સવા શેર : ૧૩ : બહુત ગઈ ને થોડી રઈ! લલિત ત્રિવેદી
ગોત વિનાની બહોત ગઈ… રૂઈ કબી ના જ્યોત ભઈ,
તરસ્વતીમાં ડૂબી નાવ, બહુત ગઈ ને થોડી રઈ!
– લલિત ત્રિવેદી
શેર વાંચતાવેંત ક્લિક થાય કે રહો! આ તો કંઈ અલગ જ ચીજ હાથ ચડી છે. પ્રવર્તમાન ગઝલપ્રવાહથી અને કાવ્યબાનીથી સાવ એટલે સાવ જ નોખી તરી આવતી બાનીમાં લખાયેલ આ શેર ભાવકને ભૂરકી નાંખીને બાંધી દે એવો અદભુત થયો છે. આંગળીના વેઢા પણ વધુ પડતા સાબિત થાય એવા રાજેન્દ્ર શુક્લ, કે હરીશ મીનાશ્રુ જેવા જૂજ કવિઓ જ ગઝલમાં આ પ્રકારની અનૂઠી બાનીનું સંવર્ધન કરીને મનનીય ગઝલો આપી શક્યા છે. આ શેર જેમાંથી જડી આવ્યો છે, એ સંગ્રહનું શીર્ષક ‘અવળી ગંગા તરી જવી છે’ જ Res Ipsa Loquitar (સ્વયંસ્પષ્ટ) છે.
રદીફની દૃષ્ટિએ પણ આ શેર વિશિષ્ટ સિદ્ધ થાય છે. ‘બહુત ગઈ ને થોડી રઈ’ જેવી ઉફરી રદીફ પ્રયોજવી અને એ ચપટી ન પડી જાય એ રીતે નિભાવવી એ બંને સપૂરતા કવિકર્મ વિના સંભવ બને એમ નથી. મહાભારતના યક્ષપ્રશ્નોમાંના એક -દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે-નો જવાબ આપતી વેળાએ યુધિષ્ઠિર કહે છે કે દરેકેદરેક મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત જ હોવા છતાં બધા જ મનુષ્યો એ જ રીતે જીવે છે કે જાણે તે અમર ન હોય, એ સંસારનું સૌથી મોટું આશ્ચર્ય છે. આ સનાતન સત્ય હોવા છતાં જીવનમાં નાનાવિધ તબક્કે આપણને એવું બ્રહ્મજ્ઞાન અવશ્ય થાય છે કે હવે ઝાઝો સમય નથી, સમય ઢૂંકડો આવી ગયો છે. વયના કોઈ એક મુકામ ઉપર આવીને માણસને એમ સમજાય કે જેટલાં ગયાં, એટલાં હવે બાકી રહ્યાં નથી, એવી કોઈક પળે થતી સ્વાનુભૂતિમાંથી આ રદીફ જન્મી છે. એક ગીતની બે કડી આ પળે સ્મૃતિપટલ પર ઝબકે છે:
મારું મારું મારું ક્યાં લગ? બોલ, ત્યાગીશ ને?
ગયાં એટલાં નથી જવાનાં, સંભાળીશ ને?
જેટલી ગઈ એટલી જિંદગી હવે બચી ન હોવાથી આટલા વરસ જેમાં રહ્યા, એ ચામડીની છાંવ છોડીને ઈશ્વરના ધામમાં પાછા ફરવાની તૈયારી કરવાનો સમય હવે સમીપ આવી ઊભો છે એ યાદ કરીને કવિએ જે હાંસિલે-ગઝલ શેર આપ્યો છે એ હવે જોઈએ. સૂર્ય મધ્યાહ્ને હોય ત્યારે માણસ કદી રાત વિશે વિચારતો નથી. જીવનસંધ્યા આકાશને રક્તરંગે ભરી દે અને એ રાતાશ પણ કાલિમામાં પલોટાવું આદરે છે…ક ત્યારે જઈને મનુષ્યને જીવન, જીવનના હેતુ, ઈશ્વર, ભવાટવિના ફેરા અને મોક્ષની કામના વગેરેનું સ્મરણ થાય છે. અન્યથા માનવી જિંદગીભર જાનીવાલીપીનારા બની જ રહેતો હોય છે. જીવનનૈયાની મતિ ને ગતિ સરસ્વતીના બદલે આજીવન તરસ્વતીમાં, તરસમાં જ ડૂબેલ રહી હોવાથી જે પરમતત્ત્વની ગોત કરવી જોઈએ એ આપણે કરતાં નથી. પરિણામે જીવતરનું રૂ કદી જ્યોત બનવા નથી પામતું. જે રીતે પથ્થરનો ઉદ્ધાર પગથિયું બનવામાં છે એ જ રીતે રૂનો ઉદ્ધાર પણ જ્યોત બનવામાં છે. રુદિયાનું રૂ જ્યોત બને તો જ્ઞાનનો દીવો થઈ ઝળહળી શકે. સ્વયં માટે અને અન્યો માટે પણ પથપ્રદર્શક બની શકાય. પણ આ ન કરી શકાયાનો અહેસાસ જ્યારે આપણને થાય છે ત્યારે તો જિંદગીનું નાકું આવી ગયું હોવાથી વિશેષ કશું હાંસિલ કરવા માટેનો સમય જ બચ્યો નથી હોતો.
ગોત-બહોત-જ્યોત, ગઈ-રૂઈ-ભઈ-ગઈ-રઈ જેવી આંતર્પ્રાસાવલિ શેરને upper edge (શીર્ષ-સ્થાન) આપે છે. આ પ્રકારની આંતર્પ્રાસ-સાંકળી કવિનો વિશેષ પણ છે. કવિએ સરસ્વતીના સ્થાને તરસ્વતી શબ્દ કોઈન કરીને ઉમદા કવિકર્મસામર્થ્યની સાહેદી પણ પૂરી છે. સરસ્વતી કુંવારી નદી છે, એના નસીબમાં સાગર સાથેનો સંયોગ લખાયો નથી. એ રણમાં જ લુપ્ત થઈ જાય છે. સરસ્વતીની જેમ જ તરસ્વતી પણ અંતહીન છે. જીવનનાવ આજીવન હજારો પ્રકારની તરસમાં જ ડૂબેલી રહેતી હોવાથી જ્ઞાન કે પ્રકાશના કિનારાઓ આપણને નસીબ થતા નથી એ વાત તરસ્વતી જેવા નવ્યશબ્દની મદદથી જેટલી અસરદાર થઈ શકી છે, એટલી સરસ્વતીથી ન જ થઈ શકી હોત. બીજો એક સંદર્ભ સર્જકોની આરાધ્યદેવી વિદ્યાદેવી સરસ્વતીનો પણ અહીં ખૂલે છે. આ સંદર્ભ ગોત અને જ્યોતની વાત સાથે પણ સુસંગત છે.
ગિરનારી છાંયે બેસી અલગારી છાંટણાં ઝીલીને લખાયો હોય એવો આ શેર છે.
– વિવેક મનહર ટેલર


હર્ષદ દવે said,
June 14, 2025 @ 12:03 PM
વાહ… અદ્ભુત શેર અને અનન્ય આસ્વાદ. બંને સર્જકોને અભિનંદન.
Kishor Ahya said,
June 14, 2025 @ 5:56 PM
ગોત વિનાની બહોત ગઈ… રૂઈ કબી ના જ્યોત ભઈ,
તરસ્વતીમાં ડૂબી નાવ, બહુત ગઈ ને થોડી રઈ!
– લલિત ત્રિવેદી
વાહ!
શું અદ્ભુત શેર આપ્યો છે! આ શેરની નીચે ‘ સંત કબીર ‘ લખ્યું હોય તો કોઈને પણ આશ્ચર્ય ન થાય. આસ્વાદ આપતા વિવેકભાઈ એ ખૂબ કીધું કે,
ગિરનારી છાંયે બેસી અલગારી છાંટણાં ઝીલીને લખાયો હોય એવો આ શેર છે.
મનુષ્યનું જીવન ઈશ્વરે નક્કી કરેલ એક સમય મર્યાદાને આધિન છે. આવો સમય ઘણીવાર ક્યારે વીતી જાય છે તેની ખબર પણ પડતી નથી. આપણે સ્મૃતિઓને તાજી કરીએ; વર્ષો પહેલાની કે નાનપણ ની વાત જાણે ગઈ કાલની જ વાત લાગે! લોકગીત છે ને કે “જોબનિયું આજે આવ્યું ને કાલ જાશે,જોબનિયું કાલે જાતું રહેશે!”
જીવન ઝડપથી જાય છે ,ઉમર વાળા માણસો વાતો કરતા હોય છે હવે ક્યાં કાઢવાના છે , જેટલા કાઢ્યા! પણ કહેવાની મુખ્ય વાત એ છે કે માનવી પ્રભુએ આપેલી આ અમૂલ્ય ભેટનો શો ઉપયોગ કરે છે? બસ એજ વર્તુળ, સંસારની મોહ માયા, ઇચ્છાઓની પૂર્તિ, થોડો પ્રેમ અને ઝાઝી નફરત!
મોટાભાગનો સમય તો જીવનની પ્રાથમિક જરૂરિયાત સંતોષવા, રૂપિયા અર્જિત કરવામા જ પસાર થઈ જાય છે. કોઈક ને વળી ભાગ્યનો સહારો હોય છે પણ ભાગ્યનો સહારો કોને કહેવાય? જેમનો સમય ઈશ્વર પ્રાપ્તિ એટલે કે મોક્ષ પ્રાપ્તિના હેતુ માટે પસાર થાય કે પસાર કરી શકે તે માનવી ભાગ્યશાળી છે, કેમકે આ સિવાયનું તો બધું માયા જ છે. અહીંનું અહીં પડ્યું રહેવાનું છે, ચાહે ધન હોય, પદ, પ્રતિષ્ઠા કે કેટલુંય જ્ઞાન હોય! મૃત્યુ થતા જે સાથે આવવાનું છે એજ આપણું છે અને સાથે શું આવવાનું છે તે જાતેજ ગોતવું પડે . કવિ અહીં એજ વાત કરી રહ્યા છે કે આ શોધ વિનાની જિંદગી બહુ વીતી ગઈ પણ દિવાની વાટ એમની એમજ છે, દીવો પ્રગટ થતો નથી.
કવિ શ્રી હરિહર ભટ્ટનું એક ભજન કઈક આવુજ કહે છે.
“ચાંદો સળગ્યો ,સૂરજ સળગ્યો, સળકી આભઅટારી, ના સળગી એક સગડી મારી ,વાત વિપતની ભારી, મહાનલ! એકજ દે ચિનગારી.’
ગોત જ્ઞાન વિનાની બહોત ગઈ… રૂઈ કબી ના જ્યોત ભઈ,
સગડી કેમ સળગે? દીવો કેમ પ્રગટે? મનુષ્યની એક માત્ર મંઝિલ આજ હોયં શકે. એને પામવાના ઘણા લાંબા ટૂંકા રસ્તાઓ છે, પ્રજ્ઞાવાન કે જેમણે સાક્ષાત્કાર થયો હોય એવા અનેક સાક્ષાત્કાર થયેલા પ્રજ્ઞાવાનો એ મંઝિલ પર પહોંચવા માટેના જુદા જુદા ઘણા રસ્તાઓ બતાવ્યા છે બધી વિગતો દર્શાવવી અહીં શકય નથી, અને બધી જાણકારી હોય પણ નહીં એ સ્વભાવિક છે.
મહાન ઋષિ પતંજલિએ યોગની સાધના ના સૂત્રો આપ્યા છે “ભજ ગોવિંદમ મૂઢ મતે* ભક્તોએ ભક્તિનો માર્ગ બતાવ્યા છે .કૃષ્ણ ભગવાને ગીતામાં જ્ઞાન,ભક્તિ ,કર્મ એવા માર્ગો બતાવ્યા છે, ભગવાન બુદ્ધે મનુષ્યના મનનું વિશ્લેષણ કરી ઈચ્છાઓને સમજવા, મધ્યમ માર્ગ અપનાવવા અને વિપશ્યના જેવા ધ્યાનના માર્ગો બતાવ્યા છે, મહાવીર ભગવાને મૂર્છા તોડવા અને હોશ સાધવા તપ અને સંકલ્પ ની સાધના બતાવી છે, તો વળી લેઓત્સે તો માર્ગ ને જ મંઝિલ બતાવી છે. આપણે આપણો રસ્તો જાતે શોધવાનો છે, ચાહે એ આ પૈકી ના કોઈ રસ્તા હોય કે આ બધાથી અલગજ હોય.
તરસ્વતીમાં ડૂબી નાવ, બહુત ગઈ ને થોડી રઈ!
બસ આકાંક્ષાઑમાં જ જિંદગી પૂરી થઈ જાય છે. કૂવામાં નખાતી એ એવી બાલટી છે જેને તળિયું જ નથીઝ! તેથી એ કદી ભરાતી નથી. વાસના દુષ્પૂર છે.
“માંગ કર લાયેથી ચાર દિન “, બહાદુર શાહ નો શેર છે ને, “દો આરઝુ મે કટ ગયે, દો ઇન્તેઝાર મેં”. મનુષ્યનું મન એવું છે ને કે જે મળી જાય તેની કિંમત રહેતી નથી, અને જે નથી ,તે મેળવવા દોડતું રહે છે. મનનો ઠહેરાવ એ મંઝિલ છે. ચિંત ની એવી અહંકાર શૂન્ય દશા પ્રાપ્ત કરવી તે મંઝિલ છે. સંત કબીર કહે છે “ઘૂઘટ કા પટ ખોલ રે તુઝે પિયા મિલેગે.”
અબ જાગ મુસાફિર ભોર ભઈ!
બહુત ગઈ ને થોડી રઈ.
કવિ શ્રી લલિત ત્રિવેદી ને સરસ રચના આપવા અને વિવેકભાઈને સરસ મજાનો આસ્વાદ આપવા માટે ખૂબ ખૂબ અભિનંદન.
🌹🌹
Jigisha Desai said,
June 14, 2025 @ 7:03 PM
અદ્ભૂત શેર…આસ્વાદ મસ્ત…
જયેશ ભટ્ટ said,
June 14, 2025 @ 10:39 PM
અદ્દભૂત શેર અને આસ્વાદ પણ મસ્ત.અભિનંદન
જયેશ ભટ્ટ said,
June 14, 2025 @ 10:39 PM
અદ્દભૂત શેર અને આસ્વાદ પણ મસ્ત.અભિનંદન…વાહ
જયેશ ભટ્ટ said,
June 14, 2025 @ 10:40 PM
સુંદર શેરનો આસ્વાદ પણ મસ્ત.અભિનંદન…વાહ
Kiran Bhatt said,
June 15, 2025 @ 2:40 AM
This is not regarding any post, but regarding Tahuko.com. That web site has not been updated since December 2024. Why? I hope every thing and every one is OK. Appreciate an update. My best wishes for every one.
વિવેક said,
June 16, 2025 @ 12:12 PM
@ કિરણ ભટ્ટ:
ટહુકો એની શીતનિદ્રા ત્યાગીને ફરી કાર્યરત થાય એ તો હું પણ ઇચ્છું છું… મને આશા છે કે આવનાર બે-ત્રણ વર્ષમાં ટહુકાનો રણકો ફરી ગુજરાતી ગીત-સંગીતના કર્ણપટલ પર નિયમિત સંભળાવા માંડશે… આપનો મેસેજ હું જયશ્રીને પહોંચાડી દઈશ…
Poonam said,
June 18, 2025 @ 1:43 PM
Waah ! Mastaan sheer – Lalit Trivedi ji 🙏🏻
Saraswati- Tarasvati…
Vivek sir ji Adbhut aaswaad…❣️ 😊
Shabnam khoja said,
June 19, 2025 @ 1:01 PM
વાહ વાહ… મસ્ત શેર
સુંદર આસ્વાદ ✨
Varsha L Prajapati said,
June 19, 2025 @ 1:54 PM
તરસવતી જેવો માર્મિક શબ્દ આપે એ જ કવિકર્મ.