આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે, એ વાત આજે જાણી
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ઍબ્સર્ડ નાટ્યગઝલ – નયન દેસાઈ

એક આવી સ્ટેજ વચ્ચે મીણબત્તી ગોઠવે છે,
એક (ધીમેથી): ‘અહીં એકાંત જાણે ઘૂઘવે છે!’

ને હવા કણસ્યા કરે છે ફેફસાંમાં (આંખ મીંચી),
લ્યો કહે છેઃ ‘આ બધું તો યુગે-યુગે સંભવે છે!’

બે (અચાનક આવતાં): ‘લોહી જેવું શું બળે છે?
બંધ કમરાને (હસે છે) ધુમાડો ભોગવે છે!

એક (મુઠ્ઠી વાળતાં): ‘રાહ જોવાની છે કોની?
(સ્હેજ ચાલી) છાપ પગલાંની સમય ક્યાં સાચવે છે?

બે (અચાનક ભીંત પાસે જઈ): ‘મને તું છોડી દે,
કાલના કરમાયલા સ્પર્શો હજી તો ટેરવે છે!

‘હું નથી તો કેમ પડછાયો લઈ કેડે ફરે છે?’
‘સાંભળે છે? (એક પાસે જઈ) વિહંગો કલરવે છે!’

એક (બોલે છે સ્વગત): ‘આકાશમાંના હે પિતા!’
—બે ત૨ફ ધારીને જુએ, મીણબત્તી હોલવે છે!

– નયન દેસાઈ

જીવનના સુનિશ્ચિત અર્થની શોધ અને અસ્તિત્ત્વની દેખીતી નિરર્થકતા અને અનિશ્ચિતતા – આ બે અંતિમોમાંથી કોઈ એક તારતમ્ય સુધી પહોંચવાની મનુષ્યજાતની ખેવનામાંથી જે સાહિત્ય સર્જાયું એને આપણે એબ્સર્ડ સાહિત્ય કહીએ છીએ. સમજણના પ્રદેશની બહારનું વિષયવસ્તુ, અસંગત અર્થહીન સંવાદો, વાસ્તવથી વિમુખતા, જીવનની અર્થહીનતા બાબતનો વ્યંગ વગેરે એના પ્રાણ છે. એબ્સર્ડ સાહિત્યનો હેતુ નિરર્થકમાંથી અર્થ શોધી બતાવવાનો નથી, પણ આપણને આ બાબતમાં વિચારતા કરવાનો છે… આપણી ચેતનાને ઝંકોરીને એ આપણને અસ્તિત્ત્વ બાબતે વિચારવા મજબૂર કરે છે.

નયન દેસાઈએ સાહિત્યના શક્ય કોઈ આયામને સ્પર્શવાનું કદાચ બાકી નથી રાખ્યું. પ્રસ્તુત એબ્સર્ડ નાટ્યગઝલ એનું એક ઉમદા ઉદાહરણ છે. અહીં બે પાત્રો છે –એક અને બે. એક આવીને સ્ટેજ વચ્ચે સળગતી મીણબત્તી ગોઠવે છે. (મીણબત્તી સળગતી છે એ બીજી વ્યક્તિના સંવાદ ઉપરથી આપણને ખબર પડે છે.) સ્ટેજ ઉપર બીજું કોઈ નથી, એટલે એને એકાંત ઘુઘવતું હોવનું અનુભવાય છે. હવા ફેફસામાં કણસતી લાગે છે, પણ આમાંનું કશું નવીન નથી. યુગો-યુગોથી આ જ હાલત હોવાની વાત ગીતાનો સંદર્હ લઈ કવિએ કેવી પ્રભાવક રીતે કરી છે એ પણ જોવા જેવું છે. બીજું પાત્ર સ્ટેજ પર આવતાં જ સળગતી મીણબત્તીની ગંધમાં એને લોહી જેવું કશુંક બળતું હોવાનું અનુભવાય છે. બંધ કમરામાં એકત્ર થયેલ ધુમાડાના રાજને એ જે રીતે રજૂ કરે છે એ પણ અદભુત છે. આખી ગઝલ સમજી શકાય એવી પણ છે, અને આખી ગઝલમાંથી શબ્દે શબ્દે અનિશ્ચિતતા અને નિરર્થકતા ટપકતી પણ અનુભવાય છે. સરવાળે, લાંબા સમય સુધી મનોમસ્તિષ્ક પર ભરડો જમાવી રાખે એવી ગઝલ આપણને સાંપડી છે.

*******
કવિ-તબીબ શ્રી ભાસ્ક્ર વખારિયા તરફથી મજાની પૂરક માહિતી-

સુરતમાં waiting for godot અને happy days નું મંચન દિવંગત ગાંધીસ્મૃતિભવનમાં થયેલું તે પછી ની તરતની આ ગઝલ છે. નાટકો તો સહુએ પોતાની ક્ષમતા મુજબ માણ્યા પણ એ અનુભવમાંથી જે રસાઈને ગઝલરુપે નયનભાઈએ આપ્યું તે લાજવાબ છે….

11 Comments »

  1. વ્રજેશ મિસ્ત્રી said,

    June 28, 2025 @ 12:12 PM

    નો વર્ડ્સ ફોર કવિ એન્ડ રચના

  2. હર્ષદ દવે said,

    June 28, 2025 @ 12:27 PM

    સરસ રચના. આસ્વાદ થકી ગઝલને ખોલી આપી. સર્જનાત્મક પ્રયોગશીલતા એ આ કવિનું કાયમ આગવું લક્ષણ રહ્યું છે. આપ બંને સર્જકોને અભિનંદન.

  3. Lalit Trivedi said,

    June 28, 2025 @ 12:42 PM

    મારા પ્રિય કવિ, એક વિશિષ્ઠ કવિ,… જીવંત હોત તો આદ્ય કવિ એવોર્ડ મળ્યો હોત. જો કે
    એમને એવી તમા નહોતી. વંદન

  4. DILIPKUMAR CHAVDA said,

    June 28, 2025 @ 1:44 PM

    અનોખી રચના

  5. Kishor Ahya said,

    June 28, 2025 @ 4:59 PM

    શ્રી નયન દેસાઈની આ એબ્સર્ડ ગઝલ વિશે વિવેકભાઈએ આસ્વાદમાં એબ્સર્ડ સાહિત્ય વિધિ ઘણુબધુ કહિ દીધું છે, પણ એબ્સર્ડ દરેકની દૃષ્ટિ પર નિર્ભર છે. આ અસ્તિત્વ પણ એબ્સર્ડ છે કેમકે એનો કોઈ તાગ નથી કે નથી એના વિશે કોઈને કઈ સમજાતું. અહીં ચેતન થોડું ને જડ ઝાઝું! ક્યારેક એવું લાગે કે મશીન જેવી સુનિયોજિત જિંદગી જીવવાનો અર્થ નથી અને તેમાં આનંદ નથી ત્યારે થોડું પણ એબ્સર્ડ પણું જીવનમાં હોવુ ,એ જિંદગીને વિરામ કરવાની જગ્યા જરૂર હોય શકે!

    આ નાટ્ય ગઝલ ચોક્કસ એબ્સર્ડ છે ,એની મજા એ છે કે તેમાંથી જે અર્થ લેવો હોય તે લઈ શકાય. વિવેકભાઈએ આસ્વાદમાં કહ્યું તેમ “આખી ગઝલ સમજી શકાય તેવી પણ છે” જરૂર . આ નાટ્ય ગઝલમાંથી અર્થ પણ નીકળી શકે છે. એક પ્રયત્ન ..

    અહીં બે પાત્રો છે એક અને બે.
    રૂમનું દૃશ્ય છે અને બંને પાત્રો વચ્ચેનો સંવાદ છે. એક કોણ ?અને બે કોણ? તે એબ્સર્ડ છે પણ સંવાદ જોતા પુરુષ સ્ત્રી વચ્ચે નો સંવાદ હોય તેવું દેખાય છે. એક પુરુષ હોય શકે, સ્ત્રી પણ હોય શકે. નાટ્ય ગઝલનો પૂરો સંવાદ જોતા એક પુરુષ હોય તેવુ લાગે છે. સંવાદ સહવાસ ને લગતો દેખાય છે પણ એ બંને પાત્રો વચ્ચે શો સંબંધ છે તેની સ્પષ્ટતા નથી. આ એબ્સર્ડ છે.

    એક મીણબતી સળગાવે છે, એકાંત છે, શ્વાસ ફેફસામાં ઉંહકારા કરે છે ને આખો મીચીને પોતે પોતાને કહે છે, આતો યુગે યુગે ! અહીં આંખ મિચવણ ખાસ અર્થ ધરાવે છે( આમાં કઇ નવું નથી! કે કઈ ખોટું નથી)

    અચાનક બે (સ્ત્રી)નો પ્રવેશ….
    અહીં લોહી જેવું શું બળે છે?
    પુરુષ મજાકમાં. બંધ કમરાને ધુમાડો ભોગવે છે! (પુરુષ/સ્ત્રી સહશયન નું વાતાવરણ ઊભું કરિ રહ્યા છે )
    એક(પુરુષ) હવે કોની રાહ? છાપ પગલાની સમય ક્યાં સાચવે છે?(અહીંથી આપણે જાય પછી શું? પગલા સમય ક્યાં સાચવે છે અર્થ કોણ જાણે છે? કોને પડી છે? )
    બે(સ્ત્રી) ભીત પાસે જઈ
    “મને તું છોડી ..કાલના કરમાયેલા સ્પર્શો હજી તો ટેરવે છે.”
    (પુષ્પ સાંજ પડ્યે કરમાય છે તેમ ગઇકાલના સ્પર્શ માટે કવિ કરમાયેલ શબ્દ પ્રયોગ કરે છે.)
    બે એક પાસે જઈ એક કહે છે સાંભળે છે? વિહંગો(પક્ષી) કલરવે છે!”
    અહીં વિહંગો ને કલરવુ શબ્દ સહવાસ સાથે જોડી શકાય. એકને પોતાને સહવાસની ઇચ્છા છે તેવો અર્થ હોય શકે કેમકે ત્યારબાદ પ્રભુ એ આપેલ આ અવસર માટે એક “આકાશમાંના હે પિતા” શબ્દો મનમાં બોલે છે, અને બે સામે ધારીને જોઈ રહે છે!…
    આ ધારી ને જોવનો પણ અર્થ છે સહવાસ પહેલાંનું પુરુષ અથવા સ્ત્રીનું ખાસ વર્તન)
    ને …મીણબતી હોલવે છે……

    સરસ નાટ્યગઝલ છે. એબ્સર્ડ પણ છે કેમકે અર્થ તો અનુમાન આધારિત છે ,પણ મીઠા સાથે થોડું તીખું પણ જોઈએ તેમ એબ્સર્ડ ની પણ એક મજા છે. કવિ શ્રી નયન દેસાઈની ખૂબ ખૂબ સરસ નાટ્યગઝલ. વાહ!

    વિવેકભાઈનો ખૂબ ખૂબ સરસ આસ્વાદ. વાહ!

    🌹🌹

  6. જયેશ ભટ્ટ said,

    June 28, 2025 @ 8:13 PM

    અદ્દભુત,વાહ

  7. Kishor Ahya said,

    June 30, 2025 @ 11:37 AM

    કવિ શ્રી નયન દેસાઈ આપણી વચ્ચે રહ્યા નથી(૧૯૪૬_૨૦૨૩) પણ કવિતા સ્વરૂપે કવિ હમેશા આપણી વચ્ચે જ હોય છે. એબ્સર્ડ તેમણે પ્રિય. એબ્સર્ડ એટલે કોઈ ચાર પંક્તિ પણ એમાંથી કોઈ અર્થ નિકળતો ન લાગે દાખલા તરીકે કવિ બહારથી આવ્યા ખુરસી પર બેઠા પાણી પીધું પેપર વાંચ્યું ચા મંગાવી. હવે આનું એબ્સર્ડ આવું કંઈક બને..

    રસ્તો બારણું મેડી
    પંખે બેઠી ખુરસી
    આ પેપર આ પાણી
    દૂધ ખાંડ ભળશે?

    ઓક્ટોબર 23 માં શ્રી નયન દેસાઈની મુકાયેલ “નયનના મોતી” આ રચનામાં શ્રી વિવેકભાઈ એ આસ્વાદ આપતા લખ્યું છે કે

    “રમેશ પારેખની જેમ એમનું નામ પણ છ અક્ષરનું જ. અને ર.પા.ની જેમ જ એમના ખોળામાં પણ ગુજરાતી કવિતા ખૂબ રમણે ચડી હતી, પણ કમનસીબે તળગુજરાતના આ ઓછા કદના કવિ ગુજરાતી કવિતામાં મોખરાનું સ્થાન છતી લાયકાતે પામી શક્યા નહીં… આ કમનસીબ તે નયન દેસાઈનું નહીં, ગુજરાતી કવિતાનું”

    શ્રી નયન ભાઈની ઘણી બધી લગભગ ૪૪ રચનાઓ બ્લોગ પર છે ,જેમાં
    એબ્સર્ડ રચના પણ છે. શ્રી નયનભાઈના હળવી શૈલીના કાવ્યો બહુ મજાના છે ચાલ નયન ચ્હા મંગાવ..કોણ નયન ? વગેરે

    અહીં જે એબ્સર્ડ નાટ્યગઝલ છે તેમાં એક અને બે એમ બે પાત્રો છે એક ને સ્ત્રી તરીકે ધારીને અર્થ ની કોશિશ કરીએ તો પણ બહુ ખાસ ફરક પડતો નથી “હું નથી તો પણ પડછાયો કેડ માં રાખીને કેમ ફરે છે?” આનો અર્થ મુશ્કેલ લાગે છે. હે પરમેશ્વર પિતા!એવી પ્રાર્થના વિહંગો કલરવે છે તેના અનુસંધાને છે .આ કલરવ કદાચ કઈ ખાસ હોય શકે ?

    🌹🌹

  8. વિવેક said,

    June 30, 2025 @ 1:11 PM

    પ્રતિભાવ અને હૂંફ પાઠવનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…

    શ્રી કિશોરભાઈ આહ્યાનો વિશદ પ્રતિભાવ આપવા બદલ સવિશેષ આભાર…

  9. Poonam said,

    July 1, 2025 @ 9:05 PM

    ‘હું નથી તો કેમ પડછાયો લઈ કેડે ફરે છે?’ 😊
    – નયન દેસાઈ –

    Aaswad sa-Rus ! Sir ji…

  10. વિવેક said,

    July 3, 2025 @ 2:57 PM

    કવિ-તબીબ શ્રી ભાસ્ક્ર વખારિયા તરફથી મજાની પૂરક માહિતી-

    સુરતમાં waiting for godot અને happy days નું મંચન દિવંગત ગાંધીસ્મૃતિભવનમાં થયેલું તે પછી ની તરતની આ ગઝલ છે. નાટકો તો સહુએ પોતાની ક્ષમતા મુજબ માણ્યા પણ એ અનુભવમાંથી જે રસાઈને ગઝલરુપે નયનભાઈએ આપ્યું તે લાજવાબ છે….

    આભાર, ભાસ્કરભાઈ… આ માહિતી ઉપર પોસ્ટમાં પણ ઉમેરું છું.

  11. jitendra prajapati said,

    July 11, 2025 @ 8:46 PM

    અદભૂત ગઝલ….
    સુંદર આસ્વાદ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment