June 30, 2023 at 12:30 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ
છે આકાશે ઘેરાં વાદળ, મેઘમુબારક
જાણે આભે આંજ્યું કાજળ, મેઘમુબારક
શૈશવના કોમળ હાથોની એ જ ખૂબી છે
હોડી થઈને તરતો કાગળ, મેઘમુબારક
બે પથ્થરની વચ્ચે કાલે કાલે નહોતું કઈ પણ
આજ વહે છે ઝરણું ખળખળ, મેઘમુબારક
મારી જેમ જ ખુશ થાતાં વૃક્ષો-પંખીઓ
હરખ કરું હું એની આગળ, મેઘમુબારક
આભમહેલમાં કેદ થયોતો દરિયો આખો
આજ ખૂલી ગઈ એની સાંકળ, મેઘમુબારક
– ઉર્વીશ વસાવડા
(સ્મરણ: નિતીન વડગામા)
ગઈ કાલે આપને કવિની કલમે “પ્રથમ વરસાદની વેળા” માણી… આજે એમની જ કલમે બીજી એક ગઝલ માણીએ.
વાંચતાવેંત સંવાદ સાધવા માંડે એવી મજાની ભીનીછમ ગઝલ સાથે લયસ્તરોના તમામ કવિમિત્રો તેમજ ભાવકમિત્રોને મેઘમુબારક…
Permalink
June 29, 2023 at 12:30 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ
ભૂંસાઈ ગ્રીષ્મની પાટી, પ્રથમ વરસાદની વેળા
પછી મહેકી ઉઠી માટી, પ્રથમ વરસાદની વેળા
ફૂટી નીકળી અચાનક કૂંપળો શૈશવની યાદોની
ભીતર જેને હતી દાટી, પ્રથમ વરસાદની વેળા
મળ્યાં છે મોતીઓ મબલખ હથેળી જેમણે ખોલી
ખરેખર એ ગયા ખાટી, પ્રથમ વરસાદની વેળા
નર્યા ઉન્માદથી ડોલે બધાયે વૃક્ષ મસ્તીમાં
કોઈ ભૂરકી ગયું છાંટી, પ્રથમ વરસાદની વેળા
ક્ષણિક ઝબકારમાં પણ વીજનું નર્તન પ્રથમ દીઠું
પછી માણી ઘરેરાટી, પ્રથમ વરસાદની વેળા
– ઉર્વીશ વસાવડા
ભલે ચોમાસુ ચાર માસ ચાલે અને મનભર ખાબકતું રહે પણ પ્રથમ વરસાદની તો વાત જ અલગ. ચાર મહિના સુધી ધરતીની પાટી ઉપર ઉકળાટની કલમથી ઉનાળાએ જે કંઈ લખ્યું હોય એ બધું એક જ વરસાદના ડસ્ટરથી સાવ સાફ થઈ જાય… કેવી મજાની વાત! પ્રથમ વરસાદની ભીની હૂંફ જીવનની આપાધાપીમાં હૈયામાં ક્યાંક ઊંડે દાટી દીધેલ બાળપણની યાદોને પુનર્જિવિત કરી દે છે. પહેલા વરસાદને શરીર પર ઝીલી શકે એ જ સાચો અમીર. પહેલા વરસાદના પ્રભાવથી કોઈ બચી શકતું નથી. સૃષ્ટિ સમગ્ર કોઈ ભૂરકી ન છાંટી ગયું હોય એમ નર્યા ઉન્માદમાં નર્તન કરે છે. વિજ્ઞાનશાખાના વિદ્યાર્થી હોવાથી તબીબકવિ પ્રકાશની ગતિ અવાજની ગતિ કરતાં વધુ હોવાની વૈજ્ઞાનિક ઘટનાને પણ ગઝલના આખરી શેરમાં બખૂબી સાંકળી લે છે.
Permalink
June 26, 2023 at 10:39 AM by તીર્થેશ · Filed under ગીત, પુષ્યમિત્ર ઉપાધ્યાય
સુનો દ્રૌપદી! શસ્ત્ર ઉઠા લો, અબ ના ગોવિંદ આયેંગે…
છોડો મહેંદી, ખડ્ગ સંભાલો,
ખુદ હી અપના ચીર બચા લો,
દ્યૂત બિછાએ બૈઠે શકુનિ,
મસ્તક સબ બિક જાએંગે
સુનો દ્રૌપદી! શસ્ત્ર ઉઠા લો, અબ ના ગોવિંદ આયેંગે…
કબ તક આસ લગાઓગી તુમ, બિકે હુએ અખબારો સે,
કૈસી રક્ષા માંગ રહી હો દુઃશાસન દરબારો સે?
સ્વયં જો લજ્જાહીન પડે હૈ
વો ક્યા લાજ બચાયેંગે?
સુનો દ્રૌપદી! શસ્ત્ર ઉઠા લો, અબ ના ગોવિંદ આયેંગે…
કલ તક કેવલ અંધા રાજા, અબ ગૂંગા-બહરા ભી હૈ,
હોંઠ સિલ દિએ હૈ જનતા કે, કાનો પર પહરા ભી હૈ;
તુમ હી કહો યે અશ્રુ તુમ્હારે,
કિસકો ક્યા સમજાએંગે?
સુનો દ્રૌપદી! શસ્ત્ર ઉઠા લો, અબ ના ગોવિંદ આયેંગે…
– પુષ્યમિત્ર ઉપાધ્યાય (સૌજન્ય–અનિલ ચાવડા)
ફરી એકવાર – હિન્દી કાવ્યજગતે એક પ્રખર રચના પ્રકટાવી !
તમામ મા-બહેન-દીકરીઓએ આત્મસાત કરવા લાયક રચના ! આતતાયીનો વધ કરવા અવતારની રાહ ન જોવાય – ભલે સંઘર્ષમાં મ્રુત્યુ મળે – વિવશતા ઓઢીને બેસી તો ન જ રહેવાય !
Permalink
June 24, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રામુ પટેલ ‘ડરણકર’
ખખડાવ્યાં દ્વાર અને ખૂલી દીવાલ,
. સૈયર! એવા સંબંધો હવે પાંગર્યા,
હરખની હેલી તો એવી ચઢી કે
. પંડ્યનાં પાથરણાં પાથર્યાં!
ઉંબર ઓળંગી હું આંગણામાં જાઉં
. ત્યાં આસોપાલવ પાન ખેરવે,
સુક્કાં આ પાંદડાંમાં હળવે રહીને કો’ક
. લીલીછમ્મ પીંછિયું ફેરવે.
ડૂબેલાં એક દિન સાતે વહાણ
. આજ અણધાર્યાં આવીને નાંગર્યાં,
ખખડાવ્યાં દ્વાર અને ખૂલી દીવાલ,
. સૈયર! એવા સંબંધો હવે પાંગર્યા.
કોઈના અણસારા ઘેરેલાં વાદળ થઈ
. સુખ જેમ મારામાં ફૂટશે,
સપનામાં આવેલાં આષાઢી મેઘધનુ
. મ્હેંદીના રંગ મારા લૂંટશે.
ગુમસૂમ બનીને આજ ઊભેલા ગઢમાં
. હોંકારા દઉં બની કાંગરા,
ખખડાવ્યાં દ્વાર અને ખૂલી દીવાલ
. સૈયર! એવા સંબંધો હવે પાંગર્યા.
– રામુ પટેલ ‘ડરણકર’
કવિનું નામ પ્રથમવાર સાંભળ્યું પણ રચના તો વાંચતાવેંત મનોમસ્તિષ્ક પર કાબૂ લઈ બેઠી. પહેલા વરસાદે ધરતી જેમ મઘમઘ થઈ ઊઠે એમ જ આ રચના વાંચતાવેંત અંતરતમ મહેંકી ઊઠ્યું… સંબંધમાં પોઝિટિવિટીનું આ ગીત કેવું મજાનું છે! વરસોથી ગુમસૂમ ગઢનું નસીબ આજે પલટાયું છે. ડૂબી ગયાંની પ્રતીતિ થવાના આરે જિંદગી આવીને ઊભી હોય એવી પળે અચાનક જ મનોરથોનાં સાતેય વહાણ કાંઠે આવીને લાંગરે ત્યારે જ અનુભૂતિ થાય એ કવિએ બખૂબી આલેખી છે. દરવાજો એટલે શક્યતા. ખૂલવાની સંભાવનાથી સભર. આવી કોઈપણ પ્રકારની શક્યતા જ્યાં આવીને શૂન્ય થઈ જાય એનું નામ દીવાલ. દરવાજે ટકોરા દો અને દરવાજા ખૂલે એ તો દુન્યવી સંબંધ. અહીં તો દરવાજાના સ્થાને દીવાલ આખેઆખી ખૂલે છે. ‘ખોબો માંગું ને દઈ દે દરિયો’ પણ આ તબક્કે યાદ આવ્યા વિના નહીં રહે. સરવાળે ગીત નખશિખ આસ્વાદ્ય!
Permalink
June 23, 2023 at 10:46 AM by વિવેક · Filed under ગઝલ, યોગેશ પંડ્યા
તમને સ્મર્યાંનું કારણ કહેવાય એમ ક્યાં છે?
પાછું ફર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે ?
પાછો ફર્યો છું તેનું કારણ ધર્યું’તું મેં, પણ
કારણ ધર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે?
મારા જ હાથે ખુદની હસ્તી મિટાવી દીધી,
બાકી મર્યાનું કા૨ણ કહેવાય એમ ક્યાં છે?
કાય૨ નથી જ કિન્તુ રહેવું પડ્યું છે મૂંગું,
ભૂલો કર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે?
તેની કથાને વાંચી રોઈ પડ્યો’તો કિન્તુ
આંસુ ઝર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે?
અંગત છો, નહીં તો જાણું: ઉપવન ઉજાડ્યો કોણે?
ફૂલો ખર્યાંનું કારણ કહેવાય એમ ક્યાં છે?
– યોગેશ પંડ્યા
અલગ-અલગ પ્રકારની દુવિધાઓ જીવનનો ન નિવારી શકાય એવો હિસ્સો છે. ડગલે ને પગલે ડાબે જવું કે જમણેની દ્વિધા આપણને અસમંજસમાં મૂકતી રહે છે. ઘણીવાર કશું કર્યા કે ન કર્યા બાબતે જવાબ હોવા છતાં જવાબ આપી ન શકાય એવી પરિસ્થિતિમાં આપણે સહુ મૂકાતા હોઈએ છીએ. કારણ ખબર હોવા છતાં કારણ ન આપી શકાવાની લાગણીના અલગ-અલગ રંગોને કવિએ પ્રસ્તુત રચનામાં બખૂબી ઉજાગર કરી બતાવ્યા છે. પ્રસ્તુત રચના ઘાયલના ‘કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે’થી આપણને એક કદમ આગળ લઈ જતી હોવાનું અનુભવાયા વિના નહીં રહે.
Permalink
June 22, 2023 at 10:41 AM by વિવેક · Filed under ગઝલ, સુરેશ પરમાર
વાતો ખાલી વાતો છે, જાત અનુભવ બાકી છે;
આ મત્લાને જો સમજો તો દાસ કબીરની સાખી છે.
પેલો સાચો, પેલો ખોટો, પેલાને કંઈ ભાન નથી;
સાલું મારું મન પણ કેવું ગામ આખાનું કાજી છે!
નિઃશબ્દે પહોંચો તો પામો વ્યાધિમાંથી છૂટકારો;
શબ્દોમાં બસ દુઃખ ભૂલવાની પીડા-શામક ફાકી છે.
માનો નહિ પણ કેવળ બે જણ બેઠા છે મયખાનામાં;
વાંસેથી દેખાતો હું, ને સામે ચહેરે સાકી છે.
તું તારા પોતીકા કંઠે શ્વાસને ઢાળી ગાજે ‘સૂર’,
રાગની ચિંતા નહિ કરવાની ‘કેદારો’ યા ‘કાફી’ છે?
– સુરેશ પરમાર ‘સૂર’
‘સાખી’ શબ્દ ‘સાક્ષી’નું તદ્ભવ રૂપ છે અને ‘સાક્ષી’ શબ્દ ઉતરી આવ્યો છે ‘સાક્ષ્ય’ પરથી, જેનો અર્થ થાય છે પ્રત્યક્ષ જ્ઞાન. અર્થાત્ એ જ્ઞાન જે સહુ જોઈ શકે છે અથવા પામી શકે છે. પણ સાખી કબીરના દોહામાં જ હોય એ જરૂરી નથી. વાત કરતાં આવડે તો ગઝલનો શેર પણ સાખી બરાબર હોઈ શકે. જાત અનુભવ વિના બધું નકામું એ જૂની અને જાણીતી વાતને કબીરની સાખી સાથે સાંકળતો મત્લા મને સ્પર્શી ગયો. સરવાળે આખી ગઝલ માણવા જેવી થઈ છે.
Permalink
June 20, 2023 at 7:25 PM by તીર્થેશ · Filed under ગઝલ, પારુલ ખખ્ખર
આખરી ક્ષણ છે, દીવાનો ઠાઠ વધતો જાય છે,
‘જીવવું છે,જીવવું છે’- જાપ વધતો જાય છે.
જીવ ચાંચૂડી ઘડાવીને થઈ જા સાબદો!
ઊડવું પડશે, દિશાનો દાબ વધતો જાય છે.
હણહણે છે પણ નથી છોડી શક્યો ઘોડારને,
એક ડગ ચાલ્યો નથી ને થાક વધતો જાય છે.
ઘાસ,પીંછા,ફોતરા જેવો બધો સામાન છે,
તે છતાંયે પોટલાનો ભાર વધતો જાય છે.
કામળી તું ઓઢ ‘પારુલ’,કાં સ્વીકારી લે હવે,
જે હતો ટપકું કદી, એ ડાઘ વધતો જાય છે.
– પારુલ ખખ્ખર
દરેક શેર એક ઊંડા અર્થથી સભર છે. જેમ કે ચોથો શેર – આમ જૂઓ તો કોઈપણ સરસામાનનો કોઈ મતલબ નથી-એક દિવસ બધું અહીં જ રહી જવાનું છે, પણ “પોટલાનો ભાર” એટલે કે મમત્વ વધતું જ જાય છે…. બીજા અર્થમાં – સમજણ એક પાઈની નથી આવી મારામાં, જે સમજણ છે એવું ભાસે છે તેનું કોઈ વજૂદ નથી. પણ મારા અહંકારના પોટલાનો ભાર વધતો જ જાય છે….
Permalink
June 17, 2023 at 11:06 AM by વિવેક · Filed under ગીત, યોસેફ મેકવાન
આપણામાં સમજણનો દરિયો જો હોત –
તો છીછરા પાણીમાં આમ અધવચ્ચે ડૂબ્યાં ના હોત!
તડકાની મહેક તારી આંખોમાં છલકતી’તી
ચાંદની શા મહેક્યા’તા શ્વાસ.
હળવી હવાને એક હિલ્લોળે પાન ખરે
આપણો એમ છૂટ્યો સહવાસ!
પછી અમથુંયે જોયું નહિ, અમથુંયે બોલ્યાં નહિ
આમ અમથુંયે રૂઠ્યાં ના હોત….! આપણામાં…
ઝરમરતી ઝીણેરી વાતમાંથી આપણે તો
આભલાનો ઓઢી લીધો ભાર,
હસ્યાં-મળ્યાંનાં બધાં સ્મરણોને મૂકી દીધાં
જીવતરના હાંસિયાની બહાર…!
કાશ! અહમના એકડાઓ વારંવાર આપણે
આમ, આંખોમાં ઘૂંટ્યા ના હોત…! આપણામાં
– યૉસેફ મૅકવાન
કહે છે કે ખરું ગીત તો મુખડામાં શરૂ થઈ મુખડામાં જ પૂરું થઈ જાય. આ વાત પ્રમાણવી હોય તો પ્રત્યક્ષ ગીત એનું ઉત્તમ ઉદાહરણ છે. કવિ કહે છે કે આપણી અંદર જો સમજણનો દરિયો હોત તો આપણે છીછરા પાણીમાં આ રીતે અધવચ્ચે ડૂબી ગયાં ન હોત. ‘દરિયો,’ છીછરા’ અને ‘અધવચ્ચે’ –આ ત્રણ શબ્દો અહીં કી-વર્ડનું કામ કરે છે. પરસ્પર માટે દિલમાં સાચો પ્રેમ હોવા છતાં લાંબો સમય ટક્યા બાદ સમ્-બંધ તૂટે એ અવઢવના તાંતણે કવિએ શબ્દોના મોતી પરોવી મજાની માળા રચી છે.
સમજણ વિના કોઈ સગપણ ટકતું નથી પણ સગપણ ટકાવવું હોય તો આછીપાતળી સમજણ ન ચાલે, સમજણનો દરિયો ભર્યો હોવો જોઈએ બંનેમાં. દરિયો વિશાળતા અને ગહનતા-ઉભયનું પ્રતીક છે. દરિયા જેવી સમજણ ભીતરમાં ભંડારી ન હોય એ સંબંધ ટકી રહ્યા હોય તોય પ્રાણવંતા તો નહીં જ હોય. ગીતની શરૂઆત ‘આપણામાં’ શબ્દથી થાય છે, એનો અર્થ એ કે આ સમજણ કોઈ એક વ્યક્તિમાં હોત તોય ચાલવાનું નહોતું. સંબંધ તૂટ્યાનો બોજ કોઈ એકજણ ઉપર નાંખી દેવાને બદલે કવિ જ્યારે ‘આપણામાં’ કહીને દાખલો માંડે છે ત્યારે એ વાત સાફ છે કે બંનેમાં સમજણ હોવી અનિવાર્ય હતું. અસીમ-ઊંડી સમજણ કેળવવામાં બે જણ નિષ્ફળ જાય ત્યારે છીછરા પાણીમાં અધવચ્ચે ડૂબવાની નોબત આવે.
Permalink
June 16, 2023 at 10:58 AM by વિવેક · Filed under ગઝલ, રિન્કુ રાઠોડ ‘શર્વરી’
યુગોના તપ પછી હૈયામાં જે ફૂટી’તી સરવાણી— એ મારી આંખનું પાણી,
ભગીરથ દ્વારા સ્વર્ગેથી ધરા પર જે નદી આવી— એ મારી આંખનું પાણી.
તમે તો પાપ પોકારી, ધરમનો માર્ગ પકડીને થયા છો પીર જેસલજી,
સતી તોળાંદે લઈ ગ્યાં જેમાં ભવની નાવ હંકારી— એ મારી આંખનું પાણી.
થયું મંથન સમુંદરનું, મળ્યા’તા કિંમતી રત્નો, હતું સાથે હળાહળ પણ;
બધા વચ્ચે ઘડામાં લઈને જે ઊભી હતી નારી— એ મારી આંખનું પાણી.
જતન, સચ્ચાઈ, હિંમત, પ્રેમને ભેગાં કર્યાં જ્યારે, બન્યું છે સ્ત્રીહૃદય ત્યારે;
વિધાતા લેખ લખવા એટલે જે વાપરે શાહી— એ મારી આંખનું પાણી.
ભર્યા દરબારમાં વસ્ત્રાહરણ વેળા વહ્યું’તું દ્રોપદીની ચીખમાંથી જે,
પછીથી કાળ થઈને કૌરવોને લઈ ગયું તાણી— એ મારી આંખનું પાણી.
હતું ધિંગાણે ચડવાનું અને માભોમ કાજે પ્રાણ દેવાનો હતો વારો,
વીરોએ પીધી’તી ત્યારે કહુંબાની ભરી પ્યાલી— એ મારી આંખનું પાણી.
— રિન્કુ રાઠોડ’શર્વરી’
કેટલીક રચનાઓ કવિની ઓળખ બની જતી હોય છે. કવિનું નામ બોલીએ અને એમની સિગ્નેચર પોએમ તાદૃશ થઈ ઊઠે. રિન્કુ માટે આ રચના એવી જ કૃતિ છે. છમાંથી ચાર શેરમાં આપણી પુરાકથાઓના સંદર્ભ સાથે સ્ત્રીના આંસુઓને કવયિત્રીએ બખૂબી સાંકળી લીધા છે. આ સંદર્ભો કાળાનુક્રમિક ગોઠવાયા હોત તો ગઝલનું સૌંદર્ય કદાચ ઓર નિખર્યું હોત. સામાન્ય લાગતા છ વિધાન અંતે ‘એ મારી આંખનું પાણી’ રદીફ ઉમેરાતાં જ અસામાન્ય અને આસ્વાદ્ય બની રહે છે. સામાન્યરીતે ગઝલોમાં પ્રયોજાતી અનૂઠી રદીફ લટકણિયું બનીને રહી જતી જોવા મળે છે, જ્યારે અહીં રદીફ ગઝલમાં એવી તો ચપોચપ બેસી જાય છે, કે એને બાદ કરો તો કદાચ ગઝલ સામાન્ય બનીને રહી જાય. બધા જ શેર ફરીફરીને મમલાવવા ગમે એવા.
Permalink
June 15, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવેશ શાહ 'શહેરી’
વિવશતા માપવા માટે એ સહેજ દૂર ગયાં,
કે પાસ આવવા માટે એ સહેજ દૂર ગયાં.
જુલમ કરેલો ખરેખર તો ખુદની જાત પરે,
મને સતાવવા માટે એ સહેજ દૂર ગયાં.
ગણતરી ખોટી પડી, ધારણાથી ઊંધુ થયું,
મમત ઘટાડવા માટે એ સહેજ દૂર ગયાં.
નજીક આવતાંવેંત જ નજર ઝૂકે તો શું થાય,
ધરાર તાકવા માટે એ સહેજ દૂર ગયાં.
પછી તો જાણ થઈ, એની ઓળખાણ થઈ,
પ્રણય પિછાણવા માટે એ સહેજ દૂર ગયાં.
— ભાવેશ શાહ ‘શહેરી’
સરળ લાગતા શેરોમાં કવિએ સંબંધનું સરવૈયું આબાદ કાઢી આપ્યું છે. દૂર જવાને પ્રિયા પાસે આમ કોઈ કારણ નહોતું, કારણ કે બે જણ વચ્ચે પાંગરેલ સંબંધથી કદાચ બંને પક્ષ સંતુષ્ટ જ છે. પ્રણય અને પ્રાપ્તિની ચરમસીમાએ પણ માનવસ્વભાવ શંકાથી પૂર્ણપણે પર નથી રહી શકતો એય જો કે હકીકત છે. અને પુરુષનો સ્વભાવ જ મૂળે ભ્રમરવૃત્તિવાળો. એટલે સ્ત્રી સાશંક તો રહેવાની જ. પોતે બહુ નજીક હોવાથી પ્રેમીની ખરી મનોસ્થિતિનો ખરો તાગ મળતો નથી એ વિચારે પ્રિયતમા સહેજ દૂર જાય છે. ‘સહેજ’ શબ્દ પરથી નજર હટી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. મરીઝે કહ્યું હતું ને, ‘જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.’ દૂર તો જવું છે પણ એટલા નહીં કે પુરુષ પરથી નજર જ હટી જાય અથવા એને બીજે ક્યાંય નજર કરવાની તક મળી જાય. આખી ગઝલ આ સહેજ દૂર જવા પાછળના કારણોનું મજાનું પૃથક્કરણ છે. આસાન જણાતી ભાષામાં કવિએ સંબંધની સંકુલતાની નાડ પકડી બતાવી છે.
મિસરાના અંતે ‘ગયા’ના માથે અનુસ્વાર મૂકાયું છે એ અનુસ્વાર એ વાત પર મતું મારે છે કે ‘એ’ સર્વનામ એક સ્ત્રી માટેનું આદરવાચક સંબોધન છે. સ્ત્રી મોટી વયની હોય અથવા તુંકારે સંબોધન ન કરવું હોય ત્યારે ‘ગઈ’ના સ્થાને ‘ગયા’ વપરાય. પણ માથે અનુસ્વાર મૂકીને ‘ગયાં’ કહો એટલે એ માનાર્થે પ્રયોગ કર્યો ગણાય.
Permalink
June 10, 2023 at 10:52 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
અંગતના મૃત્યુ ટાણે જે કોરી રહી શકે,
ફિલ્મોનાં દશ્ય જોઈ એ આંખો રડી શકે.
રહેવા ભલેને ઘર નથી, પણ ઘરનું સ્વપ્ન છે,
ફૂટપાથ પરનાં બાળકો ઘર-ઘર રમી શકે.
સંબંધમાંથી પાછા હટી જઈને બે કદમ,
જીવનમાં એ રીતે ઘણા આગળ વધી શકે.
માણસને જાણવો ઘણો મુશ્કેલ છે, પ્રભુ!
ચહેરો હૃદય પ્રમાણે બનાવી નહીં શકે?
દુશ્મનના દુશ્મનોને બનાવે છે મિત્ર તો,
દુશ્મનને કેમ મિત્ર બનાવી નહીં શકે?
– હરીશ ઠક્કર
ગઝલનો મત્લા પહેલી નજરે કોઈ સાવ ઉપલક વાત કહેતું હોય એવો લાગે, પણ આ જ કવિની ખાસિયત છે. સરળ દેખાતા શેરની અંદર એ જાળવીને સત્ત્વ છૂપાવી દે છે. હળવેથી શેર ઊંચકો નહીં તો એ સત્ત્વ ચૂકી જવાની પૂરી ગેરંટી. પથ્થરની ભીતર છૂપાયેલા ઝરણાંની આ વાત છે. પ્રસંગોપાત જે માણસ સંવેદનહીન લાગતો હોય એ માણસની અંદર પણ ક્યાંક તો લાગણીની લીલપ છૂપાયેલી જ હોવાની. ત્રીજો શેર હાંસિલ-એ-ગઝલ શેર છે. આપણામાંથી મોટાભાગના લોકો સંબંધમાં પડતી ગાંઠમાં જ બંધાઈને અટકી જતાં હોઈએ છીએ, પરિણામે સંબંધ તો ટકી રહે છે, પણ એમાં પ્રાણ નથી હોતા અને જીવન આગળ વધવાનું બંધ કરી દે છે. મૃતપ્રાય સંબંધોની લાશ ખભે ઊંચકીને ફર્યે રાખતો માણસ વિક્રમાદિત્યની જેમ વડ અને સ્મશાન વચ્ચેના ફેરાઓમાં જ અટવાઈ રહે છે. એને ખભેથી ઊતારી જે મુક્ત થઈ શકે છે, એ જ સાચેસાચ જીવનમાં આગળ વધી શકે છે. બે જ પંક્તિમાં કેવી અદભુત અને ગહન વાત! વળી, પીછેહઠ સાથે આગેકૂચને સાંકળીને કવિએ ભાષાની પાસે પણ આબાદ કામ કઢાવ્યું છે. છેલ્લો શેર પણ કાબિલે-દાદ થયો છે.
Permalink
June 9, 2023 at 11:29 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ
*
ઘણી લાંબી પ્રતીક્ષા, કાકલૂદી બાદ આવ્યો છે,
ધરાને તૃપ્ત કરવા લે, હવે વરસાદ આવ્યો છે.
ન કોઈ મોર ટહુકા, ના કોઈ પંખી-પતંગિયાઓ,
છતાં પણ બાગમાં કેવો ગજબ ઉન્માદ આવ્યો છે!
ભરોસો છે મને માનવ હજી તારા ઉપર પૂરો
એ સંદેશો ખુદાનો આભથી આબાદ આવ્યો છે.
ખુલા આકાશ નીચે તરબતર થાવું ને ભીંજાવું,
પ્રથમ એ સ્પર્શનો કિસ્સો ફરીથી યાદ આવ્યો છે.
ન ચાલે કંઈ જ પણ તપતા સૂરજનું વાદળો વચ્ચે,
નઝારો આભમાં દિવસો પછી એકાદ આવ્યો છે.
– ઉર્વીશ વસાવડા
લયસ્તરો પર કવિશ્રીના પાંચમા ગઝલસંગ્રહ ‘સમયનો દીવો’નું સહૃદય સ્વાગત…
ઉનાળો લાંબા સમયથી અકળાવી રહ્યો છે અને આગના જંગલમાં એકાદ-બે ટીપાં પાણી જેમ કંઈ કામનાં સિદ્ધ ન થાય એવા છૂટાછવાયાં માવઠાંની નિરર્થકતાને લઈને એક-એક માણસ વાદળ ક્યારે વરસવું શરૂ કરે એની રાહ જોઈ રહ્યો છે. એમાંય આ વખતે તો ચોમાસું પણ લંબાયું છે. વરસાદ જ્યારે પણ આવવો શરૂ થશે ત્યારે દરેક દિલમાંથી જે વાણી નીકળશે એને કવિએ ગઝલની સરવાણીમાં આબાદ ઝડપી છે. ગઝલ સહજ-સાધ્ય હોવાથી ગઝલના વરસાદ અને ભાવકની વચ્ચે અમસ્તું રેઇનકોટ બનીને આડા આવવું નથી… આજે તો બસ, એમ જ ભીંજાઈએ….
Permalink
June 8, 2023 at 10:51 AM by વિવેક · Filed under ગીત, હરીશ મીનાશ્રુ
હરડે ફાકે છે તોય કરવા પડે છે બ્રાહ્મમહુરતમાં લોમ અનુલોમ
એ ઘડીએ તોંદ ઉપર ફેરવીને હાથ બોલે પંડ્યાજી ‘ૐ હરિ ૐ’
દાઢ દુખે મંમદની, ઉપ૨ સે બીબડી ભી
કરતી હે રોજ પરેશાન
વિઠ્ઠલ તો વાંઢાવિલાસી, આ મામલામાં
એને છે ઊંડું ગનાન
મુદ્દા છે નાયગરા-વાયગરા, મૂસળી, આ ઢળતી જવાની ને જોમ
બહુચરાનો સેવક આ ચંદુડિયો અમથો કાં કૂદી પડે કરતો યા હોમ
દાક્તર તો ગુમ, હેલ્થ સેન્ટરમાં પશલો
તે ફુલ્લ ટાઈમ એમ્બીબીએસ
ડાબા ઢગરાને સ્હેજ ઊંચો કરીને મુખી
છોડે પેટાળ થકી ગેસ
માગશરમાં માવઠું કે મેંઢક ના હોય તોય ચોરામાં ગડગડતું વ્યોમ
ચૌદશિયા જીવોને પ્રિય અતિ ચા ભેગી ચોવટ, દેવોને જેમ સોમ
ભગલો ભગાવે ફૂલસ્પીડે એનો ઉસ્તરો
ને ઓચિંતો આવે જો બમ્પ
દુનિયાનું દાઢું છોલાય, ઊડે છોતું
ફટકડીને ફેરવી લે ટ્રમ્પ
વતું ને વાત પૂગે રામના અયોધ્યાથી પોપજીના વેટિકન રોમ
નીચી મૂંડીએ લોક ઘઉંના જવારા જેમ મૂંડાવે કેશ દોમ દોમ
ગામ આખું જાણે: ફલાણીની ખડકીમાં
ખાતું ખોલ્યું છે કોણે ભૂતિયું
લબદાયું સબિસડીવાળી એ ભગરીના
પોદળે તલાટીનું જૂતિયું
નવરી બજા૨, એમાં સંપીને વાળે નખ્ખોદ આમ પચરંગી કોમ
એ ઘડીએ તોંદ પર ફેરવીને હાથ બોલે પંડ્યાજી ‘ૐ હરિ ૐ’
– હરીશ મીનાશ્રુ
ગુજરાતી કવિતામાં બહુ ઓછા કવિ ભાષાને પોતાની મૌલિક અને આગવી શૈલી વિકસાવીને અછોઅછો વાના કરી શક્યા છે. રાજેન્દ્ર શુક્લની રચના નીચે કવિનું નામ ન લખ્યું હોય તોય ફતાક કરતુંકને કહી શકાય કે આ રચના એમની છે. આવું જ શ્રી હરીશ મીનાશ્રુની કવિતા વિશે પણ કહી શકાય. માણસનો મૂળ સ્વભાવ પંચાતિયો. પોતાના દુઃખ ભૂલવાનો સૌથી સહેલો ઉપાય કોઈ હોય તો એ પારકી પંચાત. ગામેગામમાં વ્યાપ્ત નવરી બજારનું એક ખૂબ જ મજાનું અને હળવુંફૂલકું ચિત્ર કવિએ એમની અનોખી શૈલીમાં રજૂ કર્યું છે.
કબજિયાતથી શરૂ કરી હજામત સુધીની રોજબરોજની ક્રિયાઓને કવિએ મંદમંદ સ્મિત આપણા હોઠ પર રેલાવ્યે રાખે એવી રીતે રજૂ કરી છે. રાત્રે હરડે ફાકવાથી લઈને બ્રાહ્મમુહુર્તમાં પ્રાણાયમ કરવા સુધીના ઉપાય કર્યા બાદ પણ પેટ સાફ ન થાય ત્યારે છેવટે માણસ ભગવાનને પણ કષ્ટ આપવાનું ચૂકતો નથી. આમ, માનવસ્વભાવ અને ભગવાન સાથેના એના નિતાંત સ્વાર્થી સ્વભાવ ઉપર માર્મિક કટાક્ષ સાથે કવિ ગીતનો ઉપાડ કરે છે. મહંમદની દાઢ દુઃખે છે એ ઓછું હોય તેમ એની બીબી પણ રોજેરોજ એનો જીવ લેવામાં કસર છોડતી નથી અને મૂળભૂત ભારતીય સંસ્કાર પ્રમાણે વાંઢો વિઠ્ઠલ લગ્નજીવન વિશે ઊંડુ જ્ઞાન ધરાવતો હોવાથી મહંમદને ઈલાજ પણ સૂચવે છે. ઢળતી જવાનીમાં પૌરુષી જોમ બરકરાર રાખવા માટે વાયગ્રા અને મૂસળીપ્રયોગ સૂચવાય છે, એ જ્ઞાનપિરસણીમાં બહુચરાજીનો ભક્ત ચંદુ પણ વણનોતર્યો યા હોમ કરતોક કૂદી પડે છે.
હેલ્થ સેન્ટરમાં તબીબની ગેરહાજરી અને કમ્પાઉન્ડરની મનમાનીનું ચિત્ર રજૂ કરી કવિએ ગામોમાં મૂળભૂત જરૂરિયાતોના અભાવની નસ બરાબર પકડી છે. દેવોને જેમ સોમરસ વહાલો છે એમ ગામના ચૌદશિયાઓને ચોવટ-પંચાત પ્રાણપ્યારી છે. હજામની દુકાન એટલે ગામનું અખબાર. વતુ અને વાતુંના તાણાવાણાથી વાળંદ દેશ-દુનિયાનું પોત વણે છે. ઝાડનું એક પાંદડુંય હલે તો ગામ આખાને એની જાણકારી મળી જાય એવું જબરદસ્ત નેટવર્ક ગામોમાં જોવા મળે છે. ગમની પચરંગી કોમ નવરી બજારમાં કઈ કઈ રીતે અનેર કેવું કેવું નખ્ખોદ વાળે છે એનું પચરંગી ચિત્ર કવિએ તાદૃશ રજૂ કર્યું છે…
Permalink
June 3, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જયેન્દ્ર શેખડીવાલા
તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે
જીવત૨ સુક્કાતું ભૂંસાતું ઝરણું જાણીએ રે
અમને આંસુ રે કીધાં આંખના પાણીએ રે
ક્હીને પાણીએ પ્હેરાવી વાણીસે૨ રે
તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે
વાયસ ઊડ્યા રે કંઠેથી લઈને વાયકા રે
અમને સાંભરે કૂ…હુ….ક – કાળી ગાયકા રે
ગાયક! અમાસો જમાડું અંધાર ઘેર રે
તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે
મનના જ૨જ૨ દુ૨ગ ખરખર કાંકરી રે
અમને ખભે લઈ ઊઠી છે ટચલી આંગરી રે
તમને કાંગરે ઉગાડું પીપળ પેર રે
તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે
– જયેન્દ્ર શેખડીવાળા
પ્રસ્તુત ગીતમાં પ્રવેશ કરવાની કૂંચી એનું શીર્ષક ‘ઝૂરણ મરશિયો’ છે. મરસિયો એટલે મૃત્યુ પછી ગવાતું શોકગીત. મૃતકને હાર પહેરાવવાનો રિવાજ છે. પણ કવિ ટહુકા પહેરાવવાનું ઇજન આપે છે અને તેય હાથણીભેર… ટબુકડા પંખીના કંઠેથી નીકળતા સાદને હાથણીના વિરાટકાય સ્વરૂપ સાથે સાંકળી લઈને વિરહ અને પ્રણયની પરાકાષ્ઠા એક જ પંક્તિમાં કવિએ કેવી આબાદ રજૂ કરી છે!
જીવનનું ઝરણું ન માત્ર સૂકાઈ રહ્યું છે, અસ્તિત્ત્વના નકશા પરથી ભૂંસાઈ પણ રહ્યું છે. નાયક વિરહજળમાં એ હદે ડૂબ્યો છે કે આંખમાંથી વહેતાં પાણીની સેર એને જ આંસુ ગણે છે અને નાયક આંસુ હોય તો આંખમાંથી વહેતાં આંસુ કંઠહાર બની રહે છે. આંસુ જ વિરહની વાણી છે એટલે કવિ એને વાણીસેર જેવી અનૂઠી પણ સચોટ ઉપમા આપે છે.
જનાર તો પાછળ વાયકાઓ મૂકીને ચાલી ગઈ. કાગડાનું પ્રતીક આપણે ત્યાં મૃતકના આત્મા સાથે જોડાયેલ છે. કવિ બેને જોડીને પત્નીના કોકિલકંઠને યાદ કરે છે. મૃત્યુના કાળા અંધારા માટે કવિ કાજળઘેરી અમાસનું રૂપક પ્રયોજે છે. અમાસનું બહુવચન કરી તમસને વળી ઓર ગાઢું કરે છે. કવિ મૃત્યુને વહાલું કરી જનારને અંધારું પીરસવા પણ તૈયાર છે, જો જનાર પાછું ફરવા તૈયાર હોય તો.
મનનો કિલ્લો જર્જરિત થઈ ગયો છે અને રાંગેથી કાંકરી ખરવા માંડી છે. જીવતરનો ભાર જાણે ટચલી આંગળીના માથે આવી ગયો હોય એમ જીરવી શકાય એવો રહ્યો નથી. ગોવર્ધન અને કૃષ્ણની તર્જની પણ આ તબક્કે યાદ આવ્યા વિના નહીં રહે. દીવાલ ચીરીને ઊગવું પીપળાની પ્રકૃતિ છે. કવિ નાયિકાને પીપળની જેમ પોતાના જીવતરના જર્જરિત દુર્ગના કાંગરે ઉગાડવા તૈયાર છે. ટૂંકમાં, આ વિયોગ મૃત્યુએ કેમ ન સર્જ્યો હોય, કવિ મૃતક કોઈપણ પ્રકારે પરત ફરે એવી તીવ્ર આરતમાં વિલાપે છે.
Permalink
June 2, 2023 at 12:30 AM by વિવેક · Filed under ભક્તિપદ, ભજન, સરવણ કાપડી
પે’લે પિયાલે ભાંગી દિલની ભ્રાંત મારા વીરા રે!
એવા અજ૨ પિયાલા પૂરા સંત મારા વીરા રે!
અલખ સંતો ભાઈ,
આ રે કાયામાં એક આંબલિયો રે જી
કોયલ કરે છે કલોલ મારા વીરા રે!
સુવાતી કોયલનો સૂર રળિયામણો રે જી… અલખ સંતો ભાઈ.
આ રે કાયામાં એક ધોબી વસે રે જી
સતગુરુ ધૂવે રુદિયાનો મેલ મારા વીરા રે!
વણ રે સાબુ ને વણ પાણીએ રે જી… અલખ સંતો ભાઈ.
આ રે કાયામાં એક હાટડી રે જી
વસ્તુ ભરેલ અણમોલ મારા વીરા રે!
સુગરા હોશે તે વસ્તુ વો’૨શે રે જી… અલખ સંતો ભાઈ.
શીશને સાટે મારો સાયબો રે જી
ને સાયબો મોંઘે મોંઘે મૂલ મારા વીરા રે!
‘સરવણ કાપડી’ એમ બોલિયા રે જી… અલખ સંતો ભાઈ.
– સરવણ કાપડી
આપણી સમૃદ્ધ ભજનિક કવિઓની પરંપરામાં એક ઓછું જાણીતું પણ નોંધપાત્ર નામ સરવણ કાપડીનું પણ છે. સંતગુરુનો મહિમા કરતું આ ભજન સરળ શબ્દોમાં સીધું નિશાન તાકે છે. સત્ગુરુના હાથે જ્ઞાનનો પહેલો પ્યાલો મળતા માત્રમાં તમામ ભ્રમણાઓ પડી ભાંગે છે. ભીતરના આંબામાં વસતી કોયલનો રળિયામણો સૂર ગુરુની મદદ વિના કોણ સાંભળી શકે? સતગુરુ જ સાબુ-પાણી વિના રુદિયાનો મેલ ધોઈ આપશે. ભીતરની હાટડીમાં અણમોલ વસ્તુઓ ભરી પડી છે, પણ એના મોલ માથે ગુરુના આશિષ હોય એવા સુગરા વિના બીજું કોઈ કરી શકનાર નથી. સાહિબને પામવા માટે શિશ ધરી દેવાની તૈયારી હોવી ઘટે, એથી ઓછી કિંમતે સાયબો મળનાર નથી.
Permalink
June 1, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હિમલ પંડ્યા 'પાર્થ'
અર્થના કૂંડાળાંમાં અટવાય છે,
શબ્દ રોજેરોજ ગોથાં ખાય છે.
તું કહે છે એટલે માની લઉં,
તું કહે છે એ હંમેશાં થાય છે.
કોણ જાણે શું હવે દઈને જશે?
આ દશા સુખ-ચેન તો લઈ જાય છે.
આંસુઓએ બેધડક પૂછી લીધું-
એ જ રસ્તે કાં ફરીથી જાય છે?
આવવા જેવું જ ન્હોતું અહીં સુધી,
એ અહીં આવ્યા પછી સમજાય છે.
હું બીજું તો શું કહું એના વિશે?
ખોટ છે, ને ખોટ તો વરતાય છે.
– હિમલ પંડ્યા
આમ તો આખી ગઝલ આસ્વાદ્ય છે, પણ મારે મત્લા વિશે જ વાત કરવી છે:
કોઈને કોઈ રીતે અભિવ્યક્ત થવું એ માનવમનની અનિવાર્યતા છે. ભાષા નહોતી ત્યારે આદિમાનવ હાવભાવ અને ઈશારાઓથી પ્રત્યાયન સાધવાની કોશિશ કરતો. ક્રમશઃ બોલી અસ્તિત્ત્વમાં આવી અને પછી લેખન અને લિપિ શોધાતાં ભાષાને અ-ક્ષરદેહ સાંપડ્યો. દરેક શબ્દને આપણે અર્થના દાયરામાં બાંધી દીધો છે. કોઈપણ શબ્દ આપણે જે કહેવું છે એની નજીક સુધી જ લઈ જઈ શકે, પણ માનવમનના ભાવોને યથાતથ રજૂ કરી શકે એ ક્ષમતા કોઈ શબ્દમાં હોતી નથી. સમય સાથે શબ્દોના અર્થ અને ક્યારેક તો સ્વરૂપ પણ બદલાતાં રહે છે. ‘બિસમાર’ શબ્દનો મૂળ અર્થ તો ‘વિસ્મૃત’ કે ‘વિસારી મૂકેલું’ થાય છે, પણ સમય સાથે આ અર્થ જ વિસ્મૃત થઈ ગયો અને ‘બિસમાર’નો અર્થ ‘જીર્ણશીર્ણ થયેલું’ થવા માંડ્યો. શેક્સપિઅરના જમાનામાં ઓનેસ્ટ એટલે સારો માણસ, આજે એનો અર્થ થાય છે પ્રામાણિક. જેન ઑસ્ટિનના જમાનામાં સુંદર છોકરીને પણ હેન્ડસમ કહેતાં, આજે છોકરીને હેન્ડસમ કહો તો થપ્પડ પડે. આ જ વાત બહુ અસરદાર રીતે ગઝલના મત્લામાં રજૂ થઈ છે. શબ્દોને આપણે અર્થના કૂંડાળામાં પૂરી દીધા હોવાથી રોજેરોજ ગોથાં ખાય છે.
Permalink