સવા શેર : ૧૨ : રઈશ મનીઆર અલખની સફર
આમ લખવું કરાવે અલખની સફર,
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં.
– રઈશ મનીઆર
કોઈ સારા સર્જકે સર્જનક્રિયા વિશે સર્જન ન કર્યું હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. આમ તો દરેક કળાકાર સર્જનહાર જ હોય છે, પણ કવિને તો સવિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. અગ્નિપુરાણમાં તો કવિને પ્રજાપતિ બ્રહ્મા જ ગણવામાં આવ્યો છે. ‘अपारे काव्यसंसारे कविरेव प्रजापतिः।’ જાણીતા ગઝલકાર અને ગઝલપ્રશિક્ષક રઈશ મનીઆરે પણ સર્જનપ્રક્રિયાને સર્જનહાર સાથે સાંકળી મજાનો શેર સર્જ્યો છે. કવિ કહે છે કે લખવાની ક્રિયા શબ્દનો બંદો શબ્દની મદદથી શબ્દમાં પરત ફરે એવી અલખની મુસાફરી કરાવે છે.
મૂળ સંસ્કૃત ‘અલક્ષ્ય’ પરથી ‘અલક્ષ’, ‘અલક’ અને એ રીતે અપભ્રંશ થતાં ‘અલખ’ શબ્દ સર્જાયો છે. ‘લક્ષ્’ એટલે જોવું પણ અને ધ્યાનમાં આવે એવું પણ. ‘ય’ એટલે લાયક. ‘અ+લક્ષ્ય’ એટલે જોઈ ન શકાય એવું (અદૃશ્ય) પણ અને સમજી ન શકાય એવું (અગોચર) પણ. જેને જોઈ કે સમજી ન શકાય એ નિરાકાર પરમાત્માને આપણે અલખ યાને બ્રહ્મ કહીએ છીએ. ઈશ્વર ઈશ્વરની મુલાકાત લે એવી આ વાત થઈ, પણ રહો. આ બે પંક્તિના દેવાલયમાં ત્રીજો ઈશ્વર પણ સામિલ છે. કવિ શબ્દને સાધે છે અને શબ્દ જ એનું આ માટેનું સાધન પણ છે. વૈદિક વાઙ્મયથી લઈને આજ સુધી આપણે ત્યાં શબ્દને બ્રહ્મ ગણવામાં આવ્યો છે. ભર્તૃહરિએ તો ‘વાક્યપદીય’માં શબ્દની બ્રહ્મ તરીકે વિગતવાર પ્રતિષ્ઠા કરી છે:
अनादिनिधनं ब्रह्म शब्दतवायदक्षरम् ।
विवर्तते अर्थभावेन प्रक्रिया जगतोयतः॥
શબ્દરૂપી બ્રહ્મ અનાદિ, અવિનાશી અને અ-ક્ષર છે, તથા એની વિવર્ત પ્રક્રિયાથી જ આ વિશ્વનો અનુભવ થાય છે. શબ્દબ્રહ્મ સૌનું મૂળ કારણ પણ છે અને અંતિમ વાસ્તવિક્તા પણ એ જ છે. શબ્દનો બંદો કવિ કાવ્યસર્જનની ક્ષણે બ્રહ્મની સમકક્ષ ગણાય છે. મતલબ શબ્દનો બંદો શબ્દમાં પરત ફરે છે. બ્રહ્મમાંથી જ સર્જાયેલ બ્રહ્મના અંશ જેવા આપણે શબ્દબ્રહ્મની સાધના કરીએ છીએ એ વેળાએ સાક્ષાત્ બ્રહ્મત્વ પામતા હોવાથી એમ કહી શકાય કે ઈશ્વરનો અંશ શબ્દયાનમાં બેસી ઇહલોકથી પરલોકની મુસાફરી કરી પુનઃ ઈશ્વરમાં એકાકાર થઈ ગયો. શબ્દ આ રીતે શબ્દના બંદાને અલખની સફર કરાવે છે.
જે રીતે ‘અક્ષર’ને અ-ક્ષર (અવિનાશી) તરીકે પણ જોઈ શકાય એ જ રીતે ‘અલખ’ શબ્દમાં પણ ‘ન લખ’ વાંચીએ તો એ વિરોધાભાસ શેરને વધુ રોચક બનાવે છે. કબીરના દોહાઓમાં પણ બે’ક જગ્યાએ આવો શબ્દપ્રપંચ જોવા મળે છે: ‘अलख निरंजन लखै न कोई’ તથા ‘अलख न जाई लखिया.’ વળી ‘લખ’વું અને અ’લખ’માં જોવા મળતી અનુસારી વ્યંજનક્રીડા પણ આસ્વાદ્ય છે. આ પ્રયુક્તિ અનાયાસ યોજાઈ ગયેલ પણ જણાતી નથી, કેમકે આ જ ગઝલમાં કવિએ આ તરકીબ એકાધિકવાર અજમાવી છે- “આ અનુ’નય’ વિ’નય’ શું સતત શબ્દમાં,” “આવે એક લખ’લખું’, થાય એને ‘લખું’,” “ઓગળ્યો ‘વખ’ સરીખો ‘વખ’ત શબ્દમાં.”
છંદ ગઝલ લખવા માટેનું અનિવાર્ય ઉપાદાન ખરું, પણ છંદ ગઝલનો ભાવ પ્રકટાવવામાં સહાયક પણ બને ત્યારે સોને પે સુહાગા અનુભવાય. કાન્તના ‘સાગર અને શશી’ ગીતમાં દરિયાના મોજાંની આવજાવને ચાક્ષુષ કરવામાં ઝૂલણા છંદ જે રીતે ખપમાં લેવાયો છે, એ જ રીતે અહીં મુત્દારિક છંદના ગાલગા ગાલગાના આવર્તન પણ સર્જકની લખથી અલખ અને અલખથી લખ વચ્ચેની આવનજાવનને તાદૃશ કરવામાં બખૂબી મદદગાર સિદ્ધ થયા છે.
– વિવેક મનહર ટેલર


હર્ષદ દવે said,
June 14, 2025 @ 12:10 PM
વાહ… કવિશ્રી રઇશ મનીયાર પાસેથી અદ્ભુત શેર પ્રાપ્ત થયો અને અનોખો આસ્વાદ. બંને સર્જકોને અભિનંદન.
Kishor Ahya said,
June 14, 2025 @ 12:28 PM
કવિ શ્રી રઈશ મનીઆર એક ખૂબ જાણીતા અને કવિઓના માનીતા કવિ છે. અનેક પારિતોષિક પ્રાપ્ત કર્યા છે. તેમની પ્રસંશા કરીએ એટલી ઓછી પડે.
કવિની જે પંક્તિ આજે લયસ્તરો પર મુકાયેલ છે અને તેનો આસ્વાદ શ્રી વિવેકભાઈ એ આપ્યો છે તે અદ્ભુત છે. આસ્વાદ વાંચતા કવિ શ્રી મનીઆરને પણ થયું હશે કે શું મારાથી આટલી સરસ પંક્તિ લખાય ગઈ છે?
હાજી, ખૂબ સરસ અને આધ્યાત્મિક ઊંડાણ ભરેલી આ પંક્તિની વાત કરીએ તો હૃદયમાંથી વાહ! વાહ! જ નિકળી પડે છે.
એમ લખવું કરાવે અલખનો સફર,
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં.
કવિઓની પણ એક નિરાળી દુનિયા છે, કોઈ કવિ તારો તોડી લાવવાની વાત કરે તો પણ વાહ! વાહ! થી જ થાય. કવિ કોઇપણ કલ્પના કરી શકે છ! જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ ,! આ કલ્પનો કવિ અને ભાવક નો આનંદ છે. કહેવાય છે સર્જક કરતા સર્જનહાર હમેશા મોટો હોય છે પણ અહીં કવિ માત્ર સર્જક જ નથી, કવિમાં કવિતા કરવા સર્જનહાર ઉતરી આવે છે ને ત્યારે અલખની સફર શરૂ થાય છે, અને ત્યારે અલખને વર્ણવવા શબ્દની બંદગી કરનાર શબ્દનો બંદો શબ્દમાં પરત ફરે છે.
કહેવાય છે ને કે નામ તેવા ગુણ. કવિ શ્રી મનીઆર શબ્દોના પણ રઈશ છે ને ડોક્ટર વિવેક ના વિવેકની સુગંધ ચારે બાજુ પ્રસરેલી છે.
કવિ ડોક્ટર રઈશ મનીઆર ને સરસં રચના અને ડોક્ટર વિવેકભાઈ ને અદ્ભુત આસ્વાદ આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
🌹🌹
Vinorai said,
June 14, 2025 @ 3:55 PM
સરસ
Aasifkhan Pathan said,
June 14, 2025 @ 4:24 PM
વાહ આસ્વાદ
વાહ
Jigisha Desai said,
June 14, 2025 @ 6:59 PM
ખૂબસરસ શેર અને તેનો આસ્વાદ પણ અફલાતૂન 👌
Ramesh Maru said,
June 14, 2025 @ 7:23 PM
વાહ…
જયેશ ભટ્ટ said,
June 14, 2025 @ 10:35 PM
મજાનો શેર ને આસ્વાદ બહુ જ સરસ… અભિનંદન
Poonam said,
June 18, 2025 @ 2:11 PM
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં.
– રઈશ મનીઆર – bahoot khoob ! 👍🏻
Aaswad vanchine vagolyo… waah !
Agani puran, Prajaapati ji, Sansktuti, kabir ne Niranjan jikyaa baat 💫 🙏🏻
Varsha L Prajapati said,
June 19, 2025 @ 1:51 PM
શેરનો તલસ્પર્શી રસાસ્વાદ કરાવ્યો.
Rita trivedi said,
June 20, 2025 @ 7:57 PM
સરસ શેર,ને તલસ્પર્શી વિવેચન