કલ્પ્યો છે વિશ્વે જેને હજારો સ્વરૂપમાં,
‘સાહિલ’ એ જગનિયંતા નિરાકાર નીકળ્યો.
-સાહિલ

કહેવાય એમ ક્યાં છે? – યોગેશ પંડ્યા

તમને સ્મર્યાંનું કારણ કહેવાય એમ ક્યાં છે?
પાછું ફર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે ?

પાછો ફર્યો છું તેનું કારણ ધર્યું’તું મેં, પણ
કારણ ધર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે?

મારા જ હાથે ખુદની હસ્તી મિટાવી દીધી,
બાકી મર્યાનું કા૨ણ કહેવાય એમ ક્યાં છે?

કાય૨ નથી જ કિન્તુ રહેવું પડ્યું છે મૂંગું,
ભૂલો કર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે?

તેની કથાને વાંચી રોઈ પડ્યો’તો કિન્તુ
આંસુ ઝર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે?

અંગત છો, નહીં તો જાણું: ઉપવન ઉજાડ્યો કોણે?
ફૂલો ખર્યાંનું કારણ કહેવાય એમ ક્યાં છે?

– યોગેશ પંડ્યા

અલગ-અલગ પ્રકારની દુવિધાઓ જીવનનો ન નિવારી શકાય એવો હિસ્સો છે. ડગલે ને પગલે ડાબે જવું કે જમણેની દ્વિધા આપણને અસમંજસમાં મૂકતી રહે છે. ઘણીવાર કશું કર્યા કે ન કર્યા બાબતે જવાબ હોવા છતાં જવાબ આપી ન શકાય એવી પરિસ્થિતિમાં આપણે સહુ મૂકાતા હોઈએ છીએ. કારણ ખબર હોવા છતાં કારણ ન આપી શકાવાની લાગણીના અલગ-અલગ રંગોને કવિએ પ્રસ્તુત રચનામાં બખૂબી ઉજાગર કરી બતાવ્યા છે. પ્રસ્તુત રચના ઘાયલના ‘કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે’થી આપણને એક કદમ આગળ લઈ જતી હોવાનું અનુભવાયા વિના નહીં રહે.

9 Comments »

  1. Harihar Shukla said,

    June 23, 2023 @ 11:10 AM

    વાહ, સરસ ગઝલ👌

  2. લલિત ત્રિવેદી said,

    June 23, 2023 @ 11:30 AM

    વાહ વાહ

  3. નેહા said,

    June 23, 2023 @ 11:52 AM

    વાહ, મજાની કૃતિ.

  4. હર્ષદ દવે said,

    June 23, 2023 @ 1:51 PM

    સરસ રચના

  5. સુષમ said,

    June 23, 2023 @ 2:49 PM

    ” एक तरफ़ उस का घर, एक तरफ़ मयकदा ” ની પરિસ્થિતિનું સર્જન
    થાય ત્યારે “ગમ ભૂલવા” કે “ગમ દૂર કરવા” જેવા બીજા અનેક જવાબો હોવા છતાં આપણી અસમંજસ પરિસ્થિતિ કોઈ ઠોસ જવાબ આપવા માટે સમર્થ નથી હોતી. આ બાબતને પ્રત્યેક શૅરમાં અલગ અલગ ભાવનિરૂપણ દ્વારા કવિએ સુંદર ગઝલ રચી છે.
    અભિનંદન 💐

  6. pragnajuvyas said,

    June 23, 2023 @ 7:19 PM

    ‘ કારણ ખબર હોવા છતાં કારણ ન આપી શકાવાની લાગણી’ અંગે અનેક રચનાઓ છે
    તેવી શ્રી યોગેશ પંડ્યાની મજાની રચના આવી લાગણી સ્વરમા માણો

  7. કમલ પાલનપુરી said,

    June 23, 2023 @ 7:29 PM

    વાહહહ
    ખૂબસરસ ગઝલ
    ઘાયલ સાહેબની યાદ આવી ગઈ…

  8. સિકંદર મુલતાની said,

    June 24, 2023 @ 2:06 PM

    વાહ..સરસ ગઝલ..

  9. Yogesh pandya said,

    June 27, 2023 @ 12:12 PM

    આપ સૌ મિત્રો નો ખુબ ખુબ આભાર.
    માનનીય શ્રી ડો.વિવેકભાઈ એ મારી રચનાને આ પ્લેટફોર્મ ઉપર મૂકી તો ધન્ય ધન્ય!
    તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું
    યોગેશ પંડયા,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment