સજદામાં પડી જાઉં હું બળ દે ઓ બુઢાપા,
અલ્લાહ તરફ મારી કમર સહેજ ઝૂકી છે.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for January, 2025

દેખાતા નથી – ભરત વિંઝુડા

આપણે પાસે અને અળગાય દેખાતા નથી,
જે જુએ છે એમને સંબંધ સમજાતા નથી.

લાગણીઓ, ભાવ, ઉષ્મા, પ્રેમ ને સંવેદનો,
ક્યાંય વેચાતાં નથી, એથી ખરીદાતાં નથી.

એમણે આંખોમાં આંસુ આવવા દીધાં નહીં,
એમ કહીને કે કદી દરિયાઓ છલકાતા નથી.

શબ્દના કંઈ અર્થ, એમ જ અર્થ વર્તનનાય છે,
હોય છે સામે અને બે હાથ જોડાતા નથી..

ભીતરે પહાડો ને ખીણો છે ને ત્યાં પડઘાય છે,
હોઠ પર આવી અને કંઈ શબ્દ પડઘાતા નથી.

– ભરત વિંઝુડા

લયસ્તરો પર આજે ફરી એકવાર જાણીતા ગઝલકારના નૂતન ગઝલસંગ્રહને હૃદયપૂર્વક આવકારીએ… સંગ્રહમાંથી એક ગઝલ આપ સહુ માટે રજૂ કરીએ છીએ… ઘણાખરા લગ્નજીવનમાં અને એ સિવાયના સંબંધોમાંય બે જણ એકબીજાની સાથે રહેવા છતાં નદીના બે કિનારાની જેમ આજીવન અલગ રહી જીવન વિતાવી લેતાં હોય છે. જોનારને આવા સંબંધ સમજાય એ જરૂરી નથી, પણ હકીકત તો આ જ હોવાની કે –

છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે,
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.

Comments (5)

બહુત ગઈ ને થોડી રઈ – લલિત ત્રિવેદી

ચલ ઓઘડિયા અપને ગાંવ, બહુત ગઈ ને થોડી રઈ
મેલી દે ચમડી કી છાંવ, બહુત ગઈ ને થોડી રઈ!

ગોત વિનાની બહોત ગઈ… રૂઈ કબી ના જ્યોત ભઈ
તરસ્વતીમાં ડૂબી નાવ, બહુત ગઈ ને થોડી રઈ!

ભસમીગર! તારા સથવારા…… શણગારા સંગે અંગારા
પર અપને ધાગોં કે પાંવ, બહુત ગઈ ને થોડી રઈ!

વોહી રાઈ વોહી તનજાઈ… એમાં ઝાંખો પાંખો સાંઈ
ઈ જ સબર ને ઈ જ પડાવ, બહુત ગઈ ને થોડી રઈ!

અનાજ બા’રા હાલ્યા સગડગ, ભાયગથી થાવાને ફારગ
વચમાં રઢિયાળા દેખાવ, બહુત ગઈ ને થોડી રઈ!

એ કેસરિયા રાણીવાસા, ને આ ભસ્મીલ લલિતદાસા
હાંવ રે લલિત હાંવ રે હાંવ, બહુત ગઈ ને થોડી રઈ!

– લલિત ત્રિવેદી

લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત… કવિની ભાષા પ્રવર્તમાન ગઝલપ્રવાહથી સાવ નોખી છે. રાજેન્દ્ર શુક્લ, હરીશ મીનાશ્રુ જેવા જૂજ કવિઓ જ ગઝલમાં આ પ્રકારની નોખી બાનીનું સંવર્ધન કરીને મનનીય ગઝલો આપી શક્યા છે.

વયના એક મુકામ ઉપર આવીને માણસને સમજાય છે કે જેટલાં ગયાં, એટલાં હવે બાકી રહ્યાં નથી… આવી કોઈક પળે થતી સ્વાનુભૂતિની આ રચના છે. ઓઘડ એટલે અણઘડ, ભોટ, બોથડ. કવિ સ્વયંને અણઘડ કહીને પોતાને ગામ પરત જવાનું કહે છે. જેટલી ગઈ એટલી જિંદગી હવે બચી ન હોવાથી આટલા વરસ જેમાં રહ્યા, એ ચામડીની છાંવ છોડીને ઈશ્વરના ધામમાં પાછા ફરવાની તૈયારી કરવાનો સમય હવે ઢૂંકડો આવી ઊભો છે. બીજો શેર તો હાંસિલે-ગઝલ થયો છે. આજે આવા દમદાર શેર કેટલાકવિ લખી શકે છે, કહો તો! જીવનભર સરસ્વતીના બદલે જીવન તરસ્વતીમાં, તરસમાં જ ડૂબેલું રહ્યું હોવાથી જે પરમતત્ત્વની ગોત કરવાની હતી એ ન કરી, ને રૂ જેવું જીવતર કદી જ્યોત થઈ ઝળહળી ન શક્યું… સરસ્વતી પરથી તરસ્વતી જેવો શબ્દ કોઈન કરીને કવિએ ઉમદા કવિકર્મસામર્થ્યની સાહેદી પૂરી બતાવી છે.

Comments (3)

ઉનાળો ઊજવીએ – રક્ષા શુક્લ

આવ, ઉનાળો રોજ ઊજવીએ.
તને જોઈ ઊછરેલા એ ગુલમ્હોરી ઘેલાં વંન ગજવીએ,
આવ, ઉનાળો રોજ ઊજવીએ.

પણે ઝૂલતા ગરમાળેથી ચપટી અમથું કેસર લઈ મુઠ્ઠીમાં ભરીએ,
પંચાગે સૂતેલા ફાગણ સાથે ફોરમ-ફોરમ રમતાં કરાર કરીએ.
સૂરજનાં કિરણો પર તારી આંગળિયેથી સરતી શીતળ રાત ચીતરીએ,
ખટ્ટમીઠ્ઠી કેરીના સ્વાદે આવ, સરીને સાકર લઈને પાછા ફરીએ.

માટીમાંથી ઠીબ બની પથરાળા જળને ચાલ, રિઝવીએ,
આવ, ઉનાળો રોજ ઊજવીએ.

ભરબપ્પોરે છાના પગલે લૂ આવી ઘૂમરાતી ઘરની વચ્ચે ગાજે,
ત્યારે તું આવી આંખોથી અમી ભરેલી ઝીણીઝીણી ઝરમર પાજે.
લીલા વનના અડવાણા એ પડછાયાનાં પગલાં જો હાંફીને દાજે,
લંબાવી ત્યાં હાથ બાથમાં બળબળતા પડછાયા તેડી લઈશું આજે.

પાણીપોચાં વાદળ ઓઢી તડકે આપ્યા ઘાવ રુઝવીએ,
આવ, ઉનાળો રોજ ઊજવીએ.

– રક્ષા શુક્લ

લયસ્તરો પર કવયિત્રીના ગીતસંગ્રહ ‘વાલામુઈ વેળા’નું સહૃદય સ્વાગત… કેટલાંક ગીતો અગાઉના સંગ્રહમાંથી અહીં પુનર્મુદ્રિત કરાયાં છે, પણ આપણને તો કવિતાના આનંદ સાથે મતલબ છે… સંગ્રહમાંથી એક ગીત માણીએ… ઉનાળો તો વર્ષમાં એકવાર આવે, પણ પ્રિયજનનો તાપ એટલે તો જાણે ગરમાળામાંથી જડતું કેસર અને ગુલમહોરની જેમ રંગે-કદે ફૂલેલાં-ફાલેલાં ઘેલાં વન… એટલે ઉનાળો રોજેરોજનો હોય એવી ઝંખના ન થાય તો જ નવાઈ… ઉનાળાની ઋતુના નાનાવિધ કલ્પનોને બારમાસી પોત આપીને માણવાનાં છે એ યાદ રહે…

Comments (7)