વાતો ખાલી વાતો છે – સુરેશ પરમાર ‘સૂર’
વાતો ખાલી વાતો છે, જાત અનુભવ બાકી છે;
આ મત્લાને જો સમજો તો દાસ કબીરની સાખી છે.
પેલો સાચો, પેલો ખોટો, પેલાને કંઈ ભાન નથી;
સાલું મારું મન પણ કેવું ગામ આખાનું કાજી છે!
નિઃશબ્દે પહોંચો તો પામો વ્યાધિમાંથી છૂટકારો;
શબ્દોમાં બસ દુઃખ ભૂલવાની પીડા-શામક ફાકી છે.
માનો નહિ પણ કેવળ બે જણ બેઠા છે મયખાનામાં;
વાંસેથી દેખાતો હું, ને સામે ચહેરે સાકી છે.
તું તારા પોતીકા કંઠે શ્વાસને ઢાળી ગાજે ‘સૂર’,
રાગની ચિંતા નહિ કરવાની ‘કેદારો’ યા ‘કાફી’ છે?
– સુરેશ પરમાર ‘સૂર’
‘સાખી’ શબ્દ ‘સાક્ષી’નું તદ્ભવ રૂપ છે અને ‘સાક્ષી’ શબ્દ ઉતરી આવ્યો છે ‘સાક્ષ્ય’ પરથી, જેનો અર્થ થાય છે પ્રત્યક્ષ જ્ઞાન. અર્થાત્ એ જ્ઞાન જે સહુ જોઈ શકે છે અથવા પામી શકે છે. પણ સાખી કબીરના દોહામાં જ હોય એ જરૂરી નથી. વાત કરતાં આવડે તો ગઝલનો શેર પણ સાખી બરાબર હોઈ શકે. જાત અનુભવ વિના બધું નકામું એ જૂની અને જાણીતી વાતને કબીરની સાખી સાથે સાંકળતો મત્લા મને સ્પર્શી ગયો. સરવાળે આખી ગઝલ માણવા જેવી થઈ છે.
કમલ પાલનપુરી said,
June 22, 2023 @ 11:36 AM
મત્લા ખૂબસરસ
આખી રચના ગમી
સાખી વાળી વાત ગમી
ખૂબસરસ રચના
દિનેશ ડોંગરે નાદાન said,
June 22, 2023 @ 12:59 PM
સુરેશ પરમારની ગઝલમાં તસવ્વુફનો રંગ અધિકાંશ જોવા મળે છે. એમની ગઝલમાં ગંભીર ચિંતન અને શેરીયત નો સમન્વય સધાય. હું એમની લગભગ તમામ ગઝલોમાં થી પસાર થયો છું આ ગઝલ પણ એનું ષ ઉત્તમ પ્રમાણ છે.
વિક્રમ ખિડકીકર said,
June 22, 2023 @ 1:32 PM
સુરેશભાઈની ગઝલ ચિંતનાત્મક હોય છે. તેમની ગહન સાધના ધ્યાન શબ્દસ્વરુપે રચાય છે.
લોકો ચોરે ને ચૌટે ક્ષણે ક્ષણે શાણપણની વાતો સલાહ સુચનો કરતા જોવા મળે છે પણ ૧% જેટલુ પણ પોતાનામાં ગ્રહણ કરેલુ હોતું નથી. આ વાતને કેટલી સરળતાથી સૂર સાહેબે કરી છે!!!
Bharati gada said,
June 22, 2023 @ 2:11 PM
વાહ ખૂબ સુંદર ગઝલ, ખૂબ સરસ આસ્વાદ
શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' said,
June 22, 2023 @ 4:26 PM
ખુબ સરસ ચિંતનાત્મક ગઝલ..સુંદર શબ્દોનું ચયન આદરણીય સુરેશભાઈ
pragnajuvyas said,
June 22, 2023 @ 9:29 PM
ડૉ વિવેકનો ખૂબ સ રસ આસ્વાદ સાથે કવિશ્રી સુરેશ પરમાર ‘સૂર’ની તસવ્વુફ રંગી ગઝલ માણતા યાદ આવે
ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે! ખલીલ ધનતેજવી
સૂફી તસવ્વુફના સિદ્ધાંતોમાં પહેલી બાબત છે કે: ‘શુકર ગુઝાર બન્દે કભી ભી શિકાયત નહીં કરતે…’ અને બીજી બાબત છે: ‘સબ્ર બખુશી હો, બમજબુરી ન હો વાત તેમના દરેક શેરમા મણાય છે.
મક્તા તું તારા પોતીકા કંઠે શ્વાસને ઢાળી ગાજે ‘સૂર’,
આ પ્રેમની વાત વધુ બોલાતા અને ઓછામાં ઓછા સમજાતા આ શબ્દ ચર્ચામાં હરહંમેશ હાજર, પણ આચરણમાં ભાગ્યે જ! ત્યારે સૂરજી કહે છે-રાગની ચિંતા નહિ કરવાની ‘કેદારો’ યા ‘કાફી’ છે?
Harihar Shukla said,
June 23, 2023 @ 11:18 AM
સરસ ગઝલ
આ મત્લાને … જરા મુખર મિસરો લાગ્યો.
Sandip Patel Kasak said,
June 23, 2023 @ 3:38 PM
ખૂબ સુંદર ગઝલ સાથે અસરકારક આસ્વાદ…
Poonam said,
June 29, 2023 @ 8:04 PM
વાતો ખાલી વાતો છે, જાત અનુભવ બાકી છે;
આ મત્લાને જો સમજો તો દાસ કબીરની સાખી છે.
– સુરેશ પરમાર ‘સૂર’ – Waah !
Aaswad saras sir ji.