રાત પડે ને…. – ચંદ્રકાન્ત શેઠ
રાત પડે ને અંધકારના વડલે થાય સવાર,
સૂનકારની બખોલમાંથી બિડાલ આવે બ્હાર.
સાત સમુંદર સૂતા, એના હોઠે આછાં હાસ,
ભીતરના મોતીનો એમાં ઝીણો તરે ઉજાસ!
વનનાં કાળાં ઊંડાણ, એને પેટે પ્રસવ્યાં પ્રેત!
રાતા ભડકે ભયનાં વાદળ વરસ્યા કરે સચેત.
નીંદરનાં જલ શ્યામલ એમાં સરે સ્વપનના દીપ;
અંતર ઝાકઝમાળ, ઊઘડી તારલિયાની છીપ.
ગળું હવાનું ઘૂંટી ઘૂંટી ઘુવડ બોલે ઘૂક!
ઘરનો દીવો ઓળાઓને માર્યા કરતો ફૂંક!
અવાજની લૈ સોય વીંધતાં દિશા દિશાના કાન,
તમરાં આખી રાત મૌનનું વીંધ્યા કરે નિશાન.
અસ્તાચળથી ગબડયો સૂરજ, એની તીણી ચીસ,
આખી રાત દિયે પડઘાથી અંતરાલને ભીંસ.
– ચંદ્રકાન્ત શેઠ
રાતના નાનાવિધ આયામોને અજવાળતું કેવું મજાનું ગીત! અંધકારના વડલે સવાર થાય એ કલ્પનથી જ કવિ ભાવકહૃદય જીતી લે છે. મનગમતી ચોકલેટને આપણે જે રીતે જલ્દી ખૂટી ન જાય એ રીતે ધીમે ધીમે ચૂસીએ એ રીતે હળવે હળવે માણવા જેવી આ રચના છે.
(બિડાલ = બિલાડો)


વ્રજેશ મિસ્ત્રી said,
June 5, 2025 @ 11:02 AM
વાહ… તમરાં અને બિડાલનો તો જવાબ નહી!!
Vijay Rajyaguru said,
June 5, 2025 @ 11:48 AM
મસ્ત
લલિત ત્રિવેદી said,
June 5, 2025 @ 12:04 PM
વંદન
Harihar Shukla said,
June 5, 2025 @ 1:13 PM
ઘણું સરસ ગીત એમાં એક અઘરો “બિડાલ”👌💐
Shailesh Gadhavi said,
June 5, 2025 @ 1:45 PM
વાહ, કવિને વંદન 🙏
Kishor Ahya said,
June 5, 2025 @ 5:29 PM
કવિ શ્રી ચંદ્રકાંત શેઠ એક કવિ ઉપરાંત આધ્યાત્મિક ખોજી છે
M A, Ph.D.થયેલા કવિએ સમગ્ર જીવન સાહિત્યને અર્પણ કર્યું છે તેમને મળેલા પુરસ્કારોની યાદી કરવા બેસીએ તો પાનું ભરાય જાય.
કવિની આજની પ્રસ્તુત રચના ‘રાત પડેને ‘ એક સુંદર રચના છે.
એક ચિત્રકારને દરેક લીલા પાંદડામાં અલગ લીલો રંગ દેખાતો હોય છે તેમ અહીં રાતને જોવાની કવિની દૃષ્ટિ એક રાતમાં કેટલીય બાબતો જોઈ શકે છે તેનું સરસ વર્ણન કવિતામાં કર્યું છે.
સાત સમુંદર સૂતા, એના હોઠે આછાં હાસ,
ભીતરના મોતીનો એમાં ઝીણો તરે ઉજાસ!
સાત સમંદર સૂતા, અહીં કવિ પરિવારજનો સૂતા છે તેના હોઠ પર સ્મિત છે અને અંદરથી મોતી જેવું મુખ પર તેજ છે તેમ કહે છે
પછીની પંક્તિમાં રાત્રે આવતા પ્રેતના( કે બીજા કોઈ )વિચારોને રાતા ભડકે ભયના વાદળ કહે છે
વનનાં કાળાં ઊંડાણ, એને પેટે પ્રસવ્યાં પ્રેત!
રાતા ભડકે ભયનાં વાદળ વરસ્યા કરે સચેત.
પછી મીઠી નીંદરની વાત છે
નીંદરનાં જલ શ્યામલ એમાં સરે સ્વપનના દીપ;
અંતર ઝાકઝમાળ, ઊઘડી તારલિયાની છીપ.
ઘુવડ સાથે પ્રેત જોડાયેલ છે તેનો ઉલ્લેખ કરી દીવો પ્રેતના ઓળાને ફુંક મારે છે( દેખાતા બંધ કરી દે છે.)
ગળું હવાનું ઘૂંટી ઘૂંટી ઘુવડ બોલે ઘૂક!
ઘરનો દીવો ઓળાઓને માર્યા કરતો ફૂંક!
રાતે બોલતા તમરા મૌન વીંધ્યા કરે છે (મૌન સમાપ્ત થાય છે)
અવાજની લૈ સોય વીંધતાં દિશા દિશાના કાન,
તમરાં આખી રાત મૌનનું વીંધ્યા કરે નિશાન.
અસ્તાચળથી ગબડયો સૂરજ, એની તીણી ચીસ,
આખી રાત દિયે પડઘાથી અંતરાલને ભીંસ.
છેલ્લી પંક્તિમાં( સૂરજ જેની પાછળ આથમે છે તે કાલ્પનિક પર્વત )અસ્તાચળ થી ગબડ્યો સૂરજ કહી તેના પડવાથી થતા પડઘાઓથી અંતરાલ ભીસ અનુભવે છે.
ખુબ સરસ કાવ્ય છે આસ્વાદમાં વિવેકભાઈ એ કહ્યું તેમ હળવે હળવે માણવા જેવી રચના છે કવિની બ્લોગ પર એક એકથી ચડિયાતી ૩૧ રચનાઓ છે તેમની sept. 24માં બ્લોગ પર આવેલી ‘રાત્રિ થતા’ રચના બહુ સુંદર છે ..
રાત્રી થતાં જગત ઊજળું જાય ડૂબી,
અંધારનાં ફરી વળી જળ લે ઉછાળા:
કૈં ઊજળા થર ચઢ્યા મુજને યુગોના
ધોવાઈ જાય : છતું થાય સ્વરૂપ મારું
પ્રાચીન અશ્મયુગનું : ઘર મારું લાગે
ઊંડી ગુહા : ઘરની એકલતા રડે છે
કો’ શ્વાન જેમ મુખ ઊર્ધ્વ કરી નિશાએ.
શી પ્રેતની ગુસપુસો મુજ આજુબાજુ
ને હવા પરશતાં લહું : ગંધ મીઠી
લે મારી હિંસ્ર પશુ કો’ કરી નાક ઊંચું.
રે એ જ આ પશુ હવે મુજમાંથી આવે-
ધીમે બહાર : ડગલે દૃઢ ચાલ્યું આવે
મારા પ્રતિ : સ્થિર વિલુબ્ધ દૃગે મને જ
તાક્યાં કરે….!
કૈં કેટલાય યુગથી આમ જ એ મને તો
. તાક્યાં કરે…!
– ચંદ્રકાન્ત શેઠ
આસ્વાદ આપતા શ્રી વિવેકભાઈ કહે છે કે
રાતની પીંછી દુનિયાને એકરૂપ કરી દે છે. અજવાળામાં સજીવો અને નિર્જીવોને આકાર-કદ વગેરેના કારણે અલગ અલગ ઓળખાણ સાંપડે છે, પરંતુ અંધકાર બધા વચ્ચેના ભેદભાવ ઓગાળી દે છે. જ્યારે આંખો કશું જ જોઈ શકવા સમર્થ રહેતી નથી, ત્યારે માણસ પોતાને જોઈ શકે છે. દિવસના અજવાળામાં માણસ સ્વયં ઉપર થરના થર ચડાવી રાખી જીવતો રહે છે. રાતના અંધારામાં આ તમામ થર ધોવાઈ જાય છે. રાતનું આ અંધારું એકલતાનું પણ પ્રતીક છે. કોઈ પોતાને જોઈ શકનાર નથી એની પ્રતીતિ થાય એ ઘડીએ માણસનો ખરો રંગ, એની અંદરનું હિંસક પશુ પ્રગટે છે. વિલિયમ ગોલ્ડિંગની બહુખ્યાત નવલકથા ‘લૉર્ડ ઑફ ફ્લાઇઝ’ આ તબક્કે તરત જ યાદ આવે, જેમાં એક ટાપુ પર સભ્ય સમાજથી અળગા પડી ગયેલ તરુણો અસ્તિત્ત્વના સંઘર્ષની કગાર પર આવીને ઊભા રહે છે ત્યારે એમની અસલિયત પ્રકાશે છે. ઈશ્વરના દૂત ગણાતા બાળકોની ભીતર પણ કેવું ખતરનાક પ્રાણી જીવે છે એ જોઈને લોહી થીજી જાય છે. પ્રસ્તુત રચનામાં પણ કવિએ અંધારાને પ્રતીક બનાવીને આ સત્ય ઉપર જ પ્રકાશ ફેંકવા ચાહ્યું હોય એમ જણાય છે.
બહુ સરસ આસ્વાદ છે કવિની
એક બીજી કૃતિ તેમના નિધન પછી (૧૯૩૮_૨૦૨૪) ઑગસ્ટ ૨૪ માસમાં બ્લોગ પર મુકાયેલ એ કૃતિ – ‘ક્યાં છો ચંદ્રકાન્ત?’, એક મનન કરવા જેવી આધ્યાત્મિક ભાવ ધરાવતી રચના છે જેનો પણ આસ્વાદ બહુ સરસ છે જરા વિષદ પ્રતિસાદ થઇ જતા અહીં તેનું વિવેચન ટાળ્યું છે.
🌹🌹
Neha said,
June 5, 2025 @ 8:26 PM
ઘરનો દીવો ઓળાઓને માર્યા કરતો ફૂંક! ક્યા બાત!!
ખૂબ સરસ કાવ્ય.
Vinorai said,
June 6, 2025 @ 10:45 AM
💐