ખેતરને શેઢેથી – મનહર જાની
ખેતરને શેઢેથી ખૂટી લીલાશ
. અને ખીજડાનું મન થયું ખાલી
સુગરીના માળામાં સૂનમૂનતા મેલીને
. કલરવતા દન ગયા હાલી.
થાંભલાની જેમ સ્થિર ઊભો વખત
. નથી પાંદડુંય હલતું કે ચલતું
ઝાંખરામાં ઝરડાતી તેતરની પાંખ
. નથી ધોરિયાનું નામે ઊકલતું
ચાડિયાએ સંકેલ્યું વાદળિયું આભ
. અને પીળું વેરાન ગયું ફાલી… ખેતરને શેઢેથી…
અધખેડ્યાં ખેતરમાં આળોટે આમ-તેમ
. તડકાનાં નાગોડિયાં છોરાં
રાફડાની કોરમોર ઊંઘે બોલાશ
. લઈ બપોરી વેળાનાં પોરાં
થોરિયાની વાડ મહીં બેઠો સૂનકાર
. સાવ પંડ્ય હેઠ પડછાયો ઘાલી… ખેતરને શેઢેથી…
– મનહર જાની
આમ તો ચોમાસાના ડાકલાં વાગવાં શરૂ થઈ ગયાં છે, પણ ગરમી તો હજીયે ત્રાહિમામ પોકારાવે એવીને એવી જ પડી રહી છે. પણ આવી કાળઝાળ ગરમીમાં પણ સરસ કવિતા વાંચવા મળે તો રુદિયે ટાઢક થઈ જાય… જુઓ, આ ગીત… આખું ગીત જ અદભુત થયું છે. અધખેડ્યાં ખેતરમાં તડકાના નાગુડિયાં છોકરાંઓ આળોટતાં હોય એ કલ્પન કેવું જીવંત થયું છે! ભરબપોરે પડછાયા ન દેખાય એ વાતને કવિએ થોરિયાની વાડ ખુદનો પડછાયો ખુદમાં સંતાડીને બેઠી હોવાના રૂપકથી તાદૃશ કરી દેખાડે છે. બપોરે પડછાયો નહિવત થઈ જાય એ મુજબનું કલ્પન મનોહર ત્રિવેદીના બે ગીત – ‘પંખી બેઠું ડૂંડે’ તથા ‘તડકા! તારાં તીર’ –ની યાદ અપાવે છે.


Varij Luhar said,
June 6, 2025 @ 11:19 AM
વાહ.. ખૂબ સરસ ગીત..
પૂજ્ય બાપુ said,
June 6, 2025 @ 11:26 AM
વાહ… ખૂબ મજાનું અને બળકટ ગીત.
Lalit Trivedi said,
June 6, 2025 @ 11:30 AM
અસલ ગીતકવિનું અસલ ગીત…આ ભુલાઈ ગયેલા ગીતકવિને યાદ કર્યા… બહુ ભલું કામ કર્યું, વિવેકભાઈ
હરીન વડોદરીયા said,
June 6, 2025 @ 11:31 AM
વાહ! આવું સરસ ગીત! ક્વીની હારોહાર તડકો અને ખેતર ફરી આવ્યા!
Aasifkhan Pathan said,
June 6, 2025 @ 11:35 AM
વાહ સરસ ગીત
Neha said,
June 6, 2025 @ 11:37 AM
ખૂબ જ સુંદર ગીત.. સમયોચિત પોસ્ટ..
યોગેશ પંડ્યા said,
June 6, 2025 @ 11:44 AM
એક ભૂલાઈને ડાબે હાથે મુકાઈ ગયેલા એક બળકટ ગીતકારને તમે યાદ કર્યા એ તો ખૂબ જ ગમ્યું.એનાથી ગમ્યું આ ગીત!
ઉનાળા ને તાદ્રષ્ય કરી દેતું આ ગીત પ્રથમ હરોલમાં ઉભું રહી શકે એમ છે.આ કવિ જન્મજાત ગીતકાર છે.એમના ગીતો યાદગાર અને મનમોહક હોય છે.સ્વ. મનહર જાણીને સ્મારણાજલી સાથોસાથ આપને ધન્યવાદ..કે એક અદ્ભૂત ગીત તમે લય સ્તરોમાં મૂક્યું..❤️❤️
જયેશ ભટ્ટ said,
June 6, 2025 @ 12:02 PM
અદ્દભુત ગીત
જયેશ ભટ્ટ said,
June 6, 2025 @ 12:03 PM
મસ્ત ગીત,કલ્પનો પણ અદ્દભૂત
રેણુકા દવે said,
June 6, 2025 @ 12:59 PM
વાહ વાહ અને વાહ..!
ખૂબ સરસ મજાનું લયમાં વહી જતું ગીત.
શબ્દોની ચેતનાથી આબેહૂબ દ્રશ્યો ખડાં થાય છે.
કવિ અને આસ્વાદક બંનેને અભિનંદન…આભાર..
રિયાઝ લાંગડા (મહુવા) said,
June 6, 2025 @ 1:41 PM
વાહ!
Kishor Ahya said,
June 6, 2025 @ 2:22 PM
ગામડાંમાં ઉનાળાની બપોર કેવી હોય? આ પ્રશ્નનો ઉતર કવિ શ્રી મનહર જાની ના આ કાવ્યમાં મળી રહેશે.સરસ મજાના રોજે રોજ વપરાતા ગામઠી ભાષાના શબ્દોનો ઉપયોગ કરી કવિએ કાવ્યમાં પ્રાણ પૂર્યા છે.
કવિ કહે છે, ખેતરના શેઢા સુકાય ગયા છે ,સુગરીના માળા સુમસાન છે, પક્ષીઓના કલરવ ના દિવસો ચાલી ગયા છે,તેતર(પક્ષી) અને ધોરિયા( પ્રાણી)દેખાતા નથી. કવિએ સરસ કલ્પના કરી છે કે ચાડ્યાએ વાદળ સંકેલી લીધા છે. અડધા ખેડાયેલા ખેતરમાં નાના છોકરાઓ આળોટે છે, થોરની વાડ સૂનકાર છે જાણે પોતાનો પડછાયો પોતાની અંદર સમાવી દીધો છે .ગામડાના ઉનાળાના દિવસોનું કવિએ સરસ વર્ણન કર્યું છે ,ક્યાંય પવનથી પાંદડુંય હલતું ચાલતું નથી. વાહ! ખુબ સરસ કાવ્ય.
ઉનાળાના દિવસોનું આ કાવ્ય ભલે બપોર સુધીનું જ છે પણ
બપોર પછી જ્યારે સાંજ પડે, અને રાત્રિ થાય ત્યારે ગામડાંની જે મજા છે, તે તો જેણે માણી હોય તેજ જાણે. પ્રકૃતિમાં જીવી પ્રકૃતિમાં ખોવાય જવું .નદી નાળમાં ન્હાવાનો જે આનંદ છે તે કોઈ સ્વિમિંગપુલમાં ક્યારેય મળી શકે નહી.
ખરેખર તો દરેક સ્કૂલ જ્યારે પ્રવાસ ગોઠવે ત્યારે, આવો પ્રવાસ બાળકોને ગામડાંમાં લઈ જઈ, ત્યાંની ચાંદની રાતની રખડપટ્ટીનો આનંદ બાળકો માણે તેવો પ્રયાસ કરવો જોઈએ.
ગીતનો આસ્વાદ શ્રી વિવેકભાઈએ ખૂબ સરસ આપ્યો છે.આસ્વાદમાં દર્શાવેલ કવિ શ્રી મનોહર ત્રિવેદીના બંને ગીતો બહુ સરસ છે.
જુઓ, સીમને શણગારી છે પતંગિયાંના ઝુંડે
પંખી બેઠું ડૂંડે…
– મનોહર ત્રિવેદી.
વાહ!
🌹🌹
Mayur Koladiya said,
June 6, 2025 @ 2:54 PM
ખૂબ મજાનું ગીત… બળકટ કલ્પનો… વાહ
શૈલેષ પંડયા નિશેષ said,
June 7, 2025 @ 8:31 AM
વાહ.. ખૂબ સરસ ગીત.. મનગમતું ગીત…. એકદમ મસ્ત ઊ
Sejal Desai said,
June 7, 2025 @ 11:04 AM
વાહ..સુંદર ગીત..સુંદર કલ્પનો
Vijay Trivedi said,
June 7, 2025 @ 12:52 PM
વાહ..વાહ
Tanu patel said,
June 7, 2025 @ 2:52 PM
મઝાનું ગીત અને તેનો આસ્વાદ પણ…
kantilal babulal sopariwala said,
December 18, 2025 @ 7:27 PM
વાહ ખુબ સુંદર કાવ્ય સરીતા
ધન્યવાદ …કે બી