મોકલવાનો સમય નથી, મારી આંખમાં તો વ્હાલ વરસે છે.
મુને સંદેશો કહેવાનો ટેમ નથી એટલું
આંખ્યમાંથી વરસે છે વ્હાલ!
વરસાદ ભલે જૂનો આંગડિયો કહેવાય
હું નહીં આપું રે મારી કોઈ અંગત ટપાલ…
સમય નથી એતો ખાલી વાત છે, ખરેખર તો વ્હાલ એજ કવિનો સંદેશો છે. કાવ્યના અન્ય અર્થો પણ હોય શકે છે, મજાનું કાવ્ય છે. વિવેકભાઈ એ આસ્વાદ પણ મજાનો આપ્યો છે.
🌹🌹
Lata Hirani said,
June 22, 2025 @ 9:35 AM
વરસાદ સાથે માથાકૂટ કરતાં કવિએ જે કહેવાનું છે એ કહી જ દીધું છે….
મજાનું ગીત.
લતા હિરાણી
http://www.kavyavishva.com
Varij Luhar said,
June 24, 2025 @ 6:55 PM
વાહ.. ખૂબ સરસ ગીત